આપણા સમાજમાં સાસુ જુલમી અને વહુ શોષિત-પીડિત ગણાઈ છે. સાસુ લડાક જ હોય અને વહુ જુલમ વેઠવા જ જન્મી હોય એ પ્રકારની ફિલ્મો પણ ઘણી આવી છે. એવી આખી એક પરંપરા ઊભી થઈ જેમાં સાસુ, વહુને ત્રાસ આપવા જ હોય અને વહુ તો બિચારી ભલી ભોળી અને સાસરિયાંનો માર ખાવા જ હોય. એવું વાર્તા, કવિતા, નાટકોમાં પણ ચાલ્યું. એમાં સત્ય ન હતું એમ નહીં, પણ એટલું જ હતું એવું પણ નહીં. આમ થયું એમાં સમાજ અશિક્ષિત, અભણ હતો, એ મુખ્ય કારણ હતું. નવી વહુ આવી હોય તો તેનાં ભરણપોષણની જવાબદારી એ સંયુક્ત કુટુંબનાં વડીલની રહેતી. એમાં વડીલ અભણ હોય ને સાસુવહુ પણ અભણ હોય અને દીકરો થોડું ઘણું ભણેલો અને કામધંધો કરનારો હોય એવું ઘણું ખરું જોવા મળતું. પતિ ન કમાતો હોય તો બધો આર્થિક બોજ સસરા પર જ આવી પડતો. પતિ કે સસરા વ્યસની હોય એવું પણ બનતું. એથી આર્થિક અને આરોગ્યની જવાબદારીઓમાં વધારો જ થતો. આવી સંકડામણમાં વ્યસની પતિ કે સસરો ગુજરી જતો તો એ બધું જ વહુનાં આગમનને આભારી ઠરતું ને પરિણામ વહુની વધુને વધુ કનડગતમાં જ આવતું. ટૂંકમાં, વહુ અનેક રીતનાં શોષણનું નિમિત્ત જ બનતી.
એ પછી સમાજ શિક્ષિત થવા લાગ્યો. કન્યા કેળવણીનો મહિમા પણ વધ્યો. એને પરિણામે સ્ત્રીઓ ભણતી, નોકરી-વ્યવસાય કરતી થઈ. અનેક કોર્પોરેટ હાઉસિસ ચલાવતી થઈ. એથી એવું પણ બન્યું કે સ્ત્રીઓ લગ્નને નકારતી થઈ કે મોટી ઉંમરે પરણતી થઈ. કેરિયર જ્યાં કેન્દ્રમાં આવી ત્યાં લગ્ન નકારાયાં અથવા તો પાછળ ઠેલાયાં. લગ્ન, બાળઉછેર જેવી જવાબદારી સ્ત્રીને કારકિર્દી બનાવવામાં નડતરરૂપ લાગી. તે કેરિયર ઓરિએન્ટેડ થઈ. લગ્નને વિકલ્પે તે લિવ ઇન-રિલેશનશિપમાં માનતી પણ થઈ. તે એટલે કે એમાં જવાબદારીનું ભારણ ખાસ ન હતું. એના લાભ મળ્યા, એમ જ ગેરલાભ પણ મળ્યા. જો કે, અનેક પ્રશ્નો હોય તો પણ, લગ્ન સંસ્થાની બોલબાલા આજે પણ છે જ તેની ના પાડી શકાશે નહીં.
એ ખરું કે નોકરી કરતી વહુનું જુદું જ સ્ટેટસ ઘરમાં ને બહાર પણ છે. નોકરી-વ્યવસાયને કારણે તેનાં માનપાન ઘણાં ઘરોમાં વધ્યાં પણ છે, છતાં ઘરકામની તેની જવાબદારી ઘટી નથી. છોડવાની હોય તો નોકરી, ઘરકામ વહુ પાસેથી લગભગ છોડાવાતું નથી. નોકરી અને ઘરકામ ચોંટેલાં હોય એ સ્થિતિમાં ઘરમાં સંતાનની પધરામણી પણ મોડી થતી થઈ છે. એ કારણે વહુએ સંભાળવાનું ને સાંભળવાનું વધે છે. નોકરીને કારણે ઘરે આવવામાં વહેલુંમોડું થાય તો તે વાત સીધી વહુના ચરિત્ર સાથે સંકળાય છે ને કુટુંબને ટીકા કરવાનું બહાનું મળી જાય છે. દીકરી પણ નોકરી કરતી હોય તો તેનાં મોડાં વહેલાં આવવા અંગે એટલી પંચાત નથી થતી, પણ ઘરની વહુ મોડી પડે તો તેણે અનેક શંકા કુશંકાઓનો સામનો કરવાનો આવે છે અને બને છે એવું કે ઘરની દીકરી કોઈ સંબંધમાં હોવાનો અણધાર્યો આઘાત કુટુંબને આપતી હોય છે. બધે જ આવું છે, એવું નથી, પણ દીકરી અને વહુ વચ્ચે સમાન વ્યવહાર કુટુંબોનો ઓછો રહે છે ને એનાં પરિણામો છેવટે તો કુટુંબે જ ભોગવવાનાં આવે છે.
એ સમજી શકાય એવું છે કે ઘરની વ્યક્તિઓ માટે કુટુંબને વિશેષ લાગણી હોય છે. એક પ્રકારનું મમત્વ કે વાત્સલ્ય હોય છે ને એ સ્વાભાવિક પણ છે, પણ એમાં ય ભેદ હોય છે. ભાઈને માટે હોય એટલી લાગણી બહેન માટે કુટુંબને અપવાદરૂપે જ હોય છે. તે એટલે કે કુટુંબ એવી માનસિકતા બનાવીને બેઠું હોય છે કે દીકરી તો સાસરે જવાની છે ને તે તો બીજાનો વંશ વધારવાની છે. તે કૈં પિયરને કામ લાગવાની નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે, કારણ એ વ્યવસ્થા સમાજે જ ઊભી કરી છે કે દીકરી પરણે એટલે સાસરે જાય. એ વ્યવસ્થા દીકરીએ ઊભી કરી નથી. જો દીકરી, એ વ્યવસ્થા ઊભી કરતી ન હોય તો નાનેથી દીકરી-દીકરાના ઉછેરમાં ભેદ શું કામ હોવો જોઈએ? જો દીકરી બીજાનો વંશ વધારવા સાસરે જતી હોય હોય ને તેથી તેનાં તરફ ઓછી લાગણી બતાવાતી હોય તો વહુ માટે વિશેષ ભાવ કેમ નથી બતાવાતો? તે તેનું ઘર છોડીને વંશ વધારવા સાસરે આવી છે તો તેને માટે વિશેષ ભાવ હોવો જોઈએ, એવું નહીં? પણ, એવું થતું નથી. તે તો મોટે ભાગે સાસરે હડધૂત જ થતી હોય છે. શિક્ષણ ને સમજ વધતાં આ સ્થિતિમાં થોડો ફેર પડ્યો છે, પણ હજી ક્યાંક દીકરી અને વહુ વચ્ચે કુટુંબ સૂક્ષ્મ અંતર રાખતું હોવાનું અનુભવાય છે, કુટુંબ જે અંતર દીકરા અને દીકરી વચ્ચે રાખે છે એ જ ભેદ કદાચ દીકરી અને વહુ વચ્ચે પણ રાખે છે.
એમાં ચમત્કારિક ફેરફાર દીકરીનાં લગ્નથી આવે છે. દીકરી તેને સાસરે જાય છે એ સાથે જ મા માટે તે રાતોરાત મહાન થઈ જાય છે. જે ભાઈની તુલનામાં ક્યાં ય ન હતી તે બહેન પરણે છે કે પિયરનું માન તેને માટે વધી જાય છે. જે દાદી માટે તે પથરો હતી, તે દાદી તેનાં ગુણગાન ગાતાં થાકતી નથી. જે મા સૌથી વધુ ઠપકારતી હતી, તે તેની યાદમાં આંસુ સારતી રહે છે. પિતાને વખતોવખત ચીજવસ્તુઓ, દવાઓ એકી બૂમે હાજર કરતી હતી તે પિતાને પણ કશું નથી મળતું કે જડતું ત્યારે દીકરીની ખોટ લાગે છે. એ પછી દીકરો પરણે છે ને વહુ ઘરમાં આવે છે તો એક નારી પાત્રને ઘરમાં વધાવવાનું તો બને છે, પણ એ વધામણી લાંબી ટકતી નથી. ધીમે ધીમે વહુના વાંક દેખાવા લાગે છે. પિયરમાં કોઈ કેળવણી મળી જ નથી ને માબાપે એમ જ મોટી કરી દીધી છે – જેવું વહુને સંભળાવાયા કરે છે. એવું જ સાંભળવાનું જે દીકરી પરણીને ગઈ છે એને સાસરે પણ આવતું જ હોય છે ને જે ઘરમાંથી વહુ સાસરે આવી છે એ ઘરની વહુને પણ એ જ વીતે છે. હાલત ‘ઘેર ઘેર માટીના ચૂલા’ જેવી જ થાય છે. બહુ ફરક હોતો નથી. લગભગ દરેક સાસુ, વહુ આગળ દીકરીને તો વખાણતી જ રહે છે ને એમ કરીને વહુમાં જે ખૂટે છે તે ચીંધી પણ બતાવતી રહે છે. આમ તો દીકરી પિયરમાં હતી ત્યારે કૈં એવી વિશેષતા તેનામાં જણાઈ ન હતી, પણ વહુને નીચી પાડવા ગેરહાજર દીકરીનો સાસુ ઉપયોગ કરી લેતી હોય છે, બાકી, દીકરી એને સાસરે કેટલી પોંખાતી હશે તે તો તેનું મન જ જાણતું હશે. એમાં સિવાય પીડા, હાથમાં કૈં આવતું નથી, પણ ખોટનો ધંધો બધાં જ કરતા રહે છે. એને જ ઘણાં તો સંસાર કહે છે ને એમાં તો એમ જ હોય એમ પણ મનાતું રહે છે. એમ જ શું કામ હોય એવો સવાલ બહુ ઓછાંને થાય છે ને જેમને થાય છે તે વિચારે છે કે બદલવા મથે છે ને થોડું ઘણું બદલાય પણ છે, પણ એની ગતિ બહુ ધીમી હોય છે.
બહુ ધીમો પણ સુધારો આવ્યો તો છે જ. સાસુ, દીકરીની જગ્યા વહુને આપતી થઈ છે. વહુ પણ સાસુમાં માને જોતી થઈ છે. એવાં ઘણાં ઘરો છે જ્યાં વહુ નોકરીએ ગઈ હોય ને ઘરનું કામ સાસુએ ઉપાડી લીધું હોય. એક સમય હતો જ્યારે વહુને નોકરીની છૂટ ન હતી ને ભણેલું ઘરકામ ને બાળઉછેરમાં જ ખોઈ નાખવાનું થતું અથવા તો તે વહુની જ ગરજ હોય તેમ તેને ઘરકામ પતાવીને જ નોકરી કરવાની છૂટ મળતી હતી, પણ હવે વાત બદલાઈ છે. સાસુ, વહુની સગવડો સાચવતી થઈ છે ને ઘરકામ હવે સંયુક્ત જવાબદારીની રીતે ઉપાડી લેવાય છે. રજાના દિવસોમાં વહુ પણ સાસુને આરામ આપવા મથે છે. ક્યારેક ચણભણ પણ થાય, પણ સરવાળે તો સાસુ-વહુ એકબીજાને સમજતી-સાચવતી થઈ છે.
કોણ જાણે કેમ પણ આપણને ઈર્ષા, નિંદા, ફરિયાદ વગર ચાલતું જ નથી. એના વગર પણ આનંદથી રહી શકાય, પણ એવું બહુ ઓછું જ જોવા મળે છે. આપણો ઘણો બધો સમય, કૂથલીમાં જ પૂરો થતો હોય છે. એ સ્ત્રીઓ-સ્ત્રીઓ વચ્ચે જ ચાલે છે એવું નથી. પુરુષો-પુરુષો પણ મોટે ભાગે તો એ જ ધંધો કરતાં હોય છે. આપણે વાતો તો મોટી મોટી કરતાં હોઈએ છીએ, પણ રોજિંદા વ્યવહારમાં આપણને નિંદા વગર ભાગ્યે જ ચાલે છે. આપણને ખબર હોય છે કે એમ કરવાથી કૈં જ હાથમાં આવતું નથી, પણ ટીકા, નિંદા વગર આપણને ખાવાનું પચતું નથી. એ ટીકા કે નિંદા સાચી હોય તો ય સમજ્યા, પણ એવું ય હોતું નથી. એમ જ એ ન ચાલવો જોઈતો કારભાર ચાલ્યા કરે છે. જો કે, એટલું થયું છે કે કેટલાંક કુટુંબો સાચી રીતે જીવતાં, એકબીજાને સમજતાં, સાચવતાં થયાં છે. એ સારી નિશાની છે. પોતાનામાં ઊગતા આનંદનું કારણ મોટે ભાગે સામેથી આવતું હોય છે, એટલું સમજાય તો સામે ઊગતા આનંદનું નિમિત્ત, આપણે પણ હોઈ શકીએ. એટલું થાય તો કેટલી બધી રાહત સૌને મળે એ કહેવાની જરૂર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 01 જાન્યુઆરી 2023
![]()


બંધારણના અનુચ્છેદ ૧૨૪(૨)માં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ હંમેશાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં રહીને જ કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૧૭ મુજબ દેશની કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સંબંધિત રાજ્યના રાજ્યપાલ અને વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશના પરામર્શ પછી કરવાની હોય છે. આ બંધારણીય જોગવાઈઓને અનુસરીને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક, બદલી, બઢતી થતી હતી. ચીફ જસ્ટિસની નિમણૂક સિનિયોરિટીના આધારે થતી હતી. બંધારણમાં જજીસની નિમણૂકનો અબાધિત અધિકાર સરકારને હતો.
ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને સ્વાયત્ત છે. પરંતુ કોલેજિયમને કારણે ન્યાયાધીશોની નિમણૂક-બદલીનો અધિકાર સરકાર પાસે ન રહ્યો અને ખુદ ન્યાયાધીશો જ તેમના સાથી ન્યાયાધીશોની નિમણૂક – બદલી કરે તે સરકારને ખૂંચે છે. એટલે સરકારે ૨૦૧૫માં સંસદના બંને ગ્રુહોમાં નવ્વાણુમો બંધારણ સુધારો પસાર કરી, નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશનની રચના કરી હતી. આ કમિશનના વડા કોલેજિયમની જેમ ચીફ જસ્ટિસ હતા. તેના કુલ છ સભ્યોમાં સુપ્રીમના બે વરિષ્ઠ જજીસ, કેન્દ્રીય કાયદા મંત્રી અને બે બિનસરકારી સભ્યોની જોગવાઈ કરી હતી. બિનસરકારી સભ્યોની પસંદગી વડા પ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભાના વિપક્ષના નેતાની સમિતિ કરે તેમ ઠરાવ્યું હતું. પ્રથમ નજરે કોલેજિયમ જેવા લાગતા રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને પણ અદાલતી પડકાર મળ્યો હતો. સુપ્રીમે તેને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ ગણી બંધારણ સુધારાને ૨૦૧૬માં ગેરબંધારણીય ગણ્યો અને કૉલેજિયમ યથાવત રહી.
‘ચોતરફ’ના લેખોમાં એક સાથે અનેક ક્વાલિટીઝ છે. દરેક લેખના મુદ્દા પર જરૂરી અદ્યતન અભ્યાસ અને ઇતિહાસનો પાસ છે. આધાર વિના કશું જ લખાયેલું નથી. એટલે વિશ્વસનીય આંકડા અને સ્રોતો છે.