Opinion Magazine
Number of visits: 9667484
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધના પરાજય અંગે

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Opinion|30 May 2023

મને જો રાજાની સન્મુખ આવવાની તક મળે, અને સલામત પાછા ફરવાની બાંયધરી પણ મળે, તો હું રાજાને શું કહું — અને રાજાને મારી કનેથી શું જાણવા મળે — તે જાણો છો?

“હે રાજા, મારા માલિક, તું જો મને આ ફાટેલા વસ્ત્રોમાં જોઈ રહ્યો છે, તો તેનું કારણ જાણે છે? તારા વિકરાળ કૂતરા મારા પર છોડવામાં આવે છે, અને તારા જાસૂસો પગલે પગલે — મારા નસીબની જેમ — મારો પીછો કરતા હોય છે. તેઓ મારી પત્નીને લંબાણપૂર્વક પ્રશ્નો પૂછે છે, અને મારા દરેક મિત્રની વિગતો નોંધી લે છે. તારા સૈનિકો મને લાતો અને મુક્કા મારે છે, અને મને મારા જોડામાંથી ખાવાની ફરજ પાડે છે. અને આ બધું એટલા માટે કે હું તારી સન્મુખ આવવા તારા મહેલ ભણી આવવાની કોશિશ કરવાની ધૃષ્ટતા કરું છું.

હે રાજા, તું અત્યાર સુધીમાં બે યુદ્ધો હારી ચુકયો છે, પણ તેનું કારણ કોઈએ તને કહ્યું નથી. ક્યાંથી કહે? તારી અર્ધી પ્રજાને તો જીભ જ નથી, તો પછી તેમના નિસાસા તને સંભળાય જ શી રીતે? બાકીની અર્ધી પ્રજા તારા રાજની આ દીવાલોની અંદર કીડી અને સસલાંની જેમ અહીંતહીં, ચૂપચાપ દોડી રહી છે.

તારા શસ્ત્રધારી સૈનિકો મારા પર હુમલો નહિ કરે એવી મને જો ખાતરી મળે તો, હે રાજા, હું તને કહું કે, સામાન્યજનની અનેકવિધ જરૂરિયાતોને અને તેમના સમગ્ર અવાજને તેં તારી આ દીવાલોના કવચમાંથી અંદર નથી આવવા દીધા, અને તેથી તેં આ યુદ્ધોમાં હાર ખાધી છે.”

———————-

(વર્તમાન સદીની શરૂઆતમાં કેટલાક અરબ દેશોમાં થયેલ વિદ્રોહોના અહેવાલના ઉપલક્ષ્યમાં)
e.mail : surendrabhimani@gmail.com  

Loading

પ્યાદાં

રમણીક અગ્રાવત|Poetry|29 May 2023

ચોસઠ યોજનના સન્નાટામાં ખડાં સાબદાં દળ

આગલી હરોળમાં પ્યાદાંઓ

પાછલી હરોળમાં મહારથીઓ. 

દરેક મહારથીનો જીવ એક એક પ્યાદામાં. 

રાજાની આગળ ચાર ચાર પ્યાદાંઓનો પહેરો. 

પ્યાદાંઓ ધસે આગળ

કે મહારથીનો મારગ થાય મોકળો. 

એક ઘોડેસવાર એમાં અપવાદ, એ તો કૂદીનેય નીકળે આગળ. 

દરેક ચાલ મોત ભણીની

ગમે ત્યારે ગમે ત્યાંથી બાજની જેમ ઝપટ મારે મોત. 

આગળનાં બે ખાનાઓમાં કે બહુ બહુ તો એનાથી આગળ એકાદ ખાનામાં

ઊભું ને ઊભું જ હોય મોત;

પણ પ્યાદાંઓથી પાછાં ન ફરી શકાય. 

વિજયશ્રી વરે તો વરે મહારથીને જ. 

સોળ ખાનાંની ભૂચર મોરીમાં બસ ખપી જવાનું દરેક પ્યાદાએ વહેલુંમોડું. 

મૂંગું મૂંગું મોતને વરેલું પ્યાદું

રમત પૂરી થાય કે જાગે નવા પટમાં, ફરી મોતના એ જ સન્નાટામાં. 

[]

પ્રગટ : ”પદ્ય”; જાન્યુઆરી – માર્ચ ૨૦૨૩, અંક ૧૭
સૌજન્ય : રમણીકભાઈ અગ્રાવતની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાનૂન (મંત્રી) ક્યા કરેગા? કિરેન રિજિજૂને અચાનક ગડગડિયું કેમ આપ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 May 2023

રાજ ગોસ્વામી

ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારનું મોટાભાગનું કોમ્યુનિકેશન વડા પ્રધાન કરે છે. તેમના મંત્રીઓ ઔપચારિક વાતો સિવાય મીડિયા સાથે વાત કરતા નથી. અધિકારીઓ તો વળી તદ્દન છેટા રહે છે. શું કહેવું, કેટલું કહેવું, ક્યારે કહેવું, કોને કહેવું વગેરે વડા પ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.)માંથી નક્કી થાય છે. આઝાદ ભારતના ઇતિહાસમાં, નરેન્દ્ર મોદીની પી.એમ.ઓ. ટીમ સૌથી વધુ તાકાતવર અને સક્રિય છે. માહિતીઓનું કેટલું મહત્ત્વ છે એ માત્ર પી.એમ.ઓ.ના બાબુઓને જ ખબર છે. એકપણ વાત કે માહિતી આમતેમ અથડાઈને અકસ્માત ન કરે તેનું તેઓ બહુ ધ્યાન રાખે છે. અન્ય મંત્રાલયના બાબુઓ પણ પી.એમ.ઓ.ના ‘સિનિયરો’ને પૂછીને પાણી પીવે છે.

એટલે, ગયા અઠવાડિયે કાયદા મંત્રી કિરેન રિજિજૂની અચનાક બદલી કરી નાખવામાં આવી ત્યારે, જનતા તો ઠીક, સરકારના લોકો પણ ઊંઘતા ઝડપાયા. સરકારના મોટાભાગના લોકોને તો તેમની બદલીના સમાચાર ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સ પરથી મળ્યા હતા. રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળી એક ઔપચારિક જાહેરાત સિવાય, સરકારમાંથી બીજી કોઈ સત્તાવાર કે બિનસત્તાવાર માહિતી ઉપલબ્ધ ન હતી કે બે વર્ષથી દેશમાં કાયદો વ્યવસ્થાને ‘સુધારવાનું’ ઉત્તમ કામ કરી રહેલા રિજિજૂને કેમ પાણીચું આપવામાં આવ્યું.

તેમને કાનૂન મંત્રાલયમાંથી ભૂ-વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. ભૂ-વિજ્ઞાન મંત્રાલયનું પણ એક મહત્ત્વ છે, પરંતુ બહુ બધા લોકોને તો આવું કોઈ મંત્રાલય પણ અસ્તિત્વમાં છે તેની જાણ રિજિજૂની બદલી થઇ ત્યારે ખબર પડી. રિજિજૂ એકલા જ ન ગયા. તેમના ડેપ્યુટી એસ.પી. સિંહ બઘેલને પણ કાનૂન મંત્રાલયના રાજ્ય મંત્રી પદેથી હટાવીને સ્વાસ્થ્ય મંત્રાલયમાં મુકવામાં આવ્યા.

રિજિજૂના સ્થાને રાજસ્થાનના દલિત નેતા અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી અર્જુન રામ મેઘવાળને લાવવામાં આવ્યા. તેઓ તેમના વર્તમાન મંત્રાલય ઉપરાંત કાનૂન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળશે. અર્થાત, તેઓ રાજ્ય મંત્રી તરીકે કામ કરશે, કેબિનેટ મંત્રી તરીકે નહીં. બીજી રીતે કહીએ તો, કાનૂન મંત્રાલયનું કદ નીચે કરવામાં આવ્યું છે. કેબિનેટની બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ હાજરી આપે છે. રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રીને, તેમના મંત્રાલયને લાગતો વિષય હોય તો, વિશેષ આમંત્રણથી બેઠકમાં બોલાવામાં આવે છે.’

રિજિજૂ 8 જુલાઈ 2021ના રોજ રવિશંકર પ્રસાદની જગ્યાએ કાનૂન મંત્રી બન્યા હતા. એ મોટી જવાબદારી હતી. એ વખતે 12 મંત્રીઓની ફેરબદલ કરવામાં આવી હતી. તેમાં પ્રસાદનું નામ હતું એ ત્યારે પણ ચર્ચાનો વિષય બન્યું હતું. પ્રસાદ તે વખતે કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી પણ હતા.

કહેવાય છે કે સોશિયલ મીડિયાની તોતિંગ કંપની ટ્વીટર સાથે તેમણે જે રીતે લડાઈ છેડી હતી અને દુનિયા ભરમાં સરકારની બદનામી થતી હતી તેનાથી નારાજ થઈને તેમની બદલી કરવામાં આવી હતી. તેમના ભાગે સરકારની નીતિઓ અને નિર્ણયોને જનતા સુધી પહોંચાડવાનું કામ હતું, પરંતુ વિવાદોને લઈને તેઓ ‘બડબોલા’ મંત્રી તરીકે જાણીતા થયા હતા.

કંઇક એવું જ, તેમના અનુગામી રિજિજૂ સાથે થયું હોવાનું મનાય છે. કોઈ મંત્રીનો વિભાગ અચાનક બદલી નાખવાનો વડા પ્રધાનનો સ્વભાવ નથી. ઊલટાનું, તેમની છાપ એવી છે કે ગમે તેવી ટીકાઓ વચ્ચે પણ મંત્રીઓનું રક્ષણ કરે છે. સવાલ એ છે કે રિજિજૂને કેમ હટાવવામાં આવ્યાં? મીડિયામાં અમુક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.

સૌથી મોટું કારણ એ આગળ ધરવામાં આવે છે કે રિજિજૂ ન્યાયતંત્રને લઈને ઘણા આક્રમક થઇ ગયા હતા. તેમણે એવાં બયાનો કર્યા હતાં, જેનાથી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ટકરાવની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી.

જેવી રીતે રવિશંકર પ્રસાદ સોશિયલ મીડિયા ટ્વીટર સામે પોલીસ કેસથી લઈને સર્ચ ઓપરેશન જેવાં આક્રમક પગલાં લેવા સુધી પહોંચી ગયા હતા, તેવી રીતે રિજિજૂ પણ આવતાં વેંત એન્ગ્રી યંગ મેનની ભૂમિકામાં આવી ગયા હતા. તેમાં છેલ્લા છ મહિનામાં તે જજોની પસંદગી અને પેન્ડીંગ કેસો જેવા અનેક મુદ્દાઓ પર અથડામણ ઊભી કરી ચુક્યા હતા.

એક નોંધપાત્ર ઘટનામાં તેમણે સુપ્રીમ કોર્ટને સીધી જ નિશાન બનાવી હતી. તેમણે કહ્યું હતું, “મને ખબર છે કે જજોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમથી દેશના લોકો ખુશ નથી. બંધારણની વાત કરીએ તો એ નિમણૂકોનો અધિકાર સરકારનો હોવો જોઈએ. ભારત સિવાય દુનિયામાં ક્યાંય એવી વ્યવસ્થા નથી કે જજો જાતે જ જજોની નિમણૂક કરે. ત્રીજું, કાનૂન મંત્રી તરીકે, મેં એ જોયું છે કે અડધો સમય તો જજો કોને જજ બનાવા તેમાં જ રચ્યાપચ્યા રહે છે. તેમનું પ્રાથમિક કામ ન્યાય તોળવાનું છે.”

એવી જ રીતે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટોમાં જજોની નિમણૂકની ફાઈલ કાનૂન મંત્રાલયમાં અટકી પડી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે નારાજ થઇને કહ્યું હતું કે સરકાર અમને કોઈ એવું પગલું ભરવા મજબૂર ન કરે જેથી મુસીબત ઊભી થાય. આ આકરો પ્રતિભાવ હતો, અને ફાઈલને ઊંચી મુકવાને બદલે રિજિજૂએ સામે બાંયો ચઢાવી હતી કે અહીં કોઈ ચેતવણી ન આપી શકે.

તેમણે કહ્યું હતું કે, “કોલેજિયમ કહે એટલે સરકારે જો માત્ર સહી કરી દેવાની હોય, તો પછી સરકારનું કામ જ શું છે? સરકાર જો ફાઈલ પર બેસી રહેતી હોય, તો એ સરકારમાં મોકલતા જ નહિ. જાતે જ નિમણૂક કરી લેજો.”

હમણાં એપ્રિલ મહિનામાં સજાતીય લગ્નોને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વખતે પણ તેમણે પડકારના અંદાજમાં કહ્યું હતું કે લગ્ન જેવી બાબતોનો ફેંસલો અદાલતોમાં ન થાય. તેમણે કહ્યું હતું કે લગ્નનો નિર્ણય લોકો કરે છે અને લોકોની ઈચ્છાનું ધ્યાન સંસદ રાખે છે. એટલે કોર્ટે આમાં ન પડવું જોઈએ અને સરકાર પર છોડી દેવું જોઈએ.

હદ તો ત્યારે થઇ હતી, જયારે દિલ્હીમાં એક મીડિયા સમૂહના વાર્ષિક કાર્યક્રમમાં, રિજિજૂએ એવું કહી દીધું હતું કે અમુક નિવૃત્ત જજો ભારત વિરોધી ગેંગનો હિસ્સો બની ગયા છે અને તેઓ ભારતની ન્યાયપાલિકાને વિરોધ પક્ષની ભૂમિકા ભજવે તે માટે પ્રયાસ કરે છે. એવા લોકોએ કિંમત ચૂકવવી પડશે, એવું રિજિજૂ બોલ્યા હતા. નિવૃત્ત જજોને ગેંગ ગણવા એ વધારે પડતું જ હતું અને સુપ્રીમ કોર્ટ તેમ જ હાઈકોર્ટમાં 300 જેટલા વરિષ્ઠ વકીલોએ એક નિવેદનમાં આકરો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે કાનૂન મંત્રીએ તેમનું દાદાગીરી ભર્યું બયાન પાછું લેવું જોઈએ.

બીજી એક ઘટનામાં, રિજિજૂએ જનહિતની ‘ફાલતુ’ અરજીઓ અને જામીન અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સમય બરબાદ કરે છે એવો ટોણો માર્યો હતો. બીજા જ દિવસે, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડ સામે એક એવા કેદીના કેસની સુનાવણી આવી હતી જેને વીજળીની ચોરી માટે 18 વર્ષની સજા થઇ હતી. તે વખતે તેમણે કહ્યું હતું, “સુપ્રીમ કોર્ટ માટે કોઈ કેસ નાનો કે મોટો નથી હોતો.”

ટૂંકમાં, રિજિજૂની આ આક્રમકતાથી સંકેત તો એવો જ જતો હતો કે એ જે પણ કહી રહ્યા છે તે સરકારનો મત છે અને સરકારના ઉચ્ચ નેતૃત્વની એમાં સહમતી છે. મતલબ કે સરકાર સુપ્રીમ કોર્ટને દબાવીને કહ્યાગરી બનાવવા માંગે છે અને એટલા માટે જરૂર પડે તો લડાઈ કરવાના મૂડમાં છે. એમ તો અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ અને રવિશંકર પ્રસાદ પણ કહી ચુક્યા હતા કે સુપ્રીમ કોર્ટ વ્યવહારુ બનીને ફેંસલા આપે.

તો પછી રિજિજૂના કિસ્સામાં કેમ આવું થયું? પહેલો તર્ક એ છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.નું જે રીતે ધોવાણ થયું તેના પરથી સરકારમાં એવો મૂડ બન્યો છે કે તેણે તેની વૈચારિક આક્રમકતાને ઓછી કરીને આક્રમક શાસન પર ધ્યાન આપવું જરૂરી છે. રિજિજૂનાં બયાનોથી તો એવું જ ફલિત થતું હતું કે સરકાર ટકરાવ કરવાને જ શાસન ગણે છે.

રિજિજૂને હટાવીને સરકાર એવો સંકેત આપવા માંગે છે કે તે સાર્વજનિક રીતે લડાઈ-ઝઘડા વહોરવાને બદલે સહકાર અને સહમતીથી શાસન દૃઢ કરવા માંગે છે. પરોક્ષ રૂપે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ માટે પણ આમાં સંકેત છે કે તેઓ ન્યાયપાલિકા સામે બયાનબાજી ન કરે. રિજિજૂની જેમ જ, ઘનખડે પણ સુપ્રીમ કોર્ટ સામે મોરચો ખોલ્યો હતો.

બીજો તર્ક પહેલા તર્ક સાથે જોડાયેલો છે. ન્યાયપાલિકા દરેક સરકારોને અપ્રિય જ લાગતી હોય છે. સત્તા જ્યારે નિરંકુશ થઇ જાય ત્યારે, અદાલત બંધારણને આગળ કરીને ન્યાય કરે છે, જે સરકારને ગમતું નથી હોતું અને એમાં ટકરાવની સ્થિતિ બંને છે. અગાઉની સરકારોમાં પણ આવું થયું હતું. બંધારણ હેઠળ કામ કરતી સ્વાયત્ત સત્તાઓ વચ્ચે આવો ટકરાવ અસહજ નથી, પરંતુ વર્તમાનમાં તો ટકરાવ અહંકાર અને ચીડનો હતો અને તે જોખમી દિશામાં જઈ રહ્યો હતો.

ખાસ કરીને, લોકસભાની ચૂંટણી એક વર્ષ જ દૂર છે ત્યારે સરકાર નથી ઈચ્છતી કે વાત અહીંથી આગળ વધે. સરકારને પણ પ્રસંગોપાત ન્યાયપાલિકાના સકારાત્મક સહકારની જરૂર પડતી હોય છે. ભૂતકાળમાં ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટે સરકારને અનુકૂળ ફેંસલા આપ્યા છે. એટલા માટે જ ન્યાયપાલિકા સરકારના દબાણમાં કામ કરે છે તેવા આરોપો પણ થયા છે. એટલે સરકાર એવું પણ ન કહી શકે કે ન્યાયપાલિકા સરકાર-વિરોધી છે.

ટૂંકમાં, સરકાર નથી ઇચ્છતી તે ચૂંટણીના માહોલમાં સુપ્રીમ કોર્ટ સાથે બિનજરૂરી શિંગડાં ભરાવવામાં આવે. એટલા માટે, એક બાજુ રિજિજૂને ભૂ-વિજ્ઞાન જેવા ‘અજાણ્યા’ વિભાગમાં મોકલીને કાનૂન મંત્રાલયમાં હાઈ-પ્રોફાઈલ કટકટ બંધ કરી છે અને બીજી બાજુ મેઘવાળ જેવા લો-પ્રોફાઈલ મંત્રીને ત્યાં બેસાડીને ચૂંટણી સુધી બધું સમુસૂતરું ચાલે તે પાકું કર્યું છે.

લાસ્ટ લાઈન :

બંધારણની પાયાની પ્રાથમિકતા સત્તાનું વિભાજન અને એકબીજા પર દેખરેખની પ્રણાલી બનાવાની હતી કારણ કે માણસને એક ભ્રષ્ટ થતા પ્રાણીના રૂપમાં જોવામાં આવ્યો હતો, જે કાયમ વધુને વધુ સત્તા ઈચ્છતો હતો.”

— રોય મૂર, ભૂતપૂર્વ અમેરિકન જજ

——————————-

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 મે 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1261,1271,1281,129...1,1401,1501,160...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved