Opinion Magazine
Number of visits: 9458351
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપ્રમાણિક શાસકો જગતના શ્રેષ્ઠ બંધારણને પણ નિષ્ફળ બનાવી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 November 2022

અરુણ ગોયલની ભારત સરકારે નિર્વાચન આયુક્ત (ઈલેકશન કમિશ્નર – ઇ.સી.) તરીકે જે દિવસે નિયુક્તિ કરી, એ દિવસ લોકતંત્ર અને બંધારણીય ભારત માટે ઐતિહાસિક હતો. ભારતનું બધારણ ઘડાઈ ગયું હતું અને તેને ૨૬મી નવમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભા મંજૂરી આપવાની હતી, તેના અઠવાડિયા પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે બંધારણ સભામાં આખરી પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનમાં તેમણે બે વાત કહી હતી. એક તો એ કે જો આવનારા શાસકો ખૂટેલ હશે તો દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ પણ લોકતંત્રને ન બચાવી શકે અને જો શાસકો પ્રામાણિક હોય તો નબળું બંધારણ પણ દેશને ઊગારી શકે. એટલે બંધારણની શ્રેષ્ઠતા લોકતંત્રની અને કાયદાના રાજની ગેરંટી નથી. તેમણે બીજી વાત એ કહી હતી કે લોકોને રસ્તા ઉપર ઊતરીને આંદોલન ન કરવું પડે એ જગતના કોઈ પણ પ્રજાલક્ષી લોકશાહી દેશની કસોટી છે. આ વાત સમજવા જેવી છે. રસ્તા પર ઊતરીને આંદોલન કરવું એ પ્રજાનો મૂળભૂત અધિકાર છે પણ એ અધિકાર વાપરવાની પ્રજાને જરૂર ન પડે એમાં લોકતાંત્રિક રાજ્યની કસોટી છે. જેમ કે બે વરસ પહેલાં સરકાર કૃષિકાનૂન લાવી હતી જે ખેડૂતોને સ્વીકાર્ય નહોતા. હવે જો દેશમાં સંવેદનશીલ લોકતંત્ર હોત અને સંસદ અને ન્યાયતંત્ર જેવી લોકશાહી સંસ્થાઓ જાનદાર ધબકતી હોત તો ખેડૂતોની ફરિયાદોને સાંભળવામાં આવી હોત. તેના વિષે સાંગોપાંગ ચર્ચા થઈ હોત, જરૂરી સુધારા થયા હોત અથવા અદાલતમાં ન્યાય મળ્યો હોત. લોકોને પોતાની વાત કહેવા માટે અને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઊતરવું પડે એનો અર્થ જ એ કે લોકતંત્ર જેવું હોવું જોઈએ એવું તંદુરસ્ત નથી.

આ વાત અને લોકતંત્રની કસોટીનો માપદંડ બંધારણ ઘડવામાં જેણે સિંહફાળો આપ્યો હતો એ ડૉ. આંબેડકરે બંધારણસભામાં વિદાય લેતા પ્રવચનમાં કહી હતી અને એ જ દિવસે, ૭૩ વરસ પછી, ભારત સરકારે ગેર બંધારણીય અને અનૈતિક રીતે અરુણ ગોયલની ચૂંટણી પંચમાં આયુક્ત તરીકે નિયક્તિ કરીને સાબિત કરી આપ્યું હતું કે અપ્રામાણિક શાસકો જગતના શ્રેષ્ઠ બંધારણને પણ નિષ્ફળ બનાવી શકે છે અને લોકતંત્રનો પ્રાણ હરી શકે છે. એ ભાઈ આગલા દિવસે સરકારી નોકરીમાંથી મુદ્દત પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે અને બીજા દિવસે તેમની દેશની લોકશાહી સંસ્થામાં નિયુક્તિ થાય છે. ગુજરાતની વિધનસભાની ચૂંટણી નજીક છે, એ પછી ઉત્તર ભારતનાં બીજાં મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને દોઢ ત્યારે એ ભાઈ પાસેથી કોઈ કામ લેવાનું હશે અને એ ભાઈએ કામ કરી આપવાનું વચન આપ્યું હશે. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો. સર્વોચ્ચ અદાલતે પાંચ જજોની બંધારણીય બેન્ચ રચીને સુનાવણી હાથ ધરી. અદાલતે કેન્દ્ર સરકારના એટર્ની જનરલને કહ્યું છે કે જો નિયુકિતમાં કોઈ રમત રમાઈ નથી એમ જ્યારે તમે કહો છો તો નિયુક્તિ કઈ રીતે કરવામાં આવી એની ફાઈલ અદાલતમાં રજૂ કરો.

વાત એમ છે કે આપણું બંધારણ કેટલીક બાબતે ચૂપ છે અને તેનો શાસકો દ્વારા લાભ લેવામાં આવે છે. અદાલતોમાં જજોની નિયુકિત, ચૂંટણી પંચમાં તેના આયુકતની નિયુકિત અને કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઓડિટર જનરલની નિયુકિત કઈ રીતે કરવી એ બાબતે બંધારણમાં કોઈ નિર્દેશ નથી. નિયુક્તિનો સ્પષ્ટ નિર્દેશ નથી એટલે નિયુકિત કરવાનો અધિકાર શાસકોને મળે છે. બંધારણ ઘડનારાઓએ કદાચ એમ ધાર્યું હશે કે દેશને વિવેકી શાસકો મળતા રહેશે.

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો માટે જજોની પસંદગી સર્વોચ્ચ અદાલતના જજોનું બનેલું કોલેજિયમ કરે છે અને નિયુકિત સરકાર કરે છે. બંધારણ તો જજોની નિયુકિતની બાબતે પણ ચૂપ છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આપસમાં વિચાર વિનિમય કરીને જજોની પસંદગી કરવાનો અને ભલામણ કરવાનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો હતો. આ પછી પણ નિયુક્તિનો અધિકાર તો સરકાર જ ધરાવે છે અને સરકાર જજોની નિયુકિત નહીં કરીને અથવા ભલામણની અવગણના કરીને પોતાનું ધાર્યું કરે છે. જો કોલેજિયમની ભલામણ મુજબ વીતેલાં વરસોમાં જજોની નિયુકિત કરવામાં આવી હોત તો અદાલતોમાં કેસના ભારણમાં ખાસ્સો ઘટાડો થયો હોત. શાસકો જાણે છે કે જો ન્યાયતંત્ર ચૂસ્તદુરસ્ત હોય તો જેલમાં જવું પડે.

સર્વોચ્ચ અદાલતે સૂચવ્યું છે કે ચૂંટણી પંચના આયુક્તની નિમણૂક વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ મળીને કરવી જોઈએ. આવી ભલામણ કાયદા પંચે પણ કરી હતી. સવાલ એ છે કે આ પણ કોઈ અકસીર ઈલાજ નથી. સી.બી.આઇ.ના વડાની નિમણૂક આ રીતે જ થાય છે અને પરિણામ આપણી સામે છે. દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ આર.એન. લોઢાએ સી.બી.આઇ.ને સરકારી પોપટ તરીકે ઓળખાવી હતી.

તો પછી ઉપાય શું? ઉપાય છે ભારતના લોકતંત્રને નિર્બળ બનાવતી નબળાઈઓને ઓળખવામાં આવે, તેના ઉપાય વિષે રાષ્ટ્રીય ચર્ચા થવી જોઇએ, બને ત્યાં સુધી સર્વસંમતિ સાધવામાં આવે અને બંધારણમાં જરૂરી સુધારા કરવામાં આવે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 નવેમ્બર 2022

Loading

હું 

મનીષી જાની|Poetry|25 November 2022

હા,

હું ઝાડ છું.

સતત ઊગતું

સતત વિસ્તરતું ઝાડ છું.

વાંદરાનાં ઝૂંડ તો

આવ્યાં કરે,

વર્ષોથી આવે અને જાય.

કૂદાકૂદ કરે, ચિચિયારીઓ પાડે, એકબીજાનાં માથામાંથી જૂ વીણે, ખંજવાળે, કૂણાં પાંદડાં ભચડક ભચડક ચાવે, તોડે,

કૂદે ને કૂણી કૂણી ડાળ પાડે નીચે,

ધમાચકડી,હૂપાહૂપ …

આંખોમાં આથમતો સૂરજ અથડાય ને ઝૂંડ ભાગે …

અંધારામાં  તૂટેલાં પાંદડાં ને તૂટીને નીચે પડેલી ડાળીઓનાં ડૂસકાં સંભળાય

ઘડી બે ઘડી,

વાંદરાના ઝૂંડ આવે અને જાય …

હમણાં એક વાંદરાને આથમતો સૂરજ આંખમાં ના અથડાયો ..

વાંદરાનું ઝૂંડ તો ચાલ્યું ગયું

ને

રહી ગયો આ વાંદરો,

એકલો,

કૂદાકૂદ ને હૂપાહૂપ

કરતો મારા પર !

સતત ચિચિયારીઓ અને સતત અહીં-તહીં, ઉપર-નીચે, આગળ-પાછળ ભાગાભાગ, કૂદાકૂદ, હૂપાહૂપ..!

સતત કૂણાં પાંદડાં ભચડક ભચડક, કૂણી ડાળીઓ કચ્ચરઘાણ,

સતત હું ડૂસકાં સાંભળું છું, નીચે પડેલાં કૂણાં તૂટેલાં પાંદડાંના

અને  સતત ડૂસકાં સાંભળું છું

હજી ઊગતી જ તૂટી ને નીચે

પડતી ડાળીઓના.

હું મૌન છું,

હું

વિક્ષુબ્ધ છું.

24, નવેમ્બર, 2019

Loading

કાચા કામના કેદી : વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિક

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 November 2022

કાચા કામના કેદીઓની વૈશ્વિક સરેરાશ ૩૪ ટકા છે. રાષ્ટ્રકુળના ૫૪ દેશોમાં સરેરાશ ૩૫ ટકા કાચા કામના કેદી છે. પરંતુ ભારતમાં તેમની ટકાવારી ૭૬થી ૮૦ ટકા જેટલી ઊંચી છે ! ભારતમાં દર ચારમાંથી ત્રણ કેદી પ્રિ-ટ્રાયલ, અંડર ટ્રાયલ, વિચારાધીન કે કાચા કામના છે. જેલોમાં સબડતા આ કેદીઓના કેસો હજુ અદાલતની વિચારણામાં આવ્યા નથી, અદાલતમાં પડતર છે, જામીન મળવાપાત્ર હોવા છતાં ગરીબીને કારણે કેદી જામીનની રકમ કે વકીલનો જોગ કરી શકતાં નથી એટલે દિવસો કે મહિનાઓથી જ નહીં વરસોથી બંદીઘરમાં બંધ છે. નિવૃત્ત ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સી.જે. રમન્ના બહુ યથાર્થ રીતે જ કાચા કામના કેદીઓને વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિકો તરીકે ઓળખાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન અને વ્યવસાયની સુગમતા જેટલી જ ન્યાયની સુગમતા હોવી જોઈએ તેમ જણાવી કાચા કામના કેદીઓની મુક્તિનો પ્રશ્ન હલ કરવા અનુરોધ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેના જુલાઈ-૨૦૨૨ના ચુકાદામાં સરકારને કાચા કામના કેદીઓના કેસોના ભરાવા માટે બ્રિટનની જેમ ભારતમાં પણ જામીન અંગેના અલગ કાયદાની વિચારણા કરવા સૂચન કર્યું છે. જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તેવા ૧૯૭૭ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં વરસોથી જામીનની રાહ જોતાં કેદીઓથી ભારતની જેલો ભરચક છે. તેથી પણ જામીન માટેના અલાયદા કાયદાની આવશ્યકતા જણાય છે.

નિવૃત્ત સી.જે.આઈ. રમન્નાએ એક જાહેર વ્યાખ્યાનમાં દેશની ૧,૩૭૮ જેલોમાં ૬.૧૦ લાખ કેદીઓમાંથી ૮૦ ટકા કાચા કામના કેદીઓ હોવાનું જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય હસ્તકના રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ૨૦૨૦ મુજબ કુલ ૪.૮૮ લાખ કેદીઓમાંથી ૩.૭૧ લાખ (૭૬ ટકા) કાચા કામના કે ગુનો સાબિત થયા વિના જ જેલની સજા ભોગવતા કેદીઓ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ત્રણ મહિના સુધીના કાચા કામના કેદીઓ ૧.૩૦ લાખ, એક થી બે વરસના ૫૪,૨૮૭, બે થી ત્રણ વરસના ૨૯,૧૯૪ અને ત્રણથી પાંચ વરસના ૧૬,૬૦૩ છે. રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશમાં ૨૦૨૦ અંતિત ૧.૦૭ લાખ કેદીઓમાંથી ૮૦,૫૫૭ વિચારાધીન કેદીઓ હતા, જે દેશભરમાં સૌથી વધુ છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મુસ્લિમોની વસ્તી ૩૯ ટકા છે. પરંતુ આ ત્રણેય વર્ગના કુલ કેદીઓ ૫૫ ટકા છે. ક્રિમિનલ જસ્ટિસ ઈન ધ શેડો ઓફ કાસ્ટ અને અન્ય અભ્યાસોના સંશોધન દર્શાવે છે કે અંડર ટ્રાયલ કેદીઓમાં ૭૩ ટકા દલિત, આદિવાસી અને પછાત વર્ગના છે. વિચારાધીન કેદીઓમાં ૬૮ ટકા ગરીબ, અભણ અને સ્કૂલ ડ્રોપ આઉટ છે. ૪૮.૮ ટકા કાચા કામના કેદીઓની ઉંમર ૧૮થી ૩૦ વરસની છે. આ સઘળા તારણો જણાવે છે કે સમાનતાના અધિકાર છતાં પોલીસ અને અદાલતની કાર્યવાહીમાં ભારોભાર અસમાનતા પ્રવર્તે છે. તેને કારણે જ કાચા કામના કેદીઓમાં મોટી સંખ્યામાં ગરીબ, અશિક્ષિત, મહિલા અને પછાત સમુદાયના લોકો છે.

વિશાળ પ્રમાણમાં કાચા કામના કેદીઓ હોવાનું કારણ પોલીસ તંત્ર, ન્યાય તંત્રની કામગીરી અને ભારતમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા છે. આડેધડ થતી ધરપકડોના પરિણામે જ કુલ કેદીઓમાં પોણાભાગના વિચારાધીન છે ધરપકડ એક કઠોર પગલું છે. તેથી પોલીસે તેનો નિયત પ્રક્રિયા અનુસરીને સંયમ કે સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે કાચા કામના કેદીઓથી જેલો ઉભરાય છે. ખોટી અને ભેદભાવયુક્ત ધરપકડોથી ઘણા નિર્દોષ લોકો વગર ગુને કે ગુનો સિદ્ધ થયા વિના જેલની સજા વેઠે છે. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ૧૯૭૩ની કલમ ૪૧ અને ૪૧-એમાં ધરપકડની પ્રક્રિયા દર્શાવી છે. તેનો અમલ કર્યા વિના પોલીસ ધરપકડો કરે છે. તેથી પણ અધિકાંશ અંડરટ્રાયલ માટે તો જેલ એ જ સજા બની રહે છે. કેટલાક ગુનાઓમાં પોલીસ જ આરોપીને જામીન પર મુક્ત કરી શકે તેમ હોય છે. તેનું પણ પાલન થતું નથી. તેથી અદાલતોનું કામ વધે છે.

બેફામ ધરપકડો માનવ અધિકારનું તો ઉલ્લંઘન છે જ. તેને લીધે અદાલતોનું ભારણ અને ખર્ચ વધે છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના ત્રીજા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પોલીસ ૬૦ ટકા ધરપકડો તો સામાન્ય ગુનાઓ સબબ કરે છે. મધ્ય પ્રદેશના આબકારી અધિનિયમ હેઠળ ૪૭ ટકા ધરપકડો જામીનપાત્ર ગુનાઓમાં થઈ હતી. વકીલની ફી, જામીનની રકમ અને મફત કાનૂની સહાયના બંધારણીય અધિકારની જાણકારીના અભાવે ઘણાં કાચાં કામના નિર્ધન કેદીઓ જેલોમાં સબડે છે.

એક વાર ધરપકડ થયા પછી જેલમાં ગયેલા કેદી માટે તો ન્યાયિક પ્રક્રિયા જ સજા સમાન છે. અદાલતોની વિલંબિત અને તારીખ પે તારીખની કાર્યવાહી અંડરટ્રાયલને લાંબો સમય જેલમાં રહેવા મજબૂર કરે છે. ૨૦૧૦થી ૨૦૨૦માં એક વરસના અંડર ટ્રાયલ ૭ ટકાથી વધીને ૨૯ ટકા થયા હતા. તેથી પણ ખોટી ધરપકડો કરી આરોપીને જેલ હવાલે કરનાર પોલીસ અધિકારીઓ સામે અદાલતે આકરા પગલાં લેવાની જરૂર છે.

પોલીસ તપાસ જૂની-પુરાણી ઢબે થાય છે. આધુનિક તકનિકનો ઉપયોગ ખાસ થતો નથી. ગુનાઓ અંગેની પોલીસ તપાસ પૂર્ણ  થઈને નિયત મુદ્દતમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી. અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા તેની ગતિમાં જ ચાલે છે અને સજાનો દર ઘણો નીચો હોય છે. નીચલી અદાલતો આરંભે પોલીસ પર વિશ્વાસ રાખીને આરોપીઓને જેલમાં ધકેલે છે. આ કારણોથી પણ કાચા કામના કેદીઓને  લાંબો સમય જેલમાં રહેવા વારો આવે છે.

વિચારાધીન કેદીઓનો સવાલ ઉકેલવા માટે જામીન માટેના અલાયદા કાયદાની તાતી આવશ્યકતા છે. પોલીસ જેટલી જ દેશની ન્યાય વ્યવસ્થા પણ કાચા કામના કેદીઓ માટે જવાબદાર છે. નિયમિત અને આગોતરા જામીન માટેની નિયત મુદ્દતનું અદાલતોએ પાલન કરવું જોઈએ. પોલીસે વધુ સંવેદનશીલ બની આડેધડ ધરપકડો કરવાનું વલણ ટાળવું જોઈએ. અદાલતોએ ધરપકડની પ્રક્રિયાનો અમલ ન થયો હોય તેવા કિસ્સાઓમાં પોલીસનો કાન આમળવો જોઈએ. કાનૂની સહાય અંગે જાગૃતિ અને જામીનની રકમ ભરવા અસમર્થ કેદીઓની તપાસ થવી જોઈએ. અદાલતોના હુકમો જેલ સત્તાવાળાઓને સમયમર્યાદામાં મળે અને જામીન મંજૂર થયા હોય કે સજા પૂરી થઈ હોય તેવા કેદી જેલમાં ન હોય તે જોવામાં આવે તો અંડરટ્રાયલની સમસ્યા ઘણેઅંશે ઉકેલી શકાય. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,1841,1851,1861,187...1,1901,2001,210...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved