Opinion Magazine
Number of visits: 9667576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિનપિંગ રશિયામાં, કિશિદા યુક્રેનમાં : યુદ્ધ વકરશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 March 2023

રાજ ગોસ્વામી

પૂર્વમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરનારા ચીને હવે તેની નજર યુરેશિયા (યુરોપ અને એશિયા) તરફ ફેરવી છે. અને તે પણ બહુ ઝડપથી ફેરવી છે. ઇસ્લામિક રાષ્ટ્રોનાં બે મહાસત્તા કહેવાતાં અને પાછલા ઘણાં દાયકાઓથી એકબીજાનાં જાની દુશ્મન બની ગયેલાં ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચીને હજુ આ મહિનાના આરંભે જ બુચ્ચા કરાવ્યા હતા. પરંપરાગત રીતે, જ્યાં અમેરિકા વકીલ અને ન્યાયાધીશ બંને ભૂમિકાઓ કરતું આવ્યું છે, તે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના ચીનના પ્રયાસોને લાંબા ગાળાની તેની આર્થિક અને વૈશ્વિક રાજનીતિની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.

19 માર્ચે, આ સ્થાનેથી એ સમાધાન વિશે વિગતવાર વાત કરી હતી ત્યારે તેમાં લખ્યું હતું, “દુનિયાના દરેક વિવાદોમાં અમેરિકાની કોઈને કોઈ ભૂમિકા રહેતી હોય છે કારણ કે મહાસત્તા હોવાના કારણે વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્રમાં આપવા માટે તેની પાસે કશુંક હોય છે, પરંતુ આ પહેલો અવસર છે જ્યાં મધ્ય પૂર્વની બે સત્તાઓ વચ્ચે સુલેહ કરાવામાં અમેરિકાની દૂર સુધી કોઈ ભૂમિકા નથી. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનું મહત્ત્વ વધશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેનનું સંકટ હલ કરવામાં પણ ચીન આગળ આવશે.”

આ આકલનની સાબિતી એ હકીકતમાં છે કે આ લખાય છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની રાજધાનીમાં છે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. જિનપિંગની રશિયા મુલાકાત, ઈરાન-સાઉદી સમજૂતી કરતાં પણ વધુ મહત્ત્વની છે કારણ કે અહીં તો પશ્ચિમી રાષ્ટ્રોનો મોરચો બનાવીને અમેરિકા યુક્રેનની પડખે (અને રશિયાની સામે) ઊભું છે. હજુ ગયા મહિને જ, યુ.એસ. રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેનની અણધારી મુલાકાતે ગયા હતા. તે વખતે તેમણે કહ્યું હતું કે, “પોતાનું સામ્રાજ્ય બેઠું કરવા મથતો તાનાશાહ ક્યારે ય યુક્રેનમાં વિજય નહીં મેળવે.”

વિશ્વમાં ક્ષેત્રીય માલિકીને લઈને ઝઘડતા દેશોને લઈને ચીનનો ઔપચારિક અભિગમ દરેક દેશોના અધિપત્ય, સ્વતંત્રતા અને ક્ષેત્રીય એકતાનું સન્માન કરવાનો રહ્યો છે. યુક્રેનના કિસ્સામાં દેખીતી રીતે જ રશિયાએ જબરદસ્તી કરી છે. છતાં, રશિયા માટે રવાના થતાં પહેલાં રશિયન અખબારમાં પ્રગટ થયેલા એક લેખમાં, રશિયાએ યુક્રેનમાં ઘૂસ મારી છે તે વાતને ટાળીને જિનપિંગે એવું લખ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ અન્ય દેશો માટે સુરક્ષાની ચિંતાનું કારણ બની ગયું છે.”

દેખીતી રીતે જ, જિનપિંગને યુક્રેનના નામે અમેરિકા સામે મોરચો બાંધવામાં રસ છે, રશિયાએ ક્ષેત્રીય એકતાનું ઉલ્લંઘન કર્યું છે તેમાં નહીં. એ સંદર્ભમાં, ત્રણ દિવસની તેમની રશિયન મુલાકાત મહત્ત્વની બની ગઈ છે. યુક્રેન પર રશિયાએ ચઢાઈ કરી તેને વર્ષ પૂરું થવા આવ્યું છે અને એમાં રશિયાનો મકસદ પાર પડતો નજર નથી આવતો. પશ્ચિમના દેશો યુક્રેનની પાછળ અડીખમ ઊભાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલગથલગ પડી ગયા છે. તેમના માટે જિનપિંગની મુલાકાત આત્મવિશ્વાસ વધારનારી છે. 17મી તારીખે, ઈંટરનેશનલ ક્રિમીનલ કોર્ટે પુતિનની ગિરફ્તારીનું વોરંટ જારી કર્યું એ પછી પુતિન સાથે હાથ મેળવનારા જિનપિંગ પહેલા વૈશ્વિક નેતા છે.

અમેરિકાનું સમાચાર પત્ર ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ આ મુલાકાતને ‘કમજોર રશિયાને સશક્ત ચીનનો ટેકો’ ગણે છે. તે લખે છે, “ચીને (હજુ સુધી) રશિયાને શસ્ત્રો તો પૂરાં પાડ્યાં નથી, પણ એક બીમાર સંબંધીની ખબર જોવા આવેલા શીએ નૈતિક અને મનોવૈજ્ઞાનિક સધિયારો આપ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોહ્ન કિર્બીએ બરાબર જ કહ્યું હતું કે પુતિન આમાં જુનિયર પાર્ટનર છે. યુક્રેન યુદ્ધની વિડંબના એ છે કે યુરોપમાં પલાંઠી મોટી કરવા જતાં પુતિનનું બેસવાનું કમજોર થઇ ગયું છે.

“આનાથી તેઓ ચીન તરફ ઝુકતા જશે. નબળા રશિયા પર ચીનનું પ્રભુત્વ આવનારાં વર્ષોમાં અનેક રૂપે જોવા મળશે. યુક્રેન પર ફાંકાફોજદારી કરવા જાતાં રશિયાએ યુરોપનું ઓઈલ માર્કેટ ગુમાવ્યું છે, પરિણામે તે ચીન અને અન્ય એશિયન ગ્રાહકો(જેમ કે ભારત)ની ડિમાન્ડ પર નિર્ભર થઇ જશે. મધ્ય એશિયા અને રશિયાના સુદૂર પૂર્વમાં ચીનનો આર્થિક પ્રભાવ દર વર્ષે વધી રહ્યો છે. અંતરિક્ષ, સાઈબર, રોબોટિક્સ અને આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સમાં ચીન તગડું (હાર્ડ પાવર) છે અને તે રશિયાને ઢાંકતું જશે.”

ઇન ફેક્ટ, જિનપિંગે યુદ્ધને રોકવા માટે 12 મુદ્દાની એક શાંતિ યોજના પણ પુતિનને આપી છે. તેમની સાથે મુલકાત બાદ, 22મી માર્ચે પુતિને કહ્યું પણ હતું કે ચીનની શાંતિ યોજના યુદ્ધને સમાપ્ત કરવા માટે આધાર બની શકે તેમ છે, પરંતુ પશ્ચિમે તેના માટે તૈયાર થવું પડે. ચીને તેમાં શાંતિ વાર્તા અને ક્ષેત્રીય અધિપત્ય જાળવવાનું સૂચન કર્યું છે, પણ તેનો કોઈ નક્કર પ્રસ્તાવ નથી. યુક્રેનની માંગણી છે કે રશિયા પહેલાં ઘર બહાર નીકળે પછી બીજી બધી વાત, જે રશિયાને મંજૂર નથી.

એક વર્ષ પહેલાં, યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયન સેનાનો અંદાજ એવો હતો કે સર્જિકલ સ્ટ્રાઈકની જેમ, દસ-પંદર દિવસમાં બધું ઊંચું મૂકી દઈશું, પણ એ ગણતરી ઊંધી પડી છે. અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી રાષ્ટ્રો રશિયા સામેની લડાઈમાં યુક્રેનને લાંબા યુદ્ધ માટે સહાય કરી રહ્યાં છે.

એની સાબિતી એ વાતમાં છે કે જિનપિંગ જે દિવસોમાં મોસ્કોમાં હતા, તે જ સમયે જાપાનીઝ વડા પ્રધાન ફૂમિયો કિશિદા યુક્રેનની રાજધાની કીએવમાં હતા. તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીને મળીને જાપાનના બેહિચક સમર્થનનો ભરોસો આપ્યો હતો અને યુદ્ધની બરબાદીમાં પુન:નિર્માણ તેમ જ માનવીય રાહતમાં મદદ કરવાનું વચન આપ્યું હતું.

કિશિદા અણધાર્યા જ યુક્રેન આવ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલીવાર જાપાનના કોઈ નેતા અઘોષિત રીતે કોઈ યુદ્ધગ્રસ્ત દેશમાં ગયા છે. અધિકારી સૂત્રો અનુસાર સલામતીના કારણોસર તેમની મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતું. જો કે, કીએવ આવતા પહેલાં તેઓ નવી દિલ્હીમાં હતા. એમ તો નવી દિલ્હીની યાત્રા પણ અણધારી જ હતી.

માર્ચની શરૂઆતમાં, નવી દિલ્હીમાં જી-20ના વિદેશ મંત્રીઓની બેઠકમાં જાપાનના વિદેશ મંત્રી હયાશિ યોશિમસરા ઉપસ્થિત રહ્યા નહોતા. જો કે, બીજા દિવસે ક્વોડની મંત્રી કક્ષાની બેઠકમાં અને રાઈસિના ડાઈલોગમાં તેઓ હાજર રહ્યા હતા. એવું કહેવાય છે કે અનુપસ્થિતિની ભરતી કરવા માટે કિશિદા સામે ચાલીને ભારત આવ્યા હતા અને પછી ત્યાંથી સીધા યુક્રેન પહોંચ્યા હતા.

આ મહત્ત્વનું છે. આ વર્ષે ભારત જી-20નું અધ્યક્ષ છે અને જાપાન જી-7નું અધ્યક્ષ છે. ઉક્રેન પર રશિયાના આક્રમણને લઈને જાપાનનો અભિગમ સાફ છે; કાનૂનના રાજ પ્રમાણે બધાએ ચાલવાનું હોય. કિશિદા અને વડા પ્રધાન મોદી જી-20 અને જી-7ના પ્લેટફોર્મનો એજન્ડા તૈયાર કરવામાં એકબીજાનાં સલાહ-સૂચન લે તે સ્વાભવિક છે. જી-20માં યુદ્ધને લઈને શું કરવું તેની એકમતી નથી. શક્ય છે કે કિશિદાએ મોદી સાથે તેમની બેઠકમાં, ભારતે એવું શું કરવું જોઈએ જેથી જી-20નો મૂળ એજન્ડા ખોરવાઈ ન જાય તેનું માર્ગદર્શન આપ્યું હોય.

જી-20માં યુદ્ધની ચર્ચા થશે કે નહીં તે તો ખબર નથી, પરંતુ જી-7માં તો સાફ રીતે જ રશિયાને બિનશરતે ઉક્રેનની ભૂમિ છોડવાનું કહેવામાં આવશે. ચીનના વધતા પ્રભાવને લઈને જાપાનને અમુક આશંકાઓ છે અને જિનપિંગની વિવાદાસ્પદ મોસ્કો યાત્રા પછી કિશિદા અણધાર્યા યુક્રેન જવાનું નક્કી કર્યું હતું. એક વર્ષના યુદ્ધ પછી રશિયાનો મિલીટરી પુરવઠો ખૂટવા લાગ્યો છે અને તેનું અર્થતંત્ર લંગડાવા લાગ્યું છે ત્યારે પશ્ચિમના દેશો જિનપિંગની મુલાકાતને પુતિનને સધિયારો આપવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીન એવું કહીને ક્રેમલિનને સમર્થન આપી રહ્યું છે કે નાટોએ યુરોપની બહાર રશિયનના પડોશમાં પહોળા થવાની હરકત કરી છે એટલે આ પરિસ્થિતિ ઊભી થઇ છે. એટલા માટે જ તે રશિયન ઓઈલ મોટા પાયે ખરીદી રહ્યું છે. એશિયામાં માત્ર ભારત એક માત્ર દેશ છે જેણે આવો જ અભિગમ રાખ્યો છે. તેણે પણ આક્રમણ માટે રશિયાની ટીકા કરવાનું ટાળ્યું છે અને મોટા પ્રમાણમાં ઓઈલ ખરીદે છે.

રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં ભારતની ભૂમિકા સંભવ છે? જિંનપિંગની મુલાકાત પછી આનો જવાબ થોડો મુશ્કેલ બની ગયો છે. ચીન સાથે ભારતનો સરહદી મામલો ઘણો ગરમ છે અને એમાં ચીનનો હાથ ઉપર છે. ભારતમાં ચીન પ્રત્યે ભારોભાર નારાજગી છે. એવા સંજોગોમાં ચીન શાંતિ માટે પહેલ કરે તેમાં ભારત માટે કેટલી જગ્યા રહે છે અને જગ્યા હોય તો પણ ચીન અને ભારત એમાં કેટલી હદે સંમત થાય તે એક સવાલ છે. હા, જાપાન જેવા દેશોના માધ્યમથી ભારત પ્રોક્સી ભૂમિકા ભજવી શકે છે.

પરંપરાગત રીતે, બિન-જોડાણવાદની તેની નીતિના કારણે ભારતના તમામ દેશો સાથે મધુર સંબંધો છે અને તે કોઈની પણ સાથે કોઈપણ મુદ્દા પર વાત કરવા સક્ષમ છે. ભારતે અમેરિકા અને રશિયા બંને સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખ્યા છે. એટલે જો યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પ્રસ્તાવ આકાર લે, તો તે રશિયા સાથે અને અમેરિકા (યુક્રેન) સાથે બેસીને મધ્યસ્થી કરી શકે તેમ છે. સવાલ ખાલી એટલો જ છે કે ચીનને એ મંજૂર હશે?

લાસ્ટ લાઈન:

“યુદ્ધથી કાયમી શાંતિ નથી આવતી, કાયમી મોત આવે છે.”

— જાનેટ મોરિસ, અમેરિકન લેખક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 26 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો દીકરી લિઝર્લને પત્ર …

ગુજરાતી અનુવાદ : બ્રિજેશ પંચાલ|Opinion - Opinion|27 March 2023

પ્રિય લિઝર્લ૧,

જ્યારે મેં થિયરી ઑફ રિલેટીવિટી લોકો સમક્ષ મૂકી હતી, ત્યારે બહુ ઓછાં એને સમજી શક્યા હતા, શું હવે હું દુનિયાની સામે લોકોની ગેરસમજ અને પૂર્વગ્રહો દૂર કરવા કંઈ કહીશ ત્યારે લોકો સમજશે મને?

આપણો સમાજ વર્ષો અને દાયકાઓ સુધી ઉન્નત થતો રહેશે કદાચ ત્યાં સુધી તો હવે હું જે કંઈ નીચે લખવાનો છું એ લોકો સમજી જશે, એટલે તું આ પત્ર સચવાય ત્યાં સુધી સાચવજે.

કોઈ એક એવી શક્તિશાળી તાકત છે, જેની વિજ્ઞાન સુધ્ધા હજુ જોઈતી વ્યાખ્યા નથી આપી શક્યું. એ તાકત છે જે લોકોને ચલાવે છે અને જેનાથી બ્રહ્માંડ સુધ્ધા ચાલે છે, પરંતુ એ જે છે એને આપણે શોધી નથી શક્યા! આ સાર્વત્રિક બળનું નામ છે – પ્રેમ! 

જ્યારે વૈજ્ઞાનિકો યુનિફાઈડ થિયરી ઑફ યુનિવર્શની શોધ કરતાં હતા ત્યારે તેઓ સૌથી શક્તિશાળી અને અદૃશ્ય બળને જ ભૂલી ગયાં. જે છે – પ્રેમ! પ્રેમ પ્રકાશ જેવો છે; એ એવી જ વ્યક્તિ પાસે પહોંચે છે જે કંઈ આપી શકે અને લઈ પણ શકે! પ્રેમ એક જાતનું ગુરુત્વાકર્ષણબળ છે. કદાચ એટલે જ કેટલાક લોકો બીજા કેટલાક લોકો તરફ આકર્ષાય છે. પ્રેમ એક એવી શક્તિ છે; જે આપણી પાસે છે ફક્ત એને જ ઉપયોગમાં લે છે. પ્રેમ તેની હાજરીમાં થયેલા આંધળા વિશ્વાસને ખાતર માનવતાને મરવા નથી દેતો. પ્રેમ ઘણું બધું ઉઘાડે અને સમજાવે છે. પ્રેમ માટે જ આપણે જીવતા અને મરતા હોઈએ છીએ. પ્રેમ એ ઈશ્વર છે અને ઈશ્વર એ પ્રેમ!

આ પ્રેમ રૂપી બળમાં ય સમજણ છુપાયેલી છે અને આ બળ જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. પ્રેમ એક એવું પરિવર્તન છે જેની આપણે વર્ષોથી અવગણના કરી છે. કદાચ આપણે સૌ પ્રેમથી ડરતા હોઈશું! કારણ કે પ્રેમ જ એક એવી બ્રહ્માંડની ઉર્જાશક્તિ છે જેને માણસ પોતે ચાહે ત્યારે નથી શીખી શકતો!

પ્રેમને દૃશ્યમાન કરવા મેં મારા જાણીતા સમીકરણમાં થોડો ફેરફાર કર્યો છે. જો E=MC2માં આપણે ઘારી લઈએ કે દુનિયાને હૂંફ આપવા વપરાતી ઉર્જા પ્રેમમાંથી મળતી હોય તો એ પ્રકાશની ઝડપથી બે ગણી હોવી જ જોઈએ. તો આપણે એ નિષ્કર્ષ પર આવીશું કે પ્રેમ જ એક શક્તિશાળી બળ છે. કારણ કે એની કોઈ સીમા નથી! માનવતાની વાતમાં આપણે જ્યારે હવે હારી ગયા છે અને બીજી બધી શક્તિઓ વધી રહી છે. એવા સમયે આપણે કોઈ બીજી શક્તિ દ્વારા આપણી જાતને જ પંપાળવી રહી. જો આપણે ચાહીયે છે કે આપણી જાતિ ટકી રહે; જો આપણે શોધી રહ્યાં છે જીવનનું ગૂઢ રહસ્ય ને એ મળી જાય; જો આપણે બચાવા માગ્યે છે દુનિયાને અને જો સંવેદનાથી પોતાનામાં લેવા ચાહ્યે છે કશું તો એનો જવાબ છે ખાલી – પ્રેમ; ફક્ત પ્રેમ!

કદાચ આપણે હજુ સક્ષમ નથી પ્રેમનો બૉમ્બ બનાવા માટે, એક એવું ઉપકરણ બનાવા જે નફરતને ખતમ કરી શકે અને સ્વાર્થીપણા સાથે લોભ કે પૂર્વગ્રહનો નાશ કરી શકે. જો કે, દરેક વ્યક્તિ તેમની અંદર વહન કરી શકે  છે પ્રેમનું  એક નાનું  પણ  શક્તિશાળી જનરેટર  જે  પ્રેમરૂપી ઉર્જા છોડવા માટે રાહ જોઈ રહ્યું છે. આપણે  ક્યારે  શીખીશું  આવી  સાર્વત્રિક  ઉર્જાની  આપ-લે કરતાં! પ્રિય લિઝર્લ, આપણે કોઈ એવો પુનરુદ્ધાર કરીશું  કે  પ્રેમ  બધાં  જીતી શકે એની માટે સક્ષમ બની શકે. કારણ કે  પ્રેમ  એ  જીવનની  જિજ્ઞાસા છે.

માફ કરજે! મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ કહેવા હું અસક્ષમ છું, જે તારી જિંદગી માટે નાસીપાસ થવા જેવી બાબત ખરી. કદાચ માફી માગવા માટે આ મોડું કહેવાય, પરંતુ સમય એ સાપેક્ષ છે; માટે મારે તને કહેવું જોઈએ કે, I LOVE YOU! આભાર તો મારે તારો માનવાનો છે; કારણ કે તે મને મારા અંતિમ જવાબ સુધી પહોંચાડી દીધો!

લિ.

તારો પિતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન૨.

v

૧લિઝર્લ આઈન્સ્ટાઈન (૨૭ જાન્યુઆરી ૧૯૦૨ – સપ્ટેમ્બર ૧૯૦૩) મિલેવા મેરીક અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું પ્રથમ સંતાન હતું. તેના માતા-પિતા વચ્ચેના પત્રવ્યવહાર મુજબ, લિઝર્લનો જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૯૦૨ના રોજ, તેના માતા-પિતાના લગ્નના એક વર્ષ પહેલા, નોવી સેડ/ઉજવિદેક, ઑસ્ટ્રિયા-હંગેરી, હાલના સર્બિયામાં થયો હતો. આઈન્સ્ટાઈને સ્વિટ્ઝર્લૅન્ડમાં કામ કર્યું તે વખતે તેની માતા દ્વારા થોડા સમય માટે તેની સંભાળ રાખવામાં આવી હતી. બાદમાં મેરિક લિઝર્લ વિના આઈન્સ્ટાઈન સાથે જોડાયા. લિઝર્લનું અસ્તિત્વ ઈ.સ.૧૯૮૬ સુધી જીવનચરિત્રકારો માટે અજાણ હતું, જ્યાં સુધી હંસ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પુત્રી એવલિન દ્વારા આલ્બર્ટ અને મિલેવા મેરિક વચ્ચેના પત્રોનો સમૂહ શોધાયો ન હતો. પોતાના પત્રોમાં દંપતી અજાત બાળકને “લિઝર્લ” કહે છે – જ્યારે છોકરીનો ઉલ્લેખ કરે છે. અથવા “હેન્સરલ” – જો છોકરાનો ઉલ્લેખ કરે છે. “લિઝર્લ” અને “હેન્સરલ” બંને સામાન્ય જર્મન નામો લિઝ અને હેન્સ એલિઝાબેથ માટે વપરાતા ટૂંકા નામ છે. (References: Albert Einstein/Mileva Maric: The Love Letters, Publisher:  Princeton University Press (October 31, 2000), p. 54, p. 63, p. 66, p. 67, p. 73, p. 78, the english translation of the german “Doxerl”, one of the names Einstein used for Marić, Lieserl Einstein’s biography,  Milan Popović: In Alberts Shadow. The life and letters of Mileva Marić, Einstein’s first wife, Johns Hopkins University Press, London 2003, p.11, ISBN 978-0-8018-7856-5, The Truth Behind Einstein’s Letter on the ‘Universal Force’ of Love, “A Universal Force”. Snopes.com. Retrieved 19 April 2020.)

૨અહીં દર્શાવેલ પત્ર આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાની દીકરીને સાચે લખ્યો હતો કે નહીં એ વાત પર પ્રશ્નાર્થ સાથે વિશ્વના સંશોધનકારોમાં સંશોધન ચાલી રહ્યું છે.

(સૌજન્ય : “તથાપિ”. વર્ષ ૧૮ અંક ૬૧ થી ૭૦ સપ્ટેમ્બર – નવેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર- ફેબ્રુઆરી ૨૦૨૩; પૃ. ૧૧૫ થી ૧૧૬.)
 સંપર્કઃ ઈ–મેઈલ – panchalbrijesh02@gmail.com
ફોટોગ્રાફર :  આર્થર સાસે

Loading

ખાલિસ્તાનનો પ્રશ્ન હોળીમાંથી દાવાનળ બને એ પહેલાં સરકારે અન્ય ભાગીદારો સાથે મળીને ડામવો રહ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 March 2023

ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલતાઓ વધારશે

ચિરંતના ભટ્ટ

2023નું વર્ષ ભારતીય રાજકીય નેતૃત્વ માટે સાવ સહેલું નથી એ ચોક્કસ. ભલેને સંજોગો એકનાં એક હોય, પરિસ્થિતિ એકની એક હોય પણ જે રીતે ખાલિસ્તાની આંદોલને ફરી માથું ઉંચક્યું છે એ મૂંઝવણમાં વધારો જ કરે તેવી બાબત છે. વળી, એક સમયે જ માત્ર દેશમાં ખાલિસ્તાનીઓએ અફરાતફરી મચાવી હતી પણ હવે તો વિદેશમાં પણ આ આંદોલનના પડઘા પડી રહ્યા છે. વળી ઘર આંગણે અને વિદેશમાં ખાલિસ્તાનીઓ જે અરાજકતા ફેલાવી રહ્યા છે એમાં સરકારે બન્નેનો તફાવત, પ્રભાવ અને પરિણામોની ત્રિરાશી માંડીને નિર્ણય લેવાના રહે.

અત્યારે જે થઇ રહ્યું છે તેનાં મૂળિયાં 1929માં કાઁગ્રેસના લાહોર અધિવેશનમાં રોપાયા, જ્યારે મોતીલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની વાત કરી. આ સમયે મુસ્લિમ લીગ, દલિતો અને શિરોમણી અકાલી દળના સમૂહોએ પોતાના નેતાઓ અનુક્રમે જિન્નાહ, આંબેડકર અને માસ્ટર તારા સિંહ મારફતે પૂર્ણ સ્વરાજના પ્રસ્તવાનો વિરોધ કર્યો. શીખો માટે અલગ રાજ્યની માંગ તો થઇ પણ 1947માં આ માંગણી આંદોલનમાં ફેરવાઇ અને તેને નામ અપાયું પંજાબી સૂબા આંદોલન. જે પંજાબ ભારતમાં રહ્યું તેમણે શીખ સૂબાની એટલે અલગ શીખ પ્રદેશની માંગ ચાલુ રાખી અને આ આંદોલનો લગભગ બે દાયકા ચાલ્યા. ઇંદિરા ગાંધીની સરકારે અમુક બદલાવ કર્યા પણ. આ બધી માથાકૂટ બહુ લાંબી ચાલી. જરનૈલ સિંહ ભિંડરાવાલે એંશીના દાયકામાં શીખ કટ્ટરવાદના જનક તરીકે ઓળખાયા. શીખ ધર્મનું શિક્ષણ આપનારી સંસ્થા દમદમી ટકસાલના અધ્યક્ષ બન્યા પછી રાજકીય ચિત્રમાં લોહીનો રંગ પુરાવા માંડ્યો. ભિંડરાવાલે આનંદ સાહિબ રિઝોલ્યૂશનના કટ્ટર સમર્થક હતા, તે હિંદુઓની હત્યા કરવા શીખોને ઉશ્કેરતા, તેમણે શિરોમણી અકાલી દળ સાથે મળીને અસહકાર આંદલોનનને સશસ્ત્ર બળવામાં ફેરવ્યું. નિરંકારી સંત અને દમદમી ટકસાલ એકબીજાની સામે હતા. નિરંકારી સંતની તરફેણ કરનારા ‘પંજાબ કેસરી’ના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરાઇ અને ભિંડરાવાલેએ સરેન્ડર પણ કર્યું પણ પુરાવાના અભાવે તે છૂટી ગયા. સરકાર અને કટ્ટરવાદી શીખો વચ્ચે સંઘર્ષ વઘતો રહ્યો, ભિંડરાવાલે માથાભારે થતા ગયા, બેફામ હિંસા પણ ચાલુ રહી અને 1984માં ઑપરેશન બ્લૂસ્ટાર પાર પાડ્યું અને ભિંડરાવાલે અને તેમના સમર્થકોને ઠાર મરાયા. જો કે તેમાં 83 જવાનના મોત થયા અને 249 ઘાયલ થયા.  બ્લૂસ્ટાર પાર પડ્યા પછી હિંસાનો દૌર નવા સ્તરે પહોંચ્યો વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરાઈ, એ પછી શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાલિસ્તાનીઓએ ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ કરી ભિંડરાવાલેના મોતનો બદલો લીધો. ખાલિસ્તાની આતંકવાદ ચરમ સીમાએ હતો પણ પંજાબ પોલીસ વડા કે.પી.એસ. ગિલને કારણે તે સમયે ખાલિસ્તાની ચળવળ પર પૂર્ણવિરામ મૂકાયું.

જો કે અત્યારે ભારતમાં અને વિદેશમાં જે રીતે ફરી ખાલિસ્તાની ચળવળના ભડકા થવા માંડ્યા છે તે સાબિતી છે આ કોઇપણ નક્કરતા વગરનો ઘોંઘાટ છે.  બહારનાં તત્ત્વો ખાલિસ્તાનીઓને ઉશ્કેરી રહ્યા છે અને આ બહારના તત્ત્વોમાં પાકિસ્તાન પણ સામેલ છે. વળી એમાં અમૃતપાલ સિંઘનો વારિસ પંજાબ દેનું લોકલ છોગું પણ ઉમેરાયું છે. સરહદ પરના રાજ્યમાં અમૃતપાલ સિંઘ અરાજકતા ફેલાવી રહ્યા છે તો વિદેશમાં આપણા જ ડિપ્લોમેટિક મિશન્સ પર હુમલા થઇ રહ્યા છે. ઑસ્ટ્રેલિયા અને બીજા દેશોમાં હિંદુ મંદિરો પર હુમલા કરાયા છે. ખાલિસ્તાની આંદોલનને નામે અત્યારે ભારતમાં થઇ રહેલી હિંસક પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાય તે જરૂરી છે, તો વિદેશના સંજોગોમાં આપણે અગમચેતી ભર્યાં પગલાં લેવાં પડશે નહીંતર મામલો ધાર્યા કરતાં વધુ બિચકશે.

અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓએ ગયા મહિને અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘુસી જઇને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. ફ્રિન્જ – કોરે રહેલા ઉગ્ર ગણગણાટને મુખ્ય પ્રવાહમાં આવતા વાર નથી લાગતી. જો આ ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો હિંદુ-શીખ વચ્ચેના સામાજિક સંબંધો પર ભારત જ નહીં પણ વિદેશમાં પણ તિરાડ પડશે. ખાલિસ્તાનીઓને એટલું જ જોઇએ છે. ખાલિસ્તાની કટ્ટરવાદ એંશીના દાયકામાં પણ દેશની એકતા માટે જોખમી પુરવાર થઇ ચૂક્યો છે. અત્યારે દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર, કૉંગ્રેસ, અકાલી દળ, વહીવટી તંત્રમાં છે એવી આમ આદમી પાર્ટી બધાંએ એક સાથે મળીને પોલીસ દળોને ટેકો આપવો જોઇએ. આપણે જો રાજકારણની હુંસાતુંસીમાં રહી જઇશું તો પંજાબમાં આપણે અલગાવવાદી રાક્ષસને વધુ જોરાવર થવા દેવાની ભૂલ કરીશું. મોદી સરકારે આ વાત તમામ પક્ષ સાથે મળીને એ દૃષ્ટિકોણ પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ કે જો ખાલિસ્તાની જૂથો ફરી સક્રિય થશે તો અત્યારના કોઇ પણ રાજકીય પક્ષની સુસંગતતાનું ઠેકાણું નહીં રહે. યુ.કે., યુ.એસ., કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓને ઠારવા માટે જુદો અભિગમ જોઇશે. અત્યારે તો મુત્સદ્દીભરી રાજનીતિથી બધું સાચવી લેવાશે પણ વૈશ્વિક સ્તરે ભારતનું નીચાજોણું થાય એ માટે જે તત્ત્વો કામે લાગ્યા છે એમને ઉઘાડા પાડવા માટે આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે નક્કર દલીલો જોઇએ. વિદેશમાં ખાલિસ્તાનીઓ જે કરી રહ્યા છે એ કરવા માટેની મોકળાશ તેમને શા માટે મળી રહી છે?

શીખો વિદેશમાં રહેતા હોય કે ભારતમાં – પશ્ચિમી રાષ્ટ્રો તેમને લઘુમતીમાં ગણે છે અને માટે જ તેમની સાથેનો તેમને વહેવાર બહુ કાળજીપૂર્વકનો રહ્યો છે. પશ્ચિમી સરકારો તેમની લઘુમતી સામેના ગુનાઓ સંભાળવાને મામલે વધુ પડતી ચિવટ રાખે છે. વળી ઉત્તર અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉદારમતવાદી વલણ છે અને ખાલિસ્તાનીઓના દેખાવો અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં ગણાઇ જાય છે. પશ્ચિમમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને એટલો ગંભીરતાથી લેવાય છે કે તેનો ગેરલાભ લેનારાઓ પાછું વળીને જોતા નથી અને સામે આતંકીઓ બદલો લેવાનું છોડતા નથી. વળી યુ.કે. અને કેનેડાના સીમાંત મતવિસ્તારોમાં મુસ્લિમ અને શીખ મત અગત્યનો છે. આવામાં પાકિસ્તાનીઓ ખાલિસ્તાનીઓને ટેકો આપે તો હિંદુ વિરોધી અથવા ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર સીધી અસર પડે. વિદેશમાં ખાલિસ્તાની તરફીઓ પોકળ ઘોંઘાટ કરીને માહોલ ખરાબ કરે છે, તેમને એ નથી સમજાતું કે આંતરારષ્ટ્રીય સ્તરે તેમને ત્યાંથી કોઇ ટેકો નથી મળવાનો. અમુક નવરાઓ ખાલિસ્તાનનો મુદ્દો ગુજરાન ચલાવવાને માટે ચગાવી મારે છે અને વિદેશમાં થતા ચાળાને રોકવા ભારતે પોતાના વિરોધીઓને ત્યાંના રાજકારણીઓ સામે ઉઘાડા પાડી, તેમની સામે ગંભીરતાથી પગલાં લેવાય તેવી માંગ સાથે રાજનૈતિક ચર્ચા છેડવી જોઇએ. જરૂર પડે તો કેન્દ્ર સરકારે વિદેશી સરકારની મદદ લઇને વિદેશમાં ખાલિસ્તાનના અવાજને નાથવો જોઇએ.

બાય ધી વેઃ

ખાલિસ્તાનના મુદ્દાને અગ્રિમતા આપીને ઉકેલવો જરૂરી છે નહીંતર તણખામાંથી ભડકો અને એમાંથી દાવાનળ જેવી સ્થિતિ થતા વાર નહીં લાગે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે અને ભા.જ.પા. સરકારને અત્યારે આવી કોઈ પણ વધારાની પળોજણ પોસાય તેમ નથી. અમૃતપાલના સંગઠનને ડૃગ માફિયાઓનું ફંડિગ છે તો પાકિસ્તાની એજન્સી આઇ.એસ.આઇ. સાથે પણ તેના તાર જોડાયેલા છે. અમૃતપાલની આનંદપુર ખાલસા ફૌજ ખાલિસ્તાનના અલગ દેશ બનાવવાની માંગ માટેની લડાઈ કરવાની હતી. ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે, હા તેને કારણે અચાનક બધું ખતમ થઇ જાય એમ નથી પણ તેનો અર્થ એવો ય નથી કે જે ત્વરિત પગલાં આપણે લેવાં જોઇએ એમાં આપણે મોડા પડીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023

Loading

...102030...1,1941,1951,1961,197...1,2001,2101,220...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved