Opinion Magazine
Number of visits: 9742885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 September 2023

રવીન્દ્ર પારેખ

એક ગીતની પંક્તિ છે : ‘તેરે બચપન કો જવાની કી દુઆ દેતી હૂં ….’ મા તેનાં નાનકડા દીકરાને કહે છે કે આજે તો તારું બાળપણ છે, પણ યુવાની સુધી તું પહોંચશે કે કેમ, તે નથી જાણતી, એટલે તારાં બાળપણમાં જ તને યુવાનીની દુઆ આપું છું. એક મા આવું કહે છે, કારણ કે તે ડાકુને પરણી છે. એનો પતિ ગમે ત્યારે પોલીસનો શિકાર થવાનો છે. એ પછી દુનિયા, આ નિર્દોષ ને અજાણ બાળક સાથે કેવી રીતે વર્તશે એની ચિંતા છે. બને કે દુનિયા બાળકને કદાચ મોટો પણ નહીં થવા દે એવી માતાને દહેશત છે. સાહિર લુધિયાનવીનું એ હૃદયસ્પર્શી ગીત છે. જયદેવનું સંગીત છે ને પડદા પર ગવાય છે, વહીદા રહેમાન દ્વારા. દીકરાના ભવિષ્યની જે ફાળ પડે છે ને તેને એ જે રીતે અભિવ્યક્ત કરે છે તેને શબ્દો આપવાનું અઘરું છે. ફિલ્મ હતી ‘મુઝે જીને દો.’ સુનિલ દત્તની ‘અજંતા આર્ટ્સ’ની એ ફિલ્મ !

એ જ પ્રોડક્શન હાઉસની બીજી એક ફિલ્મ તે સુનિલ દત્ત અભિનીત-દિગ્દર્શિત ‘રેશ્મા ઔર શેરા.’ એ ફિલ્મ માટે વહીદા રહેમાનને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આખી ફિલ્મમાં કુટુંબ કબીલાઓની રાજપૂતી શત્રુતા માટે આન-બાન ને શાન જાળવતી પરિપક્વ પ્રેમિકાની ભૂમિકા વહીદાએ જીવ રેડીને ભજવી હતી. ભાઈના મોતનો બદલો, શત્રુ / પ્રેમીના મોતથી લેવાની વાત આવે છે, ત્યારે અનેક પુરુષોની વચ્ચે એ સંતાપે છે. કબીલાઓ વચ્ચે ચાલતી શત્રુતામાં એ સ્થિતિ આવે છે કે પોતાનાં પ્રેમીને મારીને ભાઈની હત્યાનો બદલો લઈ શકે, પણ એટલી ગૂંચવાય છે કે કહે છે, ’કિસ સે બદલા લૂં? કિસ કિસ સે બદલા લૂં? કૌન મેરા દુ:શ્મન હૈ? કૌન મેરા દુ:શ્મન નહીં હૈ? મૈં સ્ત્રી જાત હૂં. જનમસે મેરા નસીબ હી મેરા દુ:શ્મન હૈ.’ જે રીતે વ્યથાથી ઘૂંટાઈને એ સંવાદો બોલે છે તે તેને શ્રેષ્ઠ અભિનેત્રી પુરવાર કરે છે. એ જ રેશ્મા શત્રુતા સંદર્ભે સરસ વાત કરે છે, ‘વિરોધ સે કભી વિરોધ નહીં મિટ સકતા.’ અભિનય એવી રીતે કરે છે કે એ વહીદા રહેતી જ નથી, રણની રેશ્મા જ થઈ ઊઠે છે.

અસિત સેનની ફિલ્મ ‘ખામોશી’ એક નર્સની વાત લઈને આવે છે. દર્દીને સારો કરવામાં, તેનું દર્દ, નર્સનું પોતાનું દર્દ થઈ ઊઠે ત્યારે પણ તેણે તો ખામોશ જ રહેવું પડે છે એ વાત, વહીદા રહેમાને તંતોતંત પ્રગટ કરી છે. નર્સની ભૂમિકા એટલી અસરકારક છે કે નર્સ જ વહીદા રહેમાન બની હોય એમ લાગે. વહીદા રહેમાનની ખાસિયત એ છે કે એ એક્ટિંગ નથી કરતી. ફિલ્મમાં છેલ્લે કહે પણ છે કે પાગલ દર્દીઓને સારા કરવામાં તેણે એક્ટિંગ જ કરવાની હતી, પણ ન કરી શકી, ‘મૈં એક્ટિંગ નહીં કર સકતી.’ દર્દીઓ જોડે સાચુકલી રીતે વર્તવા જતાં, એમના દુ:ખ વેઠતી થાય છે ને પોતે જ પાગલ થઈ જાય છે. તેણે એક્ટિંગ કરી જ નહીં ને છતાં વર્ષો સુધી વહીદા રહેમાન ગંભીર અને નામી એક્ટ્રેસ ને ડાન્સર તરીકે, હિન્દી ફિલ્મ જગત પર છવાયેલી રહી. આજે 85 વર્ષે પણ તે તેની લોનમાં ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ …’ પર પૂરી ભાવ-મુદ્રાઓ સાથે ડાન્સ કરતી દેખાય છે તો ભાગ્યે જ કોઈ અભિભૂત થયા વગર રહે એમ બને.

એવી જ એક ઓછી જાણીતી ફિલ્મ રાજેન્દર સિંહ બેદીની ‘ફાગુન’ હતી. 1973ની આ ફિલ્મમાં પતિના વિરહમાં જિંદગી કાઢી નાખનાર એક સ્ત્રીની બહુ અટપટી ભૂમિકા હતી. પતિ (ધર્મેન્દ્ર) છોડી ગયો છે ને દીકરી(જયા ભાદુરી)ને ઉછેરીને વહીદા મોટી કરે છે. એ પણ પરણે છે ને સાસુ જમાઈમાં દીકરો જુએ છે. તે સાથે જ જે, જે કાળજી પતિની રાખવાની રહી ગયેલી તે જમાઈ માટે રખાય છે ને જમાઈને એવું લાગે છે કે પોતાની પત્નીએ કરવાનાં કામ સાસુ જ અગાઉથી કરી લે છે. સાસુનો હેતુ તો કાળજી લેવાનો, ચિંતા કરવાનો જ હતો, પણ જમાઈ એક દિવસ ખીજવાઈને પત્નીને કહી દે છે, ‘તને પતિની નહીં, પિતાની જરૂર છે.’ જમાઈ, પતિ વગરની વિરહિણી સાસુને સમજી નથી શકતો ને સંઘર્ષ એમાંથી થાય છે. પત્ની અને સાસુની ભૂમિકાને વહીદાએ એટલી સમજદારીથી ભજવેલી કે કુશળ અભિનેત્રી ન હોય તો એ જે તે ભૂમિકાને ન્યાય ન કરી શકે.

વહીદાએ પડકાર જનક ભૂમિકાઓ ઘણી કરી છે. એ ભૂમિકાઓ એ જીવી છે, એટલે એમાં એક્ટિંગ બહુ જણાઈ નથી. ‘ગાઈડ’માં મૂંગી મૂર્તિઓ વચ્ચે, વહીદા પોતાને મૂર્તિ બનાવી રાખનાર પતિનો આક્રોશ સાથે વિરોધ કરે છે, ત્યારે બધી મૂર્તિઓ તેનાં આર્તનાદથી પડઘાઈ ઊઠે છે. ‘ગાઈડ’નાં જ એક ગીત ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઈરાદા હૈ ..’માં વહીદા, ‘રોઝી’ જ થઈ ઊઠે છે. અહીં ‘ફિર’નો જે અર્થ કિલ્લાની રાંગ પર દોડતાં દોડતાં એ પ્રગટ કરે છે, એ ગીતને એકદમ ધબકતું કરી મૂકે છે. ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’માં અગાઉ જે મૃત્યુ જેવું જીવન હતું, તેને વિકલ્પે આજનો સૂરજ ઉમંગ લઈને આવ્યો છે તો ગાય છે, ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ …’ ને આવું ધબકતું જીવન આવતું હોય તો આજે જ ફરી મરી જવાનો ય વાંધો નથી, એટલે જ કહે છે, ‘આજ ફિર મરને કા ઈરાદા હૈ …’ પૂર્વ પતિના ત્રાસમાંથી મુક્ત થયેલી રોઝી, રાજુ ગાઈડને ચાહે છે, પણ કપટ તો અહીં પણ છે. એટલે જ ‘પિયા તો સે નૈના લાગે રે …’ ગાનારી રોઝીએ ‘મોસે છલ કિયે જાય … સૈયાં બેઈમાન …’ની પીડા પણ ગાવાની થાય છે. બંને ગીતોમાં વહીદાને શાસ્ત્રીય નૃત્યની તાલીમ બહુ મદદમાં આવી હતી. આમ પણ તે કુશળ ડાન્સર તો હતી જ. એ કળા પારખીને જ ગુરુદત્તે ‘સી.આઇ.ડી.’ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. ગાડી બગડવાથી ગુરુદત્તે હૈદરાબાદ રોકાઈ જવું પડ્યું ને અહીં વહીદાનો ડાન્સ જોવાનો થયો ને એમ ‘સી.આઇ.ડી.’ બોલીવુડની પહેલી ફિલ્મ વહીદાને મળી. આમ તો ડેબ્યૂ 1955માં તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’થી થયેલું.

જોવાની ખૂબી એ છે કે ત્યારે કેમેરા ફેસ કરવાની કે ભાવ પરિવર્તનની કોઈ આવડત વહીદામાં ન હતી, પણ દરેક ફ્રેમમાં તે પરફેક્ટ હતી. તે પરિપૂર્ણ અભિનેત્રી હતી. અભિનય તે કરતી ગઈ અને વિકસી એવું ન હતું, તે શરૂથી જ વિકસેલી હતી. આવી જીવનથી છલોછલ અભિનેત્રીને 2021નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 26 સપ્ટેમ્બર, 2023ને રોજ જાહેર થયો ને યોગાનુયોગ દેવાનંદની એ દિવસે 100મી વર્ષગાંઠ પણ હતી. દેવાનંદની શતાબ્દીની શરૂઆતે જ વહીદાને આ એવોર્ડ મળ્યો ને સોનામાં સુગંધ ભળવા જેવું થયું. દેવાનંદ સાથે જ પહેલી ફિલ્મ ‘સી.આઇ.ડી.’ કરેલી ને તે પછી તો ‘ગાઈડ’ જેવી નોંધપાત્ર ફિલ્મમાં પણ બંને સાથે આવ્યાં. ગુરુદત્ત સાથે પણ ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ ‘સાહબ, બીવી ઔર ગુલામ’, ‘ચૌદહવી કા ચાંદ’ જેવી ફિલ્મો કરી. જાણે શરૂઆત જ ક્લાસિક ફિલ્મોથી થઈ ! પછી તો ચરિત્ર અભિનેત્રી તરીકેના પણ ઘણા રોલ બહુ કુશળતાથી પાર પડ્યા. ‘કભી કભી’, ‘ત્રિશૂલ’, ‘મશાલ’, ‘લમ્હે’, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી 6’ ‘વિશ્વરૂપમ 2’ જેવી ફિલ્મોનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે. 2021માં જ છેલ્લે નેટફલિકસની ફિલ્મ ‘સ્કેટર ગર્લ’માં પણ વહીદાએ અભિનય કર્યો છે, એ જોતાં તેની ફિલ્મોની સંખ્યા 90ની થવા જાય છે. દિલીપકુમાર, મનોજકુમાર, રાજકુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના જેવા ઘણા કલાકારો સાથે વહીદાએ જુદી જુદી ભૂમિકાઓ ભજવી છે, પણ ગરિમાથી ઓછું વહીદાને કૈં ખપ્યું નથી તે ખાસ નોંધવું ઘટે. એ જ કારણે કદાચ એ પદ્મશ્રી (1972) અને પદ્મવિભૂષણ (2011) સન્માનને પાત્ર પણ ઠરી છે. 1965માં ‘ગાઈડ’ અને 1968માં ‘નીલકમલ’ માં ફિલ્મફેર એવોર્ડ પણ તેને મળ્યા છે.

વહીદાનો જન્મ 3 ફેબ્રુઆરી, 1938ને રોજ મદ્રાસના ચેંગલપેટ ખાતે થયેલો. તેની જિંદગી વિષે બહુ વિગતો નથી. તેનાં લગ્ન 1974માં શશી રેખી સાથે થયેલાં. તેમણે બંનેએ ફિલ્મ ‘શગૂન’માં સાથે કામ કરેલું. તેનાં બે સંતાનો સોહેલ અને કેશવી લેખન સાથે સંકળાયેલાં છે. 2000માં પતિનું મૃત્યુ થતાં બેંગ્લુરુથી વસવાટ ફરી મુંબઇમાં થયો. આ સિવાય અભિનય અને નૃત્ય જ તેનું જીવન રહ્યું છે. દેખીતું છે કે તે ફિલ્મ ક્ષેત્રનાં સર્વોચ્ચ સન્માનોથી ઉમળકાભેર પોંખાય, એટલે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત 26મી સપ્ટેમ્બરે કરે એમાં પૂરું ઔચિત્ય છે. અત્યાર સુધીમાં આ એવોર્ડ સાત મહિલાઓને મળ્યો છે. એવોર્ડની શરૂઆત 1969થી થઈ અને પહેલો જ એવોર્ડ દેવિકા રાનીને એનાયત થયો. તે પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને એ એનાયત થયો. 2020માં આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો. વહીદા રહેમાનને પણ એવોર્ડમાં સુવર્ણ કમળ, દસ લાખ રૂપિયા, પ્રમાણપત્ર, રેશમી તકતી અને શાલ અર્પણ થશે. વહીદા રહેમાનને અઢળક અભિનંદનો અને વંદનો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 સપ્ટેમ્બર 2023

Loading

સનાતનને નામે ધ્રુવીકરણનો ઉધમાત : ભારતના આત્મા પર કુઠારાઘાત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 September 2023

 થોડું, ગાંધીજયંતીના પૂર્વસપ્તાહે

હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી. 

પ્રકાશ ન. શાહ

ગયે અઠવાડિયે 1974-1977ના આંદોલનકાળના જયપ્રકાશ નારાયણના તરુણ આત્મીય કુમાર પ્રશાંતની પરિકલ્પના પ્રમાણની ગાંધી વાટિકા(મ્યુઝિયમ)નું જયપુરમાં ઉદ્ઘાટન થયું ત્યારે કંઈક વ્યક્ત, કંઈક અવ્યક્ત, કંઈક પરિભાષિત, કંઈક અપરિભાષિત એમ લાગણી જોવા મળી હતી. બુઝુર્ગ ગાંધીજન રામચંદ્ર રાહીએ એને વાચા આપતા હોય તેમ કહ્યું હતું કે, દેશમાં ઠેકઠેકાણે ગાંધી સંસ્થાઓનો કબજો લેવાની સરકારી ચેષ્ટા સામે આ વાટિકા ભલે રાજ્ય સરકારના સમર્થનથી પણ એક વિરલ વળતો યોગ રચે છે. વિધ્વંસના વિકલ્પે નિર્માણનું આ એક નવ્ય કથાનક ઉભરી રહ્યું છે.

વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.

ચાલુ ચૂંટણીઓમાં, મધ્ય પ્રદેશ વિધાનસભામાં બ્યુગલ બજવા લાગ્યું છે કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં તરતના મહિનાઓમાં જે જંગ જામવાનો છે એમાં ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા સૂત્રોથી અગર તો ‘સનાતન ધર્મ ખતરામાં છે’ પ્રકારના નારાથી ઊભા કરાઈ રહેલા માયાવી કથાનક સામે કશીક સભાનતાની જરૂરત નિઃશંક છે. મધ્ય પ્રદેશમાં ભા.જ.પ. કાર્યકરોની જંગી ચૂંટણી તૈયારી રેલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ પોતાના પક્ષની પ્રદેશ સરકારની વાસ્તવિક કામગીરીનો હિસાબ આપવાને બદલે કથિત રાષ્ટ્રીય અને તે પણ ભળતાસળતા મુદ્દાઓ ઉછાળવાનો રાહ લીધો છે. પ્રદેશના વિકાસ વાસ્તેનો વિગત વિશદ ‘ઇન્ડિયા’ના પ્રાસમાં ‘ઘમંડિયા’ની શબ્દલીલાથી માંડી ‘અર્બન નક્સલ’ જેવા જાથુકી વાનાં ઉપરાંત વિપક્ષ ‘સનાતન ધર્મવિરોધી’ હોવાનો મુદ્દોયે ઉછાળ્યો છે. સનાતનીઓ વિ. બીજાઓ એ આપણો 19મી સદીનો દ્વંદ્વ વારસો છે. આ બીજાઓમાં સેક્યુલર લિબરલો હશે તેમ પરમ ધાર્મિક ગાંધી પણ હતા. ગાંધીની ધર્મની સમજ (વિવેકાનંદની અને ઉત્તર શ્રીઅરવિંદની પણ) સાંકડી સાંપ્રદાયિક ને ખાસ તો રૂઢિચુસ્ત નહોતી. હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી.

પહેલાં શિરોમણિ અકાલી દળ જેવા એન.ડી.એ.ના આદ્ય સ્થાપક સભ્યે છેડો ફાડ્યો, પછી મહારાષ્ટ્રમાં શિવ સેના ખસી અને હવે તામિલનાડુમાં એ.આઈ.એ.ડી.એમ.કે. ખસ્યાના સમાચાર આવે છે. આ સંજોગોમાં પોતાની તરફે મતોની ગોલબંદ કરવા શું કરવું એની લાયમાં ભા.જ.પે. હમણાં સનાતન ધર્મનો મુદ્દો પકડવા ચાલ્યું છે. 19મી સદીના છેલ્લા ચરણ અને 20મી સદીના બેસતા ચરણનો ખયાલ કરીએ તો, મૂળે તો, દયાનંદ અને આર્ય સમાજની સુધાર હિલચાલની સામે (જેમાં અંત્યજશુદ્ધિનો પણ સમાવેશ થતો હતો, એની સામે) ‘સનાતન’, ‘સનાતન’નો પોકાર ઊઠ્યો હતો. ભા.જ.પ. હિંદુત્વરાજનીતિવશ ચાલુ કે નવા કથાનકની વાયમાં શેને માંજો પાઈ રહ્યો છે તે એને સમજાય છે ?

આરંભ ગાંધીથી કર્યો હતો. કદાચ, વાતનો બંધ પણ ત્યાંથી જ વાળીએ તો ગાંધી જયંતીના પૂર્વસપ્તાહે ઠીક રહેશે. ગાંધીના બે આજીવન જેવા ટીકાકારો, આંબેડકર અને પેરિયારે ગાંધીની ચિરવિદાય પછીના ગાળામાં એમને વિશે પુનર્વિચાર અને આદરભેર જે કહ્યું છે એ જોતાં જે સમજાય છે તે એ કે આ પરમ આસ્તિક, પરમ ધાર્મિક પ્રતિભા ધર્મના હાર્દને પામવાને ધોરણે વિકસિત માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી. એક તબક્કે આંબેડકરે દલિત ઉત્કર્ષ માટે નિધિ ઊભો કરી એની સાથે ગાંધીનું નામ જોડવા કહ્યું હતું કેમ કે એને સારું દલિતો ‘ડિયરેસ્ટ’ અને ‘નિયરેસ્ટ’ હતા. પેરિયારે વળી હિંદને ‘ગાંધીદેશમ્‌’ કહેવા સૂચવ્યું હતું. હાલ તો ધર્મને નામે ધ્રુવીકરણનો ઉધમાત છોડીએ એ ય ઘણું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 સપ્ટેમ્બર 2023

Loading

આપણી ખેડૂતોની ‘દોડ’ ખોટી નહીં – ‘દિશા’ ખોટી છે !

હીરજી ભીંગરાડિયા|Opinion - Opinion|28 September 2023

હીરજીભાઈ ભીંગરાડિયા

ભારે ઝડપથી દોડી રહેલા એક મુસાફરે રસ્તાની બાજુ પરના ઝાડ નીચે બેઠેલા માણસને પૂછ્યું: ભાઈ ! હું દિલ્હી ક્યારે પહોંચીશ? ક્યારે ય નહીં ! એને જવાબ મળ્યો.

હેં ! આટલી બધી ઝડપે દોડી રહ્યો છું, છતાં ? મુસાફરે પ્રશ્ન કર્યો. – હા ! ગમ્મે તેટલી ઝડપ હોવા છતાંયે ! કારણ કે તમે જે દિશામાં દોડી રહ્યા છો, તે દિશા તો મુંબઈ બાજુની છે. જેટલી ઝડપથી દોડશો, એટલા દિલ્હીથી વધારે દૂર થતા જશો.

તો દિલ્હી પહોંચવું શી રીતે ? મુસાફરને વાત સમજાતી નહોતી.

તમે અત્યારે જે દિશામાં દોડી રહ્યા છો, ત્યાંથી અટકી જઈ, એનાથી ઊલટી ઊંધી દિશામાં; દોડશો નહીં – માત્ર ઉતાવળી હાલ્યે હાલવા માંડશો તો પણ દિલ્હી પહોંચી જશો, કારણ કે એ દિશા દિલ્હીની છે.

મિત્રો ! દોડવાની ઝડપ માત્રથી મંઝિલે પહોંચાતું નથી. દિશાનો સાચો ખ્યાલ હોવો પણ એટલો જ જરૂરી છે. ઘણી વાર આપણી દોડ ખોટી નહીં, દિશા ખોટી હોય છે.

અન્ય વિષયોની જેમ કૃષિમાં પણ વિજ્ઞાન સૂર્યકિરણ જેવી વેગીલી ઝડપે આગળ વધી રહ્યું છે. હા, એક જમાનો હતો કે જ્યારે ખેડૂતને મન એનું ‘ખેતર’ એ જ એની દુનિયા હતી. મારી જ વાત કરું તો પડામાં દૂર પાણી વાળતો હોઉં અને કૂવા પર ચાલતા ઓઇલ એંજિનનો પટ્ટો તૂટી જાય, ને મશીન ઉતાવળી ઝડપે ભાગવા માંડે ત્યારે, તેમાં નુકશાન ન થઈ બેસે માટે, જલદી જલદી બંધ કરવા કેટલીયે વાર હડી કાઢીને દોડવું પડતું. જ્યારે આજે ? આજે પોતાના ખિસ્સા માંહ્યલા મોબાઇલથી ઘેર બેઠા બેઠા વાડીની સબમર્શીબલ ચાલુ-બંધ કરી શકાય છે, મિત્રો !

ખેતીના આધુનિક વિજ્ઞાને નવાં સંશોધનો, નવાં બિયારણો, નવી ટેક્નોલોજી, નવાં સાધનો અને ચીજ-વસ્તુઓ વગેરે ખૂબ તરતાં મૂક્યાં છે. એ બધાંનો વિવેકસભર ઉપયોગ થાય તો બદલો મળે ઉત્તમ ! પણ એનો અવળી દિશાનો એટલે કે ગેરઉપયોગ થાય તો ?

આપણને કૃષિના વિજ્ઞાને જણાવ્યું જ છે કે નવાં બિયારણો પાસેથી વધુ ઉત્પાદન લેવું હોય તો તેને ખાવા-પીવા વધુ આપવું પડશે, અને એનું સંરક્ષણ પણ ખેડૂતોએ જ કરવું પડશે આપણે એ આદેશને માથે ચડાવી, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરીએ, તો એ કંઈ ગેરવાજબી પ્રયત્નો નથી. પ્રયત્નો સાચા જ હોવા છતાં – તમે વિચારજો ! મંઝિલે પહોંચવાના રસ્તાની પસંદગી તો આપણા જ હાથમાં છે. કોઈ થોડો લાંબો, ધીરજ રાખી, જોઈ જોઈ ડગ માંડીએ તો વિના વિઘ્ને, સલામત રીતે મંઝિલે ચોક્કસ પહોંચાડવાની ખાતરી આપનારો હોય છે. તો કોઈ હોય, ટૂંકો અને વિઘ્નોથી ભરેલો, રસ્તામાં ક્યાં આંટવી દે તેનીયે ખબર નહીં તેવો, અને નક્કી નહીં કે તે મંઝિલે પહોંચાડશે કે નહીં તેવી ખાતરી વગરનો ! રસ્તો ક્યો પસંદ કરવો તે મુસાફરની મનસૂફી, બુદ્ધિ વિચારશક્તિ અને માનસિકતા પર આધારિત હોય છે.

‘પાક સંરક્ષણ’ મુદ્દો મહત્ત્વનો છે.  પાકસંરક્ષણનાં પગલાં ખેડૂતે લેવાં જ પડે, એ વાત સાચી. પણ  ઝેરીલી દવાઓના છંટકાવ પાછળ ગાંડા થઈને લાગી પડવું, એ સદંતર અવળો રસ્તો છે.

અમારા કૃષિ મંડળની મિટિંગમાં સીતાપરના ખેડૂતે વાત કરી કે અમારા ગામમાં એક ભાઈની ૯૧,૦૦૦ રૂપિયામાં લીધેલી ભેંશ માત્ર વાડીની નીરણ ખાવાને કારણે મરી ગઈ. અને પંદર દિવસ પછી ઉત્તમ એવી દૂઝણી ગાય પણ એ જ કારણે મરી ગઈ. અમે એ ખેડૂતને કહેતા હતા કે ભાઈ ! આટલી બધી દવા નો છંટાય! પણ માને ઈ બીજા ! એની વાડીમાં પાક ગમે તે હોય, પાકને સંરક્ષણની જરૂર હોય કે ન હોય, દવા તો બસ, જાણે એગ્રોની દુકાન એના ઘરની હોય એમ, દવા બાબતે એકેય પાક બાકી નહીં ! પછી તે કપાસ હોય કે કારેલી, અરે ! જુવાર, મકાઈ, ઘઉં, ટમેટી, રીંગણી, મરચી, શક્કરિયાં સુધ્ધાંમાં એને દવા છાંટતાં અમે ભાળ્યો છે. એ ભેંશ અને ગાય મરવા પડ્યાં ત્યારે બન્ને વખતે ડોક્ટરને બોલાવેલા. ડોક્ટરે પણ એવું જ નિદાન કરેલું કે ખાવામાં કંઈક ઝેરી પદાર્થ આવી ગયો છે. અમને તો પાક્કું જ હતું કે રજકામાં જે દવા ધાબડ્યે રાખે છે, તેનું જ આ પરિણામ છે. અરે, હીરજીભાઈ ! એ ખેડૂતના પંડ્યનું, એની ઘરવાળીનું, એનાં છોકરાંઓનું, એનાં ઢાંઢાનું, એના કૂતરાનું કે એની જમીનનું, એની વાડીમાં પાકેલ કોઈપણ પેદાશની-કોઈપણની લેબોરેટ્રી-તપાસ કરાવશો તો દરેકમાં ઝેરની બહુબધી ટકાવારી ન દેખાય તો તમે કહો ઈ હું હારી જાઉં, બોલો ! આ ઉત્પાદનલક્ષી દોટને આપણે કઈ દિશાની ગણશું, તમે જ કહો !

આમાં જેમ ગાય-ભેંશનાં અકાળે મૃત્યુ થયાં તેમ જ અન્યોની તો વાત કોરાણે રહી, પણ પહેલાં ખેડૂત કુટુંબનો સ્વયંનો જ ખો નીકળી જવાનો ! આ રસ્તો મૉતની મંઝિલનો છે. પાછું વાળી જોઈ, આગળ વધતાં અટકી, સાચી દિશા પકડવી છે કે મૉતના માર્ગે જ હડી કાઢતાં રહેવું છે ?

અમારા જૂના ગામ ચોસલામાં હિંમતભાઈ મારા મિત્ર છે. હમણાં એક દિ’ ઓચિંતાના ભેળા થઈ જતાં મેં પૂછ્યું : આગોતરો કપાસ કેટલો ઉગાડ્યો ? તો કહે ઈ ધંધો હવે કર્યા જેવો નથી. મેં પૂછ્યું કેમ કેમ ! દારમાં પાણી તો ઘણું છે ને ? તો પછી કેમ આવી વાત કરે છે ?  તે કહે – ત્રણેક વરહ ઈ પાણી બહુ પાયું. પણ હવે નીમ લીધું છે કે ના છૂટકે જ એનો ઉપયોગ કરવો …. પણ એનું કારણ શું ? મેં પૂછપરછ ચાલુ રાખી.

તો કહે : ઈ દારનું પાણી હવે પાવાથી કપાસ-જુવાર બધું ઊગી તો જાય છે, પણ પછી મોલાત સાવ હોણ્ય વગરની – ઠોઠડી થઈને પડી રહે છે. ગમે તેટલાં પાણી પાઈએ પણ વધવાને બદલે ઊલટાનો ભોંયમાં ગરતો જાય છે.

એની વાત સાચી હતી. દારનું પાણી નબળું હોવાથી બે-ત્રણ વરસ ઠીક ચાલેલું. પણ ચોથા વરસે સરવાળે એનું પોત પ્રકાશ્યું. તમે જ વિચારો, જે પાણી આપણે ન પી શકીએ, ઢોરાં ન પીવે, તે પાણી કંઈ જમીન ઉપર રેલાવીને મોલને પવાય ? એ બોલીને નહીં, કરમાઈ જઈને જવાબ આપે છે. વધારે ઉત્પાદન મેળવવા પાકને પિયત દેવાની ના નથી, પણ જમીન અંદરના સૂક્ષ્મજીવોને, જમીનના બંધારણને, જમીનના ગુણધર્મોને, ઉત્પાદકતાને અને ફળદ્રૂપતાને નષ્ટ કરી મેલે તેવા પ્રવાહી તો ન જ પવાય ને ?

સાચી દિશા પકડી છે મારા મિત્ર અને કૃષિ વિકાસ મંડળના ખેડૂત મહેંદ્રભાઈ ગોટીએ. જેના કૂવામાં ઉનાળો હોય એટલે પાણી હોય છે માત્ર ૧૦ મિનિટ મોટર હાલે એટલું જ, પણ હોય છે મીઠાં ટોપરાં જેવું. એણે કૃષિના નવા વિજ્ઞાનની ભેર લઈ, દસે વિઘાની વાડીમાં ટપક પદ્ધતિ ગોઠવી દીધી છે. અને કપાસ, શાકભાજી અને લીલા ચારાના પાકો પકાવી પૂરતું અને સંતોષકારક ઉત્પાદન લઈ રહ્યા છે.

આપણી વાડીના પાકો પાસેથી ધાર્યું ઉત્પાદન લેવા પોષણ પૂરું પાડવું જ પડે. પણ એ ખોરાકી તત્ત્વો રાસાયણિક ખાતરો મારફતે આપવાં તે ઝેરનાં પારખાં છે. તેના અન્ય વિકલ્પો છે જ. રાસાયાણિક ખાતરોથી છોડવાને પોષકતત્ત્વો જરૂરથી મળે છે, પણ એ બધાં રાસાયાણિક ખાતરો જમીન પર એની કેટલી અને કેવી આડ અસર મૂકી જાય છે તેનો અભ્યાસ કર્યો છે આપણે કોઈ ખેડૂતે ? જમીન એ યુજ એન્ડ થ્રો જેવું પાત્ર નથી કે એક વખત ઉપયોગ કરીને ફેંકી દઈએ. જમીન તો પેઢીઓ પર્યંત રળવાનું અક્ષયપાત્ર છે ! તે એવું ને એવું ચોખ્ખું અને ઉપજાઉ કાયમ ખાતે રહે તે જોવાની ફરજ આપણી ખેડૂતોની હોય કે ન હોય ? આપણા દીકરાના દીકરાને ‘હીયર ઇજ ધ ફાર્મ, બટ વ્હેર ઇજ ધ સોઇલ?’ એવો પ્રશ્ન કરવાનો મોકો ન આપવો હોય તો રાસાયાણિક ખાતરો વાપરવામાં વિવેક રાખતાં થવું જોઈશે. નિર્દોષ અને છોડને જરૂરી પોષણ પૂરું પાડી શકે તેવા – ખાતર તરીકે વાપરી શકાય તેવા પદાર્થો પ્રકૃતિએ પાર વિનાના ધર્યા છે આ પૃથ્વી પર. એનો અભ્યાસ અને એ માટેના ઘટતા પ્રયત્નો કરી, ઉત્પાદનની દોટ લગાવવી તે સાચી દિશાનો પ્રયત્ન ગણાય, મિત્રો !

પંચવટી બાગની બાજુમાંથી વહી રહેલી ‘કાળુભાર’ અને ‘સીતાપરી’ બન્ને નદીઓમાં વહે તો છે પાણી જ ! પણ પાણીએ પાણીએ સો-છનો ફેર છે ભાઈઓ ! સીતાપરીનું પાણી સારું અને મીઠું – પીવાલાયક, જ્યારે કાળુભારનું નબળું. અભ્યાસ કરતા જાણવા મળ્યું કે સીતાપરીનું મથાળું છે ટૂંકું. અને કાંઠાનાં ગામડાંઓ પ્રમાણમાં છે મધ્યમ સ્થિતિવાળાં. એટલે જમીનમાં ઉમેરાતાં રાસાયાણિક ખાતરો અને ઝેરીલી દવાઓ વાપરવાનું પ્રમાણ રહે છે ઘણું ઓછું. એટલે એ બધી જમીનોમાંથી નિતરાણ થઈ આવતું પાણી બગડવામાંથી બચ્યું છે. જ્યારે કાળુભારનું મથાળું છે લાંબું, અને એના કાંઠે વસેલાં ગામડાંઓ છે વધુ ત્રેવડવાળાં. પરિણામે વધુ રાસાયાણિક ખાતર અને વધુ ઝેરીલી દવાઓના વપરાશના હિસાબે એ નદીનું પાણી વધુ બગડ્યું છે. કુદરતી સંપદા જેવી નદીઓના પ્રવાહ પણ બગાડી મૂકે એવી ખેડૂતોની આ દોટને કેવી ગણશું કહો !

ઘઉં સંશોધન કેંદ્ર લોકભારતી સણોસરાની મુલાકાતે ગયો હતો. વિવિધ લક્ષણો દેખાડતી વેરાયટીઓનો કોઈ પાર નહોતો ! એની ફૂટ્ય, પાનની છટા, એનો ઘેરો લીલો રંગ, ઊભવાની અદા અને માપસરની ઊંચાઈ – બધી રીતે જે વેરાયટી ગમી ગઈ, તેને દરેક રેપ્લીકેશનમાં જોઈ લેવાનો લોભ લાગ્યો. બીજી, ત્રીજી રેપ્લીકેશન પછીની ચોથી રેપ્લીકેશનમાં આ વેરાયટીનો પ્લોટ નબળો ભાળી મેં સંશોધન વિજ્ઞાની દેવદાસભાઈને પૂછ્યું કે આનું કારણ શું ? જમીન, માવજત બધું સરખું હોવા છતાં અહીં આવું કેમ ? તો કહે, હીરજીભાઈ ! આ જગ્યાએ ધરોનું ગૂંડું હતું, એને બાળવા અમે નિંદણનાશક દવાનો છંટકાવ કર્યો હતો. 

આજ આપણે ખેડૂતો જીરુમાં, જુવારમાં, રજકામાં, અરે ! કપાસ સુધ્ધાંમાં મજૂરી બચાવવા પાક વાવતાં પહેલાં, કે વાવીને પછી, ખેડૂતો નિંદણનાશક દવાઓ છાંટવા માંડ્યા છીએ. જતે દા’ડે એ શું જમીનને નડ્યા વિના રહેવાની છે ?

અરે ! હવે તો રાઉંડઅપ રેડી બી.ટી.ની જાતો એવી આવી રહી છે કે કપાસ, મગફળી, મકાઈ, તુવેર, સોયાબીન વગેરેમાં છાંટીએ એટલે એ મુખ્યપાક સિવાયના કોઈ છોડ ઊગે જ નહીં ! અરે,  ભલા ! આ અખતરો કરવા જેવો નથી. આ દોટ અવળી દિશાની છે. બિયારણ સંબંધેની સંપૂર્ણ પરતંત્રતા અને વનસ્પતિ જગતમાં વિવિધતાનો નાશ નોતરનારું આ અભિયાન આપણોયે નાશ નોતરીને જ રહેશે, ભાઈઓ

ગાય-ભેંશ જેવાં દૂઝણાંઓમાં સ્વેચ્છાએ પારહો ન વાળતાં જાનવરને પરાણે પારહો વળાવવા હોર્મોંસનાં ઇંજેકશનો આપે છે. ડૉક્ટરો તો આના ઉપયોગની ના કહે છે. પણ આપણે તો પરાણે દૂધ મેળવવાની લ્હાયમાં એનો ઉપયોગ કર્યા જ કરીએ છીએ. એ ઇંજેક્શન દીધા પછી જાનવરને શું થાય છે, એની ખબર છે ? એને પ્રસૂતિ વખતની વેદના જેવી વેદના ઊપડે છે, અને જાનવર માનસિક રીતે ઢીલું પડી જાય છે, અને આંચળનાં બંધ ઢીલાં થઈ જાય છે. ભગવાન જાણે એના શરીરમાં બીજી કેટલી ય આડ અસરો ઊભી થતી હશે, એની ચિંતા કરવાનું આપણે તો છોડી દીધું છે ખરું ને !

અલીબાબાની વાર્તા समसम खूल जा, समसम बंध हो जा ! જેમ ચાંપ દબાવતાં સઘળાં કામો યંત્રોથી થવા માંડ્યાં છે. એટલે શરીરશ્રમ પ્રત્યે સૂગ દાખલ થઈ. પહેલાં બે-ચાર બળદ અને  ત્રણ-ચાર દૂઝણાં એ ખેડૂતના ઘરની શોભા ગણાતી. આજે ? ઘણાં ઘરોમાં તો બાંડી બકરી ય જોવા મળતી નથી. ખેતીપાક દ્વારા નીકળતી આડપેદાશ ખાઈ દૂધ, ગોબર-ગોમૂત્ર અને ધીંગા ધોરી રૂપી શક્તિ પશુઓ પૂરાં પાડતાં. જ્યારે યંત્રો ? એ થોડાં ‘છાણ’ કરવાનાં છે ? એ તો ડીઝલ ખાઈ ખર્ચ કરાવે, ધુમાડો ઓકે, પર્યાવરણ બગાડે અને એના ભારે વજનથી જમીન પર ટોર લગાડે. પણ આપણી દોડની દિશા જ બસ, આ બની ગઈ છે એનું કેમ કરવું ?

આપણી રોજિંદી ખોરાકી જરૂરિયાતોના બધા પાક વાડીમાં પકાવી લેતા. જેથી જમીનના કસ-ખેંચાણમાં સમતોલપણું જળવાતું. આજે આધુનિક ખેતીની નવી પેટંટે જેમાં રોકડ નાણાં રૂપે વધુ વળતર દેખાણું, એ એક જ પાક પાછળ પડી જવાનું શીખવ્યું. પાકની ફેરબદલી, મિશ્રપાક જેવી પદ્ધતિ આઉટ ઓફ ડેટ થવા લાગી.

અને પર્યાવરણનાં મોટાં રક્ષક એવાં વૃક્ષોને વાડીમાં વિવિધ રીતે વસાવવાને બદલે શેઢે ય બસ, ઝાડવું ભાળ્યું ? મૂકો કુહાડી ! બપોરે રોંઢો કરવા ક્યાં બેસશું એનો ય વિચાર નહીં કરવાનો ને !

જે ખેડૂત નવા વિજ્ઞાનની દોડમાં ભળશે નહીં તે પાછળ રહી જશે, એ વાતે ય સાચી હોવા છતાં આંખો મીંચી, ઊંધું ઘાલી, મૂઠીઓ વાળી હડી કાઢી દોડે છે, તેને લક્ષિત મંઝિલને બદલે આખરી મંઝિલવાળા જમ ભળાવા માંડે તો પછી કહેતા નહીં કે વાત તો કરવી હતી ! માટે હડી કાઢવાને બદલે માપસરની કહોને ‘રેવાળ’ ચાલ – પરંતુ સાચી દિશાની – ચાલશું તો થાક્યા વિના લાંબો પંથ ઉકેલી શકશું.

પંચવટી બાગ, માલપરા, જિ. બોટાદ, ગુજરાત – 364 730 
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2023; પૃ. 10-11 તેમ જ 03  

Loading

...102030...1,0011,0021,0031,004...1,0101,0201,030...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved