Opinion Magazine
Number of visits: 9458198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશાની નિરાશા : શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 February 2023

પ્રશ્ન : તમારી ગમતી ફિલ્મ કઈ?

જે. ઓમ પ્રકાશની આશા અને રાજુકુમાર કોહલીની નાગિન.

પ્રશ્ન : લતા મંગેશકરનાં ગીતોએ તમારી કારકિર્દીમાં બહુ મદદ કરી હતી.

બહુ જ. આજે પણ લોકો ‘આશા’માં તેમના ગીત ‘શીશા હો યા દિલ હો’થી મને યાદ કરે છે.

પ્રશ્ન : એ ગીતમાં તમારા જીવનનું પ્રતિબિંબ છે?

મારાં આંસુ સુકાઈ ગયાં છે. હવે, હું દરેક મુસીબત સામે હસું છું.

તાજેતરમાં, એક્ટ્રેસ રીના રોય સાથે ફિલ્મ પત્રકાર સુભાષ ઝાની વાતચીતનો આ અંશ છે. કળા જીવનથી પ્રેરિત હોય છે કે કળાથી જીવન પ્રેરિત થાય છે તેને લઈને મતમતાંતર છે, પણ રીના રોયના કિસ્સામાં તો જાણે તેમની ફેવરિટ ફિલ્મ ‘આશા’ અને તેમનું અંગત જીવન જાણે સમાંતર ચાલ્યું હતું. એવી રીતે ફિલ્મની હિરોઈન આશા પ્રેમના સુખી સંસારથી વંચિત રહી જાય છે, તેવી રીતે રીના પણ અસલી જીવનમાં તેમના બે સૌથી મોટા પ્રેમ સંબંધમાં કામિયાબ રહી શક્યાં નહોતાં. 

રીના રોય

19 વર્ષની વયે, રીના રોયે બ્લોકબસ્ટર ફિલ્મ ‘કાલીચરણ’ (1976) આપી હતી. એમાં જ તેમનું નામ શત્રુઘ્ન સિંહા સાથે જોડાઈ ગયું. તેમની બીજી ફિલ્મ ‘વિશ્વનાથ’ પણ એટલી જ સફળ રહી હતી. શત્રુઘ્ન અને રીના બંનેની કારકિર્દી આ ફિલ્મોથી ઊંચકાઈ ગઈ હતી. શત્રુ તેમનાથી 11 વર્ષ મોટા હતા. બંનેના વ્યવસાયિક સંબંધો જલદીથી પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયા. 

શત્રુઘ્ન સિંહાનો એ વિચિત્ર સંબંધ હતો એવું કહીએ તો ખોટું નથી, કારણ કે એક તરફ તે રીના રોયના પ્રેમમાં હતા અને બીજી તરફ મોડેલ પૂનમ ચંદીરામાણી સાથે ફેરા ફર્યા હતા. સિનેમા જગતમાં એવી અફવા હતી કે રીના અને શત્રુઘ્ન લગ્ન કરશે, પણ પૂનમ સાથે લગ્ન કર્યા પછી પણ જાણે કશું બન્યું ન હોય તેમ શત્રુએ રીના સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. 

એ સ્કેન્ડલ એટલું ગાજ્યું હતું કે રીનાએ શરત મુકવી પડી હતી કે શત્રુઘ્ન જો તેમની સાથે લગ્ન નહીં કરે તો તે આઠ દિવસમાં બીજે લગ્ન કરી લેશે. એ “બીજે” એટલે પાકિસ્તાનનો ડેશિંગ ક્રિકેટર મોહિસીન ખાન. પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેસ્ટમેન મોહસિન ખાન જેટલો દેખાવમાં ય હિરો જેવો હતો. રીના અને મોહસિનનાં લગ્ન બોમ્બસેલ જેવાં હતાં. સિનેમા જગતમાં કોઈને આની ગંધ સુદ્ધાં નહોતી, પરંતુ શત્રુઘ્ન સિંહાની ‘બીજી પત્ની’ તરીકેનું સ્કેન્ડલ એટલું ગાજ્યું હતું કે રીનાએ તાબડતોબ પોતાનો આગવો સંસાર માંડી દીધો હતો.

ખાલી દેખાવનું આકર્ષણ કહો, ભારત-પાકિસ્તાનની અલગ રીત-ભાત કહો, સિનેમા-ક્રિકેટનું ગ્લેમર કહો કે પછી રીનાનો ભૂતકાળ કહો, મોહસિન સાથે શરૂઆતનાં વર્ષો તો સારાં ગયાં પણ એક દીકરી થયા પછી બંને વચ્ચે અંતર વધતું ગયું અને એ લગ્ન પણ તૂટી ગયાં. એવાં તૂટ્યા કે દીકરીનું નામ જન્નત હતું તેને બદલીને રીનાએ સનમ કરી નાખ્યું. દિલ હોય કે કાચ, એ તૂટી જ જાય છે એ વાત રીના માટે ફરી સાબિત થઇ હતી.

રીનાએ કહ્યું હતું કે મોહસિનની લાઈફસ્ટાઈલ અને લંડનમાં રહેવાનો તેનો આગ્રહ માફક આવ્યો નહોતો. મોહસિનનો લંડનમાં પણ બંગલો હતો અને તે ઈચ્છતો હતો કે રીના બ્રિટિશ નાગરિક બની જાય. નવાં નવાં  લગ્ન હોય એટલે મુંબઈ, કરાચી અને લંડન વચ્ચે વહેચાયેલું જીવન આકર્ષક લાગે પણ પછી પછી એવી લાઈફસ્ટાઈલ આકરી પડવા માંડી હતી.

એક જૂનાં ઇન્ટરવ્યૂમાં રીનાએ કહ્યું હતું, “હું મજબૂત સ્ત્રી છું. જીવનમાં બહાદુર રહેવું પડે. સંવેદનશીલ પણ છું, અને એટલે જ એક્ટર છું, પણ અસલ જીવનમાં હું મારા પરિવાર સુધ્ધાં સમક્ષ મારી લાગણીઓ જાહેર થવા દેતી નથી. હું નાની હતી ત્યારે પણ નારાજ થઇ હોઉં તો કોઈની સામે રડતી નહોતી. કુછ ભી સહન કર લો, બર્દાશ્ત કર લો, આંસુ નહીં લાના હૈ, એવું હું મને કહેતી હતી. હું કોઇની સામે રડતી નથી. સાચું કહું તો, કોઈ એવો દાવો ના કરી શકે કે તેમણે મને રડતાં જોઈ છે, ન તો મારા પરિવાર કે ન તો મારી દીકરી.”

અસલી જીવનની આ હકીકતના કારણે જ કદાચ રીનાને ‘આશા’ ફિલ્મ વધુ ગમતી હશે. ફિલ્મ રીના રોયના કારણે જ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી કારણ કે તેની ભૂમિકા દર્શકોની સહાનુભૂતિ મેળવી ગઈ હતી અને બીજું તેનું કર્ણપ્રિય સંગીત. 

‘આશા’(1980)ની કહાની, જે. ઓમ પ્રકાશની મોટા ભાગની ફિલ્મોમાં બંને છે તેમ, અત્યંત ઉતારચઢાવ વાળી હતી. ફિલ્મમાં દીપક (જીતેન્દ્ર) ટ્રક ડ્રાઈવર છે અને આશા નામની જાણીતી ગાયિકાને લિફ્ટ આપે છે. એમાં આશાને દીપક ગમવા લાગે છે. દીપકનાં લગ્ન માલા (રામેશ્વરી) સાથે થાય છે. એમાં દીપકને અકસ્માત થાય છે અને તે મરી ગયો એવું જાહેર થાય છે. માલા ઘર છોડવા મજબૂર થાય છે અને નદીમાં કૂદી પડે છે. એક મંદિરના લોકો તેને બચાવે છે પણ તેની આંખો જતી રહે છે. તે એક દીકરી દીપમાલાને જન્મ આપે છે.

દીપક જીવતો હોય છે અને ઘરે પાછો આવે છે. તેના જીવનમાં આશાની પણ વાપસી થાય છે. બંને રસ્તા પર મૂર્તિઓ વેચતી દીપમાલાના પરિચયમાં આવે છે. આશા માલાને પણ મળે છે અને તેની સારવાર કરે છે. તે માલાને પોતાના લગ્નમાં બોલાવે છે. ત્યાં માલાને ખબર પડે છે દીપક તો જીવતો છે. બીજી બાજુ દીપકને પણ ખબર પડે છે કે માલા જીવતી છે અને દીપમાલા તેની દીકરી છે. 

આશા છેલ્લી ઘડીએ લગ્ન રદ્દ કરે છે અને દીપકને તેની પત્ની અને દીકરી સાથે મિલાવે છે. આશા પાછી તેની ગાયકીની દુનિયામાં જતી રહે છે અને તેનું જાણીતું ગીત ગાય છે; શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ.

યોગનુયોગ જ હશે, પણ ‘આશા’માં જાણે રીના રોયના ભાવિ જીવનનો સંકેત હતો. ‘આશા’ (રિતીક રોશનના નાના) જે. ઓમ પ્રકાશની નિર્દેશક તરીકેની પાંચમી ફિલ્મ. એ પહેલાં તે આપ કી કસમ, આક્રમણ, અપના પન અને આશિક હું બહારો કા બનાવી ચુક્યા હતા. ‘અપના પન’માં તેમણે રીના સાથે પહેલીવાર કામ કર્યું હતું. એ ફિલ્મ એટલી સફળ રહી કે તે તેમણે રીના અને જીતેન્દ્રને ‘આશા’માં રિપીટ કર્યાં અને રીના સાથે ત્રીજી સફળ ફિલ્મ ‘અર્પણ’ બનાવી હતી. 

આ બધી જ ભૂમિકાઓ બહુ નાટ્યાત્મક હતી, જેમાં રીનાના ભાગે પ્રેમનું બલિદાન આવ્યું હતું. એક જગ્યાએ રીના કહે છે; “મારી માને ચિંતા થઇ આવી હતી. તે કહેતી, બેટા, ઇતની સેક્રિફાઇસ વાલે રોલ મત કરો, કહી હકીકત મેં તુમ્હારી જિંદગી ઐસી ન હો જાયે. હું દલીલ કરતી કે આ એવા તાકાતવર રોલ છે કે કોઈ પણ હિરોઈન સામેથી માગે. આશા, અપના પન અને અર્પણના રોલનું મારી કારકિર્દીમાં મોટું યોગદાન હતું.”

રીનાએ કહ્યું હતું, “શીશા હો યા દિલ … મારું જ નહીં, દુનિયાનું પ્રિય છે. સબ કા દિલ કઈ બાર તૂટા હૈ, ફિર જુડતા હૈ, ફિર તૂટતા હૈ. જીવન એવું જ હોય છે.”

પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 22 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ગાંધી’નાં ૪૦ વર્ષ, ગાંધી વિનાના સાડા સાત દાયકા

અશોક પટેલ|Opinion - Opinion|23 February 2023

ગાંધીજી એ ભારતની એક એવી વ્યક્તિ છે, જેને કેટલાક ભલે ગાળો દેતા હોય, પરંતુ તેમને અવગણી શકાય નહીં. તેમની આઝાદીની લડતમાં જે ભૂમિકા રહી છે, તેને ભૂલી શકાય નહીં. ખેર, આજે તો ગાંધીને ભુલાવી દેવાનો ઠીક ઠીક પ્રયાસ થાય છે, પરંતુ ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવા કે રાજઘાટ પર અંજલિ આપવાનું બંધ કરી શકાતું નથી. વિદેશની ધરતી પર પહોંચો તો પણ ગાંધીજીના સાંનિધ્યમાં જવું જ પડે, એવો તેમનો પ્રભાવ દુનિયાભરમાં રહ્યો છે. એક બે નહીં, દુનિયાના ૭૦ દેશોમાં ગાંધીજીની પ્રતિમા કે કોઈ ને કોઈ સ્મારક અસ્તિત્વ ધરાવે છે, ત્યારે તેમનું નવી પેઢીને ઘેલું લગાડનાર ફિલ્મ ‘ગાંધી’નાં ૪૦ વર્ષ થયાં છે, તો ગાંધી વિના દેશે સાડા સાત દાયકા ખેંચી કાઢ્યા છે, એ પણ કડવું સત્ય છે.

ગાંધીજીને ધીરે ધીરે દેશ ભૂલવા માંડ્યો છે, એમ તો કહી શકાય નહીં. તેમને ગાળો દેવા કે તેમના ઋણને યાદ કરવા માટે પણ ગાંધીજીનું નામ તો લેવું જ પડે એમ છે. હા, તેમણે દર્શાવેલાં મૂલ્યોનું હવે કમ સે કમ આપણા દેશમાં ધોવાણ થઈ ગયું છે. ગાંધીનાં મૂલ્યોની જાળવણી કરવામાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની વસ્તીમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ રહ્યા છે. એવા લોકોને પણ સલામ કરવી પડે કે તેઓ આજે એક દૃષ્ટિએ જોઈએ તો સામા પ્રવાહે તરી રહ્યા છે. ખેર, નૈતિક મૂલ્યોની વાત કરીએ તો ભારોભાર દંભ ભારતીયોમાં ભર્યો છે. તત્કાલિન વડા પ્રધાનશ્રીએ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી હતી, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ પણ એ નારો લગાવ્યો હતો, પરંતુ આજે પણ ભ્રષ્ટાચાર નાબૂદ થવાની વાત તો દૂર, ભ્રષ્ટાચાર ઘટ્યો એમ પણ કહી શકાય નહીં.

ગાંધી વિનાના સાડા સાત દાયકામાં આપણે ગાંધીજીને આપણા દંભનું રેપર બનાવીને રાખ્યા છે, એમ કહીએ તો ચાલે. આજે એવા ગાંધીવાદીઓ પણ રહ્યા નથી કે જે ખોંખારીને ગાંધીજીનાં મૂલ્યો માટે ઊભા થઈ જાય. વોટ્સ એપ યુનિવર્સિટીએ એવું ચિત્ર દોરી નાખ્યું છે કે ગાંધીજીને ગાળો દઈને જ નવી પેઢી ગૌરવ અનુભવે છે. તેનું કારણ એ જ કે, ગાંધીજી અંગે કોઈ વાંચતા નથી અને વિચારતા પણ નથી. આ ફાસ્ટ લાઈફમાં એટલું વાંચવાનો પણ સમય રહ્યો નથી. રાજકારણીઓ તો ગાંધીજીને અવગણી ન શકાય એટલે તહેવારોએ યાદ કરી લેતા હોય છે, ત્યારે ગાંધીજીને સમજવા માટે ફિલ્મનું માધ્યમ સબળ છે, એમ કહી શકાય. છતાં આજે તો ગાંધી પરની ફિલ્મ પણ ચાલે કે કેમ એ સવાલ છે. પરંતુ ચાલીસ વર્ષ પહેલાં ગાંધીજીને દુનિયા સમક્ષ મૂકવાનું એક સારું કામ બ્રિટિશ ફિલ્મ-કારે કર્યું હતું.

૩૦ નવેમ્બર, ૧૯૮૨ના રોજ ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગાંધી’ને ૪૦ વર્ષ પૂરાં થયાં છે. જો કે ચાર દાયકામાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. ‘ગાંધી’ ફિલ્મ ભારતમાં ૩૦ નવેમ્બર ૧૯૮૨ના રોજ રાજધાનીનાં રીગલ, કમલ અને વિવેક સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ત્રણેય થિયેટરો બંધ થઈ ગયાં છે અને માત્ર યાદોમાં જ જીવંત છે. અલબત્ત, ‘ગાંધી’ જોયા પછી વિશ્વે મહાત્મા ગાંધીને નજીકથી જાણવાનું વિચાર્યું. રિચર્ડ એટનબરોએ મહાન લેખક લુઈ ફિશર દ્વારા લખાયેલ ગાંધીજીના જીવનચરિત્ર ‘ધ લાઈફ ઑફ મહાત્મા’ પર આધારિત ‘ગાંધી’નું નિર્દેશન કર્યું હતું. જો એટનબરોએ લુઈ ફિશરે લખેલું ગાંધીજીનું જીવનચરિત્ર વાંચ્યું ન હોત તો શું ‘ગાંધી’ ફિલ્મ બની હોત ? ગાંધીજીની હત્યાનું દૃશ્ય બિરલા હાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું. સમગ્ર દૃશ્યને જીવંત કરવા માટે દિલ્હીની વિવિધ કૉલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા.

‘ગાંધી’ના શૂટિંગ પહેલાં, તેમાં ગાંધીની ભૂમિકા ભજવતા શક્તિશાળી અભિનેતા બેન કિંગ્સલીએ રાજધાનીમાં ગાંધીજી સાથે સંકળાયેલાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થાનો જોયાં અને અનુભવ્યાં હતાં. તેમણે દિલ્હીના પંચકુઈઆ રોડની વાલ્મીકિ બસ્તીથી બિરલા હાઉસ સુધી મુલાકાત લીધી હતી. બેન કિંગ્સલીએ એક સમયે કહ્યું પણ હતું કે, મેં ‘ગાંધી’ ફિલ્મ કરતા પહેલાં બાપુની લૂઈ ફિશરની જીવનકથા ઘણી વખત વાંચી હતી. તે વાંચીને મને બાપુ અને તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની જાણ થઈ. વારંવાર એ વાંચવાને કારણે જ હું મારા પાત્ર સાથે ન્યાય કરી શક્યો છું. ગાંધીજીના જીવન પર બનેલી ‘ગાંધી’ને આઠ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ ગાંધીજીના જીવન પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

ગાંધી ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, દરિયાગંજ પોલીસ સ્ટેશન વગેરેમાં પણ થયું હતું. ગાંધીજીની હત્યાનું દૃશ્ય રીલને બદલે વાસ્તવિક લાગે તે માટે હજારો લોકોને અંતિમયાત્રાનો ભાગ બનાવવામાં આવ્યા હતા. આ એક વિચિત્ર સંયોગ છે કે ગાંધી ફિલ્મની રાજધાનીમાં આઉટડોર શૂટિંગની તમામ વ્યવસ્થા કરનારા પ્રખ્યાત ફિલ્મ સર્જક સુરેશ જિંદાલનું તાજેતરમાં નિધન થયું છે. અલબત્ત, રાજધાનીમાં ગાંધી ફિલ્મના શૂટિંગને લગતા તમામ લોકેશન સુરેશ જિંદાલના પ્રયાસોથી મળી આવ્યા હતા.

ગાંધીની ભૂમિકા ફિલ્મ રિલીઝ થઈ તેના ઘણા સમય પહેલાં લખાઈ હતી. ગાંધીજીની જીવનકથા લખનાર અમેરિકન લેખક લૂઈ ફિશરે ૨૫ જૂન ૧૯૪૬ના રોજ દિલ્હીની મુલાકાત લીધી હતી. સફદરગંજ એરપોર્ટ પર પ્લેનમાંથી ઊતર્યા પછી, તે ટેક્સી દ્વારા સીધા જ જનપથ (તે સમયે ક્વીન્સ એવન્યુ) પરની ઇમ્પિરિયલ હોટેલ પહોંચ્યા હતા. ઇમ્પિરિયલ લોબીમાં જ પોતાનો સામાન મૂકીને ફિશર પંચકુઈઆ રોડ પરની હોટલમાં જવા નીકળી ગયા હતા. ફિશર સાંજે ૫ વાગે વાલ્મીકિ મંદિર પહોંચ્યા હતા, ત્યારે દિલ્હીના રસ્તાઓ પર આજના જેવો ટ્રાફિક ક્યાં હતો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પંડિત નહેરુ અને ઘણા લોકો ત્યાં હાજર હતા. થોડી વાર પછી બાપુ તેમના મંદિરના ઓરડામાંથી બહાર આવ્યા હતા. બાપુ તેને તરત ઓળખી જાય છે. તેઓ અમદાવાદમાં ફિશરને મળ્યા હતા. બંનેની મિત્રતા હતી. તેઓ ફિશરના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરે છે. લૂઈ ફિશરે ‘ધ લાઈફ ઓફ મહાત્મા’માં આ બધી બાબતોનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. આ વાંચીને જ રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી હતી.

(‘ગુજરાતગાર્ડિયન’માંથીસાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 09

Loading

ગુજરાતી ભાષાની જન્મજાત સર્જકતા (2)  

સુમન શાહ|Opinion - Literature|23 February 2023

મેં અગાઉના એક લેખમાં, ગુજરાતી ભાષાના આ બધા પ્રયોગો દર્શાવેલા : પેટ ‘ઠોકીને’ ખાધું : એ બાંગડને મારા ‘તાબામાં’ રાખીશ : સરખું વરત ને, શું ‘ગોથાંપિલ્લાં’ કર્યા કરે છે? : લોહી ‘પી’ ગ્યો : ‘ધૂનમાં ને ધૂનમાં’ હું એ બાજુ ચાલી ગયો : મારા બેડરૂમમાં આમ ‘ચોરપગલે’ નહીં આવવાનું : મારું ‘માથું’ ન ‘ખા’ : પેલાએ મનુને એવી ‘ફાચર’ મારી કે વાત પતી ગઈ : તેં ‘બાફ્યું !’ જોજે હવે તારી શી ‘વલે’ થાય છે.

એ દરેક પ્રયોગનું એક સાદું સંકેતવિષયક વિશ્લેષણ કરી શકાય. નમૂના દાખલ આ જુઓ એમ જણાવીને “પેટ ‘ઠોકીને’ ખાધું” વિશે મેં સંકેતવિષયક વિશ્લેષણ કરેલું.

પહેલાં કહ્યું હતું એમ એને કે આને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું વિશ્લેષણ ન ગણવા વિનન્તી છે. આજે આ પ્રયોગનું કરી જોઉં : — આકાશ પાતાળ એક કરો, હું કરીશ કરીશ ને કરીશ.

અહીં સંજ્ઞાઓ છે, આકાશ. પાતાળ. એક કરવું. હું. કરીશ.

આપણે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે ત્રણ ભુવન છે – આકાશ, મૃત્યુલોક, પાતાળ. ત્રણેયના સંકેતાર્થ મનુષ્યને જાણીતા છે, પણ અનુભવ તો એકલા મૃત્યુલોકનો જ છે.

મનુષ્ય જાણે છે અને અનુભવે છે કે પોતે એવા લોકમાં જીવે છે જ્યાં એનું, મનુષ્યમાત્રનું કે જીવમાત્રનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુનાં સ્થળ-કાળેય નિશ્ચિત છે પણ એને એની જાણ નથી.

Pic courtesy : Adobe stock

એવા મૃત્યુલોકનો અનુભવી અને એવો જાણકાર એ જણ એમ કહે છે કે – આકાશ પાતાળ એક કરો, હું કરીશ કરીશ ને કરીશ. એમ કહેતી વખતે એ શૂરાએ કદાચ ભાન ગુમાવ્યું હોય અથવા ભારોભારની સભાનતાથી જ બોલ્યો હોય. જેને સમ્બોધીને એ બોલ્યો તે એને સાંભળનાર વ્યક્તિ આકાશપાતાળને એક કરે તો દેખીતું છે કે એ શૂરો કચડાઈ મરે.

એને પાક્કી ખબર છે કે સાંભળનાર તો શું, મૃત્યલોકનો કોઈપણ મનુષ્ય આકાશ અને પાતાળને એક નહીં કરી શકે. સાંભળનારને પણ ખબર છે કે પોતે પણ કદ્દીયે એમ કરી શકવાનો નથી. ટૂંકમાં, વક્તા અને શ્રોતા બન્નેની શક્તિ બહારની વાસ્તવમાં એ એક અસંભવિત વાત છે.

પણ, વાસ્તવમાં સંભવિત વાત એ છે કે બન્ને જણા ‘એક કરવું’ એટલે શું કરવું તે બરાબર જાણે છે. એટલે, આકાશ અને પાતાળના એકત્રીકરણનું કામ બન્નેની કલ્પનામાં તો બને જ છે. કલ્પનામાં બને છે એનો મતલબ એ પણ છે કે પોતે મરવાનો નથી, પેલો એને મારી નાખવાનો નથી.

વાસ્તવમાં અસંભવિત વાતનું કલ્પનામાં સંભવિત થવું એવી અસામાન્યતાનો નિર્દેશ એ આ પ્રયોગમાં છુપાઇને બેઠેલી સર્જકતા છે.

આપણે તો નેટિવ સ્પીકર એટલે એના સમગ્ર સંકેતાર્થને સહજપણે જ આત્મસાત્ કરી શકીએ પણ પરભાષી માટે આ પ્રયોગ કશીક અગડંબગડં વાત બની જાય. એટલે જ હું એને ગુજરાતી ભાષાની ‘જન્મજાત’ સર્જકતા કહું છું.

એ અસામાન્યતા પર, કરીશ કરીશ ને કરીશ, એવો હથોડો ઠોકાય છે જે એ વ્યક્તિનો વાસ્તવિક સંકલ્પ છે. સમગ્ર પ્રયોગમાં ‘કરીશ’-નો ત્રણ વારનો ઉચ્ચાર એ સંકલ્પને દૃઢ કરે છે. અને ‘હું’ વડે ‘કરવું’-થી, ‘ટુ ડુ’-થી, વધારે શક્ય આ સંસારમાં કશું નથી.

હકીકતમાં કયા પ્રસંગ સંદર્ભે આ ઉક્તિ થઈ તે આપણે નથી જાણતા. પ્રૅગ્મેટિક્સને વરેલો વિશ્લેષક આપણને એ દિશામાં લઈ જઈ શકે.

= = =

(Feb 22, 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0921,0931,0941,095...1,1001,1101,120...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved