Opinion Magazine
Number of visits: 9458206
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુદરતની ઉપરવટ માણસ જાય તો છે, પણ… 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 January 2023

આજે એક ફિલ્મની વાત કરવી છે. ફિલ્મ છે, ‘મિલી’. હિન્દીમાં પણ છે. ‘મિલી’ નામની એક ફિલ્મ અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પણ આવેલી, તે નહીં, આ તો સાઉથની રિમેક છે. ફિલ્મનો રિવ્યૂ કરવો નથી. હિન્દી પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે જાણીતા બોની કપૂરની આ ફિલ્મ છે ને એની દીકરી જાનવી કપૂરની મુખ્ય ભૂમિકા એમાં છે. ફિલ્મનાં ટેકનિકલ પાસાંઓ અંગે પણ અહીં વાત કરવી નથી. તે એક સારી ફિલ્મ છે એટલું ખરું. વાત એમ છે કે 24 વર્ષની મિલી નામની યુવતી તેના વીમો વેચતા પિતા નિરંજન સાથે રહે છે. તે ચોરીછૂપી સિગારેટ પીએ છે એટલે દીકરી માથે હાથ મુકાવીને સોગંદ આપે છે ને પિતા નાછૂટકે સિગારેટ છોડે છે. મિલી વધુ સારી તકો માટે કેનેડા જવાનું નક્કી કરે છે. પિતાને એ ગમતું તો નથી, પણ તે નકારતો ય નથી. આમ તો મિલી ‘ડૂન’સ કિચન’માં કામ કરે છે.

એક રાત્રે તેનાં મિત્ર સમીર સાથે તે ઘરે આવવા નીકળે છે, પણ હેલ્મેટ નથી એ કારણે પોલીસ સમીરને પકડે છે ને દંડ ભરાવીને છોડે છે, ત્યાં જ ઇન્સ્પેક્ટરને શંકા પડે છે કે સમીર નશાખોર છે એટલે તેને પોલીસ ચોકીએ ખેંચે છે. અહીં મિલીના પિતાને બોલાવવામાં આવે છે ને તેને પહેલીવાર સમીર-મિલીનાં પ્રકરણની ખબર પડે છે. સમીર બીજી રાત્રે નોકરી માટે દિલ્હી જવાનો છે. તેની પાસે નોકરી ન હતી એટલે નોકરી લાગે પછી મિલી, પિતાને, પ્રેમીની વાત કરવાની હતી, પણ તે પહેલાં જ પિતાને આખી વાતની પોલીસચોકીમાં ખબર પડી એથી નારાજ છે ને મિલી સાથે તે વાત પણ કરતો નથી.

બીજે દિવસે મિલી નોકરીએ આવે છે. અહીં દિલ્હી જતાં પહેલાં સમીર મિલીને મળવા આવે છે, પણ પોલીસ ચોકીએ જે બન્યું તેથી તે વાત કરવા રાજી નથી. સમીર દિલ્હી જવા નીકળે છે ને મિલી રાતનાં મોડું થઈ જવા છતાં ઘરે જતાં સંકોચ અનુભવે છે. પિતાનો સામનો કરવાની તેનામાં હિંમત નથી, પણ સાથે કામ કરતી મિત્રની સલાહથી તે ઘરે જવા તૈયાર થાય છે. તે પહેલાં તે પિતાનો ફોનથી સંપર્ક કરવા મથે છે, પણ પિતા ફોન ઉપાડતો નથી, બીજી બાજુ, સમીર પણ ફોન કરતો રહે છે ને મિલી પણ તે રીસમાં ઉઠાવતી નથી. પિતા મિલીનો ફોન ઉઠાવતો નથી ને મિલી પ્રેમીનો ફોન ઉપાડતી નથી. અંતે, તે ઘરે જવા પંચ આઉટ કરે છે, એટલામાં પાર્સલ ફ્રિઝરમાં મૂકવાનું કહીને મિલીનાં અન્ય સાથીઓ પણ ચાલી જાય છે. બધું બંધ કરીને મેનેજર ઘરે જવા નીકળે છે ને નીકળતાં પહેલાં છેલ્લે ફ્રિઝર બહારથી લોક કરી દે છે ત્યારે એને ખબર નથી કે મિલી પાર્સલ ફ્રિઝરમાં મૂકવા અંદર ગઈ છે. મિલી બહાર નીકળવા બારણું ખોલે છે, પણ તે બહારથી લોક થઈ ગયું છે. તે બૂમો પાડે છે, બારણું ઠોકે છે, પણ કોઈ નથી ને મિલી ફ્રિઝરમાં ફસાઈ જાય છે.

આ તરફ બાર વાગવા છતાં મિલી આવતી નથી એટલે પિતા ફોન કરે છે, પણ ફોન બહાર છે ને મિલી કોલ્ડ સ્ટોરેજમાં છે. તેની સાથે કામ કરનાર સાથીઓને ત્યાં ફોનથી તપાસ ચાલે છે, પણ મિલી તો ત્યાં નથી એવી ખબર પડતાં પિતા ચિંતામાં મુકાય છે. વાત ફરી પોલીસ સુધી આવે છે. ઇન્સ્પેક્ટરને શંકા છે કે મિલી તેનાં મિત્ર સાથે રાત ગાળવા ક્યાંક ઊપડી ગઈ છે, તેનો સંપર્ક કરવાની કોશિશ થાય છે પણ સમીરનો ફોન ઓફ આવે છે. તેનાં ઘરે તપાસ થાય છે તો ખબર પડે છે કે એ તો દિલ્હી જવા રવાના થઈ ગયો છે, પોલીસને વહેમ છે કે સમીર મિલીને ભગાડી ગયો છે. સમીરે મિલીને ક્યાંક વેચી મારી છે, ત્યાં સુધીની શંકાઓ થાય છે, પણ તે પાછો આવે છે ને મિલીની શોધમાં જોડાય છે. આમાં કોઈને એ ખ્યાલ તો આવતો જ નથી કે મિલી ફ્રિઝરમાં રહી ગઈ છે. તે ખ્યાલ એટલે પણ આવતો નથી કારણ તે પંચ આઉટ કરી ચૂકી છે તેવું મશીન કહે છે.

આખી તપાસ જુદી જ દિશામાં ચાલે છે, તે એટલે કે એક જ દિવસમાં ઘટનાઓ એવી બની છે કે શંકા સમીર પર વધુ થાય. તે પકડાય છે, પોલીસમાં પહોંચે છે ને મિલીના પિતાને તે અહીં જ શંકાસ્પદ સંજોગોમાં મળ્યો. પિતાનું મન ખાટું થતાં, તેણે મિલી સાથે વાત કરવાનું બંધ કર્યું, મિલી એ જ કારણે ઘરે જવામાં મોડી પડે છે, સમીરને લીધે તે પોલીસ ચોંકીએ પહોંચી એટલે સમીરથી નારાજ રહી. આ બધા સંજોગોને લીધે તપાસ બહાર જ ચાલી ને મિલી ફ્રિઝરમાં ઠરી જઈ રહી હતી એનો ખ્યાલ કોઈને આવ્યો જ નહીં. મિલીની શોધ દરમિયાન એક તબક્કે નિરાશ પિતાને સિગારેટ પીવાની તીવ્ર ઈચ્છા થાય છે, પણ મિલીએ માથે હાથ મુકાવીને સોંગદ આપ્યા છે તે યાદ આવતાં અટકે છે …

મિલીએ જોયું કે બહારથી મદદ મળે એમ નથી ને ટેમ્પરેચર માઇનસમાં જઈ રહ્યું છે, હતાશ થાય છે, પણ હિંમત ભેગી કરીને સામનો કરવા મથે છે. તે જુએ છે કે સામેની ભીંતે તીવ્ર ઠંડક વેરતાં બે પંખાઓ જો બંધ કરવામાં આવે તો ઠંડક ઘટે, પણ એમ કરવાનું સહેલું નથી. મહેનત કરીને તે પંખાની જાળી તો તોડે છે, પણ પાંખો તીવ્રતાથી ફરતી જ રહે છે એટલે ઠંડક ઘટતી નથી. બોક્સનાં પૂઠાં ફાડી ફાડીને તે ઝડપથી ઊંચે ફરતી પાંખો પર ફેંકે છે, પણ ફેર પડતો નથી. સ્ટીલનો મોટો રોડ ઠાંસીને ફરતી પાંખોને અટકાવવા પણ મથે છે, પણ સ્પીડ એટલી છે કે મિલી ફાવતી નથી. શરીર ઠરવા માંડ્યું છે ને નાકમાંથી લોહી નીકળે છે. નાક પર લોહી આવીને ઠરી ગયું છે ને તે લાલ પડી ગયું છે. મિલી હાથ-પગને આખાં શરીરને પૂંઠાં, સેલો ટેપ ને પ્લાસ્ટિક વીંટીને રક્ષવા મથે છે, ખોખામાં જાત ઉતારે છે, પણ ઠંડી ઘટતી નથી. ગરમી મેળવવાના બધા પ્રયત્નો પછી પણ એમાં સફળતા મળતી નથી, એ દરમિયાન એક ઉંદર ક્યાંકથી નીકળી આવે છે. એ પણ ક્યાંકથી હૂંફ શોધે છે. ખોરાક ઠંડો છે એટલે એ ખાઈ શકતો નથી. હથેળીઓ વચ્ચે મિલી એને હૂંફ આપે છે. કેકનો ઠંડો ટૂકડો ફૂંકની હૂંફથી ગરમ કરીને તે ઉંદરને ખવડાવે છે, પણ એ ટકી શકતો નથી ને ઠરી જાય છે. એક પછી એક પેકેટ્સ મિલી પંખાની પાંખો તરફ ઊંચે ફેંકતી રહે છે એવામાં એક તબક્કે એક પેકેટ પાંખો વચ્ચે ફસાય છે ને પંખો અટકે છે, પણ બીજો પંખો હજી ચાલે છે. -17 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે જીવ બચાવવાના બધા પ્રયત્નો પછી મિલી જાણી જાય છે કે હવે તે ઠરીને ઠીકરું થવાની છે. તે મરવાની ધારે આવીને ઊભી રહી જાય છે ને ઠંડી સહન ન થતાં બેહોશ થઈ જાય છે, ત્યાં પોલીસ ને પિતા પહોંચે છે ને મિલી બચી જાય છે.

ફિલ્મ છે, હિરોઈન છે, એટલે બચે છે, મિલી, પણ બીજું કોઈ હોત તો મર્યું પણ હોત ! આ ફિલ્મ નિમિત્તે  થોડી વાત વિચારવા જેવી લાગે છે.

ટેકનોલોજીનો ઉપયોગ માણસની સગવડ વધારવાનો છે, પણ જરૂર હોય છે ત્યારે ભાગ્યે જ કોઈ ટેકનોલોજી કામ લાગે છે. 2006માં સૂરતમાં ભયંકર રેલ આવેલી ત્યારે લાઇટ, નળ, ફ્રિજ, મોબાઈલ એમ બધું જ બંધ પડી ગયું હતું. મોટે ભાગે આપણી બધી ટેકનોલોજી ઇલેક્ટ્રિસિટી આધારિત છે. એ ન હોય તો બધાં સાધનો ફાજલ પડી જાય છે. આમ તો આપણે કુદરત પર વિજય મેળવવા અનેક પ્રકારના પ્રયત્નો કરીએ છીએ, પણ તેની ઉપરવટ જઈ શકાતું નથી તે સમજી લેવાનું રહે. બધું ભવ્ય ભવ્ય કરીએ તો છીએ, પણ એક ધરતીકંપ, એક આગ, એક વાવાઝોડું, એક સુનામી, એક બરફનું તોફાન બધું ખતમ કરી શકે એમ છે તે ભૂલવા જેવું નથી. કુદરત વિફરતી નથી ત્યાં સુધી બધું ચાલે છે, પણ એ વિફરે તો બધું સેકંડોમાં ધ્વસ્ત કરી નાખે એમ છે. આપણે ભવ્ય ઊંચી ઇમારતો ખડકતાં જઈએ છીએ ને માની લઇએ છીએ કે હવે આપણે વિજયી છીએ, પણ એક આંચકો આવે છે ને બધું જમીનદોસ્ત થઈ જાય છે. જેને આપણે વિકાસ કહીએ છીએ તેની દિશા વિનાશ તરફની તો નથીને એ જોઈ લેવા જેવું છે.

અત્યારે અમેરિકામાં ‘બોમ્બ’ નામનું બરફનું તોફાન આવ્યું ને તેણે જે રીતે 48 રાજ્યોને બાનમાં લીધાં તે એટલું ઠારી દેનારું હતું કે એક અણુબોમ્બ નાખવો હોય તો તે નાખવાની તાકાત ને તક પણ અમેરિકા પાસે ન હતી. તો, સવાલ થાય કે આટલાં શસ્ત્રોનો કોઈ અર્થ ખરો? કોઈ પણ યુદ્ધ કરતાં ભયંકર સંહાર કુદરત કરી શકે એમ છે, છતાં આપણી યુદ્ધની ઈચ્છા ઘટતી નથી. આપણી બધી ક્ષમતા કુદરત સામે પાંગળી પુરવાર થઈ શકે એમ છે તો ય કોઈ વાતે આપણને ધરવ થતો નથી. ટેક્નોલોજી સહાયક છે તે સાચું, પણ તે સર્વસ્વ નથી. એની અતિશય ગુલામી ઘણી બધી રીતે ઘાતક પુરવાર થઈ શકે એમ છે.

‘મિલી’માં પણ એ જ વાત સૂચવાઈ છે. જે મોબાઈલ સંપર્ક કરી આપે છે એ જ સંકટ સમયે સાથ નથી આપતો. ખોરાક ન બગડે એટલે તેને ઠારવા ફ્રિઝર્સ વસાવ્યાં, પણ એ માણસની કૂલ્ફી કરી નાખે તો તેનાથી બચવાની ટેકનોલોજી ન વિકસાવી. ફ્રિઝરમાં કોઈ ફસાઈ પણ શકે એવો વિચાર કોઈને આવ્યો જ નહીં એ બતાવે છે કે આપણી વૈચારિક ક્ષમતા ઠીક ઠીક મર્યાદિત છે, છતાં આપણે આપણા જ આઇક્યૂ પર આફરીન છીએ. આમ તો સાવ સાદો ઉપાય હતો, સેફટી એલાર્મ, ફ્રિઝરની બહાર લગાવવાનો, પણ મોટી મોટી વ્યવસ્થાઓમાં એ નાનકડી વાત જ ભુલાઈ ગઈ ને જીવનું જોખમ ઊભું થયું. બચવા માટે બહુ મોટાં મશીનો ઓછાં જ કામ લાગે છે. ફિલ્મમાં છે તે જ જીવનમાં પણ છે ને તે એ કે જોખમ વખતે મિલીને કોઈ ટેકનોલોજી કે મશીનો કામ નથી લાગ્યાં. તેને બચવા માટે બોક્સનાં પૂંઠાં કામ લાગ્યા. સેલોટેપ ને પ્લાસ્ટિકના રોલ જ શરીરે વીંટવા પડ્યાં. ફ્રિઝરનાં પંખા બંધ કરવામાં ફૂડ પેકેટ્સ જ મદદે આવ્યાં. આ બધું બહુ સૂચક છે. મશીનોનો ને ટેકનોલોજીનો અહીં કોઈ વિરોધ નથી, પણ એને જ સર્વસ્વ માની લેવાય છે તે બરાબર નથી. માણસ કરતાં મશીન વધારે મહત્ત્વનું નથી, કારણ માણસ મશીન બનાવે છે, મશીન માણસ બનાવતું નથી એ તો ખરું ને !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 08 જાન્યુઆરી 2023

Loading

After Twenty Years / વીસ વર્ષ બાદ

ઓ’ હેન્રી • અનુવાદ : ઈશાન ભાવસાર|Opinion - Short Stories|9 January 2023

અમેરિકાના પ્રસિદ્ધ વાર્તાકાર ઓ’ હેન્રી[વિલિયમ સિડની પોર્ટર]ની એક ખૂબ જાણીતી વાર્તા એટલે ‘After Twenty Years’ / વીસ વર્ષ બાદ. દુનિયાભરના વાચકોએ માણેલી અને વખાણેલી આ વાર્તા મૂળ તો ઓ’હેન્રીના ઈ.સ. ૧૯૦૬માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘The Four Million’માં સૌ પ્રથમ છપાઈ હતી. ઓ’હેન્રીની વાર્તાઓમાં સામાન્ય રીતે એકબીજા સાથે લાગણીસંબંધથી બંધાયેલા બે પાત્રોને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતા બતાવાય છે અને વાર્તાને અંતે જેને ઓ’હેન્રીની સિગ્નેચર સ્ટાઈલ કહી શકો એવો જોરદાર ‘ટ્વીસ્ટ’ પણ આવે! આ ‘આફ્ટર ટ્વેન્ટી યર્સ’ પણ એવી જ વાર્તા છે.

•••••

એ વિશાળ સડક પર પોલીસમેન ગર્વીલી ડાંફો ભરતો ચાલ્યો જતો હતો. તેનું આમ ડાંફો ભરતા ચાલવું એ તદ્દન સ્વાભાવિક હતું અને એમાં ડંફાશનો અંશ માત્ર પણ નહોતો કારણ કે એને એને એ રીતે ચાલતો જોનાર પણ અત્યારે ક્યાં હતા? આમ તો અત્યારે રાતનાં માંડ દસ વાગ્યા હતા પણ સુસવાટાભેર વાતા કાતિલ પવન અને વરસાદનાં જોરે લોકોને વહેલા ઘરભેગા થવા મજબૂર કરી દીધા હતા. એટલે, હાથમાં પકડેલા દંડૂકાને છટાભેર ફેરવતા લોકવિહોણી અને સાવ સૂમસામ થઇ ગયેલી સડક પર રાત્રે ચાલ્યે જતો આ પડછંદ પોલીસમેન જાણે શાંતિ અને સલામતીના મૂર્તિમંત દેવદૂત સમો ભાસતો હતો.

આમ તો આ વિસ્તારમાં વહેલા જ પાટિયાં પડી જતાં છતાં ક્યારેક એકાદ સિગરેટની દુકાન અથવા આખી રાત ખુલ્લી રહેતી વીશીમાં ઝબુકતી બત્તીઓનો ઝાંખો ઝાંખો પ્રકાશ જોવા મળી જાય. એકાદ બ્લોકની વચ્ચે આવેલી સડક પરથી પસાર થતા પોલીસમેની ઝડપી ડાંફોમાં અચાનક ઝોલ પડ્યો. એણે હાર્ડવેરની બંધ દુકાનનાં દરવાજા આગળ અંધારામાં હોઠ વચ્ચે ચેતવ્યા વગરની સિગરેટ દાબીને ઊભેલા એક માણસને જોયો. જ્યારે પોલીસમેન એની નજીક ગયો ત્યારે એ માણસ બોલી ઉઠ્યો, “કશી ચિંતા જેવું નથી, સાહેબ મારા!” પોલીસઅધિકારીને ધરપત થાય એટલે એણે આગળ કહ્યું, “હું તો અહીં મારા મિત્રની રાહ જોતો ઊભો છું. વીસેક વર્ષ પહેલા અમે એકબીજાને અહીં મળવાનું વચન આપ્યું હતું. તમને ગમ્મત જેવું લાગ્યું હશે, ખરું ને? સહેજ વિસ્તારથી કહું તો તમને આખી વાત સમજાશે … વાત એમ છે કે આ દુકાનની જગ્યાએ અહીં વીસ વર્ષ પહેલા એક વીશી હતી – ‘બીગ જો બ્રેડી’ એનું નામ.”

“હા, પાંચેક વર્ષ પહેલા સુધી હતી.” પોલીસમેન બોલ્યો, “પછી એને તોડી પાડવામાં આવી.”

પેલા દરવાજા આગળ ઊભેલા માણસે હવે દિવાસળી વડે સિગરેટ ચેતવી. સિગરેટના અંગારનાં અજવાસમાં એનો ચોખંડી જડબાવાળો ચહેરો, અણિયારી આંખો અને ખાસ તો એની જમણી ભ્રમર પાસે પડેલા ઘાનું સફેદ નિશાન દેખાઈ રહ્યું હતું. એની ટાઈપીનનો ટાંકેલો હીરો પણ એટલા પ્રકાશમાં ઝળકી ઉઠ્યો હતો.

“બરાબર વીસ વર્ષ પહેલાની આવી રાત્રે મેં જિમ્મી વેલ્સ સાથે ‘બીગ જો બ્રેડી’ સાથે ખાણું લીધું હતું, જિમ્મી વેલ્સ, મારો જીગરજાન દોસ્ત અને દુનિયાના સારા માણસોમાંનો એક! અમારા બન્નેનો ન્યુ યોર્કમાં સગા ભાઈઓની જેમ સાથે ઉછેર થયો હતો. એ વખતે હું અઢારનો, અને જિમ્મી વીસનો. બીજે દિવસે સવારે મારે પશ્ચિમના રાજ્યો તરફ કારકિર્દી અર્થે નીકળી જવાનું હતું. જિમ્મી ન્યુ યોર્ક છોડીને બીજે કશે જવા તૈયાર નહોતો, એના માટે તો ન્યુ યોર્ક જ એની દુનિયા હતી. એટલે, અમે ખાણીપીણીની મિજબાની પછી એ રાત્રે નક્કી કર્યું કે આપણે જેવી પણ પરિસ્થિતિમાં હોઈએ અને જ્યાં પણ હોઈએ પણ આપણે વીસ વર્ષ પછી આ જ તારીખે અને સમયે આ જ સ્થળે અચૂક મળીશું. અમે વિચાર્યું હતું કે આટલાં વર્ષોમાં તો કેમેય કરીને અમે અમારી કારકિર્દી બનાવી લઈશું અને ઠરીઠામ થયા હોઈશું.”  પેલો માણસ આટલું બોલીને અટક્યો.

“તમારી વાત તો ખૂબ રસપ્રદ છે,” પોલીસમેને કહ્યું, “મારે મતે તો મળવા માટેનો તો આ તો ખૂબ લાંબો સમયગાળો કહી શકાય. પણ એ તો કહો કે તમે આ સમયગાળા દરમ્યાન એકબીજાનાં સંપર્કમાં હતા કે?”

“હા, થોડાક સમય પૂરતા અમે પત્રાચારથી એકબીજાનાં સંપર્કમાં હતા. પણ એકાદ કે બે વર્ષ પછી એ પણ છૂટી ગયો. તમને ખબર છે કે પશ્ચિમના રાજ્યો કેટલા વિશાળ છે, અને એ વિશાળતામાં હું મારી કારકિર્દી બનાવવાની આંટીઘૂંટીઓમાં ખોવાઈ ગયો હતો. પણ મને એક વાતની ખબર હતી કે જો જિમ્મી જીવતો હશે તો એ ચોક્કસ અહીં આવશે જ કારણ કે વચનપાલનની બાબતમાં એનો જોટો જડે એમ નથી. એ ક્યારે ય કશું ભૂલે નહિ અને પોતાનું બોલ્યું ફોક ઠેરવે નહિ. એના ખાતર હું હજાર માઈલ દૂરથી અહીં આવ્યો છું. જોજો ને, એ હમણાં આવી ચડશે.”

પછી એણે પોતાની અફલાતૂન દેખાતી કાંડા ઘડિયાળમાં સમય જોયો. એ ઘડિયાળનાં ચંદાની કોરે નાના-શા હીરા જડેલા હતા.

“દસ વાગવામાં ત્રણ મિનિટની વાર છે.” એણે કહ્યું. “અમે બરાબર દસના ટકોરે અહીંની વીશીના દરવાજેથી છૂટા પડ્યા હતા.”

“પશ્ચિમમાં તમે કારકિર્દી સારી બનાવી હશે, ખરું ને?” પોલીસમેને સવાલ કર્યો.

“કેમ નહિ, જરૂરથી! મને થાય છે કે જિમ્મીએ પણ એ બાબતમાં મારી સરખામણીએ અડધી મંજિલ કાપી હોય. એ ઘણો મહેનતુ, ખંતીલો અને સારો માણસ હતો. મારે તો મારી કારકિર્દી જમાવવા ભલભલા ભેજાબાજોને હંફાવવા પડ્યા હતા. અહીં ન્યુ યોર્કમાં તો બીબાંઢાળ જિંદગી જીવાઈ જાય પણ પશ્ચિમમાં તો ડગલે ને પગલે આફતો અને પડકારોનો સામનો કરવો પડે છે.”

પોલીસમેને દંડૂકો ઘુમાવીને એક-બે ડગ ભર્યા.

“ચાલો, હવે મારે આગળ જવું પડશે. આશા રાખું કે તમારો દોસ્ત હવે આવી ચડે. ધારો કે એ વેળાસર નહિ આવે તો શું કરશો?”

“અડધોએક કલાક તો મારે એની રાહ જોવી જોઈએ. સાહેબ મારા, જો એ આ દુનિયામાં હયાત હશે તો કેમેય કરીને એટલા સમયમાં તો આવી જ જશે.”

“એ આવજો!” કહીને પોલીસમેને પેલા માણસની વિદાય લીધી અને બીજી સડક પર રોન મારવા નીકળી ગયો.

હવે કાતિલ પવને વધારે જોર પકડ્યું અને ઝરમર ઝરમર વરસાદ વરસવો શરૂ થયો. એટલે સડક પર ટહેલતા એકલદોકલ રાહદારીઓ પણ કોટના કોલર ઊંચા કરીને ખિસ્સામાં હાથ ઘાલીને વેગીલી ચાલે આઘાપાછા થવા લાગ્યા. અને આવામાં જે અહીં હજાર માઈલનું અંતર કાપીને જવાનીના પોતાના યારદોસ્તારને મળવા આમ આવી ચડ્યો હતો એવા પેલા હાર્ડવેરની દુકાનનાં બંધ દરવાજા આગળ ઊભેલા  આદમીએ સિગરેટ ચેતવીને દોસ્તારની રાહ જોવા માંડી.

એણે વીસેક મિનીટ રાહ જોઈ હશે ત્યાં તો છેક કાનને ઢાંકે એટલે સુધી કોલર ચડાવી દીધેલો લાંબો ડાગલો પહેરેલો એક ઊંચોસરખો માણસ સડકની બીજી બાજુએથી એની પાસે જઈ ચડ્યો.

“બોબ, તું જ છે ને?” એણે સાશંક સવાલ કર્યો.

“કોણ, જિમ્મી, તું?” રાહ જોઈ રહેલા માણસે ઉત્સાહથી ઉછળીને કહ્યું.

“ભલા ભગવાન!” આ નવા આગંતુકે પેલા માણસના બન્ને હાથને ઉમળકાથી પોતાનાં હાથમાં દબાવ્યા. “વાહ, બોબ! મને ખબર હતી કે તું હયાત હોઈશ તો ચોક્કસ આવીશ. ઓહ! વીસ વર્ષ જેટલો લાંબો અંતરાલ! કાશ આપણા નસીબમાં વધુ સમય જોડે રહેવાનું લખાયું હોત! ખેર, પશ્ચિમમાં કેવું રહ્યું, બોબ?”

“જોરદાર હોં! પશ્ચિમે મને મોં માંગ્યું બધું જ આપ્યું છે. પણ યાર જિમ્મી, તું ઘણો જ બદલાઈ ગયો છે આટલાં વર્ષોમાં. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આટલાં વર્ષોમાં તારી ઉંચાઈ આમ બે-ત્રણ ઇંચ વધી જશે.”

“હા દોસ્ત, વીસ વર્ષ બાદ મારી ઊંચાઈ થોડીક વધી છે ખરી.”

“બાકી ન્યુ યોર્કમાં કેવું ચાલે છે, જિમ્મી?”

“ચાલે છે. હું અહીં શહેર સુધરાઈમાં જોડાયો છું. અરે બોબ, ચાલ ને તને એવી એક જગ્યાએ લઇ જઉં જ્યાં જઈને આપણે નિરાંતે મનભરીને વાતો કરી કરીએ.”

પછી બન્ને જણા એકમેકનો હાથ પકડીને ચાલવા માંડ્યા. અને પશ્ચિમમાં મળેલી સફળતાથી પોરસાતા બોબે પોતાની સંઘર્ષકથા કહેવાનું શરૂ કર્યું અને ડગલામાં ખૂંપેલા બીજાએ રસભેર કાન માંડી રાખ્યા.

આમ ચાલતા ચાલતા તેઓ વીજળીના દીવાથી ઝળહળતી એક દવાની દુકાન સુધી આવી ચડ્યા. દીવાની રોશનીમાં બન્ને એકબીજાનો ચહેરો જોવા એકમેક તરફ ફર્યા.

અચાનક બોબે ઝાટકો મારીને પોતાનો હાથ પેલા ઊંચા માણસના હાથમાંથી છોડાવી લીધો અને બોલ્યો, “તું જિમ્મી નથી! વીસ વર્ષ ભલે ઘણો લાંબો સમયગાળો હોય પણ એમાં કંઈ કોઈનું અણિયાળું નાક સાવ ચીબું ના થઇ જાય!” પેલા ઊંચા ‘જિમ્મી’એ કહ્યું, “… પણ ક્યારેક સારો માણસ ખરાબ ચોક્કસ બની જાય. તારી ધરપકડ કરવામાં આવી છે, બોબ. શિકાગો પોલીસ તરફથી અમને તાર દ્વારા તારા અહીં આવવા વિશે બાતમી મળી હતી. અને હા, આપણે પોલીસ સ્ટેશન જઈએ એ પહેલા તારે માટે અમારા પહેરગીર વેલ્સે એક ચિઠ્ઠી મોકલાવી છે. અહીં બારી પાસે અજવાળામાં ઊભો રહીને વાંચી લે.”

બોબે ચિઠ્ઠી ખોલીને વાંચવા માંડી પણ ચિઠ્ઠી પૂરી વંચાવા આવી ત્યારે એનો હાથ ધ્રુજવા માંડ્યો. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘બોબ : હું આપણી નક્કી કરેલી જગ્યાએ તને મળવા આવ્યો હતો.  તે સિગરેટ ચેતવી એ વખતે તારો ચહેરો જોઇને હું ચોંકી ઊઠ્યો કે આ તો શિકાગોનો એ બદનામ ગુનેગાર છે જેની શોધખોળ ચાલે છે. તારી ધરપકડ કરવાની હામ મારામાં નહોતી એટલે મેં સાદા વેશમાં રહેલા બીજા પોલીસમેનને આ કામ માટે મોકલ્યો. જિમ્મી.’    

(સંપૂર્ણ)
https://ishanbhavsar.blogspot.com/2023/01/after-twenty-years.html?m=1&fbclid=IwAR3InObV61Wot3cd2m4eewGCaJdv8j4Ed0NfM5-ViFT2Sky1lsjiBlVTY4E
Sunday, January 8, 2023
સૌજન્ય : ઈશાનભાઈ ભાવસારની ફેઈસબૂક દીવાલેથી સાદર

Loading

તિરાડ ભૂમિ ઉત્તરાખંડમાં આપનું સ્વાગત છે.

મુકુંદ પંડ્યા|Opinion - Opinion|9 January 2023

તિરાડ ભૂમિ ઉત્તરાખંડમાં આપનું સ્વાગત છે.

અહીં

 અઢળક બોગદાં,

બારમાસી ફોરલેન રોડ,

હાઈડ્રો પાવરસ્ટેશન વિકાસ

વગેરેનાં નામે બનાવ્યાં છે.

હા,

વિકાસનાં નામે જ તો.

લોકશાહી છે એટલે બહુમતીના જોરે

બધી જ સરકારોએ

પેલાં બધાંનો વિરોધ કરતી પણ

લઘુમત સ્થાનિક પ્રજાને મૂંગી કરી મેલી છે.

અરે,

બોલે છે પણ જેમની વાત સમજી શકાતી કે

સમજવી નથી એવાં

પહાડ, નદીઓ, વૃક્ષોને તો

બોબડાં કહી, માનીને

ઓર મૂંગાંમંતર કરી દીધાં છે.

ખોતરી નાંખીને,

બાંધી દઈને,

કાપી, મૂળ સોતાં વાઢી, ઉખાડી નાંખીને.

હવે એ બધાંનો ચિત્કાર

તિરાડો, મબલખ તિરાડો બનીને

 બહાર આવ્યો છે.

પેલી સ્થાનિક પ્રજાને

સરકારે હવે ફરી

વિસ્થાપિતો બનાવીને ડામ દે છે!

એને કહે છે

અમને તમારી ચિંતા છે, એ દૂર કરીશું.

મૂળસોતાં ઉખેડીને જ તો!

આવી તિરાડ ભૂમિમાં આપનું સ્વાગત છે.

જો જોઈ શકો તો 

અમારાં નસીબનાં અંધારાં બોગદાં જોવા,

વિનાશ તરફની સડસડાટ દોટ જોવા …

(ઉત્તરાખંડ યાતના જાણીને)

Loading

...102030...1,1401,1411,1421,143...1,1501,1601,170...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved