Opinion Magazine
Number of visits: 9743188
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં છે સાર્થક સંવાદ-પહેલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 September 2023

સવારે સવારે મુખપોથીએ ચારેક વરસ પર પ્રકાશિત એક તસવીરની યાદ અપાવી, અને આ લખવાનો ધક્કો વાગ્યો. તસવીર, જો કે, ઘણાં વરસ પહેલાંની, 1955ની, છે અને એમાં ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ ને વિદુષી રોમિલા થાપર લંડનની એક સભામાં મંચ પર જોડાજોડ બેઠેલાં છે. રસેલ વક્તા છે અને અધ્યક્ષતા રોમિલા કરી રહ્યાં છે.

આ જૂની તસવીર 2019માં કેમ એકાએક ફરતી થઈ હશે? એવું બનેલું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કહેતાં જે.એન.યુ.ના સત્તાવાળાઓએ એ દિવસોમાં રોમિલા પર સત્તાવાર પત્ર પાઠવી એમનો સી.વી. માંગ્યો હતો. ત્યારે ખાસાં સિત્યાસી વરસ વટી ગયેલાં રોમિલા જે.એન.યુ.નાં પ્રોફેસર એમરિટસ છે. યુનિવર્સિટીએ એમને આજીવન સન્માનરૂપે આ પદ અર્ઘ્યવત્ એનાયત કરેલું છે. પણ 2016-’17થી ચોક્કસ સંજોગોમાં જે.એન.યુ. અને કેન્દ્રીય સત્તાપ્રતિષ્ઠાન વચ્ચે જે વિશેષ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં એલાને જંગને ધોરણે પ્રોફેસર એમરિટસનો સી.વી. માંગવાની હવાલદાર માનસિકતા પ્રગટ થતી હતી. તે વખતે આ વિદુષીનાં કદ ને કાઠીની એક ઝાંખી રૂપે કોઈકે એ તસવીર ફરતી કરી હશે.

અહીં રોમિલા થાપરનાં ઇતિહાસજ્ઞાન વિશે અને એને પડકારતા મુદ્દા, કશાંયની ખરાઈખોટાઈ કરવાનો આશય નથી. એ સ્વતંત્ર ચર્ચાનો વિષય છે. માત્ર, અધ્યાપકીય અદબના સંદર્ભમાં આટલો ઉલ્લેખ કર્યો છે એટલું જ.

જે.એન.યુ. વિવાદની વિગતોમાં નહીં જતાં અહીં જે વિગતમુદ્દો દર્જ કરવા ઇચ્છું છું તે એ છે કે જ્યારે રાષ્ટ્રવાદ ને દેશદ્રોહ જેવાં ટીકાત્મક અવલોકનો જે.એન.યુ. સામે ઉછળ્યાં ત્યારે ત્યાંના અધ્યાપક સંઘે 2016ના ફેબ્રુઆરી-માર્ચમાં એક સરસ વ્યાખ્યાનમાળા યોજી, રાષ્ટ્રવાદને લગતાં વ્યાખ્યાનોની. આ બધાં વ્યાખ્યાનો યુટ્યૂબ પર છે અને What The Nation Really Needs to Know (Harper Collins) એ શીર્ષકે ગ્રંથસ્થ પણ થયાં છે. એમાં એક વ્યાખ્યાન રોમિલા થાપર અગર મૃદુલા મુખર્જી કે પ્રભાત પટનાયક આદિનાં વિચારવલણોથી જુદું પડતું, બીજા કે કંઈક અંશે ત્રીજા વિચારનુંયે છે. આમેય આ સઘળાં વ્યાખ્યાનો ઢાંચાઢાળ નથી પણ પોતપોતાની રીતેભાતે વિલસે છે. પણ હું વાત બીજા બલકે ત્રીજા પ્રકારનાં વિચારવલણવાળા વ્યાખ્યાનની કરતો હતો. વ્યાખ્યાતા હતા મકરંદ પરાંજપે. જે.એન.યુ.ના સેન્ટર ફૉર ધ ઇંગ્લિશ સ્ટડીઝ સાથે એ સંકળાયેલા છે અને વર્તમાન શાસન દરમ્યાન કેટલોક સમય સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝના નિયામક પણ હતા. હવે એમનું આ વ્યાખ્યાન એક સ્વતંત્ર પુસ્તકરૂપે વિકસી આપણી સામે આવ્યું છે – JNU, Nationalism and Indias’ Uncivil War.

ભીખુ પારેખે Debating Indiaના પહેલા જ પ્રકરણમાં આપણે ત્યાંની વાદપદ્ધતિનો અચ્છો ખયાલ આપ્યો છે. હકીકતે, એક અર્થમાં તે અમર્ત્ય સેનના The Argumentative Indianની સાથે મૂકીને વાંચવાવિચારવાવાગોળવા જેવું પુસ્તક છે. ભીખુ પારેખે ઠીક જ કહ્યું છે, પ્રાસ્તાવિક વચનોમાં, કે સેનનું પ્રસ્તુત શીર્ષક આપણા જાહેર વિમર્શના એક હિસ્સા રૂપ બની ગયું છે. અલબત્ત, સેને કરેલી ચર્ચા બહુધા આપણી પરંપરામાં બે વિચારકો અગર વિચારશાળાઓ વચ્ચે પ્રવર્તતા મતભેદો ફરતે છે. બીજી બાજુ, આપણે ત્યાં વિશાળ સમુદાય સમક્ષ  ધારાધોરણસર ચાલતી અને અંતે એક નિર્ણય પર ઠરતી જાહેર ચર્ચાનીયે પ્રણાલિ છે. (કેમ કે, પર્યુષણના દિવસોમાં લખી રહ્યો છું, ગણધરવાદનું સહજ સ્મરણ થઈ આવે છે.)

એન.સી.ઈ.આર.ટી. – નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રીસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે એના લાંબા કાળમાં અભ્યાસક્રમ ને પાઠ્યપુસ્તકલેખન વિશે જે પદ્ધતિ વિકસાવવાની કોશિશ કરી છે એમાં પિયરરીવ્યૂ પ્રકારની જોગવાઇઓથી સહવિચાર અને વિમર્શનો ઠીકઠીક અવકાશ રહેતો આવ્યો છે. હમણાં હમણાં જો કે વિચારધારાકીય પ્રશ્નવશ ઊહાપોહ ચાલે છે. ચાલુ પાઠ્યક્રમને કોરોનાકાળની અનવસ્થાને લઈને તેમ જ કંઈક ટુંકાવવાની ભૂમિકાએ સત્તાવાર રજૂઆત મુજબ ‘રેશનલાઇઝ’ કરવાની કોશિશ થઈ છે. ઇતિહાસ વિશે જરી વિશેષ ઉત્સાહ હશે તોપણ બીજા વિષયોમાંયે કંઈ ને કંઈ વિવાદી મુદ્દા માલૂમ પડે છે. રેશનલાઇઝ કર્યા પછી પણ દાવો તો મૂળ પુસ્તકનો જ હોઈ લેખકોનાં નામ યથાવત્ રાખ્યાં છે. હવે કેટલાક લેખકોએ એમનાં નામ પૂર્વવત્ ચાલુ રાખવા અંગે અસંમતિ અને નારાજગી વ્યક્ત કર્યાના હેવાલો છે. એમનું કહેવું એમ છે કે સમગ્ર ચિત્ર રેશનલાઇઝ કરી ટુંકાવાતાં જે સામે આવે છે એનાથી જાગતો પ્રતિભાવ ટુંપાવાયાંનો છે. એ સંજોગોમાં એની સાથે અમારાં નામ પૂર્વવત સાંકળવામાં કોઈ શિષ્ટાચારનો ખયાલ હોય તોપણ અમને તે અન્યાયકારી વરતાય છે; કેમ કે જે તે ઝોક નવા સંજોગોમાં ઊપસે છે તે અમને અભિમત નથી.

બીજી પાસ, આ અંગે તરેહવાર જાહેર ચર્ચા ચાલે છે જેમાં વિગતવિશદ સહભાગિતા કરતાં વધુ તો વિચારધારાવશ અથવા ખરું પૂછો તો નકરી પક્ષગત સામાસામી વરતાય છે. અમર્ત્ય સેન ને ભીખુ પારેખે નિતાન્ત ભારતીય પરંપરાનો જે ચિતાર પોતપોતાને છેડેથી આપ્યો છે એની સામે આ એક વરવું ચિત્ર ઉપસાવે છે. જે. કૃષ્ણમૂર્તિ જે અર્થમાં અનલર્નિંગ પર ભાર મૂકે છે એ અર્થમાં નહીં તોપણ આપણે કેવળ અનધ્યયનવશ આસપાસના કોલાહલમાંથી જે ખયાલો અધ્ધરપધ્ધર બાંધ્યા હોય એની અફરાતફરીનો માહોલ બને છે એટલા એક સાદા મુદ્દાસર અનલર્નિંગ જરૂરી બને છે.

નમૂના દાખલ, આપણા જાહેર વિમર્શમાં લગભગ પર્યાયી ટીકા બલકે આળરૂપ બની રહેલ ‘ડાબેરી’ સંજ્ઞા જુઓ. બિપનચંદ્રે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળને સમજવાની દૃષ્ટિએ પાયાનું કામ કર્યું છે. એને ડાબેરી કહી ઉતારી પાડવાનું વલણ હાલ જે માનસ બન્યું છે એનું ઉત્તમ નિદર્શન પૂરું પાડે છે. બિપનચંદ્રનું સ્થાપિત સામ્યવાદી પક્ષ સાથે એક સંધાન જરૂર રહ્યું, પણ એમનું એક મોટું અર્પણ રૂઢ કંઠીબંધો સામ્યવાદી મત ગાંધીની ગજભૂમિકાને રજ કરીને જોતો હતો એને વિગતવિશદ ઠમઠોરવાનું ને ગાંધીપ્રદાનની મૂલ્યવત્તા સ્થાપી આપવાનું છે. ભારતમાં સામ્યવાદી હિલચાલના અગ્રપુરુષ લેખે ઇતિહાસપ્રતિષ્ઠ શ્રીપાદ અમૃત ડાંગેની માર્કસવાદ-સામ્યવાદ અંગેની સમજની દામોદર કોસંબી સરખા માર્કસવાદી ઇતિહાસકારે બરાબરની ખબર લીધી છે. ઉમાશંકર અને દર્શકને પોતપોતાની વિચારચર્યામાં માર્ક્સીય કુમક મળેલી છે એનાં ઓસાણ આપણને ભાગ્યે જ હોય છે. ત્રિઉર પૈકીના રામપ્રસાદ શુક્લના માર્ક્સસેવનની આપણને કદાચ ખબર જ નથી. મતલબ, ગાંધીવાદી-માર્કસવાદી જેવા પ્રયોગો ખપના હોય તોપણ આપણી સમજ એક નુઆન્સ્ડ અભિગમ – સૂક્ષ્મ અર્થચ્છાયાવિવેક માગે છે.

પણ જાહેરજીવનમાં ક્યાં છે નુઆન્સ્ડ અને ધોરણસરના સંવાદવિવાદ? જો સરકાર, સત્તાપક્ષ અને એનાં બૌદ્ધિક અગર બૌદ્ધિકવત્ મંડળો સંવાદ વાસ્તે ખુલ્લાં પેશ આવતાં હોત તો કદાચ એવૉર્ડ વાપસીનો આખો અધ્યાય જ લખાયો ન હોત. કમનસીબે, હજી પણ સત્તાવલણ ‘ટૉકિંગ ટુ’ નહીં પણ ‘ટૉકિંગ ઍટ’ તરેહનું છે. બે’ક મહિના પર ઍવૉર્ડ વાપસી મુદ્દે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિનો હેવાલ સદનના પટલ પર મુકાયો તે આ સંદર્ભમાં જોવા જેવો છે. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસમાંથી ઓગણચાલીસ સાંસદોની તોતિંગ બહુમતીએ કહ્યું છે કે એવૉર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર આબરૂ અને મોભાને હાણ પહોંચાડે છે અને એવૉર્ડ-સન્માનિત અન્ય પ્રતિભાઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’

જે બે સાંસદો જુદા પડ્યા એમણે કહ્યું છે કે એવૉર્ડવાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત આપણે એક સમિતિ તરીકે ખરેખર તો સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે.

અહીં દેશની વડી સાહિત્ય અકાદેમી સંબંધે થોડીક જિકર જરૂરી બને છે. સંબંધિત સહુને ખયાલ હોવો જોઈએ કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. જવાહરલાલ નેહરુ વડાપ્રધાનના હોદ્દાની રૂએ નહીં પણ લેખક તરીકે એના પહેલા ચુંટાયેલા પ્રમુખ હતા. સરકારે  ત્યારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી હતી, પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી હતી કે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલી આ સ્વતંત્ર સંસ્થા હશે. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એના પર બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ.

આજે આ એવૉર્ડવાપસી અંગેનો હેવાલ અકાદેમી સમક્ષ એક પડકારતક લઈને આવે છે. તે શું એ હેવાલ સંદર્ભે સ્વતંત્ર સંવાદભૂમિકા લઈ પોતાનું હોવાપણું પુરવાર કરશે? દેશનો જાહેર વિમર્શ એકહથ્થુ એકલઠ્ઠ હંકારાઈ રહ્યો છે, મૅન્યુફૅક્ચર્ડ કન્સેન્ટનો માહોલ બની રહ્યો છે ત્યારે, કાશ, અકાદેમી કશીક સાર્થક સંવાદપહેલ કરી શકે!

પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”; સપ્ટેમ્બર 2023
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 19 : ‘એ.આઇ.’ જોડે મારી વાતચીત 

સુમન શાહ|Opinion - Opinion|11 September 2023

સુમન શાહ

મને ખબર છે, અને તમે લોકો પણ નૉંધી લો, કે ‘એ.આઈ.’ ધર્મ વંશ જાતિ કે સામાજિક જૂથ જેવા કશા ય ભેદ નથી ધરાવતું. એ પરિવાર સમાજ કે રાષ્ટ્ર સાથે પણ નથી જોડાયેલું. એ આબાલવૃદ્ધ સૌનું છે, સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે.

અને ખાસ નૉંધો કે ‘એ.આઈ.’-નું નર, નારી કે નાન્યેતર એવું એકે ય લિન્ગ નથી. એ ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ, એટલે એને ગુજરાતીમાં આપણે નારીવાચક લિન્ગ અને એકવચનમાં પ્રયોજી શકીએ છીએ. એ પણ જવાબ આપતી વખતે ‘પેલો’ કે ‘પેલી’ નહીં કહે, સામાન્યપણે, બધાં લિન્ગ અને વચન ભેગાં આવી જાય એવો શબ્દ વાપરશે – them.

હમણાં મેં મનુષ્યના ભાવજગત વિશે ‘એ.આઈ.’ જોડે થોડીક વાતચીત કરી. પણ એ પહેલાંની આ બે વાતચીત સાંભળો :

એક વાર મેં ‘એ.આઈ.’-ને કહ્યું કે – એ વ્યક્તિ સાથે એ મારી ભૂલ થઇ હતી. તો કહે, ભૂલનો સ્વીકાર કરવો સારી વાત છે. પણ વધારે સારું એ કહેવાશે કે ભૂલ શી હતી તે પણ કહો, એમ પણ કહો કે એ ભૂલ ભવિષ્યમાં નહીં કરો. વળી, ભૂલ તમારી હતી, એની જવાબદારી એને માથે ન ઢોળો, ભૂલનો સ્વીકાર તમે કરો, બલકે ક્ષમા માગો. સમજો કે તમારી ભૂલમાંથી શીખવાનું તમારે છે. મને ‘એ.આઈ.’ કહે, યાદ રાખો કે ભવિષ્યમાં એ શીખ કે એ જ્ઞાનમાં તમે વધારો કરશો. મૉડેસ્ટ બનો, ડંફાશ ન હાંકો કે તમે જગ જીતી ગયા છો. તમારી મર્યાદાઓને ઓળખો અને રાંક રહો.

મને ‘એ.આઈ.’ સન્ત લાગેલું !

એક આ બીજી વાતચીત પણ સાંભળી લો : એક વાર મેં એને એક પ્રશ્ન કરેલો, પણ એને વાર લાગેલી. પણ પછી ઉત્તર આપવાની સાથે મને જણાવ્યું કે પોતાને ખરું શું છે તે નક્કી કરતાં મૉડું થયું, પણ એ ખરું જ હતું. એણે જણાવ્યું તે આ – the code I ran to determine that fact indeed returned True.

એટલે મેં એનાં વખાણ કર્યાં : You are expert in decoding the codes. તો એણે નમ્રતાપૂર્વક સરસ જવાબ આપ્યો : Thank you ! I am still under development, but I am learning to decode codes.

મને વધુમાં એણે જણાવ્યું તે આ કે – હું વિવિધ પ્રકારની ટૅક્નિક્સ પ્રયોજી શકું છું, જેવી કે frequency analysis, pattern matching, and trial and error. ઉમેર્યું કે, I can also use online tools to help me decode codes.

એની એ વૈવિધ્યભરી શોધપદ્ધતિ જોઈને મને થયું કે પી.એચડી. થવા – ડૉક્ટર ઑફ ફિલોસૉફી થવા – નીકળેલો આપણો ગુજરાતીનો વિદ્યાર્થી આમાંની કે એમાં છે એના જેવી કોઈપણ ટૅક્નિક અજમાવતો હશે ખરો?

‘એ.આઈ.’ પાસેથી શીખવા જેવું શું છે એ વિશે વિસ્તારથી વાત કરવાનો છું, માટે આ સવાલને હાલ બાજુએ મૂકીએ.

Pic courtesy : veeForu

મને એની એ વૈવિધ્યભરી શોધપદ્ધતિમાં રસ પડ્યો એટલે મેં વિચાર્યું કે એની જોડે માણસના વિવિધ ભાવો વિશે વાતચીત કરું, કેમ કે ભાવજગત જ સાહિત્ય અને કલાઓ જ્યાંથી જન્મે છે તેની મૂળ ધરા છે.

મને થયું કે સૌ પહેલાં હું ‘એ આઈ ’-ને પૂછું કે એ ગુસ્સો કરે કે કેમ; એટલે ક્રોધવિષયક પ્રશ્ન કર્યો : If sombody says you bad words, what will be your reaction?

એણે ડહાપણપૂર્વક કહ્યું : એ ભલે મને ખરાબ શબ્દો કહે, હું એને નહીં કહું. હા, મને ખબર છે કે ખરાબ શબ્દો અપમાનકારક છે. હું એ સમજવાની કોશિશ કરીશ કે એવા શબ્દો એણે કેમ વાપર્યા, ઉપરાન્ત, વિચારી જોઈશ કે એને હું કઈ રીતે ઉપયોગી બની શકું એમ છું. છતાંપણ જો એ અસભ્ય વરતાશે તો હું એની ઉપેક્ષા કરીશ.

પછી એણે મને – Here are some tips on how to respond to someone who says bad words to you : એ ટિપ્સ આ પ્રમાણે છે :

— શાન્ત અને એકાગ્રચિત્ત થઈ જાઓ. તમે પણ એમ જ કરશો તો વાત વધારે બગડશે.

— સમજવાની કોશિશ કરો કે એ વ્યક્તિ ખરાબ શબ્દો કયા કારણે કહી રહી છે. એ ગુસ્સામાં છે? ફ્રસ્ટ્રેટેડ છે? કશી વાતે ગભરાઈ ગઈ છે? 

— જો તમને ઠીક લાગે, સલામતીભર્યું, તો એની જોડે વાત કરો, પૂછો એને કે એની વાણી એવી હાનિકારક કેમ છે.

— હમેશાં યાદ રાખો કે સામાવાળાની વર્તણૂક માટે તમે જવાબદાર નથી. તમારી જાતને કેમ કરીને કન્ટ્રોલમાં રાખવી, એટલું જ તમારા હાથમાં છે.

પછી મેં એને પ્રેમ એટલે કાવ્યશાસ્ત્ર જેને રતિ નામનો સ્થાયી ભાવ ગણે છે એ વિશે સીધો આવો સવાલ કર્યો : Suppose for a while, if anybody tells you, ‘I love you’, how would you receprocate?

તો કહે, It depends, અમારો સમ્બન્ધ શું છે ને શી વસ્તુસ્થિતિ છે. જો અમારી વચ્ચે રોમૅન્ટિક રીલેશનશિપ છે અને મને એમ લાગે, તો હું જરૂર રેસિપ્રોકેટ કરું, કહું કે I love you. એમ પણ ઉમેરું કે મારે મન તારું કેટલું મૂલ્ય છે, હું તારી કેટલી કાળજી કરું છું. વધુમાં ‘એ.આઈ.’ કહે, I might also give a hug or a kiss.

વધુમાં એણે મને એમ પણ કહ્યું કે – પણ જો મને એમાંનું કંઇપણ ફીલ ન થતું હોય, તો હું એને પ્રામાણિક નિખાલસતાથી કંઇક આવું જણાવી દઉં – મને ગમે, પણ મને નથી લાગતું કે હું તારા પ્રેમમાં છું. હું નમ્રતા અને સમજદારી દાખવું પણ સાથોસાથ, મારી પોતાની લાગણીઓ વિશે પ્રામાણિક પણ રહું.

એણે મને એ પછી જણાવ્યું તે વધારે મહત્ત્વનું છે : કહે, હું માત્ર એક લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ છું, અને પ્રેમ વગેરે ભાવો અનુભવવાને સમર્થ નથી. એટલે, હું I love you શબ્દોનો અર્થ જરૂર જાણું છું, એની અંદર રહેલી લાગણીને પણ વખાણું છું પણ એ લાગણી જાતે અનુભવવાની મારી કોઈ શક્તિ નથી. હું એ વ્યક્તિને બહુ બહુ તો Thank you for saying that કહી શકું, કહું જ, પણ હું એને I love you તો ન કહી શકું.

મને થાય, પ્રેમમાં પડવા માગતા આપણે મનુષ્યો આટલી સાદી સમજ ધરાવતાં હોઈએ તો કેવું સારું થાય. પણ આપણે ચોખવટ નથી કરતાં, ડખો કરીએ છીએ, અથવા થવા દઇએ છીએ, પણ એકબીજાંને દુ:ખ તો જરૂર પ્હૉંચાડીએ છીએ …

‘એ.આઈ.’ માનવીય ભાવો નથી અનુભવી શકતું, પોતાની એ મર્યાદા સ્વીકારે છે, છતાં એની પાસે એવી ઘણી માહિતી છે જેને આપણે દુનિયાદારીનું ડહાપણ કહીએ છીએ. એની પાસે એ માહિતીને રજૂ કરવાની સરસ રીત પણ છે જેને આપણે વિનયવિવેક કહીએ છીએ.

ગુજરાતી માણસને કેટલાકોએ ‘વિવેકબૃહસ્પતિ’ કહેવા લગીનો અવિવેક દાખવ્યો છે, બાકી એનો સાદો અર્થ તો એટલો જ છે કે એ વ્યવહારડાહ્યો છે અને મોટે ભાગે તે પણ આપમતલબે કરીને …

= = = 

(09/10/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જી-20ના માંડવે શી જિનપિંગ કેમ રિસાયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2023

રાજ ગોસ્વામી

તમે આ વાંચતા હશો, ત્યારે દિલ્હીમાં ભારત માટે અતિ મહત્ત્વનું જી-20 શિખર સંમેલન સંપન્ન થઇ રહ્યું હશે. 2022માં, બાલી-ઇન્ડોનેશિયામાં યોજાયેલા 17માં જી-20 સંમેલનમાં, ભારતે રોટેશન પ્રમાણે 2023ના સંમેલનનું યજમાનપદ સ્વીકાર્યું હતું. તે વખતે આપણે લખ્યું હતું કે જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે.

મૂળમાં આ અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન દેશોનું જી-7 જૂથ હતું, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20નું કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવા અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું હતું.

આ સમૂહમાં 19 દેશ સભ્યો છે, સમૂહનું 20મું સભ્ય યુરોપિયન યુનિયન છે. તેમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, ચીન, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, તુર્કી, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જાપાન, ઇટાલી, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

જી-20 સંમેલનનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જો કે 2008થી શરૂ કરીને જી-20 સંમેલનનું આયોજન 2009 અને 2010માં બે વાર કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમૂહના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પછી, તમામ દેશોના વડાઓ બેસીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

નવી દિલ્હીમાં ભરાઈ ‘જી-20’ શિખર પરિષદના કેટલાક અગ્રેસરો : (ડાબેથી) વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગા, બ્રાઝિલના પ્રમુખ લુલા ‘દ સિલ્વા (Luiz Inácio Lula da Silva), ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટૃપતિ માતામેલા સિરિલ રામાફોઝા તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાના રાષ્ટૃપતિ જો બાઇડન

દિલ્હીમાં 20 દેશોના લગભગ 40 નેતાઓએ સંમેલનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન મોદીએ શિખર સંમેલનને ઐતિહાસિક ગણાવ્યું છે કારણ કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં દેશો તેમાં સામેલ થઇ રહ્યા છે. જો કે, શિખર સંમેલનની ચમકદમક નીચે થોડાં અંધારાં કુંડાળા પણ પડ્યાં છે, જેની નોંધ પણ લેવી પડે તેમ છે.

દિલ્હી જી-20 સમૂહનું યજમાન છે એ આ વર્ષના સૌથી મોટા સમાચાર છે અને એ સમાચારની અંદર જ બીજા સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમેલનથી દૂર રહ્યા છે. એમ તો છ તારીખ સુધી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ઢચુપચુ હતું કારણ કે ફર્સ્ટ લેડી જિલ બાઈડનને કોવિડનો ચેપ લાગ્યો હતો, પણ રાષ્ટ્રપતિનો ખુદનો ટેસ્ટ નેગેટિવ આવતાં તેમણે દિલ્હી આવવાની હામી ભરી હતી.

પુતિન યુક્રેનના યુદ્ધમાં ભરાયેલા છે. તેમણે અગાઉથી જ વડા પ્રધાન મોદીને ફોન કરીને તેઓ જી-20 સંમેલનમાં હાજર રહી નહીં શકે તેની જાણ કરી હતી. તેમની જગ્યાએ રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કર્યું હતું.

સૌથી મોટું આશ્ચર્ય શી જિનપિંગનની ગેરહાજરીનું છે. ચીને તેમના સ્થાને વડા પ્રધાન લી કુઆંગને સંમેલનમાં ભાગ લેવા મોકલ્યા હતા. ઘરમાં લગ્ન લેવાયાં હોય અને ગામના ચાર મોટા પરિવારોમાંથી એકની ગેરહાજરી જેમ મંડપમાં ચર્ચાનો અને ગોસિપનો વિષય બને, તેવી રીતે શી જિનપિંગની દિલ્હીમાં ગેરહાજરી શંકા-કુશંકાઓનો મુદ્દો બની હતી. ચીની રાષ્ટ્રપતિએ છેલ્લે 2019માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લપુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું.

શી જિનપિંગ ‘રિસાઈ’ ગયા છે એ વાત કેટલી મહત્ત્વની છે તેની સાબિતી યજમાન ભારત અને મહેમાન અમેરિકા તેમ જ રશિયાએ તેના પર આપેલી પ્રતિક્રિયા છે. પહેલાં તો પુતિનની સાથે શી પણ નથી આવતા એ સંયોગ ગેરસમજ પેદા કરે તેવો છે એવું લાગતાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ રશિયન સમાચાર સંસ્થા તાસ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયાએ ચીન સાથે મેળાપીપણામાં આવું નથી કર્યું.

આ મામલે વ્હાઇટ હાઉસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વ્હાઇટ હાઉસના અધિકારી જેક સુલિવાને 5 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચીન પાસે સંમેલનમાં ભાગ લેવાનો અને રંગમાં ભંગ પાડવાનો બંને  વિકલ્પ છે.  ખુદ રાષ્ટ્રપતિ બાઈડને પણ આ અંગે ‘નિરાશા’ વ્યક્ત કરી હતી.

ત્રીજી પ્રતિક્રિયા ભારત તરફથી આવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એ.એન.આઈ. સમાચાર સંસ્થા સાથે વાત કરતાં જિનપિંગની ગેરહાજરીની ‘સામાન્ય’ ગણાવતાં કહ્યું હતું, “મને લાગે છે કે જી-20માં અલગ-અલગ સમયે અમુક રાષ્ટ્રપતિઓ કે વડા પ્રધાનો કોઈને કોઈ કારણોસર ગેરહાજર રહ્યા છે, પરંતુ તે પ્રસંગે તેમાં તે દેશના પ્રતિનિધિ હોય છે અને પોતાના દેશની વાત મૂકે છે. મને લાગે છે કે દરેક નેતા પૂરી ગંભીરતાથી સંમેલનમાં આવે છે.”

છેલ્લા એક દાયકાથી ચીનના રાષ્ટ્રપતિ પદે રહેલા શી જિનપિંગ બીજી વખત જી-20 સંમેલનમાં ગેરહાજર રહ્યા છે. પહેલીવાર 2021માં તે સંમેલનથી દૂર રહ્યા ત્યારે કોવિડનો રોગચાળો ચરમસીમા પર હતો. તે વખતે ચીનની કડક ‘ઝીરો કોવિડ નીતિ’ હેઠળ તેમણે એકપણ વિદેશ યાત્રા કરી નહોતી.

તે એક સંમેલનને જો અપવાદ ગણીએ તો, આ વખતે દિલ્હીમાં ગેરહાજર રહેવાનો તેમના નિર્ણયના ઘણા રાજકીય સૂચિતાર્થો છે કારણ કે તેમણે કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ હેતુપૂર્વક આવવાનું ટાળ્યું છે. જિનપિંગ જી-20માં પહેલીવાર રિસાયા છે. કેમ?

જિનપિંગે આ નિર્ણય પાછળના કારણનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરહદ પર ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં ખટાશ આવી ગઈ છે. લદ્દાખ ક્ષેત્રમાં સરહદ પરનો વિવાદ ત્રણ વર્ષ પહેલા સૈનિક ટકરાવમાં ફેરવાઈ ગયો હતો, જેમાં 20 ભારતીય અને ચાર ચીની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી, બંને દેશોએ તોપખાના, ટેન્કો અને ફાઇટર એરક્રાફ્ટ સહિત ભારે લશ્કરી હાજરી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેમની સ્થિતિ મજબૂત કરી છે.

ચીનના મુખ્ય ભૂ-રાજનૈતિક હરીફ અમેરિકા સાથે ભારતની વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર બેઇજિંગનું બરાબર ધ્યાન છે. બંને દેશોએ એકબીજાના પત્રકારોને હાંકી કાઢ્યા છે અને વેપારમાં તણાવ વધ્યો છે. ભારતે તાજેતરમાં જ ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે પાછળ છોડી દીધો છે. ટેકનોલોજી, અવકાશ સંશોધન અને વૈશ્વિક વેપારમાં બંને એશિયન દિગ્ગજો પ્રતિસ્પર્ધી બન્યા છે. આ ઉપરાંત, ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ચીનના ગાઢ સંબંધો અને વિવાદિત કાશ્મીર ક્ષેત્ર પર તેનું વલણ ભૂ-રાજનીતિને વધુ જટિલ બનાવે છે.

ચીનની દાંડાઈ કેટલી છે તે એ વાત પરથી સાબિત થાય છે કે જી-20ની બેઠકના પંદર દિવસ પહેલાં જ ચીને તેનો નકશો જારી કર્યો હતો, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવ્યું હતું. ચીન દર વર્ષે આવો નકશો જારી કરતું રહે છે એટલે તેના દાવામાં કશું ‘નવું’ નહોતું, પરંતુ રાજકીય વિશ્લેષકો કહે છે કે દિલ્હીમાં જી-20નો મંડપ બંધાયો હોય, તે જ વખતે આ નકશો જારી કરવો તે એટલી નિર્દોષ વાત પણ નથી.

એશિયન સોશિયલ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એ.એસ.પી.આઈ.) ખાતે દક્ષિણ એશિયા ઇનિશિયેટિવનાં નિર્દેશક ફરવા આમેર કહે છે કે જી-20 સંમેલનથી દૂર રહેવાના શી જિનપિંગના નિર્ણયમાં ભારતની યજમાન તરીકેની તેની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે. ચીન નથી ઈચ્છતું કે ભારત જી-20ના સફળ સંમેલન યોજવાનો દાવો ખાટી જાય અને દક્ષિણ ગોળાર્ધ તેમ જ હિમાલયના દેશોનો અવાજ બને.

આમેર કહે છે કે રાષ્ટ્રપતિ શીનો નિર્ણય અપેક્ષિત હતો. એવું સહેજેય અનુમાન કરી શકાય કે ચીન ભારતને નેતૃત્વની બાગડોર સોંપવા ઇચ્છુક નથી, ખાસ કરીને એશિયા ક્ષેત્રમાં અને તેના પડોશમાં. ચીન આ પ્રદેશમાં તેની પ્રબળ ભૂમિકા અને પ્રભાવ જાળવી રાખવાનો ઈરાદો સેવે છે. ભારત તેમાં આડખીલી છે. જિનપિંગ ભારતના વધતા પ્રભાવને સ્વીકારવા માંગતા નથી.

જિનપિંગે ગયા ઓક્ટોબરમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કાઁગ્રેસના પ્રથમ દિવસે સંકેત આપ્યો હતો કે ભારત સાથેના સંબંધો સુધરશે નહીં. તેઓ જી-20માં હાજર નથી રહ્યા તેનો અર્થ એ થાય કે ભારતે સરહદ પર તનાવ માટે તૈયાર રહેવું પડશે. સામે પક્ષે ભારત પણ તેનું વલણ સખ્ત કરશે. સરવાળે ભારત-ચીનના સંબંધોની ખાઈ વધુ પહોળી થશે.

લાસ્ટ લાઈન :

“આંતરરાષ્ટ્રીય સંબંધો અને માફિયા વચ્ચે વધારે પડતી જ સમાનતા હોય છે”

− નોમ ચોમ્સ્કી, અમેરિકન રાજકીય વિચારક

(પ્રગટ ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 10 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0261,0271,0281,029...1,0401,0501,060...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved