Opinion Magazine
Number of visits: 9458158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છના છક્કા … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 April 2023

રવીન્દ્ર પારેખ

ના, આ ક્રિકેટના છક્કાની વાત નથી, ધોરણ છના છક્કાની વાત છે. એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણને સાવ પાંગળું ને નિસ્તેજ બનાવી મૂક્યું છે ને એ દુ:ખદ છે કે કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી. જિલ્લા શિક્ષણાધિકારીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ, આચાર્યો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ નિર્જીવની જેમ જ જે રીતે વર્તે છે તે બધી રીતે શરમજનક છે.

આ વર્ષે પ્રવાસી શિક્ષકોને 30 એપ્રિલ સુધી નિમણૂક અપાયેલી હતી, તે 30 માર્ચ સુધી ટુંકાવી દઈને  મહિનાનો પગાર બચાવાયો. પ્રવાસી શિક્ષકોએ જે શિક્ષણકાર્ય કર્યું તેની પરીક્ષા પૂરી થાય તે પહેલાં તેમને છૂટા કરી દેવાયા. હવે પરીક્ષા પછી, પેપરો તપાસવાના તેનું શું કરવાનું એ મામલે આચાર્યો મૂંઝાયા છે. પ્રવાસી શિક્ષકો 30 એપ્રિલ સુધી હોત, તો તેમની પાસેથી એ કામ લેવાયું હોત ને જે વિષયો તેમણે ભણાવ્યા તેનું પરીક્ષણ સારી રીતે થઈ શક્યું હોત, તે કામ હવે એવા શિક્ષકોને આપવાનું થશે, જેમણે એ વિષયો ભણાવ્યા નથી. 30 એપ્રિલનો પોતાનો જ પરિપત્ર 30 માર્ચનો કરી દઈને શિક્ષણ સમિતિ પોતાની જ વિરુદ્ધ કેવી રીતે પડે છે તેનું આ વરવું ઉદાહરણ છે.

એ વાત સાબિત કરવાની રહી જ નથી કે શિક્ષણ ખાતું કેવળ તુક્કાઓ પર ચાલે છે. ઘણી વાર તેને પ્રયોગોનો આફરો ચડે છે. ગુણવત્તાની સુધારણા માટે એટલા અખતરાઓ શિક્ષણ વિભાગ કરે છે કે ગુણવત્તા સિવાયનું જ બધું સુધરે છે. એમાં ઠરેલપણું ભાગ્યે જ હોય છે. બધું રાતોરાત સુધારી દેવું હોય છે ને એમાં કોઈ આયોજન લગભગ હોતું નથી. રાજ્ય પરીક્ષા બોર્ડનો 20મી માર્ચના પરિપત્રનો સંદર્ભ લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતે 23/03/2023ને રોજ, શૈક્ષણિક વર્ષ 2023-24 માટે, ધોરણ-6માં પ્રવેશ મેળવવા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લેવા બાબત, તમામ શાળાઓના મુખ્ય શિક્ષકોને પરિપત્ર પાઠવ્યો છે. તેમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSRS), જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (GSTRS), જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ (GSDS), રક્ષાશક્તિ સ્કૂલ્સ (RSS) શરૂ થવા જઇ રહી છે. આ શાળાઓમાં, રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પરીક્ષા દ્વારા શોધીને, તેમને ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સરકાર આપવા માંગે છે.

ઉપરોક્ત શાળાઓમાં 6થી 12 ધોરણ સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવાનું કહેવાયું છે. જો કે આગામી શૈક્ષણિક વર્ષથી જ આ સ્કૂલો શરૂ થવા જઇ રહી છે. 23 માર્ચે એ અંગેનો પરિપત્ર થયો ને 23મીથી જ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું ને તે 5 એપ્રિલે પૂરું પણ થઈ ગયું. જ્ઞાન સ્કૂલો માટે પરીક્ષા 27મી એપ્રિલે લેવાવાની છે જેને માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 1થી 5નો અભ્યાસ કરનાર વિદ્યાર્થી લાયક ગણાશે અને એમાં પાસ થનારને મેરિટને આધારે ધોરણ છમાં પ્રવેશ અપાશે.

આ બધું પહેલી નજરે તો આકર્ષે એવું છે, પણ એમાં જે સમય ફાળવાયો છે તે ખૂબ ઓછો છે. આ પરીક્ષાને લગતી માહિતીથી વિદ્યાર્થીઓને અને વાલીઓને માહિતગાર કરવાનું ને 23/3 થી 5/4 સુધીમાં ફોર્મ ભરાવવાનું મુશ્કેલ હતું. ઘણાં એ માહિતી ન મેળવી શક્યા હોય એમ બને. વારુ, આ સમય ગાળામાં જ વાર્ષિક પરીક્ષાઓ પણ નજીકમાં જ હતી એટલે પણ બધાં સુધી વાત પહોંચાડવાનું અઘરું થયું હોય તો નવાઈ નહીં. પરિપત્રો એટલા બહાર પડે છે કે સરકાર પોતે જ પોતાનો પરિપત્ર ભૂલી જાય છે. જેમ કે, RTEની કલમ 15 મુજબ કોઈ પણ શાળામાં પ્રવેશ માટે પરીક્ષા ન લેવાની વાત છે તો ધોરણ 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શા માટે એ પ્રશ્ન ઘણાંને મૂંઝવે એમ બને. બીજો મુદ્દો એ છે કે સમાન શિક્ષણની તકો વાળી વાત અહીં ચહેરાય છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થશે તે હોંશિયાર અને જે પરીક્ષા નહીં આપે કે નાપાસ થાય એ નબળો એવો ભેદ, સરકાર જ પ્રાથમિકના વિદ્યાર્થીઓમાં ઊભો કરશે. ધોરણ પાંચની પરીક્ષા પાસ કરનાર ધોરણ 6માં તો જશે, પણ સરકારે જાહેર કરેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં નાપાસ થનાર જ્ઞાન સ્કૂલોમાં ધોરણ 6માં નહીં જઇ શકે.

બીજી એક સગવડ સરકારે એ ઊભી કરી છે કે કોઈ વિદ્યાર્થી ધોરણ 6માં સમિતિની સ્કૂલમાં પાસ થાય છે, પણ જો તેણે જ્ઞાન સ્કૂલમાં જવું છે તો તે પરીક્ષા આપી શકશે ને તેમાં પાસ થશે તો પણ, તેણે અભ્યાસ તો ધોરણ 6નો જ કરવાનો રહેશે. એટલે કે પાસ થયો હોય તો પણ તેણે 6 ધોરણ રિપીટ કરવાનું થશે. આવો  ‘જ્ઞાન વર્ધક’ નિર્ણય ‘જ્ઞાની’ઓ જ કરી શકે કે પાસ થયેલાને પાસ ન ગણીને એ જ ધોરણમાં અભ્યાસ કરાવવો. એક બાજુ વગર પરીક્ષાએ બે વર્ષ સુધી માસ પ્રમોશન અપાયું ને બીજી બાજુએ ધોરણ 6 પાસ થયેલાને નાપાસ ગણી તેને એ જ વર્ષમાં અભ્યાસ કરાવવો જરા પણ ડહાપણ ભરેલું નથી. એક જ વિદ્યાર્થી 6થી 7માં જઇ શકે, પણ જ્ઞાન સ્કૂલમાં તે ન જઇ શકે ત્યારે સવાલ થાય કે જે સ્કૂલ શરૂ જ નથી થઈ તેનું જ્ઞાન એવું તે કેવું અદ્દભુત છે કે પાસ પણ નાપાસ ગણાય ને તે પણ એક જ રાજ્યની સ્કૂલનો વિદ્યાર્થી? એના કરતાં તો પ્રાથમિકમાં સાતમાંમાં જવું વધુ ડહાપણ ભરેલું છે. કોઈ પણ ધોરણમાં પાસ થયેલાને એ જ વર્ષમાં ફરી દાખલ કરાવીને વર્ષ બગાડવાનું તો ગુજરાતનાં શિક્ષણ વિભાગને જ સૂઝે.

એ પણ નથી સમજાતું કે જ્ઞાન સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ખેંચીને જે વધે તેને પ્રાથમિકમાં રાખીને સરકાર દ્વારા જ એ ભાન કરાવવું કે તમે નબળા છો એ કેટલી હદે ન્યાય ને તર્કસંગત છે તે પ્રશ્ન જ છે. વારુ, જે વિદ્યાર્થીઓ હોંશિયાર તરીકે આગળ જ્ઞાન સ્કૂલમાં જઇ રહ્યા છે એને તૈયાર તો પ્રાથમિકના એ શિક્ષકોએ જ કરાવ્યા છે જે પાછળથી એ જ સ્કૂલોમાં રહેવાના છે. હોંશિયાર વિદ્યાર્થી આગળ જશે, પણ એને તૈયાર કરાવનાર શિક્ષકો કે સ્કૂલને સરકાર કોઈ રીતે એપ્રિશિયેટ કરવાની નથી. હા, વધારે વિદ્યાર્થીઓને એ રીતે તૈયાર કરાવનાર સ્કૂલોની સરકાર નોંધ લેશે, પણ તે તો સરકાર પોતાનાં રેકોર્ડ માટે કરશે, એમાં સ્કૂલનું શું દળદાર ફીટશે તે નથી ખબર.

સરકારે જે જ્ઞાન સ્કૂલોની વિશેષતાઓની ગાઈ વગાડીને જાહેરાત કરી છે, તે ખરેખર છે શું તેની વિગતો આપી નથી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, કળા, રમતગમત, રેસિડેન્શિયલ સ્કૂલ્સ વગેરેની વાતો કરી છે ને તાલુકા કક્ષાએ શરૂ કરવાની વાત પણ છે, પણ એ અત્યાર સુધી તો વાતો જ છે. એ સ્કૂલો ક્યાં હશે, એનું મકાન કેવું હશે, એની વ્યવસ્થાઓ છે કે કરવાની છે, કરવાની છે તો કોણ કરવાનું છે, એના શિક્ષકો કોણ હશે ને એની પાત્રતા શી હશે … વગેરે વાતો અંગે ખાસ સ્પષ્ટતા સરકાર તરફથી નથી. જો એનું મકાન કે વિદ્યાર્થીઓનાં છાત્રાલયો, શૈક્ષણિક તંત્ર … તૈયાર કરવાનું બાકી હોય તો નવી ટર્મ જૂનમાં શરૂ થાય ત્યારે આ બધુ તૈયાર થઈ જશે એવું સરકારને કયા આધારે લાગે છે તેની સ્પષ્ટતા નથી. પરીક્ષામાં પાંચેક લાખ વિદ્યાર્થીઓ નોંધાવાની વાત સરકાર જ કરે છે. તે પછી એનું પરીક્ષણ કાર્ય, એનું રિઝલ્ટ ને એનું એડમિશન … આ બધું પણ નવી ટર્મ શરૂ થાય ત્યાં સુધીમાં પૂરું થાય એવું લાગતું નથી. આમ તો 6થી 12 ધોરણ સુધીનાં સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ કરવાની રહે, એમાનું અત્યારે કૈં જ ન હોય તો નવી ટર્મ સુધીમાં તો ભગવાન વિશ્વકર્મા પણ નહીં કરી શકે. હા, સરકારને વળી નવો તુક્કો આવે ને એ બધું જ બંધ કરી દે તો વાત જુદી છે.

એવું પણ મનાય છે કે આ આખી વ્યવસ્થા ખાનગી તંત્રોને સોંપાય ને એમ શિક્ષણનું ખાનગીકરણ કરવાનો સરકારનો હેતુ બર આવે. મુદ્દો તો એ પણ છે કે હોંશિયાર વિદ્યાર્થીઓ જ્ઞાન સ્કૂલોમાં જતાં, પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ઘટ પડશે. વિદ્યાર્થીઓની ઘટ ઊભી કરીને સરકાર શિક્ષકોની ઘટ આપોઆપ જ દૂર કરવા માંગતી હોવાનો વહેમ પણ પડે છે. સરકાર કહે છે કે વિદ્યાર્થીઓની ઘટ નહીં પડે, કારણ દરેક સ્કૂલમાંથી અંદાજે ત્રણેક વિદ્યાર્થીઓ જ જ્ઞાન સ્કૂલોમાં જશે. એટલે શિક્ષકો પણ ફાજલ નહીં પડે. એવું હોય તો સારું જ છે, પણ ત્રણની એવરેજ પકડીએ ને સરકાર કહે છે તે હિસાબે ચાર પ્રકારની જ્ઞાન સ્કૂલોમાં 53,200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય તો અંદાજે અઢારેક હજાર સ્કૂલોમાંથી પસંદગી કરવાની થાય. હવે આ વિદ્યાર્થીઓ પ્રાથમિક અને ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી જ લેવાના હોય તો અઢારેક હજાર એવી સ્કૂલો ગુજરાતમાં હશે જ એમ મન મનાવવાનું રહે. એ પણ જવા દઇએ, પણ પ્રાથમિક સ્કૂલોમાંથી સરવાળે 53,200 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઘટે છે એ તો ખરું ને ! કાલના જ સમાચાર છે કે ચીખલી તાલુકામાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની પરીક્ષા માટે 2,473માંથી 2,388 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી 300 વિદ્યાર્થીઓ પણ પાસ થાય તો એટલા વિદ્યાર્થીઓ તો સ્કૂલમાંથી ઓછા થવાના. એક એવી સ્કૂલ જે શરૂ થઈ જ નથી, એને માટે વિદ્યાર્થીઓ ઉઘરાવી આપવાના ને છે ત્યાંથી વિદ્યાર્થીઓ ઘટાડવાના, આ આખો વ્યાયામ પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો છે એવું નથી લાગતું? દેખીતું છે કે આજે નહીં ને કાલે વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર ઘટતાં શિક્ષકો ફાજલ પડે જ ને સરકાર કહે છે કે એવું નહીં થાય, એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે.

સવાલોનો સવાલ તો એ પણ છે કે આખું વ્યવસ્થા તંત્ર સરકારનું છે, છતાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયેલું છે ને જ્ઞાન સ્કૂલો પરનો કાબૂ બીજાઓનો હશે ને આ સ્કૂલો સ્પેશિયલ હશે, ત્યારે તેનું માળખું વ્યવસ્થિત ગોઠવાઈ શકશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે સમજાતું નથી. આ આખી વ્યવસ્થા સરકાર જ ઊભી કરવાની હોય તો સરકારને તેની પોતાની સ્કૂલો પર ભરોસો કેમ નથી ને અન્ય ખાનગી તંત્રો પર કેમ છે તેનો ખુલાસો થવો જોઈએ. જ્ઞાન સ્કૂલો બરાબર ચાલે છે કે નહીં ને નથી ચાલતી તો સરકારે તે અંગે શી જોગવાઇઓ કરી છે એની પણ સ્પષ્ટતા થવી જોઈએ.

રહી વાત ખર્ચની તો અત્યારે સરકાર વિદ્યાર્થી દીઠ ચાળીસેક હજારનો ખર્ચ કરે છે ને જ્ઞાન સ્કૂલોને વિદ્યાર્થી દીઠ વીસ હજાર આપવાની છે. તો સવાલ એ થાય કે બીજા જો વીસ હજારમાં જ્ઞાન સ્કૂલના વિદ્યાર્થીઓને જોગવી શકતા હોય તો સરકાર કઇ ખુશીમાં પ્રાથમિકના વિદ્યાર્થી પાછળ ચાળીસ હજાર ખર્ચે છે? એનો અર્થ તો એ થાય કે વીસ હજારમાં પહોંચી શકાય એ કામનાં સરકાર જાતે પોતે ચાળીસ હજાર ચૂકવે છે. આ તો ભ્રષ્ટાચારને ઇંગિત કરે છે. કાલના જ સમાચાર છે કે 25,000 રૂપિયામાં એજન્ટ આર.ટી.ઈ. હેઠળ કોઈ પણ સ્કૂલમાં એડમિશન કરાવી આપશે. જો આ સ્થિતિ હોય તો જ્ઞાન સ્કૂલોમાં જ્ઞાનનો ખરેખર મહિમા થશે જ એવું કઇ રીતે માનવું?

આ આખો ઉપક્રમ વિચારણાને જ નહીં, ફેર વિચારણાને પાત્ર પણ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઍપ્રિલ 2023

Loading

તમે અમ માનવજાતની દસ્તખત છો.

મેહુલ મંગુબહેન|Opinion - Opinion|14 April 2023

હું નહીં સરખાવું તમને સૂર્ય કે ચંદ્ર સાથે

એમ નહીં કહું કે શ્રેષ્ઠ નક્ષત્રોનાં સંયોગ સાથે કોઈ શુદ્ધ શુભમ્‌ ચોઘડિયામાં લીધો તો જન્મ તમે,

હું એમ પણ નહીં કહું કે તમે સુબેદાર રામજી અને ભીમાબાઈનું કોઈ દૈવી સંતાન હતા

હું નહીં કહું કે તમારું લલાટ હતું તેજપુંજ સમાન

કે પછી પૂર્વજન્મનાં અગણિત પુણ્યોનાં પ્રતાપે તમે ધર્યો માનવદેહ

હું કદી નહીં કહું કે તમે દલિતોનાં કે બીજા કોઈનાં પણ ભગવાન 

કેમ કે હું જાણું છું કે મારે આ બધું ન કહેવું જોઈએ

અને હું એ અત્યારે એ જાણું છું કેમ કે 

તમે મારી હતી ફૂંક મારા દાદાનાં કાનમાં ને કહ્યુંતું

ભાઈ તમને કોઈ અલો-તલા કહી જાય તે ના ચાલે 

તમારી કને કોઈ વેઠ કરાવે એ ખોટુ છે

તમારું આ જીવન કર્મનું ફળ નથી પણ મુઠ્ઠીભર લોકોનું કાવતરું છે 

એમના બાવડા હલબલાવીને કહ્યુંતું કે તમે માણસ છો ..

આ જગતમાં બાકી બધા છે એમ ખરેખાત માણસ છો તમે 

ને હું પણ ખરેખાત માણસ છું તમારા જેવો જ …

તમે જીવનભર મથ્યા માણસને માણસ હોવાનો અર્થ સમજાવવા

ને હવે હું તમને ઈશ્વર કહું તો તો તમારું લૂણ લાજે 

ફોક જાય બધું કર્યુ-કારવ્યું.

ને હું કોઈ દૈવી સંતાન કહું તો એળે જાય ભીમાબાઈની ચૌદ પ્રસુતિઓની પીડાઓ

એટલે જ તમે કોઈ શુભ ચોઘડિયા કે નક્ષત્રો કે રાશિઓનો દૈવી સંયોગ નહોતા

એવા ચોઘડિયા, મુરત કે કર્મનાં ફળ “માય ફૂટ” એવું તમે જ શીખવાડયું એ હું કેમ ભૂલી જાઉં ?

જ્યારે હું તો તમારા ઘગઘગતા વિચારોને અને શીતળ સમતાને સ્પર્શી શકું છું સાચોસાચ

ત્યારે કેવી રીતે સરખાવું તમને સૂર્ય કે ચંદ્ર સાથે ?

સ્વતંત્રતા અને સમાનતા કે બંધુત્વ એ કોઈ આસમાની તારાઓ નથી 

કે નથી પંડિતોની પોથીઓમાંથી રેઢા પડેલા જનમજન્માંતરનાં ખ્યાલો,

એ તો હજારો વર્ષની વેદનાથી નિપજેલા નક્કર બીજ છે ને તમે છો એ બીજનાં વાવનાર.

જ્યાં જ્યાં તમે વેર્યા છે એ બીજ ત્યાં ત્યાં જુઓ આજે ઊગી નીકળ્યું છે માણસનું માણસ હોવાપણું

તમે મારે મન ઈશ્વર કે દૈવીપુરુષ કે મહામાનવ એવું કશું નથી બલકે

તમે ખુદ ઈશ્વર અને તેના દૈવીપણાનો, કોઈની તુચ્છતા કે મહાનતાનો જડબેસલાક ધરાર અટલ ઈનકાર છો.

આજકાલ ઉતાવળ બહુ છે બધાને તમને ઈશ્વર ખપાવી દેવાની પણ મને યાદ છે પેલી ફૂંક

એટલે ગામગોકીરા વચ્ચે પણ, રાજતમાશા વચ્ચે પણ હું ગણતો રહીશ તમને માણસ

એક હાથમાં બંધારણ લઈ બીજા હાથની મુઠ્ઠીવાળી જોરથી પાડીશ બૂમ

ઈન્કલાબ ઝિંદાબાદ એ ઈશ્વરીય નારો નથી

બંધારણ એ ચરી ખાવા માટે બનાવવામાં આવેલી પંડિતોની પોથી નથી

એ માણસે માણસ માટે લખેલો દસ્તાવેજ છે જેમાં છે તમારી સહી

ડોકટર ભીમરાવ આંબેડકર …

તમે અમ નબળી, ક્રૂર, જંગલી, મૂરખ સભ્યતાને 

મળતા મળેલા માણસ છો ….

તમે અમ માનવજાતની દસ્તખત છો.

2017

(સહુને ડૉ. ભીમરાવ આંબેડકર જયંતીની શુભેચ્છાઓ)

સૌજન્ય : મેહુલભાઈ મંગુબહેનની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી-આંબેડકર-પેરિયાર વાયા વાયકોમ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 April 2023

પ્રકાશ ન. શાહ

બસ, આડા બે દિવસ છે : આંબેડકર જન્મ કલ્યાણક હમણેનો રાબેતો છે તેમ પૂરતા જોરશોરથી અલગ અલગ છેડેથી મનાવાશે. પણ આ જયંતી માહોલમાં એક ઓર શતાબ્દીનું સ્મરણ કદાચ સવિશેષ લાજિમ બની રહે છે. આટલે સુધી પહોંચ્યા અને જેટલે સુધી જવાનું છે એની સૂધબૂધ જળવાઈ રહે તે માટે જે કેટલીક સીમાઘટનાઓ મીઠી વલૂર પેઠે વાગોળવી રહે છે એમાંની એક એ પણ છે : વાયકોમ સત્યાગ્રહ (માર્ચ 30, 1924 : નવેમ્બર 23, 1925)

દક્ષિણ ભારતના તિરુવનંતપુરમ્ (ત્રિવેન્દ્રમ) રજવાડાનું ગામ વાયકોમ, અને ત્યાંનું પંકાતું શિવ મંદિર. દલિતને સારુ પ્રવેશનો તો પ્રશ્ન જ અપ્રસ્તુત, પણ ફરતે જે રસ્તા, ત્યાં પણ દલિતને સારુ સંચારબંધી. સ્વામી વિવેકાનંદને એમના ભારત ભ્રમણ દરમ્યાન આ પંથકમાં આભડછેટનો જે અનુભવ થયો તેવું ‘ગાંડપણ’ એમણે બીજા કોઈ પ્રદેશમાં નહીં જોયાનું કહ્યું છે … ફૂટના ફૂટનું અંતર જાળવવાનું અને મોટેથી બરાડતા ચેતવણી આપતા ચાલવાનું, એ વળી બાકી રસ્તાની તાસીર. કેવળ સ્પર્શ જ નહીં દૃષ્ટિથી પણ અભડાવાતું એવા દિવસો એ હતા.

અહીં 1924ના માર્ચમાં જે આંદોલન શરૂ થયું એની સ્મૃતિ સોમા વરસમાં પ્રવેશી રહી છે ત્યારે નોંધપાત્ર મુદ્દો એ છે કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કાઁગ્રેસ પક્ષ તો ઊજવણી કરી જ રહ્યો છે, પણ સવિશેષ તો કેરળની ડાબેરી લોકશાહી સરકાર અને તામિલનાડુની ડી.એમ.કે. સરકાર સત્તાવારપણે એકત્ર થયાં છે. કાઁગ્રેસની રસમી કોશિશ સામે, કેમ કે વિજયન અને સ્તાલિન બબ્બે મુખ્યમંત્રીઓ ચિત્રમાં છે, આ ઊજવણીમાં જેમ સહજ શોર તેમ કંઈક આનબાનશાન શો તામઝામ પણ છે. ખાસ તો વિજયન અને સ્તાલિને આખા આયોજનને એમનાં વક્તવ્યોમાં નવજાગરણ ને સુધારાની ચળવળ સાથે સાંકળવાની ભૂમિકા લીધી છે. વાયકોમ સત્યાગ્રહ સાથે સંકળાયેલા એક કાઁગ્રેસમેન રામાસ્વામી નાઈકર (પેરિયાર) પણ હતા તે યાદ કરીએ તો તરત આ વાનું સમજાશે.

પછીનાં વર્ષોમાં બહુ જુદી જ રીતે ઉભરેલી વિદ્રોહી વ્યક્તિતાના માલિક રામાસ્વામી ત્યારે કાઁગ્રેસમાં હતા એવો હમણાં ઉલ્લેખ કર્યો તે સાથે એક વિગત ઇતિહાસવસ્તુ તરીકે સામે આવે છે. કાઁગ્રેસની બદલાતી તાસીર એનાથી માલૂમ પડે છે. ક્યાં ય સુધી કાઁગ્રેસ, સંસાર સુધારાની ચળવળમાં સામેલ થવાથી પરહેજ કરતી. તિલક મહારાજ જહાલ ખરા, પણ એ તો રાજકારણમાં. કાઁગ્રેસ હોય કે હોમરુલ લીગ, એમણે સામાજિક સુધારણામાં પડવાથી અંતર રાખવાનું. આગલા સૈકામાં રાજા રામ મોહન રાયે સતી પ્રથાનો પ્રશ્ન ઉપાડ્યો અને ક્રાંતિકારી સુધારો સરકાર સાથે રહીને પાર પાડ્યો એવું તમે લોકમાન્યના કિસ્સામાં કલ્પી ન શકો. એમને એમ લાગતું કે ‘આપણા મામલા’માં સરકારને દખલ શા માટે કરવા દેવી. ગાંધીજી આવ્યા અને રાજકીય જાગૃતિ તેમ સંસાર સુધારાની ચળવળ સાથેલગાં હોય એ એક નવો ચાલ ઉભરી આવ્યો. મહારાષ્ટ્રના અનન્ય સમાજવાદી એસ.એમ. જોષી (એક તબક્કે તો સંયુક્ત મહારાષ્ટ્ર એટલે એસ.એમ. એવું લોકપ્રિય સમીકરણ હતું) ઘણી વાર કહેતા કે તારુણ્યનાં વર્ષોમાં તિલક ને સાવરકર અમારું કુલદૈવત હતા, પણ ગાંધીજી આવ્યા અને અમને સમજાયું કે સ્વતંત્રતાની લાહ્ય સમતાની ચળવળ વિના અધૂરી છે.

જો કે, વાત આપણે વાયકોમ આંદોલનની કરતા હતા. કથિત નીચલી વરણ અને કથિત ઉપલી વરણના કાઁગ્રેસ કાર્યકરોએ મળીને સત્યાગ્રહની શરૂઆત કરી. સર્વણશાહી મારપીટ ખમી. વરસાદનાં કેડસમાણાં પાણીમાં ઊભા રહી સત્યાગ્રહ જારી રાખ્યો. ગાંધીજી આવ્યા અને સંબંધિતો સાથે વાટાઘાટ હાથ ધરી તો દલિતો એમનાં પૂર્વજન્મનાં કર્મ મુજબ બધું વેઠે છે એવો નઘરોળ જવાબ મળ્યો. આંદોલન જારી રહ્યું એની ઝીણી ઝીણી વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું આપણે કે રસ્તા વાપરી શકાય (પણ મંદિર પ્રવેશ નહીં) એ ધોરણ ચાલચલાઉ સમાધાન થયું. ખાસા છસો દિવસની લડતને અંતે આ સમાધાન થયું એ મવાળ લાગતાં રામાસ્વામી નાઈકર કાઁગ્રેસથી ખસ્યા. પણ આ સમાધાન જે પ્રક્રિયામાંથી આવ્યું હતું એ પ્રક્રિયા તો અંતરિયાળ પણ ચાલુ જ હતી અને થોડાં વરસમાં ત્રાવણકોર રાજવીએ મંદિર પ્રવેશ આડે રુકાવટ કાનૂની રાહે દૂર પણ કરી.

નાતજાતકોમથી નિરપેક્ષ સૌ સદ્દભાવી મિત્રોનો સહયોગ આવી લડતોમાં સામાન્યપણે ઈષ્ટ જ હોય. પણ ગાંધીજીએ ખ્રિસ્તી મિત્રોને સત્યાગ્રહથી દૂર રાખ્યા હતા એ પણ સમજવા જેવું છે. ગાંધીજીએ કહ્યું કે અસ્પૃશ્યતા એ અમારો હિંદુઓનો પ્રશ્ન ને જવાબદારી છે અને એની સામે અમારે જ લડી લેવું જોઈએ. નાઈકરને લાગતું કે આ ‘માનવીય’ પ્રશ્ન છે, માનવ અધિકારનો – અને તેથી સૌનો છે. બંનેની વાત પોતપોતાને છેડે ખોટી નથી, પણ ગાંધીજી ધર્મની ભૂમિકાને સ્વીકારીને ચાલતા હોઈ એમનો ચોક્કસ આગ્રહ છે. જો કે, અસ્પૃશ્યતા શાસ્ત્રસમ્મત નથી, જો એ શાસ્ત્રસમ્મત હોય તો તે શાસ્ત્રોની જરૂર નથી – અને ધર્મને તે જરૂરી લાગતા હોય તો ધર્મ પણ તપાસ માગે છે, એવી એમની સમજ છે તે આપણા ખયાલમાં હોવું જોઈએ. રામાસ્વામી નાઈકરથી ઉફરાટે આંબેડકર ધર્મને સ્વીકારીને ચાલનારા છે એટલે હિંદુ ધર્મ વ્યવહાર સાથે અસ્પૃશ્યતાનો અવિનાભાવ સંબંધ જોઈ એમણે ધર્મપલટો ઈચ્છ્યો એ રીતે આંબેડકર-ગાંધી વિલક્ષણપણે મળતા આવે છે એમ કહી શકાય? ધર્મની વાત નીકળી જ છે તો દક્ષિણ પંથકને ધોરણે નારાયણ ગુરુને ખાસ સંભારવા જોઈએ, પણ એ વળી ક્યારેક અહીં માત્ર એ ગાંધીવચનો સંભારીશું કે મંદિર ફરતે માર્ગ પર નારાયણ ગુરુ પણ પગ ન મૂકી શકે એ મારી ધર્મબુદ્ધિને, મારી માનવનિષ્ઠાને અને મારી રાષ્ટ્રપ્રીતિને વલોવી નાખતી બીના છે.

આ ઘટનાક્રમ 1924-25નો છે તે પહેલાં 1919માં ડાયર હસ્તક જલિયાંવાલા બાગમાં નૃશંસ હત્યાકાંડ રચાયો હતો એને ગાંધીજીએ સવર્ણશાહી આકાઓ સાથે ચર્ચા દરમ્યાન જુદી રીતે જ એ સંભાર્યો છે કે દલિતો સાથેનો તમારો વ્યવહાર ડાયરશાહી વ્યવહાર છે. હિંસાની ગાંધી-વ્યાખ્યા આ ઉદ્દગારથી વિશદપણે ઉભરી રહે છે.

કથિત ‘મોદી સમાજ’ને નામે ધ્રુવીકરણ રચવાની જે રમત ચાલે છે એની સામે કેરળ-તામિલનાડુ સરકારો સામાજિક ન્યાયલક્ષી નવજાગરણ અને સુધાર ચળવળને ધોરણે એકત્ર આવવાની કોશિશમાં હોય એ એક અવનવી ચેષ્ટા જરૂર છે અને વાયકોમ સત્યાગ્રહને રૂડી શતાબ્દી વંદના પણ!

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 ઍપ્રિલ 2023

Loading

...102030...1,0421,0431,0441,045...1,0501,0601,070...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved