Opinion Magazine
Number of visits: 9667431
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિન્સેન્ટ વાન ગૉગ : ચિત્રકલાનો અજંપ મજનૂ 

સોનલ પરીખ|Opinion - Opinion|28 April 2023

કલા અને પ્રેમ જેટલાં અમૃતમય છે તેટલાં જ વિષમય પણ છે. કલાની સાધનામાં અસ્તિત્વને ઓગાળી નાખનાર અને ખળભળાવી મૂકે તેવી તીવ્રતાથી જીવનાર – મરી જનાર કલાકારોને જો કલાના મજનૂઓ કહી શકાય તો વિન્સેન્ટ વાન ગૉગ કલાનો એવો જ એક મજનૂ – દીવાનો હતો. વિન્સેન્ટ વાન ગૉગની અદ્દભુત કલા – જીવલેણ સંઘર્ષ, એના વિશે લખાયેલા અરવિન્ગ સ્ટોનના પુસ્તક ‘લસ્ટ ફૉર લાઈફ’ અને વિનોદ મેઘાણીએ કરેલા એના અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’માંથી જરા પસાર થવું છે?  

કલા અને પ્રેમ જેટલાં અમૃતમય છે તેટલાં જ વિષમય પણ છે. કલાની સાધનામાં અસ્તિત્વને ઓગાળી નાખનાર અને ખળભળાવી મૂકે તેવી તીવ્રતાથી જીવનાર – મરી જનાર કલાકારોને જો કલાના મજનૂઓ કહી શકાય તો વિન્સેન્ટ વાન ગૉગ કલાનો એવો જ એક મજનૂ – દીવાનો હતો. કોઈ પુસ્તક વાંચીને ઊંઘ હરામ થઈ જાય એવું હવે બહુ ઓછું બને છે. એમાં મારી પોતાની ઘટતી જતી મુગ્ધતા જવાબદાર હોઈ શકે, પણ વિનોદ મેઘાણી રચિત વિન્સેન્ટ વાન ગૉગની જીવનકથા ‘સળગતાં સૂરજમુખી’ વાંચીને મારી રાતની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ ગયાં હતાં – સાથે એક અજબ સુખનો પણ અનુભવ થયો હતો. પછી અરવિન્ગ સ્ટોનનું મૂળ પુસ્તક ‘લસ્ટ ફૉર લાઈફ’ પણ વાંચવા મળ્યું. ‘લસ્ટ’ અને ‘સળગતાં’ આ બન્ને શબ્દો અનેક અર્થ વ્યંજિત કરે છે.

30 માર્ચે વિન્સેન્ટ વાન ગૉગનો જન્મદિન છે એટલે મારા જેવાં બીજાં થોડાંકને પણ એ અજબ અજંપ સુખ આપવાનું મન થયું.

વિન્સેન્ટ વાન ગૉગ એટલે એક આખી સદીની કલા જેના વડે દોરાઈ હતી તે ડચ મૂળનો ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટર. ગહન પ્રામાણિક સંવેદના, ઘેરા રંગો અને વાસ્તવનું ખરબચડું સૌંદર્ય ધરાવતાં 2,000થી વધુ ચિત્રો તેણે સર્જ્યાં હતાં. સ્ટીલ લાઈફની તેની પ્રસિદ્ધ ચિત્રશ્રેણી ‘સનફ્લાવર્સ’ અને અન્ય ચિત્રો આજે તો જગવિખ્યાત છે, પ્રખ્યાત ગેલેરીઓને શોભાવે છે અને લાખો-કરોડોના ભાવે વેચાય છે પણ તેની જિંદગી અદમ્ય, સળગતી અને સળગાવી મૂકતી સર્જકતા અને ઘોર ઉપેક્ષા વચ્ચે ભીંસાતાં જ વીતી હતી અને તેના જીવનકાળ દરમ્યાન તેનું એક જ ચિત્ર વેચાયું હતું.

આર્થિક ભીંસ વચ્ચે જીવતો વિન્સેન્ટ, લંડનની તેની મકાનમાલિકણની પુત્રી પ્રત્યેના એકપક્ષી પ્રેમની નિષ્ફળતાથી ભાંગી પડે છે અને પાદરી પિતા પાસે પાછો ફરે છે અને પોતાની જિંદગીની શોધમાં નીકળે છે ત્યાંથી શરૂ થતી આ કથા હૃદય હલાવી નાખે તેવી યાતના અને ઉપલબ્ધિના ઘેરા-આછા રંગોથી આરક્ત અને ઘણી ટૂંકી છતાં અનંત અથાક પરિશ્રમથી ભરેલી છે.

વિન્સેન્ટના પિતા પુત્રને પણ પાદરી બનાવવા ઈચ્છે છે. વિન્સેન્ટ ઉપદેશક તરીકે કોલસાની ખાણમાં કામ કરતા લોકો વચ્ચે જાય છે. ગરીબ, કંગાળ, મેલાઘેલા લોકો વચ્ચે સ્વચ્છ કપડાં પહેરી, સગવડવાળા મકાનમાં રહી ઈસુનો ઉપદેશ આપવાનું એને બહુ અજુગતું ને શરમભર્યું લાગે છે એટલે એ ત્યાંના મજૂરો જેવું જીવન જીવવા માંડે છે. ચર્ચ તેને બરતરફ કરે છે. પોતાની સાચી વિશ્રાંતિ રંગ અને રેખાઓમાં છે તેનો ખ્યાલ તેને આવતો જાય છે, પણ એ દિશામાં આકરો સંઘર્ષ છે. એક વાર પોતે ચાહેલી દૂરની પિતરાઈ યુવતી વિધવા થતાં વિન્સેન્ટ પોતાનો પ્રેમ ફરીવાર વ્યક્ત કરે છે અને ફરીવાર હડધૂત થાય છે. દરેક દિશાએથી નિષ્ફળ અને નકામા હોવાનો ઉપાલંભ પથ્થરની જેમ ફેંકાતો તેને ઘાયલ કરતો રહે છે. એના પ્રયત્નો ઝનૂની છે અને એની કલા ઉત્તમ, પણ ચિત્રકાર તરીકે ઓળખ મેળવવાના તેના સંઘર્ષનો છેડો આવતો નથી. આ સંઘર્ષના વિવિધ તબક્કાની વાત કરતાં 19મી સદીના યુરોપના કલાપ્રવાહોની સરસ ઝાંખી પુસ્તકમાં વણી લેવાઈ છે.

દેહ વેચતી ક્રિસ્ટીન સાથે પ્રેમ, તેની સાથે રહેવાનું શરૂ કર્યા છતાં ઘર ચલાવી શકાય તેટલી આવક ઊભી કર્યા પછી જ પરણવાનો વિન્સેન્ટનો નિર્ધાર, ખૂબ કરકસરભર્યા જીવન અને વિન્સેન્ટની કલા પ્રત્યેની ધૂનથી ત્રાસીને ક્રિસ્ટીનનું ચાલ્યા જવું, ભૂખ્યા-અર્ધભૂખ્યા પેટે ચિત્રો કરતા રહેતા વિન્સેન્ટનું ઝનૂન, આત્મામાં ઊતરતાં અને પ્રામાણિકતાથી વ્યક્ત થતાં દૃશ્યો, સતત મળતાં ટીકા અને નકાર, અભિવ્યક્તિની જીવલેણ મથામણ, ઉપેક્ષા, નિષ્ફળતા – આ બધાંના પરિણામે એક તરફ તેની કલા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે ને બીજી તરફ શરીરમન કંતાતાં જાય છે. આત્મામાં અગન ભભૂકે છે. વ્યક્તિત્વ વિક્ષિપ્ત, વિશૃંખલ થતું જાય છે. ભ્રમણાઓ પીડે છે. અત્યાર સુધી તેને પોષતો આવેલો ભાઈ થિયો પણ તેનાથી થાકવા માંડે છે. આવી મનોદશામાં પોતે જેને ચાહી બેઠો છે એ વેશ્યા મજાકમાં કહે છે, ‘પૈસા નથી? વાંધો નહીં, તારો એક કાન મને આપી દેજે.’ ત્યારે તે સાચે જ પોતાનો કાન કાપી, તેને ટુવાલમાં વીંટી, લોહીનીકળતી દશામાં એ વેશ્યાને આપવા જાય છે. તેને વાઈના હુમલાઓ આવે છે. પાગલખાનામાં સારવાર માટે જવું પડે છે. આ બધા વચ્ચે ચિત્રો દોરવાનું ચાલુ જ છે. પાગલખાનાના ડૉક્ટર ગાશે તેના મિત્ર અને ચાહક બની જાય છે, પણ અંદરબહારની વિષમતાઓ વિન્સેન્ટને ઘેરતી, ભીંસતી ને ભાંગીને ભૂક્કો કરતી રહે છે. અંતે તે પોતાને ગોળી મારી દે છે ને મૃત્યુ પામે છે – ફક્ત સાડત્રીસ વર્ષની ઉંમરે.

આવા તીવ્રતાઓવાળા સર્જકને અને તેના સર્જનને ઓળખવું, સમજવું ને તેની તમામ દુર્દમ્ય સર્જકતા અને યાતનાઓ સાથે આલેખવું તે તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. લેખક અને અનુવાદક બન્ને તલવારની ધાર પર ચાલ્યા છે. એમ ચાલવા જતાં તેમનું લોહી પણ વહ્યું છે અને લોહીના એ રંગો વડે વિન્સેન્ટ વાન ગૉગનું જીવનચરિત્ર અવિસ્મરણીય રંગોનો પુટ પામ્યું છે.

અરવિન્ગ સ્ટોન વિવિધ વ્યક્તિઓ પર જીવનચરિત્રાત્મક નવલકથાઓ લખવા માટે પ્રખ્યાત છે. ‘લસ્ટ ફૉર લાઈફ’ એમની આ પ્રકારની પહેલી નવલકથા છે. 1903માં જન્મેલા અરવિન્ગ સ્ટોન પૅરિસમાં વિન્સેન્ટ વાન ગૉગનું પ્રદર્શન જોઈને ચકિત થઈ ગયા હતા – કોણ છે આ? આટલું સ્પષ્ટ દર્શન? આટલી વેધક અભિવ્યક્તિ? નોકરીધંધો છોડી શેરલોક હૉમ્સની અદાથી એમણે ખાંખાખોળાં શરૂ કર્યાં. દર વર્ષના પરિશ્રમથી પુસ્તક લખાયું, પણ સત્તર પ્રકાશકોએ નાપસંદ કર્યું. સેક્રેટરી જિને થોડી કાપકૂપ કરી ત્યાર પછી સ્ક્રીપ્ટ સ્વીકારાઈ. દરમ્યાન બંને પરણી ગયાં. પછી તો ‘સેલર ઑન હૉર્સબેક’ (જેક લંડન), ‘લવ ઈઝ ઈટર્નલ’ (મેરી ટોડ લિંકન), ‘ધ એગની એન્ડ ધ ઍક્સ્ટ્સી’ (માઈકલ એંજેલો), ‘પેશન્સ ઑફ ધ માઈન્ડ’ (ફ્રોઈડ) જેવી જીવનકથાઓ સહિત પચીસેક પુસ્તકો તેણે લખ્યાં.

અને અનુવાદ – વિનોદ મેઘાણીનો અનુવાદ 1971માં પ્રગટ થયો. પણ તેનાથી તેમને સંતોષ ન થયો. વિન્સેન્ટનું વ્યક્તિત્વ તેમને ખેંચતું રહ્યું. 1990માં, વિન્સેન્ટની જન્મશતાબ્દીના વર્ષે વિનોદ મેઘાણી અમેરિકા હતા. એમણે વિન્સેન્ટ વિશે ખૂબ વાંચ્યું, પ્રદર્શનો જોયાં ને બે મહિના તેના જીવન-સર્જન પર એકાગ્ર રહ્યા. જાણે પરકાયા પ્રવેશ કર્યો. તે પછીના ત્રણ વર્ષમાં તેમણે ફરી અનુવાદ કર્યો, બે વાર ફેરનકલ ઘૂંટી, ગુજરાતી વાચકોને ઉપયોગી થાય તેવું પારિભાષિક શબ્દોનું ટિપ્પણ બનાવ્યું અને 1994માં ‘સળગતાં સૂરજમુખી’ ફરી પ્રગટ કર્યું. લેખક અને અનુવાદકની આવી સર્જનાત્મક નિષ્ઠાને પરિણામે જ 19મી સદીના એક ચિત્રકારની છાતીમાં લાગેલી એવી જ સુંદર ને આકરી, પ્રકાશિત કરનારી ને દઝાડનારી અગન 21મી સદીના વાચકની છાતીમાં પણ જાગે છે. લેખન અને વાચનનું સાર્થક્ય આ જ નથી?

આજે જ્યારે એકસાથે ત્રણચાર અખબારોમાં લખવાનો અને અભિમાનથી ‘અમે એકવાર લખેલું ફરી વાંચતા નથી’ એમ કહેતા ફરવાનો યુગ ચાલે છે ત્યારે એક પુસ્તક પાછળ લેખકે ને અનુસર્જકે લીધેલી જહેમતને જોઈને ચક્ત થઈ જવાય છે.

પણ જહેમત લીધા વિના કદી કશું પાંગરે નહીં – જીવન પણ નહીં, સર્જન પણ નહીં.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 માર્ચ 2023

Loading

બારીક કશુંક 

ઉમેશ સોલંકી|Poetry|28 April 2023

અંધારું

પેટમાં કાળુંભમ્મર અંધારું

અંધારું

ડૂંટીને અંદર ખેંચી ગયું

વિચારને ભરખી ગયું

પછી

દાંતવાટે નખવાટે બહાર આવ્યું

શરીરને ચાટવા લાગ્યું

ધીમે-ધીમે ફેલવા લાગ્યું,

પછી

ડિલ છીનવી ગીધડાનું

ઊડવા લાગ્યું

ચાંચ મારવા લાગ્યું,

ચાંચ મારે ત્યાં અંધારું:

ચકલીને ચાંચ મારી

ચકલી કાળીમેશ

ઘુવડની આંખ ફોડી

રાત કાળીમેશ

ડાળી પર ચાંચ ઠોકી

પાન કાળાંમેશ,

પછી

વિચારવા લાગ્યું:

“આમ ચાંચ માર્યા કરીશ

તો વરસો વીતશે

રહેશે તો ય દુનિયા અડધી ધોળી-ધોળી”

અચાનક એક તુક્કો ઊઠ્યો

પાંખો ફફડાવી

ઊંચે ને ઊંચે જવા લાગ્યું

પહોંચ્યું સૂરજ કને,

પછી

સૂરજને ચાંચ મારી

દુનિયા કાળીમેશ,

હવે

શું ઘાસ શું થોર

શું ડુક્કર શું મોર

શું ઘાવ શું લગાવ

શું ભરચક શું અભાવ

બધ્ધેબધ્ધું અંધારું

આંખ ન જોઈ શકે એવું કાળુંભમ્મર અંધારું

તોયે

પેટથી ઉપર 

છાતીમાં

બારીક કશુંક ઝળહળ્યા કરતું.

અંધારું એનાથી ફફડ્યા કરતું

e.mail : umlomjs@gmail.com

Loading

પાઠ કાઢનારને પાઠ ભણાવવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 April 2023

રવીન્દ્ર પારેખ

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT-એન.સી.ઈ.આર.ટી.) અત્યારે ઠીક ઠીક ચર્ચામાં છે ને તેનાં તઘલખી તુક્કાઓ દ્વારા તેણે શૈક્ષણિક સંસ્થાઓ, તેનાં શિક્ષકો અને વૈજ્ઞાનિકોને ઘણાં આશ્ચર્ય અને આઘાતો આપ્યાં છે. આ કાઉન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકોમાં રિસર્ચને નામે ઈરાદાપૂર્વકની બાદબાકીનો જે અણઘડ રીતે મહિમા થઈ રહ્યો છે તે શિક્ષણ ક્ષેત્રે ઘણાં જોખમો ઊભાં કરે એમ બને. તેણે મોગલોના ઇતિહાસના પાઠ કાઢી નાખ્યા છે, ગાંધીજીની હત્યાને લગતી સામગ્રીની બાદબાકી કરી છે, 2002માં જે ગોધરાકાંડ થયેલો ને તે પછી જે તોફાનો થયેલાં તે પ્રકરણ ધોરણ 12માંથી કાઢી નાખવામાં આવ્યું છે, તેથી તે વખતે સંસદમાં અપાયેલી માહિતી કે તોફાનોમાં અંદાજે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા તે રેકોર્ડ તો કાઢી શકાય એમ નથી. માહિતી દૂર થતાં જે હજારેક જીવ ગયા તે ગયા નથી એમ કહેવાશે? એ જીવો પરત આવી જશે? ટેક્સ્ટબુકમાંથી એ વિગતો જાય તો મીડિયામાં જે સચવાયું છે તે નાબૂદ થઈ જશે? એટલું ઓછું હોય તેમ છેલ્લે છેલ્લે ધોરણ 9-10નાં વિજ્ઞાનનાં પુસ્તકોમાંથી ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી પણ એન.સી.ઈ.આર.ટી.એ કાઢી નાખી છે. આ બધું કેમ થાય છે ને એમાં કોનો દોરી સંચાર છે તે કલ્પવાનું બહુ અઘરું નથી.

ઇતિહાસ જોડે ચેડાંની નવાઈ નથી, પણ વિજ્ઞાન પણ હવે તેમાંથી બાકાત નથી. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આજે બહુ સ્વીકાર્ય નથી, પણ ઉત્ક્રાંતિ જે ક્રમે થઈ તેમાં તેનું ચોક્કસ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ એ ક્રમ જાણે, શીખે એ માટે પણ તે દુનિયા આખીમાં ભણાવાય છે, પણ એન.સી.ઈ.આર.ટી.એ કોરોનાને નામે એ પાઠ કાઢી નાખીને જે વીરત્વ દાખવ્યું છે એથી દેશના 1,800 જેટલા વૈજ્ઞાનિકોએ, વિજ્ઞાનના શિક્ષકોએ, લેખકોએ વાંધો ઉઠાવીને એ પાઠ ફરી અભ્યાસક્રમમાં દાખલ કરવાની ખુલ્લી સહી ઝુંબેશ ચલાવી છે. જે પરિવર્તનો એન.સી.ઈ.આર.ટી.એ અભ્યાસક્રમોમાં કર્યાં છે તે શુદ્ધ બુદ્ધિથી થયાં હોવાનું એટલે લાગતું નથી, કારણ એમાં રાજકીય પૂર્વગ્રહો સંભળાયા કરે છે. કોઈ પણ વિદેશી શાસક તેનાં પ્રચારનું ધ્યાન રાખે અને તેની તરફેણનો ઇતિહાસ ભણાવે એ થતું આવ્યું છે. આ દેશે મોગલોનું અને અંગ્રેજોનું શાસન જોયું છે ને તેની સૈકાઓ સુધી ગુલામી વેઠી છે. એ પહેલાં હિન્દુ રાજાઓ આજની ‘હિન્દુત્વ’ની કશી ફ્લેવર ધરાવતા ન હતા. એમની વિલાસિતા ને એમનાં અંદરોઅંદરના કુસંપને કારણે જ વિદેશી પ્રજા આ દેશ પર શાસન કરવામાં સફળ રહી. બલકે, અંગ્રેજોને શાસન કરવાનું નિમંત્રણ આ દેશના ગદ્દારોએ આપ્યું અને રોબર્ટ ક્લાઇવે અંગ્રેજી સલ્તનતનો દેશમાં પાયો નાખ્યો. એ પહેલાં બાબરથી ઔરંગઝેબ સુધી મોગલોનું શાસન રહ્યું અને ત્યારે પણ હિન્દુ રાજાઓ અને હિન્દુ પ્રજાની કોઈ કારી ફાવી ન હતી. એ તો આજે હિન્દુ હિન્દુનું સંકીર્તન ચાલે છે, બાકી હિન્દુઓ સક્ષમ હોત તો સેંકડો વર્ષોની ગુલામી સામે ન આવી હોત. એવું ન હતું કે હિન્દુ રાજાઓ ત્યારે હતા જ નહીં. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ જેવાં વીરો અને વીરાંગનાઓનો તોટો ન હતો, પણ શત્રુઓની સામે ટકવાનું મુશ્કેલ હતું. વળી વિદેશી શાસકો વધુ ક્રૂર અને ઘાતકી હતા. વધુ શસ્ત્ર સરંજામ ધરાવતા હતા. ભારતના જ હિન્દુઓને લશ્કરમાં જોડીને તેનો હિન્દુઓ પર જ ઉપયોગ કરવામાં શાસકો સફળ થયા હતા. હિન્દુઓને વટલાવીને, તેમનાં મંદિરો તોડીને, તે પર મસ્જિદો બાંધીને સમગ્ર પ્રજાને હતોત્સાહ કરવાની કોઈ તક વિદેશી શાસકો ન ચૂક્યા, પણ કેટલાક શાસકો કળાપ્રીતિ, સ્થાપત્યપ્રીતિ પણ ધરાવતા હતા, તેનો એકડો કાઢી ન શકાય. અંગ્રેજોના સમયમાં કેટલાક સુધારાઓ પણ થયા એની નોંધ લેવી જ પડે. એ વખતે જે ઇતિહાસ લખાયો તે જે તે શાસકની આરતી ઉતારનારો હોય તો પણ તેમાં જે સાચું હોય તેટલું તો સ્વીકારવાનું રહે જ છે. એન.સી.ઈ.આર.ટી.નાં ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીને આ અંગે પુછાયું તો તેમણે જણાવ્યું કે પાઠ્યપુસ્તકોમાં જે બાદબાકી કરવામાં આવી છે તે તેમણે ચાર્જ સંભાળ્યો એ પહેલાંની છે. ગમ્મત તો એ છે કે જે રાજ્યમાં ગોધરાકાંડ સર્જાયો એની વાતો અન્ય રાજ્યોમાં ભણાવાતી હતી, માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને જ એ માહિતી અપાતી ન હતી.

ધારો કે કોઈ કોમ કે ધર્મ પ્રત્યે અણગમો હોય એટલે તેનો પાઠ કાઢી નાખવાનો હક એન.સી.ઈ.આર.ટી.ને મળી જતો નથી. ઇતિહાસમાં કોઈ ખામી હોય તો તે જરૂર સુધરાવે, પણ ખામીને કારણે આખા યુગ પર ચોકડી ન મારી શકાય. ધોરણ 12ના ઇતિહાસના પાઠમાંથી 28 પાનાંનું મોગલ શાસકોનું પ્રકરણ કાઢી નંખાયું. મોગલો કે અંગ્રેજી સત્તા પરત્વે ગમે એટલા વાંધા હોય તો પણ એવું કદી સાબિત ન થઈ શકે કે મોગલો આ દેશમાં આવ્યા જ ન હતા કે અંગ્રેજો એ આ દેશને ગુલામ બનાવ્યો ન હતો. અંગ્રેજો આવ્યા એ સ્વીકારવાનું હોય તો એ ગયા તે પણ સ્વીકારવું પડે. ગાંધી સામે ગમે એટલો તિરસ્કાર હોય તો પણ, અંગ્રેજોને કાઢવામાં એમનો ફાળો ન હતો એવું ભલે કેટલાંક ભારતીયો માને, તેથી કૈં દુનિયાને દેખાતું નથી એવું નથી. કેટલાક ભારતીયો ભલે ગાંધી કરતાં ગોડસે મહાન હતો એવું માનતા હોય તો પણ, તેણે દેશને આઝાદી અપાવી હતી એનો છેદ  ઉડાવી શકાય નહીં. બાકી, ખોટું જ સાબિત કરવું હોય તો કૈં પણ થઈ શકે એવી રાજકીય સગવડો હાથવગી છે જ ! આજે ભા.જ.પ.ની સરકાર છે એટલે એ ભા.જ.પ. તરફી કૈં પણ કરવા સક્ષમ છે, પણ એ કદી સાબિત થઈ શકે એમ નથી કે 2014 પહેલાં પણ કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર હતી. એ સ્વીકારવું જ પડે કે ગમે એટલા વાંધા કાઁગ્રેસ સામે હોય તો પણ, નહેરુ દેશના પહેલા વડા પ્રધાન હતા. સારું કે ખરાબ, મુખ્યત્વે કાઁગ્રેસનું જ શાસન 2014 સુધી દેશમાં હતું. એ શાસનનાં જ સારાં માઠાં પરિણામો આજ સુધી ભોગવતાં હોઈએ તો પણ 1947માં ભા.જ.પ.નું શાસન હતું એ ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ સાબિત થઈ શકે એમ નથી. એ વખતે નહેરુ હતા તે હતા જ ! ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી એ તથ્ય ભા.જ.પ. કદી છેકી શકે એમ નથી. નહેરુનો પાઠ કાઢી નાખવાથી નહેરુ નામશેષ થઈ શકશે?

એટલે એન.સી.ઈ.આર.ટી. એ ચેષ્ટાઓ ન કરે તો ચાલે જે કેવળ બાલિશ છે. એમાં રમૂજ થાય એવી વાત તો એ છે કે આ ‘પાઠ કાઢ અભિયાન’ વિદ્યાર્થીઓનાં હિતમાં ચલાવાયું. એન.સી.ઈ.આર.ટી. જ જગત આખામાં એવી વ્યવસ્થા છે જે ઈચ્છે છે કે વિદ્યાર્થી ઓછું ભણે, બાકી બધાં જ ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ ખૂબ ભણે. એન.સી.ઈ.આર.ટી.ને પૂછવામાં આવ્યું કે ‘પાઠ કાઢ અભિયાન’નો હેતુ શો છે? તો એનો રાજકીય જવાબ હતો કે પાઠ નથી કાઢ્યા, કેટલુંક પુનરાવર્તન હતું તે દૂર કર્યું. એવું કરવાની જરૂર કેમ પડી? તો એનો જવાબ હતો કે કોરોના સમયમાં વિદ્યાર્થીઓ પર ભારણ ન વધે ને અભ્યાસક્રમ તર્કસંગત બને. વિદ્યાર્થીઓની આટલી દયા કોઈએ ખાધી નથી. એ સાહેબોને પૂછી શકાય કે કેટલાક વિદ્યાર્થીઓને તો ભણવું જ ભાર રૂપ લાગે છે, તો એમને સીધું બોર્ડની પરીક્ષાનું પ્રમાણપત્ર મળી જાય એવી કોઈ જોગવાઈ થઈ શકે એમ છે? વિદ્યાર્થીઓને ભણ્યા વગર પ્રમાણપત્ર મળી જાય, અરે ! નોકરી જ મળી જાય તો કોઈ કાકો ભૂલમાં ય સ્કૂલ કે યુનિવર્સિટીનાં પગથિયાં ચડવા રાજી ન થાય એમ બને. તો, આવું ભારણ ન વધે એવી કોઈ વ્યવસ્થા એન.સી.ઈ.આર.ટી. કરવા તૈયાર છે? ને અભ્યાસક્રમ તર્કસંગત કરવા પાઠ કાઢ્યા તો સવાલ એ થાય કે ગોધરકાંડનું પ્રકરણ, ડાર્વિનની થિયરી … આ બધું તર્કસંગત ન હતું? એ તર્કસંગત નથી કે એન.સી.ઈ.આર.ટી.માં તર્કદોષ છે એનો જવાબ કોણ આપશે?

મુશ્કેલી એ થઈ છે કે વિદેશી સત્તાએ મરજી મુજબનો ઇતિહાસ લખાવ્યો, પણ હવે વિજેતા દેશી પક્ષો  પોતાની રીતે ઇતિહાસ રચવાની પેરવીમાં છે. કાઁગ્રેસનું શાસન દાયકાઓ સુધી રહ્યું ને તેણે મોગલોનો ઇતિહાસ પોતાની રીતે ભણાવ્યો ને એવી અસર ઊભી થઈ કે દેશમાં મોગલોનાં શાસન સિવાય બીજું કૈં બહુ મહત્ત્વનું ન હતું. એ પછી ભા.જ.પ.નું શાસન આવ્યું ને તેણે નહેરુને બાજુ પર મૂક્યા. ગાંધી કરતાં ગોડસેનું મહત્ત્વ સિદ્ધ કરવાની કોશિશો થઈ. એ તો છે જ ને કે રામ, રાવણ વગર યાદ કરવાનું શક્ય નથી, કૃષ્ણ, કંસ વગર યાદ ન કરાય એ સમજી શકાય એવું છે. ભા.જ.પ.નાં શાસનમાં એટલું જરૂર થયું છે કે સરદાર વૈશ્વિક ઊંચાઈએ પહોંચડાયા છે. એમને ન તો ગાંધીએ ન્યાય કર્યો કે ન તો નહેરુએ. સરદારનું સ્થાન તો સ્પષ્ટ થયું છે, પણ એન.સી.ઈ.આર.ટી. કશાકથી પ્રેરાઇને જે રીતે ઇતિહાસ જોડે ચેડાં કરે છે તે ક્ષમ્ય નથી. ઇતિહાસને સુધારી શકાય, એ છેકીને એવું કૈં બન્યું જ નથી એમ સાબિત કરવામાં તો કોઈ બુદ્ધિમાની નથી. ઇતિહાસ કાઢવાથી બદલાતો નથી, તે વધુ સજીવ થાય છે. સોમનાથ કેટલી વાર તૂટયું તો પણ રહ્યું, તાજમહાલ કાગળ પરથી નીકળી શકે, યમુના પરથી કાઢવાનું અઘરું છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઍપ્રિલ 2023

Loading

...102030...1,1601,1611,1621,163...1,1701,1801,190...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved