Opinion Magazine
Number of visits: 9563310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દિવસ 

ઉમેશ સોલંકી|Poetry|26 May 2023

એક દિવસ

અંધારાને પૂરતું ગૌરવ મળશે

અજવાળાનું ગૌરવ પ્રમાણસર બનશે

ધોળાનો ઘેરાવ ખૂલી જશે

કાળાશ થનગનાટ કરતી કૂદવા લાગશે

રમવા લાગશે દોડવા લાગશે

જે નથી થયું એ થશે

જે થવું જોઈએ એ થશે.

એક દિવસ

ન ગામમાં ફરતો ઘમંડ હશે

ન લાચારીનું ટૂંટિયું વળ્યું હશે

ન ગામ હશે

શહેર હશે

શહેરમાં વનની હવા હશે

છેક તળિયે ખૂંપી ગયેલામાં

બહારના ખુલ્લા અવકાશમાં

હાથ ફેલાવવાની હામ હશે

ના તારું હશે ના મારું હશે

જે હશે એની રીતે હશે.

ન ટોળું હશે

ન ટોળેદાર હશે

ઝઘડામાં ભરેલો પ્રેમ હશે

ન પ્રેમનો કોઈ પંથ હશે

વ્યક્તિ હશે

વ્યક્તિમાં પ્રકૃતિ હશે

પ્રકૃતિમાં

પાંદ હશે ડાળ હશે ઝાડ હશે

જ્યાં જુઓ ત્યાં ગમતું-ગમતું હશે

જીવન ક્યાંય ન કોઈને નડતું હશે

એક દિવસ.

લડ,

અંદર રાખી એક દિવસ.

e.mail : umlomjs@gmail.com

Loading

વાલને વખાણવા જેવા નથી ને ચણાને ચાખવા જેવા નથી ..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 May 2023

રવીન્દ્ર પારેખ

એવું જ છે – વાલને વખાણવા જેવા નથી ને … જો કે, ચણા હવે છોલે થયા છે ને વાલની ઘણાંને ખબર ન હોય એમ બને. મુદ્દો એ છે કે બેમાંથી કોઈ એક સારું હોય તો આશ્વાસન રહે, પણ બંને જ નામુકર જાય તો કહેવાનું થાય કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો … આ વાત કેન્દ્ર સરકાર અને વિપક્ષ સંદર્ભે યાદ આવી.

વાત એવી છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આવતી 28મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે ટેવ મુજબ વિપક્ષોએ હોબાળો એવો કર્યો છે કે દેશના વડા રાષ્ટ્રપતિ છે તો ભવનનું ઉદ્ઘાટન તેમને હસ્તે થવું જોઈએ. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા છે (એ પણ કમાલ છે કે રાષ્ટ્રના વડા મહિલા હોય ત્યારે તેને માટે યોગ્ય શબ્દ હજી આપણે શોધી શક્યા નથી ને મહિલાને પણ ‘રાષ્ટ્રપતિ’ તરીકે જ સંબોધીએ છીએ) ને વિપક્ષો એ હઠ લઈને બેઠાં છે કે ઉદ્ઘાટન તેમને હાથે જ થાય. શિવસેના(ઓદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે તો સ્પષ્ટ કહ્યું છે કે પોતાનું નામ તકતી પર ઉદ્ઘાટક તરીકે નોંધાય એટલે વડા પ્રધાન ઉદ્ઘાટન પોતાને હાથે થાય એવો આગ્રહ રાખી રહ્યા છે. આવી ઐતિહાસિક્તાનો મોહ વડા પ્રધાનને છે કે કેમ તે ખબર નથી, પણ વડા પ્રધાને પોતે સામે ચાલીને આ તક ઝડપી છે એ સાચું નથી. હકીકત એ છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું વિધિવત આમંત્રણ લોક સભાના હાલના સ્પીકર ઓમ બિરલાએ આપ્યું છે એટલે વડા પ્રધાને રાષ્ટ્રપતિનો હક માર્યો છે એવું કહી શકાશે નહીં. ખરેખર તો 18 મે ને રોજ લોક સભા સચિવાલય તરફથી બહાર પડેલાં નિવેદનમાં કહેવાયું છે કે વડા પ્રધાન આત્મનિર્ભર ભારતના પ્રતીક તરીકે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એનું આશ્ચર્ય જ છે કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટક તરીકે તો ઠીક પણ, સમારંભમાં ઉપસ્થિત રહેવાનું પણ આમંત્રણ નથી. વિપક્ષોને એમાં રાષ્ટ્રપતિનું અપમાન દેખાયું છે. એવો કોઈ ઇરાદો સરકારનો હોય તો તે બરાબર નથી. શક્ય હોય તો શાસકોએ રાષ્ટ્રપતિને આમંત્રણ આપીને ભૂલ સુધારી લેવી જોઈએ.

શાસકો ભૂલ સુધારે કે ન સુધારે, પણ વિપક્ષો રાષ્ટ્રપતિને આગળ કરીને પોતાનો રોટલો તો શેકી જ રહ્યા છે. લાગે છે એવું કે 140 કરોડનો મસમોટો તવો દેશમાં ચડાવી રખાયો છે ને લાગ મળે છે તો શાસકો પોતાનો રોટલો શેકી લે છે ને એ ખાલી પડે છે તો વિપક્ષો પોતાનો રોટલો શેકાવા નાખે છે. એ તો શેકાય ત્યારે શેકાય, પણ 140 કરોડનો તવો તો શેકાઈ શેકાઈને કોલસો થવા લાગ્યો છે તેનું ભાન કોઈને પડતું નથી એ દુ:ખદ છે. અત્યારે તો આખો દેશ શાસક અને વિપક્ષની અંગત પ્રવૃત્તિઓ પર જ નિર્ભર છે. એક તરફ વિપક્ષોને તોડી તોડીને શાસક પક્ષ પોતાનું કદ વધારવામાં પ્રવૃત્ત છે, તો વિપક્ષો ભેગા થઈને ય કોઈ સ્વસ્થ પ્રતિકાર કરી શકતા નથી તે પણ હકીકત છે. કર્ણાટકની હાર અને રાહુલ ગાંધીની યાત્રાથી ભા.જ.પ. ચિંતામાં છે જ, તો લો કસભાની ચૂંટણીમાં વિપક્ષો કૈં ઉકાળી શકવાના નથી તેવી શેખી પણ તે મારે છે, પણ નાનો તો ય રાઈનો દાણો એ વાત વિપક્ષો સંદર્ભે ભા.જ.પે. ધ્યાને લેવાની રહે જ છે. તે ધ્યાનમાં લે પણ છે, એટલે જ સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષને ફેર વિચારણા કરીને ઉદ્ઘાટનમાં જોડાવાનો અનુરોધ કર્યો છે.

ખરું તો એ છે કે ફેર વિચારણા સરકારે પણ કરવા જેવી છે, પણ એ તો કરે ત્યારે ખરી ! એટલું છે કે વિપક્ષો ન જોડાય તો પણ ઉદ્ઘાટન થશે ને રંગેચંગે થશે એમાં શંકા નથી. હા, 39માંથી કાઁગ્રેસ, તૃણમૂલ કાઁગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ જૂથ), સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સી.પી.આઇ., જે.ડી.યુ. જેવા 20 જેટલા વિપક્ષોએ જાહેર કર્યું છે કે તે ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે. વિપક્ષનું માનવું છે કે રાષ્ટ્રપતિને બદલે વડા પ્રધાન દ્વારા ઉદ્ઘાટનનો આગ્રહ લોકશાહી પર સીધો હુમલો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રપતિને સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવામાં આવે એવી દાદ માંગવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે લોક સભા સચિવાલયે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

વિપક્ષોને બીજો વાંધો 28મી તારીખનો પણ છે. એ અકસ્માત હોય કે કાવતરું, તે સરકાર જાણે, પણ 28 મે, વીર સાવરકરની જન્મતારીખ છે. વિપક્ષોને લાગે છે કે 28મીએ નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરીને ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકરની હિન્દુવાદી વિચારધારાને દેશ પર થોપવા માંગે છે. સાવરકરને અમર કરવાનો આ પ્રયત્ન વિપક્ષોને મંજૂર ન હોય તે સમજી શકાય એવું છે. ભા.જ.પે. સાવરકરને મુદ્દે તો કોઈ ફોડ પાડ્યો નથી, પણ વિપક્ષો એની તુલનામાં ક્યાં ય ટકે એમ નથી એવી શેખી તો મારી જ છે.

ચારેક વિપક્ષોએ પોતાની સ્થિતિ હજી સ્પષ્ટ કરી નથી, તો બીજી તરફ ભા.જ.પ. સહિત શિવસેના (શિંદે જૂથ), શિરોમણિ અકાલી દળ, તેલુગુ દેશમ પાર્ટી, એ.આઈ.એ.ડી.એમ.કે., બસપા જેવા 17 પક્ષોએ સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. એક તબક્કે એમ લાગતું હતું કે ઉદ્ઘાટનનો કાર્યક્રમ ભા.જ.પ.નો કે તેને સમર્થન આપતા પક્ષોનો જ કાર્યક્રમ બની રહેશે, પણ હવે અન્ય પક્ષો પણ તેમાં જોડાય એમ લાગે છે. એ ખરું કે ભવનના ઉદ્ઘાટનને મામલે બંધારણના નિષ્ણાતોનો મત જુદો પડે છે. તેમનું કહેવું છે કે આ ઉદ્ઘાટન બંને ગૃહોના સ્પીકર ઓમ બિરલા ને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કરવું જોઈએ. એવું પણ થાય એમ લાગતું નથી. મત કોઈ પણ પડે, પણ ઉદ્ઘાટન વડા પ્રધાન જ કરશે એ નિશ્ચિત છે.

કાઁગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તો માને જ છે કે ઉદ્ઘાટનની વિધિ રાષ્ટ્રપતિને હસ્તે જ સંપન્ન થવી જોઈએ. આ વાત કરતી વખતે કાઁગ્રેસ એ વાત સિફતથી ભૂલી જાય છે કે ઓગસ્ટ 1975માં સંસદ એનેક્સી બિલ્ડિંગનું બાંધકામ પૂરું થયું ત્યારે તેનું ઉદ્ઘાટન તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું, એ ઉપરાંત સંસદ લાઇબ્રેરી 1987માં બની ત્યારે તેનું ઉદ્ઘાટન તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતું. તો, કયે મોઢે કાઁગ્રેસ કહે છે કે ઉદ્ઘાટન વડા પ્રધાને ન કરતાં રાષ્ટ્રપતિએ જ કરવું જોઈએ? જોવાની ખૂબી એ છે કે કાઁગ્રેસ વિરોધ ને બચાવ એક સાથે કરે છે. બચાવ એ રીતે કે તે વખતના કાઁગ્રેસી વડા પ્રધાનોએ કરેલાં ઉદ્ઘાટનો તો નાનાં યુનિટનાં હતાં, તો સવાલ એ થાય કે એ યુનિટો એટલાં જ નાનાં હતાં તો બબ્બે વડા પ્રધાનો ઉદ્ઘાટનની લાલચ રોકી કેમ ન શક્યા? જો એવી નાની તક તેઓ જતી ન કરી શક્યા હોય તો વર્તમાન વડા પ્રધાન નવાં સંસદ ભવનનું ઉદ્ઘાટન કરે તેમાં બંધારણનો ભંગ થાય છે કે રાષ્ટ્રપતિના અધિકારનું ઉલ્લંઘન થાય છે – જેવું ડહાપણ ડહોળવાની કાઁગ્રેસે જરૂર ખરી? બીજી તરફ ભા.જ.પ. પણ દલીલ કરે છે કે એ વડા પ્રધાનોએ ઉદ્ઘાટનો કર્યાં તો હાલનાં વડા પ્રધાન ઉદ્ઘાટન કેમ ન કરે? આવી વાતો પણ છોકરમતથી વધારે કૈં નથી. પક્ષ કે વિપક્ષ, બંને, ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે-ની જેમ જ વર્તે છે. વિપક્ષ છે તો વિરોધ જ કરવો ને શાસક છે તો વિપક્ષને લેખામાં ન જ લેવો એ ન્યાયે આખો કારભાર ચાલે છે.

ઉદ્ઘાટન તો નિમિત્ત છે, પણ પક્ષ કે વિપક્ષ કેવળ સત્તામાં રહેવા કે આવવા જે કરવું પડે એ સિવાયનો બીજો કોઈ હેતુ ધરાવતા નથી. આટલા વિપક્ષો છતાં, એટલી ક્ષમતા બધા મળીને પણ દાખવી શક્યા નથી કે શાસક પક્ષે ચેતીને ચાલવું પડે. કેમ એ સ્થિતિ ઊભી નથી થતી? તે એટલે કે નાના સ્વાર્થો જ એટલા છે કે દેશ હિતનો વિચાર કરીને કોઈ પણ સમસ્યાને વ્યાપક સંદર્ભે જોવાની દૃષ્ટિ જ વિપક્ષો પાસે નથી. એને કારણે દરેક વિપક્ષ પોતાની સત્તાનું જ વિચારે છે. સત્તા વગરનો બીજો વિચાર જ એની પાસે નથી. આ સ્થિતિ હોય ત્યાં વિપક્ષી એકતાની કલ્પના જ કેવી રીતે થાય? સબળ વિપક્ષ જ સત્તા પર આવતો હોય છે ને નબળો વિપક્ષ તો વિપક્ષમાં બેસવાની લાયકાત પણ સમય જતાં ગુમાવે છે. એની સામે સત્તાધારી પક્ષ જે રીતે વર્તે છે તે પણ શરમજનક છે. તેને ખબર છે કે દરેક પક્ષમાં થોડા કરોડથી પક્ષ છોડીને ખેંચાઈ આવનારા સ્વમાન વગરના લાલચુઓ છે જ. તે રૂપિયા ફેંકીને સામેનો પક્ષ તોડે છે ને પોતાનો પક્ષ મજબૂત કરે છે. જેમને લાગે કે પોતાની ડિપોઝિટ પણ પાછી આવે એમ નથી એ પક્ષ છોડીને સત્તાધારી પક્ષમાં પદ કે પૈસાની લાલચે દોડે છે ને સત્તાના પાયા મજબૂત કરે છે. ભા.જ.પ.નું જયાં શાસન નથી ત્યાં ફૂટ પડાવીને સત્તા હાંસલ કરવાના પ્રયત્નો થાય છે. જ્યાં એ શક્ય નથી ત્યાં સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને, વટહુકમ લાદીને પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયત્ન પણ થાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર ભા.જ.પ.ની હોય ને રાજ્ય સરકાર ‘આપ’ની હોય એનો આઘાત લાગે જ, પણ એ વ્યક્ત કરવાની રીતોમાં ક્યાં ય કોઈ સિદ્ધાંત, કોઈ નીતિ, કોઈ આદર્શ જણાતાં નથી. જો કે, સિદ્ધાંત કે આદર્શ તો વિપક્ષમાં પણ ક્યાં જોવા મળે છે? એટલે જ કહેવાનું થાય કે વાલને વખાણવા જેવા નથી ને ચણાને ચાખવા જેવા …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 મે 2023

Loading

મહિલાઓને પીરિયડ લીવ આપવી વાજબી છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|25 May 2023

ચંદુ મહેરિયા

વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવાની માંગણી કરતી જાહેર હિતની અરજી, સરકારની નીતિ વિષયક બાબત ગણાવી, સર્વોચ્ચ અદાલતે સુનાવણી માટે સ્વીકારી નથી. જો કે  અન્ય પી.આઈ.એલ.માં સુપ્રીમ કોર્ટે માસિકસ્રાવ દરમિયાનની સ્વચ્છતા અંગે સમાન રાષ્ટ્રીય નીતિ ઘડવા અને તમામ સ્કૂલ ગર્લ્સને વિના મૂલ્યે સેનેટરી પેડ આપવા નિર્દેશ આપ્યો છે. તેને કારણે માસિકસ્રાવ, મોનોપોઝ, પીરિયડ લીવ અને સેનેટરી નેપકિન જેવી શરમ અને સંકોચને કારણે ભાગ્યે જ જાહેરમાં ચર્ચાતી બાબતો સપાટી પર આવી છે.

મલયાલમ લેખક પી. ભાસ્કર રુન્નીના પુસ્તક ‘કેરલ ઈન નાઈનટીન્થ સેન્ચુરી’માં ઈ.સ. ૧૯૧૨માં કેરળના કોચીન રજવાડાના (હાલનો અર્નાકુલમ જિલ્લો) ત્રિપુનથુરા ગામની સરકારી કન્યા શાળાએ વાર્ષિક પરીક્ષામાં પણ મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પીરિયડ લીવ આપી હોવાનો ઉલ્લેખ છે. સોવિયત સંઘે ઈ.સ. ૧૯૨૨માં નેશનલ પોલિસી થકી મહિલા કામદારોને માસિકસ્રાવની રજા આપી હતી. આ તો હવે સદી પુરાણી વાત થઈ.

પણ નવેમ્બર ૧૯૯૧માં મુખ્યત્વે કેન્દ્રના ધોરણે પગાર અને પગાર વિસંગતતા નાબૂદી માટેના બિહારના સરકારી કર્મચારીઓના આંદોલનની એક ગૌણ માગણી મહિલા કર્મચારીઓને માસિકસ્રાવની પીડાના દિવસોની સવેતન ખાસ રજા આપવાની હતી. માધ્યમોએ ગંવાર તરીકે ચિતરેલા લાલુપ્રસાદ યાદવ તે સમયે બિહારના મુખ્ય મંત્રી હતા. કર્મચારી આગેવાનો સાથે મંત્રણાના મેજ પર લાલુપ્રસાદે પીરિયડ લીવની માંગણી ક્ષણના ય વિલંબ વિના સ્વીકારી લીધી હતી. અને ૧૯૯૨ની પહેલી જાન્યુઆરીથી તેનો અમલ થઈ રહ્યો છે.

પછાત, સામંતી અને બીમારુ રાજ્ય બિહારના મહિલા કર્મચારીઓ લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પીરિયડ લીવ મેળવે છે. પરંતુ ભારતનું એકેય પ્રગતિશીલ, વિકસિત કે વાઈબ્રન્ટ રાજ્ય જમાના કરતાં આગળના બિહારના આ પગલાંનું અનુકરણ કરી શક્યું નથી. (અપવાદરૂપે હજુ હમણા કેરળની સામ્યવાદી સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની છાત્રાઓને પીરિયડ લીવ આપવાનું ઠરાવ્યું છે) એટલે દુનિયાના લગભગ એકાદ ડઝન દેશોમાં મહિલાઓને માસિકસ્રાવના દુખાવા માટે ખાસ રજા મળે છે અને તાજેતરમાં સ્પેનની સંસદે આ માંગ સ્વીકારતાં તે પીરિયડ લીવ આપનારો  પહેલો યુરોપિયન દેશ બન્યો છે. તેની યાદ ભારતને આપવાનો અર્થ નથી.

તમામ મહિલાઓ દર મહિને એકાધિક દિવસોની માસિકસ્રાવની પીડા ભોગવે છે. એક મહિલા તેની જિંદગીના કુલ વરસોમાંથી સરેરાશ દસ વરસ કે ત્રણ હજાર પાંચસો દિવસ માસિકની પીડા વેઠે છે. તેમાં બે વરસનો ગાળો તો ભારે મુશ્કેલ હોય છે. તેમાં અસહ્ય પીડા, દર્દ અને રક્તસ્રાવ સહેવા પડે છે. આ વિષયના એક વિદેશી નિષ્ણાતના મત પ્રમાણે માસિકનો દુ:ખાવો હ્રદય રોગના હુમલા જેટલો હોય છે. માસિકના દિવસોમાં લગભગ ૨૦ ટકા મહિલાઓ તો ચાલી પણ શકતી નથી. મહિલાઓ જે શારીરિક-માનસિક મુશ્કેલીઓ ભોગવે છે તેમાં માથું, પેટ અને પગનો દુખાવો, શરીરમાં કળતર, ઊલટી, તાવ, ચક્કર , ચીડિયાપણું, બેચેની, મૂડ ખરાબ હોવો, ઊંઘ અને ભૂખ ઘટવાં જેવી બાબતોનો સમાવેશ થાય છે.

મહિલાઓને આ દિવસોમાં આરામની સખત જરૂર હોય છે એટલે જો તે આ સમયે કામ કરે તો કામને અને મહિલાને બંનેને અસર થાય છે. તેને કારણે કામની ગુણવત્તા જોખમાય છે અને ઉત્પાદન ઘટે છે. જો માસિકના દુખાવાની પીડાના સમયે તેને રજા કે આરામ મળે તો પછીના દિવસોમાં તે વધુ સારી રીતે કામ કરી શકે છે અને ધાર્યું ઉત્પાદન થઈ શકે છે. એટલે મહિલા અને નોકરીદાતાના લાભમાં છે કે તેને આરામ કે રજા મળે.

કામગરા દેશની વાજબી છાપ ધરાવતા જાપાનમાં ૧૯૪૭થી મહિલાઓને પીરિયડ લીવ આપવામાં આવે છે. માસિકસ્રાવ અને તેની પીડા એક જૈવિક પ્રક્રિયા છે. મહિલાઓ આ દિવસો અને તેની પીડા વિશે ખુલીને પુરુષકર્મી સાથે સહજતાથી વાત કરી શકતી નથી. ઘણી મહિલાઓ રજોનિવૃત્તિકાળની મુશ્કેલીઓને કારણે નોકરી છોડે છે. દેશમાં સરેરાશ ૫૭.૬ ટકા મહિલાઓ જ સેનેટરી પેડ વાપરે છે. બાકીનાને તે પોસાય તેમ નથી તેથી તેઓ હાથવગા ઉપાય કરે છે. દેશની શ્રમિક અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પીડા વેઠીને પણ કામ કરવું પડે છે. નહીં તો તેને ભૂખે મરવું પડે છે.

આમ પણ સવેતનિક કામ માટે મહિલાઓની પસંદગી ઓછી જ થાય છે. ૧૯૬૧ના માતૃત્વ લાભ અધિનિયમ પ્રમાણે મહિલાકર્મીને પ્રસૂતિ, ગર્ભપાત, ફેમિલીપ્લાનિંગ સર્જરી જેવા કારણોસર પેઈડ લીવ આપવી નોકરીદાતાને ગમતી નથી. જો તેમાં પીરિયડ લીવ ઉમેરાય તો મહિલાઓને શાયદ નોકરીએ જ ના  રાખે .. આ સૌથી મોટો ગેરફાયદો છે. જાપાનમાં કાયદા છતાં પાત્રતા ધરાવતી ૦.૯ ટકા મહિલાઓ જ પીરિયડ લીવનો લાભ લે છે. તે હકીકત પણ નજરઅંદાજ કરવા જેવી નથી.

જો કે સ્ત્રી-પુરુષ સમાનતાની દૃષ્ટિએ આ માંગનો વિરોધ યોગ્ય નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે, બાળક્ને જન્મ આપે છે, માસિક્ની પીડા વેઠે છે. આ કશું ય પુરુષને ભાગે આવતું ના હોઈ સમાનતાની આડ લેવી યોગ્ય નથી. માસિકની રજા મહિલાઓનો કાનૂની અને માનવીય અધિકાર છે અને તે તેમને આરામ અને રાહત આપશે તે નિર્વિવાદ છે. દેશની દોઢ ડઝન ખાનગી કંપનીઓ અને બિહાર રાજ્ય જો પીરિયડ લીવ આપતાં હોય તો બીજા પણ આપી શકે.

પીરિયડ લીવના મુદ્દે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે. સંસદમાં આ અંગેના બે બિનસરકારી વિધેયકો પર સરકારનો અભિગમ નકારાત્મક હતો. લોકસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રવર્તમાન કાયદાનો હવાલો આપીને માંગ નકારી છે. તો આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે માસિકસ્રાવને સામાન્ય શારીરિક પ્રક્રિયા ગણાવીને ગંભીર પીડા કે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું છે તેમ જણાવી રજાની માંગણી ઈન્કારી છે. કેરળના ઉચ્ચ શિક્ષણ મંત્રી આર. બિન્દુ માસિકના ગાળાને મહિલાઓ માટે ઈમોશનલ રોલર કોસ્ટર જેવો ગણાવે છે ખરા પણ રજા તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પૂરતી જ આપે છે !

મહિલાઓની માસિક્સ્રાવની રજાની માંગ સ્વીકારીને સરકાર કદાચ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં મહિલાલક્ષી સવલતો અને સુધારા કરવામાંથી મુક્તિ મેળવી લેશે. વળી બહુ મોટો ગરીબ મહિલાઓનો વર્ગ તો તેમાંથી બાકાત હશે. સિંદૂર, કાજલ, ચાંદલો જેવા મહિલા સોંદર્યપ્રસાધનના સાધનો જી.એસ.ટી. મુક્ત હોય પણ સેનેટરી નેપકિન જી.એસ.ટી.યુક્ત હોય તેવી સરકારી નીતિ અને માસિક્સ્રાવની જૈવિક પ્રક્રિયાને પણ ધર્મ સાથે જોડી માસિકધર્મ તરીકે ઓળખાવતા સમાજ સામે મહિલાઓએ અનેક મોરચે લડવાનું છે. એટલે સરકારસહિતના સમગ્ર સમાજની સંવેદનશીલતા જરૂરી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0881,0891,0901,091...1,1001,1101,120...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved