મુંબઈના ભૂત, વર્તમાન, અને ભાવિમાં એક સાથે જીવવું છે?
તો ચાલો ભૂલેશ્વર
મુંબઈના ભૂત, વર્તમાન, અને ભાવિમાં તમારે એક સાથે જીવવું છે? અને એ પણ ટાઈમ મશીન વગર? તો ચાલો ભૂલેશ્વર. થોડાં થોડાં ડગલાંમાં તમે આ ત્રણે કાળમાં જીવી શકો. સો-સવાસો વરસ જૂનાં મકાનોની અહીં નવાઈ નથી. અને મંદિરો તો ૨૦૦-૩૦૦ વરસ કે તેથી ય વધુ જૂનાં. અહીંની ગલીઓમાંની દુકાનોમાં અને ફૂટપાથો પર બેઠેલા ફેરિયાઓના માલના ઢગલામાં તમને આજના જીવનની જરૂરિયાતની હર કોઈ વસ્તુ મળી રહે, હા એને પકડી પાડવાની નજર તમારામાં હોવી જોઈએ. અને ભાવિ? ત્યાં જુઓ. પહેલાં અહીં ચાલી જેવું બે માળનું મકાન હતું. હવે નથી. તેની જગ્યાએ છે બહુમાળી ઈમારત.
ભૂલેશ્વર મંદિરનું એક શિલ્પ
પણ વેઇટ અ મિનિટ! આ ભૂલેશ્વર નામ પડ્યું કઈ રીતે? સાવ સીધો સાદો જવાબ જોઈતો હોય તો એટલો જ કે અહીં આવેલા ભૂલેશ્વરના મંદિર પરથી આ આખા વિસ્તારનું નામ પડ્યું ભૂલેશ્વર. એક બાજુ ગિરગામ રોડ, બીજી બાજુ કાલબાદેવી રોડ. એ બે વચ્ચેનો કેટલોક ભાગ તે ભૂલેશ્વર. વાહન-વ્યવહારની દૃષ્ટિએ ભૂલેશ્વર એક ટાપુ છે. નજીકનાં રેલવે સ્ટેશન બે : ચર્ની રોડ અને મરીન લાઈન્સ. પણ ત્યાં ઊતર્યા પછી ટેક્સીવાળાને પૂછો તો મોં મચકોડીને ચાલતો થાય. એ સાંકડા અને અટપટા રસ્તાઓ પર BESTની બસ તો સપનામાં પણ જોવા ન મળે. હા, તમારી મોટરમાં જઈ તો શકો, પણ ચાલતાં જાવ તો મોટર કરતાં વહેલા પહોંચી શકો. આવા આ વિસ્તારના લગભગ કેન્દ્રમાં આવેલું છે શંકરનું ભૂલેશ્વર મંદિર.
આવી અનેક ગલીઓ જ્યાં છે તે ભૂલેશ્વર
ભોલે બાબા, ભોલે નાથ, તેમ ભોલે ઈશ્વર, બધાં શંકર કહેતાં મહાદેવનાં નામ. ભોલે અને ઈશ્વર એ બે શબ્દો ભેગા થઈને બન્યો શબ્દ ભોલેશ્વર. પણ ખરી મુશ્કેલી અહીંથી શરૂ થાય છે. ભાષાના પંડિતો તો કહે કે ભોલેશ્વર તો જાણે બરાબર. પણ તેમાંથી ભૂલેશ્વર કઈ રીતે થાય? તો જવાબમાં કેટલાક કહેશે કે ભાઈ, લોકોની જીભ કાંઈ તમારા ભાષાશાસ્ત્ર પ્રમાણે ચાલતી નથી, પોતાની સગવડ પ્રમાણે ચાલે છે. જેમ કે માટુંગા પછીના વિસ્તારનું મૂળ નામ સિવ, એટલે કે સીમ હતું. કારણ એક જમાનામાં ત્યાં મુંબઈ શહેરની સીમા પૂરી થતી. અંગ્રેજોએ મૂળ ઉચ્ચાર જાળવી રાખવાના ઈરાદે તેનો સ્પેલિંગ કર્યો Sion. પણ થોડું ઘણું અંગ્રેજી જાણતા લોકો એ જમાનામાં પણ અંગ્રેજીના Lion શબ્દથી પરિચિત. બંનેના સ્પેલિંગ સરખા. એટલે આપણા લોકોએ ઉચ્ચાર કરી નાખ્યો સાયન! તો પછી ભોલેશ્વરનું ભૂલેશ્વર પણ કેમ ન થઈ શકે?
કહેવાય છે કે આ વિસ્તારમાં એક સો જેટલાં મંદિર આવેલાં છે. તેમાં સૌથી મહત્ત્વનું છે ભૂલેશ્વર મંદિર. પણ એ બંધાવ્યું કોણે? ફરી ‘ઝાઝા મચ્છર ઝાઝા જૂઆ, ત્યાં (દીપક) મહેતાના ઉતારા હુઆ.’ નહિ નહિ તો પાંચ દંતકથા મળે છે. એક કથા કહે છે કે ભોલાનાથ નામનો એક પરદેશી આ વિસ્તારની મુલાકાતે આવેલો તેણે આ મંદિર બંધાવેલું અને તેના નામ પરથી આ મંદિરનું નામ પડ્યું. પણ સવાલ એ થાય કે એવું તે શું થયું કે એક પરદેશી મુસાફર અજાણ્યા મલકમાં મંદિર બંધાવે? અને મંદિર કાંઈ રાતોરાત બંધાય નહિ. તો શું એ પરદેશી બે-ચાર વરસ અઠે દ્વારકા કરી મુંબઈમાં રહી પડ્યો હશે?
તો બીજી કથા પ્રમાણે એક વાણિયા વિધવા બાઈએ આ મંદિર બંધાવેલું. બાઈ પાસે ધનના ઢગલા, પણ શેર માટીની ખોટ. છુટ્ટે હાથે દાન-ધરમ કરે તો ય એની પૂંજી તો ખરચે ન ખૂટે વા કો ચોર ન લૂંટે. એટલે પછી એ બાઈએ બંધાવ્યું આ મંદિર. આજના નારીવાદીઓને આ વાત ગમશે કે નહિ એની તો ખબર નથી. પણ અહીં મુશ્કેલી એ છે કે આ કથા આ મંદિરના નામ અંગે કશો ખુલાસો કરતી નથી.
દંત કથા નંબર ત્રણ. આજે જ્યાં આ મંદિર આવેલું છે એ જગ્યાએ પોતાને માટે ઠાઠમાઠવાળું મકાન બંધાવવાનું શરૂ કરેલું એક માલેતુજાર વાણિયા બાઈએ. મકાનના પાયા માટે ખોદકામ પણ શરૂ થઈ ગયેલું. ત્યાં એક દિવસ સવારે થોડા મજૂરો બાઈ પાસે આવ્યા. તેમના હાથમાં હતું એક શિવલિંગ જે ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવેલું. બસ! બાઈએ કહ્યું : ‘આ તો ભગવાનની ભૂમિ કહેવાય. અને પોતાને માટે ઘર બંધાવવાને બદલે બંધાવ્યું મહાદેવ માટે આ મંદિર. પણ ફરી એ જ મુશ્કેલી : આમાં મંદિરના નામનો ખુલાસો ક્યા?
હવે ચોથી વાત. હા, આ મંદિર એક બાઈએ બંધાવેલું એ ખરું. પણ એ હતી કોળી જાતિની, વાણિયણ નહોતી. આ કથા પ્રમાણે અસલ મંદિર તો નાની દેરી જેવું હતું. હાલનું મંદિર તે જગ્યાએ પછીથી બંધાયું. દંતકથા પ્રમાણે મમ્માદેવી એ પણ પાર્વતીનું એક રૂપ છે. એટલે કે કોળી લોકો શંકર-પાર્વતીના પૂજકો. એટલે કોઈ કોળી સ્ત્રી આવું મંદિર બંધાવે તો તે સમજી શકાય. પણ ફરી, નામનો ખુલાસો?
પાંચમી કથા કહે છે કે આ મંદિર બંધાવનારનું નામ હતું મંગેશ આનંદરાવ દોન્દે. જાતે શેણવી. સુતાર જાતિના મદન કેશવજીની વિધવા લક્ષ્મીબાઈ પાસેથી આ જમીન ખરીદીને તેમણે મંદિર બંધાવેલું. પછીથી જે જગ્યા ફોફળ વાડી તરીકે ઓળખાઈ તે બધી જગ્યા આ વિધવા બાઈની માલિકીની હતી. પણ તેણે જમીન એક સાથે ન વેચતાં કટકે કટકે વેચી – પણ એક શરતે : એ જગ્યા પર મંદિર બાંધવાનું, બીજું કાંઈ નહિ! તેની જમીનના બીજા ટુકડા પર સુંદર બાવાજી બારભાયાએ ગણપતિનું મંદિર બંધાવ્યું. ત્રીજો ટુકડો વેચ્યો મુકુન્દ ગુજ્જરને રામેશ્વર મંદિર બંધાવવા માટે. ચોથા ટુકડા પર આત્મારામ વિશ્વનાથે ત્રણ મંદિર બંધાવ્યાં : કાળભૈરવ, કાશીવિશ્વેશ્વર, અને નર્મદેશ્વર. અને જમીનનો છેલ્લો ટુકડો ખરીદ્યો ભાઈદાસ સકીદાસે અને એ જગ્યા પર મંદિર બંધાવવાને બદલે તળાવ ખોદાવ્યું જે ભૂલેશ્વર તળાવ તરીકે ઓળખાતું. મુંબઈનાં બીજાં અનેક તળાવોની જેમ આજે તો તેનું નામ નિશાન શોધ્યું જડે તેમ નથી.
ભૂલેશ્વર કબૂતરખાનું, જે આજે નથી
એક જમાનામાં ભૂલેશ્વરનું કેન્દ્ર હતું કબૂતરખાનું. તળાવની જેમ તેનું પણ આજે નામ નિશાન નથી. છેલ્લાં કેટલાંક વરસથી એમ મનાતું થયું છે કે કબૂતરખાનાને કારણે આસપાસના લોકોની તબિયત પર માઠી અસર થાય છે. પણ કબૂતરખાનાં એ માત્ર જીવદયાનાં પ્રતીક જેવાં નહોતાં. મુંબઈ જેવા શહેરમાં પણ માણસ બીજા જીવો સાથે વિના વિરોધે જીવી શકે છે એ વાતની સાબિતી જેવાં હતાં. આ કબૂતરખાનાથી ત્રણ રસ્તા નીકળે. એક જઈને મળે કાલબાદેવી રોડને. બીજો જાય પાંજરાપોળ તરફ. આ બંને રસ્તા લગભગ સીધા. પણ ત્રીજો રસ્તો થોડો વાંકોચૂંકો, અને તે જઈને મળે દાદીશેઠ અગિયારી લેનને. આ લેન પાછી જોડે ગિરગામ રોડને કાલબાદેવી રોડ સાથે.
ભૂલેશ્વરની ફૂલ ગલ્લી
આ લખનારને આ ત્રીજો રસ્તો સૌથી વધુ જાણીતો. અનેક વાર એ રસ્તા પરથી પસાર થવાનું. ફળ-ફૂલ ખરીદવાં છે? ચાલો ભૂલેશ્વર. વર્ષો સુધી શાક તો ભૂલેશ્વરની શાક ગલ્લીમાંથી જ આવતું. ફરસાણની ખરીદી માટે રાજનગર ફરસાણ હાઉસ. મીઠાઈ તો રતનલાલની જ. સોપારી અને મુખવાસ નાનાલાલ સોપારીવાલાનાં. જન્માષ્ટમી કે બીજા વારતહેવારે ફૂલ, હાર લાવવા માટે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં જ જવું પડે. ફૂલ ગલ્લી સામસામે બે : એક મોટી, બીજી નાની. મોટીમાં ‘જથ્થાબંધ’ ફૂલ વેચાય. નાનીમાં છૂટક. જથ્થાબંધ ફૂલો વજનથી નહિ, ‘ધડી’ના માપે વેચાય. આ ધડી એટલે વાંસની (હવે પ્લાસ્ટિકની) ટોપલી. ‘એક ધડી ગલગોટા’ માગો એટલે દુકાનદાર એક ટોપલી ભરીને ગલગોટા આપે.
આજે તો હવે મુંબઈનાં ઘરોમાં બારી-બારણાં પર ‘ચક’ ભાગ્યે જ જોવા મળે. ભગવદ્ ગોમંડળ કોશમાં આ શબ્દનો અર્થ આમ આપ્યો છે : “કનાત; પડદો; સળીઓનો બનાવેલ પડદો; વાંસની સળીઓનો પડદો; બારી બારણામાં નાખવાનો જાળીદાર અંતરપટ.” આ ‘ચક’ શબ્દના બે રૂઢિ પ્રયોગ પણ નોંધ્યા છે : ચક નાખવો = (૧) અંતરપટ રાખવો; પડદો નાખવો. (૨) હાટ માંડવું; વંઠી જવું; છિનાળવું થઈ જવું. એક જમાનામાં મુંબઈના મધ્ય વર્ગનાં ઘરોમાં આ ‘ચક’નું જબરું ચલણ. કોશમાં જે ‘સળીઓ’નો ઉલ્લેખ છે તે કાચની સળીઓ. નાની-મોટી સાઈઝની, જાતભાતના રંગોની, અર્ધપારદર્શક કાચની પોલી સળીઓ. ભૂલેશ્વરની શાક માર્કેટની બહાર આ ‘ચક’નો સામાન વેચતી બે-ત્રણ દુકાન. સળીઓ ઉપરાંત અનેક રંગના કાચના મણિ, સળીઓ પરોવવા માટેના મજબૂત મીણ પાયેલા દોરા, લાંબી-પાતળી સોય, વગેરે બધી સામગ્રી એ દુકાનોમાં મળે. ત્યાંથી જરૂરી માલ-સામાન લાવીને ગૃહિણીઓ બપોરે નવરાશના સમયમાં ‘ચક’ બનાવે. ઘર બે પાંદડે થયું હોય તો બે સળી વચ્ચે એક-એક એલચી કે લવિંગ પણ પરોવાય. કંઈ કેટલાયે વખત સુધી વિંધાયેલા એલચી-લવિંગની આછી સુગંધ ઘરમાં ફેલાતી રહે.
આ ચક પાછા બે જાતના. આખા અને અડધા. બારીઓ પર મોટે ભાગે અડધા હોય, બારણાં પર આખા. થોડી વધુ આવડત હોય તો તેમાં મોર-પોપટ કે ફૂલોની ડિઝાઈન બને એવી રીતે સળીઓ અને મણકા પરોવાય. અને હા! આ ચક એટલે મોતીનાં તોરણ નહિ હો! એ તો બારણાના મથાળે બંધાય. આ ચક તો આખાં બારી-બારણાંને આવરી લે. પણ આ ચક લગાડવા પાછળનો હેતુ? આજના જેવું ‘પ્રાઈવસી’નું વળગણ એ જમાનામાં નહોતું. ચાલી કે બ્લોકમાં (ત્યારે હજી ‘ફ્લેટ’ શબ્દ ચલણી નહોતો બન્યો) મુખ્ય બારણું દિવસે મોટે ભાગે ખુલ્લું રહે. મકાનમાં રહેતાં છોકરાં જ નહિ, મોટેરાંઓ પણ બિન્દાસપણે આવ-જા કરે. એટલે આ ચકનો મુખ્ય હેતુ ઘરની શોભા વધારવાનો. કપડાના પડદા આવ્યા એ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગના ઘરોમાં આ ‘ચક’નું ચલણ હતું. આજે? ગૂગલ જેવા ગૂગલ પર પણ તેનું ચિત્ર કે ફોટો મળતાં નથી!
પણ આ તો ‘જાના થા જાપાન, પહુંચ ગયે ચીન’ જેવું થયું, નહિ? ભૂલેશ્વરની વાત બાજુએ રહી ગઈ અને ચક-પુરાણ ચાલ્યું. વાંધો નહિ. આવતા શનિવારે ફરી મળશું ભૂલેશ્વરમાં.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 એપ્રિલ 2023