Opinion Magazine
Number of visits: 9743498
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિગીત

રવીન્દ્ર પારેખ|Poetry|21 April 2023

હરિગીત — 1

0

દુનિયા લીધી દત્તક, પણ ના રહ્યા કદી સંગાથે,

હરિ, જોઈએ છૂટાછેડા મને તમારી સાથે …

માણસ જેવો માણસ પણ સેવાથી થાય છે ઈશ્વર,

પણ સેવાને બદલે રાખો તમે મને તો પથ્થર,

ગયા જનમનાં પાપ તે આવી પડ્યા છો મારે માથે …

હરિ, જોઈએ …

હરિ, હીંચકે લઈને બોલે, દેખાડું બ્રહ્માંડ,

અને ઉછાળે એમ કે પાછા ફરવાનું હો માંડ,

એમ ચકરડે ચડું કે લાગું હું જ ન મારે હાથે …

હરિ, જોઈએ …

હરિ, ચરણચંપી કરવાનું ભૂલી જવાયું ત્યારે,

એમ કરી ઉઘરાણી માથે હોય ન દેવું મારે !

આવામાં હું કેમ રહું જ્યાં નાથ ઊઠીને નાથે …

હરિ, જોઈએ …

0

હરિગીત — 2

હરિ, તમે અન્યાય કરો છો એમ ન રાખો ભાર,

હરિ, આપણો હસતાં રમતાં નભી જશે સંસાર …

હું જાણું છું તમે જમીનમાં રહીને ફોડો ઘાસ,

તમે ન હો તો કોઈ રીતે ના થાય હવાનો શ્વાસ,

આવાં અઘરાં કામ કરો તો હું ય કરું કંસાર …

હરિ, આપણો હસતાં રમતાં …

મેઘધનુમાં રંગ ભરો ને કરો છીપમાં મોતી,

ફૂલોમાં હો મ્હેક તમારી ને આંખોમાં જ્યોતિ,

આવાં ઝીણાં કામ કરો તો કેમ કરું તકરાર?

હરિ, આપણો હસતાં રમતાં …

હરિ, તમે હૈયે રાખો તો શૈયે રહું ન ક્યાંય,

તમે ભલેને વિશ્વે વ્યાપો, મને દો કેવળ ઝાંય,

હરિ, આટલો દો આધાર તો વરસું અનરાધાર,

હરિ, આપણો હસતાં રમતાં…

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

સુરત મનપાનું 27 માળનું વહીવટી ભવન 27 વર્ષ ટકશે કે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2023

રવીન્દ્ર પારેખ

1,344 કરોડને ખર્ચે સુરત મહાનગરપાલિકાનું 27 માળનું વહીવટી ભવન રિંગ રોડ પર સાકાર થવા જઇ રહ્યું છે ત્યારે મનપાને અને શહેરીજનોને ‘ધબકાર’ હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવે છે. આમ તો 27-27 માળની બે ઇમારતો બનવાની છે. તેમાંની પહેલીનું કામ જ્યાં જૂની સબજેલ હતી ત્યાં પૂરજોશમાં શરૂ થઈ ગયું છે, તે આનંદની વાત છે. તેનું કામ ક્યારે પૂરું થશે તેની માહિતી નથી, પણ તે ભવન તૈયાર થશે તો તે સુરત મહાનગરનું તો ખરું જ, પણ દેશનું પણ સરકારી આઇકોનિક બિલ્ડિંગ હશે એમ કહેવાય છે.

આ બિલ્ડિંગનાં પહેલાં ચાર માળ સુધી પોડિયમ હશે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પોડિયમ સાથે ઓફિસ પણ ખરી. ચાર ફ્લોરનું બેઝમેન્ટ પાર્કિંગ હશે, જેમાં ત્રણ ફ્લોર મનપાના સ્ટાફ અને ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માટે હશે ને એક ફ્લોર પર વિઝિટર્સનું પાર્કિંગ હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોર્પોરેશનનું ડેશ બોર્ડ, ટેલિફોન કંટ્રોલ રૂમ, પબ્લિક ડીલિંગ ઑફિસ … વગેરે હશે. પોડિયમનાં પહેલા માળે પગાર અને પેન્શન, પી.આર.ઓ., મલ્ટિ પર્પઝ હૉલ, સભાખંડ, કાફેટેરિયાનું આયોજન થશે. બીજો માળ એફોર્ડેબલ હાઉસિંગ સેલ, જી.એસ.ટી., એકાઉન્ટ સેકશન માટે હશે. ત્રીજા માળે મેયર સહિતના પદાધિકારીઓની ઓફિસ, ખાસ સમિતિના ચેરમેનની ઓફિસ, શાસક અને વિપક્ષનો કોમન રૂમ વગેરે હશે, તો ચોથા માળે મ્યુનિસિપલ કમિશનર, વિવિધ વિભાગના વડાનો, વિજિલન્સ સેક્શનનો સમાવેશ થશે. પાંચમા માળે ટેરેસ ગાર્ડન, લાઇબ્રેરી, કાફેટેરિયાનું આયોજન છે. છઠ્ઠા માળે ટાવર હશે જ્યાં કોર્પોરેશનનાં વિવિધ વિભાગોને જગ્યા ફાળવાશે. આ બિલ્ડિંગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઑફિસોને પણ સ્થાન હશે. 27 માળની આ સૌથી ઊંચી બિલ્ડિંગ હશે જેનાં 27માં માળે ફાયર વિભાગ કંટ્રોલરૂમ બનાવાશે જ્યાંથી શહેર પર નજર રખાશે.

એમ લાગે છે કે કશુંક અદ્દભુત થવા જઇ રહ્યું છે. એ થાય તેમ જરૂર ઈચ્છીએ, પણ તે સાંગોપાંગ પાર પડે તે અંગે શંકા રહે છે. આટલો તોતિંગ ખર્ચ કર્યા પછી થોડાં વર્ષમાં તે ફરી બાંધવું પડે એવું તો નહીં થાયને એવો સવાલ રહી રહીને થયા કરે છે, કારણ આ શહેરમાં ઇમારતો તો ભવ્ય બનતી દેખાય છે, પણ તેની આવરદા પુખ્ત ઉંમરે પણ પહોંચતી નથી તે દુ:ખદ છે. અઠવા લાઇન્સમાં સરગમ શોપિંગ સેન્ટર નામની અનેક મજલી વિશાળ ઇમારત એવી બંધાઈ કે તે ઘણાંને સરનામામાં નિશાની તરીકે સૂચવાતી હતી. તે ત્રીસેક વર્ષ પણ ન ટકી ને તેને ઉતારી લેવી પડી. એવી તો ઘણી ઇમારતો વીસ પચીસ વર્ષમાં જ ભોંય ભેગી કરવી પડી. સુરત સિટી કોર્ટનું બિલ્ડિંગ વીસેક વર્ષમાં ફરી બાંધવાનું થયું. ગાંધી સ્મૃતિ ભવન 1980માં બંધાયું ને 2017માં તે ચાર કરોડને ખર્ચે રીપેર થયું, પણ ન ટક્યું ને 2019માં અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવું પડ્યું. અત્યારે ત્યાં કૈં નથી. કોર્પોરેશનની જ આ ઇમારત ચાળીસ વર્ષ પણ ન ટકી. આ ઇમારતો કેમ ન ટકી તે કોઇથી અજાણ્યું નથી. એમાં વફાદારી પ્રમાણિકતા ને નિષ્ઠા સિવાય બીજાં તત્ત્વો જ સક્રિય રહ્યાંનું ધારી શકાય એમ છે. તે વગર આવાં બાળમરણો થાય નહીં. બાળમરણ એટલે કે શહેરમાં જ એવી ઇમારતો આજે ય છે, જે સૈકાઓ પછી પણ ટકોરાબંધ છે. અત્યારે ઠેર ઠેર મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગ્સ બંધાયે જ જાય છે, એની આવરદાનો વિચાર કરીએ તો મનમાં નિરાશા જ વ્યાપે છે, તે એટલે કે એ જરા ય સસ્તાં હોતાં નથી ને એ ખરીદવા જે લોકો આગળ આવે છે એમણે જીવ પર આવીને જેમ તેમ એની રકમ ભેગી કરી હોય છે, લાંબા ને મોટા હપ્તા ભરતાં એમની ચામડી તતડી ગઈ હોય ને થોડા વખતમાં ખબર પડે કે રહેણાંક વિસ્તાર બિસ્માર હાલતને કારણે ખાલી કરવાનો છે કે બિલ્ડિંગ ઉતારવાનું છે તો શી સ્થિતિ થાય એની કલ્પના જ કરવાની રહે છે. આવું પતન પ્રમાણિકતા કે નિષ્ઠાનાં અભાવમાં જ શક્ય છે.

આવાં તકલાદી કામોની સામે સૈકાઓથી ટકેલાં કોઈ તાજમહાલ, કોઈ લાલકિલ્લા, કોઈ મીનાક્ષી મંદિરને જોઈએ છીએ ત્યારે થાય છે કે કેવી રીતે ટકી હશે એ ઇમારતો આજ સુધી? દેલવાડાનાં દેરાં તો આબુ પર્વતે થયાં. ત્યારે કોઈ સડકો કે વાહનોની સગવડ પણ ન હતી, તો કેવી રીતે એટલી ઊંચાઈએ હાથીઓ મારફતે આરસ ઉપર ચડાવ્યો હશે? શું ઉમેર્યું હશે એ બાંધકામમાં કે એ મંદિરો આજે પણ માખણ જેવા આરસની કવિતા ગાતાં આકર્ષે છે? ત્યારે તો કદાચ સિમેન્ટ પણ ન હતી, તો સાગોળ ઉપરાંત શું ઉમેરાયું હશે ત્યારની ઇમારતોમાં તે નથી સમજાતું. આજની એન્જિનિયરિંગની ડિગ્રી પણ તે વખતના બાંધનારાઓ પાસે ન હતી. એન્જિનિયરો આવ્યા પછી ઇમારતોની આવરદાના પ્રશ્નો ઊભાં થયા. તે પહેલાં તો કોઈ ટેક્નોલોજી કે ટેકનિક પણ નહીં હોય ને ઇમારતો ખડી થઈ હશે. બીજું તો અનુમાન નથી થઈ શકતું, પણ તે વખતે જે સાધન શુદ્ધિ હતી, ઈમાનદારી ને કામ પ્રત્યેની નિષ્ઠા હતી, તે આજે શોધી જડતી નથી. એવું નથી કે એ મોગલ રાજાઓની જ સ્થાપત્ય પ્રીતિ હતી કે એ દિલ્હી પૂરતી જ સીમિત હતી, એ ઠેર ઠેર હતી.

સુરતની જ વાત કરીએ તો એનો કિલ્લો ખુદાવંદખાને 1540-41માં બાંધ્યો. કિલ્લાના પથ્થરોની વચ્ચે સીસું પૂર્યું ને ઇમારતને લોખંડી મજબૂતી મળી. આ ઉપરાંત ચિંતામણિ જૈન મંદિર, જૂનું અંબાજી મંદિર જેવાં કૈં મંદિરો 300-400 વર્ષથી આજે પણ ધર્મધ્વજ લહેરાવતાં ઊભાં છે. સુરત જિલ્લાના જ મહુવામાં 1,050 વર્ષ જૂનું પાર્શ્વનાથનું જૈન મંદિર પણ અકબંધ ઊભું છે. એન્ડ્રૂઝ લાઇબ્રેરી સુરતમાં જ છેને, પણ છે હજી ! એમ.ટી.બી. આર્ટસ કોલેજ અને પી.ટી. સાયન્સ કોલેજનાં મકાનો પણ શતાબ્દી ઊજવી ચૂક્યાં છે. જો એ મકાનો આજે પણ ટકીને હજી વધુ ટકવાની ખાતરી આપતાં હોય તો હવે એવું શું થયું છે કે આજની ઇમારત માટે મનમાં કોઈ શ્રદ્ધા નથી બેસતી? કેમ કોઈ પણ મકાનની ખરીદીમાં છેતરાવાની દહેશત કાયમ રહેતી હોય છે? પૂરી રકમ આપવા છતાં, પૂરું મકાન હાથમાં ન આવે એવું વિકસતી ટેકનોલોજીના જમાનામાં જ વધારે બન્યું છે. આ દહેશત સૈકાઓ પછી પણ, સ્વતંત્રતા પહેલાંની ઇમારતો માટે ભાગ્યે જ રહે છે તે આજના સંદર્ભે ઘણું બધું સૂચક છે !

દૂર શું જવું? આજની મહાનગરપાલિકાની ઇમારત પણ સૈકાઓ વટાવીને અનેક અવરજવરથી ધમધમે છે. એ ઇમારત મુગલસરાઈ તરીકે સુરતના કિલ્લેદાર ઇશાક બેગ યઝદી ઉર્ફે હકીકતખાને 1644માં બંધાવેલી. ત્યારે તે હુમાયુસરાઈ તરીકે ઓળખાયેલી જે પાછળથી મુગલસરાઈ તરીકે જાણીતી થઈ. આ સરાઈમાં હજયાત્રીઓ, વિદ્વાનો, કાજીઓ, ગરીબો ઉતરતા ને તેમને આ મુગલસરાઈમાં ત્રણ દિવસ મફત ઉતારો અપાતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અમલ શરૂ થયો ત્યાં સુધી મુગલસરાઈનો ઉપયોગ મુસાફરો માટે જ થતો રહ્યો. એ પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે કેદીઓ અને અટકાયતીઓને પણ એમાં રખાયા. 1869 સુધી તેનો કાચી જેલ તરીકે ઉપયોગ થયો. 1852ની 23 એપ્રિલે કલેકટર રોજર્સે નાનપરા પોસ્ટ ઑફિસનાં મકાનમાં સુરત સુધરાઈની સ્થાપના કરી. જો કે કોર્પોરેશનની ડાયરી એ સ્થાપનાની તારીખ 15 મે, 1852 જણાવે છે. આ સુધરાઇ 1867માં આજે જ્યાં મુગલીસરામાં મનપાનું મકાન છે, ત્યાં ખસેડવામાં આવી. 1 ઓકટોબર 1966થી પાલિકા, સુરત મહાનગરપાલિકા બને છે. આ મહાનગરપાલિકા રિંગ રોડ પર 27 માળનું ભવન તૈયાર થશે તો ત્યાં સક્રિય થશે, પણ એ તો થાય ત્યારે વાત. અત્યારે તો મુગલીસરા જ તેનું સરનામું છે.

સાચું તો એ છે કે આજની મહાનગરપાલિકા લગભગ બસોથી પણ વધુ વર્ષ જૂનાં મકાનમાં શરૂ થઈ અને તે પછી પણ દોઢસોથી વધુ વર્ષ સક્રિય રહી, ત્યારે એ પ્રશ્ન થાય જ છે કે આટલાં વર્ષ ટકવાની કોઈ ખાતરી 27 માળની નવી ઇમારત આપી શકે એમ છે કે એ પણ આજનાં પચીસ ત્રીસ વર્ષની આવરદાવાળા કોઈ મકાનની જેમ જ ફરી બીજું મકાન શોધવાની દિશા તરફ દોરી જશે? પ્રાર્થના કરીએ કે સુરત મહાનગરપાલિકાને તેનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફળે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઍપ્રિલ 2023

Loading

પ્રેમની ‘બંદિની’:  મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 April 2023

રાજ ગોસ્વામી

થોડા વખત પહેલાં, અસ્પૃશ્યતાના વિષય પર બિમલ રોયે બનાવેલી સુંદર અને સંવેદનશીલ ફિલ્મ ‘સુજાતા’(1959)ની વાત અહીં કરી હતી.  તેમાં ફિલ્મની હિરોઈન નૂતનના 1995ના એક ઇન્ટરવ્યૂને ટાંક્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા ‘બંદિની’ અને ‘સુજાતા’ હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વનાં અજાણ્યા પાસાઓને એટલી તાકાતવર રીતે બતાવ્યા હતા, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.” આપણે ત્યારે કહ્યું હતું કે ‘બંદિની’ની વાત ક્યારેક કરીશું. આજે કરીએ.

‘બંદિની’ 1963માં આવી. પૂરી કારકિર્દીમાં 11 ફિલ્મફેર એવોર્ડ અને 6 નેશનલ એવોર્ડ વિજેતા બિમલ રોયની આ અંતિમ ફિલ્મ. અંગ્રેજીમાં ‘સ્વાન સોંગ’ નામનો શબ્દ છે. કોઈ કલાકારનું અંતિમ અને યાદગાર પર્ફોમન્સ હોય તેને ‘સ્વાન સોંગ’ કહે છે. ગ્રીક પુરાણકથાઓમાં એક હંસ(સ્વાન)ની વાત છે, જે બીજા પક્ષીઓની જેમ તેની ગાયનકળા માટે જાણીતો નથી, પરંતુ એક અકસ્માતમાં મરતાં પહેલાં તે એક અદ્ભુત ગાયન ગાઈને લોકોને ચકિત કરી દે છે. 

બિમલ રોયનું અવસાન તો ત્રણ વર્ષ પછી, 7 જાન્યુઆરી 1966માં થયું, પણ 1963માં તેમણે ‘બંદિની’ના રૂપમાં તેમનું ‘સ્વાન સોંગ’ પેશ કર્યું. માત્ર એવોર્ડ્સની જ જો વાત કરીએ તો, ‘બંદિની’ને 6 ફિલ્મફેર એવોર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ) અને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મ એ વર્ષે બોક્સ ઓફિસ ઓર સુપરડુપર હિટ ગઈ એટલું જ નહીં, હિન્દી સિનેમાના ચાહકો આજે પણ તેને નૂતનના કેરિયર-બેસ્ટ પરફોર્મન્સ, બિમલ રોયના યથાર્થવાદી નિર્દેશન અને સચિન દેવ બર્મનના મધુર સંગીત માટે યાદ કરે છે. 

ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે; શાંત પાણી ઊંડા હોય. હિન્દી ફિલ્મોમાં મૌનના મહત્ત્વને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પરંતુ ‘બંદિની’માં નૂતને જે રીતે તેની મૌન શક્તિનો પરિચય કરાવ્યો હતો તે અદ્વિતીય છે. કલ્યાણીની તેની ભૂમિકા પણ મૌન રહેવા માટે જ હતી. અતીતમાં પ્રેમ અને પીડાના અવેશમાં આવીને કલ્યાણીએ એક ખૂન કર્યું હોય છે અને એવા જ આવેશમાં એ ખૂનનો એકરાર પણ કર્યો હોય છે. એની સજા બદલ તે જેલમાં આજીવન સજા કાપી રહી હોય છે (એટલે જ ફિલ્મનું નામ ‘બંદિની’ છે).

ફિલ્મ કલ્યાણીની જેલથી શરરૂ થાય છે અને પછી ફ્લેશબેકમાં જાય છે. તેની વાર્તા સ્વતંત્રતા પહેલાંના 30ના દાયકાના બંગાળી ગામડાની છે. ગરીબ પિતા સાથે રહેતી કલ્યાણી ગામના એક સ્વાતંત્ર્ય સેનાની યુવાન વિકાસ(અશોક કુમાર)ના પ્રેમમાં પડે છે. વિકાસ પાછા આવવાનું વચન આપીને શહેર જતો રહે છે અને પાછો નથી આવતો.

પિતાની અને પોતાની મુસીબતોથી પરેશાન કલ્યાણી ઘર-ગામ છોડીને શહેર આવી જાય છે. અહીં તે એક બીમાર, વિક્ષિપ્ત મહિલાની સાર-સંભાળ રાખે છે. આ મહિલા વિકાસની પત્ની નીકળે છે. કલ્યાણીને ખબર પડે છે કે તેની શોધમાં શહેર આવેલા તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું છે. જીવનની આવી આકરી પરીક્ષાથી વ્યથિત કલ્યાણી આવેશમાં પ્રેમીની પત્નીને ઝેર પીવડાવી દે છે.

એ અપરાધ બદલ તેને જેલમાં પુરવામાં આવે છે. જેલમાં પણ તે સૌને મદદરૂપ બને છે. ખાસ કરીને તે એક વૃદ્ધા કેદીની બીમારીમાં સારવાર કરે છે. કલ્યાણીની માનવતા જોઈને જેલનો ડોકટર દેવેન્દ્ર (ધર્મેન્દ્ર) તેના તરફ આકર્ષાય છે, પરંતુ તેના અતીતના કારણે કલ્યાણી દેવેન્દ્રના પ્રેમનો સ્વીકાર નથી કરી શકતી. કલ્યાણીના અસ્વીકાર પછી દેવેન્દ્ર રાજીનામું આપીને ઘરે જતો રહે છે.

દેવેન્દ્રના રાજીનામાનું કારણ જાણ્યા પછી જેલર કલ્યાણીને બોલાવીને તેના અતીત વિશે પૂછે છે. અહીંથી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. કલ્યાણીની સજા પૂરી થયા પછી જેલર તેને દેવેન્દ્રની માતાનો પત્ર આપે છે. જેમાં તેને ખબર પડે છે કે દેવેન્દ્રની માતાએ તો તેને વહુ તરીકે સ્વીકાર કરી હતી. કલ્યાણી હવે દેવેન્દ્ર પાસે જવાની તૈયારી કરે છે.

એ સ્ટેશન પહોંચે છે તો ત્યાં ફરી એકવાર વિકાસનો ભેટો થાય છે. વિકાસ બીમારીનો ભોગ બન્યો છે અને તેનો અંતિમ સમય ગામમાં વિતાવા માંગે છે. કલ્યાણી માટે હવે દુવિધા ઊભી થાય છે. તેણે ગામમાં જેને પ્રેમ કર્યો હતો તેની સાથે રહેવું કે જેલમાં તેને જેણે પ્રેમ કર્યો હતો તેની પાસે જવું? છેવટે તે વિકાસની સાર-સંભાળ લેવાનું નક્કી કરે છે અને દેવેન્દ્રને ભૂલી જાય છે.

આ વાર્તાનો એક સાદો સાર છે કે સ્ત્રીઓ દીવાલોમાં કેદ નથી હોતી, પ્રેમની જેલમાં બંધ હોય છે. જેણે તેને ગામ છોડવા મજબૂર કરી, જેણે તેને હત્યા કરવા ધકેલી, જેણે તેને જેલમાં પહોંચાડી દીધી, જેણે તેની મોટાભાગની જિંદગી બરબાદ કરી નાખી તે વિકાસના પ્રેમમાંથી કલ્યાણી છૂટી શકતી નથી અને હવે એ જ પ્રેમ માટે તે દેવન્દ્રના પ્રેમનું બલિદાન આપી દે છે. કલ્યાણી જેલમાં છૂટવાની હોય છે ત્યારે જેલર તેને કહે હે પણ ખરા, “મેરી કૈદ સે તો  છુટકારા મિલ ગયા, અબ ઘર ગ્રહસ્થી કી જેલ મેં કૈદ રહોગી.”

‘બંદિની’ સ્ત્રીની એ કેદની વાર્તા છે. બિમલ રોયે જે જમાનામાં ફિલ્મ બનાવી હતી તેમાં પુરુષ ગમે તેટલો બદમાશ હોય, સ્ત્રીએ એકવાર તેને મનનો માણીગર માન્યો, પછી હર હાલમાં તેની સાથે જ રહેવાનું. આજે ઈમ્તિયાઝ અલી જેવા કોઈ નિર્દેશક જો ‘બંદિની’ને ફરીથી બનાવે તો તે કલ્યાણીને દેવેન્દ્ર પાસે મોકલે, વિકાસ પાસે નથી. મહેશ ભટ્ટે તો વળી ‘અર્થ’ ફિલ્મમાં પૂજાને બે ય પુરુષોથી દૂર મોકલી દીધી હતી. પ્રેમી કે પતિ વગર સ્ત્રી કેમ રહી ના શકે? એવો ક્રાંતિકારી સવાલ ભટ્ટે ‘અર્થ’માં પૂછ્યો હતો.

‘બંદિની’ની અંતમાં કલ્યાણી જ્યારે વિકાસ સાથે જાય છે ત્યારે બર્મન’દાના અવાજમાં ગીત વાગે છે, ‘ઓ માઝી, ઓ માઝી, મેરે સાજન હૈ ઉસ પાર.’ એમાં ગીતકાર શૈલેન્દ્રએ કલ્યાણીની સ્થિતિને એક પંક્તિમાં આબાદ વ્યક્ત કરી હતી; મૈં બંદિની પિયા કી, મૈં સંગીની હૂં સાજન કી.” તે એની દુવિધા પણ હતી અને તેની સ્વતંત્રતા પણ.

ફિલ્મમાં કુલ 7 ગીતો હતાં અને ઉપર લખ્યું તે સિવાય બીજાં બે ગીતો પણ એટલાં જ મશહૂર થયાં હતાં. એક હતું મૂકેશના અવાજમાં ‘ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના,’ જે કલ્યાણી ઘર-ગામ છોડે છે ત્યારે વાગે છે. બીજું હતું લતા મંગેશકરના અવાજમાં ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’

આ ગીત ગામમાં કલ્યાણીના સુખી સમયનું ગીત છે. ગીત પહેલાં તેના કાને કૃષ્ણ ભગવાનની વાર્તા પડે છે કે રાધા શ્યામ દેખાય તેવી ઘટ્ટ ભૂરી સાડી, ભૂરી બંગડીઓ અને શ્યામ કાજલ લગાવીને અંધારામાં કૃષ્ણને મળવા જાય છે જેથી કોઈ તેને જોઈ ન જાય, પરંતુ તેનો ગોરો વાન અંધારામાં ચમકે છે એટલે તે પ્રાર્થના કરે છે કે તેનો રંગ શ્યામ થઇ જાય. કલ્યાણી વિકાસને યાદ કરીને પછી ગાય છે, ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’

આ ગીત સાથે ગુલઝારનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ થયો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું તેમ, ‘બંદિની’ બનતી હતી ત્યારે એસ.ડી. બર્મન અને શૈલેન્દ્ર વચ્ચે કોઈક મગજમારી થઇ અને અબોલા થઇ ગયા. બિમલ’દાને તાત્કાલિક એક ભક્તિ ગીત જોઈતું હતું. ગુલઝાર ત્યારે મુંબઈમાં એક કાર ગેરાજમાં કલર કામ કરતા હતા અને શોખથી કવિતાઓ અને શાયરીઓ લખતા હતા. પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન સાથે જોડાયેલા હતા એ નાતે બિમલ રોયે તેમને મળવા બોલાવ્યા હતા. તેમણે ગુલઝારને બર્મન’દા પાસે મોકલ્યા.

બર્મન’દાએ ધૂન અને દૃશ્ય સમજાવ્યું. અઠવાડિયા પછી ગુલઝારે ગીત આપ્યું. બર્મન’દા ખુશ થઇ ગયા અને તેમને બિમલ’દા પાસે મોકલ્યા. તેમને પણ ગીત ગમી ગયું. ગુલઝારે રાધા-કૃષ્ણને ધ્યાનમાં રાખીને અવધી ભાષામાં એ ગીત લખ્યું હતું. એ પછી તો બિમલ’દાએ તેમને કહ્યું કે તારા માટે ગેરાજ એ કોઈ કામ કરવાની જગ્યા નથી, મારી પાસે આવી જા અને તેમની બીજી ફિલ્મ ‘કાબુલીવાલા’થી ગુલઝાર ગીતકાર બન્યા.

આજે પણ એ ગીત એટલું જ તાજું અને લાજવાબ છે. આજે જ્યારે સ્ત્રીઓની ત્વચાને ગોરી બનાવાની એક તોતિંગ ઇન્ડસ્ટ્રી ધમધમે છે ત્યારે 60 વર્ષ પહેલાં ગુલઝારે એક એવું ગીત રચ્યું હતું જેમાં શ્યામ રંગનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગોરા રંગનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1991,2001,2011,202...1,2101,2201,230...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved