Opinion Magazine
Number of visits: 9667576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુપ્રથાની વેદી પર બાળબલિ એટલે બાળલગ્ન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 March 2023

ચંદુ મહેરિયા

ગુવાહાટી હાઈકોર્ટે અસમ સરકારના બાળલગ્ન કરનાર-કરાવનાર પુરુષોની ધરપકડનાં આકરાં પગલાં પર લગામ મૂકી છે. કોર્ટે કહ્યું છે કે પોલીસના આ પગલાંથી લોકોના અંગત જીવનમાં તબાહી સર્જાઈ છે. આ એવો ગુનો નથી કે જેમાં ધરપકડ કરીને જ તપાસ થઈ શકે. કોર્ટ સમક્ષ જામીનની ગુહાર લગાવેલા આરોપીઓને જામીન પર મુક્ત કર્યા પછી સરકારની આક્રમકતા ઓછી થયાનું જણાય છે.

ફેબ્રુઆરી ૨૦૨૩ના મધ્ય સુધીમાં અસમ પોલીસે બાળલગ્નના ગુના સબબ ૪,૨૨૫ કેસો દાખલ કરી ૩,૦૩૧ લોકોની ધરપકડ કરી હતી. અસમની ૩.૧૦ કરોડની વસ્તીમાં લગભગ ૩૪ ટકા મુસ્લિમ છે. બાળલગ્નની કુપ્રથાનું પ્રમાણ મુસ્લિમોમાં સવિશેષ છે, એ ખરું પણ પોલીસે ધરપકડ કરેલા લોકોમાં તો ૯૦ ટકા મુસ્લિમો હોઈ બાળલગ્ન અટકાવવા માટેની સરકારની સક્રિયતાની સરાહના કરનારા પણ ધરપકડોની ટીકા કરે છે. પોલીસે જેમના પર કેસો દાખલ કર્યા છે તેમના પર બાળલગ્ન પ્રતિબંધક ધારો, પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ) અને ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ ગુના નોંધાયા છે. વડી અદાલતે પોલીસના આરોપોને વાજબી રીતે ‘વિચિત્ર’ ગણાવ્યા છે.

હિંદુઓ જેને સંસ્કાર માને છે અને મુસ્લિમો જેને કરાર ગણે છે તે લગ્નની સરકારે વય નક્કી કરી છે. પુરુષની ૨૧ અને મહિલાની ૧૮ વરસની ઉંમર સરકારે લગ્ન માટે ઠેરવી છે. આ ઉંમર કરતાં ઓછી ઉંમરે કરેલાં લગ્ન બાળલગ્ન ગણાય છે. આવા લગ્નો ગેરકાયદે અને અમાન્ય તો છે જ ગુનો પણ છે અને કાયદામાં તેની સજા પણ નિર્ધારિત કરી છે.

યૂનિસેફના ચાઈલ્ડ મેરેજ-પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વિશ્વમાં બાળલગ્નમાં ભારતનું સ્થાન બાંગલાદેશ પછીનું એટલે કે બીજું છે. ભારતમાં વરસે પંદર લાખ છોકરીઓનાં બાળલગ્ન થાય છે. વિશ્વની કુલ બાળવધૂઓનો ત્રીજો ભાગ ભારતમાં છે. આઝાદીના પંચોતેર વરસ અને ૧૯૨૯માં પ્રથમવાર બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયાના સવા નવ દાયકા પછી પણ હજુ બાળલગ્નની કુરીતિ ગઈ નથી.

દેશના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦૭ જિલ્લાને આવરી લેતા ૨૦૧૯થી ૨૦૨૧ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનું તારણ છે કે બાળલગ્નની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૩ ટકા છે. સર્વેક્ષણ હેઠળના વરસો દરમિયાના ૨૫ ટકા મહિલાઓ અને ૧૫ ટકા પુરુષોના લગ્ન કાયદેસરની લગ્નવય પૂર્વે અર્થાત્‌ બાળલગ્ન થયેલાં હતા. દેશના આઠ રાજ્યોમાં મહિલાઓનાં બાળલગ્નનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ હતું. સમાજ સુધારાની ભૂમિ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૪૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા હતા. હાલમાં જ્યાં બાળલગ્નનો સવાલ વિવાદમાં છે તે અસમમાં ૩૨ ટકા મહિલાઓના બાળલગ્ન થયા છે અને તે રાજ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ બાળલગ્નના આઠ રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે. એકવીસ વરસની લગ્નવય પૂર્વે બાળલગ્ન કરતાં પુરુષો સૌથી વધુ બિહારમાં, ૨૫ ટકા છે તે પછી માત્ર એક જ ટકાના ઘટાડા સાથે ગુજરાતનો ક્રમ છે ! ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ૨૪ ટકા પુરુષોના બાળલગ્ન થયા છે.

ઘર અને સમાજમાં દીકરીનું નિમ્નસ્થાન અને તેને બોજ ગણવો, જાગ્રતિ અને શિક્ષણનો અભાવ, પ્રચલિત સામાજિક રીત-રિવાજ અને ધાર્મિક-સામાજિક પરંપરા, સામાજિક વ્યવસ્થા, ગરીબી, દીકરીની સલામતીનો સવાલ, સરકાર અને સમાજની આ કુરિવાજને ડામવાની ઈચ્છાશક્તિનો અભાવ કે કાયદાના અમલમાં લાપરવાહી અને પિતૃસત્તા જેવાં કારણોને લીધે આજે પણ બાળલગ્ન થતા રહે છે. બાળલગ્નને સમાજના નિમ્ન વર્ગો કે નિમ્ન જ્ઞાતિનો સવાલ ગણી તેને ગંભીરતાથી લેવામાં આવતો ન હોવાની પણ ફરિયાદ છે..

બાળલગ્નને કારણે બાળપણ છીનવાઈ જાય છે. ભણવા-ખેલવાની ઉંમરે તેમના માથે સમાજિક બેડીઓ અને જવાબદારીઓ નાંખી દેવામાં આવે છે. બાળલગ્નને કારણે નાની ઉંમરે છોકરીઓ ગર્ભધારણ કરે છે. તેથી માતા અને બાળ મૃત્યુ દર વધે છે. કિશોરી માતા પોતાના બાળકની દેખભાળ યોગ્ય રીતે કરી શકતી નથી. તેથી બાળક અશક્ત અને બીમાર રહે છે. બાળલગ્ન બાળ અધિકાર પર તરાપ છે. તેનાથી હિંસા અને યૌનશોષણનું જોખમ રહે છે. વહેલા લગ્નથી શિક્ષણ અધૂરું રહે છે અને રોજગાર ક્ષમતા ઘટે છે. આરોગ્ય, માનસિક વિકાસ અને આનંદપ્રદ જીવન પર મોટી અસર પડે છે. 

બાળલગ્નને કારણે ગરીબીમાં વધારો થાય છે અને માતા તથા બાળક કુપોષણનો ભોગ બને છે. સરવાળે વ્યક્તિ અને સરકારનો આરોગ્યખર્ચ વધે છે. તે સૌથી નકારાત્મક આર્થિક અસર છે. બાળલગ્નથી સામાજિક પછાતપણું અકબંધ રહે છે અને સમાજનો વિકાસ થંભે છે. શિક્ષણ છોડવાને કારણે શિક્ષણનો દર ઘટે છે તથા શાળા છોડવાનું પ્રમાણ વધે છે. સ્ત્રી-પુરુષ સમાનતાનો બંધારણીય અધિકાર અવરોધાય છે. મહિલાઓના અધિકારો અને તેમનું જાગ્રતિકરણ પાછળ ધકેલાય છે.

શહેરી-શિક્ષિત કેરિયર ઓરિએન્ટેડ વુમન મોટી ઉંમરે લગ્ન કરે છે કે કારકિર્દીના ભોગે લગ્ન જ કરતી નથી એ આજના કથિત ભદ્ર વર્ગને મૂંઝવતો પ્રશ્ન છે. તો દેશમાં વરસે સરેરાશ ચોથા ભાગના લગ્નો લગ્નવય પૂર્વે થાય છે. આ બંને વિરોધાભાસી વાસ્તવિકતામાંથી માર્ગ કાઢવાનો છે. છેક બ્રિટિશ સત્તાના સમયે રાજારામ મોહન રાય અને બીજા સમાજસુધારકોના પ્રયાસોથી બાળલગ્ન પ્રતિબંધક કાયદો ઘડાયો હતો. દીર્ઘ ડાબેરી શાસન અને પ્રગતિશીલતા છતાં સૌથી વધુ બાળલગ્ન પશ્ચિમ બંગાળમાં થતા હોય સમાજસુધારાની દિશામાં આપણે કેવી ઊંધી ગતિ કરી છે તે દર્શાવે છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ બાળલગ્નોનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. ૨૦૦૫-૦૬માં ૪૭.૪ ટકા બાળલગ્નો, ૨૦૧૫-૧૬માં ઘટીને ૨૬.૮ ટકા થતાં દસ વરસોમાં ચોખ્ખો ૨૦.૬ ટકાનો ઘટાડો થયો છે. તેનું એક કારણ વધેલું શહેરીકરણ કે ગરીબોના શહેરી સ્થળાંતરને કારણે વધેલી શિક્ષણની તકો છે. દેશના ૨૫થી ૪૯ વરસના અશિક્ષિત મહિલાની સરેરાશ લગ્નવય ૧૭.૧ વરસ છે  પરંતુ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલા એ જ વયના મહિલાઓની સરેરાશ લગ્નવય ૨૨.૮ વરસ છે .એટલે મહિલા શિક્ષણ બાળલગ્નનો રામબાણ ઈલાજ બની શકે છે.

કોરોના મહામારી, તાળાબંધી અને તેને કારણે વધેલી ગરીબી-બેરોજગારીએ બાળલગ્નનું પ્રમાણ વધાર્યું છે. માર્ચ-૨૦૨૨માં સરકારે સંસદમાં સ્વીકાર્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦માં બાળલગ્ન વધ્યાં છે. ૨૦૧૬માં બાળલગ્નોના કેસો ૩૨૬ હતા જે ૨૦૨૦માં સવા બેગણા વધીને ૭૮૫ થયા હતા. એટલે શિક્ષણ ઉપરાંત ગરીબી-બેકારી નાબૂદી, સમાજસુધારો અને જાગ્રતિ પણ જરૂરી છે. બાળલગ્નમુક્ત ગામથી બાળલગ્નમુક્ત ભારત અભિયાનો સરકારી-બિનસરકારી સ્તરે ચાલે છે. તેને વધુ મજબૂત બનાવવાના છે. માત્ર કાયદાના દંડૂકાથી આ સમસ્યા હલ થવાની નથી. બાળલગ્નની સામાજિક માન્યતા અને સ્વીકાર્યતા પર તીવ્ર પ્રહાર કરવો જ પડશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

ગુજરાતનો વિકાસ એટલે વનનો વિનાશ …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 March 2023

રવીન્દ્ર પારેખ

ડાંગની મહિલાઓ વન વિભાગનાં નાહરી કેન્દ્રથી આત્મનિર્ભર બની એવા સમાચાર 21મી માર્ચે આવ્યા એ જાણીને આનંદ થયો. તે એટલે પણ કે 21મી માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ હતો. ડાંગના વઘઇ ખાતે વનવિભાગ દ્વારા પુરસ્કૃત, આ નાહરી કેન્દ્ર 2018થી શરૂ કરવામાં આવ્યું. તેનો હેતુ પ્રવાસીઓને શુદ્ધ અને સાત્ત્વિક ડાંગી ભોજન ઉપલબ્ધ કરાવવાનો હતો. છે. નાહરી કેન્દ્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ કેન્દ્રને લીધે મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે ને બારેક વનવાસી મહિલાઓ નાહરી કેન્દ્રમાં જોડાઈને આજીવિકા મેળવી રહી છે. આ મહિલાઓ ડાંગી ભોજન પીરસે છે અને વનવાસી ભોજનનો આનંદ પ્રવાસીઓ આ કેન્દ્ર પર જઈને મેળવે છે. ડાંગ જિલ્લો ઓર્ગેનિક જાહેર થયેલો છે, ત્યારે આ જિલ્લાની ભોજન સામગ્રીની વિશેષ ઓળખ ઊભી થઈ છે ને તેનું પ્રવાસીઓમાં આકર્ષણ પણ ઊભું થયું છે. અહીંનો ઓર્ગેનિક ખોરાક શુદ્ધ અને સાત્ત્વિક હોવાને કારણે ઘણા ઓર્ડરો કેન્દ્રને મળે છે ને એને લીધે અનેક મહિલાઓને રોજગારી મળતી થઈ છે. આ કેન્દ્રમાં ડાંગી થાળી ઉપરાંત નાગલીના પાપડ, વાંસનું અથાણું, નાગલીમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ વગેરે વેચીને પણ આવક ઊભી કરવામાં આવે છે. એ આવક ધિરાણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. નફાના દસ ટકા વન વિભાગને ચૂકવાય છે. આવું અન્ય વન ક્ષેત્રમાં પણ થતું હશે ને ત્યાંની સ્ત્રીઓ પણ આર્થિક રીતે સદ્ધર બનતી હશે. આ બધું જંગલોને આભારી છે. એને બદલે એમ ખબર પડે કે જંગલો વેચી દેવાય છે તો સવાલ એ થાય કે જે વેચી રહ્યા છે તે જંગલી છે કે જે વનમાં સદીઓથી રહે છે તે જંગલી છે? આ એવા લોકો છે જે ઓછામાંથી પણ ઓછું મેળવે છે. અછત જ એમની છત છે, એ છત છીનવાય ને બીજાને સોંપાય એમાં કુદરતી ન્યાય નથી. ભૂખ્યાંને ભૂખ્યાં રખાય ને ભરેલાંને ભરાય એ વિકાસ નથી, અન્યાય છે. આ ન થવું જોઈએ, પણ તે થાય છે ને શરમજનક રીતે થાય છે. કેવી રીતે તે જોઈએ.

એક સમય હતો જ્યારે આપણી ખેતી પૂર્ણપણે ઓર્ગેનિક હતી. એ હતું કે આર્થિક સગવડો ઓછી હોવાને કારણે પાક ઓછો લેવાતો હતો, સાધનો ઓછાં હતાં ને વરસાદ પર જ આધાર રહેતો હતો. એમાં સુધારાઓ જરૂરી હતા, પણ પછી વધુ પાક લેવાની લ્હાયમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો ને આજે તો એની એટલી આડઅસરો છે કે ફરી એકવાર આપણે ઓર્ગેનિક ફૂડનો મહિમા કરતાં થયાં છીએ. ઓર્ગેનિક જાણે આયાત થયું હોય તેમ આપણે અભિભૂત થઇએ છીએ. એમાં કોઈ શક નથી કે કેમિકલ કોઈક રીતે તો તેની અસરો છોડે જ છે, પણ આપણે અભિભૂત રહેવા ટેવાયેલા હોવાને કારણે મોડું સમજીએ છે. અત્યારે આપણે વિકાસ માટે મરણિયાં થયાં છીએ. જ્યાંને ત્યાં બધે વિકાસ, વિકાસ થઈ રહ્યું છે. વિકાસની જરા પણ ના નથી, પણ ક્યાંક તો કોઈ મર્યાદા નક્કી કરવી પડશેને ! ગમે એટલું વિકસીએ તો પણ ચામડીની બહાર તો જવાવાનું ને જીવાવાનું નથી. એવી જ રીતે વિકસીને પાકિસ્તાનમાં કે ચીનમાં પણ નીકળાવાનું નથી. ક્યાંક તો અટકવું પડશેને ! પણ અત્યારે આખો દેશ અટકવાના મૂડમાં નથી. બધા જ હૈસો હૈસો કરીને વિકસવા મથી રહ્યા છે. એમાં ગુજરાત પણ પાછળ નથી. ગુજરાત પણ વિકાસને નામે વહાણ હંકારી રહ્યું છે, પણ તે હલેસાં રેતીમાં મારતું હોય એવું વધારે લાગે છે. આપણે સૌથી વધુ વિકાસ ઉદ્યોગોનો / ઉદ્યોગોમાં માનીએ છીએ. ઉદ્યોગો વિકસે તેની પણ ના નથી, પણ તે પર્યાવરણને ભોગે થતો હોય તો ક્ષમ્ય નથી.

વન દિન તાજો જ ગયો. એ દિવસે સરકારી જાહેરખબરોમાં જે આંકડા અપાયા છે તે જોવા જેવા છે. આજકાલ તો સૂત્રોની બોલબાલા છે. સૂત્રો આપવાથી કે બોલવાથી જ કામ પૂરું થઈ જાય છે. એટલે સરકારે પણ જાહેરાતમાં સૂત્ર અંગ્રેજીમાં મૂકયું : HEALTHY FORESTS FOR HEALTHY PEOPLE. એ પાછું લીલા રંગમાં. વન લીલું હોયને એટલે. જો કે લીલાશ હવે રંગમાં જ રહી ગઈ હોય તો નવાઈ નહીં. એ જાહેર ખબરમાં ગુજરાતને હરિયાળું બનાવવાની વાત પણ છે. આપણે ક્યાં ક્યાં લીલોતરી કરી મૂકી છે તે સંદર્ભે કહેવાયું છે કે વનની બહારનાં વૃક્ષોમાં 2021 મુજબ 58 ટકાનો વધારો થયો છે. વનની બહાર ચાલુ વર્ષે 18,656 હેક્ટર વિસ્તારમાં 174.86 લાખ રોપાનું વાવેતર થયું છે. આ બધુ વનની બહાર થાય છે, તો એ વાતે આનંદ થાય કે જંગલમાં તો જંગલ સિવાય બધું જ હશે. છેલ્લાં બે વર્ષમાં વન આચ્છાદિત વિસ્તારમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આમ તો આ જાહેરાત છે ને જાહેરાતમાં હોય એટલો વિશ્વાસ આમાં પણ હોય જ ! જો આ સાચું હોય તો એ જ વન દિવસે આ સમાચાર પણ છે.

છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં જુદા જુદા ઔદ્યોગિક સાહસોએ જંગલોની જમીન માંગી, તેમાંની 30 દરખાસ્તો માટે 180.0825 હેક્ટર જંગલની જમીન ફાળવવામાં આવી છે. 2021માં 21 દરખાસ્તો માટે 172.7262 હેક્ટર જમીન ફાળવાઈ ને 2022માં 9 દરખાસ્તો માટે 7.3563 હેક્ટર જંગલોની જમીન ફાળવવામાં આવી. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં રાજ્યના વન-પર્યાવરણ મંત્રીએ એવો ખુલાસો કર્યો કે આ જંગલ જમીનની સોંપણીના બદલામાં ઉદ્યોગગૃહોએ કુલ 78,71,24,004 રૂપિયા ચૂકવ્યા છે. એટલે કે એક ચોરસ મીટરના 437 રૂપિયા ફક્ત. આટલો ઓછો ભાવ તો અંતરિયાળ ગામોની જમીન પેટે પણ વસૂલાતો નથી, પણ વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એમાં 2021માં 77.86 કરોડ અને 2022માં 84.08 લાખ વસૂલાયા છે. વન-પર્યાવરણ મંત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી કે 31-12-‘22ની સ્થિતિએ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે તથા તત્કાલીન એસ્સાર સ્ટીલ લિમિટેડે વનખાતાની કુલ 93.67 હેક્ટર જમીન ઉપર દબાણ કર્યું હતું ને એ જમીનનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો. એ જમીન પૈકી 65.73 હેક્ટર જમીનને ભારત સરકારની સંમતિથી 6.93 કરોડ વસૂલીને પરવાનગી આપી દેવાઈ છે, જ્યારે 20.76 હેક્ટરની દરખાસ્તને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આ રીતે વનની ભૂમિ હડપીને, પછી દંડથી સમાધાન કરીને માલિકી ઊભી કરવાની યુક્તિ ઉદ્યોગોને કોઠે પડી ગઈ છે ને સરકાર પણ દંડ વસૂલીને ગેરકાયદેસરને કાયદેસર કરી આપે છે. આ કોઈક રીતે નિયંત્રિત થવું જોઈએ.

સામાન્ય રીતે જંગલની જમીન વિકાસ માટે આપવામાં આવતી નથી, પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગોચરની જમીન આપ્યા પછી હવે જંગલની જમીન પર ડોળો ઠર્યો છે. ગુજરાતમાં વિકાસની પ્રક્રિયા, શહેરીકરણ અને વસ્તી વધારાને કારણે પર્યાવરણની પથારી ફરી ગઈ છે. આ ઉપરાંત વૃક્ષ છેદનનો છેડો આવતો નથી. રાજ્યમાં છેલ્લા દાયકામાં ટ્રી કવર 34.32 ટકા ઘટ્યું છે. આ બધું જોતાં લાગે છે કે આપણે મૂરખ છીએ. એક બાજુ સરકાર વધુ વૃક્ષ વાવોના વાવટા ફરકાવતી રહેતી હોય ને આપણે પણ પાળેલા ટટ્ટુની જેમ ચારે બાજુ વૃક્ષ વૃક્ષ કરી મૂકીએ છીએ, પણ બેઝિક પ્રોબ્લેમ એ છે કે એમાં જીવ હોતો નથી. નરી બનાવટ છે આ. તે એટલે કે વૃક્ષો વાવવાનો પડઘો તો વૃક્ષો કાપવામાં પડતો હોય છે. એમ લાગે છે કે આપણી સાથે ગમ્મત થઈ રહી છે. જો સરકાર જ ઊઠીને ઉદ્યોગોને જંગલની જમીનો ફાળવી દેતી હોય ને પછી પર્યાવરણની જાળવણીની પંચાત કરતી હોય તો તેનાં ચાવવાના ને બતાવવાના જુદા છે એમ માનવું પડે. આમે ય ઉદ્યોગોએ પર્યાવરણના અઢળક પ્રશ્નો ઊભા કર્યા હોય ત્યાં જંગલોની જમીનો સોંપીને સરકાર પર્યાવરણના પ્રશ્નો જ વધારી રહી છે કે બીજું કૈં? ને આ ઉદ્યોગો, જંગલો રહેવા નથી જ દેવાના તે દીવા જેવી ચોખ્ખી વાત છે. વારુ, જે ઉદ્યોગો આ જંગલની જમીન પર ઊગશે તે અનેક પ્રકારનાં પ્રદૂષણ પણ ફેલાવશે ને લીલાશ ખતમ કરશે તે નફામાં. વર્ષોથી જ્યાં વનવાસી પ્રજા જંગલોમાં જીવે છે એમની જમીન જશે ને જે ત્યાં થોડું ઘણું કામકાજને લીધે કમાતાં હતાં તે કમાણી પણ જશે.

શરૂઆતમાં ડાંગનો દાખલો એટલે જ આપ્યો કે વન વિભાગ દ્વારા જે તકો મહિલાઓની રોજગારીની ઊભી થઈ છે તે તકો જંગલો વેચાતાં ઝૂંટવાશે. ઉદ્યોગોને જંગલો વેચવાનો અર્થ પર્યાવરણની ખુલ્લેઆમ થતી હત્યાથી વિશેષ કૈં નથી. વૃક્ષો વાવવાની વાતમાં ભરોસો એટલે નથી, કારણ, વાવીને કરવાનું શું, જો જંગલો તાસકમાં મૂકીને સરકાર જ મામૂલી ભાવના બદલામાં ઉદ્યોગોને સોંપી દેતી હોય તો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 માર્ચ 2023

Loading

મજમુદાર, વૈદ્ય, ઝવેરી અને પટેલ ગંગાબહેન

કેતન રુપેરા|Gandhiana|24 March 2023

પરિશિષ્ટ : ક યાં ગંગાબહેન કોણ?

ગાંધીયુગમાં એક નહિ, બે નહિ, ચાર ચાર ગંગાબહેનો લગભગ એક જ અરસામાં ગાંધીજી સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલાં રહ્યાં. આ ઉપરાંત, ગાંધીજીએ જેમને લાઠીથી તેડાવ્યાં અને જેમની પાસેથી વણાટકામ શીખ્યા તે રામજીભાઈ બઢિયાનાં પત્ની પણ ગંગાબહેન તથા કરાચીમાં નમક સત્યાગ્રહથી લઈને વિવિધ ચળવળોમાં ભાગ લઈ જેલવાસ ભોગવનાર ને આઝાદી પછી જામનગર આવીને વસનાર એ પણ ગંગાબહેન. વળી, આણંદનાં એક ગંગાબહેને પણ સત્યાગ્રહની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આમ, ઓછામાં ઓછા સાત ગંગાબહેનો ગાંધીજી અને/અથવા સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડાયેલાં હતાં. 

જો કે, ગાંધીજીનો પત્ર-વ્યવહારથી લઈને અન્ય સંપર્ક-વ્યવહાર આમાંથી મુખ્યત્વે ચાર ગંગાબહેન સાથે રહેલો. પરંતુ જેમને એક પણ ગંગાબહેનના સીધા સંપર્કમાં આવવાનું થયું નથી અને ગાંધીસાહિત્યના વાચનમાત્રથી આ બધાં ગંગાબહેનોનાં જીવન અને કાર્યોનો છૂટોછવાયો પરિચય મેળવવાનો રહે છે, તેમના માટે એકના બદલે બીજા કે બીજાને બદલે ત્રીજા-ચોથા ગંગાબહેનનાં નામ કે કામ એકમેકમાં ભળી જવાં સંભવ છે; મોટેભાગે આ ભેળસેળ ચાર ગંગાબહેનો – મજમુદાર, વૈદ્ય, ઝવેરી અને પટેલ–માં થતી જોવા મળે છે. પુસ્તક[ગાંધીવારસાનાં નારીરત્નો]માં ચારેય ગંગાબહેનોનાં જીવન અને કાર્ય વિશે સંક્ષિપ્ત આલેખન છે જ, પણ જો ‘કયાં ગંગાબહેન કોણ?’ એવો ટૂંકો પરિચય એક જ પ્રકરણમાં અપાઈ જાય તો એમના વિશે આપણાં સૌની, અને તેથી કરીને આપણાં થકી અન્ય સૌની સમજણ સ્પષ્ટ થાય. અત્યારની નહીં, એ યુગની ગંગા જેવી શુદ્ધ થઈ થાય. શરૂ કરીએ શરૂઆતથી …

મજમુદાર ગંગાબહેન

આ ગંગાબહેને ગાંધીજીને રેંટિયો શોધી આપ્યો હતો. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં ૧૯૦૯માં રેંટિયાનો વિચાર તો મૂક્યો, “રેંટિયા વિના સ્વરાજ અશક્ય છે”, પણ ત્યારે હજુ રેંટિયો જોયો નહોતો. એ જોયો તેના નવ વર્ષ પછી – ૧૯૧૮માં. અને એ શોધી આપનાર બહેન તે ગંગાબહેન મજમુદાર. એટલું જ નહિ, રેંટિયો કાંતનાર કુટુંબોને પણ શોધી આપ્યાં. એ વખતે રૂની પૂણી પણ મિલમાં બનેલી આવતી હતી. ગાંધીજીના કહેવાથી તેમણે રૂની પૂણીઓ બનાવનાર પીંજારાને પણ શોધી કાઢ્યો ને તેની પાસે મોટા પાયે કામ લીધું. કામ આટલેથી પૂરું થયું ન હતું. એ વખતના રેંટિયા દ્વારા કાંતેલું સૂતર જાડું હોવાને કારણે ખાદી બહુ જાડી અને પાછી ટૂંકા પનાની રહેતી હતી. ગાંધીજીએ ગંગાબહેનને રીતસરની “ચેતવણી” જ આપી કે જો ૪૫ ઇંચ પનાનું ખાદીનું ધોતિયું એક માસની અંદર પૂરું ન પડે તો એમને જાડી ખાદીનું અડધિયું પહેરીને નિભાવ કરવો પડશે. પણ ગંગાબહેન એટલે ગંગાબહેન. સૉરી, મજમુદાર ગંગાબહેન એટલે મજમુદાર ગંગાબહેન. એમણે ગાંધીજીએ માંગ્યું હતું એનાથીયે પાંચ ઇંચનો વધારે, પચાસ ઇંચનો ધોતીજોટો પૂરો પાડ્યો ને ગાંધીજીએ કહ્યું “મારું દારિદ્ર્ય ફિટાડ્યું.”

યાદ રાખવા માટે; ગાંધીજીના શબ્દોમાં “મહાસાહસી” બહેન, મજમુદાર ગંગાબહેન; મ-મનો પ્રાસ. ઘોડે ચઢી, “દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં” ભમી ગાયકવાડ રાજ્યના વિજાપુરમાંથી અભરાઈએ ચઢાવી દીધેલા રેંટિયા આ ગંગાબહેને ઉતરાવ્યા હતા. ૧૯૧૭માં ભરૂચ કેળવણી પરિષદમાં મજમુદાર ગંગાબહેનની ગાંધીજી સાથે સૌપ્રથમવાર મુલાકાત થઈ હતી. ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજીએ રેંટિયા અંગે પોતાની વાત એમને કરી હતી. ગંગાબહેન નાની ઉંમરે વિધવા થયાં હતાં. અસ્પૃશ્યતા-નિવારણનું કામ તો કરતાં જ હતાં. ગાંધીજી સાથેના પરિચય પછી ખાદી-ગ્રામોદ્યોગ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ પણ વળ્યાં.

વૈદ્ય ગંગાબહેન

સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીના સંયુક્ત રસોડાની જવાબદારી સંભાળનાર તે આ ગંગાબહેન.

વૈદ્ય ગંગાબેન અને ગાંધીજીની મુલાકાત ૧૯૧૯માં થઈ. ગંગાબહેન મુંબઈ રહેતાં હતાં. પતિ ગુજરી ગયા હતા. એક દીકરી હતી. રૉલેટ બિલનો વિરોધ કરવા ગાંધીજીએ મુંબઈમાં બહેનોની એક સભા કરી. ગંગાબહેન ગાંધીજીને સાંભળવા ગયાં. ત્યારે ગાંધીજી માટે વૈદ્ય ગંગાબહેનના શબ્દો હતા, “મને તેમનાં પ્રથમ દર્શન થયાં, મારા હૃદયમાં તેઓ સ્થપાઈ ગયા.” આ પછી ‘ભગિની સમાજ’ના એક કાર્યક્રમમાં સ્વદેશી ઉપર ગાંધીજીનું ભાષણ હતું. ગંગાબહેને તે પણ સાંભળ્યું ને તત્કાલ ‘સ્વદેશી’નું વ્રત લઈ લીધું. એ પછી તો ગાંધીજી અને ગંગાબહેનનો પત્રવ્યવહાર પણ ચાલ્યો. ગાંધીજીએ મુંબઈમાં ‘મણિભવન’માં રેંટિયાશાળા ખોલી ને તેમને રેંટિયો કાંતતા શીખવા માટે આમંત્ર્યાં. ગંગાબહેન ગયાં. થોડી વારમાં જ પૂણીમાંથી સૂતરના તાર નીકળતા થઈ ગયા. અત્યાર સુધીના પરિચયથી ગાંધીજીએ જોયું કે ગંગાબહેન પ્રેમમૂર્તિ તો છે જ, ઉત્કટ સેવાભાવનાવાળાં પણ છે. તેમનું અંદરનું તેજ ખિલવી શકાય એમ છે. પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ગાંધીજી તેમને આશ્રમમાં આવવા પ્રેરતા રહ્યા. બીજી બાજુ, ૧૯૨૪માં પૂનામાં ગાંધીજીનું એપેન્ડિસાઇટિસનું ઑપરેશન થયું. ઑપરેશન પછી જૂહુ-મુંબઈમાં ગાંધીજીનો ઉતારો હતો, ત્યારે ગંગાબહેન ગાંધીજીને મળ્યાં. આશ્રમમાં રહેવા આવવાની વાત મૂકી. બાપુએ વધાવી લીધી. ગંગાબહેન આશ્રમવાસી બન્યાં.

ગંગાબહેનમાં ઔષધિવિદ્યાની સૂઝ પહેલેથી હતી. પરિવારમાં માંદગી આવી ત્યારે હકીમસાહેબ પાસેથી શિખેલાં હતાં. એથી આશ્રમ વસવાટ પછી, આશ્રમવાસીઓના નાનામોટા રોગની સારવાર તો કરતાં જ, કાકાસાહેબને ક્ષયનો રોગ થયો ત્યારે તેમની સેવાચાકરી પણ ગંગાબહેને કરી હતી. દસપંદર માણસોની રસોઈ કરી જમાડવાં એ ગંગાબહેન માટે રમતવાત હતી. એટલે આશ્રમમાં ગાંધીજીએ જ્યારે સંયુક્ત રસોડાનો પ્રયોગ શરૂ કર્યો ત્યારે એ જવાબદારી વૈદ્ય ગંગાબહેનને સોંપી. એ તેમણે એટલા માધુર્યથી નિભાવી કે ગંગાબહેનને હવે સૌ ‘ગંગાબા’ કહેતાં થઈ ગયાં. 

આહાર એ જ ઔષધ એવું કહેવાય છે. ગંગાબહેન ઔષધિવિદ્યાનાં જાણકાર હતાં એટલે યાદ રાખવા માટે, આશ્રમમાં આહાર (એટલે કે રસોડાની જવાબદારી) અને ઔષધિ થકી જેમણે સૌને સ્વસ્થ રાખ્યાં એ ગંગાબા, વૈદ્ય ગંગાબહેન.

વૈદ્ય ગંગાબહેને વિવિધ ચળવળોમાં પણ ભાગ લીધો હતો. માથે લાઠીના ઘા પણ ઝીલ્યા હતા. પાંચ વખત જેલવાસ પણ ભોગવેલો. અન્ય કામમાં રોકાયેલાં ન હોય ત્યારે રામનામ લેતાં લેતાં સતત રેંટિયો કાંતતાં. આશ્રમ વિખેરાયા પછી ગંગાબા વલ્લભ વિદ્યાલય-બોચાસણ સ્થાયી થયાં. અહીં બાપુના સૂચનથી જ તેમણે એક ગાય રાખી હતી ને જોતજોતામાં ગૌશાળા પણ બની ગઈ હતી. બાકીનું જીવન અહીં જ રહીને ઔષધાલય અને ગૌશાળા વિકસાવ્યાં. વિદ્યાલય અને આસપાસનાં ગામલોકોની સેવા કરી.

ઝવેરી ગંગાબહેન

ઝવેરી જેમ રત્નને પારખી લે એમ જગ્યાને પારખી લેનાર તે ઝવેરી ગંગાબહેન.

ગંગાબહેન ઝવેરીએ ૧૯૨૧માં અમદાવાદમાં કાઁગ્રેસના અધિવેશનમાં ગાંધીજીને સૌપ્રથમવાર જોયાં-સાંભળ્યાં. પણ એ વખતે મળવાનું નહોતું થયું. ગંગાબહેન પહેલાં એમના પુત્ર સ્વયંસેવક તરીકે આ અધિવેશનમાં જોડાઈ ગયા હતા. ગંગાબહેનનો પ્રવેશ પછી થયો.

ગંગાબહેનના પુત્રો ખેતી માટે જમીન ખરીદવાનું વિચારી રહ્યા હતા, ત્યારે ગંગાબહેનની કોઠાસૂઝ કામ લાગી ને તેમણે આશ્રમની આસપાસ જમીન લેવા સૂચવ્યું. થયું પણ એવું જ. જમીન ત્યાં મળી ગઈ ને પરિવાર સમેત આશ્રમ નજીક રહેવાનું શરૂ કર્યું.

એક વાર ગંગાબહેન એમના કોઈ સંબંધીને મળવા આશ્રમ ગયાં ત્યારે પહેલી વાર ગાંધીજી સાથે સંવાદ થયો. પહેલી મુલાકાતમાં જ ગાંધીજીના કહેવાથી ગંગાબહેને ખાદી ગ્રહણ કરી. ગંગાબહેન નજીક રહેતાં હોઈ સવાર-સાંજની પ્રાર્થનામાં આવતાં. એક વાર એમના પગે ઇજા થતાં પ્રાર્થનામાં આવવાનું બંધ થયું. ગાંધીજીએ તે જાણ્યું. પહોંચી ગયા ગંગાબહેનના ઘરે. એક-બે દિવસ નહિ, જ્યાં સુધી મટ્યું નહિ ત્યાં સુધી ગાંધીજી ઔષધિનાં પાન લઈને જાય અને જાતે પાટો બાંધી આપે. સારું થયા પછી ગંગાબહેન આશ્રમની બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં થયાં. આશ્રમના રસોડે જમતાં પણ થયાં.

આ ગંગાબહેનનાં પણ નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન વખતે તેમના પતિની ઉંમર તેમનાથી ચાર ગણી હતી અને લગ્નનાં ચાર જ વર્ષ પછી તેઓ વિધવા થયાં હતાં. તેમનાથી ઉંમરમાં થોડાં જ નાનાં એમ કુલ મળીને પાંચ સંતાનોની જવાબદારી તેમના પર આવી પડી હતી. પુત્રવધૂ નાનીબહેન અને એમને એકબીજા સાથે સારું ભળતું. ગાંધીજી તેમને આદર્શ જોડી ગણતા. કહેતાં, “તમે સાસુ-વહુ નથી પણ સગી બહેનો કરતાં વિશેષ છો.” પત્રો પણ ઘણી વાર બંનેને સાથે સંબોધીને જ લખતાં.

બાળલગ્ન અને કૌટુંબિક જવાબદારીના કારણે ગંગાબહેન એ વખતે ઇચ્છા છતાં ભણી નહોતાં શક્યાં. હવે એમણે ભાવનગર જઈને દક્ષિણામૂર્તિમાં મૉન્ટેસોરી પદ્ધતિની તાલીમ લીધી ને પછી આશ્રમમાં ચાલતાં બાલમંદિરમાં શિક્ષિકા બન્યાં. આગળ જતાં આ ગંગાબહેને ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. જેલવાસ પણ ભોગવ્યો. પછીનાં વર્ષોમાં ‘જ્યોતિસંઘ’, ‘વિકાસગૃહ’ જેવી સંસ્થાઓમાં જોડાઈને કાર્ય કર્યું.

પટેલ ગંગાબહેન

ગુજરાતી ભાષાની પહેલી નારી-આત્મકથા (‘જીવન સંભારણાં’, શારદાબહેન મહેતા) પછી, આત્મકથા નહિ તો ય સંસ્મરણ કથા અને એય છેક છવ્વીસ વર્ષે, જો કોઈએ આપી હોય તો એ ગંગાબહેન પટેલે. ખાદી, સ્વદેશી, સરઘસ, દારૂ અને વિદેશી કાપડની દુકાનોમાં પિકેટિંગ … જેવી સત્યાગ્રહની અનેકવિધ પ્રવૃત્તિઓની ઓછેવત્તે અંશે બધાં ગંગાબહેનોમાં સમાનતા પછી, જો કોઈ તત્ત્વ આ ગંગાબહેનને અન્ય ગંગાબહેનોથી નોખાં તારવી આપતું હોય તો એ તેમનું લેખન અને પ્રભાવશાળી વક્તવ્ય.

ગંગાબહેન પટેલે ગુજરાતી સાહિત્યને પ્રારંભના નારીસાહિત્યમાં અચૂક નોંધ લેવડાવે એવી સંસ્મરણ કથા ‘સ્મૃતિસાગરને તીરે’ની ભેટ આપી છે. ચરોતરની પટેલ જ્ઞાતિનાં રીતિરિવાજો અને લોકમાનસનું તેમાં રસાળ વર્ણન છે.

અન્ય ગંગાબહેનોથી અલગ આ ગંગાબહેનનું જીવન મોટેભાગે મુંબઈમાં વીત્યું. લગ્ન નાની ઉંમરે થઈ ગયાં, જેના કારણે મોટા ભાગે ભણવાનું અટકી પડે; પણ અહીં પતિનો સહકાર મળતાં એવાં તો ભણ્યાંગણ્યાં કે કૉલમ લખતાં થયાં, તંત્રી બન્યાં ને મેદની વચ્ચે પ્રભાવક વક્તવ્યો ય આપ્યાં. એક, બે નહીં, છ છ વાર જેલવાસ ભોગવ્યો. એમના માટે કહેવાતું કે મુંબઈની એકેય જેલ બાકી નહોતી રાખી. આઝાદી પછી મુંબઈની શહેર સુધરાઈમાં પણ સક્રિય રહ્યાં. હવે, પરિચયની રીતે નહીં, પણ ચારેય ગંગાબહેનોમાં કોણ-કયાંની રીતે યાદ રાખવા માટે – આ ગંગાબહેન, ગુજરાતી સાહિત્યનાં અગ્રણી લેખિકા-નવલકથાકાર ધીરુબહેન પટેલનાં માતુશ્રી.

અને છેલ્લે, આ ચાર ગંગાબહેનોમાંથી બે ગંગાબહેન – વૈદ્ય અને ઝવેરી – આશ્રમ સાથે સીધા સંકળાયેલાં હતાં. એટલે ગાંધીજી જ્યારે તેમને પત્ર લખતાં ત્યારે એકનો પત્ર બીજાને ન જાય અથવા પોતાની સ્વભાવસહજ સ્પષ્ટ અભિવ્યક્તિને કારણે પણ તેઓ બંનેને અલગ અલગ સંબોધન કરતાં. ગંગાબહેન ઝવેરી અને નાનીબહેન(સાસુ અને વહુ)ને ઘણે ભાગે ભેગો પત્ર લખવાનું થતું પણ જ્યારે એમ ન હોય ત્યારે ગંગાબહેન ઝવેરીને ‘ગંગાબહેન (ઝવેરી)’ એમ સંબોધન કરતા, જ્યારે વૈદ્ય ગંગાબહેનને ‘ગંગાબહેન (મોટાં)’ એમ લખતા.

હિંદની સ્વરાજની લડતમાં, અક્ષરસઃ ગાંધીગંગા કહી શકાય એવાં આ ચારેય કે સાતેય ગંગાબહેનોનું સહિયારું નારી-પ્રદાન પર્વત સરીખું કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે. 

સંદર્ભ 

·       સત્યના પ્રયોગો અથવા આત્મકથા, મો. ક. ગાંધી, નવજીવન પ્રકાશન, ૨૦૧૪

·       હિંદ સ્વરાજ, મોહનદાસ કરમચંદ ગાંધી, નવજીવન પ્રકાશન, ૨૦૦૪

·       ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતી કોશ), સં. ડૉ. જયકુમાર શુક્લ, પ્ર. ગુજરાત વિશ્વકોશ, ૨૦૦૮

·       સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકો અને લડતો, સં. જયાબહેન શાહ, પ્ર. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, ૨૦૧૭

·       ગાંધીજીનાં સહસાધકો, લે. નીલમ પરીખ, નવજીવન પ્રકાશન, ૨૦૧૦

·       સમગ્ર અરધી સદીની વાચનયાત્રા, સં. મહેન્દ્ર મેઘાણી, પ્ર. મિલાપ, wiki.ekatrafoundation.org, ૮-૧૦-૨૦૨૨

·       ગાંધીજીની દિનવારી, સં. ચંદુલાલ ભગુભાઈ દલાલ, પ્ર. માહિતી ખાતું-ગુજરાત રાજ્ય, ૧૯૯૦

·       ગાંધીવારસાનાં નારીરત્નો, લે. મોસમ ત્રિવેદી, સં. કેતન રુપેરા, પ્ર. અણમોલ પ્રકાશન-3S પબ્લિકેશન, ૨૦૨૩

·       ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય, સં. ઉષા ઉપાધ્યાય, પાર્શ્વ પ્રકાશન, ૨૦૦૬

·       ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ ૪૪, નવજીવન પ્રકાશન, ૧૯૭૬, gandhiheritageportal.org

(‘ગાંધીવારસાનાં નારીરત્નો’માંથી) 

* * *

e.mail : ketanrupera@gmail.com

Loading

...102030...1,1971,1981,1991,200...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved