Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકલ

ઉમેશ સોલંકી|Poetry|19 June 2023

સ્ટેશન

જાણે આકુળ-વ્યાકુળ મન. 

‘ચાઈ’ ‘પેપર’ ‘ઠંડા’ નોખેનોખી આદત પાડે બૂમો

અવાજ સૂનો. 

કોઈ ટાઈમાં આવે 

મેલો હાથ કોઈ લંબાવે 

કોઈ પેપર વાંચે 

ગાડીનો કોઈ ટાઈમ જાંચે 

કોઈ ઝોકા ખાતો 

ઝબકીને કોઈ જાગી જાતો 

કોઈ દોડે કોઈ ચાલે 

કોઈ એકલ કોઈ સાથે 

સર્વેની આંખોમાં ડોકાતી લોકલ 

લોકલમાં ડોકાતું છલ 

છલ તો સીધુંસાદું 

માણસને વ્યક્તિ કરવાનો જાદુ.

 

જડ થઈને ઠરતો માણસ 

તોય ગતિમાં સરતો માણસ 

આગળ માણસ 

પાછળ માણસ 

જ્યાં જુઓ દેખાય માણસ 

નોખા રૂપે પેખાય માણસ : 

નાનો ધક્કો મોટો ધક્કો 

સાચો ધક્કો ખોટો ધક્કો 

ઊભો ધક્કો બેઠો ધક્કો 

ખિસ્સામાં પણ પેઠો ધક્કો 

એકલ ધક્કો દોકલ ધક્કો 

ટોળારૂપે કલકલ ધક્કો 

આંખો થઈને ભટકે ધક્કો 

સ્ટેશન આવે છટકે ધક્કો.

 

સ્ટેશન 

જાણે મન વિનાનું તન.

–

(‘ભીતર’ પદ્યનવલમાંથી)
e.mail : umlomjs@gmail.com

Loading

પુણ્યતિથિએ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 June 2023

બાપા ગુજરી ગયા ત્યારે દિવાળી હતી …

એટલે કે ગયા તેથી દિવાળી હતી,

એમ નહિ, ખરેખર જ દિવાળી હતી.

બૈરાંઓએ છેડો ખેંચતાં છેડો મૂકેલો :

દિવાળી બગાડી રે ….

ઘર શોક મગ્ન હતું ને લોક જોક મગ્ન!

બાપાને મત ઓછા ને મતભેદ વધારે હતા,

એટલે મને ઝાઝું ફાવતું નહિ!

આમે ય ફાવે તેવો બાપ ભાગ્યે જ કોઈને મળે છે,

તેમાં વળી બાપા તો દેવું મૂકતા ગયેલા વારસામાં

એટલે ઘરડાં ઘૂમટાઓની રૂદનની પ્રિન્ટ

૩૫ એમ એમ માંથી રહી રહીને

૭૦ એમ એમની થઇ ઊઠતી હતી.

બાપાને વળાવીને આવ્યા ત્યારે ફટાકડા ફૂટવાનું

ને બૈરાંઓ કૂટવાનું કામ કરતાં હતાં.

અમારા પાછા ફરવાની ખાતરી ન હોય તેમ

અમને જોતાં જ  ઠૂઠવો એટલો લાંબો મૂકાયો કે

વર્ષ બદલાયાંની ખબર જ ન પડી.

બાપા ગયા, પણ સગાંઓ ગયા નહિ.

બાપાને સૌ ઘાસની જેમ વાગોળતાં રહ્યાં

સગાંઓને બાપા રમૂજી લાગતાં,

પણ મને તો એ મૂજી જ લાગતા.

ઘરવટને બદલે બાપાએ અમને ઘરવટો આપેલો ..

એટલે પ્રથમ પુણ્યતિથિએ

શ્રદ્ધાંજલિ છપાવવાની વાત આવતાં

મારી શ્રદ્ધા તૂટી ને અંજલિ બચી.

છતાં અંગૂઠાછાપ બાપા માટે

અંજલિ છપાવવાં હું પરાણે તૈયાર થયો.

એક જૂના ફોટોગ્રાફ્માંથી બાપા ખેંચી કઢાયા, ઉછેરાયા….

અને મેટર આવવા માંડ્યું:

તમારી ખોટ ક્યારેય પુરાવાની નથી!

મને, બાપાનું દેવું ઝબકી ગયું.

કોઈએ લખ્યું:

તમારી એક વખતની હાજરીથી ભરેલું ઘર

હવે ખાલીખમ લાગે છે.

પણ લખનારે હાજરીને બદલે હોજરી લખી માર્યું’તું.

એક મિત્રે મથાળું બાંધ્યું: ભાવભીની અંજલિ.

પણ ‘ભાવભીની’માં ‘વ’ લખવાનું જ રહી ગયું હતું.

છેવટે, ‘તર્પણ’ એજન્સીના સંચાલકને મળવાનું નક્કી કર્યું.

બાપાના મરવાની વાત સાંભળતાં

સંચાલકે પ્રોફેશનલ પોક મૂકી:

બહુ ખોટું થયું …બહુ,,,

પછી નાક સાફ કરતા નિસાસ્યા-ક્યારે થયું?

– વરસ થવા આવ્યું .

ભોંઠપ છુપાવતાં સંચાલકે કહ્યું – ઉપલે માળે જાવ.

મેં પૂછ્યું – ઉપલે માળે?

સંચાલકશ્રી બોલ્યા, ‘એક વર્ષની અંજલિ પહેલે માળે, બે વર્ષની બીજે,

એમ દસ માળ સુધીની વ્યવસ્થા છે.

-પણ કોઈને અગિયાર થયાં હોય તો?

– તો એના સંબંધીઓએ મેન્ટલ હોસ્પિટલે જવું જોઈએ.

ભલા માણસ, એક જ દિવસમાં માણસ ભુલાઈ જતું હોય ત્યાં તમે –

સંચાલકશ્રીને બોલતા રાખીને અમે પહેલે માળે ગયાં.

એક બહેને પૂછ્યું – કોની છે?

– મારી.

– તમારી પુણ્યતિથિ? – બહેન ગૂંચવાયાં.

– પુણ્યતિથિ નહિ, જાહેરખબર મારી છે.

– પણ પુણ્યતિથિ?

– બાપાની છે.

– તો બાજુની રૂમમાં જાવ. આતો માતાની પુણ્યતિથિનો વિભાગ છે.

બાજુની રૂમમાં એક વડીલ મોંમાં હવા મારી રહ્યા હતા.

અમને જોતા અર્ધા શ્વાસે પૂછ્યું – આખું કે અડધું?

મેં કહ્યું – પાસપોર્ટ સાઈઝ.

– એ તો દસમે વર્ષે ચાલે.

-પણ દસમે વર્ષે આપણું મળવાનું ન યે થાય.

એમ નહિ – વડીલ વકર્યા – પહેલી પુણ્યતિથિ ને

જાહેરાત પાનાની ય નહિ?

– એવી સ્થિતિ નથી અમારી.

– તો અમારી બગડશે. કમસેકમ અડધા પાનાની જાહેરાત તો –

– શક્ય નથી.

– બાપ માટે પાંચ હજાર ન ખર્ચાય? મારો દીકરો તો પચાસ…

– એને ય તક મળવી જોઈએને!

મોંમાં હવા મારતા વડીલે આલબમ સામે ધર્યું – પસંદ કરી લો.

આલબમમાં અનેક બાપાઓ

‘શ્રદ્ધાંજલિ’ના ટાઈટલ હેઠળ નિરાધાર લટકતા હતા.

– તમે નથી ને અમે છીએ તથી આ શ્રદ્ધાંજલિ!

– હતા ત્યારે તમે રડ્યા ને નથી તો અમે રડીએ છીએ.

છેવટે સાડા સાતસોમાં સોદો પત્યો.

ત્યાં દૂરના કાકા નજીક આવી કાનમાં કચક્ચ્યા:

જાહેરાત આપને!

મેં કહ્યું: આપીએ છીએ તે જાહેરાત જ છે.

-એમ નહિ,’શ્રદ્ધાંજલિ’ નીચે

પિતૃકૃપા પ્રોવિઝન સ્ટોર્સ, સુરતવાલા એમ લખાવ.

– એ ઠીક ન લાગે. બાપાને વટાવવા જેવું …

કાકા કૂદ્યા – મૂરખ, બાપ નથી પણ ધંધો તો છેને!

@

બીજે દિવસે આખો મહોલ્લો ઘરમાં ધસી આવ્યો….

-અલ્યા વરસ પહેલા માર્યો તે તારો જ બાપ હતો કે –

– હતો તો મારો જ, પછી ખબર નહિ!

-તો પછી આ શું છે?

જોયું,તો બાપા, ‘અસ્થિર મગજના હોવાથી ચાલ્યા ગયા છે’-

એમાં છપાયા હતા…

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો, તુમ્હી હો બંધુ, સખા તુમ્હી હો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 June 2023

રાજ ગોસ્વામી

માનવ ભાષામાં સૌથી જૂનામાં જૂનો શબ્દ ‘પાપા’ છે. દુનિયામાં બોલાતી 1,000 જેટલી ભાષાઓથી, લગભગ 700 ભાષાઓમાં ‘પાપા’ શબ્દ મોજુદ છે. જેમ કે, આપણે ત્યાં પિતા અથવા સંસ્કૃતમાં પિતૃ છે, અંગ્રેજીમાં પાપા, પપ્પા અથવા પોપ છે, ફારસીમાં પીદર છે, સ્પેનિશમાં પેદ્રે (પાદરી શબ્દ પણ નજીકમાં જ છે) છે, ફ્રેંચમાં પેરે છે, પોર્ટુગીઝમાં પાઈ અને પાપાઈ છે, ગ્રીકમાં પાટેરસ છે, ડચમાં પા, પાપા, પપ્પા છે, હંગેરીમાં અપ્પા છે, વગેરે. ‘પા’નું રૂપાંતર ‘બા’માં છે. એટલે બાપ, બાબા, અબ્બા, અબ્બુ પણ બોલાય છે.

આ યોગનુગોગ ન હોઈ શકે. એનું કારણ આપણા ગળાના વાકતંતુ(વોકલ કોર્ડ)માં છે. ‘ન્યુ સાયન્ટિસ્ટ’ નામનું પ્રતિષ્ઠિત સામયિક એક અહેવાલમાં લખે છે કે નિઅંડરથલ (પૌરાણિક મનુષ્ય, જેમાંથી હોમો સેપિયન્સનો વિકાસ થયો હતો) પ્રજાતિના બેબીનો પ્રથમ ઉદ્દગાર ‘પાપા’ હતો. ઇન ફેક્ટ, વૈજ્ઞાનિકો કહે છે કે નવજાત શિશુ જે પહેલો અવાજ કાઢે છે તેમાં ‘બા’ અને ‘પા’ ધ્વનિ હોય છે. એટલા માટે જગતની તમામ ભાષાઓમાં માતા અને પિતા માટેના શબ્દો એકસરખા અથવા નજીકના હોય છે.

લગભગ તમામ ભાષાઓમાં બ, ડ, મ, પ, ત અને ક અક્ષરો સૌથી વધુ વખત બોલાય છે. કદાચ એ બોલવામાં આસાન છે એટલે. શિશુ જ્યારે બોલવાનો પ્રયાસ કરે ત્યારે એવા સ્વર કાઢે છે જેમાં મોઢાનો ઉપયોગ કરવો પડતો ન હોય. મતલબ કે ગળામાંથી અવાજ આવતો હોય. શિશુ ગળામાંથી અવાજ કાઢતું હોય અને હોઠ બંધ કરે ત્યારે બ અને પ સ્વર બને છે. એટલા માટે માતા અને પિતાના નામોમાં ‘બ’ અને ‘પ’ અક્ષર પૂરી દુનિયામાં સૌથી કોમન છે.

રોમન જેકોબ્સન નામના એક રશિયન ભાષાશાસ્ત્રીએ “વ્હાય મામા એન્ડ પાપા?” નામના એક શોધ પેપરમાં આ સંદર્ભમાં ક્રાંતિકારી વિચાર આપ્યો છે. તે કહે છે કે શિશુ જ્યારે સ્તનપાન કરતું હોય ત્યારે, તેના હોઠ દૂધ ચૂસવામાં વ્યસ્ત હોવાથી તે નાકમાંથી શ્વાસ છોડતું હોય છે, જેમાંથી ‘મમમ’ અવાજ આવે છે. અવાજ સાથે તેનો એ પહેલો પરિચય છે. પાછળથી શિશુ એ અવાજ, સ્વર કે અક્ષરને ભૂખના સિગ્નલ તરીકે જોડી દે છે. એટલે ભૂખ લાગે અથવા ધવડાવનાર અનુપસ્થિત હોય ત્યારે તે આયાસ પૂર્વક એ જ અવાજ કાઢે છે.

‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બેબીના મોંમાંથી નીકળતો હોવો જોઇએ. એ ધ્વનિને વધુ એક ક્ષણ સુધી અવલંબિત કરવાના અને પછી ફૂંક સાથે છોડવાના ‘બેબી પ્રયાસ’માં ‘પ’ ધ્વનિ નીકળે છે. તર્ક એવો છે કે બેબી એના પ્રથમ ઉચ્ચારણોમાં ઘણા પ્રયોગો કરે છે અને એ પ્રયાસોમાં ‘મ’ અને ‘પ’ ધ્વનિ સહજ રીતે પ્રથમ આવે છે. પશુ-પક્ષીઓના પ્રથમ ધ્વનિમાં પણ આવું જ છે. મા અને પા, મધર અને ફાધર આવી રીતે આવ્યા હોય.

જેકોબ્સન કહે છે કે શિશુને ખબર નથી કે તે જેનું દૂધ પીવે છે તે તેની માતા છે. તેના માટે ‘મમ્’ એટલે ‘ખાવાનું.’ શિશુ ભૂખ્યું થાય ત્યારે રડે અથવા અવાજો કરે ત્યારે ગુજરાતી મમ્મીઓ કહેતી હોય છે, “તારે મમ ખાવું છે?” એમાંથી જ શિશુની શબ્દાવલીમાં ‘પાપા’ અને ‘દાદા’ (પ અને દ)નો બીજો ઉમેરો થાય છે. શિશુ એકવાર ‘મા’ બોલતું થાય, પછી તરત જ ‘પા’ અને ‘દા’ બોલતું થાય છે.

શિશુ ‘બોલતું’ નથી, એ અવાજ સાથે રમતું હોય છે. વયસ્ક લોકો તેને રમત તરીકે નથી જોતા. એક શિશુ ‘મા’ કે ‘પા’ બોલે, તો સાંભળનારને એવું લાગે તે મને નામથી બોલાવે છે. એ રીતે માતા અને પિતા શબ્દનો જન્મ થયો હતો. લાખો વર્ષ પહેલાંના આદિ મનુષ્યના શિશુએ પહેલીવાર આવો અવાજ કર્યો હતો અને આજે પણ દુનિયાભરમાં નવાં જન્મેલાં શિશુઓ આ શબ્દોથી બોલવાની શરૂઆત કરે છે.

આપણે એ શબ્દોમાં પછીથી અર્થ શોધીએ છીએ અને એ શબ્દો બીજી ભાષામાં પણ સફર કરે છે. જેમ કે પિતા માટેનો અંગ્રેજી ડેડી શબ્દ ભારતીય ભાષાઓ પણ એટલો જ પ્રચલિત છે. ભાષાવિજ્ઞાનીઓ કહે છે કે શિશુની ‘પા’ અને ‘દા’ શબ્દ બોલવાની વૃતિમાંથી ડેડી શબ્દ આવ્યો છે. શિશુ ‘દુહ’ શબ્દ બોલતું હોય છે એમાંથી દાદા અને ડેડી ઉચ્ચાર બન્યો છે.

આપણે ત્યાં પિતાની અવેજીમાં દાદા બોલાય છે. મોટા ભાઈ અથવા વડીલ વ્યક્તિ માટે દાદા સન્માનસૂચક છે. વેલ્શ ભાષામાં દાદા માટે તાદ શબ્દ છે. આઇરીશમાં ડૈડ છે. ઝેક, લેટિન અને ગ્રીકમાં તાતા છે. લીથુનિયન ભાષામાં તેતે શબ્દ છે. સંસ્કૃતમાં તાત છે. સંસ્કૃતમાં જ પિતાના મોટાભાઇ માટે જ્યેષ્ઠતાત શબ્દ છે. આપણે એને કાકા કહીએ છીએ, જે તાતનું જ સ્વરૂપ છે.

ગેંગસ્ટર માટે દાદા શબ્દ મોટાભાઇ(જે રક્ષણ કરે)ના અર્થમાં વપરાય છે. મુંબઇના એક સમયના જાણીતા ગેંગસ્ટર અરુણ ગવળીને એના ચાહકો ‘ડેડી’ કહીને બોલાવે છે. ફિલ્મ સ્ટાર રાજેશ ખન્નાને એના મિત્રો અને ઓળખીતા ‘કાકા’ કહીને સંબોધતા હતા.

“શબ્દો કા સફર” નામના એક સુંદર પુસ્તકમાં લેખક અજીત વડનેકર લખે છે કે ‘પ’ શબ્દમાં પાલન-પોષણનો ભાવ છે. ફારસીનો પીર શબ્દ આપણે ત્યાં ઘણો પ્રચલિત છે. મહાત્મા, ધર્માત્મા, વરિષ્ઠ, પ્રમુખ વગેરેના અર્થમાં પીર વપરાય છે. સંસ્કૃત ગુરુમાં પણ એ જ ભાવ છે. અજીત કહે છે કે ફારસી પીર અને સંસ્કૃત પરમ અને પિતૃ વચ્ચે સંબંધ હોવો જોઈએ.

યુરોપિયન પિતૃવાચક પીટર શબ્દ આ પિતૃ અને પીરનું જ સ્વરૂપ છે. પ્રાચીન ગ્રીકમાં એ પેટર અથવા પેત્રોસ છે. પોર્ટુગિઝ અને સ્પેનિશમાં એ પેડ્રે છે. ઇસાઇ ચર્ચના પૂજારી માટેનો પાદરી શબ્દ પણ અહીંથી જ આવે છે. પીર, પિતા કે પાદરી આ તમામ શબ્દોનો અર્થ સન્માનીય, બુઝુર્ગ સંત અથવા પિતા થાય છે. આપણે ત્યાં ઇશ્વર પણ પરમ-પિતા કહેવાય છે.

અંગ્રેજી પેટ્રન (સંરક્ષક, પાલક) લેટિન પેટ્રોનસ પરથી આવે છે જેમાં પેટ્રોન સેઇન્ટ, સ્વામી, સરદારનો ભાવ છે. આના પરથી પેટ્રીઆર્ક શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે આચાર્ય, કુલપતિ, આદરણીય વૃદ્ધ વ્યક્તિ અથવા કુલપિતા. પિતૃસત્તાક વ્યવસ્થા માટે પેટ્રીઆર્કિ વપરાય છે. બાઇબલમાં માનવ વંશના જનક આદમને પેટ્રીઆર્ક કહેવાય છે. ગ્રીકમાં પિતૃભૂમિ (વતન) માટે પેટ્રીસ શબ્દ છે. એના પરથી અંગ્રેજીમાં પેટ્રીઅટ (દેશભક્ત) શબ્દ આવ્યો. એની સામે, જે દેશ છોડીને બીજા દેશમાં જઇ વસે તેને એક્સપેટ્રીઅટ કહેવાય.

ગ્રીકમાં પિતા માટે એક શબ્દ હતો પાપાસ, જેનો ઉપયોગ પાછળથી બિશપ (મોટો પાદરી) માટે થવા લાગ્યો. એના પરથી રોમના બિશપ અને કેથોલિક ચર્ચના વડા માટે પોપ શબ્દ આવ્યો. પોપ સંબંધી કોઇ બાબત માટે પેપલ શબ્દ છે. પોપ અને પાપા બંનેનો અર્થ પિતા થાય છે. અંગ્રેજીમાં પાદરી માટે ફાધર શબ્દ છે.

પિતૃનું ફારસી સ્વરૂપ પિસર અને પિદરમાં છે. જૂની ફારસીમાં પિયર શબ્દ પણ છે, જેનું રૂપાંતરણ પીરમાં થયું છે. આના પરથી અરબીમાં એક શબ્દ આવ્યો પીરજાદા, પંથપ્રમુખનો પુત્ર. આનો વિરોધી અને ગાલીપ્રદાન માટે વપરાતો શબ્દ છે હરામજાદા, જેના પિતાની નિશ્ચિત ઓળખ નથી તે. હરામ એટલે પ્રતિબંધિત. એટલે કે પ્રતિબંધિત, નાજાયજ સંબંધમાંથી પેદા થયેલું સંતાન.

ફારસીમાં પિતા માટે બાબા શબ્દ છે. પારસીમાં બાવા શબ્દ છે. બંગાળીઓ પિતા માટે બાબા શબ્દ વાપરે છે. આના પરથી ઇટાલિયન ભાષામાં પિતા માટે બાબો શબ્દ છે. ભારતમાં મુસ્લિમ શાસનના પગલે ધાર્મિક વ્યક્તિ માટે બાબા શબ્દ વપરાતો થયો. દાખલા તરીકે રામદેવ બાબા. બેબી, બાબો અને બાબા એક જ પંક્તિના શબ્દ છે. પિતાના એ બધા જ ભાવ આ ગીતમાં છે;

તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો, તુમ્હી હો, બંધુ સખા તુમ્હી હો

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1031,1041,1051,106...1,1101,1201,130...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved