Opinion Magazine
Number of visits: 9666864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તેઓ સામસામા સ્કોર કરે છે ઊંચનીચમુક્ત સમાજ માર્યો ફરે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 August 2023

રાજ્યમાં ઓ.બી.સી. અનામત

સોલંકીનો ખામ વિક્રમ તોડી નહિ શકનાર પણ 2002થી સળંગ ચૂંટણી જીતનાર મોદીવ્યૂહ મંડલમંદિરના જોડાણ પર વિકાસના વરખનો હતો 

પ્રકાશ ન. શાહ

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતની જાહેરાત કરી તે સાથે ભા.જ..પ અને કાઁગ્રેસ વચ્ચે રાબેતા મુજબની સામસામી આતશબાજી આપણે જોઈ રહ્યા છીએ. બંને બાજુની વિગતોમાં તારતમ્યને ધોરણે સત્યાંશ હોઈ શકે છે, પણ સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસ અને વર્તમાન સત્તાપક્ષ ભા.જ.પ. બેઉ જે એક મુદ્દે કસુરવાર અને જવાબદાર છે તે એ કે સ્વરાજના આઠ દાયકા લગોલગ છીએ ત્યાં લગી આવી જોગવાઈઓ જરૂરી લાગે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે.

નાત-જાત કોમલિંગ ધરમમજહબ એક્કે ભેદભાવ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એક ઐતિહાસિક નિર્ણય હતો. દલિત અધિકારના લડવૈયા, ક્યારેક આદિવાસ મતાધિકાર બાબતે મોળા વરતાયેલા આંબેડકરે બંધારણ પાઇલટ કરતી વખતે ન તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને મુદ્દે આદિવાસીઓ જોડે ભેદભાવનું વલણ દાખવ્યું હતું, ન તો સવર્ણને એક મત અને દલિતને બે મતની ભાષામાં વાત કરી હતી. ગાંધી-નેહરુ-પટેલ એ સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળા સમસ્ત છતે ભાગલે ધરમમજહબના ભેદ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને પુરસ્કારતી હતી. સમાજમાં ઊંચનીચ અને ભેદભાવ એક વાસ્તવિકતા છે અને સાર્વત્રિક મતાધિકારનો યથાર્હ તથા યથાર્થ ભોગવટો શક્ય બને તે માટે અનામત સહિતની જોગવાઈઓનું ચોક્કસ લૉજિક સ્વીકારાયેલું છે.

પાકિસ્તાનના વિધિવત્ ઠરાવ પૂર્વે મોહમ્મદ અલી ઝીણાએ ઉછાળેલો એક મુદ્દો એ હતો કે ઇંગ્લેન્ડમાં કૉન્ઝર્વેટિવ અને લેબર બે મુખ્ય પક્ષો છે, અને લિબરલ પક્ષ પણ છે. ત્યાં આજે લેબર તો આવતીકાલે કૉન્ઝર્વેટિવ એમ પલટો અને વિકલ્પ શક્ય છે. પણ હિંદમાં આજે હિંદુઓ ને કાલે મુસ્લિમો એવો સત્તાપલટો ક્યાં શક્ય છે ? અહીં તો હિંદુઓ કાયમી બહુમતી છે, અને મુસ્લિમો કાયમી લઘુમતી છે. વસ્તુતઃ ઝીણાની દલીલ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના લોકશાહી અભિગમ પ્રમાણે ગ્રાહ્ય નહોતી, કેમ કે મતદારે પસંદ કરવાનો છે. તે હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી નથી, ન તો વાણિયા – બ્રાહ્મણ – દલિત પણ છે. મતદારે તો કાર્યક્રમ ને ચારિત્ર્ય આધારિત પસંદગી કરવાની છે.

આવી પસંદગીમાં સુવાણ વાસ્તે કેટલોક સકારાત્મક અગ્રતાવિવેક કેળવવો રહે છે. અનામત તરેહની જોગવાઈઓ આમાંથી આવે છે. આપણને સવર્ણ-અવર્ણ અંતર સમજાતું હોય તો પણ, જેમ કે, કથિત સવર્ણ સમુદાય માંહેલા ઊંચનીચ પકડાતાં નથી. હિંદુ ધર્મમાંથી મુક્તિની લાહ્યમાં મુસ્લિમ તો થતા, પણ તમે બ્રાહ્મણમાંથી થયેલા મુસ્લિમ કે કથિત નીચલી પાયરીએથી આવેલા મુસ્લિમ, એવું જ ખ્રિસ્તીઓમાં પણ – વિનોબાએ આબાદ કહેલું કે જો જાતી હિ નહીં વો જાતિ હૈ.

હું નથી ગાંધીવાદી કે નથી માર્ક્સવાદી એમ કહેતા ઝુઝારુ એટલા જ સ્વાધ્યાય પ્રવણ સમાજવાદી લોહિયા નવા સમાજની દૃષ્ટિએ ‘પિછડોંકી રાજનીતિ’ના સમર્થક હતા. ચરણસિંહના રાજકારણમાં એ મુદ્દો અંશતઃ અલબત્ત ટૂંકનજરી રાહે પણ ઊભર્યો અને જેપી આંદોલનોત્તર માહોલમાં તે બિહારમાં લાલુ અને ઉત્તર પ્રદેશમાં મુલાયમને ફળ્યો.

જો કે, રાષ્ટ્રીય રાજકારણમાં એનો યશ કે જવાબદારી કાઁગ્રેસનીમ્યા મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત સારુ વિશ્વનાથ પ્રતાપ સિંહને નામે જમે બોલે છે.

ગુજરાતમાં તે પૂર્વે બક્ષીપંચ અને સવિશેષ તો માધવસિંહ સોલંકી પ્રણિત ખામ વ્યૂહ પણ આ સંદર્ભમાં સંભારવાં રહે છે. માધવસિંહના ક્ષત્રિય (K), હરિજન (H) આદિવાસી (A) અને મુસ્લિમ (M) એમ ‘ખામ’ સાથે ભા.જ.પે. કરેલી સર્જરી ‘ખાસ’ની હતી, મુસ્લિમને સ્થાને સવર્ણ (S) મૂકીને. એમનો વિક્રમ નહીં તોડી શકનાર પણ 2002થી સળંગ ચૂંટણીઓ જીતનાર મોદીવ્યૂહ મંદિરમંડલના જોડાણ ઉપર વિકાસના વરખનું હતું.

ગાંધીના સત્યાગ્રહી દર્શન, લોહિયાના સપ્તત્રાંતિ દર્શન કે જેપીના સંપૂર્ણ ક્રાંતિ દર્શન સિવાયનાં આ ઝાવાં આને કે તેને ફળે, પણ નાગરિક તો શોધ્યો જડે તો જડે. નેતૃત્વ, નેતૃત્વ, તું ક્યાં છો.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023

Loading

લાલબત્તી ગઈ પણ વી.આઈ.પી. કલ્ચર રહ્યું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 August 2023

ચંદુ મહેરિયા

દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સલામતી કાફલામાં તેમની મોટરકારની આગળ એક પાઈલોટિંગ મોટરસાઈકલ જ રહેતી હતી. આજે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માનના સલામતી કાફલામાં બેતાળીસ વાહનો હોય છે ! કદાચ એ દેશના કોઈ પણ વી.આઈ.પી.નો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. પણ રહો તેમની પૂર્વેના કાઁગ્રેસ અને અકાલી દળના મુખ્ય મંત્રીઓના સુરક્ષા કાફલા પણ કંઈ સામાન્ય નહોતા. તેમના કાફલામાં અનુક્રમે ઓગણચાલીસ અને તેત્રીસ વાહનો રહેતા હતા ! સલામતીના નામે વી.આઈ.પી. કલ્ચર કેવું ફાટીને ધૂમાડે ગયું છે, તેના આ વિરોધ અને રોષ જન્માવે તેવા દાખલા છે.

પદ, પ્રતિષ્ઠા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમને કેટલીક ખાસ સગવડો કે વિશેષાધિકારો આપવામાં આવે છે તે વી.આઈ.પી. ગણાય. તેમાં રાજનેતાઓ, વહીવટી, પોલીસ અને લશ્કરી અધિકારીઓ, ન્યાયાધીશો, ફિલ્મીકલાકારો, ક્રિકેટરો, ધાર્મિક નેતાઓ વગેરેનો સમાવેશ થાય છે.

વી.આઈ.પી.ને મળતી ખાસ સુવિધાઓનો એ હદે દેખાડો અને અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે કે તે વી.આઈ.પી. કલ્ચર નહીં અપસંસ્કૃતિ કહેવાય. તેને માઈબાપ સરકાર સંસ્કૃતિ, વી.આઈ.પી. ફસ્ટ, હીરોગીરી, શક્તિનું પ્રદર્શન, તાકાતનો દેખાડો, સ્ટેટ્સ સિમ્બોલ અને સરકારી સુવિધાભોગી વર્ગ તરીકે પણ ઓળખી શકાય. વૈભવ પ્રત્યે આકર્ષિત અને અચંબિત ભારતીય લોકમાનસ દિલોદિમાગથી તો સાદગી સમર્થક અને પ્રશંસક છે. એટલે વી.આઈ.પી. કલ્ચર પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના વ્યાપક છે.

હજુ હમણાના જ દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ગૌતમ ચૌધરી પુરુષોત્તમ એકસપ્રેસમાં નવી દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ટ્રેન ત્રણ કલાક લેટ ચાલતી હતી. તેથી જજસાહેબે અલ્પાહાર માટે પેન્ટ્રીનો અને પછી પોલીસનો સંપર્ક કર્યો. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. આ સંદર્ભે અલ્હાબાદ વડી અદાલતના રજિસ્ટાર (પ્રોટોકોલ) એ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી ફરિયાદ કરી અને જજસાહેબને પડેલ તકલીફ તથા પ્રોટોકોલનો અમલ ના કરવા બદલ જવાબદારો સામે પગલાં ભરવા જણાવ્યું. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ અને કોલકાતા હાઈકોર્ટના વર્તમાન જજ ગૌરાંગ કંઠના દિલ્હી આવાસે સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીથી ઘરનો બહારનો ગેટ ખૂલ્લો રહી જતાં જજસાહેબનો પાલતુ કૂતરો ક્યાંક જતો રહ્યો. એટલે ન્યાયાધીશ મહોદયે દિલ્હીના પોલીસ કમિશનરને પત્રથી ફરિયાદ કરી કે તેમનો કૂતરો સુરક્ષાકર્મીના બેજવાબદાર વર્તનથી ખોવાઈ ગયો હોઈ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરો.

શાયદ તાજેતરના આવા જ બનાવોને અનુલક્ષીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ તમામ હાઈકોર્ટોના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે જજીસ તેમને પ્રોટોકોલ પ્રમાણે જે સુવિધાઓ મળે છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને લોકોના કરતાં તેઓ જુદા કે ઊંચા છે તેવું દેખાડવા તેનો ઉપયોગ ન કરે. જસ્ટિસ ચંદ્રચૂડની આ ટકોર સમયસરની છે અને જો તેનો અમલ થશે તો તે જજીસને જાહેર આલોચનાથી બચાવશે.

છેક ૨૦૧૩માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વી.આઈ.પી.ઓના વાહનો પરની લાલ લાઈટ દૂર કરવા કાયદામાં સુધારો કરવા અને વી.આઈ.પી.ની યાદી જાહેર કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. સરકારને આટલી આસાન બાબતનો અમલ કરતાં ચાર વરસ લાગ્યા હતા. ૨૦૧૭માં ભારત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને લાલ લાઈટ દૂર કરી હતી. સામંતશાહી કે સત્તાનું પ્રતીક લાલ બત્તી જવાથી લોકોના તમામ દુ:ખ દૂર થઈ ગયાં અને  વી.આઈ.પી. કલ્ચર નાબૂદ થઈ ગયું એવો માહોલ એ સમયે ઊભો કરવામાં આવ્યો હતો.

પરંતુ વી.આઈ.પી. કલ્ચર તો બીજા અનેક સ્વરૂપે હજુ છે જ. અત્યાધિક સુરક્ષા વ્યવસ્થા, વી.આઈ.પી.ને કારણે રસ્તા પરનો ટ્રાફિક રોકવો, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ઉદ્દઘાટનો અને શિલાન્યાસોની તકતીઓમાં નામ, સાઈરન, એરપોર્ટ કે રેલવે સ્ટેશનો પર અલગ વી.આઈ.પી. લોન્જ, વિમાનમાં ચઢવામાં પ્રાથમિકતા, અનેક બાબતોમાં વી.આઈ.પી. ક્વોટા જેવા વિશેષાધિકારો હજુ યથાવત છે. કેટલાક તો તેમણે જાતે મેળવી લીધા છે. જેમ કે સરકારી ગાડીમાં બાળકોને શાળાએ મોકલવા કે પત્નીએ શાકબકાલું લેવા જવું, પટાવાળાએ સાહેબ આવે ત્યારે બ્રીફ કેસ લેવા જવું, ડ્રાઈવર ઉંમરમાં મોટા હોય તો ય સાહેબની ગાડીનો દરવાજો તો તેમણે જ ખોલવો, અંગત કામ માટે સરકારી કચેરીના સ્ટાફનો ઉપયોગ કરવો, ઓફિસના પટાવાળાને ઘરકામ માટે રાખવા વગેરે. એટલે આ બધી સગવડોની તુલનામાં વાહનો પરની લાલ લાઈટ દૂર કરવી તો સાવ તુચ્છ લાગે છે.

જો કે કેટલાક વી.આઈ.પી.એ આ વિશેષાધિકારો પર લગામ કસવાના પ્રયાસો કર્યા છે. વર્તમાન સરકારે આખા દેશમાં સાવ સસ્તી એવી સંસદની કેન્ટીનમાં મળતી ખાણીપીણી પરની સબસિડી દૂર કરી છે. વી.પી. સિંઘે તેમના પ્રધાનમંત્રીકાળમાં વડા પ્રધાનના વિદેશપ્રવાસ વખતે આખી કેબિનેટ એરપોર્ટ પર વિદાય આપવા કે આવકારવા જાય તે બંધ કરાવ્યું હતું. તે પછીના વડા પ્રધાનો પણ તેને અનુસર્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાતે ઓફિસમાં બેલ વગાડી પટાવાળાને બોલાવવાનું બંધ કરી રેલવેના અધિકારીઓને પણ બેલ વગાડવી બંધ કરવા જણાવ્યું છે. અસમના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમાએ તેમની ગાડી રસ્તા પરથી પસાર થાય ત્યારે જરા ય ટ્રાફિક ના રોકવા આદેશ કર્યો છે. તેથી વી.આઈ.પી.ને કારણે જાહેર રસ્તા બંધ કરવાથી લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે. કદાચ આ પ્રયત્નો વી.આઈ.પી. માનસિકતામાં બદલાવ આણી શકશે. જો કે કેટલાક વી.આઈ.પી.એ લાલબત્તીના વિકલ્પે હૂટર અને કેટલાકે સરકારી હોદદ્દો લખેલી ઝંડી લગાવીને પોતે સામાન્ય પ્રજાથી નોખા હોવાનું જણાવવાનું ચાલુ રાખ્યું છે.

વી.આઈ.પી. સંસ્કૃતિ સર્વત્ર વ્યાપેલી છે. નવી દિલ્હીના યમુના તટે રાજઘાટની પાડોશમાં વી.આઈ.પી. સ્મશાન વિકસ્યું છે. ઘણાંને તેમાં મર્યા પછી સ્થાન જોઈએ છે. ભલે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠના ચુકાદામાં મંદિરમાં વિરાજતા ભગવાન સિવાય કોઈ વી.આઈ.પી. નથી તેમ જણાવે પણ મંદિરોમાં વી.આઈ.પી.ના માનપાન એ હદના હોય છે કે તેઓ દર્શનાર્થે પધારે છે ત્યારે આખા મંદિર પરિસરને સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હજયાત્રામાં પણ મોટો વી.આઈ.પી. ક્વોટા હોય છે. કુદરતી કે માનવ સર્જિત આફત વખતે વી.આઈ.પી. અને તેમના કુટુંબને બચાવ અને રાહત પહેલા પહોંચે છે. હોસ્પિટલની સારવારમાં તેમને અગ્રક્રમ મળે છે. એટલે માત્ર લાલ લાઈટ જવાથી વી.આઈ.પી. કલ્ચર જવાનું નથી.

સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને ૨૦૧૫માં વી.આઈ.પી.ની સૂચિ બનાવવી પડી ત્યારે તેમાં પહેલા ૨,૦૦૦ અને પછી ૧૫,૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨, ઓસ્ટ્રેલિયામાં ૨૦૫, અમેરિકામાં ૨૫૨, દક્ષિણ કોરિયામાં ૨૮૨, રશિયામાં ૩૧૨ અને ચીનમાં ૪૨૫ વી.આઈ.પી. છે. પણ મેરા ભારત મહાનમાં આજે આશરે પ લાખ ૮૦ હજાર વી.આઈ.પી. છે ! હવે આ અપસંસ્કૃતિ સામે ના તો ન્યાયતંત્ર સંઘર્ષ કરતું દેખાય છે કે ના તો આમ આદમી. એટલે વી.આઈ.પી.ને તેનો પેધો પડ્યો છે અને બાકીનાને જાણે કે કોઠે પડી ગયું છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 August 2023

દર્શક, મેઘાણીનું તાજવે ફોરતું ને સમસંવેદને દૂઝતું ગાંધીઘટન લઈને આવ્યા. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક મળી રહ્યા

એક સાથે સંભારવા છે આજે બેઉને : 28મી ઓગસ્ટે મેઘાણી જયંતી અને 29મી ઓગસ્ટે દર્શક સ્મૃતિ. આ લખી રહ્યો છું ત્યારે એમ જ સ્મરણ સરી આવે છે કે 2001ના ઓગસ્ટની 29મીએ દર્શક ગયા ત્યારે ભાદરવા સુદ અગિયારસ હતી. મને આ કિસ્સામાં તિથિ સંભારવી ગમે છે, કેમ કે એમાં યથાસ્થિતિનો અસ્વીકાર છે અને પરિવર્તનનો પુરસ્કાર છે.

લગરીક આત્મકથાત્મક ઢબે શરૂઆત કીધી જ છે તો વળી એમ જ આગળ ચાલું. મેઘાણીને પંચોતેર થયા ત્યારે ચોટીલા ડુંગરના પેટાળમાં, નીચે, મોટી સભા ભરાઈ હતી. પાંચેક હજાર માણસ હશે. વાંસોવાંસ, લોકભારતી પરિવાર સમક્ષ દર્શકે ત્રણ મેઘાણી વ્યાખ્યાનો આપ્યા – ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી.’ એ બહાર તો 1972-73માં પડ્યાં હશે, પણ મેં ચાવથી ઘૂંટડે ઘૂંટડે પીધાં પાલનપુર સબ જેલમાં, માર્ચ 1975. મહેન્દ્ર મેઘાણીએ મને જેલમાં એ મોકલી આપેલ. ગુજરાતમાં ભરકટોકટીએ બાબુબાઈ જશભાઈની જનતા મોરચા સરકાર પડી ત્યારે A Suitable Boyની આપહેસિયતથી પહેલા ઘાણમાં પકડાયેલા પૈકી હુંયે હતો અને કવિ ઉપવાસી(ભોગીભાઈ ગાંધી)નો નિત્યસોબતી એટલે ચિત્તમાં રમતી પંક્તિ અલબત્ત એ જ હતી કે ‘નહીં કંઈ ગુમાવવું – ફક્ત શૃંખલાબેડીઓ!’ જેલમાં ‘અધર ધેન એન્ટિસોશિયલ’ અમે ચાર-પાંચ જ જણા હતા. બાકી બધા કાચા કામના કેદીઓ બહુધા, ‘લોકવરણ’ જ કહો ને … અમે કટોકટી સામે લડનારા હતા, પણ સામાન્ય સમાજથી કેટલા કપાયેલ હોઈશું, ન જાણે!

બરાબર આ જ દિવસોમાં ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ એ મેઘાણી વ્યાખ્યાનો હાથમાં આવ્યાં. શો આબાદ મુખડો બાંધ્યો’તો વીર દર્શકવાળાએ! એમણે કહ્યું કે અકેકો શબ્દ તોળી તોળીને બોલનાર ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા એ ચીલેચલુ અર્થમાં તો હોય જ નહીં – શૌર્ય ને વીરરસના પોવાડા કે ‘સિંધુડો.’ રાષ્ટ્રીય જાગૃતિ ને વીરરસની રચનાઓ તો ખાસ્સી હતી, જેમ કે ‘કેસરભીના કંથ હો સીધાવો જી રણવાટ.’ કે પછી, ‘પાર્થને કહો ચડાવે બાણ.’ એટલે ગુજરાતમાં કોઈ રાષ્ટ્રનાં ગીતો ગાનાર કવિઓ તો હતા નહીં અને મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ થયા એવું તો નથી.

દર્શકે બરાબર મુદ્દો ઊંચક્યો : ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા ને અભણ – એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીએ તો – 

‘હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ.’

પોરો રે આવ્યો સંતો પાપનો.

જૂના જમાનામાં ગામડામાં દરબારો હોય અને રૈયત પણ હોય, પણ આર્થિક-સામાજિક એવો વર્ગવિચ્છેદ નહોતો જે ભણેલા અને અભણ વચ્ચે આવ્યો. જે કંઈ તળપદ તેને સારુ એક તુચ્છભાવ ભણેલામાં પેદા થયો. દર્શક આ સંદર્ભમાં રા.વિ. પાઠકની ‘મુકુન્દરાય’ વાર્તા સંભારે છે.

મેઘાણીએ જે માહોલ ઊભો કર્યો એમાં ભણેલા જુવાનિયા પાળિયા, દેરીઓ, જંગલ-પહાડ, પોતાનાં ગામ, ડોશી, મીર, ચારણ બધાં તરફ આદરથી જોવા લાગ્યા. તમે જેની સાથે એકતા કરવા માગતા હો તેની સાથે પરિચય થવો જોઈએ, અને તેને ચાહો તેવો પરિચય થવો જોઈએ.

મેઘાણીના આ તાજવે ફોરતા ગાંધીઘટનમાં દર્શકે ‘છેલ્લો કટોરો’ સરખી સુપ્રતિષ્ઠ ને સર્વસ્વીકૃત રચનાએ નહીં અટકતાં એક જુદી જ રચનાને આગળ કરી છે. પૂર્વે સુંદરજી બેટાઈ સરખા એકાદા સુખદ અપવાદને બાદ કરતાં કોઈએ એના પર આવી ને આટલી નજર નોંધી નથી.

આ રચના તે ‘છેલ્લી સલામ.’ હિંદુઓ ને હરિજનોથી અલગ પાડતા ચુકાદા સામે ગાંધીએ સવર્ણ માનસને પલટાવવા અનશન આદર્યા. એ અનશન અવસરે મેઘાણી લઈને આવ્યા : ‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે …’ કવિની સ્વાધીનતા, એનો મિજાજ તો જુઓ :

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો – એણે

ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી,

પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે,

એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી!

આખો સમાજ એવો ગેગી ગયો છે કે –

ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,

પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી …

વાત આજની જ નહીં, છેક રામ ને કૃષ્ણના વારાની છે …

કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી …

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને

અસુરો કહીને કાઢ્યા વનવાસ જી.

આદિવાસીઓ, દુબળાને માથે વીતાડવામાં શું બાકી રાખી છે?

હસતાં  મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં’!

રખે કોઈ રોકે નયણાં રડીને હો…જી!

રાષ્ટ્રીયતાના વિમર્શ આખાને વીરરસની, ‘ધ અધર’ને વિહારવાની મૂઠમાંથી ઉગારી ગાંધી-રવીન્દ્ર-આંબેડકર પરંપરામાં સમતા સંઘર્ષ અને સમતા સ્નેહનમાં ઢાળવાની આ મેઘાણી પહેલ, શબ્દો જડતા નથી એને માટે. જેલમાં એ વાંચતો હતો, અને બેડી તૂટતી અનુભવતો હતો.

ભવભૂતિએ કહ્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે – ક્યારેક તો, ક્યાંક તો મને કોઈક સમાનધર્મા મળશે. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક લગભગ વાંસોવાંસ મળી રહ્યા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0091,0101,0111,012...1,0201,0301,040...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved