Opinion Magazine
Number of visits: 9667174
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંપ્રત મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા નથી ઊઘાડી લૂંટ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2023

રમેશ ઓઝા

૧૯મી સદીમાં જ્યારે સમાજવાદી વિચારધારાના અંકુર ફૂટ્યા, એ વિચાર વ્યાપક સ્વીકાર પામવા લાગ્યો અને ૧૯૧૭માં રશિયામાં સામ્યવાદી ક્રાંતિ થઈ, ત્યારે સામે પક્ષે દલીલ કરવામાં આવી કે મૂડીવાદના પાયામાં વ્યક્તિનો સ્વાર્થ છે અને સ્વાર્થમાં સમજદારી હોય છે. માણસ પોતાનું કલ્યાણ જુએ છે અને શક્ય એટલા લાંબા સમય સુધી પોતાનું કલ્યાણ જળવાઈ રહે એવો તે પ્રયત્ન કરે છે. તે મુર્ઘીનાં ઈંડાંથી સંતોષ માનશે, ઈંડાં દેનારી મુર્ઘીને ખાઈ નહીં જાય. તે મુર્ઘીનું પોષણ પણ કરશે. ટૂંકમાં તે પોતાના લાંબા ગાળાના સ્વાર્થ માટે બીજાનું શોષણ કરશે તો સાથે પોષણ પણ કરશે. તેઓ બીજી દલીલ એ કરતા હતા કે સ્વાર્થ માણસને ઉદ્યમશીલ બનાવે છે. માણસ પોતાનાં પેટ માટે અને સુખાકારી માટે દોડતો રહે છે. સમાજવાદમાં સરકારી અંકુશોના કારણે અને વ્યક્તિ પાસે મહેનત કરવા માટે ખાસ કોઈ અંગત કારણ હોતું નથી એટલે ઉત્પાદકતા ઘટે છે. એની રેન્ડ નામની એક જમાનાની ખ્યાતનામ રશિયન લેખિકાએ તો ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફીશનેસ’ નામનું સ્વાર્થનો મહિમા કરનારું પુસ્તક લખ્યું હતું અને ખૂબ વખણાયું હતું.

૧૯૯૦નાં વર્ષોમાં પહેલાં પૂર્વ જર્મનીમાં, એ પછી પૂર્વ યુરોપના બીજા દેશોમાં અને છેવટે રશિયામાં સામ્યવાદનું પતન થયું ત્યારે તેને સ્વાભાવિક માનવામાં આવ્યું હતું. સ્વાર્થ એટલે કે સ્વનું હિત એ પ્રચંડ ચાલકબળ છે અને એ જ ઉદ્યમ અને ઉત્પાદકતાનું કારણ છે. માટે સામ્યવાદના પતનને મૂડીવાદીઓએ મૂડીવાદના વિજય તરીકે ઓળખાવ્યો હતો. ફ્રાન્સીસ ફૂકુયામા નામના સાંપ્રત યુગના ખ્યાતનામ સમાજશાસ્ત્રીએ તો ‘એન્ડ ઓફ હિસ્ટરી’ની ઘોષણા કરી દીધી હતી. હવે વાદ-પ્રતિવાદ અને એમાંથી સર્જાતા નવા વાદ અને ફરી નવા વાદ સામે પ્રતિવાદના સદીઓથી ચાલ્યા આવતા ઐતિહાસિક ક્રમનો અંત આવશે. એન્ડ ઓફ હિસ્ટરી દ્વારા તેઓ એમ કહેવા માગતા હતા કે મૂડીવાદનો અંતિમ વિજય થઈ ચુક્યો છે અને હવે તેની સામે પ્રતિવાદની કોઈ સંભાવના બચી નથી.

પણ અત્યારે મૂડીવાદનો જે ચહેરો નજરે પડી રહ્યો છે એ જોઇને હવે ફ્રાન્સીસ ફૂકુયામાં કહે છે કે મૂડીવાદના ઈલાજ તરીકે સમાજવાદ પાછો આવશે. હિસ્ટરીનો અંત નહીં આવે. એની રેન્ડનું ૧૯૮૨માં અવસાન થયું હતું. તેઓ જો અત્યારે હયાત હોત તો તેઓ સ્વાર્થનો મહિમા કરવા માટે શું કહેત એ કલ્પનાનો વિષય છે.

કેવો છે મૂડીવાદનો સાંપ્રત ચહેરો? એવું શું નજરે પડી રહ્યું છે જેની એની રેન્ડ, ફૂકુયામાં અને તેમના જેવા બીજા જમણેરી વિચારકોએ અને અર્થશાસ્ત્રીઓએ કલ્પના કરી નહોતી? રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે: ‘સેવ કેપીટાલીઝમ ફ્રોમ કેપીટાલીસ્ટ.’

મૂડીવાદના બે વરવા ચહેરા છે જેની કલ્પના તેમણે કરી નહોતી. સમાજવાદ / સામ્યવાદમાં રાજ્ય અર્થતંત્ર પર કબજો કરે છે અને પરિણામે ઉત્પાદકતાને હાની પહોંચાડે છે એનો અનુભવ જગતે વીતેલી સદીમાં કર્યો હતો. અત્યારે બીજા છેડાનો અનુભવ થઈ રહ્યો છે. મુઠ્ઠીભર મૂડીપતિઓએ રાજ્ય પર કબજો કર્યો છે જે આર્થિક સમાનતા તો બાજુએ રહી મૂડીની વહેંચણી, રોજગારી અને લોકકલ્યાણને હાનિ પહોંચાડે છે. તેઓ સરકારી સંસાધનોને લૂંટે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પોતાનો સ્વાર્થ લાંબાગાળા સુધી જળવાઈ રહે એ માટે મૂડીવાદીઓ શિક્ષણ અને આરોગ્ય જેવી લોકકલ્યાણની પવૃત્તિ માટે રૂપિયા ખર્ચશે એમ જે માનવામાં આવતું હતું એની જગ્યાએ ઊલટું થઈ રહ્યું છે. તેમણે લોકકલ્યાણની પ્રવૃત્તિને જ ધંધામાં ફેરવી નાખી છે. શિક્ષણ અને આરોગ્ય ધંધાનો વિષય બની ગયા છે. સરકારે લોકકલ્યાણનાં પ્રયાસો છોડી દીધા છે અને તેને મૂડીપતિઓને ધંધો કરવા માટે આપી દીધા છે. મધ્યકાલીન યુરોપમાં રાજ્ય (શાસન /શાસકો) જે રીતે ચર્ચ સામે લાચાર હતું એમ અત્યારે મૂડીપતિઓ સામે લાચાર છે.

મૂડીપતિઓને હવે શોષણ અને લૂંટ સામે પ્રજાકીય વિદ્રોહ કે વિસ્ફોટનો ડર નથી રહ્યો એ સાંપ્રત મૂડીવાદનું બીજું પાંસુ છે. તેમણે શાસક (રાજકીય પક્ષો અને નેતાઓ), પ્રશાસન (પોલીસ ન્યાયતંત્ર વગેરે) અને મીડિયા દ્વારા લોકમાનસ પર કબજો કરી લીધો છે. વ્યાપક ઊહાપોહ કરવા માટે કોઈ જગ્યા જ રહેવા દીધી નથી. નેતા-શાસક, પોલીસ, જજ અને પત્રકાર એમ ચારેય ખિદમતમાં હોય તો ડરવાપણું ક્યાં રહ્યું? હવે હળવે હળવે, આંચકો ન લાગે એમ, સંપત્તિનો સંગ્રહ નજરમાં ન આવે એમ, બધું ધીરેધીરે કરવાની જરૂર નથી. હવે માનવતાવાદી દેખાવા માટે એક હિસ્સો ગરીબો માટે દાનરૂપે કાઢવાની જરૂર નથી. હવે સમાજવાદની તુલનામાં મૂડીવાદ કેટલો દેશ માટે ઉપયોગી નીવડી શકે એમ છે અને સમાજવાદ કેટલો નુકસાનકારક છે એની દલીલો પેશ કરવાની જરૂર નથી.

શાસકો ભડવીર હોવાનો દેખાવ એટલા માટે કરે છે કે શાસકો લાચાર છે અને ભડવીર હોવાના દેખાવ દ્વારા તેઓ પોતાની લાચારી છૂપાવે છે. તમે કદાચ નોંધ્યું હશે કે જગત આખામાં સમાજવાદ, મૂડીવાદ, વિકાસ, પર્યાવરણને બહુ નુકસાન ન પહોંચાડે એવો સંતુલિત તેમ જ ચિરંજીવ વિકાસ, વિકસિત દેશો, વિકાસશીલ દેશો, ગરીબ દેશો અને તેનાં પ્રશ્નો તેમ જ જવાબદારીઓ, સંપત્તિની ન્યાયી વહેંચણી, કલ્યાણરાજ વગેરે પ્રજાકીય સરોકારના પ્રશ્ને કોઈ ચર્ચા જ નથી થતી. તેની જગ્યાએ સર્વત્ર દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, મહાન પરંપરા, જે તે ધર્મની કે વંશની તેમ જ તે પ્રજાની સર્વોપરિતા, ઇતિહાસનાં હિસાબકિતાબ, રુદન અને લલકાર વગેરે ચાલી રહ્યું છે. અને આવું અલગ અલગ સ્વરૂપમાં જગત આખામાં ચાલી રહ્યું છે.

લાંબાગાળાનું હિત જોનારો સ્વાર્થ સ્વભાવત: સંયમી અને વિવેકી હોય છે એવું જમણેરી અર્થશાસ્ત્રીઓ આપણને જે સમજાવતા હતા એ વાત ખોટી સાબિત થઈ છે. મૂડીવાદનો આજે જે ચહેરો નજરે પડી રહ્યો છે એ ભૂખાળવો છે અને અધીરો છે. મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા હોય છે, પણ અત્યારના મૂડીવાદના કેન્દ્રમાં ઉત્પાદકતા નથી, ઊઘાડી લૂંટ છે. આપનારાઓને, આપનારાઓ અને લેનારાઓ પર નજર રાખનારાઓને અને ન્યાય કરનારાઓને મેનેજ કરી લેવામાં આવ્યા છે. હવે બોલનારાઓની કે ઊહાપોહ કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. તેમનો અવાજ લોકો સુધી નહીં પહોંચે અને લોકો પાછા સોશ્યલ મીડિયા પર વ્યસ્ત છે મસ્ત છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

પણ સમાજ સ્વભાવત: પરિવર્તનશીલ હોય છે. આનો પણ અંત આવશે, પરંતુ એ અંત ક્યારે આવશે, કોના દ્વારા આવશે અને વૈકલ્પિક વિચારધારા તેમ જ વ્યવસ્થા કેવી હશે એ કહેવાની સ્થિતિમાં અત્યારે કોઈ નથી. લૂંટ મચી છે એનું કારણ આ પણ છે. વિકલ્પ ક્યાં છે? વિકલ્પ નજરે પડે કે તરત મૂડીવાદ ઠાવકો થઈ જાય એવું પણ બને. દરમ્યાન કુદરતે કિંમત વસૂલવાનું શરૂ કરી દીધું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જુલાઈ 2023

Loading

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  2020:  શિક્ષણની વિવિધતામાં એકતા લાવવાની ચાહ ધાર્યા કરતાં વધુ જટિલ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 July 2023

સાંભળવામાં બહુ જ ગમે એવી આ નીતિની વાતો સાથે પ્રશ્નો છે ખાનગીકરણના, સિલેબસમાં કરવા પડશે એ ધરખમ ફેરફારોના, ભાષા નીતિ અને સર્વાંગી સમાવેશના

ચિરંતના ભટ્ટ

34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ને જુલાઈની 29 2020ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી બદલવામાં આવી.  છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ નવી નીતિ સતત ચર્ચાતી રહી છે. પરિસંવાદોથી માંડીને શિક્ષણ સંસ્થાનોમાં તેની ચર્ચા ચાલતી રહી છે, કેટલાક રાજ્યો પોતાની આગવી શિક્ષણ નીતિ પર વાત કરી રહ્યા છે તો ગુજરાત જેવા રાજ્યમાં કોમન એક્ટનું ભૂત ફરી ધુણ્યું છે. નવી નીતિ અંગે વડા પ્રધાન મોદીએ જ્યારે વાત કરી ત્યારે તેમણે એમ કહ્યું કે, ’ શિક્ષણ નીતિમાં મોટા ફેરફાર કરવાનો હેતુ છે કે રાષ્ટ્રને બહેતર વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને બહેતર વ્યક્તિ મળે.’ ભારત સર્વાંગી રીતે મહાસત્તા બને એ માટે નૉલેજ સુપરપાવરની દિશામાં આ સરકારનું પગલું છે અને વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક નહીં પણ બિન-શૈક્ષણિક દૃષ્ટિએ પણ વિકસે એ રીતે આ બદલાવો થશે અને થઈ રહ્યા છે એવો કેન્દ્ર સરકારનો દાવો છે. NEP 2020ને શિક્ષણવિદોએ આવકારી છે અને પરીક્ષાલક્ષી ભણતરનો ભાર ઓછો કરવાની સાથે સાથે શિક્ષણના જે ત્રણ મુખ્ય પ્રવાહો છે – સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ – તેની વચ્ચેની ભેદરેખાઓને ઝાંખી કરવાનો પણ તેમાં પ્રયત્ન છે વળી ઇતર-પ્રવૃત્તિઓ, કૌશલ્ય શિક્ષણ વગેરેનું પણ તેમાં સંતુલન મળે એવા ફેરફારો આ નવી નીતિ સાથે લવાશે.

આવતા વર્ષથી એટલે કે 2023-24થી સિલેબસ અપડેટ, ગ્રેડિંગના માળખામાં ફેરફારો વગેરે જે રીતે ચર્ચાઈ રહ્યા છે તે જોતાં કહી શકાય કે આ નીતિ ક્રાંતિકારી સાબિત થવાના બધા લક્ષણ ધરાવે છે તો સાથે સાથે જે ચાલતું આવ્યું છે બધું જ ખળભળી જાય અથવા તો તેની અમુક બાબતો સાવ ખલાસ થઈ જાય એવી પણ શક્યતાઓ છે.

ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ત્રૂટિઓ કે નીતિઓને પગલે પેઢીઓ હેરાન થઇ છે, શીખવાનું ઓછું અને ગોખવાનું વધારે વાળો ખેલ લાંબો સમય ચાલ્યો. વળી એક કરતાં વધારે બોર્ડ્ઝ હોવા, દરેક બોર્ડની શીખવવાની પદ્ધતિઓ, સિલેબસમાં પણ અંતર અને આ કારણે વિદ્યાર્થીઓની જે કેળવણી થાય તેમાં જુદા પ્રકારની આવડતોની ધાર નીકળે પણ છતાં ય વિદ્યાર્થીઓ જે તે બોર્ડમાં ભણતાં હોય તો તેમણે ‘સારા’ કે ‘હોંશિયાર’નું લેબલ જોઈતું હોય તો બધાની માફક – એક સરખી રીતનું – વધારે માર્ક લાવી આપે એવું જ પરિણામ લાવવું પડે. વળી JEET, UPSC, NEET વગેરે પરીક્ષાઓ આપવાની આવે ત્યારે અલગ અલગ બોર્ડમાં ભણેલા વિદ્યાર્થીઓ વચ્ચે સમજણમાં, પરીક્ષા આપવા પ્રત્યેના અભિગમમાં પણ બહુ મોટો ફેર હોય. બધા ભારતીય વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં એકસૂત્રતા લાવવા માટે એક યુનિફોર્મ, એક સરખા, સમાંતર બોર્ડની સ્થાપના થશે. આમ થવાથી એક કેન્દ્રિય – સેન્ટ્રલાઇઝ્ડ બોર્ડ હશે, અત્યારે જે જુદાં જુદાં બોર્ડ છે તે નહીં રહે. વર્તમાન તંત્રમાં ધરમૂળથી ફેરફાર આવશે પણ તેમાં કોઇ એક બોર્ડ સુધી પહોંચવાની ડગર ખાસ્સી લાંબી હશે કારણ કે વિવિધ સ્તરે સંકળાયેલા લોકોએ એકમત થવું પડશે. શીખવવાની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવાના હેતુથી થઈ રહેલાં પરિવર્તનો અત્યારે તો ખૂબ સારાં વર્તાય છે પણ તેનો અર્થ એ પણ કે દરેક પ્રકારની અને દરેક સ્તરની શાળાઓએ પોતે જે વિષયો ભણાવે છે તેમાં બીજા બહુ બધા વિષયો ઉમેરવા પડશે. વળી વિષયો ઉમેરી દેવાથી કંઇ કામ નથી થઇ જવાનું કારણ કે રોબોટિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને એસ્ટ્રોનોમી જેવા વિષયો સ્કૂલના સ્તરે ભણાવી શકે એવા શિક્ષકોની પણ જરૂર પડશે. સરકાર ગમે તે રહી હોય શિક્ષકોની જે હાલત હોય છે તે જોતાં આ જરૂરિયાત ચપટીમાં પૂરી થઈ જશે એવું કોઇ રીતે લાગતું નથી. વળી 10+2+3માંથી હવે 5+3+3+4 વાળું માળખું અમલમાં મુકાશે. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમની ક્ષમતા, વિકાસ અને સમજણને આધારે કરાશે એવી વાત પણ આ નવી નીતિમાં છે. જે શિક્ષકો એક ચોક્કસ પ્રકારે જ ‘માર્ક’ કે ‘ગ્રેડ’ આપવા ટેવાયેલા છે એમને માટે આ બદલાવ સ્વીકારીને એ પ્રમાણે કામ કરવું આસાન નહીં હોય એ પણ સમજવું જરૂરી છે. વળી શિક્ષકોને તો પરિવર્તન કરવાનું આવશે જ પણ આ નવી નીતિમાં ભણનારા વિદ્યાર્થીઓ બદલાઈ રહેલા સમય સાથે સારી પેઠે તાલ મેળવી શકશે એવી સરકારને અપેક્ષા છે.

સાંભળવામાં બહુ જ ગમે એવી આ બધી જ વાતો સાથે પ્રશ્નો છે ખાનગીકરણના, સિલેબસમાં કરવા પડશે એ ધરખમ ફેરફારોના, ભાષા નીતિ અને સર્વાંગી સમાવેશના. શાસ્ત્રો અને ગુરુકૂળ જેના પાયામાં છે એવા આપણા દેશમાં જો અચાનક કૌશલ્ય લક્ષી શિક્ષણના પાટે ચઢાવી દેવાશે તો જ્ઞાન અને સર્વાંગી શિક્ષણનો વિચાર બુઠ્ઠો થઇ જશે એવી ભીતિ છે. વળી આધુનિકતાને ધ્યાનમાં રાખીને જે પ્રકારના કોર્સિઝ કરાવવાની વાત છે એ માટે સજ્જ શિક્ષકો, તેમને આપી શકાય એવા સારા પગાર ધોરણો, તેમને ટકાવી શકાય એવું અનુકૂળ વાતાવરણ ખડું કરવું આપણા શિક્ષણ તંત્રમાં શક્ય હશે? શિક્ષણ સંસ્થાનો કૉર્પોરેટ્સ જેવા બન્યાં હોવાની છુટી છવાઇ બૂમો તો પડતી રહે છે ત્યારે આ ફેરફારો ક્યાંક એવા સાબિત ન થાય કે તે માત્રને માત્ર ખાનગી સંસ્થાનો માટે લાગુ કરવાના સહેલા પડે અને જો એવો ઘાટ થશે તો આર્થિક રીતે અમુક જ સ્તરનાં બાળકો સર્વાંગી શિક્ષણ મેળવી શકશે બાકી વૉકેશનલ – કૌશલ્ય આધારિત આવડતો ધરાવનારો વર્ગ વધશે. ખાનગી ક્ષેત્રનો શિક્ષણમાં પગ પેસારો બધાનાં ગજવાને પોસાય એવો નથી જ હોતો એ આપણે સારી પેઠે જાણીએ છીએ. વળી આવું થશે એટલે વ્હાઇટ કૉલર અને બ્લૂ કૉલર જૉબ્ઝમાં માગ અને પુરવઠાની ખાઈ પણ ખડી થશે.

નવી શિક્ષણ નીતિમાં જે ભાગીદારોએ જોડાવું જોઇએ એ બધા કંઈ હોંશે હોંશે હજી જોડાયા નથી કારણ કે તેમને માટે ઘણી બાબતો હજી અસ્પષ્ટ છે. વળી આપણા દેશમાં વિવિધતા એટલી બધી છે કે કશુંને કશું તો આમાં સામેલ થવામાં રહી જાય એવી પૂરી શક્યતા છે એવું વિશેષજ્ઞોનું કહેવું છે. વળી આ અમલીકરણની ઉતાવળમાં બહુ મહત્ત્વની બાબતોમાં ગોટાળા થવાનો ભય પણ છે – પરિવર્તનો માત્ર ઉપરછલ્લા હોય અને હાંસિયામાંના લોકો, શિક્ષકોના યુનિયન્સ, વિદ્યાર્થી સંઘ વગેરેને જો ગણતરીમાં ન લેવાયા તો પછી ત્યાંથી કયા પ્રકારના અને કેવી તિવ્રતાના વિરોધ આવશે તેની તો કલ્પના જ કરવી રહી. વળી શિક્ષણ મોંઘું છે એ તો આપણને ખબર જ છે, ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કેટલા કુટુંબોને પોસાશે? નવી નીતિમાં ભાષાઓનો વિવાદ પણ છેડાયો છે કે હિંદી અને અંગ્રેજી સિવાયની ભાષાઓને બાજુમાં ધકેલી દેવાઈ છે. કેટલા ય લોકો એવા છે જે પ્રાદેશિક ભાષા સાથે વધારે જોડાયેલા હોય છે અને જો તેમની ભાષાને પ્રાધાન્ય નહીં મળે તો તેઓ હિંદી અને અંગ્રેજીમાં અટવાશે પણ કુશળતા નહીં કેળવી શકે.

યુ.એસ.એ.માં જે થાય એ ભારતમાં પણ એને લાગુ કરવાનો મોહ બહુ સારા પરિણામો નહીં લાવે. વળી આપણે સમાજ વ્યવસ્થાને પણ ગણતરીમાં લેવી પડે. કોઇ અમેરિકી યુવાન ભણવાનું પડતું મૂકીને સુથારકામ શીખે તો ત્યાં કોઇ એને ‘જજ’ નથી કરતું જ્યારે આપણે ત્યાં તો આટલો મોટો દેશ હોવા છતાં પણ આવું ચલાવી લે એવા કુટુંબો આંગળીને વેઢે ગણવા પડે એમ છે. અમેરિકન શિક્ષણના મોડલ્સમાંથી પ્રેરણા લેતા પહેલાં આપણે ભારતીય શિક્ષણના માળખાં સાથે તેનો સંદર્ભ બંધ બેસે, તે લોકલ વિચારધારા સાથે કેટલું મેળ ખાઈ શકે છે તે ગણતરી કરવી જરૂરી છે. પશ્ચિમી શૈલીનું આંધળું અનુકરણ શ્રેષ્ઠતાનું તેજ નહીં પણ અસ્પષ્ટ અંધારું પેદા કરે એવી શક્યતાઓ વધારે છે.

NEPનો સૌથી મોટો પડકાર છે સર્વસંમતિ ખડી કરવી અને માટે જ એમ કહી શકાય કે તેની સફળતા સહકારી સંઘવાદ અને રાજ્યો કેટલી હદે સુધારાઓની જવાબદારી સ્વીકારે છે તેની પર રહેલી છે.

બાય ધી વેઃ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે વાત અને વચન છે તે ભવ્ય લાગે છે પણ વાસ્તવિકતા એ છે કે, ‘બહુત કઠિન હૈ ડગર પનઘટ કી…’ 15 લાખ સ્કૂલ્સ, 25 કરોડ વિદ્યાર્થીઓ, 89 લાખ શિક્ષકો સાથે ભારતમાં વિશ્વનું બીજા નંબરે આવનારું શિક્ષણ તંત્ર છે. ઉચ્ચ શિક્ષણનું કદ પણ ગંજાવર છે જેમાં 3.74 કરોડ વિદ્યાર્થીઓ, અંદાજે 1,000 કૉલેજિઝ, 10,725 સંસ્થાનો છે. બ્લોક્સ, તાલુકા, જિલ્લાથી માંડીને રાજ્ય સ્તરે બધું નવેસરથી લાગુ કરવાની કલ્પના માત્ર શીખેલું બધું ભૂલાવી દે એવી છે. આ લાગુ કરવામાં જવાબદારી વહેંચી બધું સમુસૂતરું પાર પડે એ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ અને સુકાનીઓ માટે બહુ મોટું કામ છે. વળી શું બધા જ રાજ્યો આ નીતિ લાગુ કરી શકશે? બધા રાજ્યો પાસે આજે પણ એક સમાન શિક્ષણ ફંડ નથી હોતું તો પછી પરિવર્તનો લાગુ કરવાને મામલે રાજ્યો સાથે આર્થિક સમાનતા રખાશે? કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો તાલમેલ આ નવી નીતિ માટે અનિવાર્ય છે પણ રાજકીય મતભેદો એ કેટલી હદે થવા દેશે? નવી નીતિ લાગુ કરવા માટે અત્યારે જાહેર શિક્ષણ પર જેટલો ખર્ચ થાય છે તેમાં જી.ડી.પી.ના છ ટકા જેટલો વધારો કરવો પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2023

રમેશ ઓઝા

દિલ્હી શહેર પરેશાન છે અને તેનું કારણ છે યમુનાનું પાણી. યમુનાનું પાણી દિલ્હી શહેરમાં પ્રવેશ્યું છે. યમુનાનું સ્તર અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યું છે અને ઉતરવાનું નામ નથી લેતું. દિલ્હી શહેરમાં કોઈ ધોધમાર વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ઉપરવાસમાં છે અને યમુનાનાં પાણીને સંઘરવા કોઈ રાજ્ય તૈયાર નથી. ખો ખોની રમતની માફક વચ્ચે આવતાં દરેક રાજ્ય યમુનાનાં પાણીને ખો આપે છે. દિલ્હી ખો આપી શકે એમ નથી એટલે પરેશાન છે.

પણ ખરું પૂછો તો પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી? લાખો વરસ દરમ્યાન યમુનામાં લાખો વાર પૂર આવ્યાં હશે અને બે કાંઠે ફેલાઈને એ પાણી પોતાને માર્ગે સમુદ્રમાં સમાયાં હશે. આ જ તો કુદરતનો ક્રમ છે. નદીઓને કાંઠે જ્યારે માનવ સભ્યતાઓ વિકસી તો એણે પણ નદીઓની વહેવાની અને ચોમાસામાં ફેલાવાની જગ્યાને છોડી દીધી હતી. સભ્યતા અને સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો એક વાક્યમાં કહી શકાય કે બીજાની જગ્યાનો સ્વીકાર એ સભ્યતા અથવા સંસ્કૃતિ. એમાં પશુ, પક્ષી, જંગલ, પર્વત, સમુદ્ર અને માનવીનો પણ સમાવેશ થાય છે. અને આ જ રાહે જો વિકૃતિની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે બીજાની જગ્યાનો અસ્વીકાર કે અનાદર એ વિકૃતિ. એમાં પરિવારમાં સ્ત્રીની જગ્યાનો અને સમાજમાં દલિતની જગ્યાનો પણ સમાવેશ થાય છે.

એમાં વળી જળ, જમીન, જંગલ, સમુદ્ર, પશુ, પક્ષી પાસે વાચા નથી અને વિકાસની જે અવધારણા વિકસી છે તેનાં પાયામાં તેનું શોષણ છે. જંગલને કાપો. નદીઓને નાથો અને તેનાં પાત્રોને સંકોરો કે જેથી વધુ જગ્યા મળે. સમુદ્રનાં ખારાં પાણી દૂર સુધી ફેલાય નહીં અને રેતી જમીનને બગાડે નહીં એ માટે ઈશ્વરે સમુદ્રને કિનારે વનસ્પતિ ઉગાડી આપી હતી. અત્યારે એ વનસ્પતિ કાપીને મકાનો બાંધવામાં આવે છે અને વધારે જમીન મેળવવા માટે સમુદ્રને પૂરીને દૂર ધકેલવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને જંગલોમાંથી ભગાડવામાં આવી રહ્યા છે જે રીતે મણિપુરમાં કુકી અને બીજી આદિવાસી પ્રજાને જંગલમાંથી ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને હટાવવામાં આવે તો જંગલની જમીન અને જંગલનાં તમામ સંસાધનો પર કબજો કરી શકાય. પશુ-પક્ષીઓની જગ્યા આંચકી લો. ટૂંકમાં બીજાના હકની જગ્યા આંચકી લેવાનો સર્વત્ર પ્રયાસ ચાલી રહ્યો છે, પછી એ જગ્યા લાચાર માનવીની હોય, અન્ય જીવોની હોય કે કુદરતની.

માટે આગળ કહ્યું એમ પરેશાન દિલ્હી અને દિલ્હીવાસીઓ નથી, યમુના નદી છે. તેની પાસે બે કાંઠે વહેવા માટે અને ઉપરથી લાવેલો સોના જેવો કાંપ છોડી જવા માટે જગ્યા નથી એટલે તે ગાંડીતૂર છે. દિલ્હીમાં યમુનામાં પૂર નથી આવ્યાં, દિલ્હીમાં યમુના તરફડી રહી છે. રક્તવાહિની નસોમાં ચરબીને કારણે અવરોધ પેદા થાય અને માનવી શ્વાસ લેવા માટે જે રીતે તરફડે એ રીતે યમુના તરફડી રહી છે. રસ્તામાં પડતાં કોઈ રાજ્ય યમુનાનાં પાણીને સંઘરી શકવાની સ્થિતિમાં નથી એટલે બંધના દરવાજા ખોલીને એક રાજ્ય યમુનાનાં પાણીને બીજાં રાજ્યમાં ધકેલે છે.

વિકાસની અવધારણાનાં પાયામાં શોષણ છે અને હવે શોષણને છૂપાવવા માટે સોંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરોમાં નદીઓનાં કિનારે બાંધવામાં આવતા રીવરફ્રન્ટ આનું ઉદાહરણ છે. વિકાસના નામે આ પહેલાં જ નદીઓની હકની જગ્યા છીનવી લીધી છે અને હવે સોંદર્યકરણના નામે નદીઓનાં પાત્રોને ટૂંકાવવામાં આવી રહ્યા છે. ઓછામાં પૂરું કુદરતે તેનાં શોષણ સામે બગાવત કરવાનું શરૂ કર્યું છે. દુકાળ, અતિવૃષ્ટિ, વાવઝોડાં, અતિશય ગરમી અને ઠંડી વગેરે હવે દર વર્ષે કોઈને કોઈ પ્રદેશમાં જોવા મળે છે. હિમશીલાઓ અને હિમાલયની ગ્લેસિયર ઓગળી રહી છે અને સમુદ્રનાં પાણીનાં સ્તર વધી રહ્યાં છે. એમ કહેવાય છે કે આ સદીના અંત સુધીમાં જગતમાં પ્રચંડ માત્રામાં અન્ન અને જળસંકટ પેદા થવાનું છે. જળસંકટ બન્ને પ્રકારનું; ક્યાંક અભાવનું અને ક્યાંક અતિશયતાનું.

દિલ્હીમાં પહેલીવાર મેં યમુનાનાં દર્શન ૧૯૭૮ની સાલમાં કર્યાં હતાં અને ત્યારે યમુના ધોરણસરની નદી હતી. ફેલાયેલી અને બન્ને કિનારે પોતાનાં હકની અનામત જમીન ધરાવનારી. યમુનાને પેલે કાંઠે પણ દિલ્હી વસેલું હતું, પણ યમુનાની અનામત જમીન છોડીને. આજે એ જ યમુના નદીની અનામત જમીન તો છોડો તેની વહેવાની જમીન પણ છીનવી લેવામાં આવી છે. પૈસા કમાવા માટે બિલ્ડરો, રાજકારણીઓ અને પ્રશાસનના અધિકારીઓએ મળીને એ યમુનાને નાળામાં ફેરવી નાખી છે અને તેનાં પાણી કાળા મેશ જેવાં છે. લોકોને બેવકૂફ બનાવવા સોંદર્યકરણના નામે રીવરફ્રન્ટ બાંધવામાં આવેલ છે જેણે નદીને હજુ વધુ સંકોરી છે. ધર્મનો ધંધો કરનારા બાવાઓનાં આશ્રમો દેશભરમાં સર્વત્ર નદીઓને કાંઠે સેંકડો એકર જમીનમાં જોવા મળશે. માટે પરેશાન યમુના છે. યમુના સંતપ્ત છે.

આ તો હજુ શરૂઆત છે. આવી રહેલાં સંકટનો હળવો અહેસાસ કરાવે છે. સંકટ તો હવે આવવાનું છે અને તે સાર્વત્રિક હશે. ચેતવવા માટે કુદરત ટપલી મારી રહી છે, કુદરતની લાત હવે પછી પડવાની છે. આદિ શંકરાચાર્યનું યમુનાષ્ટક ગાવાથી અને ગાતી કે સાંભળતી વખતે ગળગળા થઈ જવાથી સારા માનવી નહીં બની શકાય, સારા માનવી બનવું હોય તો યમુનાની કે બીજી કોઈ પણ નદીની હકની જગ્યાનો સ્વીકાર કરવો રહ્યો. કેટલાક મૂળભૂત પ્રશ્નો કરતાં શીખવું જોઈએ. રીવરફ્રન્ટની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? બુલેટ ટ્રેનની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? અંગત જીવનમાં પેન્ટ-શર્ટની દસમી જોડી ખરીદતાં પહેલાં પણ પ્રશ્ન થવો જોઈએ કે આની કોઈ જરૂર છે ખરી? છે એટલાં કપડાં પૂરતા નથી? જો પ્રશ્ન નહીં પૂછો તો કુદરત તો જવાબ આપી જ રહી છે. અને હા, આપણા અકરાંતિયાપણાની તેમ જ કદરૂપા સોંદર્ય પ્રત્યેની મુગ્ધતાની કિંમત આપણા નિર્દોષ સંતાનોએ ચૂકવવી પડશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

...102030...1,0681,0691,0701,071...1,0801,0901,100...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved