Opinion Magazine
Number of visits: 9667693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|24 March 2023

સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને IPC કલમ-499/ 500 હેઠળ બદનક્ષી સબબ 2 વર્ષની સાદી કેદની સજા કરી છે. આ ચુકાદો 168 પેજનો છે. ચુકાદામાં ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષની લાંબી લાંબી દલીલો ટાંકવામાં આવી છે. પેજ-54 ઉપર કોર્ટ મુદ્દો ઉપસ્થિત કરે છે : “શું ફરિયાદ પક્ષ એ હકીકત નિ:શંકપણે પુરવાર કરે છે કે, આ કામના આરોપીએ પોતાના 13 એપ્રિલ 2019ના પોતાની ચૂંટણી સભામાં ભારતના વર્તમાન પ્રધાન મંત્રી મોદીને ચોરનું ઉપનામ આપી તેમ જ તેની સરખામણી આર્થિક ગુનેગારો જેવા કે નિરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી તથા વિજય માલ્યા સાથે કરી ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછ્યું હતું કે ‘બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવી ટિપ્પણી કરેલ હતી તથા ફરિયાદી તેમ જ સમસ્ત મોદી સમાજની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે તેમ જ હાનિ પહોંચશે તેવી જાણકારી અને એવું માનવાના કારણ સાથે ઉપર્યુક્ત ગુનો કરી ફરિયાદીને સામાજિક અને શારીરિક તેમ જ માનસિક નુકશાન પહોંચાડેલ છે અને ફરિયાદીની બદનક્ષી થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી IPC કલમ-499/ 500 મુજબનો સજાને પાત્ર ગુનો કરેલ છે?” આ મુદ્દાનો નિર્ણય અદાલતે હકારમાં આપેલ છે.

પેજ-166 પર કોર્ટે, આરોપી રાહુલ ગાંધીની રજૂઆત નોંધી છે : ‘મેં જે કાંઈ ભાષણ આપેલું તે પ્રજાના હિતમાં, મારી ફરજના ભાગરૂપે આપેલ. મારે કોઈ પણ પ્રજા સાથે કોઈ ભેદભાવ નથી. તેમ જ હું મારા દેશની તમામ પ્રજાને ખૂબ પ્રેમ કરું છું.’ આરોપીના વકીલ કહે છે : ‘આરોપીનો કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો; તેમ જ ફરિયાદીને કોઈપણ પ્રકારની વ્યથા/નુકશાન થયેલ નથી.’

IPC કલમ-499માં 10 અપવાદ છે; તેમાં પ્રથમ 3 અપવાદ જોઈએ. પ્રથમ અપવાદ : કોઈ એવી બાબતની બદનક્ષી કરે જે કોઈ વ્યક્તિના સંબંધમાં સત્ય હોય તો તે માનહાનિ નથી. લોક કલ્યાણ માટે સત્ય કહી શકાય. બીજો અપવાદ : લોક સેવકના આચરણ અંગે સદ્દભાવનાપૂર્વકની આલોચના માનહાનિ નથી. ત્રીજો અપવાદ : કોઈ જાહેર પ્રશ્નના સંબંધમાં કોઈ વ્યક્તિના આચરણ બાબતે, તેના શીલ બાબતે, સદ્દભાવનાપૂર્વક કંઈ કહે તો માનહાનિ નથી. આ ત્રણ અપવાદ આ કેસમાં શા માટે લાગુ પડતા નથી; તેની ચર્ચા કોર્ટે પોતાના લાંબા ચુકાદામાં કરી નથી.

પેજ-165 પર કોર્ટ નોંધે છે : “માત્રને માત્ર મોદી સમાજ કે જ્ઞાતિના લોકોની બદનામી થયેલ હોવાના કારણથી હાલની ફરિયાદ કરવામાં આવેલ નથી પરંતુ ફરિયાદીને પોતાને થયેલ વ્યથાના કારણે પણ હાલની ફરિયાદ કરવામાં આવેલ છે. વધુમાં આરોપી દ્વારા ભાષણમાં  નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપીને તેમ જ તેમની સરખામણી આર્થિક ગુનેગારો સાથે જેવા કે નિરવ મોદી / લલિત મોદી / મેહુલ ચોક્સી / વિજય માલ્યા સાથે કરી ત્યાં તેઓનું ભાષણ રોકી શક્યા હોત. તેમ જ આ લોકો પૂરતી જ ભાષણમાં ચર્ચા કરી શક્યા હોત. પરંતુ આરોપીએ ઈરાદાપૂર્વક સમગ્ર ‘મોદી’ અટકધારી કે ‘મોદી’ નામથી ઓળખાતી વ્યક્તિઓનું ઈરાદાપૂર્વક અપમાન કરવા માટે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવું ભાષણમાં જણાવેલ.” પેજ-167 પર કોર્ટ લખ્યું છે : “આરોપી સંસદસભ્ય છે. સંસદસભ્ય તરીકે તેમની પ્રજાને સંબોધન કરવાની બાબત ખૂબ ગંભીર છે, કારણ કે જ્યારે સંસદસભ્યની હેસિયતથી કોઈ વ્યક્તિ પ્રજાને સંબોધન કરતો હોય ત્યારે તેની ખૂબ વ્યાપક અસર પ્રજા પર પડતી હોય છે. અને તેના કારણે સદર ગુનાની ગંભીરતા વધુ છે. તેમ જ જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ તેનાથી ખોટો મેસેજ જાય તેમ છે. અને બદનક્ષીના જે હેતુ છે તે હેતુ સર થશે નહીં. અને કોઈ વ્યક્તિ સહેલાઈથી કોઈ પણ વ્યક્તિની બદનક્ષી કરશે.”

સૌથી મોટો સવાલ એ છે કે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ એ શબ્દોમાં ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાને ચોર શા માટે સમજી લીધેલ હશે? કોર્ટ પણ આવા તર્ક સાથે કઈ રીતે સહમત થઈ હશે? સાચો ચુકાદો તો કવિ કરસનદાસ માણેકે આપ્યો હતો : 

‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? 

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! 

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, 

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !’

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણે સૌ વિદ્યાવિલાપને માર્ગે 

સુમન શાહ|Opinion - Opinion|24 March 2023

== ૨૦૧૩–માં લખેલો લેખ ૨૦ વર્ષે પણ એટલો જ પ્રસ્તુત છે, વિચારણીય છે. ==

મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા ‘વિદ્યાવિનાશને માર્ગે’ -ના છેડે ‘મહાભારત’ -ને યાદ કર્યું છે અને લખ્યું છે કે –

‘મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે.’

સુમન શાહ

આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો (હવે બે દસકા) વીતી ગયો છે અને એ દરમ્યાન વિદ્યાક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.

મારી લાગણી છે, મારું મન્તવ્ય છે, કે મારા સમાં દાઝીલાં આપણે સૌ સાહિત્યકારો અને અધ્યાપકો આજે ‘વિદ્યાવિલાપને માર્ગે’ છીએ. વિદ્યાક્ષેત્રની પ્રવર્તમાન દુર્દશા વિશે વિલાપ કરી રહ્યાં છીએ.

ગઈ કાલે હર્ષદ ત્રિવેદી ફોન પર મળ્યા, અમે અરધો કલાક સંવાદ જે કર્યો; એ પહેલાં મારા ઘરે જયેશ ભોગાયતા અને અજય રાવલ મળ્યા, બે કલાક દરમ્યાન વાતો જે થઇ; હસિત મહેતા આવેલા ને કલાક વાતો જે થઇ; તાજેતરમાં ફેસબૂક પર જયશ્રી જોષીએ લખ્યું અને એની વાતને અન્યોએ પ્રતિભાવ જે આપ્યા; મને ખૂબ ગમાડતા મિત્ર રમેશ મહેતાએ જૂનાગઢથી હમણાં એક પત્ર મોકલ્યો અને એમાં જે લખ્યું; વચમાં બાબુ સુથાર અને બે દિવસ પર મધુસૂદન કાપડિયાના અમેરિકાથી ફોન આવ્યા અને એમાં વાતો જે થઇ; નાગાલૅન્ડથી કિશોર જાદવ જોડે વાતો જે થાય છે; ગયા મહિને જયેન્દ્ર શેખડીવાળાના ઘરે વાતો જે થઇ, વડોદરાથી સંજય મકવાણા સાથે અને પાલીતાણાથી પાછા ફરતાં ચન્દ્રકાન્ત ટોપીવાલા સાથે કારમાં વાતો જે થઇ; એ પહેલાં પાલીતાણા જતાં ચિનુ મોદી, સતીશ વ્યાસ અને ઉષા ઉપાધ્યાય સાથે વાતો જે થઇ; ભાવનગર યુનિવર્સિટીમાં વિપુલ અને મહેન્દ્રસિંહ પરમાર જોડે ભલે અછડતા જે ટહુકા થયા; પાલનપુરમાં દીપક રાવલ સાથે સંવાદ જે થયો; વચમાં રાધેશ્યામ શર્મા ઘરે આવ્યા ને વાતો જે થઇ; માય ડીયર જયુ, મનોહર ત્રિવેદી અને જગદીશ ગુર્જર જોડે તાજેતરમાં વાતો જે થઇ; વિનોદ જોશી જોડે અવારનાવર ફોન પર અરધો અરધો કલાકની સાઇઝનાં મન્તવ્યો જે પ્રગટે છે; વીનેશ અંતાણી, રાજેન્દ્ર પટેલ, યોગેશ જોષી, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નિસર્ગ આહીર, નરેશ શુક્લ, વિપુલ વ્યાસ, સાગર શાહ અને અભિમન્યુ આચાર્ય જોડે જ્યારે ને ત્યારે મારે કરુણ સૂરે વાર્તાલાપો જે થાય છે -ત્યારે,

મારા એ સઘળા ઉલ્લેખોમાં સંભરેલો સાર એ ટપકે છે કે આપણે સૌ વિદ્યાવિલાપને માર્ગે છીએ.

યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં જે ઝડપે ધોવાણ ચાલી રહ્યું છે એ વિશે ચિન્તિત છીએ. બધી વાતે સુખી પણ આ વાતે દુ:ખી અને એકમેક સામે કશા પણ ઉકેલ વિનાની મજબૂરી અનુભવતા લાચાર જીવો છીએ.

(અહીં જે મિત્રોનાં નામો લખ્યાં છે તે ઉપરાન્તનાં અનેક મિત્રો પણ વિલાપથી જુદો ભાવ નથી ધરાવતાં એમ માનું છું. તેઓ કદાચ જાહેરમાં બોલતાં નથી પણ અંદરોઅંદર તો બોલે જ છે).

વિલાપના વિષયો છે : 

સૅમિસ્ટર સિસ્ટમ. 

અભ્યાસક્રમો.

અભ્યાસક્રમ-સંલગ્ન સાહિત્યના અધ્યયન-અધ્યાપનને માટેની સામગ્રીની અછત.

વૈકલ્પિક પ્રશ્નોના ઝુકાવવાળી પરીક્ષાપદ્ધતિ.

સાહિત્યના ઇતિહાસને વિશેનો અણગમો.

એની સૂઝબૂઝ વગરનાં ફૅંકાફૅંક વિધાનોની બોલબાલા.

સંશોધન વિશે અચરજ, કે એ શી બલા છે? અસજ્જ પી.ઍચડી-પદવીધારીઓ.

એ માટેના સ્કૅમ.

યુ.જી.સી.-આધારિત કાર્યક્રમોમાં નાણાંની ઉચાપત.

ગુણવત્તાની સરેઆમ મશ્કરી.

સાહિત્યના કાર્યક્રમોનો ફુગાવો છતાં સર્વત્ર હાજરી પાંખી.

પરિસંવાદોમાં નિષ્ણાતોની ખોટ.

એમાં સગવડવાદ.

વધતાં જતાં સામયિકો, ઑનલાઇન પણ, છતાં વધતો જતો અસંતોષ.

વાચનને વિશે વધતી જતી ઉદાસીનતા.

અઘરાં પણ અનિવાર્ય ગ્રન્થોનાં અવલોકનોની અછત.

જોડણી અને લિપિની એકવાક્યતાને વિશેની ઉદાસીનતા.

વિવેચન અને અવલોકનકામને ઊતરતાં ગણવાની દૂષિત માનસિકતા – તેની શી જરૂર છે – નામનું બીમાર મનોવલણ.

સંસ્કૃત અને પશ્ચિમની સાહિત્યવિચારધારાઓ સાથે પૂરો થવા આવેલો વિચ્છેદ.

માતૃભાષાને વિશેનો લગાવ, પ્રશ્નાર્થ હેઠળ.

વગેરે વગેરે …

વિદ્યાવિલાપને માર્ગે-ની વાતમાં હું એક નામ વીસરી ગયેલો, મારા માટે અનિવાર્ય એવું નામ, અને તે પરેશ નાયકનું. હમણાં જ ફોન પર મળાયું. પરેશ હમેશાં મારા બળાપાનો મોટો સહભાગી રહ્યો છે – અને તે ય એની સીધી ધારદાર વાણી સાથે ! સૉરિ !

સુરેશભાઈ પૂછે છે એમ આપણે જ્ઞાનથી વિમુખ થઇ રહ્યાં છીએ કે જ્ઞાનપ્રસરણની અત્યાધુનિક જોગવાઇઓ છે છતાં આપણી કશી દાનત નથી રહી? નથી રહી તો કેમ નથી રહી?

હું આ સઘળાને વિશે સૌને ચર્ચા કરવા, ઉપાયો સૂચવવા, વિનન્તી કરું છું. કંઈ નહીં તો, સૌ પોતાની લાગણીઓને વાચા આપે. અનુભવી જનો કહે છે, દુ:ખ એકલા એકલા નહીં પણ સૌ સાથે બેસીને ખમીએ તો ઓછું થાય કે ન થાય, પણ ખમી ખાવાનું બળ તો જરૂર મળે છે …

(24 / 06 / 13)
(03 / 24 / 23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કકડો 

ઉમેશ સોલંકી|Poetry|24 March 2023

કીકીનો રંગ 

ફેલાઈ ગયો આસપાસ દૂર-સુદૂર સળંગ

રાત

રાત સામે લાગે ઓછકલું ગહનગભીરા દરિયાનું ઊંડાણ

કશું સમજાય નહીં

ખોબા જેટલું ય ઉલેચાય નહીં

અચાનક હાથ આવ્યો કટકો

અંધાર નીતરતો અંધારાનો કકડો

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...1,1961,1971,1981,199...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved