Opinion Magazine
Number of visits: 9667299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેભાગુ અને ભાગેડુની ભાગીદારી 

રમેશ ઓઝા|Opinion - Opinion|28 May 2023

રમેશ ઓઝા

ભારતમાં વચલી જ્ઞાતિઓના અનુલોમ-વિલોમ બાબતે આ કૉલમમાં મેં લખેલા લેખ વિષે એક વાચકની પ્રતિક્રિયા આવી કે ખ્રિસ્તી તે વળી આદિવાસી હોતા હશે? તેમની સમજ એવી છે કે ખ્રિસ્તી એટલે ફાડ ફાડ અંગ્રેજી બોલનારા ભદ્ર અને આદિવાસી એટલે આર્થિક-સામાજિક એમ દરેક રીતે પછાત. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે?

આ એક એવો દેશ છે જ્યાં દેશપ્રેમી બનવા માટે દેશને સમજવાની જરૂર કોઈને લાગતી નથી. ભારતનાં નકશાની અંદર જેટલી ભૂમિ બતાવી છે એ દેશ અને તેને હું પ્રેમ કરું છું એટલે દેશપ્રેમી એવી ટૂંકી સમજ લોકો ધરાવે છે. જેમ પત્થરની મૂર્તિ કાંઈ માગતી નથી અને તેની પૂજા કરીને પોતાને ધાર્મિક તરીકે ઓળખાવી શકાય છે એમ જળ-થળ પણ કાંઈ માગતાં નથી અને તેને  પ્રેમ કરીને દેશપ્રેમી તરીકે ઓળખાવી શકાય છે. પણ જેમ ધર્મ મૂર્તિમાં સીમિત હોતો નથી એમ દેશ જળ-થળમાં સીમિત હોતો નથી. ધર્મ ચોક્કસ દર્શન અને મૂલ્યોનો બનેલો હોય છે એમ દેશ એ ભૂમિમાં વસતી પ્રજાનો અને પ્રજાના પીંડનો બનેલો હોય છે.

સમસ્યા અહીં આવે છે. સાચા ધાર્મિક બનવું હોય તો પોતાનાં ધર્મનાં દર્શનને સમજવું પડે, તેનાં મૂલ્યોને સમજવાં પડે, તેને અપનાવવાં પડે, આત્મસાત કરવાં પડે, સહધર્મીઓને તે સમજાવવાં પડે, પોતાનાં સંતાનોને વારસામાં આપવાં પડે અને સૌથી મોટી વાત, દર્શન અને મૂલ્યોની બાબતે આપણો ધર્મ અન્ય ધર્મોથી ક્યાં અલગ પડે છે અને બીજા ધર્મો આપણા ધર્મથી ક્યાં અલગ પડે છે એ સમજવું પડે. દર્શન અને મૂલ્યોની બાબતે બીજી ધાર્મિક કોમ આપણાથી ક્યાં અલગ પડે છે અને આપણે બીજાથી ક્યાં અલગ પડીએ છીએ એ સમજવું પડે. એક વાર, માત્ર એક જ વાર આવો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે.

પણ કહેવાતા ધાર્મિકો આવી ઝાંખીથી ડરી જાય છે. કારણ એ છે કે જીવતો ધર્મ કાંઈક અપનાવવા-છોડવાનો આગ્રહ રાખે. દર્શન અને મૂલ્યોના ત્રાજવે અને સદ્દઅસદ્દના ત્રાજવે સતત તોળાવું પડે છે. નાપાસ થવાનો ડર રહે છે અને પાસ થવા માટે જહેમત કરવી પડે છે. આનાં કરતાં મૂર્તિ અને બાહ્ય ઓળખ આપનારાં કર્મકાંડ સારાં. મૂર્તિ અને માળા આગ્રહી (ડિમાન્ડીંગ) નથી હોતાં. આમાં નાપાસ થવાનો ડર નહીં અને પાસ થવાની પળોજણ નહીં. ધાર્મિક ગણાઈએ, સમૂહનો ભાગ બનીએ, સમૂહની તાકાતમાં આશ્રય મેળવીએ, સમૂહની તાકાતનો દુરુપયોગ કરીએ, બીજાને તુચ્છ ગણીને અને આપણને મહાન ગણાવીને પોરસાઈએ.

જે વાત ધાર્મિકોને લાગુ પડે છે એ વાત દેશપ્રેમીઓને પણ લાગુ પડે છે. ધર્મને મૂર્તિ અને માળામાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો એમ દેશને જળ અને થળમાં સીમિત કરી નાખો એટલે એ કોઈ ચીજ નથી માગતો. પણ એ જ દેશ જો પ્રજાનો બનેલો હોય તો ઘણું માગે. જે તે પ્રજાની વિવિધતા હોય, કેટલીક પ્રજા આપણાંથી સાવ જુદી હોય, તેના પ્રશ્નો હોય, તેનાં સપનાં હોય, તેમની ફરિયાદો હોય, અપેક્ષાઓ અને એષણાઓ હોય, ચોક્કસ ભૌગોલિક સ્થિતિમાં વિકસેલા રીતિરિવાજ હોય, જીવનશૈલી હોય. જીવતા માણસના બનેલા જીવતા સમાજના જીવાતા જીવનના પ્રશ્નો હોય.

હમણાં ધર્મની બાબતમાં કહ્યું એમ એક વાર, માત્ર એક જ વાર પ્રજાના બનેલા દેશને સમજવાનો એક નાનકડો પ્રયોગ પોતાની જાત સાથે કરી જોશો તો વિવેકના પ્રદેશનો પરિચય થવા લાગશે. દેશની ઝાંખી થશે અને એ ઝાંખી અનુપમ હશે. પણ અગેન ધાર્મિકોની માફક જ દેશપ્રેમીઓ દેશની ઝાંખીથી ડરી જાય છે. બધા કેમ એક સરખા નથી અને બધા કેમ એક સરખી રીતે વિચારતા નથી? જો વૈવિધ્ય પ્રકૃતિદત્ત છે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ કે તેને નકારવું જોઈએ? કોણ કોના પક્ષમાં સ્વીકાર કે અસ્વીકાર કરે? આદિવાસીઓ તો આદિમજાતિઓ છે એમ આપણે કહીએ છીએ અને ખ્રિસ્તી ધર્મ તો બે હજાર વર્ષ જૂનો છે અને એ પણ વિદેશથી આવ્યો છે, તો આપણી ભૂમિના આદિવાસીઓ કેમ ખ્રિસ્તીઓ બન્યા, હિંદુ ધર્મ તેને પોતાની પાંખમાં કેમ ન લઈ શક્યો? પહેલા સવાલના જવાબમાં ધર્માંતરણ કરાવનારા મિશનરીઓ ઉપર ઠીકરું ફોડવા જશો ત્યાં બીજો સવાલ આવી પહોંચશે, હિંદુ ધર્મ કેમ તેમને પોતાની સોડમાં ન રાખી શક્યો કે લઈ શક્યો?

પ્રજાના બનેલા જીવતા દેશને પ્રેમ કરવા જશો તો આવા સેંકડો સતાવનારા સવાલો ઉપસ્થિત થશે અને તમારે તેનાથી ભાગવું છે. જે તે સમાજને સમજવો પડે, તેના પ્રશ્નો અને અરમાનોને સમજવાં પડે, નીરક્ષીર વિવેક કરવો પડે, આપોઆપ સદ્ભાવ અને સંયમ સામે આવીને ઊભા રહે અને પછી માણસ બનવાની લાંબી પળોજણ. દર્શન અને મૂલ્યો આધારિત ધર્મ જેમ ડિમાન્ડીંગ હોય છે એમ પ્રજાનો બનેલો દેશ પણ ડિમાન્ડીગ હોય છે. અંદર રહેલા માણસને જગાડવો એ માણસ માટે સૌથી દુષ્કર કામ છે. ક્ષણે ક્ષણે કસોટી થાય છે અને માટે માણસ અંદર રહેલા માણસને પોઢાડી રાખે છે. માટે જળ અને થળને પ્રેમ કરતાં દેશપ્રેમી બનવું સારું. કોઈ આગ્રહ નહીં, કોઈ કસોટી નહીં કે પાસ-નાપાસની ચિંતા નહીં.

લેભાગુઓને ખબર છે કે સરેરાશ માણસ ભાગેડુ પ્રાણી છે અને માણસ નામના ભાગેડુ પ્રાણીને વાડામાં પૂરીને તેઓ તેનો લાભ લેતા હોય છે. લેભાગુ ધર્મગુરુઓ ધર્મની મહાનતા, કર્મકાંડ, ધાર્મિક અસ્મિતા, મૂર્તિ અને મંદિરોમાં ભાગેડુ ધાર્મિકને આશ્રય આપે છે. લેભાગુ ધર્મગુરુ ધાર્મિકને દર્શન અને મૂલ્યોની નજીક જવા દેતો નથી અને પેલા ભાગેડુને જવું પણ નથી. ધર્મગુરુ ભાગેડુ ધાર્મિકને પોષે છે અને ભાગેડુ ધાર્મિક ધર્મગુરુને પોષે છે. આવું જ દેશપ્રેમનું. ડીટ્ટો. લેભાગુ નેતાઓ દેશપ્રેમીને સ્થૂળ અસ્મિતાઓ અને પ્રતિકોમાં અટવાવી રાખે છે. તેને એક દુ:શ્મન પકડાવી દે છે અને પોતાને તારણહાર તરીકે. લેભાગુ નેતા દેશપ્રેમીને સમાજના બનેલા જીવતા દેશનો પરિચય કરાવતો નથી, કરવા દેતો નથી અને પેલા ભાગેડુ દેશપ્રેમીને કરવો પણ નથી.

મને ખુશી છે કે એક વાચકમિત્રના મનમાં પ્રશ્ન થયો કે આદિવાસી તો પછાત હોય છે અને ખ્રિસ્તી આધુનિક સભ્ય અને ભદ્ર. આદિવાસી ખ્રિસ્તી કેવી રીતે હોઈ શકે? મારી એ મિત્રને સલાહ છે કે પ્રશ્નની પૂંઠ પકડીને પ્રશ્નનો ઉત્તર શોધે. ભાગવાનો જરા ય પ્રયાસ નહીં કરતા. જો કરશો તો લેભાગુઓના વાડે પૂરાઈ જશો.

શંકા કરો, પ્રશ્ન પૂછો અને ઉત્તર શોધો. અંદર રહેલો માણસ જાગી જશે. ગેરંટી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 મે 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—198

દીપક મહેતા|Opinion - Opinion|27 May 2023

લશ્કરની બેરેક્સ ગઈ, પણ બેરેક રોડ રહ્યો 

સ્ટ્રેન્ડ : બુક સ્ટોલ, સિનેમા, રોડ

બે દાનવીર મહિલાઓ : રોઝ નેસબિટ અને મોટલીબાઈ વાડિયા    

પંડિત જવાહરલાલ નેહરુ, રાષ્ટ્રપતિ અબુલ કલામ, ડો. મનમોહન સિંહ, વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ, તેજાબી લેખક ખુશવંત સિંહ, — આ અને બીજા મહાનુભાવો જ્યારે મુંબઈ આવે ત્યારે ખાસ સમય કાઢીને એક દુકાનની મુલાકાત જરૂર લેતા. એ દુકાન કઈ? મહાનુભાવો અનેક, પણ જવાબ એક જ છે : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. આપણા સુરેશ દલાલનું, મરાઠીના પંડિત પત્રકાર ડો. અરુણ ટીકેકરનું તો એ જાણે બીજું ઘર. પણ એવું તે શું વેચાતું હતું, એ દુકાનમાં? તો કે ચોપડીઓ. ફક્ત અંગ્રેજી. પણ દેશ કે પરદેશમાં પ્રગટ થયેલું કોઈ પણ પુસ્તક જોઈતું હોય તો ત્યાંથી મળી જાય. હાજર સ્ટોકમાં ન હોય તો મગાવી આપે. એના સ્થાપક-માલિક ટી.એન. શાનબાગ જાતે ‘ભયંકર’ (મરાઠી અર્થમાં) પુસ્તકપ્રેમી. કાયમી મુલાકાતીઓની પસંદગી બરાબર જાણે. તેમને ગમે તેવું કોઈ નવું પુસ્તક આવ્યું હોય તો હોંશથી બતાવે. ખરીદવા માટે જરા ય આગ્રહ નહિ. ઘણી વાર એવું બને કે પુસ્તકની કિંમત ખરીદનારને પોસાય તેમ ન હોય. વાત પામી જઈને શાનબાગ સામેથી કહે : અત્યારે લઈ જાવ. વંચાઈ જાય એટલે પાછું આપી જજો. તમે ગમે તેટલી ચોપડી ખરીદો, દસ ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ ન આપે તે ન જ આપે. હા, એમાં એક વાર અપવાદ કરેલો. સાંજે દુકાન બંધ કરીને શાનબાગ બેઠા બેઠા નવાં પુસ્તકો પર નજર ફેરવતા બેઠા હતા. એવામાં બેલ વાગી. બેલ સાંભળી શાનબાગ ઊભા થયા અને દરવાજો ખોલ્યો. જોયું તો સામે ઊભા હતા પંડિત જવાહરલાલ નેહરુ! કહે : આખો દિવસ બીજા કામોમાં એવો તો અટવાયેલો રહ્યો કે આવી ન શક્યો. પણ અહીં આવ્યા વગર તો જવાય જ કેમ? એટલે આવે કટાણે આવ્યો. તે દિવસે નેહરુએ જે પુસ્તકો ખરીદ્યાં – હા ખરીદ્યાં – તેના પર શાનબાગે સામે ચાલીને વીસ ટકા ડિસકાઉન્ટ આપ્યો!

સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં બેઠેલા તેના સ્થાપક શાનબાગ

૧૯૪૮માં શાનબાગે આ દુકાન શરૂ કરેલી. ના, ત્યારે તો એ દુકાન પણ નહોતી. એ જમાનાના પ્રખ્યાત સ્ટ્રેન્ડ સિનેમામાં એક બાંકડા જેટલી જગ્યા ભાડે લીધી, અને પાટિયું માર્યું : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. થોડા વખતમાં તો પ્રતિષ્ઠા જામી. પણ જગ્યા નાની પડવા લાગી. એટલે ૧૯૫૩માં એ જગ્યા છોડી બજાર ગેટ સ્ટ્રીટમાં મોટી દુકાન લીધી. પણ નામ તો એ જ રાખ્યું સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. પાછલાં વર્ષોમાં મુશ્કેલીઓ આવી, ગ્રાહકો ઓછા થતા ગયા. પણ જીવ્યા ત્યાં સુધી દુકાન ચલાવી. એમના અવસાન પછી દીકરી વિદ્યા વીરકરે નવેક વરસ ચલાવી. પણ છેવટે શાનબાગના અવસાન પછી કુલ ૭૦ વરસનું આયુષ્ય ભોગવી એ દુકાન વિલીન થઈ.

સ્ટ્રેન્ડ સિનેમા

જેના પરથી શાનબાગે પોતાની દુકાનનું નામ પાડ્યું તે ‘સ્ટ્રેન્ડ સિનેમા’ એટલે એક જમાનાનું મુંબઈનું જાજરમાન થિયેટર. ઉત્તમ અંગ્રેજી ફિલ્મો બતાવે. ખૂબસૂરત ઈમારત. હેં? ઈમારત, અને ખૂબસુરત? હા, કેમ? ‘ઈમારત’ શબ્દ પણ નારી જાતિનો જ છે ને! (નારીવાદી મિત્રો માફ કરે.) ૧૯૪૦ના દાયકામાં આ સિનેમા બંધાયું. લગભગ ૫૦ વરસ જીવ્યું. પછી થયું ધરાશાયી. આજે એ જગ્યાએ એક વરવી ઈમારત ઊભી છે. પણ આ થિયેટરનું નામ ‘સ્ટ્રેન્ડ’ કેમ પડ્યું? સાધારણ રીતે કોઈ રસ્તા પર બહુ જાણીતી ઈમારત આવી હોય તો તેના નામ પરથી રસ્તાનું નામ પડે. જેમ કે ચર્ચગેટ સ્ટ્રીટ. પણ અહીં જરા ઊંધી વાત છે. રસ્તાનું નામ સ્ટ્રેન્ડ રોડ. એ રસ્તા પર આવેલા થિયેટરનું નામ પડ્યું સ્ટ્રેન્ડ સિનેમા. કોલાબા વિસ્તારમાં એપોલો પિયરથી હેન્રી રોડ સુધીના રસ્તાનું નામ હતું સ્ટ્રેન્ડ રોડ. પણ કેમ? કારણ અંગ્રેજી ‘સ્ટ્રેન્ડ’ શબ્દનો એક અર્થ થાય છે દરિયા કિનારો. એ વખતની હાર્બરને અડીને આ રસ્તો આવેલો હતો એટલે બન્યો સ્ટ્રેન્ડ રોડ.

સ્ટ્રેન્ડ રોડ, ૧૯૩૫

તળ મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામને પણ દરિયા સાથે સંબંધ. મરીન ડ્રાઈવ, કોલાબા કોઝવે, ફોરશોર રોડ, વગેરે. આ બધામાં મરીન ડ્રાઈવ ઉંમરમાં સૌથી નાનો છે. ત્રણ કિલો મિટર લાંબા આ રસ્તાના બાંધકામની શરૂઆત તેના ચોપાટી છેડેથી ૧૯૧૫માં થઈ હતી. તેના બાંધકામનું શ્રેય પાલનજી મિસ્ત્રીને જાય છે. વખત જતાં આ રસ્તો મુંબઈનું એક મહામૂલું ઘરેણું બની ગયો. ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતા આ રસ્તાની આજની હાલત તો મોતીની તૂટેલી, વેરવિખેર પડેલી માળા જેવી થઈ ગઈ છે – નવા કોસ્ટલ રોડના બાંધકામને કારણે.

મરીન ડ્રાઈવ કરતાં મરીન લાઈન્સ ઘણો વધુ જૂનો વિસ્તાર. અંગ્રેજોના જમાનામાં લશ્કરના બે ભાગ હતા : અંગ્રેજ અને ‘દેશી’. કિલ્લો હતો ત્યાં સુધી તો અંગ્રેજ સૈનિકો માટે ખાસ બેરેક બાંધવામાં આવેલી. તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ ત્યાં જ. પણ ‘દેશી’ સૈનિકો માટે કિલ્લાની બહાર અલગ વ્યવસ્થા. આજના આઝાદ મેદાન પાસે તેમને માટે અલગ ‘કેમ્પ’ હતો. આથી ઘણા લોકો એ મેદાનને ‘કાંપ(કેમ્પ)નું મેદાન’ તરીકે ઓળખતા. પણ પછી કિલ્લો તોડી પાડ્યો ત્યારે મરીન બટાલિયન માટે જ્યાં બેરેકસ બાંધી તે વિસ્તાર મરીન લાઈન્સ તરીકે ઓળખાયો. તેની આસપાસની કેટલીક ગલ્લીઓ બેરેક રોડ, પહેલી, બીજી, ત્રીજી મરીન સ્ટ્રીટ તરીકે ઓળખાતી. એક જમાનામાં ત્રીજી મરીન સ્ટ્રીટને લોકો વાણિયાવાડી તરીકે ઓળખતા કારણ ત્યાં ગુજરાતી વાણિયાઓની ઘણી વસ્તી હતી. પણ વખત જતાં ત્યાં પારસીઓની વસ્તી વધી ગઈ. તો ચોથી મરીન સ્ટ્રીટ ‘ગવળી વાડી’ તરીકે ઓળખાતી કારણ ત્યાં ગોવાળોની ઝાઝી વસ્તી હતી. પણ પછી સત્તાવાળાઓએ ગાય-ભેંસના તબેલા ત્યાંથી હટાવ્યા. આમાંના બીજા બધા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે, પણ મેટ્રો સિનેમાની પાછળના એક રસ્તાનું નામ આજે ય બેરેક રોડ છે.

એક જમાનામાં આવું હતું મરીન ડ્રાઈવ

મરીનડ્રાઈવના દરિયા કિનારાથી હવે જઈએ વરળી. મુંબઈના અસલ સાત ટાપુઓમાંનો એક. પણ હવે તો ક્યાં સાંધો, ક્યાં રેણ એની ખબરે ન પડે. આ નામ કેવી રીતે પડ્યું? ત્રણ શક્યતા ચીંધી છે જાણકારોએ. એક માન્યતા એવી કે એક જમાનામાં આ ટાપુ પર વડનાં પુષ્કળ ઝાડ હતાં તેથી આ નામ પડ્યું. મૂળ નામ હતું વડાળી, એટલે કે વડનું ગામડું. પછી તેમાંથી થઈ ગયું વરળી. તો બીજો મત છે કે વર + આળી થયું વરળી. ‘વર’ એટલે કૃપા, આશીર્વાદ. નજીકમાં આવેલા મહાલક્ષ્મીના મંદિરનાં દેવીના આશીર્વાદ મળેલા એટલે આ નામ. તો વળી બીજા કેટલાક કહે છે કે વાત સાવ સીધી સાદી છે. સાત ટાપુઓમાં જેનું સ્થાન ‘વર’ એટલે કે ઉપર છે તે વરળી. ભાષાના જાણકારો કહે છે કે જો ‘વડ’ સાથે સંબંધ હોય તો નામ વડળી થવું જોઈએ, વરળી નહિ. વડનાં પુષ્કળ ઝાડને લીધી મુંબઈમાં એક બીજું નામ છે જ, વડાળા. મહાલક્ષ્મી માતાના આશીર્વાદવાળી વાત લગભગ કોઈ સ્વીકારતું નથી. ઘણાખરા જાણકારો ત્રીજી શક્યતા સ્વીકારે છે.

થોડા વખત પહેલાં એક નારીવાદી મિત્રે પૂછેલું : તે આ મુંબઈ શહેરમાં રસ્તાઓ સાથે કોઈ  સ્ત્રીઓનાં નામ જોડાયાં છે કે નહિ? નિખાલસ જવાબ આપવો હોય તો કહેવું પડે કે બહુ ઓછી સ્ત્રીઓનાં નામ આ રીતે જોડાયાં છે. એનું એક કારણ એ પણ ખરું કે આપણે જે જમાનાના મુંબઈની વાત કરીએ છીએ તે જમાનામાં બહુ ઓછી સ્ત્રીઓ જાહેર જીવનમાં, રાજકારણમાં, પડતી. છતાં, ક્યારેક સ્ત્રીઓનાં નામ કોઈ ને કોઈ રસ્તા સાથે જોડાતાં ખરાં. આવો એક રસ્તો તે મઝગાંવ રોડથી પરળ રોડ સુધી જતો નેસબિટ રોડ. આર્મેનિયન કુળની આ બાનુનું આખું નામ રોઝ નેસબિટ. પૈસે ટકે ખૂબ સમૃદ્ધ. મઝગાંવ વિસ્તારમાં ઘણી જમીન તેની માલિકીની. જેટલી ધનવાન એટલી જ આસ્થાવાન. એણે જ બંધાવ્યું મઝગાંવ વિસ્તારમાં સેન્ટ એન્સ ચર્ચ, ઈ.સ. ૧૭૮૭માં. જો કે આજે અહીં જે ઈમારત છે તે બંધાયેલી ૧૮૮૧માં. આ ચર્ચનું મકાન મુંબઈની બધી ચર્ચનાં મકાનોમાં સૌથી વધુ સુંદર હોવાનું મનાય છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ દરમ્યાન આ નેસબિટના પતિ કોમોડોર નેસબિટ હતા હાર્બર માસ્ટર ઓફ બોમ્બે, એટલે કે મુંબઈ બંદરના મુખિયા. આ નેસબિટબાઈએ પોતાને ખર્ચે ચર્ચ તો બંધાવ્યું, પણ તેના નિભાવ માટે પણ ઘણી મોટી રકમ મૂકતાં ગયાં. ૧૮૧૯માં તેમનું અવસાન થયું તે પહેલાં પોતાની બધી મિલકત તેમણે આ ચર્ચને દાનમાં આપી. તેમની દફન વિધિ આ ચર્ચના કમ્પાઉન્ડમાં કરવામાં આવેલી. પછીથી અહીં સેન્ટ મેરી હાઈ સ્કૂલ શરૂ કરવામાં આવી.

એવી જ રીતે એક પારસી દાનવીર મહિલાનું નામ પણ એક રસ્તા સાથે જોડાયેલું : મોટલીબાઈ સ્ટ્રીટ. મોટલીબાઈ નવરોજી વાડિયાનો જન્મ ૧૮૧૧માં, બેહસ્તનશીન થયાં ૧૮૯૭ના મે મહિનાની ૨૪મી તારીખે. જહાંગીર નસરવાનજી વાડિયાનાં એકમાત્ર દીકરી. મુંબઈમાં વહાણ બાંધકામના ઉદ્યોગનો પાયો નાખનાર લવજી વાડિયાનાં વંશજ. એ જમાનામાં એવણ પારસીઓમાં સૌથી વધુ પૈસાદાર બાનું ગણાતાં હતાં. માત્ર ૨૬ વરસની ઉંમરે ૧૮૩૭માં વિધવા થયાં. પોતાના કુટુંબની બધી જ મિલકત કુશળતાપૂર્વક સાચવી રાખી, એટલું જ નહિ, તેમાં વધારો કર્યો. મુંબઈના જરથોસ્તિઓને અવલમંજલ પહોંચાડવાના ફંડમાં ૧૮૬૨માં પંદર હજારની રકમ આપી હતી. જ્યારે એક તોલો સોનાનો ભાવ લગભગ ૧૯ રૂપિયા હતો ત્યારના ૧૫ હજાર! ૧૮૭૩માં જહાંગીર નસરવાનજી વાડિયાના નામના દવાખાના માટે દસ હજાર રૂપિયા અને પોતાનું એક મકાન ભેટ આપ્યાં હતાં. સ્ત્રીઓ અને બાળકો માટેની હોસ્પિટલ શરૂ કરવા માટે ૧૮૮૮માં દોઢ લાખ રૂપિયા, મઝગાંવમાં આવેલી પોતાની જમીન તથા તે પરની ઈમારત ભેટ આપ્યાં હતાં. ૧૮૯૨ના માર્ચની ૧૫મી તારીખે ‘મોટલીબાઈ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન થયું હતું. મોટલીબાઈના ઉઠમણાના દિવસે પારસીઓના ચાલ મુજબ જુદી જુદી સંસ્થાઓને કુલ રૂપિયા ૨,૧૪,૧૯૦ દાનમાં આપ્યા હતા

જેમ રસ્તાઓનો અંત નથી તેમ રસ્તા વિશેની વાતોનો પણ અંત નથી. અને છતાં ક્યારેક તો સ્થિર ઊભા રહેવાનું મન થાય. જેમ રસ્તાની ધારે પૂતળાં ઊભાં રહે છે તેમ.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 મે 2023

Loading

એક દિવસ 

ઉમેશ સોલંકી|Poetry|26 May 2023

એક દિવસ

અંધારાને પૂરતું ગૌરવ મળશે

અજવાળાનું ગૌરવ પ્રમાણસર બનશે

ધોળાનો ઘેરાવ ખૂલી જશે

કાળાશ થનગનાટ કરતી કૂદવા લાગશે

રમવા લાગશે દોડવા લાગશે

જે નથી થયું એ થશે

જે થવું જોઈએ એ થશે.

એક દિવસ

ન ગામમાં ફરતો ઘમંડ હશે

ન લાચારીનું ટૂંટિયું વળ્યું હશે

ન ગામ હશે

શહેર હશે

શહેરમાં વનની હવા હશે

છેક તળિયે ખૂંપી ગયેલામાં

બહારના ખુલ્લા અવકાશમાં

હાથ ફેલાવવાની હામ હશે

ના તારું હશે ના મારું હશે

જે હશે એની રીતે હશે.

ન ટોળું હશે

ન ટોળેદાર હશે

ઝઘડામાં ભરેલો પ્રેમ હશે

ન પ્રેમનો કોઈ પંથ હશે

વ્યક્તિ હશે

વ્યક્તિમાં પ્રકૃતિ હશે

પ્રકૃતિમાં

પાંદ હશે ડાળ હશે ઝાડ હશે

જ્યાં જુઓ ત્યાં ગમતું-ગમતું હશે

જીવન ક્યાંય ન કોઈને નડતું હશે

એક દિવસ.

લડ,

અંદર રાખી એક દિવસ.

e.mail : umlomjs@gmail.com

Loading

...102030...1,1291,1301,1311,132...1,1401,1501,160...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved