Opinion Magazine
Number of visits: 9742883
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત ઇન્ડિયા તરીકે ન ઓળખાય એવું મહમ્મદઅલી ઝીણા ઈચ્છતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2023

રમેશ ઓઝા

રાષ્ટ્રપતિએ જી-૨૦ના નેતાઓને ભોજન માટે અંગ્રેજીમાં આમંત્રણ આપ્યું. એમાં યજમાન તરીકે પોતાને ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવ્યાં હતાં, એ જોતાં એમ લાગે છે કે કેન્દ્ર સરકાર દેશનું સત્તાવાર નામ બદલીને ભારત કરવા માગે છે. ખરું પૂછો તો આમાં બદલવાની વાત નથી, પણ ભારતનાં જે બે સત્તાવાર નામ છે તેમાંથી એક નામ ઇન્ડિયાને પડતું મૂકવા માગે છે. બંધારણમાં ભારતની ઓળખ ઇન્ડિયા ધેટ ઈઝ ભારત તરીકેની છે.

નામ બદલવાં કે નામ પડતાં મૂકવાં એ ઈસરો, બાર્ક, એઈમ્સ, આઈ.આઇ.એમ., આઇ.આઇ.ટી., ઇન્ડિયન કેમિકલ લેબોરેટરી, ડી.આર.ડી.ઓ., ભેલ, એચ.એમ.ટી. જેવી સંસ્થાઓની સ્થાપના કરવા કરતાં ઘણું સહેલું કામ છે. આવી બધી સંસ્થાઓની સ્થાપના કરવા માટે કેટલી બધી જહેમત લેવી પડે! ભાભા (હોમી) અને ભટનાગર (શાંતિ સ્વરૂપ) જેવા યોગ્ય વિદ્વાનોને શોધવાના, તેમના તરંગોને સહન કરવાના, જે માગે એ પૂરું પાડવાનું, છૂટો દોર આપવાનો વગેરે પ્રકારનાં કેટલા લાડ કરવાના! હા, ભવિષ્યમાં ભારત અણુસત્તા બની શકે, ચન્દ્રયાનને ચન્દ્ર પર મોકલી શકે, ભારતના યુવકો વિશ્વમાં મોકાની અને પ્રતિષ્ઠાની જગ્યાએ પહોંચી શકે વગેરે ખરું, પણ એ તો ભવિષ્યમાં. નગદમાં કશું જ નહીં. આપણે વાવીએ અને બીજા લણે એવો મહેનતનો અને ઉપરથી ખોટનો સોદો કોણ કરે?

આનાં કરતાં નામ બદલવામાં કે પડતાં મૂકવામાં મહેનત ઓછી પડે અને તાત્કાલિક લાભ. અલ્હાબાદનું પ્રયાગરાજ કરી નાંખ્યું કે ઔરંગાબાદનું સંભાજીનગર કરી નાખ્યું એટલે ખાસ પ્રકારના લોકો રાજી. મુસલમાનોને ડીંગો બતાવવાનું સુખ કાંઈક અનેરું હોય છે.

ભારત સદીઓથી ભારતની બહાર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ભારત સદીઓથી ભારતની બહાર હિન્દ કે હિન્દુસ્તાન તરીકે ઓળખાય છે. ભારતની પ્રજા સદીઓથી ભારતની બહાર હિંદુ તરીકે ઓળખાતી હતી, પછી તેનો ધર્મ ગમે તે હોય. ભારતનાં મુસલમાનો પણ હિંદુ મુસલમાન તરીકે ઓળખાતા હતા. હિન્દુસ્તાનમાં વસતી પ્રજા એટલે હિંદુ પ્રજા. એ તો જ્યારે પશ્ચિમના ધર્મોની દેખાદેખી સનાતન ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખાવવાનું શરૂ થયું ત્યારે અન્ય ધર્મીઓએ પોતાને અલગ રીતે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. જેમ કે ૧૯મી સદીના અંત સુધી પંજાબમાં શીખો ક્યારે ય પોતાને અલગ ધર્મીય ગણાવતા નહોતા, પણ આર્ય સમાજીઓએ જ્યારે ઈસાઈ અને ઇસ્લામના જવાબમાં ભારતની સનાતની પ્રજા માટે હિંદુ ઓળખ વિકસાવી અને એ ઓળખ શીખો પર લાદવાનું શરૂ કર્યું અને જો તેઓ તેનો સ્વીકાર ન કરે તો તેમને નિંદવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પોતાને હિંદુથી અલગ શીખ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. હિન્દુસ્તાનમાં વસતા શીખ, જૈન, બ્રહ્મોસમાજી વગેરેએ એ પછીથી પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું બંધ કર્યું. આ ઘટેલી ઘટનાઓનો સાચો ઇતિહાસ છે, ખાતરી કરી શકો છો.

૧૯મી સદીથી લઈને દેશને આઝાદી મળી ત્યાં સુધી ભારતમાં ભારતનું પ્રચલિત નામ હિન્દ હતું. શિવાજી મહારાજે તેમના સ્વ-રાજને હિન્દવી સ્વરાજ તરીકે ઓળખાવ્યું હતું. હિંદુ સ્વરાજ નહીં, હિન્દવી સ્વરાજ. જય હિન્દ હજુ ગઈકાલ સુધી પ્રચલિત શબ્દ હતો. ગાંધીજીનાં પ્રસિદ્ધ પુસ્તકનું શીર્ષક છે; ‘હિન્દ સ્વરાજ.’ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો પોતાને હિન્દી તરીકે ઓળખાવતા હતા. માટે તો ભારતની રાષ્ટ્રભાષાને હિન્દી તરીકે ઓળખાવવામાં આવે છે. મુસલમાનોનો રાજકીય પક્ષ જમાત એ ઇસ્લામી હિન્દ તરીકે ઓળખાતો હતો. ભારત શબ્દ ભારતમાં અજાણ્યો હતો જેને આઝાદી પછી પ્રચલિત કરવામાં આવ્યો છે. બીજી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા. વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતું વિશ્વપ્રસિદ્ધ નામ અને એ પણ સદીઓ જૂનું.

ભારત નામ પ્રચલિત કરવામાં આવ્યું એની પાછળ કારણ છે. મુસ્લિમ લીગ અને તેના નેતા મોહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે પાકસ્તાનની માગણી કરી હતી. પાકિસ્તાનની માગણી કરવામાં તેમણે દલીલ કરી હતી કે હિન્દુ અને મુસલમાન બે અલગ પ્રજા છે, તેમની અલગ રાષ્ટ્રીયતા છે, અલગ ઓળખ ધરાવે છે અને ૧૮૦ ડિગ્રીની ભીન્નતાના પાયામાં અલગ ધર્મ છે. માટે ભારતનું કોમી વિભાજન થવું જોઈએ. તેમની આ દલીલનો કાઁગ્રેસે વિરોધ કર્યો હતો અને વળતી દલીલ કરી હતી કે કેટલાક મુસલમાનો અલગ થઇ રહ્યા છે, બધા નહીં. જેટલા અલગ થઇ રહ્યા છે એનાં કરતાં ભારતમાં રહેનારા મુસલમાનોની સંખ્યા વધુ છે. માટે આને કોમી વિભાજન ન કહેવાય પણ કેટલાક લોકોએ કરેલો નોખો ચોકો કહેવાય.

ઝીણા તેમની દલીલ પર કાયમ હતા અને આગ્રહી હતા. જો વિભાજનને કોમી અને અનિવાર્ય ગણાવી શકાય તો પાકિસ્તાનની પ્રાસંગિકતા સિદ્ધ કરી શકાય અને પોતાને ભારતનાં ભાગલા કરનારા વિલનના કલંકથી બચાવી શકાય. માત્ર વિનાયક દામોદર સાવરકર અને તેમની હિન્દુ મહાસભાએ ઝીણાની દલીલને ટેકો આપ્યો હતો. હકીકતમાં ઝીણાએ કરેલી દલીલો સાવરકરે ઝીણા કરતાં ત્રણ વરસ પહેલાં ૧૯૩૭ની સાલમાં કરી હતી.

ખેર, ત્રીજી જૂન ૧૯૪૭ના રોજ ભારતનાં ભાગલાની જાહેરાત કરાઈ. વિભાજનની વિગતો નક્કી કરવા કાઁગ્રેસ, મુસ્લિમ લીગ અને અકાલી દળના નેતાઓની બેઠક લૉર્ડ માઉન્ટબેટનની અધ્યક્ષતામાં લગભગ રોજેરોજ મળવા લાગી. આગળ કહ્યું એમ ઝીણા વિભાજનને કોમી, સંપૂર્ણ અને અનિવાર્ય તરીકે ગણાવવા માગતા હતા. માટે એ બેઠકમાં તેમણે માગણી કરી કે વિભાજનને કારણે અત્યાર સુધી વિશ્વમાં પ્રસિદ્ધ જૂના અવિભાજીત ઇન્ડિયાનો અંત આવે છે. એટલે હવે પછી ભારત કે નવો અસ્તિત્વમાં આવી રહેલો દેશ પોતાને ઇન્ડિયા તરીકે નહીં ઓળખાવે. વિભાજન સાથે ઇન્ડિયાનો અંત આવે છે અને હવે પછી મુસલમાનોનો દેશ પાકિસ્તાન તરીકે અને હિંદુઓનો દેશ હિન્દુસ્તાન તરીકે ઓળખાશે.

તરત સરદાર વલ્લભભાઈ પટેલ (જી હા, સરદાર) તાડુક્યા : નહીં મિ. ઝીણા, તમે અને કેટલાક મુસલમાનો અલગ થઈ રહ્યા છો, ઇન્ડિયાનું વિભાજન નથી થઈ રહ્યું. ઇન્ડિયા હતું, છે અને હશે. ભારત વિશ્વમાં ઇન્ડિયા તરીકે ઓળખાશે અને દેશમાં ભારત તરીકે અને પછી ઇન્ડિયા ધેટ ઈઝ ભારતનો પ્રસિદ્ધ પ્રયોગ કર્યો. ભારત નામ અપનાવવા પાછળનું કારણ એ નહોતું કે એ પ્રાચીન નામ છે, પણ એટલા માટે કે એ સેક્યુલર નામ છે. એમ તો હિન્દુસ્તાન નામ એક જમાનામાં દરેક કોમનો સમાવેશ કરનારું સેક્યુલર નામ હતું અને લોકજીભે ચડેલું હતું, પણ બન્ને પ્રકારના કોમવાદીઓએ તેને કોમવાદી બનાવી દીધું હતું. એટલે તો ઝીણા ઇચ્છતા હતા કે ભારત ઇન્ડિયા કે ભારતની જગ્યાએ હિન્દુસ્તાન તરીકે ઓળખાય. હિંદુઓનો દેશ એટલે હિન્દુસ્તાન. પણ સરદારે ઇન્ડિયા ધેટ ઈઝ ભારત કહીને ઝીણાની રમત પર પાણી ફેરવી દીધું હતું.

ઇન્ડિયા નામ સામે શું વાંધો છે? એ અંગ્રેજોએ પાડેલું નામ નથી કે તેમાં ગુલામીની ગંધ આવે. બીજું જેઓ ગુલામી સામે લડ્યા અને દેશને મુક્ત કર્યો એ લોકોને ઇન્ડિયા સામે કોઈ વાંધો નથી તો ગુલામી સામે જેઓ લડ્યા પણ નથી તેમને સંસ્થાનવાદની પીડા ક્યારથી સતાવવા લાગી! ઇન્ડિયા, હિંદુ, હિન્દી, હિન્દ આ દરેક શબ્દનાં મૂળ સિંધુ નદી સાથે જોડાયેલાં છે. સિંધુની પૂર્વેનો દેશ અને પ્રજાને આ બધા નામે ઓળખવામાં આવતા હતા. ગ્રીક સામ્રાજ્યના સમયથી આ બધી ઓળખો અને નામ પ્રચલિત થવાં લાગ્યાં હતાં. રહી વાત ભારતની તો ઇતિહાસમાં ક્યારે ય આજે જે સ્વરૂપમાં આપણે ભારત તરીકે ઓળખાવીએ છીએ એ સ્વરૂપમાં ક્યારે ય અસ્તિત્વમાં નહોતું. પેશાવરથી ઇમ્ફાલ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિસ્તરેલું અવિભાજિત ભારત અંગ્રેજોએ બનાવ્યું હતું જે ઇન્ડિયા તરીકે ઓળખાય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 17 સપ્ટેમ્બર 2023

Loading

બાળકની પજવણી વિશેનું એક પુસ્તક, અને પર્યાવરણ વિશેનું બીજું 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|17 September 2023

પુસ્તક પરિચય 

‘પરીકથામાં પંક્ચર’ અત્યારના સાયબરસમયમાં બધી ઉંમરના વાચકોને મજા પડે, તેમને જાણવા અને શીખવા મળે તેવી કિશોરકથા છે. લેખિકાઓ તેજલ શાહ  અને અર્ચિતા પંડ્યાને નવા ડિજિટલ જમાનાનાં પાત્રો અને વર્ચ્યુઅલ વર્લ્ડની સામગ્રી લઈને વાર્તા કહેવાનું સરસ ફાવ્યું છે. તેમણે સાયન્સ ફૅન્ટસી અને ઇન્ટરનેટના સમયમાં ઉછરી રહેલાં ઉપલા મધ્યમવર્ગના બાળપણની વાસ્તવિકતાનો તાજગીસભર સુમેળ સાધ્યો છે. એટલે તેમાં મોબાઈલ, ચૅટિન્ગ, ગેમિંગ, ક્લિપ્સ, યુ-ટ્યુબ ચૅનલ્સ, ફૅનફૉલોઇંગ, લાઇક્સ, ટ્રોલ્સ, વેબપેજ ડિઝાઇનિંગ, મૉર્ફિંગ ને એ બધાની આખી દુનિયાનો ‘ઓમ ઇગ્નોરાય નમ:’ મંત્ર સાથે, સહજ રીતે સમાવેશ થયો છે.

સ્કૂલ બસમાં બેસીને એક ઢબૂડી પહેલાં દિવસે ખુશીથી નિશાળે બેસે છે ત્યારથી લઈને તે મિડલ સ્કૂલમાં એથિકલ હૅકિંગથી સોશ્યલ મીડિયા બુલિને પકડી પાડતી કિશોરી તરીકે આગળ આવે છે ત્યાં સુધીની સ્ટોરી વાચક છેક સુધી વાંચતા રહે તે રીતે કહેવાઈ છે. વળી, નવા જમાનાની, સમજદાર માતાની ભાવનાશાળી છતાં ય ચાલાક એવી આ દીકરીના મુખે વાર્તા કહેવાઈ છે. આ નાનકડી અને સરસ રીતે વિકાસ પામતી નૅરેટરની જિંદગીના એક અંશ(a slice of life)ના કેટલાં ય પાસાં લેખિકાઓએ રમણીય અને પ્રતીતિજનક રીતે નિરૂપ્યાં છે. કથકનાં મા-બાપ, મિત્રો, શિક્ષકો, શાળાના કર્મચારીઓ એવા કેટલાં ય પાત્રો મળે છે. તેમાં છોકરા-છોકરીઓની મિત્રમંડળી અને તેમની નાનકડી દુનિયા, શાળા અને રૅન્કિ-ફ્રૅન્કિ ફૂડ કૉર્નર સહિત, સરસ રીતે ઊભી કરવામાં આવી છે. મા-બાપ અને શિક્ષકોની ખૂબીઓ અને ખામીઓ તરફ ઇશારો છે. સહુથી નોખું પાત્ર તે પરગ્રહવાસી-એલિયન વિન્સી. તેનાં કુળમૂળ જ નહીં પણ તેનાં દેખાવ-સ્વભાવ-પ્રભાવનું પણ આકર્ષક ચિત્રણ છે. પુસ્તકની ભાષામાં કહેવતો સહિતની બોલચાલની સુઘડ ગુજરાતી અને અનિવાર્યપણે ડિજિટલ વત્તા સોશ્યલ મિડિયાના શબ્દોનું નોંધપાત્ર સંતુલન છે. વાર્તાના દરેક પાનાના બંને હાંસિયામાં તે પાનાંમાં જેનો ઉલ્લેખ તેમાંથી એકાદ-બે પાત્રો અને વસ્તુઓના અનામી કલાકારે કરેલાં ચિત્રો પુસ્તકને અનોખી જીવંતતા આપે છે.

 ‘એક ચુલબુલી કથા’ એવું પુસ્તકના પેટા-નામ પુસ્તકનો વિષય સૂચવે છે. શાળામાં બાળકનું ‘બુલિંગ’ એટલે કે તેની થતી પજવણીની સમસ્યા પુસ્તકનો વિષય છે. પ્રસ્તાવનામાં બુલિંગની ઘાતક અસરોનો ઉલ્લેખ કરીને લેખિકાઓ તેની સાથે સોશ્યલ મીડિયાના શાળાજીવન સંદર્ભે લેખાંજોખાંને પણ સમાવે છે. અંતે તેઓ લખે છે : અમે સહાયના આશયથી ‘બુલી’ જેવા ભારેખમ વિષયને વાર્તામાં ઢાળીને લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ હાથ ધર્યો છે.’

•••

‘પર્યાવરણ અને તેનું રક્ષણ’ પુસ્તકમાં લોકવિજ્ઞાન(પૉપ્યુલર સાયન્સ)ના જાણીતા લેખક કિશોર પંડ્યાએ ખૂબ સરળ અને લાઘવપૂર્ણ ભાષામાં વિષયની સમજ આપી છે. પુસ્તકના પહેલાં ત્રણ પ્રકરણમાં પર્યાવરણની વ્યાખ્યાઓ આપીને તેના ઘટકોને આકૃતિ સાથે વિશદ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને નિવસનતંત્ર વચ્ચેની ટૂંકમાં સમજ ત્રીજા પ્રકરણમાં છે. ત્યાર બાદ પર્યાવરણ પરિવર્તન અને તેની અસરો તેમ જ ભારતના સંદર્ભે તેના પડકારો વિશે વાંચવા મળે છે. પર્યાવરણ અભ્યાસશાખા અંગેના બે પ્રકરણો બાદ ચાર પ્રકરણો સંરક્ષણ પ્રદૂષણ સહિતની પર્યાવરણ સમસ્યાઓ અને તેના ઉકેલ તરીકે પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યાં છે. લેખકે કુદરતને જાળવવા અને ફેલાવવા માટેના રોજબરોજના વ્યવહારુ સૂચનો પણ આપ્યાં છે. કવિ ઝીણાભાઈ દેસાઈએ લખેલું  ‘વૃક્ષારોપણ ગીત’ અને પુસ્તકને અંતે મળતું ‘પર્યાવરણ પ્રમાણપત્ર’ હૃદયસ્પર્શી છે.

પુસ્તકમાંથી મળતી વિશિષ્ટ માહિતીના ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ફિલિપાઇન્સમાં દરેક વિદ્યાર્થીએ શાળા કે કૉલેજનું પ્રમાણપત્ર મેળવતાં પહેલાં દસ સ્થાનિક વૃક્ષો રોપીને તેની સંભાળ રાખવાની હોય છે. પર્યાવરણનો અભ્યાસ કર્યો હોય તેવા ‘ઇકોલૉજિસ્ટ’, વૃક્ષોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પુન:સ્થાપિત કરનાર ‘રિસ્ટોરેશન ઇકોલૉજિસ્ટ’ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે આવી પડનાર જોખમોથી લોકોને માહિતગાર કરનાર ‘એન્વાયર્નમેન્ટલ બાયોલોજિસ્ટ’ની વ્યાવસાયિક કારકિર્દી માટેના અભ્યાસક્રમો ભારતમાં ચાલે છે. વાયુપ્રદૂષણને કારણે દેશના 36 શહેરોમાં દર વર્ષે 51,779 લોકો અકાળે મૃત્યુ પામે છે. એક અંદાજ મુજબ પ્રદૂષણને કારણે દરરોજ લગભગ 150 લોકો મૃત્યુ પામે છે. ભારતમાં 20 હજારથી વધુ પ્લાસ્ટિક રિસાયકલિન્ગ એકમો છે. દિલ્હીની નંદનગરી પડોશમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે  એશિયાનું  સૌથી મોટું કેન્દ્ર છે. અહીં દરરોજ દસ લાખ કિલો (એક હજાર ટન) પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવે છે. એક વૃક્ષ વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. એક વૃક્ષ દર વર્ષે આશરે 700 કિલો ઑક્સિજન ઉત્સર્જન કરે છે, બજારમાં 2.5 કિલોગ્રામ ઑક્સિજનની કિંમત અંદાજે 6,500 રૂપિયા છે. તે દર વર્ષે 20 હજાર કિલો (20 ટન) કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને દરરોજ રાત્રે આશરે 10 ગ્રામ પ્રમાણે વર્ષમાં પોણા ચાર કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.

[820 શબ્દો]

—‌‌‌———————————————————————–

● પરીકથામાં પંક્ચર : એક ચુલબુલી કથા 

પ્રકાશક : Zen Opus, અમદાવાદ, પાનાં 103, કિ. 225/- સંપર્ક 079 2656112, 400081112 contact@zenopus.in  / www.zenopus.in 

●પર્યાવરણ અને તેનું રક્ષણ

પ્રકાશક : અવનિકા પ્રકાશન, અમદાવાદ, પાનાં 96, કિ. 160/- 

સંપર્ક : 9879001081

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચાલો, હરારી પાસે – 22 : ડેટાસૅટ અને ગુજરાતી ભાષા

સુમન શાહ|Opinion - Opinion|17 September 2023

સુમન શાહ

‘એ.આઈ.’ સાથેની મારી વાતચીત પરથી મને ત્રણ મહત્ત્વના વિચાર આવ્યા છે, તે રજૂ કરું :

એક એ કે ‘એ.આઈ.’ દુ:ખ ભય ક્રોધ વગેરે ભાવો સમજીને જો માણસને સ્વસ્થ થવામાં મદદ કરે છે, તો સાહિત્યકૃતિઓ તો એ કામ સદીઓથી કરે છે. સાહિત્ય પણ માનવજાતના ભાવજગતને સાજું કરે છે અને શક્તિશાળી બનાવે છે.

બીજું એ કે ‘એ.આઈ.’ ભાષા પ્રયોજે છે, લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ; તો સાહિત્ય પણ ભાષા જ પ્રયોજે છે, એ ભાષા પણ સર્જનાત્મક હોય છે, એને સાહિત્યિક ભાષા કહેવાય છે.

ત્રીજું મને એમ પણ થયું કે ‘એ.આઈ.’-ના એ મહાકાય ડેટાસૅટનો ખરો આધાર તો માણસે કરેલાં ભાષિક અને ભાવપરક સર્જનો છે. ‘એ.આઈ.’-ની ચોપાસ જો માણસે સરજેલી એ સમ્પદા છે, તો એ છે.

એટલે એમ ધારવાને કારણ મળે છે કે કૃત્રિમ બુદ્ધિ – ‘એ.આઈ.’- ભલે એક મહા શક્તિ છે, પણ એના મૂળમાં તો કુદરતી માનવબુદ્ધિ છે.

ટૂંકમાં, માનવબુદ્ધિએ કૃત્રિમ બુદ્ધિ સરજી પણ એનો સીધો-આડકતરો આધાર તો માનવબુદ્ધિ છે. એ અર્થમાં વિચારવર્તુળ પૂરું થાય છે.

+ +

અત્યાર સુધીની બધી જ વિચારણાઓ અને ચર્ચાઓ પછી એક વાત મને એ પકડાઈ છે કે કેન્દ્રમાં ડેટાસૅટ છે. ડેટાસૅટ ‘એ.આઈ.’-નું જાણે કે હૃદય છે. એથી જાણે કે ‘એ.આઈ.’ જીવે છે, એની સમગ્ર કાયામાં એથી જાણે કે રુધિરનું અભિસરણ થાય છે. સમજી શકાશે કે ‘જાણે કે’-થી મેં મારી એ કલ્પનાને અંકુશમાં રાખી છે અને આડકતરી રીતે વિજ્ઞાન અને ટૅક્નોલૉજિનું માન જાળવ્યું છે.

જુઓ, ‘એ.આઈ.’-ના ડેટાસૅટના આધારો મેં હમણાં કહ્યું એમ માણસે કરેલાં ભાષિક અને ભાવપરક સર્જનો છે – એટલે કે એની ચોપાસનો કશાપણ પક્ષપાત અને ભેદ રહિતનો સમસ્ત સંસાર. હવે, એ સંસારમાં સ્વચ્છતા ન હોય, અસ્વચ્છતા હોય, તો ડેટા પણ અસ્વચ્છ જ મળવાનો, અને ‘એ.આઈ.’-ને એની ખબર પણ નહીં પડવાની ! તો પછી ‘એ.આઈ.’-એ પેદા કરેલી પ્રોડક્ટ્સને શુદ્ધ અને શ્રદ્ધેય શી રીતે ગણી શકાય? નથી લાગતું કે આ પ્રશ્ન વિશે શાન્તચિત્તે વિચારવું જોઈએ?

‘એ.આઈ.’-ઑજારો બધે પ્હૉંચી વળે એ ખરું પણ નિ:શંક વાત એ છે કે એને સાંપડેલા ડેટાની ગુણવત્તા અને મર્યાદાઓ એને પ્રભાવિત કરે જ કરે. એટલે સ્વીકારવું જોઈશે કે ‘એ.આઈ.’-માં બાંધેભારે લગભગ દરેક પ્રોડક્ટને ‘ટૅક્સ્ટ’ કહેવાય છે તે દૂષિત હોઈ શકે છે.

હું આપણી ગુજરાતી ભાષા અને આપણા સાહિત્યનો જ દાખલો લઈને મારી દલીલ આગળ ચલાવું.

મુખ્ય વાત એ કે ‘એ.આઈ.’-ને ગુજરાતી ભાષા શીખવી અઘરી પડે છે. અનેક કારણો દર્શાવાયાં છે, જેમ કે —

ગુજરાતી ભાષા ‘એ.આઈ.’-ના સંદર્ભમાં ‘સંકુલ’ છે. જેમ કે —

કહે કે, ગુજરાતી ભાષાનું વ્યાકરણ highly inflected છે. એટલે? એટલે કે વાક્યોમાં નામો ક્રિયાપદો વિશેષણો કે ક્રિયાવિશેષણો પ્રયોજાય ત્યારે તેનાં રૂપ બદલાતાં હોય છે; જેમ કે, ‘છોકરો’ એકવચન છે, પણ જરૂરત મુજબ ‘છોકરાઓ’ થાય છે.

કહે કે, એમાં ત્રણ લિન્ગ છે. તેથી શું? એ કે નામો, સર્વનામો અને વિશેષણો સાથે લિન્ગ જોડાય ત્યારે એ જોડાણોને એકમેક સાથે સુસંગત રાખવાં પડે છે – agreeing.

કહે કે, એમાં cases છે, nominative, oblique, agentive-locative = નામકારક, વિભક્તિ, અને કારક. વાક્યના વિષય માટે, નામકારક; ક્રિયાપદના વસ્તુ માટે, વિભક્તિ; પરોક્ષ વસ્તુ માટે, કારક. દાખલા રૂપે, ‘ચિત્રકલા સારી કલા છે’ ‘હું ચિત્રકલા શીખું છું’ ‘હું ચિત્રકલા શીખવાડું છું’. એ ત્રણ વિનિયોગ આપણે તો બરાબર જાણીએ છીએ, પણ ‘એ.આઈ.’ માટે કઠિન છે.

કહે કે, એની ક્રિયાપદવિષયક એક વ્યવસ્થા છે, system of verb conjugations. એ પણ સંકુલ છે. મતલબ? મતલબ એ કે ક્રિયાપદોએ કાળ સૂચવવો પડે, મૂડ કે વૉઈસ પણ. Verbs must be conjugated to indicate tense, mood, aspect, and voice.

કહે કે, ગુજરાતીમાં system of honorifics પણ સંકુલ છે. honorifics એટલે, માનવાચકો. કોઈને ‘શ્રીમતી’ કોઈને ‘શ્રીમાન’ કે કોઈ અધ્યાપકના નામ આગળ ‘પ્રો.’ કે ‘ડૉ.’ લગાડીએ છીએ તે. એ માન કે આદરના ભાવનો વાતચીતમાં પણ વિનિયોગ થતો હોય છે. દાખલા તરીકે, ગુજરાતીમાં વાત કરતી વખતે સામે બેસીને સાંભળનાર અમથાભાઈનું તેમ જ વાત જેને વિશે કરતા હોઈએ તે કચરાલાલનું પણ માન જાળવીએ છીએ. આ શીખવું પણ ‘એ.આઈ.’ માટે મુશ્કેલ છે.

કહે કે, ગુજરાતીમાં ચાર ચાર પ્રકારના ટોન્સ, એટલે કે સૂર છે -high -low -rising -falling. આ સૂર પ્રયોજવાનું પણ સુગમ નથી. કહે કે શબ્દના અર્થને સૂર બદલી નાખે છે. એ જાણવું અને શીખવું પડે, પણ એ ય મુશ્કેલ છે.

કહે કે, ગુજરાતીમાં શબ્દો સન્ધિથી પણ રચાતા હોય છે. કેમ કે એમાં પણ સ્વર વ્યંજન વિસર્ગ અને અનુસ્વાર સન્ધિ એવું વૈવિધ્ય છે. એથી શીખનારની ઉચ્ચારોમાં ભૂલો થઈ શકે છે.

કહે કે, ગુજરાતીના શબ્દભંડોળમાં loanwords છે. અરબી ફારસી પોર્ચુગિઝ, અને અંગ્રેજી એમ અન્ય ભાષાના શબ્દો ઘણા છે. એટલે એ જાણવા પડે, એના અર્થ પણ સમજવા પડે.

આ તો ‘એ.આઈ.’-ને દેખાઇ એ બધી સંકુલતાઓ. પણ એમાં તત્સમ તદ્ભવ અને દેશ્ય તત્ત્વો શીખવાનું ઉમેરાય ત્યારે તો, દાખલો ઘણો અઘરો બની જવાનો !

એટલે એ સમજાય એવું છે કે ગુજરાતીનો ડેટાસૅટ રચાય કે વિસ્તરે એમાં ગુજરાતી ભાષાની ઉક્ત સંકુલ પ્રકૃતિ મોટું કારણ બની શકે છે.

પરન્તુ, એમાં મારે ભારપૂર્વક બીજું એક કારણ ઉમેરવું છે,  જેને પરિણામે એ ડેટાસૅટ ખામીભર્યો અને જૂઠો પણ બનવાનો. કેવી રીતે?

આ રીતે :

ખાસ તો સામ્પ્રતમાં, મધ્યમ અને ઉપલા મધ્યમ વર્ગના ગુજરાતીઓ જે ગુજરાતી બોલે છે અને લખે છે, તે મહદંશે શુદ્ધ નથી. એટલે, એમની આસપાસની અશુદ્ધ ગુજરાતીની એમને ખબર જ નથી – ધે આર નૉટ ઍક્સ્પોઝ્ડ ટુ ધેટ લિન્ગ્વિસ્ટિક ઍનોમલીઝ.

અને એમની આસપાસ કેવી તો ભાષાપરક અસ્વચ્છતા છે, તે જુઓ :

છાપાં અને ટી.વી. માટે સમાચારો લખનારાંઓને કે બોલનારાંઓને ખબર પણ ન પડે એવી ભૂલો તેઓ અદાથી કરતાં હોય છે. એક છાપું તો ‘બાયડન’-ને બદલે ‘બાઈડન’ જ લખે છે ! આ તો થઈ મીડિયાની વાત.

પાટુડી અથવા ખાંડવી

જાતભાતની વાનગીઓ બનાવતાં શીખવનારી બહેનો અંગ્રેજી શબ્દોનો મસાલો બહુ ભભરાવે છે – રોલ કરીશું – ચણાનું બૅટર કોટ કરીશું – કલર ગોલ્ડન બ્રાઉન થવો જોઈએ – થિક ન થવું જોઈએ – હવે સર્વ કરો. વળી, આત્મવિશ્વાસ દર્શાવે છે કે – મારી આ પાટુડી (ખાંડવી) ઇન્સ્ટન્ટ અને ઇઝી છે. સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાં નહીં, એમ વગર ભૂલ્યે કહે છે. એમને એમાં રસ છે, ભાષામાં નહીં. એમનાં દર્શકો પણ ઘણુંખરું મધ્યમ કે ઉપલા મધ્યમ વર્ગનાં હોય છે. તેઓ પણ એવું જ બોલતાં હોય છે. વાનગીવાળી બહેનો એમની અશુદ્ધ ભાષાને દૃઢ કરી આપે છે.

એક તરફ છે, જીભના ચટકાવાળો ગુજરાતી અને એની સામે છે, ભાષાની ચિન્તામાં સૂકાઇને ભૂખડીબારસ દેખાતો ગુજરાતી !

ગુજરાતી ફિલ્મો નાટકો અને મને કહેતાં શરમ આવે છે કે કેટલુંક ગુજરાતી સાહિત્ય પણ ભાષાકીય ભ્રષ્ટતાથી રંજિત છે.

ભગવાને આપેલી બુદ્ધિવાળાં જ આમ કરે છે, તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ તો શું ન કરે? એને તો જે જેવું મળશે તે તેવું લઈ લશે.

બે સવાલના ઉત્તર મેળવવા જોઈશે :

૧ : આવી ભ્રષ્ટ ગુજરાતીમાંથી ‘એ.આઈ.’-નો ડેટાસૅટ રચાયો હોય તો તેને ચોખ્ખો શી રીતે કરાય? ‘એ.આઈ.’ પાસે એની શી જોગવાઈ છે? Any cleansing algorithm?

૨ : ચીવટવાળા અને ઝીણવટવાળા અનેક ગુજરાતી સાહિત્યકારોનાં પુસ્તકોમાં કે તેમનાં વ્યાખ્યાનોમાં ખરેખરનો શુદ્ધ ડેટા પડ્યો છે તેની ‘એ.આઈ.’-ને આપમૅળે જાણ થાય ખરી? કે તે માટે માનવમદદની જરૂર પડે?

હવે પછીના લેખમાં ઉત્તર દર્શાવવાની કોશિશ કરીશ. 

= = =

(09/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0191,0201,0211,022...1,0301,0401,050...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved