Opinion Magazine
Number of visits: 9565022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય પરિષદમાં લોકશાહીનું સ્થાન ઠોકશાહીએ લીધું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 June 2023

રવીન્દ્ર પારેખ

એ અત્યંત દુ:ખદ છે કે 118 વર્ષ જૂનું ગુજરાતી સાહિત્ય પરિષદનું લોકશાહી માળખું ધ્વસ્ત થઈ ગયું છે ને તેમાં ઠોકશાહી દાખલ પડી ગઈ છે. આમ કહેવાનું એટલે થયું છે કે કુલ 12 સભ્યો(જેમાં ત્રણ કવયિત્રીઓ)ને પરિષદ પ્રમુખ પ્રકાશ ન. શાહે પરિષદમાંથી રુખસદ આપી દીધી છે. રુખસદ એટલે આપી કે આ સભ્યોએ ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યક્રમોનું આમંત્રણ સ્વીકારીને વક્તાની કે અન્ય ભૂમિકાઓ ભજવી. આમ તો અકાદમી અને પરિષદ સાહિત્યની અને પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિઓ કરે છે, પણ અકાદમી સ્વાયત્ત સંસ્થા નથી અને પરિષદ અત્યાર સુધી લોકશાહી ઢબે સક્રિય રહી છે, એટલો ફરક છે બંનેમાં. બંને સાહિત્યની પ્રવૃત્તિઓ કરે છે, પણ પરિષદનો હોદ્દેદાર કે મધ્યસ્થ સમિતિનો સભ્ય અકાદમીના કોઈ કાર્યક્રમમાં જઇ ન શકે એવું પરિષદે ઠરાવ્યું છે, તે એટલે કે અકાદમી સ્વાયત્ત નથી.

અકાદમી સ્વાયત્ત હોય તેનો કોઈ વાંધો નથી. પૂર્વ ઉપપ્રમુખ તરીકે આ લખનારે અન્ય ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ સાથે તે વખતના મંત્રી નાનુ વાનાણીને, મુખ્ય મંત્રીની અકાદમી સંદર્ભે મુલાકાત ગોઠવી આપવા સંમત કરેલા, પણ તે વખતના પરિષદ પ્રમુખ ચંદ્રકાંત ટોપીવાળાએ બંને ઉપપ્રમુખોને એમ કહીને નિરાશ કરેલા કે આમ મંત્રીને મળવાની જરૂર ન હતી. સ્વાયત્તતા મુદ્દે પરિષદનું જડ વલણ એ હદે હતું કે જાણીતા સર્જક ચિનુ મોદીની શોકસભામાં પણ પરિષદ એટલે ન જોડાયેલી, કારણ, એમાં અન્ય સંસ્થાઓની જોડે અકાદમી પણ હતી. એ આયોજન ગૂજરાત વિદ્યાપીઠનું હતું, પણ પરિષદ ત્યારે પણ શોકસભામાં ન જોડાઈને મૃત્યુનો મલાજો જાળવવાનું ચૂકી હતી. કદાચ 2007માં પરિષદમાં અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ઊઠયો અને અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવી માંગ તે પછી તીવ્ર બની. કેટલાક પ્રમુખોના વખતમાં અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે એવી આચારસંહિતા લાગુ કરવામાં આવી કે અકાદમીના કાર્યક્રમોમાં પરિષદના પદાધિકારીઓએ કોઈ ભૂમિકા ન સ્વીકારી ને વિરોધ પ્રગટ કરવો. વળી અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો બંધારણીય મુદ્દો ન હતો એટલે એ જે તે પ્રમુખની ઈચ્છા પર જ નિર્ભર રહ્યો. એક તબક્કે એવું પણ ઠરાવાયું કે અકાદમીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારે પરિષદ કે અકાદમીમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે.

એક વાત સ્પષ્ટ છે કે પરિષદમાં કોઈ પણ પદ પર જે તે સાહિત્યકાર લોકશાહી ઢબે ચૂંટણી લડીને આવે છે. પદ પર આવ્યા પછી જે તે સભા વખતે સભ્યો પોતાને ખર્ચે ઉપસ્થિત રહે છે. એ સભ્યો પરિષદમાંથી કોઈ પગાર કે ભથ્થું લેતા નથી. આમાંના કેટલાંક સભ્યો પરિષદના કોલેજના અધ્યાપકો પણ છે. તેમણે કોલેજમાં મોટે પાયે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી હોય તો અકાદમીની સહાય લેવી પડે છે. એવી સહાય માટે પરિષદ અપવાદરૂપે જ આગળ આવતી હશે. એ સ્થિતિમાં અકાદમીનો બહિષ્કાર કરીને અકાદમીની સહાય મેળવવાનું મુશ્કેલ જ બને. આવે વખતે પરિષદ નમતું જોખવાની સ્થિતિમાં ન હોય તો સભ્યોએ પરિષદ છોડ્યે જ છૂટકો થાય. એ રીતે હમણાં રુખસદ અપાઈ તેમ અગાઉ પણ રુખસદ આપીને પરિષદે પોતાનો અહમ પોષ્યો છે. કેટલાક કિસ્સામાં સભ્યો પણ એવા ચતુર નીકળ્યા છે કે અકાદમીના કાર્યક્રમમાં જઇ આવે અને પરિષદમાં દિલગીરી વ્યક્ત કરીને જે તે પદ જાળવી રાખે. આ વખતે બાર સભ્યોને વર્તમાન પ્રમુખે, ગયા રવિવારે મળેલી પરિષદની મીટિંગમાં રુખસદ આપવાનું ઠરાવ્યું. એમાં સફ્ળતા મળે એટલે પરિષદે ગઈ 12 મેને રોજ પગલાં સમિતિનું આગોતરું આયોજન પણ કરી રાખેલું. જો કે, પગલાં સમિતિ રચવાનું પગલું બંધારણીય નથી, તે એટલે કે મધ્યસ્થ સમિતિ સર્વોપરી ગણાય છે ને આ સમિતિ મધ્યસ્થની જાણ બહાર રચાઈ છે. તે એટલે પણ હોય કે તરફેણ કરનાર સભ્યોને આમેજ કરીને ધાર્યું પરિણામ મેળવી શકાય.

ગમ્મત તો એ છે કે જેમને રુખસદ અપાઈ, એમના અકાદમીમાં જવાથી પરિષદને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. બીજું, અકાદમીને સ્વાયત્ત કરાવવાની પરિષદની કોઈ બંધારણીય ફરજ કે ગરજ નથી. અકાદમીની સ્વાયત્તતા પરિષદનો એક મુદ્દો સો ટકા હોઈ શકે, પણ તે જીવનમરણનો એવો મુદ્દો નથી કે સભ્યોને રુખસદ આપીને પરિષદનું જ કદ ઘટાડવું પડે. એ પણ સ્પષ્ટ નથી કે અકાદમીની સ્વાયત્તતા, સભ્યોને રુખસદ આપવાથી જ હાંસલ કરી શકાય એવું કયા આધારે પરિષદને લાગે છે? અકાદમીની સ્વાયત્તતાની જીદમાં પરિષદે પોતાના જ સભ્યોને ગુમાવીને એકાંગી ને સંકુચિત વૃત્તિનો જ પરિચય આપ્યો  છે. એક તબક્કે અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ઠરાવો કે નિયમો થયા હોય તો પણ, તે બદલી જ ન શકાય એવું નથી. નિયમો હાલના કેટલા સભ્યોને માન્ય છે એ અંગે ગુપ્ત મત મેળવીને પણ નિર્ણય બદલી કે દ્રઢાવી શકાય. હાલના જે નિયમો છે તે પણ ‘આદેશાત્મક’ નથી બલકે કેવળ સૂચનો છે અને તેના અમલનો અધિકાર દરેક વ્યક્તિના સ્વાતંત્ર્ય પર છોડાયેલો છે.’ એવું તે વખતના મહા મંત્રી પ્રફુલ્લ રાવલે 5/12/2015ના પત્રમાં સ્પષ્ટ કરેલું છે. જો આ આદેશાત્મક નથી તો પરિષદ 12 જણાંને નિર્મમ રીતે રુખસદ આપે એ માત્ર ને માત્ર લોકશાહીની વિરુદ્ધ છે.

એ પણ છે કે આ લેખનો વિરોધ કરવો હોય તો તે પરિષદ માટે અઘરી બાબત નથી, સામસામે દલીલો થઈ શકે, પણ વિનંતી એ છે કે પરિષદના પ્રમુખથી માંડીને તમામ પદાધિકારીઓ રાગદ્વેષ બાજુ પર મૂકીને આત્મનિરીક્ષણ કરે. અકાદમીનો બચાવ કરવાનું અહીં અપેક્ષિત નથી જ, પણ પરિષદ એ કઇ રીતે ભૂલી શકે કે અકાદમીની આર્થિક સહાયથી તેનાં ઘણાં લક્ષ્યો પાર પડ્યાં છે. આ સહાય મેળવી ત્યારે પણ અકાદમી સ્વાયત્ત ન હતી. એ પણ તપાસવાની જરૂર છે કે અકાદમીની સહાય વગર હવે કેટલાં ને કેવાં લક્ષ્યો પાર પડી રહ્યાં છે? એ પણ ચકાસી લેવું જોઈએ કે પરિષદે અકાદમીનો મુદ્દો હાથ પર લીધો તે પછી પરિષદની પ્રવૃત્તિઓ અગાઉ ચાલતી હતી એવી જ ગતિએ ચાલે છે કે તેમાં ફેર પડ્યો છે?

સ્વાયત્તતા સંદર્ભે પ્રયત્નો થયા હશે, પણ આજ સુધીમાં અકાદમીનો કાંગરો ય ખર્યો નથી એ સૂચક છે.  ખરેખર તો પરિષદે જાહેરમાં લોકસમર્થન સાથે આગળ આવવું જોઈએ. એ દિશામાં ખરેખર કૈં થયું છે કે પોતાનાં માણસોને રુખસદ આપવાથી જ અકાદમીની સ્વાયત્તતા હાંસલ કરી શકાશે એવું પરિષદને લાગે છે? જે ગતિ પરિષદે અત્યારે પકડી છે તે પોતાની સ્વાયત્તતા દાવ પર લગાવનારી વિશેષ છે. પોતાનાં ઘર પર પાબંદીઓ લાદીને સામેનું ઘર સ્વાયત્ત ન કરાય એટલું સમજી લેવાનું રહે. પરિષદ અકાદમીનો મુદ્દો ભલે કરે, પણ પોતાનાં માણસો પર પાબંદીઓ લાદીને કુંઠિત મનોદશાનો પરિચય ન આપે એ અપેક્ષિત છે. એવું કરવાથી અકાદમી સ્વાયત્ત થઈ શકતી હોત તો આટલાં વર્ષોમાં થઈ જ હોત, કારણ પાબંદીઓ લાદવાનું તો વર્ષોથી ચાલે છે. બીજી તરફ અકાદમીએ પરિષદ માટે કે તેનાં સભ્યો માટે આજ સુધી એવી સૂગ દાખવી નથી કે અમુક તમુક સભ્ય પરિષદનો છે તો તેનો બહિષ્કાર કરવો. આ પછી પણ પરિષદને લાગતું હોય કે પોતાનું અસ્તિત્વ અકાદમીની સ્વાયત્તતા વગર શક્ય જ નથી, તો તેણે બંધારણમાં એવી જોગવાઈ કરવી કે જે અકાદમીની સ્વાયત્તતામાં નથી માનતા તે પરિષદના સભ્ય થવાને કે તેની કોઈ ચૂંટણી લડવાને પાત્ર નથી. આમ થશે તો જે અકાદમી સિવાયનું વિચારે છે એને પરિષદ તરફ ફરકવાનું કોઈ કારણ નહીં રહે.

એનું આશ્ચર્ય જ છે કે એપ્રિલ, ‘23નાં ‘પરબ’નું ટાઇટલ પેજ પણ મુદ્રાલેખ હોય તેમ અકાદમીને નામ થયું, આવી પંક્તિથી-‘ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની પુન:સ્થાપના એ જ સહુનું લક્ષ્ય’. આમ કરીને પરિષદ, અકાદમી સામેની તકરાર બહાર લઈ જવાને બદલે કુલડીમાં જ ગોળ ભાંગે છે. અકાદમી સામેની લડત પ્રભાવી નહીં નીવડે એવી પરિષદને ખાતરી હશે એટલે જ કદાચ પોતાનાં સભ્યોને પરાણે એમાં જોડવાની કોશિશ કરે છે. પગલાં સમિતિ પણ સભ્યોને રુખસદ આપવા સિવાયનો હેતુ ધરાવતી હશે તો અકાદમીની સ્વાયત્તતા માટે પ્રયત્નશીલ રહેશે. અકાદમીની સ્વાયત્તતા સિવાયના પણ ઘણાં કામો થઈ શકે એમ છે, પણ એ દિશામાં સક્રિયતા ઓછી જ છે. જેમ કે, પરિષદનાં વિસ્તરણનું કામ પરિષદને સૂઝતું જ નથી. ગુજરાતની વસતિ 6 કરોડથી વધુ છે, પણ પરિષદના સભ્યો સાડાચાર હજાર પણ નથી. એમાં પણ ચૂંટણીમાં 1,200 મતો પણ માંડ પડે છે. મતલબ કે આખું માળખું 33 ટકાથી પણ ઓછા મતે રચાય છે. આખા ગુજરાતમાંથી પાંચેક હજાર સર્જકો ને સાહિત્યરસિકો પણ પરિષદનાં સભ્ય ન હોય એનો સંકોચ પરિષદને નથી. પરિષદનું વિસ્તરણ ન થાય કે તેનાં સભ્યો ન વધે એ, એટલે પણ હોય કે અમદાવાદનું વર્ચસ્વ જળવાઈ રહે. આ લખનારે વિસ્તરણ અંગે ધ્યાન ખેંચવાની ઘણી કોશિશો કરી છે, પણ 118 વર્ષેય પરિષદને અમદાવાદની બહાર એક શાખા ખોલવાની ઈચ્છા થઈ નથી. પરિષદની માનસિકતા એ રીતે પણ સંકીર્ણ છે કે અધિવેશનો અને જ્ઞાનસત્રો નિમિત્તે તે અમદાવાદની બહાર જાય છે, પણ આસપાસના સમિતિ સભ્યો બહુમતીમાં હોવા છતાં, એક અધિવેશન 65થી વધુ વર્ષ થવા છતાં, અમદાવાદમાં યોજી શકી નથી.

માતૃભાષા દિવસ નિમિત્તે ઉજવણું થાય છે ખરું, પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થઈ રહી છે કે બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં જ હજારો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તેની સાથે કોઈ નિસ્બત ન હોય તેમ પરિષદ નિસ્પૃહી થઈ શકે છે. પુસ્તક પ્રકાશનમાં આવેલી ઓટ અને ‘પરબ’નું સાહિત્ય અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. ટૂંકમાં, ક્યારે ય ન ખૂટી હોય એટલી તટસ્થતા ને ગુણવત્તા અત્યારે પરિષદમાં ખૂટતી અનુભવાય છે. ઈચ્છીએ કે તેની સજીવતા ગુજરાતને વ્યાપકપણે અને ઊંડાણથી સ્પર્શે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જૂન 2023

Loading

રાજકારણ જ્યાં નિષ્ફળ જાય, અંધશ્રદ્ધા ત્યાં સફળ જાય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 June 2023

રાજ ગોસ્વામી

સાધુઓ અને ગુરુઓના દેશ ભારતમાં આજકાલ એક નવા બાબા, ધીરેન્દ્ર ક્રિષ્ણ શાસ્ત્રી, સમાચારોમાં છે. તેઓ બાઘેશ્વર બાબાના નામથી પ્રચલિત છે. મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં ‘બાગેશ્વર ધામ’ના તે પીઠાધિપતિ છે. તેઓ તેમની ચમત્કારિક શક્તિને લઈને ચર્ચામાં છે. અલગ-અલગ લોકોએ તેમને પડકાર્યા છે. તેમનું કહેવું છે કે બાબા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે. બાબા અને તેમના અનુયાયીઓ આવા લોકોને સનાતન ધર્મ વિરોધી ગણાવે છે. બાબા જ્યાં જાય છે ત્યાં અસંખ્ય લોકો આવે છે. બાબાનાં એ ‘દર્શન’ દિવ્ય દરબાર તરીકે ઓળખાય છે. આજકાલ તેઓ ગુજરાતના પ્રવાસે છે.

હિન્દુ ધર્મમાં મોક્ષનો અર્થ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનો છે. એના માટે ત્રણ માર્ગ છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. આ ત્રણેય માર્ગ પર જવા માટે શુદ્ધતા, સંયમ, સત્યતા, અહિંસા અને કરુણા પૂર્વશરત છે. કોઇપણ વ્યક્તિ આ ત્રણેમાંથી કોઇ એક માર્ગ પર પૂર્વશરત પ્રમાણે ચાલીને પરમ તત્ત્વમાં ભળી જઇ શકે છે, અને પુનર્જન્મના ક્રમમાંથી છૂટી શકે છે.

આધ્યાત્મિક જીવન એ વ્યક્તિગત પુરુષાર્થનું પરિણામ છે. એના માટે કોઇ તારણહારની ન તો જરૂર છે કે ન તો એવો કોઇ તારણહાર છે. આત્મબળ વગર ઉદ્ધાર શક્ય નથી એ હિન્દુ ધર્મનો કેન્દ્રવર્તી વિચાર છે. હિન્દુ ધર્મ માને છે કે માનવ આત્મા પ્રકૃતિના લૌકિક અસ્તિત્વમાં ફસાયેલો છે, અને એ અસ્તિત્વમાં એ તેનાં કર્મોનું નિર્માણ કરે છે. જ્યાં સુધી એ કર્મબદ્ધ છે ત્યાં સુધી એ પુનર્જન્મ લેતો રહે છે. સુખ-દુ:ખ અને સારાં-નરસાં કર્મોની આ નહીં અટકતા ચક્રમાંથી મુક્ત થવાનો જે માર્ગ બતાવે તે ધર્મ.

એ અર્થમાં આપણે ત્યાં ધર્મનો શબ્દશ: અર્થ થાય છે ‘પથ’. ત્યાં કોઇ મદદગાર નથી, કોઇ સંગાથ નથી. એ એક એકલવાયી યાત્રા છે. જે. કૃષ્ણમૂર્તિ નામના પ્રખર વિચારકે, તેમના નામની આસપાસ ઊભા થયેલા ઓર્ડર ઑફ ધ સ્ટાર નામના સોનાની ખાણ સમાન સંગઠનને રાતોરાત વિખેરી નાખતી વખતે કહ્યું હતું, “સત્ય એક દુર્ગમ ભૂમિ છે. કોઇપણ રસ્તેથી, કોઇપણ ધર્મથી, કોઇપણ સંપ્રદાયથી એ ભૂમિ પર જઇ શકાતું નથી.” કૃષ્ણમૂર્તિને થિયોસોફિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાએ ક્રાઇસ્ટ અને મૈત્રેયી(બુદ્ધ)ના અવતાર તરીકે ઘોષિત કરેલા. આ અવતારની ભૂમિકાને કાયમ માટે ફગાવી દેતી વખતે તેમણે ઉપરની વાતમાં કહેલું, “ટ્રુથ ઇઝ અ પાથલેસ લેન્ડ.” સત્ય માર્ગ રહિત છે.

તો પછી, ભારતમાં લાખો-કરોડો લોકો બાબાઓમાં કેમ એક તારણહારને જુવે છે અને તેમના અનુયાયી બની જાય છે? કારણ કે તેમને મોક્ષ નથી જોઈતો, તેમને રોજીંદા જીવનમાં આવતી મુસીબતોનો ઉકેલ જોઈએ છીએ.

આપણે લોકોના વિશ્વાસને ભલે અંધશ્રદ્ધા ગણીને હસી કાઢીએ, પરંતુ ભારતના લોકોમાં અનેક પ્રકારની આર્થિક, સામાજિક, પારિવારિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ હોય છે. આપણી સરકારો અને આપણી સામાજિક વ્યવસ્થાઓ અમુક સમસ્યાઓનો ઉપાય કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે એટલે લોકો ન છુટકે ચમત્કારો અને ચમત્કારીઓના શરણે જાય છે.

2016માં, મથુરામાં રામ વૃક્ષ યાદવ નામના એક બાબાના અનુયાયીઓ પોલીસ સાથે અથડામણમાં ઉતરી પડ્યા એમાં 27 લોકોનાં મોત થયાં હતાં. 2014માં, હરિયાણા પોલીસ સામે અથડામણમાં ઊતરેલા સતલોક આશ્રમના સ્થાપક બાબા રામપાલે, પોતાને કબીરના અવતાર ગણાવીને જાહેર કરેલું કે હિન્દુ ત્રિમૂર્તિ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા મિથ્યા-દેવ છે, અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને સાચા-ઈશ્વરનો (સત્પુરુષનો) રસ્તો પોતે રામપાલ છે. હજારો ભક્તોને એમાં વિશ્વાસ પડી ગયેલો, અને રામપાલ જે દૂધમાં નહાતા હતા એમાંથી બનેલી ખીરને ચમત્કારી માની પી જતા હતા. આ લોકો જ મરવા અને મારવા પણ તૈયાર થયા હતા.

2011માં, પંજાબના નિર્મલ બાબા તેમના ટેલિવિઝન સંગમ મારફતે લોકપ્રિય થયા હતા. એ સંગમનું 50 જેટલી ચેનલો પર પ્રસારણ થતું હતું અને બાબાના ઓનલાઈન અનુયાયીઓની સંખ્યા 5 લાખ હતી. તેમના સંગમમાં હજારો લોકો તેમનાં દુઃખ-દર્દ લઈને આવતા હતા. 2017માં, સાધુઓની શીર્ષ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે 17 નકલી બાબાઓની યાદી જાહેર કરી હતી. આ તમામ બાબાઓના અનુયાયીઓની સંખ્યા હજારોથી લઈને લાખોમાં હતી. આ બધા તેમની ચમત્કારિક શક્તિથી તેમના શ્રદ્ધાળુઓનાં દુઃખ-દર્દ દૂર કરતા હોવાનો દાવો કરતાં હતા.

ભારતના લોકોને, પારંપારિક કારણોસર, ચમત્કારોમાં ઘણો વિશ્વાસ હોય છે. તેમને લાગે છે કે જેની પાસે ચમત્કારની શક્તિ હશે તે તેમને દુઃખમાંથી બહાર કાઢશે. આધ્યાત્મિકતા અથવા ધર્મ અને ચમત્કારને કોઈ સંબંધ નથી એ સૌને ખબર છે, તેમ છતાં એ પણ એક હકીકત છે કે આઝાદીનાં 70 વર્ષ પછી પણ ભારતના કરોડો લોકોની બુનિયાદી સમસ્યાઓ ઉકેલાઈ નથી એટલે લોકો ચમત્કારના દરબારોમાં માથું નમાવા જાય છે.

પંજાબમાં રામ રહીમ સિંહ ઇન્સાનની લોકપ્રિયતા ચરમસીમા પર હતી, ત્યારે સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથને એકવાર કહ્યું હતું કે, “સિંહ જેવા ગુરુઓનો ઉદય એ વાતની સાબિતી છે કે પરંપરાગત રાજકારણ અને ધર્મ મોટી સંખ્યાના લોકોને સંતોષ આપવામાં નિષ્ફળ ગયા છે. પરિણામે લોકો બિનપરંપરાગત ધર્મ પાસે જઈને સન્માન અને સમાનતા ઈચ્છે છે. આવું આધુનિક વિશ્વના ઘણા લોકતાંત્રિક દેશોમાં થયું છે.”

ભારતમાં કરોડો લોકોને તેમના રાજકારણી, ડોક્ટર, શિક્ષક કે પરિવારના વડીલમાં જેટલો વિશ્વાસ નહીં હોય તેના કરતાં વધુ વિશ્વાસ નજીકમાં આવેલા બાબામાં હશે. એમ તો ઘરમાં ઈશ્વરની મૂર્તિ સામે પણ પ્રાર્થના કરી શકાય છે, પરંતુ ત્યાં સામે ઈશ્વરનો કોઈ પ્રતિભાવ નથી આવતો, એ એકતરફી સંવાદ છે. ગુરુના દરબારમાં ગુરુ તાબડતોબ જવાબ આપે છે એટલે તેની પ્રાર્થના વધુ ‘ફળદાયી’ લાગે છે. આમ પણ, ગુરુઓ એ જ ઈશ્વરના પ્રતિનિધિ બનીને આવ્યા હોય છે, જેની સાથે ઘરમાં એકતરફી સંવાદ થાય છે.

ઇશ્વર મનુષ્યની પાપમુક્તિ માટે પ્રત્યક્ષ (કે સંદેશવાહક મારફતે) વ્યવહાર કરતા નથી, એવું કૃષ્ણમૂર્તિ જેવા અનેક આધ્યામિક પુરુષો કહી ગયા છે, પણ એ તો ભણેલા-ગણેલા, બુદ્ધિશાળી અને વૈજ્ઞાનિક અભિગમવાળા માણસોને ગળે ઉતરે એવી વાત છે. પામર માણસોને એવું નોંધારાપણું પોષાતું નથી. તેમને તો એક એવા નેતાની (પછી તે રાજકારણનો હોય કે કોઈ સંપ્રદાયનો) જરૂર હોય છે જે તેમને આશ્વાસન આપે કે, “બેટા, ચિંતા મત કરો, સબ ઠીક હો જાયેગા.”

બાવાઓ-ગુરુઓ-સંતો-મહારાજોની આવી એક સામાજિક ભૂમિકા હોય છે. સામાન્ય માણસો એમની સામાજિક-પારિવારિક જરૂરિયાતો અને મજબૂરીઓના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જિંદગી ત્યજીને પ્રાયશ્ચિત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી હોતી. એમને રક્ષણ જોઇએ છે, એમને ‘પુણ્ય’ જોઇએ છે, એમને સ્વર્ગ જોઇએ છે, એમને કરેલાં કર્મોમાં માફી જોઇએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનનાં દર્શન અને ભગવાનની કૃપા જોઇએ છે.

નિર્મલબાબાઓ આવી રીતે જ સમોસા અને ચાની સાથે ‘સ્વર્ગ’ અને ‘સુખ’ વહેંચતા હોય છે.

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 28 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અને હવે અમૃત ભારતમાં એક નવું ઉપાખ્યાન : જય સેંગોલ !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 June 2023

સેંગોલની સ્થાપનાનું કોઈ લૉજિક દેખાતું નથી 

પ્રકાશ ન. શાહ

લાગે છે, એમને નેહરુ શાસનની કળ હજુ વળી નથી. સુવાંગ પોત્તીકી, બિલકુલ પદરની એટલે કે પદરની જ સરકારનાં નવ નવ વરસે પણ કશુંક કરવા (અને કશુંક ન કરવા) એમને જવાહરલાલની જરૂર પડ્યા જ કરે છે.

કદાચ, જે નવું કથાનક (નેરેટિવ) એમને રચવું છે એને માટે આગલાને અહીંતહીં અન્યથા ઝૂડવા બાબતે તેઓ બંધાણી હશે ?

ગમે તેમ પણ, વાર્તામુદ્દોય એમને મહાભારતના એકાદા ઉપાખ્યાન શો આ આઝાદીના અમૃતવર્ષોમાં રૂડો જડી આવ્યો – સેંગોલનો સ્તો. અને એકવાર આવું કશુંક વાનું હાથ લાગ્યું પછી ઝાલ્યા રહે એ બીજા. લાગ મળ્યો નથી કે મૌસમ હૈ ઇવેન્ટાના.

2014માં આપણે વડા પ્રધાનને સંસદભવનની પહેલી પાયરીએ ઝૂકી, સ્પર્શી પ્રવેશતા જોયા જ હતા. વેપારી માણસના દુકાન પ્રવેશ કરતાં વધારે સારી સરખામણી જો કે, રંગભૂમિના કલાકાર સાથેની છે. રંગદેવતાને નમ્યા વગર તે મંચ પર ચઢતો નથી. આ વખતે સેંગોલ નામની જે નવઘટના બની આવી એમાંયે વડા પ્રધાનને સાષ્ટાંગ પ્રણિયાત મુદ્રાની જે સંધિ આવી મળી એનો કસ એમણે કાઢ્યો તે કાઢ્યો.

હવે ઝાઝું ન વહી જતાં થોડું સેંગોલને વિશે ને મિશે. ઉપરાછાપરી બે દિવસે, 24મી અને 25મી મે ના રોજ, ગૃહ પ્રધાન અમિત શાહે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પત્રકાર પરિષદો યોજી સેંગોલ ઉપાખ્યાન વ્યાસ કરતાં થોડીક જ ઓછી વિગતે આપ્યું. દક્ષિણની પ્રાચીન રાજવટમાં પેઢાનપેઢી ઉત્તરાધિકારીને અપાતો રાજદંડ તે સેંગોલ. 1947ના ઓગસ્ટની 14મીએ, 15મીની ઉંબરમિનિટોમાં જવાહરલાલને પણ સેંગોલ અપાયો હતો. પૂરા પાંચ ફૂટનો, ચાંદી પર સોનાના ઢોળનો સાથે નંદી સમેતનો એ દંડ હતો. વાર્તા પ્રમાણે, માઉન્ટબેટનની પૃચ્છાથી જવાહરલાલે ચક્રવર્તી રાજગોપાલાચારીના પરામર્શપૂર્વક સેંગોલનું આયોજન કર્યું અને દક્ષિણથી ધર્મપુરુષો ઊડીને આવ્યા. માઉન્ટબેટન કને, પછી પવિત્ર જળછાંટણા સાથે મધરાતની મિનિટો પૂર્વે નાદસ્વરમની સંનિધિમાં વિધિવિધાનપૂર્વક જવાહરલાલને સેંગોલ સુપરત કર્યો અને એ રીતે સત્તાંતરણ પાર પડ્યું. અહીં સુધી તો ઉપાખ્યાન મારા ભૈ ઠીક ચાલ્યું, પણ પછી પાઘડીનો વળ છેડે અગર તો ‘મૉરલ ઓફ ધ સ્ટોરી’ આવી પડ્યું : આવો મહત્ત્વનો રાજદંડ સંસદને બદલે અલાહાબાદમાં (પદરના ગરાસ પેઠે) મ્યુઝિયમ ભેગો થઈ ગયો અને પંચોતેર પંચોતેર વરસ ગુમનામીમાં રહ્યો. નેહરુને આપણી સંસ્કૃતિ સામે આટલી ‘દાઝ’ શા સારું.

જોવાનું એ છે કે આ આખી વારતા, વિશ્વવાયરલ થઈ ગઈ અને જેમાં હાલના નટોએ નેહરુ-રાજાજી વગેરેની ભૂમિકા કરી હોય એવા થયેલા નહીં થયેલા સંવાદો સાથે વીડિયો સુદર્શન ચક્ર કરતાં સહેજ વધારે વેગે વાચકની જેમ ફરી વળ્યા. યુ.પી.એસ.સી. અને આઈ.એ.એસ.ના પરીક્ષા લક્ષી ફોરમો પર પણ બધું અંકિત થઈ ગયું. માઉન્ટબેટન આર્કાઇવ્ઝ, નેહરુ પેપર્સ, રાજાજી પેપર્સ કશે પણ પાછોતરી અસરથી 24-25 મેના જે કથાનકો રચાયાં એના આધિકારિક પુરાવા નથી.

સઘળી સ્રોતસામગ્રીની તપસીલ તો અહીં નથી આપતો. વાત માત્ર એટલી જ છે કે, સ્વરાજ હરખને સૌને હોય તેમ ચોક્કસ મઠને ય થયો હતો. જવાહરલાલે જેમ સૌના તેમ એનાં પણ વધામણાં સ્વીકાર્યાં હતા. પણ તે કોઈ સત્તાવાર સત્તાંતર વિધિ નહોતો, કેમ કે રાજગાદીએ આવતા વારસનો અહીં કોઈ સવાલ નહોતો. તેથી હવે સેંગોલને મ્યુઝિયમમાંથી ઉપાડી સ્પીકરના આસન જોડે સ્થાપવાનું કોઈ લૉજિક નથી.

સત્ય અને પુરાવા બેઉ એકબીજાથી નિરપેક્ષપણે, રાજદ્વારોની સર્વોચ્ચ પાયરીએથી ચાલે એને વિશે શું કહેવું, સિવાય કે ન્યૂ નોર્મલ. વિકલ્પે, અનુસત્ય પણ, એમ તો, કહી શકીએ હજુ હમણે જ સોલ્ઝેનિત્સિન વિશે લખતાં કહ્યું હતું  તે સાંભરે છે : આજે જે ઉદ્યમ ચાલે છે તે સત્તાવાર ધોરણે એક ચોક્કસ રાજકીય કથાનક ખડું કરવાનો છે. આ સત્તાવાર કથાતન સાથે પ્રચારતંત્રવશ નાગરિકમાત્ર તેને પાયેલી પાણી પોવે છે અને દેખાડ્યું દેખે છે …

અને હા, પાયેલું પીવું ને દેખાડ્યુ દેખવું, એ એને પોતાનો ‘નિર્ણય’ લાગે છે. ચોમ્સ્કી કહેશે કે ‘મેન્યુફેક્ચર્ડ કન્સેન્ટ.’

e.mail : prakash.nireekshak@gmail.com

Loading

...102030...1,0821,0831,0841,085...1,0901,1001,110...

Search by

Opinion

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved