હવે, કુન્તક —
એમનો સમય છે, ઇ.સ. દસમા શતકનો અન્ત અને અગિયારમા શતકનો પ્રારમ્ભ.
એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘વક્રોક્તિજીવિત’. (આત્મારામ ઍન્ડ સન્સ, દિલ્લી દ્વારા પ્રકાશિત પ્રથમ સંસ્કરણ, ૧૯૫૫)

સુમન શાહ
કુન્તક મને એ કારણે ગમે છે કે રાજશેખરની જેમ તેઓ કાવ્યપદાર્થને વાસ્તવની ભૉંય પર મૂકીને જુએ છે અને તેનું સ્વરૂપ વર્ણવે છે. કાવ્યસર્જનને રાજશેખર ‘કાવ્યનિર્માણ’ કહીને ‘નિર્માણ’ પદાર્થને આગળ કરે છે તેમ કુન્તક એને ‘કાવ્યબન્ધ’ – પોએટિક કૉમ્પોઝિશન – કહીને ‘બન્ધ’ તત્ત્વને આગળ કરે છે. બન્ને સંજ્ઞાઓથી એમ સૂચવાય છે કે કવિએ હકીકતમાં કાવ્યનું નિર્માણ કરવાનું; કાવ્યમાં શબ્દોની ગોઠવણી, વિન્યાસ, કાળજી કરીને કરવાનો અને તેનો બન્ધ બાંધવાનો.
મને ગમવાનું બીજું કારણ એ છે કે કુન્તક કૃતિની ભાષાની વાત કરે છે, એથી સંભવતા રસાનુભવની નહીં; કેમ કે કોઈ પણ કૃતિ ભાષાની બનેલી હોય છે, એ એક ભાષિક હસ્તી હોય છે, જેને આપણે લિન્ગવિસ્ટિક ઍન્ટિટી કહીએ છીએ. અને તેઓ સમજાવે છે કે વક્રોક્તિ નામના અલંકારતત્ત્વને કારણે કૃતિની ભાષા સાહિત્યિક બને છે, જેને આપણે લિટરરી લૅન્ગ્વેજ કહીએ છીએ.
મને એમની વાણીમાં સૂક્ષ્મ એવા વ્યંગનો પણ ભાસ થયો છે : આપણે સમજવા માગીએ કે કાવ્યબન્ધ શું છે, તેનું ફળ શું છે. તેઓ કહે છે, કાવ્યબન્ધ સમુત્પન્નોના, એટલે કે, સરખી રીતે પેદા થયેલાઓના, (હું આવું ગુજરાતી કરતો જઈશ), હૃદયને આહ્લાદિત કરનારો અને કોમળ મૃદુ શૈલીથી કહેવાયેલો ધર્માદિ સિદ્ધિઓનો, એટલે કે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર સિદ્ધિઓનો, માર્ગ છે.
કુન્તક સમુત્પન્ન કોને ગણે છે? અભિજાતાનામ્ – એટલે કે, ઉચ્ચ કુળમાં જનમેલાઓને, રાજપુત્રોને. સમુત્પન્નો ધર્માદિ સિદ્ધિઓ ઇચ્છે છે ખરા પણ ક્લેશથી, એટલે કે, તે માટેના જરૂરી પરિશ્રમથી, ડરતા હોય છે. કેમ કે સ્વભાવે સુકુમાર હોય છે. એટલે બને છે શું? કુન્તક જણાવે છે કે એઓના હૃદયને કાવ્યબન્ધથી આહ્લાદ (અહીં, ખુશી) જરૂર મળે છે પણ એ પ્રકારે કાવ્ય તો એક ક્રીડનક બની જાય છે – રમકડું !
સુકુમારમતિ પરિશ્રમહીન રાજપુત્રાદિક પર અહીં પ્રહાર છે, પણ પરોક્ષપણે કુન્તક એમ સૂચવે છે કે આહ્લાદ અને કાવ્યથી મળનારી અન્ય સિદ્ધિઓ માટે ભાવકે પરિશ્રમ કરવો અનિવાર્ય છે.
વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ, પ્રસિદ્ધ કથનથી ભિન્ન પ્રકારની વિ-ચિત્ર વર્ણનશૈલી.
કુન્તકનું મન્તવ્ય છે કે વક્રોક્તિ તત્ત્વત: અલંકાર છે. શબ્દ અને અર્થ બન્નેનો અલંકાર વક્રોક્તિ છે.
મને ઉમેરવાનું સૂઝે છે કે બધા અલંકારોમાં વક્રોક્તિ-તત્ત્વ હોય જ છે, ભાષાનું એક પ્રકારનું, વાંકાપણું, જે આપણને બાંકે બિહારીલાલમાં ભળાય છે; બંકિમા, જે આપણે બીજના ચન્દ્રની માણીએ છીએ.
મને ગમવાનું સૌથી મોટું કારણ એ છે કે કુન્તક વર્ણથી શરૂ કરીને પ્રબન્ધ સુધીના સમગ્ર કૃતિદેહમાં વક્રોક્તિતત્ત્વને એક રસાયન રૂપે જુએ છે અને તે દરેકનાં સ્વરૂપ અને કાર્યને વીગતે ચર્ચે છે.
આપણને જ્ઞાન છે કે શબ્દ વર્ણથી, અક્ષરથી, બન્યો હોય છે. કુન્તક વર્ણથી શરૂ કરે છે અને સૌ પહેલી વાત કરે છે, વર્ણવિન્યાસવક્રતાની.
શબ્દ વાક્યમાં પ્રયોજાય નહીં ત્યાં લગી માત્ર શબ્દ જ હોય છે; સંભળાય ત્યારે ધ્વનિરૂપે, વંચાય ત્યારે ચિત્રરૂપે. બાકી, કોશમાં પડી રહ્યો હોય ! પણ શબ્દને ‘પ્રત્યય’ લાગે ત્યારે શું થાય છે? વ્યાકરણ અનુસાર, જેને પ્રત્યય લાગ્યો તે હવે ‘પ્રકૃતિ’ છે અને પ્રકૃતિ + પ્રત્યયથી શબ્દનું જે સ્વરૂપ પ્રગટ્યું તે ‘પદ’ છે. કુન્તક પદના પૂર્વ ભાગને, પદપૂર્વાર્ધને, બીજા ક્રમે મૂકે છે, અને તેને પદપૂર્વાર્ધવક્તા કહે છે.
હવે જો પદપૂર્વાર્ધની વક્રતા હોય તો ઉત્તરાર્ધની, એટલે કે, પ્રત્યયની કેમ નહીં? કુન્તક એને ત્રીજા ક્રમે મૂકે છે, અને તને પ્રત્યયવક્રતા કહે છે.
આપણને જ્ઞાન છે કે વાક્ય પદોથી બન્યું હોય છે. તો, એ ચૉથી વક્રતા છે, અને કુન્તક એને વાક્યવક્રતા કહે છે.
આપણને જ્ઞાન છે કે પરિચ્છેદ અથવા ફકરો કે આખું પ્રકરણ વાક્યોથી બન્યું હોય છે. તો, એ પાંચમી વક્રતા છે અને કુન્તક એને પ્રકરણવક્રતા કહે છે.
આપણને એ જ્ઞાન પણ છે કે સમ્પન્ન થયેલું આખું લેખન, એટલે કે, પ્રબન્ધ, પ્રકરણોથી બન્યું હોય છે, અને કુન્તક એને પ્રબન્ધવક્રતા કહે છે.
વર્ણ, પદપૂર્વાર્ધ, પ્રત્યય, વાક્ય, પ્રકરણ અને પ્રબન્ધ એ છ યે વક્રતાની વાત કુન્તકના શબ્દોમાં, હવે પછી …

શિલ્પાકારે ફ્રાઇ, ટૉરન્ટો યુનિવર્સિટીના પ્રાંગણમાં.
આ વિષયમાં મને કૅનેડિયન વિવેચક નૉર્થ્રોપ ફ્રાઇ (1912-1991) યાદ આવી ગયા. એમનો સુખ્યાત ગ્રન્થ છે, “ઍનેટૉમિ ઑફ ક્રિટિસિઝમ”, (1957). એમાં એમણે વિવેચન-પદાર્થ શું છે તેની અને ખાસ તો, વિવેચનદેહની ઍનેટૉમિ, એટલે કે, શરીરસંરચના-રચના, શું છે તેની નિરૂપણા કરી છે.
જ્યારે કુન્તક લેખન માત્રની, કૃતિદેહ માત્રની શરીરસંરચના-રચના શું છે તેની નિરૂપણા કરી ગયા છે, એટલું જ નહીં, લેખન માત્રનો સાહિત્યિક અવતાર શું હોઈ શકે તે દર્શાવી ગયા છે.
= = =
(05/15/ 23 : Ahmedabad)
(ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉમાશંકર જોશી શિલ્પાકારે કે કશા પણ આકારે છે ખરા? કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાંગણમાં સુરેશ જોષી શિલ્પાકારે કે કશા પણ આકારે છે ખરા? મોટાભાઓ ! મહેરબાની કરીને ‘સાહિત્યિક સંસ્કૃતિ’ સંજ્ઞાને અભડાવો ના! )
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



૧૯૭૮ની સાલમાં ત્યાંથી જ તો તેને કેન્યામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કામ કરવાની તક મળી ગઈ. નરેન્દ્ર નૈરોબી પહોંચી ગયો અને મહિને ૫૦/- $ ના માતબર પગારના જોર પર અડધા પાંદડે થયો! બે ત્રણ વર્ષે વતનની યાદ આવતાં તે દેશ પાછો ફર્યો, પણ મંદિરની નોકરી તો છૂટી જ ગઈ. ૧૯૮૧ની સાલમાં નસીબ અજમાવવા તેણે ફરીથી આફ્રિકા ગમન કર્યું અને નૈરોબીની નજીક આવેલ નકૂરુ ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં પૂજા અને જ્યોતિષના સહારે રોજની ભૂખ ભાંગતો થયો. આ જ અરસામાં તેને કાશ્મીરી બ્રાહ્મણ કન્યા નીતા પંડિત સાથે પરિચય થયો જે પ્રણય અને ૧૯૮૨ માં લગ્નમાં પાંગર્યો.
૧૯૯૨માં જૂના ઘરાકો અને મિત્રો પાસેથી ઉછીની મૂડી અને બેંકમાંથી લોન લઈ નરેન્દ્રે એક ઔદ્યિગિક શેડ ભાડે રાખ્યો અને પતરાં રોલ કરવાનું એક સેકન્ડ હેન્ડ મશીન લોન પર લઈ આવ્યો. એ જ શેડના એક નાના રૂમમાં પતિ પત્ની રહેવા લાગ્યાં અને થોડાક કારીગરો રાખી પતરાં રોલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના છ મહિના તો તેમને પગાર પણ આપી શકાતો ન હતો, પણ એક પ્રામાણિક માણસ અને ગુરુ તરીકે તેની શાખના કારણે માણસો ટકી રહ્યા. નીતા ટ્રક ચલાવીને પેદા થયેલો માલ વેપારીઓના ગોદામમાં પહોંચાડવાનું અને હિસાબ કિતાબ રાખવાનું કામ કરતી હતી. પહેલા છ મહિના તો મોટી કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવું સહેલું ન હતું . માલ ખાસ વેચાતો જ ન હતો અને ગોદામમાં માલનો ભરાવો થતો જતો હતો.
બસ … એ ઘડી અને નરેન્દ્રે પાછું વાળીને જોયું નથી. દેવકી સ્ટીલ ઇન્ડસ્ટૃી અત્યારે કેન્યામાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની ગણાય છે. યુગાન્ડા, ઇથિયોપિયા અને કોન્ગોમાં પણ એનાં કારખાનાં ધમધમે છે. એના આ ઔદ્યોગિક સામ્રાજ્યમાં ૪,૦૦૦ લોકો કામ કરે છે. નિવૃત્ત થયેલા એના એક સાથીએ એની સહાયથી સ્ટીલનો વેપાર પણ શરૂ કર્યો છે. સામાજિક સેવાના કામોમાં નરેન્દ્રે લાખો ડોલરનાં દાન કર્યાં છે. નરેન્દ્ર એના જૂના સાથીઓને ભૂલી ગયો નથી. એમાંના ઘણા પણ હજુ એની સાથે છે. એમનાં બાળકોને નરેન્દ્રે શિક્ષણ અપાવ્યું છે. એ બધા એના કુટુંબીજનો જેવા બની ગયા છે.