Opinion Magazine
Number of visits: 9458122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધુ લિમયેની જન્મશતાબ્દી અને સમાજવાદી આંદોલન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 May 2023

મધુ લિમયે

તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રતિબદ્ધ સમાજવાદી નેતા મધુ લિમયે(૧૯૨૨-૧૯૯૫)ની જન્મશતાબ્દીનું સમાપન વરસ અને કાઁગ્રેસ સમાજવાદી પક્ષથી નોખા સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૪૮)નું અમૃતપર્વ ઠાલો યોગાનુયોગ જ નથી. આમ તો ભારતમાં સમાજવાદી આંદોલન બહુ વહેલું આરંભાયું હતું. કાઁગ્રેસના ભાગરૂપે જ સમાજવાદીઓ કામ કરતા હતા. પરંતુ ગાંધી હત્યાના વરસે તેઓ છૂટા પડ્યા અને પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો એ રીતે આ સમાજવાદી પક્ષની સ્થાપનાનું પંચોતેરમું વરસ છે. એ સમયે દેશમાં સમાજવાદનું પંચોતેરમું હોય એવી સ્થિતિ છે. સમાજવાદી નેતા તરીકે મધુ લિમયેને તેનો અણસાર આવી ગયો હતો. તેમણે તેનું નિર્મમ વિષ્લેષણ પણ કર્યું હતું. આજે દેશમાં એક રાજકીય પક્ષ તરીકે સમાજવાદી પક્ષ જરૂર અસ્તિત્વમાં છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં તેની રાજવટ પણ હતી. પરંતુ મુલાયમસિંઘ યાદવના કુણબાના આ પક્ષનો પરિવારવાદ અને તકવાદ તેને સમાજવાદી કહેતાં અટકાવે તેવો છે.

પહેલી મે ૧૯૨૨ના રોજ પુણેમાં જન્મેલા મધુ લિમયે પંદર વરસની વયે સ્કૂલમાં ગયા વિના મેટ્રિકની પરીક્ષા પાસ કરીને બૌદ્ધિકોનો અડ્ડો ગણાતી ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા હતા. વાચન, સ્વતંત્રતા આંદોલન અને સમાજવાદનો પાશ એમને વિદ્યાર્થીકાળમાં જ લાગ્યો હતો. પ્રખર સમાજવાદી એસ.એમ. જોશીના પરિચયે તે ગાઢ થયો. આઝાદી આંદોલનમાં ભાગ લેવા તેમણે કોલેજ શિક્ષણ અધૂરું છોડી દીધું પણ વાચન અને અધ્યયન જીવનભર રહ્યાં. ૧૯૪૦માં અઢાર વરસના નવયુવાન લિમયેને યુદ્ધ વિરોધી વકતવ્ય બદલ જેલની સજા થઈ. તેમને જે ધુલિયા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે જેલમાં ચાળીસ વરસના સાને ગુરુજી વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હતા. લિમયે અને સાને ગુરુજીની ત્યાં એવી તો આત્મીયતા બંધાઈ કે જેલમાં લિમયેએ સમાજવાદ પર જે અઢાર વ્યાખ્યાનો આપ્યા હતા તેનું રોજેરોજ શબ્દાંકન સાને ગુરુજી કરતા હતા. એસ.એમ. જોશી અને સાને ગુરુજી તરફથી મધુ લિમયેને પુત્રવત્‌ પ્યાર મળ્યો હતો.

સમાજવાદીઓ માટે સહજ એવી અધ્યયનશીલતા અને આંદોલનકારિતા મધુ લિમયેમાં પણ હતી. ભારત આઝાદ થયા પછી પણ ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. ડો. રામ મનોહર લોહિયાના ગોવા મુક્તિ આંદોલનમાં લિમયે સક્રિય હતા. અસ્થમાની પરવા કર્યા વિના તેઓ જોડાયા હતા. જુલાઈ ૧૯૫૫માં ગોવા મુક્તિ સત્યાગ્રહના એક જૂથનું નેતૃત્વ કરતા તેમને એ હદે માર મારવામાં આવ્યો હતો કે તેમના અવસાનની અફવા ચાલી હતી. પોર્ટુગીઝ પોલીસના મારની શારીરિક પીડા આજીવન એ રીતે રહી કે તેઓ કદી ચત્તા સૂઈ ના શક્યા. છતાં ગોવા મુક્તિ સત્યાગ્રહને તેઓ જિંદગીનું સુવર્ણ પૃષ્ઠ માનતા હતા જેમાં તેમને બાર વરસના કારાવાસની સજા થઈ હતી. આંદોલન આઝાદીનું હોય કે દૂસરી આઝાદીનું, મજદૂરોનું હોય કે કિસાનોનું, યુવાનોનું હોય કે મહિલાઓનું લિમયે સદા તેમાં હોય જ. તોંતેર વરસની આવરદામાં આ અધ્યયનશીલ આંદોલનકારીને ત્રેવીસ વખત જેલમાં જવું પડ્યું હતુ. ઈંદિરાઈ કટોકટીમાં પણ તેમણે ઓગણીસ મહિનાનો જેલવાસ વેઠ્યો હતો.

જન્મભૂમિ મહારાષ્ટ્રને બદલે તેમણે બિહારને કર્મભૂમિ બનાવી હતી. ચાર વખત બિહારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. એટલે સિદ્ધાંતનિષ્ઠાને વરેલા સજગ સાંસદ સંસદમાં સદાય કર્મભૂમિના લોકોની ભાષા હિંદીમાં જ બોલતા હતા. જે તેમણે પહેલા જેલવાસમાં શીખી હતી. જાગ્રત અને નીડર સાંસદ તરીકે તેમનાથી સત્તાપક્ષ સતત ડરતો. કેટકેટલા કૌભાંડો તેમણે ઉજાગર કર્યા છે. આંતરિક કટોકટી વખતે ઈન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી ટાળવા પાંચને બદલે મુદ્દત વધારીને છ વરસની કરી તો તેના વિરોધમાં તેમણે જેલમાંથી સંસદસભ્યપદેથી રાજીનામુ મોકલી આપ્યું હતું. યાદ રહે કે આવું સાહસ જેલમાં રહેલા એક પણ વિપક્ષી સાંસદે કર્યું નહોતું માત્ર શરદ યાદવ જ તેને અનુસર્યા હતા. સ્વાતંત્ર્ય સૈનિક અને સંસદસભ્ય તરીકે મળતું પેન્શન એમણે આર્થિક અભાવો છતા કદી ના લીધું. લોહિયાએ ‘પિછડા માંગે સો મેં સાઠ’નો નારો આપ્યો તો તેનો અમલ લિમયેએ પોતાથી કર્યો. ચોથી લોકસભાના સંયુક્ત સમાજવાદી પક્ષના સંસદીય નેતા પદેથી રાજીનામું આપીને તેમણે પછાત વર્ગના રવિ રાયને નેતાપદે બેસાડ્યા. કટોકટી પછી જનતા પક્ષની સરકાર બની તો સરકારમાં જોડાવાને બદલે તેમણે પક્ષના મહાસચિવ તરીકે સંગઠનના કામને પ્રાધાન્ય આપ્યું હતું. એ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે અલગ અલગ રાજકીય વિચારધારાના લોકોના બનેલા પ્રધાનમંડળમાં મારા  વિચારોનો કદાચ મેળ ના બેસે.

અસંમતિનો અવાજ લિમયેની પહેચાન હતી. સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનથી તે વેગળા રહ્યા. એટલે જે પ્રજાએ ગોવા મુક્તિ આંદોલનના નેતા તરીકે જેલમુક્તિ પછી તેમની મુંબઈના શિવાજી પાર્કમાં વિરાટ સત્કાર સભા યોજી આરતી ઉતારી હતી તે જ પ્રજાએ તે જ સ્થળે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના ઉમેદવાર સામે તેમને બોલવા ના દીધા અને ચૂંટણીમાં તેમની ડિપોઝિટ ડૂલ થઈ. જો કે આવી આકરી કિંમત ચૂકવીને તે જનમતની વિરુદ્ધ રહ્યા હતા. ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં હાર પછી સમાજવાદીઓમાં વિચારમંથન ચાલ્યું હતું. અશોક મહેતાએ સત્તાપક્ષ સાથે હળીમળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ લિમયે તેના વિરોધમાં હતા. તેનાથી સમાજવાદીઓનું વિપક્ષ તરીકેનું વજૂદ નહીં રહે તેમ તે માનતા હતા. ડો. લોહિયાના બિન-કાઁગ્રેસવાદના પણ તે વિરોધી હતા. રાજા મહારાજાઓના સ્વતંત્ર પક્ષ અને જનસંઘ જેવા સાંપ્રદાયિકા પક્ષ સાથે માત્ર કાઁગ્રેસને હરાવવા જોડાણ કરવાના મતના તે નહતા.

૧૯૮૨માં સક્રિય રાજનીતિમાંથી તે નિવૃત્ત થયા પણ લેખન થકી જાહેર જીવનમાં સક્રિય હતા. બારેક વરસના આ ગાળામાં તેમણે અનેક પુસ્તકો લખ્યાં. નિત્ય અધ્યયનરત આ રાજનેતાએ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પંચોતેર જેટલાં પુસ્તકો લખ્યાં છે. જેમાં સમાજવાદનો ઇતિહાસ અને તેની આલોચના પણ છે. ધર્મ નિરપેક્ષપક્ષોએ મુસ્લિમ અને હિંદુ સાંપ્રદાયિક કટ્ટરપંથી પક્ષો સાથે કરેલા સિદ્ધાંતહીન જોડાણોને કારણે સાંપ્રદાયિક પક્ષો બળવત્તર બન્યા હોવાનું અને સમાજવાદીઓના વિખરાવે તે સત્તામાં આવશે તેમ તે માનતા હતા.

સમાજવાદ એક છેતરામણો શબ્દ છે. કાઁગ્રેસે તેના અધિવેશનોમાં ‘સમાજવાદી પદ્ધતિનો સમાજ’  અને ‘લોકતાંત્રિક સમાજવાદ’ના ઉલ્લેખ સાથે સામાજિક આર્થિક નીતિઓ માટે તે  સ્વીકાર્યો હતો. ઈન્દિરા ગાંધી ૧૯૭૬માં તેને બંધારણના આમુખમાં મૂકી દીધો છે. ભારતીય જનતા પક્ષે પણ ગાંધીવાદી સમાજવાદને અપનાવ્યો હતો. જો મૂડીવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી માલિકોના હાથમાં હોય છે તો સમાજવાદમાં તે રાજ્યની માલિકીના હોય છે. સામ્યવાદમાં તે સમાજની માલિકીના હોય છે. એટલે સમાજવાદ એ સામ્યવાદ પૂર્વેની સ્થિતિ કહી શકાય. ૧૯૯૧માં કાઁગ્રેસે આર્થિક ઉદારીકરણનો માર્ગ અખત્યાર કરીને સમાજવાદનું અચ્યુતમ કેશવમ કરી નાંખ્યું છે. દેશમાં વિકરાળ આર્થિક-સામાજિક અસમાનતાને લીધે આજે સમાજવાદ જાણે કે પોથીઓમાં કેદ શબ્દ બની ગયો છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસઃ કમનસીબી, સૈન્યની દાદાગીરી, હારબંધ વડા પ્રધાનો અને અંધાધૂંધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 May 2023

અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ વડા પ્રધાન પોતાની ટર્મ આખી પૂરી નથી શક્યા 

ચિરંતના ભટ્ટ

પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે, આ લખાઇને તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં પાકિસ્તાનના રાજકીય દાવાનળમાં ઘણું બધું રાખ થઈ ચૂક્યું હશે. અત્યારે તો પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લશ્કર રસ્તા પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસ એટલે જાણે અંધાધૂંધીનું બીજું નામ. 1947માં પાકિસ્તાનની રચના થઇ ત્યારથી માંડીને આજ સુધી એક પણ વડા પ્રધાન તેમની પૂરી ટર્મ સુધી સત્તા પર નથી રહી શક્યા. પાકિસ્તાનમાં કોઇ પણ ત્યાં સુધી વડા પ્રધાનના પદ પર બેસી શકે જ્યાં સુધી સંસદમાં તેમના પક્ષનો બહુમત હોય, જેમ કે પી.પી.પી. અને પી.એમ.એલ.-એન.ની ટર્મ પૂરી થઇ પણ આ પક્ષના વડા પ્રધાન પાંચ વર્ષની ટર્મ પૂરી ન કરી શક્યા.

આ ઇતિહાસ પર નજર કરીએ તો પાકિસ્તાન મુવમેન્ટના લિયાકત અલી ખાન પહેલા વડા પ્રધાન બન્યા અને રાવલપિંડીમાં એક રેલીને સંબોધન કરતા હતા ત્યારે તેમને એક અફઘાનીએ ગોળીએ દઇ દીધા હતા. એ સમયે જ ગવર્નર જનરલ હતા તેવા ખ્વાજા નઝીમુદ્દીનને આ જવાબદારી સોંપાઇ. 182 દિવસમાં જ ગવર્નર જનરલ ગુલામ મોહંમદે તેમને પૂર્વ પાકિસ્તાન અને લાહોરમાં થયેલા રમખાણો રોકવામાં નિષ્ફળ જવાના મામલે પદ પરથી હટાવ્યા. આ પછી મહંમદ અલી બોગરા જેમની પર આક્ષેપ છે કે તેમણે યુ.એસ.એ. સાથેના પાકિસ્તાનના જોડાણને મામલે છેતરપિંડી કરી હતી તે સત્તા પર આવ્યા. બોગરા પણ 2 વર્ષ અને 2 મહિના સુધી સત્તા પર હતા અને પછી ચૌધરી મહંમદ અલી 13 મહિના માટે વડા પ્રધાન બન્યા. 1956માં પાકિસ્તાનનું નવું બંધારણ આવ્યું. એ વખતે વડા પ્રધાન હતા હુસૈન શહીર સહરાવર્દી પણ બંધારણને મામલે પણ મતભેદ થયા અને એ પછી પણ સાવ 2 મહિના માટે ઇબ્રાહિમ ઇસ્માઇલ ચુંદરીગર અને ફિરોઝખાન નૂન 9 મહિના માટે વડા પ્રધાન બન્યા. પાકિસ્તાનનુ વડા પ્રધાનનું પદ જાણે બળતું ઘર છે. એક એવો દેશ જ્યાં પાંચ વર્ષમાં છ વડા પ્રધાન બદલાયા. રાજકીય પક્ષો અને સૈન્ય વચ્ચેનો સંઘર્ષ ત્યાં ચાલતો જ આવ્યો છે અને આ કારણે જ રાષ્ટ્રપતિ ઇસિકંદર મિર્ઝાએ પાકિસ્તાનમાં બંધારણનું અમલીકરણ જ રોકી દીધું અને માર્શલ લૉ લાગુ કર્યો, સૈન્યા વડા ઐયૂબખાનને આ જ જોઇતું હતું, રાજકીય સ્થિતિ વણસી અને રાષ્ટ્રપતિ મિર્ઝાને તેમણે ઘર ભેગા કરીને સત્તા લઇ લીધી. ઐયૂબ ખાન પર અમેરિકાની લોકશાહીનો પ્રભાવ હતો તે એમણે ચૂંટણી જાહેર કરી, એમાં ઝીણાની બહેનને જીત મળી પણ તો ય ઐયૂબ ખાને સત્તા છોડી નહીં. એ પછી એમણે ભારત સામેના યુદ્ધમાં હાર અને ચૂંટણીના ગોટાળાને કારણે રમખાણોને પગલે રાજીનામું આપ્યું અને પછી આવ્યા જનરલ યાહ્યાખાન. યાહ્યા ખાને ચૂંટણી યોજી અને મુજીબૂર રહેમાનને વડા પ્રધાન બનાવ્યા પણ એ પૂર્વીય પાકિસ્તાનના હતા જેમાંથી અંતે પાકિસ્તાનના ભાગલા થયા બાંગ્લાદેશની રચના થઇ. ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ આ સમયે રાષ્ટ્રપતિ પદ છોડી વડા પ્રધાનની ખુરશી સંભાળી પણ 46 મહિના પછી સૈન્યના વડા જનરલ ઝિયા ઉલ હકે ભુટ્ટોને હટાવ્યા. ઝિયાએ દસ વર્ષ સરમુખત્યારની માફક સત્તા ચલાવવાનો પ્લાન કર્યો અને મહંમદખાન જુનેજોને વડા પ્રધાન બનાવ્યા પણ ત્યાં ય વાંધા વચકા પડ્યા અને સંસંદ ભંગ થઇ અને જુનેજોની સત્તા ગઇ, ચૂંટણી થાય એ પહેલાં વિમાન અકસ્માતમાં એ માર્યા ગયા. બેનઝીર ભૂટ્ટો પાકિસ્તાનના પહેલાં મહિલા વડાં પ્રધાન બન્યાં અને 22 મહિના પછી એમણે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સત્તા છોડી. ગુલામ મુસ્તફા બે મહિના શાસન કરી શક્યા અને 1993માં બેનઝીર ફરી સત્તા પર આવ્યાં. જેની પર વિશ્વાસ હતો એવા રાષ્ટ્રપતિ લેંઘારીએ બેનઝીરને હટાવ્યા અને 3 મહિના માટે મલિક મિરાઝે વડા પ્રધાનપદું કર્યું. એ પછી વારો આવ્યો નવાઝ શરીફનો અને અઢી વર્ષમાં સૈન્યના દબાણને કારણે એ પણ ગયા, પછી એક મહિનો બલખશેર મઝારી એ પદ સાચવ્યું અને પાછો શરીફનો વારો આવ્યો પણ એ ય માત્ર એક મહિનો; એ પછી મોઇનુદ્દીન અહેમદ 3 મહિના વડા પ્રધાન રહ્યા. 1997માં ફરી નવાઝ શરીફને બુહમ મળ્યો પણ ત્યાં મિંયા મુશર્રફ્ફે તાનાશાહી લાદી અને એ જ રાષ્ટ્રપતિ તથા એ જ સૈન્યના વડા. એ વખતે ચૂંટણીમાં ઝફર ઉલ્લાહ જમાલી પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા અને બે વર્ષમાં શૌકત અઝીઝ સત્તા પર આવ્યા. 2007માં બેનઝીર ભૂટ્ટો ચૂંટણી લડવા પાકિસ્તાન આવ્યાં પણ તેમને બોમ્બથી ઉડાવી દેવાયા, એમની પાર્ટી જીતી અને યુસૂફ રઝા ગિલાની વડા પ્રધાન બન્યા. પાકિસ્તાનમાં સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાન પદે ગિલાની રહ્યા પણ તો ય 4 વર્ષ અને 4 મહિના એ પછી રઝા પરવેઝે એમની ટર્મ પૂરી કરી. 2017માં નવાઝ શરીફ પનામા પેપર્સને કારણે પદ ગુમાવી બેઠા અને શાહિદ ખાનક અબ્બાસી આવ્યા અને છેલ્લે નસીર ઉલ મુલ્ક વચગાળાના વડા પ્રધાન બન્યા. 2018માં ઇમરાનખાનનો પક્ષ મોટો થયો અને તે વડા પ્રધાન બન્યા. આ બધામાં અર્થતંત્ર તળિયે જઇને બેઠું અને દેશ આઇ.એમ.એફ.ની લોન પર ચાલવા માંડ્યો. ઇમરાના ખાને અમેરિકા સાથે દોસ્તી ઓછી કરી રશિયા સાથે હાથ મેળવ્યા. ઇમરાન ખાનને કારણે પાકિસ્તાનની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઇ છે કારણ કે ન તો અંદર શાંતિ છે ન તો આંતરરાષ્ટ્રિય સંબંધોમાં કંઇ સારાસારી રખાઇ છે.

અત્યારે ઇમરાન ખાનની ધરપકડને ત્યાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવી છે. ઇમરાન ખાનને સત્તા પર આવ્યા પછી બહુ દુ:શ્મનો ઊભા કર્યા. ભૂતકાળમાં ઇમરાનને ટેકો આપી ચૂકેલા ઉદ્યોગકારો, સરકારના બીજાં તત્ત્વો, શહબાઝ શરીફ સરકારના અસંતોષી સભ્યો, બીજા પક્ષો બધા કોઇને કોઇ રીતે ઇમરાન ખાનને કોઇ રીતે અયોગ્ય ઠેરવી ખસેડવાની તજવીજમાં જ રહ્યા પણ કોઇને કારી ફાવી નહીં. એમાં ઇમરાન ખાને આઇ.એસ.આઇ.ના વડા મેજર જનરલ ફૈઝલ નસિર પરના જૂના આક્ષેપ વાગોળ્યા અને તેમની આવી બની. અત્યારે ઇમરાન ખાનના ટેકેદારો અને સૈન્ય વચ્ચે તંગ સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈયબર પાખ્તુનખ્વામાં સૈન્ય ઊતરી આવ્યું છે જે સંજોગો વણસવાની સીધી નિશાની છે. ફરી ચૂંટણી થાય અને ઇમરાન ખાનને જીત મળે તો સૈન્ય સાથે મળીને રાજ કરવું પડે જેમાં બંધારણ જશે ખાળમાં.

પાકિસ્તાનનું મુશ્કેલીમાં હોવું આંતરરાષ્ટ્રીય રાજકીય તંત્રો માટે ચિંતાજનક છે, પાકિસ્તાન અત્યારે ધાર પર ઊભેલો દેશ છે. ચીને પાકિસ્તાનમાં બહુ રોકાણ કર્યું છે અને એની ઊંઘ હરામ થઇ ગઇ હશે, એ ચોક્કસ. યુ.એસ.એ. દ્વારા તો ‘સેફ’ વિધાન કરાયું છે જેમાં લોકશાહી સાચવવાની વાત છે પણ અંદરખાને તો પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશની આ હાલતે યુ.એસ.એ.ની ચિંતા પણ વધારી દીધી હશે. એ ચોક્કસ. આપણે તો સાવ બાજુનો દેશ છીએ અને આપણામાંથી છૂટા પડેલા પાકિસ્તાન સાથેના આપણા સંબંધો તંગ જ રહ્યા છે. જો કે આંતરિક અંધાધૂંધીની સીધી અસર ભારત પર ત્યાં સુધી નહીં પડે, જ્યાં સુધી લાઇન ઑફ કન્ટ્રોલ પર સિઝફાયરની સ્થિતિ જળવાયેલી રહેશે. આમ આપણે કોઇ સીધી ચિંતા ન કરવી જોઇએ પણ છતાં ય સાબદા તો રહેવું જ પડે.

બાય ધી વેઃ

ઇમરાન ખાનની છબીને આ બધા કોલાહલનો ભારે ફાયદો થશે પણ આખરે પાકિસ્તાનની વાત આવે ત્યારે સૈન્ય કેવી રીતે અને શું પ્રતિભાવ આપે છે એ જ અગત્યનું હોય છે. આ તરફ પાકિસ્તાન એક દેશ કરીતે નાદારી નોંધાવી દે એ પણ એવા સમયે જ્યારે રાજકારણમાં આટલી અરાજકતા હોય. પાકિસ્તાનની સમસ્યાઓ ઉકેલવાની વાત વખારે નખાઇ છે અને કોણે પાકિસ્તાન પર રાજ્ય કરવું જોઇએ એનો સંઘર્ષ ત્યાં સંજોગો આકરા બનાવી રહ્યો છે. પાકિસ્તાન 75 વર્ષથી ગુલામી, દબાણમાં જ રહ્યો છે અને ત્યાંની પ્રજાને સૈન્યના શાસનમાંથી મુક્તિ જોઇએ છે પણ પાકિસ્તાનમાં સૈન્યની સત્તા ભૂખ કોઇનાથી ય છાની નથી. પાકિસ્તાન – એક દેશ જે સૈન્ય સાથે નથી પણ એક સૈન્ય જે દેશને માથે છે. શું પાકિસ્તાનમાં સિવિલ વૉર – આંતરવિગ્રહની સ્થિતિ સમૂળગું બધું બદલશે કે પહેલાં તારાજીના રાજ પછી કદાચ કોઇ સત્તાધીશની સાન ઠેકાણે આવશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 મે 2023

Loading

મેલી સરકાર : પ્રજાએ પ્રગટ કરેલી ઈચ્છાની વિરુદ્ધનું શાસન

રમેશ ઓઝા|Opinion - Opinion|14 May 2023

રમેશ ઓઝા

મતદાતાઓએ સ્પષ્ટ બહુમતી આપીને કોઈ પક્ષને રાજ્યમાં સરકાર રચવાનો આદેશ આપ્યો હોય એવી સરકારને હકની સરકાર કહી શકાય. એવી સરકાર જે ચોખ્ખી હોય. કેટલીકવાર મતદાતાઓ કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નથી આપતા, પણ ત્યારે જો ચૂંટણી પૂર્વે રચાયેલો મોરચો બહુમતી ધરાવતો હોય તો એવી સરકારને પણ હકની તેમ જ ચોખ્ખી સરકાર કહી શકાય. જો કોઈ પક્ષને અથવા મોરચાને જનતાએ સ્પષ્ટ બહુમતી ન આપી હોય, અથવા ચૂંટણી પૂર્વે મોરચા રચાયા જ ન હોય, તો એવા સંજોગોમાં ચૂંટણી પછી ગઠબંધન રચાતાં હોય છે. આવી ગઠબંધનની સરકાર રચવાની પ્રક્રિયા કેટલી પારદર્શક છે એના પરથી કહી શકાય કે સરકાર હકની, ચોખ્ખી છે કે નહીં. એવી સરકાર કદાચ માત્ર ટેકનિકલી બંધારણીય હોય શકે છે, નૈતિક નહીં હોય.

અને પૈસાના જોરે અન્ય પક્ષોની હકની સરકાર તોડીને, વિરોધી પક્ષમાં વિભાજન કરાવીને, વિધાનસભ્યોને ડરાવીને કે ખરીદીને, ગવર્નર અને સ્પીકરની ઓફિસનો દુરુપયોગ કરીને, ચૂંટણીપંચનું મોઢું દબાવીને, ન્યાયતંત્રમાં કેસ મહિનાઓ સુધી રખડાવીને અને મીડિયાને ખરીદીને જે સરકાર રચાય એને હકની સરકાર ન કહેવાય. ચોખ્ખીનો તો સવાલ જ નથી. એને મેલું અને હરામનું શાસન કહી શકાય. પ્રજાએ પ્રગટ કરેલી ઈચ્છાની વિરુદ્ધનું શાસન. પ્રજાને અમાન્ય શાસન. તમે આ વાત સાથે સંમંત છો? પવિત્ર હિંદુઓ જો કોઈના હરામના રૂપિયાને ગાયમાટી સમાન ગણતા હોય તો આવું શાસન ગાયમાટી સમાન ગણાવું જોઈએ કે નહીં? પણ થોભો.

ભારતમાં ૩૧ રાજ્યો છે. આ ૩૧ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષને માત્ર ત્રણ જ રાજ્યોમાં મતદાતાઓએ ચોખ્ખી બહુમતી આપી હતી અને માટે આ ત્રણ રાજ્યોની સરકારો જેને અણીશુદ્ધ ચોખ્ખી કહી શકાય એવી છે. એ ત્રણ રાજ્ય છે; ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. કર્ણાટકનાં પરિણામ શનિવારે આવી જશે. નવ રાજ્ય એવાં છે જ્યાં બી.જે.પી.ની ભાગીદારીમાં સરકાર છે અથવા સરકારમાં બી.જે.પી. ભાગીદાર છે. એ રાજ્યોમાં હરિયાણા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, પુદ્દુચેરી, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આસામમાં બી.જે.પી.ને ૧૨૬ બેઠકોમાંથી બરાબર અડધી ૬૩ બેઠકો મળી હતી અને સ્પષ્ટ બહુમતીથી માત્ર એક બેઠક દૂર હતી. બાકીનાં રાજ્યોમાં બી.જે.પી.ને બહુમતી મળી નહોતી. કેટલાંક રાજ્યોમાં ચૂંટણીપૂર્વે મોરચા રચાયા હતા અને કેટલાકમાં પાછળથી.

એ પછી આવે છે ગોવા, અત્યાર સુધી કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જ્યાં બી.જે.પી.નો પરાજય થયો હતો. બી.જે.પી.એ પ્રતિપક્ષોના વિધાનસભ્યોને ખરીદીને, ડરાવીને અને વિભાજન કરાવીને શાસન છીનવી લીધું હતું. જેમનું હકનું શાસન હતું તેમની પાસેથી શાસન છીનવી લેવા માટે ગવર્નર અને સ્પીકરની ઓફિસનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણીપંચનું મોઢું દબાવવામાં આવ્યું હતું અને ન્યાયતંત્રમાં કેસ મહિનાઓ સુધી રખડાવવામાં આવ્યા હતા. મીડિયા તો બીકાઉ છે જ. આવી સરકારને હકની સરકાર ન કહેવાય. રાજસ્થાનમાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં તેને સફળતા નહોતી મળી. તો કહેવાનું તાત્પર્ય એ કે બી.જે.પી. દેશનાં ૩૧ રાજ્યોમાંથી માત્ર ત્રણ જ રાજ્યોમાં ચોખ્ખી અને લોકમાન્ય સરકાર ધરાવે છે. ચાર રાજ્યોમાં મેલી સરકાર ધરાવે છે (જેમાંથી હવે કર્ણાટકમાં નવી ચૂંટણી થઈ.) અને બાકીનાં, મુખ્યત્વે ઇશાન ભારતનાં, રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ મહત્ત્વ નહીં ધરાવતા નાનાં રાજ્યોમાં ભાગીદારીવાળી સરકાર ધરાવે છે.

મેલી સરકાર મેલી કઈ રીતે છે એની વિગતો સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં બતાવી દીધું છે. અદાલતે કહ્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલે આગલી સરકારને તોડવામાં સક્રિયતા બતાવી હતી અને બંધારણની મર્યાદાનો લોપ કર્યો હતો. એવું જ સ્પીકરનું અને સ્પીકર તેમ જ રાજ્યપાલ એક ઇશારે કામ કરતા હતા. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે જો મહારાષ્ટ્રના એ સમયના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સામે ચાલીને રાજીનામું ન આપ્યું હોત તો તેમને ફરી સત્તાના આસને બેસાડીને ન્યાય આપી શકાયો હોત, પણ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા સુધી રાહ જોવાની જગ્યાએ તેમણે સામેથી રાજીનામું આપી દીધું એટલે ટેકનિકલી તેમને ફરી સત્તાસને ન બેસાડી શકાય. શરદ પવારે પણ હમણાં જ પ્રકાશિત થયેલી તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિમાં કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળે રાજીનામું આપવાની ભૂલ કરી હતી.

હવે કહો કે જ્યારે સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓ સર્વાનુમતે આને મેલી પ્રવૃત્તિ તરીકે ઓળખાવે એ પછી કાંઈ કહેવાનું રહે છે? ભારતીય જનતા પક્ષ દેશનાં માત્ર ત્રણ જ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથેની ચોખ્ખી સરકાર ધરાવતી હોય એને હિન્દુત્વનો દિગ્વિજય કહેવાય? આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં કર્ણાટકનાં પરિણામ આવી ગયાં હશે. વિવેક મર્યાદા છોડીને યેનકેન પ્રકારેણ સત્તા મેળવવા માટે જે ઉધામા અને ધમપછાડા કરવામાં આવે છે એની પાછળનું કારણ આ છે. દેશનાં માત્ર ત્રણ રાજ્યોમાં લોકમાન્યતા મળી છે. લોકસભાની અને કેન્દ્ર સરકારની વાત આપણે અહીં નથી કરતા. 

અહી બે સવાલ સર્વોચ્ચ અદાલતના મહારાષ્ટ્ર વિશેના ચુકાદા વિષે પણ ઉપસ્થિત થાય છે. આટલી મહત્ત્વની બાબતે ચુકાદો આપવામાં દસ મહિના કેમ લાગ્યા? અર્ણવ ગોસ્વાનીને જેલમાંથી છોડાવવા માટે અદાલત પાસે સમય હોય અને મહારાષ્ટ્રના નાગરિકોની લોકતાંત્રિક મનીષાને કોઈ અભડાવે અને માથે મેલું શાસન થોપે એની સામેની રાવ સાંભળવામાં દસ મહિના લાગે? બીજું જે બની ગયું (રાજ્યપાલના નિર્ણયો અને ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું) તેને સુધારી ન શકાય એ વાત માની, પણ બીકાઉ વિધાનસભ્યોનું સભ્યપદ તો રદ્દ થઈ શકતું હતું. સર્વોચ્ચ અદાલત મહારાષ્ટ્રના વર્તમાન શાસનને મેલું જાહેર કરે છે અને મેલા શાસનને જીવતદાન પણ આપે છે.

અયોધ્યાનો ચુકાદો યાદ છે? રામમંદિર તોડીને બાબરે કે તેના કોઈ સૈનિકે તે જગ્યાએ મસ્જીદ બંધાવી હોવાના કોઈ પૂરાવા નથી, પણ એ મસ્જીદની જગ્યાએ હવે મંદિર બનશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 મે 2023

Loading

...102030...1,0071,0081,0091,010...1,0201,0301,040...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved