Opinion Magazine
Number of visits: 9667404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેધક વાર્તાઓમાં કાશ્મીર, કુદરત, યુક્રેન, ગાંધી અને નારીસંવેદન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 May 2023

પુસ્તક પરિચય                         

‘આકાશને અડતી બાલ્કની’ : લેખક – હિમાંશી શેલત : પ્રકાશક – ગૂર્જર : નવેમ્બર 2022 : પાનાં 120 : રૂ. 150/- 

‘આકાશને અડતી બાલ્કની’ એ અનેક રીતે વિશિષ્ટ સાહિત્યકાર હિમાંશી શેલતનો અગિયારમો વાર્તાસંગ્રહ છે. તેનું પેટાશીર્ષક ‘થોડી મનપસંદ વાર્તાઓ’ છે.

હિમાંશીબહેનની વાર્તાઓમાં દેશ અને દુનિયામાં બનતી માણસાઈને હણનારી ઘટનાઓથી હચમચી ઉઠેલી સર્જક સંવેદનાની વેધક, સંયત અભિવ્યક્તિ હોય છે. આ લાક્ષણિકતા નવા વાર્તાસંગ્રહમાં પણ જળવાઈ છે.

નવેમ્બર 2022માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકની ઓગણીસમાંથી પાંચ વાર્તાઓ કોવિડકાળની જિંદગીની છે. છેલ્લી વાર્તા ‘યુક્રેનની આશા’માં સંહારભૂમિના નામનો નિર્દેશ છે.

માનવઅધિકાર હનનની કાશ્મીરની ઘટનાઓનું કથાબીજ ધરાવતી બે વાર્તાઓમાં સ્થળકાળના આછા નિર્દેશ માત્ર છે, જે સભાન વાચક માટે પૂરતા છે, અને તે ન પામી શકનાર પર પણ વાર્તાનો પ્રભાવ અકબંધ રહે છે.

સાંપ્રદાયિક હિંસાચારને લગતી એક અને રાજકીય હત્યાના બે અત્યંત સૂક્ષ્મ સૂચન સાથેની બે વાર્તા છે. ગાંધીયુગના આદર્શવાદનો પરાજય તેમ જ પર્યાવરણના નાશની વાત પણ અહીં છે. હિમાંશીબહેન હોય અને નારીસંવેદનની કથાઓ ન હોય તો જ નવાઈ.

કોવિડમાં જિંદગીના અંતિમ તબક્કા, અંત અને સ્વજનોથી વિચ્છેદ જેવી બાબતોનું નિરૂપણ ‘માનો છેલ્લો દિવસ’, ‘અસ્થિ’ અને ‘તમે ઓળખો છો આ માણસને’ વાર્તાઓમાં છે. મહામારી દરમિયાન સાવ નાના ગામની જિંદગી અને તેના બાળકોના શિક્ષણનું ચિત્રણ છે. ‘આકાશને અડતી બાલકની’ વાર્તામાં કોવિડ-સર્જી એકલતા પ્રભાકરને કુદરતની નજીક લઈ જાય છે.

ઉપરોક્ત વાર્તાઓમાં વસ્તુ જેટલું જ ચોટદાર છે મહામારીનું આબેહૂબ ચિત્રણ. તેમાં હિમાંશીબહેન ભાગ્યે જ કશું ચૂક્યા વિના, બધું જ આવરી લે છે :    

લૉકડાઉનનો માહોલ, માહિતી-માન્યતા, પૂર્વગ્રહો-પ્રતિભાવો, મૂર્ચ્છા અને મજબૂરી, વહેમ અને વિજ્ઞાન, પ્રયોગો અને પ્રતિકાર, એન.જી.ઓ., માધ્યમો, કૌભાંડો, મોબાઈલ, શબ્દોના બદલાયેલા અર્થ, હૉસ્પિટલોનો ‘પ્રેતલોક’, માણસોનો અંત અને અંતિમક્રિયા – આ યાદી  લાંબી થઈ શકે.

તેમાં હળવાશ, કટાક્ષ, બ્લૅક હ્યૂમરનો આછો પાસ પણ ખરો. કોવિડ સંબધિત આખું ય શબ્દભંડોળ બહુ બંધબેસતી રીતે વણાયું છે.

કોરોનાનું સજીવારોપણ ધ્રૂજી જવાય તે રીતે થયું છે : ‘…એક વણદેખ્યો દુ:શ્મન ફરી રહ્યો હતો હવામાં. ગાફેલ રહ્યા તો સીધો ચોંટી પડે. એને કાઢવાની તરકીબો કારગત નીવડે તો પાડ, નહીં તો હાર પહેરીને સીધાં ભીંતે લટકવાનું’;

‘હવામાં તરતો દુ:શ્મન તો નાકમાં લાગ જોઈને પેસી જવાનો. માસ્કબાસ્કને વળોટીને’;  ‘મહામારી તો આવી એવી બેસી ગઈ પલાંઠી વાળીને, અને નિરાંત જીવે’; ‘કોની સાંભળે છે પ્રાર્થના તે તારી સાંભળવાનો ? ત્યાં તો ચિઠ્ઠીઓ ઉપાડે છે નવરો બેઠો, જે હાથમાં આવી એ તણાયા ઉપર ! પેલો પ્રાર્થના તો સાંભળે. ‘પેલો’ એટલે કોણ એ સવાલ તારસ્વરે થયો જેને એણે બળપૂર્વક દબાવી દીધો.’

કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની ચરવાહા બાળકી પર બળાત્કાર અને હત્યાનો જઘન્ય બનાવ 2018ના જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બન્યો. ‘મુઠ્ઠીભર હવા’ વાર્તા બાળકીના પિતાની ન્યાયાધીશ સામેની જુબાની રૂપે કહેવાઈ છે.

વાણીમાં વ્યંજના સાથેની આ વિદારક એકોક્તિ આપણી આખી ય નાગરિક સુરક્ષા વ્યવસ્થા અને ન્યયતંત્રનું નિર્મમ વિચ્છેદન કરે છે. નાજુક ક્ષણો વેદનાને વધુ ઘેરી બનાવે છે. 

ઇતિહાસ અને રાજકારણની વચ્ચે પિસાતા કાશ્મીરની એક વિષાદમય ઝલક ‘જન્નત’માં મળે છે. તેના કેન્દ્રમાં, કાશ્મીરમાંથી લાપતા થયેલાં હજારો સંતાનોમાંથી એકના પિતાની ભ્રમિત દશા છે. ત્રણ પેઢી તારાજ છે. ડોસો અર્ધપાગલ, યુવાન દીકરો લાપતા અને નવરા ડોસાની સામે ગલીમાં ‘શૂટ ધેમ, શૂટ ધેમ’ રમતાં બાળકો.

બૉમ્બમારાથી કબ્રસ્તાન બની ગયેલાં યુક્રેનના એક શહેરમાં સાશા કાટમાળની વચ્ચે તેના માલિકને શોધી રહી છે. ચઢાઈ કરનાર સૈનિકની નજરે ચડતા ત્રાડ પડે છે ‘શૂટ ધ બીચ…’. પણ તેને ‘સાશાની આંખો, એમાં ભરોસાની ઝાંય, દોસ્તીનું નિમંત્રણ’ જુએ છે. સાશાને બુલેટને બદલે બિસ્કીટ આપે છે !

આ વાર્તામાં લશ્કરે કરેલા શહેરના વિનાશની વાત છે, તો ‘સંભ્રમ’માં પર્યટન-ભૂખ્યા લોકોએ સર્જેલા કુદરતના નિકંદનનું આઘાતજનક નિરુપણ છે. ‘સત્યનો આકાર’ વાર્તાનું વસ્તુ લોકો માટે લડનાર યુવક શ્રીનિવાસનની પત્નીનું સતત ભયગ્રસ્ત જીવન અને આખરે આવેલું અકાળ વૈધવ્ય છે.

‘અમૃતપુત્ર’માં ગાંધીવિચારથી પ્રેરિત વૃદ્ધ પ્રભુદાસ પહેલવહેલી વાર જાહેર વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે. તેમને ઇજા થાય છે એટલું જ નહીં પણ યુવા કાર્યકરો દ્વારા તેમનું અસ્તિત્વ ય ઉવેખાઈ જાય છે.

રગેરગ ગાંધીના વૈષ્ણવજન વૃદ્ધ રતિભાઈ ‘ગાંધીજીના દોઢસો વર્ષ નિમિત્તે’ યોજાયેલી ‘નવ્યાવરણ’ નામની ઉજવણીમાં નિરપેક્ષ આનંદથી ગયા. ભીડની વચ્ચે ધકેલાતા મંચ પર ફૂલોથી ઢંકાયેલા ફોટા સુધી પહોંચ્યા. તસવીરની નીચે ઘેરા લાલ અક્ષરો : વીર નથ્થુરામ ગોડસે’.

સ્માર્ટ સિટીની મેગા-ઇવેન્ટ તરીકે મહોરા અને મુગટ પહેરેલા, વેશ કાઢેલા લોકોનો કાર્નિવલ રોશનાઈ અને ઢોલ-ત્રાંસા-પીપૂડાના તાલે ‘કાર્નિવલ’ આગળ વધે છે. તે જોવા આવેલા ગામડાંના ગરીબ-ગુરબાને કાર્નિવલ ગયા પછી રસ્તે લાશોના ખડકલા મળે છે.

‘કાર્નિવલ’ વાર્તામાં યાત્રા કે જુલૂસ કે એવા કોઈ સ્વરૂપે ઉત્સવ તરીકે કરવામાં આવતાં ધાર્મિક હિંસાચારનું આવું અસ્વસ્થકારી ચિત્રણ ભાગ્યે જ વાંચવા મળે.

સ્વગતોકિત તરીકે આવતી વાર્તા ‘જોગણી’ અને નાયિકાના નામની ‘ચૈતાલી’ સંવેદનનહીન પૌરુષત્વની સામે સ્ત્રીની પરિપક્વતાનું નિરુપણ કરે છે. ગૃહિણીઓના જીવનની કેટલીક ઘેરી છટાઓ પણ વાર્તાકાર અહીં સમાવે છે.

‘માનો છેલ્લો દિવસ’ અને ‘શિવસંકલ્પ’માં એવી માતા કેન્દ્રમાં છે કે ઘરેડથી અલગ રીતે વિચારતી-જીવતી હોય, અને છતાં ય તેની મમતામાં ઓટ ન આવતી હોય.

હિંમાશીબહેનની વાર્તા લેખનની અનેક કવાલિટીઝ છે. નાના, ઘરઘથ્થુ, દેશી પોતના, અચૂક અસર સાધનારા શબ્દોવાળી ભાષા કેવળ તેમની પોતીકી છે, અજોડ છે. તે સૂચન અને સંકેત, લસરકા અને લાઘવના સ્વામિની છે. બોલચાલની અને સાહિત્યની ભાષાની કેટલી ય લઢણો તેમને અવગત છે. 

પશુ-પંખી, વૃક્ષ-વનસ્પતિના રમણીય કલ્પનો વિના જાણે તેમને ચાલતું જ નથી. સર્જક તરીકે માનવજાતની પીડા અને માણસાઈની પડતીની સામે કલાપૂર્ણ રીતે અચૂક અભિવ્યક્ત થનારા જૂજ ગુજરાતી સાહિત્યકારોમાં હિમાંશીબહેન છે.

‘શબદ’ વાર્તાનો લેખક શુભંકર ‘ટકોરાબંધ શબ્દ, વિશુદ્ધ, સેક્રેડ એન્ડ પ્યુઅર’ શબ્દની શોધમાં છે. એને હિમાંશીબહેન પાસેથી એવા શબ્દો મળી શકે.

‘મુઠ્ઠીભર હવા’ વાર્તામાં ન્યાયાધીશ સામે બયાન આપનાર કહે છે :

‘જે-જે ખૂન-ખરાબા, દંગાફસાદ આ જમીન પર થયા એમ લોકો કહે છે તે ખરેખર થયા જ નહીં હોય. જો થયા હોય તો એના કરનારા કોઈક તો હોય જ ને ? જો કરનારા નથી, અને જે પકડાયા તે નિર્દોષ છે, તો કોઈ બેમોત મર્યું જ નથી, એમ અપને આપ સાબિત થાય છે.’

આવું આપણે અમદાવાદમાં સાંભળ્યું તેને એટલા દિવસો નથી વીત્યા કે ભૂલી જવાય.

પ્રાપ્તિસ્થાન : 

‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. મો. 09227055777

ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102,લૅન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હૉલની સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ. મો. 9825268759         

[14 મે 2023]
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ થોડાંક ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મધુ લિમયેની જન્મશતાબ્દી અને સમાજવાદી આંદોલન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 May 2023

મધુ લિમયે

તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રતિબદ્ધ સમાજવાદી નેતા મધુ લિમયે(૧૯૨૨-૧૯૯૫)ની જન્મશતાબ્દીનું સમાપન વરસ અને કાઁગ્રેસ સમાજવાદી પક્ષથી નોખા સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૪૮)નું અમૃતપર્વ ઠાલો યોગાનુયોગ જ નથી. આમ તો ભારતમાં સમાજવાદી આંદોલન બહુ વહેલું આરંભાયું હતું. કાઁગ્રેસના ભાગરૂપે જ સમાજવાદીઓ કામ કરતા હતા. પરંતુ ગાંધી હત્યાના વરસે તેઓ છૂટા પડ્યા અને પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો એ રીતે આ સમાજવાદી પક્ષની સ્થાપનાનું પંચોતેરમું વરસ છે. એ સમયે દેશમાં સમાજવાદનું પંચોતેરમું હોય એવી સ્થિતિ છે. સમાજવાદી નેતા તરીકે મધુ લિમયેને તેનો અણસાર આવી ગયો હતો. તેમણે તેનું નિર્મમ વિષ્લેષણ પણ કર્યું હતું. આજે દેશમાં એક રાજકીય પક્ષ તરીકે સમાજવાદી પક્ષ જરૂર અસ્તિત્વમાં છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં તેની રાજવટ પણ હતી. પરંતુ મુલાયમસિંઘ યાદવના કુણબાના આ પક્ષનો પરિવારવાદ અને તકવાદ તેને સમાજવાદી કહેતાં અટકાવે તેવો છે.

પહેલી મે ૧૯૨૨ના રોજ પુણેમાં જન્મેલા મધુ લિમયે પંદર વરસની વયે સ્કૂલમાં ગયા વિના મેટ્રિકની પરીક્ષા પાસ કરીને બૌદ્ધિકોનો અડ્ડો ગણાતી ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા હતા. વાચન, સ્વતંત્રતા આંદોલન અને સમાજવાદનો પાશ એમને વિદ્યાર્થીકાળમાં જ લાગ્યો હતો. પ્રખર સમાજવાદી એસ.એમ. જોશીના પરિચયે તે ગાઢ થયો. આઝાદી આંદોલનમાં ભાગ લેવા તેમણે કોલેજ શિક્ષણ અધૂરું છોડી દીધું પણ વાચન અને અધ્યયન જીવનભર રહ્યાં. ૧૯૪૦માં અઢાર વરસના નવયુવાન લિમયેને યુદ્ધ વિરોધી વકતવ્ય બદલ જેલની સજા થઈ. તેમને જે ધુલિયા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે જેલમાં ચાળીસ વરસના સાને ગુરુજી વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હતા. લિમયે અને સાને ગુરુજીની ત્યાં એવી તો આત્મીયતા બંધાઈ કે જેલમાં લિમયેએ સમાજવાદ પર જે અઢાર વ્યાખ્યાનો આપ્યા હતા તેનું રોજેરોજ શબ્દાંકન સાને ગુરુજી કરતા હતા. એસ.એમ. જોશી અને સાને ગુરુજી તરફથી મધુ લિમયેને પુત્રવત્‌ પ્યાર મળ્યો હતો.

સમાજવાદીઓ માટે સહજ એવી અધ્યયનશીલતા અને આંદોલનકારિતા મધુ લિમયેમાં પણ હતી. ભારત આઝાદ થયા પછી પણ ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. ડો. રામ મનોહર લોહિયાના ગોવા મુક્તિ આંદોલનમાં લિમયે સક્રિય હતા. અસ્થમાની પરવા કર્યા વિના તેઓ જોડાયા હતા. જુલાઈ ૧૯૫૫માં ગોવા મુક્તિ સત્યાગ્રહના એક જૂથનું નેતૃત્વ કરતા તેમને એ હદે માર મારવામાં આવ્યો હતો કે તેમના અવસાનની અફવા ચાલી હતી. પોર્ટુગીઝ પોલીસના મારની શારીરિક પીડા આજીવન એ રીતે રહી કે તેઓ કદી ચત્તા સૂઈ ના શક્યા. છતાં ગોવા મુક્તિ સત્યાગ્રહને તેઓ જિંદગીનું સુવર્ણ પૃષ્ઠ માનતા હતા જેમાં તેમને બાર વરસના કારાવાસની સજા થઈ હતી. આંદોલન આઝાદીનું હોય કે દૂસરી આઝાદીનું, મજદૂરોનું હોય કે કિસાનોનું, યુવાનોનું હોય કે મહિલાઓનું લિમયે સદા તેમાં હોય જ. તોંતેર વરસની આવરદામાં આ અધ્યયનશીલ આંદોલનકારીને ત્રેવીસ વખત જેલમાં જવું પડ્યું હતુ. ઈંદિરાઈ કટોકટીમાં પણ તેમણે ઓગણીસ મહિનાનો જેલવાસ વેઠ્યો હતો.

જન્મભૂમિ મહારાષ્ટ્રને બદલે તેમણે બિહારને કર્મભૂમિ બનાવી હતી. ચાર વખત બિહારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. એટલે સિદ્ધાંતનિષ્ઠાને વરેલા સજગ સાંસદ સંસદમાં સદાય કર્મભૂમિના લોકોની ભાષા હિંદીમાં જ બોલતા હતા. જે તેમણે પહેલા જેલવાસમાં શીખી હતી. જાગ્રત અને નીડર સાંસદ તરીકે તેમનાથી સત્તાપક્ષ સતત ડરતો. કેટકેટલા કૌભાંડો તેમણે ઉજાગર કર્યા છે. આંતરિક કટોકટી વખતે ઈન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી ટાળવા પાંચને બદલે મુદ્દત વધારીને છ વરસની કરી તો તેના વિરોધમાં તેમણે જેલમાંથી સંસદસભ્યપદેથી રાજીનામુ મોકલી આપ્યું હતું. યાદ રહે કે આવું સાહસ જેલમાં રહેલા એક પણ વિપક્ષી સાંસદે કર્યું નહોતું માત્ર શરદ યાદવ જ તેને અનુસર્યા હતા. સ્વાતંત્ર્ય સૈનિક અને સંસદસભ્ય તરીકે મળતું પેન્શન એમણે આર્થિક અભાવો છતા કદી ના લીધું. લોહિયાએ ‘પિછડા માંગે સો મેં સાઠ’નો નારો આપ્યો તો તેનો અમલ લિમયેએ પોતાથી કર્યો. ચોથી લોકસભાના સંયુક્ત સમાજવાદી પક્ષના સંસદીય નેતા પદેથી રાજીનામું આપીને તેમણે પછાત વર્ગના રવિ રાયને નેતાપદે બેસાડ્યા. કટોકટી પછી જનતા પક્ષની સરકાર બની તો સરકારમાં જોડાવાને બદલે તેમણે પક્ષના મહાસચિવ તરીકે સંગઠનના કામને પ્રાધાન્ય આપ્યું હતું. એ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે અલગ અલગ રાજકીય વિચારધારાના લોકોના બનેલા પ્રધાનમંડળમાં મારા  વિચારોનો કદાચ મેળ ના બેસે.

અસંમતિનો અવાજ લિમયેની પહેચાન હતી. સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનથી તે વેગળા રહ્યા. એટલે જે પ્રજાએ ગોવા મુક્તિ આંદોલનના નેતા તરીકે જેલમુક્તિ પછી તેમની મુંબઈના શિવાજી પાર્કમાં વિરાટ સત્કાર સભા યોજી આરતી ઉતારી હતી તે જ પ્રજાએ તે જ સ્થળે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના ઉમેદવાર સામે તેમને બોલવા ના દીધા અને ચૂંટણીમાં તેમની ડિપોઝિટ ડૂલ થઈ. જો કે આવી આકરી કિંમત ચૂકવીને તે જનમતની વિરુદ્ધ રહ્યા હતા. ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં હાર પછી સમાજવાદીઓમાં વિચારમંથન ચાલ્યું હતું. અશોક મહેતાએ સત્તાપક્ષ સાથે હળીમળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ લિમયે તેના વિરોધમાં હતા. તેનાથી સમાજવાદીઓનું વિપક્ષ તરીકેનું વજૂદ નહીં રહે તેમ તે માનતા હતા. ડો. લોહિયાના બિન-કાઁગ્રેસવાદના પણ તે વિરોધી હતા. રાજા મહારાજાઓના સ્વતંત્ર પક્ષ અને જનસંઘ જેવા સાંપ્રદાયિકા પક્ષ સાથે માત્ર કાઁગ્રેસને હરાવવા જોડાણ કરવાના મતના તે નહતા.

૧૯૮૨માં સક્રિય રાજનીતિમાંથી તે નિવૃત્ત થયા પણ લેખન થકી જાહેર જીવનમાં સક્રિય હતા. બારેક વરસના આ ગાળામાં તેમણે અનેક પુસ્તકો લખ્યાં. નિત્ય અધ્યયનરત આ રાજનેતાએ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પંચોતેર જેટલાં પુસ્તકો લખ્યાં છે. જેમાં સમાજવાદનો ઇતિહાસ અને તેની આલોચના પણ છે. ધર્મ નિરપેક્ષપક્ષોએ મુસ્લિમ અને હિંદુ સાંપ્રદાયિક કટ્ટરપંથી પક્ષો સાથે કરેલા સિદ્ધાંતહીન જોડાણોને કારણે સાંપ્રદાયિક પક્ષો બળવત્તર બન્યા હોવાનું અને સમાજવાદીઓના વિખરાવે તે સત્તામાં આવશે તેમ તે માનતા હતા.

સમાજવાદ એક છેતરામણો શબ્દ છે. કાઁગ્રેસે તેના અધિવેશનોમાં ‘સમાજવાદી પદ્ધતિનો સમાજ’  અને ‘લોકતાંત્રિક સમાજવાદ’ના ઉલ્લેખ સાથે સામાજિક આર્થિક નીતિઓ માટે તે  સ્વીકાર્યો હતો. ઈન્દિરા ગાંધી ૧૯૭૬માં તેને બંધારણના આમુખમાં મૂકી દીધો છે. ભારતીય જનતા પક્ષે પણ ગાંધીવાદી સમાજવાદને અપનાવ્યો હતો. જો મૂડીવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી માલિકોના હાથમાં હોય છે તો સમાજવાદમાં તે રાજ્યની માલિકીના હોય છે. સામ્યવાદમાં તે સમાજની માલિકીના હોય છે. એટલે સમાજવાદ એ સામ્યવાદ પૂર્વેની સ્થિતિ કહી શકાય. ૧૯૯૧માં કાઁગ્રેસે આર્થિક ઉદારીકરણનો માર્ગ અખત્યાર કરીને સમાજવાદનું અચ્યુતમ કેશવમ કરી નાંખ્યું છે. દેશમાં વિકરાળ આર્થિક-સામાજિક અસમાનતાને લીધે આજે સમાજવાદ જાણે કે પોથીઓમાં કેદ શબ્દ બની ગયો છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસઃ કમનસીબી, સૈન્યની દાદાગીરી, હારબંધ વડા પ્રધાનો અને અંધાધૂંધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 May 2023

અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ વડા પ્રધાન પોતાની ટર્મ આખી પૂરી નથી શક્યા 

ચિરંતના ભટ્ટ

પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે, આ લખાઇને તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં પાકિસ્તાનના રાજકીય દાવાનળમાં ઘણું બધું રાખ થઈ ચૂક્યું હશે. અત્યારે તો પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લશ્કર રસ્તા પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસ એટલે જાણે અંધાધૂંધીનું બીજું નામ. 1947માં પાકિસ્તાનની રચના થઇ ત્યારથી માંડીને આજ સુધી એક પણ વડા પ્રધાન તેમની પૂરી ટર્મ સુધી સત્તા પર નથી રહી શક્યા. પાકિસ્તાનમાં કોઇ પણ ત્યાં સુધી વડા પ્રધાનના પદ પર બેસી શકે જ્યાં સુધી સંસદમાં તેમના પક્ષનો બહુમત હોય, જેમ કે પી.પી.પી. અને પી.એમ.એલ.-એન.ની ટર્મ પૂરી થઇ પણ આ પક્ષના વડા પ્રધાન પાંચ વર્ષની ટર્મ પૂરી ન કરી શક્યા.

આ ઇતિહાસ પર નજર કરીએ તો પાકિસ્તાન મુવમેન્ટના લિયાકત અલી ખાન પહેલા વડા પ્રધાન બન્યા અને રાવલપિંડીમાં એક રેલીને સંબોધન કરતા હતા ત્યારે તેમને એક અફઘાનીએ ગોળીએ દઇ દીધા હતા. એ સમયે જ ગવર્નર જનરલ હતા તેવા ખ્વાજા નઝીમુદ્દીનને આ જવાબદારી સોંપાઇ. 182 દિવસમાં જ ગવર્નર જનરલ ગુલામ મોહંમદે તેમને પૂર્વ પાકિસ્તાન અને લાહોરમાં થયેલા રમખાણો રોકવામાં નિષ્ફળ જવાના મામલે પદ પરથી હટાવ્યા. આ પછી મહંમદ અલી બોગરા જેમની પર આક્ષેપ છે કે તેમણે યુ.એસ.એ. સાથેના પાકિસ્તાનના જોડાણને મામલે છેતરપિંડી કરી હતી તે સત્તા પર આવ્યા. બોગરા પણ 2 વર્ષ અને 2 મહિના સુધી સત્તા પર હતા અને પછી ચૌધરી મહંમદ અલી 13 મહિના માટે વડા પ્રધાન બન્યા. 1956માં પાકિસ્તાનનું નવું બંધારણ આવ્યું. એ વખતે વડા પ્રધાન હતા હુસૈન શહીર સહરાવર્દી પણ બંધારણને મામલે પણ મતભેદ થયા અને એ પછી પણ સાવ 2 મહિના માટે ઇબ્રાહિમ ઇસ્માઇલ ચુંદરીગર અને ફિરોઝખાન નૂન 9 મહિના માટે વડા પ્રધાન બન્યા. પાકિસ્તાનનુ વડા પ્રધાનનું પદ જાણે બળતું ઘર છે. એક એવો દેશ જ્યાં પાંચ વર્ષમાં છ વડા પ્રધાન બદલાયા. રાજકીય પક્ષો અને સૈન્ય વચ્ચેનો સંઘર્ષ ત્યાં ચાલતો જ આવ્યો છે અને આ કારણે જ રાષ્ટ્રપતિ ઇસિકંદર મિર્ઝાએ પાકિસ્તાનમાં બંધારણનું અમલીકરણ જ રોકી દીધું અને માર્શલ લૉ લાગુ કર્યો, સૈન્યા વડા ઐયૂબખાનને આ જ જોઇતું હતું, રાજકીય સ્થિતિ વણસી અને રાષ્ટ્રપતિ મિર્ઝાને તેમણે ઘર ભેગા કરીને સત્તા લઇ લીધી. ઐયૂબ ખાન પર અમેરિકાની લોકશાહીનો પ્રભાવ હતો તે એમણે ચૂંટણી જાહેર કરી, એમાં ઝીણાની બહેનને જીત મળી પણ તો ય ઐયૂબ ખાને સત્તા છોડી નહીં. એ પછી એમણે ભારત સામેના યુદ્ધમાં હાર અને ચૂંટણીના ગોટાળાને કારણે રમખાણોને પગલે રાજીનામું આપ્યું અને પછી આવ્યા જનરલ યાહ્યાખાન. યાહ્યા ખાને ચૂંટણી યોજી અને મુજીબૂર રહેમાનને વડા પ્રધાન બનાવ્યા પણ એ પૂર્વીય પાકિસ્તાનના હતા જેમાંથી અંતે પાકિસ્તાનના ભાગલા થયા બાંગ્લાદેશની રચના થઇ. ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ આ સમયે રાષ્ટ્રપતિ પદ છોડી વડા પ્રધાનની ખુરશી સંભાળી પણ 46 મહિના પછી સૈન્યના વડા જનરલ ઝિયા ઉલ હકે ભુટ્ટોને હટાવ્યા. ઝિયાએ દસ વર્ષ સરમુખત્યારની માફક સત્તા ચલાવવાનો પ્લાન કર્યો અને મહંમદખાન જુનેજોને વડા પ્રધાન બનાવ્યા પણ ત્યાં ય વાંધા વચકા પડ્યા અને સંસંદ ભંગ થઇ અને જુનેજોની સત્તા ગઇ, ચૂંટણી થાય એ પહેલાં વિમાન અકસ્માતમાં એ માર્યા ગયા. બેનઝીર ભૂટ્ટો પાકિસ્તાનના પહેલાં મહિલા વડાં પ્રધાન બન્યાં અને 22 મહિના પછી એમણે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સત્તા છોડી. ગુલામ મુસ્તફા બે મહિના શાસન કરી શક્યા અને 1993માં બેનઝીર ફરી સત્તા પર આવ્યાં. જેની પર વિશ્વાસ હતો એવા રાષ્ટ્રપતિ લેંઘારીએ બેનઝીરને હટાવ્યા અને 3 મહિના માટે મલિક મિરાઝે વડા પ્રધાનપદું કર્યું. એ પછી વારો આવ્યો નવાઝ શરીફનો અને અઢી વર્ષમાં સૈન્યના દબાણને કારણે એ પણ ગયા, પછી એક મહિનો બલખશેર મઝારી એ પદ સાચવ્યું અને પાછો શરીફનો વારો આવ્યો પણ એ ય માત્ર એક મહિનો; એ પછી મોઇનુદ્દીન અહેમદ 3 મહિના વડા પ્રધાન રહ્યા. 1997માં ફરી નવાઝ શરીફને બુહમ મળ્યો પણ ત્યાં મિંયા મુશર્રફ્ફે તાનાશાહી લાદી અને એ જ રાષ્ટ્રપતિ તથા એ જ સૈન્યના વડા. એ વખતે ચૂંટણીમાં ઝફર ઉલ્લાહ જમાલી પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા અને બે વર્ષમાં શૌકત અઝીઝ સત્તા પર આવ્યા. 2007માં બેનઝીર ભૂટ્ટો ચૂંટણી લડવા પાકિસ્તાન આવ્યાં પણ તેમને બોમ્બથી ઉડાવી દેવાયા, એમની પાર્ટી જીતી અને યુસૂફ રઝા ગિલાની વડા પ્રધાન બન્યા. પાકિસ્તાનમાં સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાન પદે ગિલાની રહ્યા પણ તો ય 4 વર્ષ અને 4 મહિના એ પછી રઝા પરવેઝે એમની ટર્મ પૂરી કરી. 2017માં નવાઝ શરીફ પનામા પેપર્સને કારણે પદ ગુમાવી બેઠા અને શાહિદ ખાનક અબ્બાસી આવ્યા અને છેલ્લે નસીર ઉલ મુલ્ક વચગાળાના વડા પ્રધાન બન્યા. 2018માં ઇમરાનખાનનો પક્ષ મોટો થયો અને તે વડા પ્રધાન બન્યા. આ બધામાં અર્થતંત્ર તળિયે જઇને બેઠું અને દેશ આઇ.એમ.એફ.ની લોન પર ચાલવા માંડ્યો. ઇમરાના ખાને અમેરિકા સાથે દોસ્તી ઓછી કરી રશિયા સાથે હાથ મેળવ્યા. ઇમરાન ખાનને કારણે પાકિસ્તાનની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઇ છે કારણ કે ન તો અંદર શાંતિ છે ન તો આંતરરાષ્ટ્રિય સંબંધોમાં કંઇ સારાસારી રખાઇ છે.

અત્યારે ઇમરાન ખાનની ધરપકડને ત્યાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવી છે. ઇમરાન ખાનને સત્તા પર આવ્યા પછી બહુ દુ:શ્મનો ઊભા કર્યા. ભૂતકાળમાં ઇમરાનને ટેકો આપી ચૂકેલા ઉદ્યોગકારો, સરકારના બીજાં તત્ત્વો, શહબાઝ શરીફ સરકારના અસંતોષી સભ્યો, બીજા પક્ષો બધા કોઇને કોઇ રીતે ઇમરાન ખાનને કોઇ રીતે અયોગ્ય ઠેરવી ખસેડવાની તજવીજમાં જ રહ્યા પણ કોઇને કારી ફાવી નહીં. એમાં ઇમરાન ખાને આઇ.એસ.આઇ.ના વડા મેજર જનરલ ફૈઝલ નસિર પરના જૂના આક્ષેપ વાગોળ્યા અને તેમની આવી બની. અત્યારે ઇમરાન ખાનના ટેકેદારો અને સૈન્ય વચ્ચે તંગ સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈયબર પાખ્તુનખ્વામાં સૈન્ય ઊતરી આવ્યું છે જે સંજોગો વણસવાની સીધી નિશાની છે. ફરી ચૂંટણી થાય અને ઇમરાન ખાનને જીત મળે તો સૈન્ય સાથે મળીને રાજ કરવું પડે જેમાં બંધારણ જશે ખાળમાં.

પાકિસ્તાનનું મુશ્કેલીમાં હોવું આંતરરાષ્ટ્રીય રાજકીય તંત્રો માટે ચિંતાજનક છે, પાકિસ્તાન અત્યારે ધાર પર ઊભેલો દેશ છે. ચીને પાકિસ્તાનમાં બહુ રોકાણ કર્યું છે અને એની ઊંઘ હરામ થઇ ગઇ હશે, એ ચોક્કસ. યુ.એસ.એ. દ્વારા તો ‘સેફ’ વિધાન કરાયું છે જેમાં લોકશાહી સાચવવાની વાત છે પણ અંદરખાને તો પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશની આ હાલતે યુ.એસ.એ.ની ચિંતા પણ વધારી દીધી હશે. એ ચોક્કસ. આપણે તો સાવ બાજુનો દેશ છીએ અને આપણામાંથી છૂટા પડેલા પાકિસ્તાન સાથેના આપણા સંબંધો તંગ જ રહ્યા છે. જો કે આંતરિક અંધાધૂંધીની સીધી અસર ભારત પર ત્યાં સુધી નહીં પડે, જ્યાં સુધી લાઇન ઑફ કન્ટ્રોલ પર સિઝફાયરની સ્થિતિ જળવાયેલી રહેશે. આમ આપણે કોઇ સીધી ચિંતા ન કરવી જોઇએ પણ છતાં ય સાબદા તો રહેવું જ પડે.

બાય ધી વેઃ

ઇમરાન ખાનની છબીને આ બધા કોલાહલનો ભારે ફાયદો થશે પણ આખરે પાકિસ્તાનની વાત આવે ત્યારે સૈન્ય કેવી રીતે અને શું પ્રતિભાવ આપે છે એ જ અગત્યનું હોય છે. આ તરફ પાકિસ્તાન એક દેશ કરીતે નાદારી નોંધાવી દે એ પણ એવા સમયે જ્યારે રાજકારણમાં આટલી અરાજકતા હોય. પાકિસ્તાનની સમસ્યાઓ ઉકેલવાની વાત વખારે નખાઇ છે અને કોણે પાકિસ્તાન પર રાજ્ય કરવું જોઇએ એનો સંઘર્ષ ત્યાં સંજોગો આકરા બનાવી રહ્યો છે. પાકિસ્તાન 75 વર્ષથી ગુલામી, દબાણમાં જ રહ્યો છે અને ત્યાંની પ્રજાને સૈન્યના શાસનમાંથી મુક્તિ જોઇએ છે પણ પાકિસ્તાનમાં સૈન્યની સત્તા ભૂખ કોઇનાથી ય છાની નથી. પાકિસ્તાન – એક દેશ જે સૈન્ય સાથે નથી પણ એક સૈન્ય જે દેશને માથે છે. શું પાકિસ્તાનમાં સિવિલ વૉર – આંતરવિગ્રહની સ્થિતિ સમૂળગું બધું બદલશે કે પહેલાં તારાજીના રાજ પછી કદાચ કોઇ સત્તાધીશની સાન ઠેકાણે આવશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 મે 2023

Loading

...102030...1,1411,1421,1431,144...1,1501,1601,170...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved