Opinion Magazine
Number of visits: 9743473
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાઈટેનિક: પ્રેમની અને જહાજની ટ્રેજેડી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 July 2023

રાજ ગોસ્વામી

111 વર્ષ પહેલાં, નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ‘ટાઈટેનિક’ કયારે ય સમાચારોમાંથી ગાયબ રહેતું નથી. આધુનિક માનવ ઇતિહાસનું (જે તે વખતે) જેટલું મોટું જહાજ હતું, એટલી જ મોટી એ દુર્ઘટના હતી. તેનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું, ત્યારે તેને સૌથી સુરક્ષિત જહાજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 15 એપ્રિલ 1912ના રોજ તે સમુદ્રમાં ડૂબ્યું, ત્યારે તેમાં 2,224 મુસાફરો સવાર હતાં. એમાંથી 1,500થી વધુ લોકો, જહાજની સાથે જ, પાણીમાં ગરકાવ થઇ ગયાં.

23મી જૂને ‘ટાઈટેનિક’ ફરીથી સમાચારોમાં ચમક્યું. એનો કાટમાળ હજુ પણ સમુદ્રના તળિયે છે. સમુદ્રશાસ્ત્રીઓથી લઈને સાહસિકો વખતો વખત ડૂબકી મારીને તેની શોધખોળ કરતાં રહે છે. 23મી તરીકે, ‘ધ ટાઈટેન’ નામનું એક સબમર્સીબલ વાહન ‘ટાઈટેનિક’ની જ્યાં જળસમાધિ છે ત્યાં ધડાકા સાથે ડૂબી ગયું અને એમાં સવાર પાંચ લોકોનાં મોત થઇ ગયાં.

જહાજ ડૂબ્યાના 73 વર્ષ પછી, 1985માં, સમુદ્રના તળિયે તેનો કાટમાળ પહેલીવાર શોધવામાં આવ્યો તે પછી ‘ટાઈટેનિક ટુરિઝમ’ની શરૂઆત થઇ હતી. અમેરિકાની ઓસિયનગેટ નામની એક કંપની આવી ટુર ચલાવે છે. મિનિવાન કદનું ‘ધ ટાઈટેન’ વાહન આ કંપનીનું હતું. તે સમુદ્રમાં તૂટી ગયું તેના સમાચાર આવ્યા ત્યારે, ૩૩ વખત એ કાટમાળનાં ચક્કર મારી આવનારા  હોલિવૂડના ફિલ્મ નિર્દેશક જેમ્સ કેમરોને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને જ્યારે પહેલીવાર એ સમાચાર મળ્યા હતા કે સબમર્સીબલનો નેવિગેશન અને કોમ્યુનિકેશન સંપર્ક થતો નથી, ત્યારે જ તેમને ફાળ પડી હતી કે તેની સાથે દુર્ઘટના થઇ છે.

“મેં તરત જ સબમર્સીબલ સમુદાયમાં મારા સંપર્કોને ફોન લગાવ્યો હતો,” કેમરોને કહ્યું હતું, “એકાદ કલાકમાં જ મારી પાસે અમુક તથ્યો આવી ગયાં હતાં. એ લોકો 3,500 મીટર પર હતા અને નીચે 3,800 મીટર તરફ ઉતરી રહ્યા હતા. તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, અને મેં તરત જ કહ્યું – મોટી દુર્ઘટના વગર સંપર્ક ન તૂટે. મારી શંકા હતી કે અંદર સ્ફોટ થયો છે.”

તેમણે ઉમેર્યું હતું, “મારી નજર સામે એવું દૃશ્ય તરી ગયું જેમાં લોકો ચીસાચીસ કરતાં હોય અને ઓક્સીજન માટે ફાંફા મારતાં હોય. એ કેવી વિડંબના છે કે 1912માં જે જગ્યાએ ટાઈટેનિક ડૂબી ગયું હતું, તે જ જગ્યાએ ધ ટાઈટેન ડૂબી ગયું. બંને વખતે ચેતવણીઓને ગણકારવામાં આવી નહોતી.”

આ જેમ્સ કેમરોન એ જ છે જેમણે 1997માં જગપ્રસિદ્ધ ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી હતી. 2012માં, કેમેરોને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચાર પત્રને કહ્યું હતું કે 13,000 ફીટ નીચે ટાઈટેનિક જ્યાં ડૂબી ગયું હતું તે દુનિયાની સૌથી અઘરામાં અઘરી જગ્યા છે. ત્યાં સમુદ્રના તળિયેથી તમે કોઈને બચાવ માટે પણ બોલાવી ન શકો. તેમને એ જગ્યા જોવી હતી, જ્યાં માણસ પહેલાં ક્યારે ય ગયો નહોતો.

મૂળ કેનેડામાં જન્મેલા કેમરોન કોલેજમાં ભણવાને બદલે ટ્રક ચલાવતા હતા અને જ્યોર્જ લુકાસની અંતરીક્ષ ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જોઇને ફિલ્મો અને તેની સ્પેશ્યલ ઈફેક્ટ તરફ આકર્ષાયા હતા. 1989માં તેમણે ‘ધ એબીસ’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં સમુદ્રમાં ઓઈલ-રિગ પર કામ કરતા કર્મચારીઓને સમુદ્રમાં વિચિત્ર પ્રજાતિનો ભેટો થાય છે. તે વખતથી તેમનામાં સમુદ્રના પેટમાં શું હોય તેનું કુતૂહલ જાગ્યું હતું.

‘ટાઈટેનિક’માં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવાસ કરતી અમીર પરિવારની રોઝ બકટેર (કેટ વિન્સ્લેટ) અને થર્ડ-ક્લાસના મુસાફર જેક ડાઉસન(લીયોનાર્ડો ડિકેપ્રીઓ)ની વાર્તા છે. બંને ચાર દિવસની તેમની ટાઈટેનિક યાત્રા દરમિયાન પ્રેમમાં પડે છે. એક બાજુ તેમના એ રોમાન્સ અને એમાં આવતી અડચણો અને બીજી જહાજનું હિમશીલા સાથે ટકરાઈને ડૂબી જવું એ બે ઘટનાઓ એકસાથે ફિલ્મમાં ચાલતી રહે છે. છેલ્લે જેક રોઝને તરાપા પર તરતી રાખીને ખુદ બરફ જેવા કાતિલ પાણીમાં ઠરી જઈને અવસાન પામે છે.

આખી ફિલ્મ ફ્લેશબેકમાં હતી. ફિલ્મની શરૂઆતમાં, ટાઈટેનિક જહાજના કાટમાળની શોધખોળ કરી રહેલા અમુક ગોથાખોરો, વૃદ્ધ થઇ ગયેલી રોઝ પાસેથી આંખે દેખ્યો અહેવાલ માંગે છે. રોઝ તે કેવી રીતે લંડનમાં જહાજ પર સવાર થઇ અને કેવી રીતે જેકને ભટકાઈ ત્યાંથી વાર્તા કહેવાનું શરૂ કરે છે. આખી ફિલ્મ આમ જુઓ તો બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મ જેવી છે. તે વખતે ઘણા ફિલ્મ વિવેચકોએ કહ્યું પણ હતું કે જેમ્સ કેમરોને બોલિવૂડ લવ-સ્ટોરી બનાવી છે, જેમાં એક અમીર છોકરી છે, એક ગરીબ છોકરો છે, બંને વચ્ચે પ્રેમ છે અને છોકરીનો પરિવાર એમાં વિલન બને છે.

2009માં, કેમરોને પ્લેબોય પત્રિકાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે પ્રેમ-કહાની કહેવા માટે કે પૈસા કમાવા માટે ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવી નહોતી, બલકે તેમને જહાજના કાટમાળ સુધી ડૂબકી મારીને તેને શૂટ કરવું હતું. કેમેરોન પોતે સારા ગોથાખોર છે. તેમણે કહ્યું હતું, “ટાઈટેનિકનો કાટમાળ સમુદ્રનો માઉન્ટ એવરેસ્ટ છે. ગોથાખોર તરીકે મારે ત્યાં જવું હતું. મને જ્યારે ખબર પડી કે અમુક લોકો આઈમેક્સ ફિલ્મ બનાવવા માટે ટાઈટેનિક સુધી ગોથું મારી આવ્યા છે, તો મને થયું કે હું એક ફિલ્મ બનાવીશ જેથી ત્યાં જવાનો ખર્ચો નીકળી જાય. એક ખોજયાત્રીનું કામ સૌથી અઘરો અનુભવ કરવાનું અને પાછા આવીને તેની વાર્તા કહેવાનું છે.”

પરંતુ, વર્ષો પહેલાં એક ડૂબી ગયેલા જહાજ એક જહાજના કાટમાળને શૂટ કરવા માટે કોણ પૈસા આપે? (આજના હિસાબે તે 20 કરોડ રૂપિયામાં બની હતી) એટલે કેમરોને ફાયનાન્સરોને લલચાવવા માટે આઈડિયા લડાવ્યો કે શેક્સપિયરના સદાબહાર પ્રેમીઓ, રોમિયો અને જુલિયેટ, ટાઈટેનિક જહાજ પર હોય તો કેવું? રોમિયો અને જુલિયેટની પ્રેમ કહાની પર દુનિયાભરમાં અનેક ફિલ્મો બની છે. આપણે ત્યાં બોલિવૂડમાં ‘એક દુજે કે લિયે’, ‘બોબી’, ‘સોદાગર’, ‘કયામત સે કયામત તક’ અને ‘સનમ તેરી કસમ’ જેવી ફિલ્મો બની છે.

તેની વાર્તા સર્વકાલીન છે: રોમિયો અને જુલિયેટ ગળાડૂબ પ્રેમ છે, પણ તેમનો પરિવાર એકબીજાને નફરત કરે છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે, પણ જુલિયેટને ત્રણ દિવસમાં કાઉન્ટ પેરિસ સાથે પરણાવી દેવાનો કારસો ગોઠવાય છે. આમાંથ બચવા માટે જુલિયેટ પાદરી પાસે એવું ઔષધિ માંગે છે, જે પીવાથી તે મૃત નજર આવે.

પાદરીએ આ વાત રોમિયોને કહેવાની હોય છે પણ તે પહેલાં રોમિયો માની લે છે કે જુલિયેટ મરી ગઈ છે. એટલે તે જુલિયેટની ‘કબર’ પર જઈને તેને ચૂંબન કરે છે અને પોતાની પાસે રાખેલું ઝેર પી જાય છે. તે ફરી જુલિયેટને ચૂંબન કરે છે અને જુલિયેટ આંખો ખોલે તે પહેલાં મરી જાય છે. પ્રેમીને મૃત જોઇને દુઃખી થઇ ગયેલી જુલિયેટ રોમિયોની કટાર ખેંચીને પોતાના હૃદયમાં મારી દે છે, જેથી પરપુરુષથી બચી શકે.

‘ટાઈટેનિક’માં એ જ વાર્તાને થોડા ફેરફાર સાથે એવી રીતે સમાવામાં આવી હતી કે પ્રેમીઓની ટ્રેજેડી અને જહાજની ટ્રેજેડી સાથે-સાથે ચાલે. જેમ્સ કેમરોનને ફિલ્મની સફળતા વિશે બહુ આશા નહોતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “ફિલ્મ પૂરી થવાના છેલ્લા છ મહિના હતા, ત્યારે મને થયું હતું કે મારી કેરિયર પતી જશે. મને લાગ્યું હતું કે આમાં પૈસા નહીં બને. મને થયું હતું કે મેં ટ્વેંટીએથ સેન્ચુરીની તિજોરીમાં મોટું ગાબડું પાડ્યું છે અને મને એ લોકો માફ નહીં કરે.”

પરંતુ ‘ટાઈટેનિક’ એ વખતની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ એટલું જ નહીં, 14 ઓસ્કાર નોમિનેશનમાંથી 11 એવોર્ડ લઇ ગઈ. કેમરોન કહે છે કે તેનું કારણ કંઇક અંશે ટાઈટેનિક જહાજની પોતાની વાર્તા છે. ઇતિહાસમાં એ દિવસે શું થયું હતું તેનું કુતૂહલ આ ફિલ્મની લોકપ્રિયતા માટે જવાબદાર છે. તે કહે છે, “હું હંમેશાં માનું છું કે એક સદાબહાર પ્રેમ કહાનીમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઉર્જા બક્ષે છે. ફિલ્મમાં જેક રોઝને જીવન આપે છે. છેલ્લા શોટમાં અમે તેની એ ભૂરી આંખોમાં તેના 103 વર્ષને પસાર થતું બતાવ્યું હતું. જેકે તેને આટલી મોટી ગીફ્ટ આપી હતી.”

ફિલ્મની વાર્તાની અને કેમરોનના નિર્દેશનની તો ઘણી બધી વાતો છે પણ તેમની ચીવટની બે નાનકડી વાતો નોંધવા જેવી છે: ફિલ્મ ફ્લેશબેકમાં છે, એટલે વર્તમાન સમય અને ફિલ્મની ક્રેડીટનાં રીલ્સ કાઢી નાખીએ, તો ફિલ્મની કુલ લંબાઈ બે કલાક અને ચાલીસ મિનિટની છે. 1912માં, ટાઈટેનિકને ડૂબતાં પણ એટલો જ સમય લાગ્યો હતો. બીજું, હિમશીલા સાથે જહાજની ટક્કર 37 સેકન્ડની હતી. ફિલ્મમાં પણ એ દૃશ્ય 37 સેકન્ડનું છે.

(પ્રગટ : ‘સુપરહિટ’, “સંદેશ”; 05 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 4  

સુમન શાહ|Opinion - Opinion|5 July 2023

સુમન શાહ

ઓલૉફ જોહાન્નેસન નામના એક સ્વીડિશ પદાર્થવિજ્ઞાનીને સાહિત્યનો પણ ચસ્કો હતો. એમણે ‘ધ ગ્રેટ કમ્પ્યૂટર એ વિઝન’ નામની સાયન્સ-ફિક્શન લખેલી. વીસમી સદીના નવમા દાયકાની વાત છે. માર્મિક વાત કરતાં એમણે કહેલું તે સાંભળવા જેવું છે : કુદરતને કમ્પ્યૂટરો બનાવવાની મનીષા થઈ. એ કામ સીધેસીધું શક્ય ન્હૉતું એટલે પ્રથમ એણે માણસો બનાવ્યા, અને માણસોએ આજે કમ્પ્યૂટરો બનાવ્યાં છે :

એમના આ વિધાનના અનુસન્ધાનમાં મેં લખેલું કે કુદરતની મનીષા ફળી છે. કુદરતનાં બુદ્ધિશાળી મશીનોએ – મનુષ્યોએ – બીજાં વધારે બુદ્ધિશાળી મશીનો – કમ્પ્યૂટરો – બનાવ્યાં છે. જો માણસ પોતાના જેટલું જ બુદ્ધિશાળી મશીન બનાવી શકશે તો એક દિવસ પોતાથી વધુ બુદ્ધિશાળી મશીન પણ બનાવી શકશે – આ સીધી તાર્કિક ઉપપત્તિ છે !

પણ કમ્પ્યૂટરો ‘એ.આઇ.’-ની પેદાશ છે. આજે કુદરતી બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે જો સંઘર્ષ ઊભો થયો છે, તો કૃત્રિમ બુદ્ધિ – એ.આઈ. – શું છે એ જાણવું અત્યન્ત જરૂરી બની જાય છે.

એ પછી, મારે ખાસ તો એ જાણવું અને જણાવવું છે કે ‘એ.આઈ.’ વિશે હરારીનાં શાં મન્તવ્યો છે.

સૌ પહેલાં ‘એ.આઈ.’ વિશે :

‘એ.આઈ.’ માનવબુદ્ધિની નકલ કરી શકે છે. ગતિશીલ કમ્પ્યૂટિક ઍન્વાયર્મૅન્ટમાં ઘડાયેલાં ઍલ્ગોરિધમ્સના નિર્માણ અને વિનિયોગના માધ્યમથી માનવબુદ્ધિએ ઊભી કરેલી પ્રક્રિયાઓની નકલ કરવા માટેનો એ એક આધાર છે. સાદા શબ્દોમાં કહીએ તો, પરમ્પરાગત રીતે જેમાં માનવ-બુદ્ધિની જરૂર પડે એ બધાં કામો કમ્પ્યૂટરો દ્વારા કરાવનારી બુદ્ધિ ‘એ.આઈ.’ છે.

‘એ.આઈ.’ મનુષ્યનાં ચિત્ત-મગજની વિવિધ પૅટર્ન્સનો તેમ જ તેની જ્ઞાનપ્રક્રિયાનાં વિશ્લેષણો કરીને આગળ વધે છે અને એ પ્રકારે નિરન્તર પાવરધું થતું રહે છે. એનાં એ અભ્યાસોને પરિણામે બુદ્ધિશાળી કહી શકાય એવાં સૉફ્ટવેઅર્સ અને સિસ્ટમ્સ વિકસતાં રહે છે.

‘એ.આઈ.’-ને ઍલ્ગોરિધમ્સ અને કમ્પ્યૂટર્સ શ્રેણી દ્વારા પ્રયોજાતી એક અદ્યતન ટૅક્નોલૉજિ પણ કહેવાય છે. ‘એ.આઈ.’ માણસો ન કરી શકે એવા અતિ કદ ધરાવતા ડેટા – લાર્જ ઍમાઉન્ટ ઑફ ડેટા – પ્રોસેસ કરી શકે છે. બીજી રીતે કહીએ તો કમ્પ્યૂટરોને ‘એ.આઈ.’ માણસ જેવાં બનાવવા માગે છે – માણસની જેમ એ વિચારો કરી જાણે અને તદ્દનુસારનાં કામો કરી આપે. એ માણસો સેવે એવાં ધ્યેય સેવે છે; જેમ કે, પૅટર્ન્સને પરખવી, નિર્ણયો કરવા, જજમૅન્ટસ્ લેવાં. જુઓ ને, ‘એ.આઈ.’ રીયલ-ટાઈમમાં નિર્ણયો લઈ શકે છે, અને એ માટે એમાં રીયલ-ટાઇમ-ડેટાનો વિનિયોગ કરાય છે.

‘એ.આઈ.’ વિશે હરારી :

હરારીનું અનુમાન છે કે ‘એ.આઇ.’ – એ માનવ-સભ્યતાની ઑપરેટિન્ગ સિસ્ટમને હૅક કરી છે. કહે છે કે સ્ટોરી-ટેલિન્ગ કમ્પ્યૂટર્સ માનવ-ઇતિહાસનો રાહ બદલી નાખશે.

હૅકિન્ગ એટલે કમ્પ્યૂટર્સ, સ્માર્ટફોન્સ, ટૅબ્લેટ્સ વગેરે સાધનોનો દુરુપયોગ; સિસ્ટમ્સને કરપ્ટ કરી નાખવી, વપરાશકારોની શક્યતમ માહિતી તફડાવી લેવી, ડેટા અને ડૉક્યુમૅન્ટ્સની ચોરીઓ કરવી તેમ જ ડેટા-સંલગ્ન પ્રવૃત્તિમાં ખલેલ ઊભી કરવી.

હવે જો હરારીનો તર્ક એમ ચાલે છે કે આ હૅકિન્ગ માનવ-સભ્યતા સમગ્રની ઑપરેટિન્ગ સિસ્ટમ સાથે થઈ રહ્યું છે, તો આપણે પણ એમની સાથે ચાલી જોઈએ :

હરારી કહે છે કે કમ્પ્યૂટર-યુગના પ્રારમ્ભથી જ ‘એ.આઇ.’ ભયજનક ભાસ્યું છે. એથી માનવતાને રંજાડ થયો છે. આજ સુધી મશીનો તરફથી ભય હતો, ભૌતિક સાધનોના વપરાશથી માણસો ગુલામ, પરાધીન, બની ગયેલા. પરન્તુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવાં ‘એ.આઇ.’ સાધનો જનમ્યાં છે; એથી તો માનવ-સભ્યતાનું અસ્તિત્વ એક અણધારી દિશાએથી સાવ જ જોખમમાં મુકાઇ ગયું છે.

‘એ.આઇ.’ હવે નૉંધપાત્ર ક્ષમતાઓ ધરાવે છે. એ હવે ધ્વનિઓ, શબ્દો અને ચિત્રો સહિત ભાષાઓમાં ફેરફારો કરી શકે છે, નવતાઓ સરજી શકે છે. 

હરારી જણાવે છે કે ભાષાની સામગ્રી લગભગ બધી જ સંસ્કૃતિઓમાંથી સંભવી છે. દાખલા તરીકે, માનવ-અધિકારો; એ કંઈ આપણા ડી.ઍન.એ.માં નથી કોતરાયા કે લખાયા ! બલકે એ તો આપણે વૃત્તાન્તો – સ્ટોરીઝ – કહીને તેમ જ કાયદાકાનૂન ઘડીને સરજેલી સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, બનાવટો છે. દાખલા તરીકે, દેવો કંઈ ભૌતિક વાસ્તવિકતા નથી, એ તો, આપણે દન્તકથાઓ કે મિથ્સ – પુરાણગાથાઓ – ઉપજાવીને તેમ જ શાસ્ત્રો લખીને સરજેલી બનાવટો છે.

હરારી જણાવે છે કે નાણું પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, બનાવટો છે, બૅન્કનોટ્સ રંગીન કાગળો તો છે ! અને હવે તો, ૯૦% નાણું બૅન્કનોટ્સ પણ નથી – એ કમ્પ્યૂટરોમાં સ્થિત માત્ર ડિજિટલ ઇન્ફર્મેશન છે ! આ તો નાણું છે, મૂલ્યવાન છે, એ તો, બૅન્કરો નાણાં પ્રધાનો અને બનાવટી નૉટોના ગુરુઓએ ઘડી કાઢેલાં વૃત્તાન્તો છે. હરારી નામોલ્લેખ સાથે જણાવે છે કે બૅન્કમૅન-ફ્રાઇડ, ઍલિઝાબેથ હોમ્સ અને બર્ની મૅડોફ નાણાંના મૂલ્યકારો ન્હૉતા, પણ તેઓ મહા સમર્થ સ્ટોરીટેલર્સ હતા.

હરારી પૂછે છે : સરેરાશ માણસ કરે એવી વાર્તાઓથી ચડિયાતી વાર્તાઓ ‘એ.આઇ.’ એટલે કે કૃત્રિમ એટલે કે ન-માનવીય બુદ્ધિ કરવા માંડશે તો શું થશે? ગીતોનાં એ સ્વરનિયોજન કરશે, ચિત્રો દોરી આપશે, કાયદા અને શાસ્ત્રો લખી આપશે, તો શું થશે? શાળાનાં બાળકો નિબન્ધો લખવા ચૅટજી.પી.ટી. અને એનાં જેવાં નવ્ય ‘એ.આઇ.’ ટૂલ્સ વાપરતાં થશે, તો શું થશે?

વિચારવા માટે હરારી મોટું ઉદાહરણ આપે છે : ૨૦૨૪-માં થનારી અમેરિકન પ્રૅસિડેન્ટની રેસમાં થનારા ‘એ.આઇ.’-ટૂલ્સના વપરાશથી ન્યૂ કલ્ટ્સ માટે જે પોલિટિકલ સામગ્રી ઘડાશે, ફૅક-ન્યૂઝ અને સ્ટોરીઝ વહેતાં થશે, તેના પ્રભાવની કલ્પના કરો.

એમણે આપેલા ‘QAnon કલ્ટ’-ના ઉદાહરણની વાત હવે પછી કરીશ.

પણ મને લાગે છે, આ ક્ષણે ગુજરાતી સાહિત્યના ભાવિની કલ્પના કરી લેવી ઘટે. મને પણ એ માટે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જરાક જોવાની જરૂરત લાગે છે :

હેમચન્દ્રાચાર્યથી પ્રારમ્ભાયેલા અને દયારામ પાસે થંભેલા સાહિત્યને આપણે મધ્યકાલીન ગણીએ છીએ. એના કેન્દ્રમાં ઈશ્વર હતો. નર્મદથી શરૂ થયેલા અર્વાચીન સાહિત્યના કેન્દ્રમાં મનુષ્ય અને સમાજ હતાં. સુરેશ જોષીથી પ્રારમ્ભાયેલા આધુનિકતાપરક સાહિત્યના કેન્દ્રમાં મનુષ્યવ્યક્તિ અને તેનું અસ્તિત્વ હતાં.

પરન્તુ હવે જો ‘ચૅટજી.પી.ટી.’ જેવાં નવ્ય ‘એ.આઇ.’ ઉપકરણો દ્વારા સાહિત્ય લખાશે તો તેના કેન્દ્રમાં શું હશે? લોકો ‘ચૅટજી.પી.ટી.’ જેવું જ સાધન ‘ગૂગલ બાર્ડ’ વાપતા થઈ જશે તો શું થશે? તેના કેન્દ્રમાં સમાજ, વ્યક્તિ અને અસ્તિત્વ ત્રણેય તત્ત્વો હશે; એટલું જ નહીં, એ તત્ત્વો ગુજરાતીતા અને ભારતીયતાથી પણ રંજિત હશે. વગેરે.

એથી લખાનારા સાહિત્યનું સ્વરૂપ શું હશે? બધું જોડણીશુદ્ધ અને વ્યાકરણસંગત હશે. પ્રૂફરીડરની જરૂરત નહીં પડે. ગઝલ રદીફ-કાફિયાથી સુગઠિત હશે. ગીત મિલનનાં કે વિરહનાં માગો એ માત્રાનાં, વળી, સ-ચિત્ર રચી આપશે. ઇચ્છો તો ગાઇ પણ બતાવશે. છન્દોબદ્ધ રચનામાં છન્દદોષ નહીં હોય. અછાન્દસની લંબાઈ માગો એ માપની હશે. ટૂંકીવાર્તા માટે પણ પેલો હઠીલો તન્ત્રી માગે છે એ ૨૦૦૦ શબ્દ જ મુકરર નહીં હોય, માગો એટલા-માં કરી આપશે. આજકાલ નવલકથા નથી લખાતી કેમ કે એમાં લેખક અને વાચકનાં જીવનોનો ઘણો સમય ખરચાઈ જાય છે. પણ ‘એ.આઇ.’ ટૂંકી કે દીર્ઘ કે માગો એટલા ભાગની લખી આપશે. વાંચતાં કંટાળનારાને વાંચી પણ સંભળાવશે.

વાતનો અંકે કરવાલાયક સાર એ છે કે આ ઘટનાઓ સામે કુદરતી બુદ્ધિવાળો લાચાર થઈ જશે. કાવ્યશાસ્ત્રમાં પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસને કાવ્યહેતુ કહ્યા છે – સર્જનમાં કારણભૂત પરિબળો. પણ ‘એ.આઇ.’-ની સર્જકતા પાસે એ ગમે તેટલો પ્રતિભાશાળી હશે, ઝંખવાઈ જશે; એની વ્યુત્પન્ન મતિ ટૂંકી પડશે; એના અભ્યાસ કે પ્રૅક્ટિસિસ ઓછાં પડશે.

= = = 

(07/04/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાન નાગરિક ધારાનો ટોસ ભા.જ.પે. જીતી લીધો છે, હવે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 July 2023

રાજ ગોસ્વામી

23મી જૂને, પટનામાં 15 વિરોધ પક્ષની બેઠક મળી અને 2024ની લોકસભા ચૂંટણી માટે સહિયારો મોરચો ઊભો કરવા માટે પ્રારંભિક વાતચીત થઇ, તેના બે દિવસ પછી, રવિવારે, વડા પ્રધાન નરેદ્ર મોદી અમેરિકા-ઈજીપ્તની મુલાકાત લઈને પાછા દિલ્હી આવ્યા. તે પછી તેમણે ત્રણ બેઠક કરી. પહેલી બેઠક કેબિનેટની હતી, જેમાં તેમણે મણિપુરની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. બીજી બેઠક મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે હતી. વડા પ્રધાન વંદે ભારત ટ્રેનને ઝંડી ફરકાવા માટે ભોપાલ આવ્યા હતા.

મંગળવારે, ત્રીજી બેઠક મધ્ય પ્રદેશ ભા.જ.પ.ના બૂથ સ્તરના કાર્યકરો સાથે હતી. તેમાં સંબોધન કરતાં તેમણે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુ.સી.સી.) લાગુ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે એક ઘરમાં બે કાનૂન હોય તેવી બેવડી વ્યવસ્થા પર દેશ કેમ ચાલી શકે? તેમણે તેમના બયાનના સમર્થનમાં એમ પણ કહ્યું કે બંધારણ દરેક નાગરિકને સમાન અધિકાર આપવાની વાત કરે છે અને સુપ્રીમ કોર્ટે પણ સમાન ધારાઓની ભલામણ કરી છે.

તેમનું આ બયાન નોંધપાત્ર છે. મધ્ય પ્રદેશ સહિત, દેશમાં આ વર્ષે 7 રાજ્યોમાં ચૂંટણીઓ છે અને 24માં 3 રાજ્યોની અને એ પછી ‘મધર ઓફ ઓલ ઈલેકશન’ લોકસભાની ચૂંટણી છે. ભોપાલમાં વડા પ્રધાને જે ભારપૂર્વક સમાન નાગરિક ધારાનો મુદ્દો આગળ ધર્યો, તેના પરથી સ્પષ્ટ છે કે આગામી તમામ ચૂંટણીઓમાં, અને ખાસ તો લોકસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી આ મુદ્દા પર જનતા સમક્ષ જશે.

સરકારો, હાલની કે અતીતની, ભાગ્યે જ તેમના પરફોર્મન્સ પર જનતા પાસે મત માગતી હોય છે. સંસદીય લોકતાંત્રિક પ્રણાલીમાં, દર પાંચ વર્ષે જનતામાં સત્તા વિરોધી ભાવના (એન્ટિ-ઇન્કમબન્સી સેન્ટીમેન્ટ) મજબૂત થતી હોય છે. વિરોધ પક્ષો સરકારના પરફોર્મન્સને લઈને જ તેને ઘેરે છે અને જનતામાં સત્તા વિરોધી લહેરને હવા આપવાનું કામ કરે છે. એટલા માટે સરકારો હંમેશાં એવા મુદ્દાઓ પર ચૂંટણીઓ લડતી હોય છે જે ભવિષ્યગામી હોય અને ભૂતકાળને ઢાંકી દે.

ભા.જ.પ. આમાં માહેર છે. તેણે તેની વિચારધારાની ફાઈલમાં એવા પ્રોજેક્ટ બનાવીને રાખ્યા છે જેને તે ચૂંટણીઓમાં ખુલ્લા કરે છે. 2019માં, લોકસભા જીત્યા પછી, નરેન્દ્ર મોદીની સરકારે દેશને એક નવી વૈચારિક દિશા આપવાના ભાગ રૂપે ત્રણ મહત્ત્વના સુધાર કર્યા હતા; 370ની કલમની નાબૂદી, નાગરિક ધારો અને ત્રિપલ તલાકનું અપરાધીકરણ. ત્રીજું વચન સુપ્રીમ કોર્ટે પૂરું કરી આપ્યું હતું; અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ.

આ બધા જ મુદ્દાઓ પક્ષના એજન્ડામાં હતા. એમાં એક મુદ્દો સમાન નાગરિક ધારો પણ છે. 2024ની ચૂંટણી પહેલાં, હવે પાર્ટીએ તેનું બલૂન છોડ્યું છે. ભા.જ.પ. તેના ઘોષણાપત્રમાં લખે છે, “ભા.જ.પ. માને છે કે જેમાં તમામ સ્ત્રીઓના અધિકારોનું રક્ષણ થાય છે તેવા સમાન નાગરિક ધારાને ભારત ન અપનાવે ત્યાં સુધી લિંગ સમાનતા નહીં આવે અને ભા.જ.પ. સમાન નાગરિક ધારો બનાવાનો તેના નિશ્ચયનો પુનરોચ્ચાર કરે છે.”

મંગળવારના વડા પ્રધાનના બયાન પછી દેશમાં સમાન નાગરિક ધારાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. વડા પ્રધાનના બયાન પછી થોડાક જ કલાકોમાં મુસ્લિમ પર્સનલ બોર્ડની બેઠક મળી હતી અને તેણે તેમના વિચારો-ચિંતાઓ લો કમિશનને રજૂ કરવાનું નક્કી કર્યું હતું.

વિરોધ પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયા હતી. તેમણે વડા પ્રધાન પર આરોપ મુક્યો હતો કે ચૂંટણીઓ આવી રહી છે એટલે ભા.જ.પ. આ મુદ્દાને લાવી રહી છે, બાકી તેને લઈને સંસદમાં એક બિલ પડ્યું જ છે, પણ સરકાર અત્યાર સુધી તેના વિશે ગંભીર નહોતી.

કાઁગ્રેસે કહ્યું કે ફુગાવો, બેરોજગારી અને મણિપુરની સ્થિતિમાંથી ધ્યાન ભટકાવવા માટે ભા.જ.પ. સમાન ધારાને ચગાવે છે. અસસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાનને દેશની વિવિધતા અને બહુતાવાદથી સમસ્યા છે એટલે આવી વાતો કરે છે. તમિલનાડુની શાસક ડી.એમ.કે. પાર્ટીએ કહ્યું છે કે સમાન ધારાને પહેલાં હિંદુઓમાં લાગુ કરો અને તમામ જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશવા દો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષોની છાવણીમાંથી આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સમાન નાગરિક ધારાના પક્ષમાં છે. આપ તો દિલ્હીમાં કેન્દ્રના નીમેલા લેફ્ટનન્ટ ગવર્નર સાથે માથાકૂટ ટાળવા માટે ભા.જ.પ.ની પડખે રહે છે, પણ ઉદ્ધવ સેનાએ તો ઘણા વર્ષોથી સમાન ધારાની માંગણી કરેલી છે. જો કે વર્તમાનમાં તેણે સરકાર પાસે એ જાણવા માંગ્યું છે કે આ ધારાથી હિંદુઓને કેટલું નુકસાન થશે. તેમણે કહ્યું હતું, “એ લોકો (ભા.જ.પ.) જો આખા દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવી શકતા ન હોય, તો સમાન ધારો કેવી રીતે લાગુ કરશે?”

લગભગ 30 જેટલાં આદિવાસી સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે સમાન નાગરિક ધારાથી તેમના આદિવાસી રિવાજ મુજબના નિયમો નબળા પડી જશે. ભારતમાં ધર્મ, રિવાજ અને પરંપરાઓના આધારે 5 મોટા પર્સનલ લો છે. તે અને આદિવાસી સમુદાયોના અમુક પરંપરાગત કાયદાઓ સમાન નાગારિક ધારો આવતાં ખતમ થઇ જશે. મતલબ કે દેશમાં તમામ સમુદાયોના લોકોની સંપત્તિ, લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક લેવાની પ્રથાઓ પર એક જ સમાન કાનૂન લાગુ થશે.

સુપ્રીમ કોર્ટે તેના વિવિધ ચુકાદાઓમાં સમાન ધારાનું સુચન કરેલું છે. 2018માં, મોદી સરકારની વિનંતી પર, લો કમિશને ફેમિલી લોમાં સુધારા કરવા માટે 185 પાનાંનો અહેવાલ સુપ્રત કર્યો હતો. ત્યારે લો કમિશને કહ્યું હતું કે “સમાન ધારો અત્યારે ન તો જરૂરી છે કે ન તો ઇચ્છનીય.”

તો હવે એ કેમ જરૂરી અને ઇચ્છનીય બની ગયો? કારણ કે ભા.જ.પ. જે પ્રકારનું ભારત જોવા માંગે છે તેમાં તેના ત્રણ મુખ્ય પ્રોજેક્ટ છે. એમાંથી રામ મંદિર અને 370 પૂરા થઇ ગયા છે. સમાન ધારો બાકી છે. પહેલાં બે 2019ની જીત પછી પૂરા કરવામાં આવ્યા હતા, જેથી ‘ભા.જ.પ. જે કહે છે તે કરે છે’નો તેના મતદારોમાં વિશ્વાસ પેદા થાય.

સમાન ધારાનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલાં ફોકસમાં લાવવામાં આવ્યો છે. ભા.જ.પ.ને ખબર છે કે ચૂંટણીમાં વિરોધપક્ષો અર્થતંત્ર, બેરોજગારી, મોંઘવારી, સામાજિક ભેદભાવ, સીમા વિવાદ જેવા પરફોર્મન્સ સંબંધી મુદ્દાઓ ઊછાળશે. એમાં સમાન ધારાનો મુદ્દો પૂરા દેશમાં ભા.જ.પ.ના સમર્થકો અને કાર્યકરોમાં એક જુસ્સો ભરી દે તેવો છે, કારણ કે એ અત્યંત ભાવનાત્મક અને ધ્રુવીકરણ ઊભું કરે તેવો છે, જે ચૂંટણીમાં ફાયદાકારક રહેશે તે ભા.જ.પ.ને ખબર છે.

એ યાદ રાખવા જેવું છે કે 2022માં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ તેના થોડા જ દિવસો પહેલાં, રાજ્ય સરકારે રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે કમિટીની રચના કરી હતી. તે વખતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું, “અમે રામ જન્મભૂમિ, 370ની નાબૂદી અને સમાન ધારાની માંગણી કરી રહ્યા છીએ. હું મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું કે તેમણે ભા.જ.પ.ની જૂની માંગણી સંતોષવા માટે પગલું ભર્યું છે.” એ દાવ કારગત નીવડ્યો હતો. ભા.જ.પ.ને જબ્બર બહુમતી મળી હતી.

ભા.જ.પ. સમાન નાગરિક ધારાને એકતા અને સમાનતાનો કાનૂન કહે છે, પરંતુ દેશમાં એવી એક વ્યાજબી ચિંતા પણ છે કે તેનાથી લઘુમતીઓ અને આદિવાસીઓના ‘બંધારણીય-અધિકાર’ આધારિત પર્સનલ લો છીનવી લેશે. અમુક લોકો કહે છે કે દેશમાં સાંપ્રદાયિક અને સમકક્ષ ધારાની જરૂર છે. બંધારણના ઘડવૈયાઓએ સમાન નાગરિક ધારાની સાંપ્રદાયિક સંહિતા તરીકે કલ્પના કરી હતી.

અમુક રાજકીય નિરીક્ષકોનો મત એવો પણ છે કે સમાન નાગરિક ધારાની વાત નવી નથી, અને (ભા.જ.પ. સહિતની) ઉત્તરોત્તર સરકારોએ તેમાં રસ બતાવ્યો નથી. ભા.જ.પ.ના એજન્ડામાં પણ રામ જન્મભૂમિ અને 370ની કલમની પ્રાથમિકતા હતી. લોકસભામાં ભા.જ.પ.ના જ સાંસદનું બિલ પેન્ડિગ છે, પણ સરકારે એમાં કોઈ ઉતાવળ બતાવી નથી. હવે, 2024ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ સમાન ધારાની વાત છેડીને ભા.જ.પ. તેને વાસ્તવમાં કેટલી આગળ લઇ જાય છે તે પણ જોવા જેવું છે.

લાસ્ટ લાઈન :

“મને વ્યક્તિગત રૂપથી એ સમજમાં નથી આવતું કે ધર્મને એટલું વિશાળ અને વ્યાપક અધિકાર ક્ષેત્ર શા માટે આપવું જોઈએ કે તે પૂરા જીવનને સમાવી લે અને વૈધાનિક અતિક્રમણને રોકે.”

— ડો. બી.આર. આંબેડકર

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ ડે”; 02 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1151,1161,1171,118...1,1301,1401,150...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved