Opinion Magazine
Number of visits: 9667090
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ભારત’ : પ્રશ્ન એની સાથેના વિચારધારાકીય બોજનો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 September 2023

સત્તાવાર જાહેર ઉપયોગ સામે વાંધો ન જ હોય

બંધારણે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એવો ફોડ પહેલા દિવસથી પાડેલો છે. સિંધુ પરથી હિંદુ અને ઇન્ડસ પરથી ઇન્ડિયા એ બેઉ પ્રયોગો આવ્યા એટલે એનાં મૂળિયાં, વિદેશી ભેટ છતાં નિતાન્ત સ્વીદેશી છે.

પ્રકાશ ન. શાહ

ઇન્ડિયાને સ્થાને ભારતના આગ્રહે જગવેલ વિવાદે સંમિશ્ર પ્રતિભાવો જગવ્યા છે, અને આ વિવાદની જોડાજોડ સાળંગપુર ઘટના સાથે ધર્મ, સનાતન ધર્મ જેવી સંજ્ઞાઓ નવસમજ સહ તપાસના દાયરામાં આવી છે. અધૂરામાં પૂરું, દક્ષિણ દેશમાંથી સ્તાલિને પેરિયાર પરંપરામાં ચીપિયો પછાડ્યો છે કે ધર્મ, ધર્મ શું કરો છો. અમે વર્ણવ્યવસ્થાની ગુલામી પરંપરામાં નથી માનતા.

સામાન્યપણે ભારત એ નામના સત્તાવાર જાહેર ઉપયોગ સામે વાંધો ન જ હોય. બંધારણે ઇન્ડિયા ઘેટ ઇઝ ભારત એવો ફોડ પહેલા દિવસથી પાડેલો છે. સિંધુ પરથી હિંદુ અને ઇન્ડસ પરથી ઇન્ડિયા એ બેઉ પ્રયોગો આપ્યા એટલે એનાં મૂળિયાં, વિદેશી ભેટ છતાં, નિતાન્ત સ્વદેશી છે.

ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીની જૈન પરંપરામાં અને ઇતિહાસક્રમે તે પછી દુષ્યંતપુત્ર ભરતની પરંપરામાં ભારત એ પ્રયોગ રૂઢ થયો, અને સ્વાભાવિક જ તે સ્વીકાર્ય પણ છે. બીજું ‘જનતા દલના ભર્તૃહરિ મહેતાએ 2015માં લોકસભામાં તો કાઁગ્રેસના શાંતારામ નાઇકે 2011માં રાજ્યસભામાં આ એકમાત્ર નામના આગ્રહસર ખાનગી વિધેયક પણ રજૂ કર્યા હતા. 2011 અને 2015માં ભા.જ.પ. સંસદીય પક્ષે ગૃહમાં શું ભૂમિકા લીધી હતી. એનો ખાયલ નથી પણ ભારત માટેનો એનો આગ્રહ સ્વાભાવિક જ લાંબા સમયથી રહ્યો છે.

વિપક્ષની તત્કાળ પ્રતિક્રિય અલબત્ત એ જ છે કે અમે ‘ઇન્ડિયા’ રૂપે ગઠિત થયા અને લોકોમાં ઊંચકાયા કે તરત આ ‘ભારત’ જાપ શરૂ થયો છે. ડિબેટમાં સ્કોરિંગ પોઈન્ટ તરીકે આવા મુદ્દાઓ પરસ્પર કામ આપતાં હોય છે, પણ નીતરી ચર્ચામાં એમની ભૂમિકા એવી મહત્ત્વની નયે હોય.

મુદ્દે ભારત કહેતાં જે ખયાલ છે એની સાથે સંઘ પરિવાર પ્રકારનાં જોડાણોથી અમુક ઇતિહાસબોજ માલૂમ પડે છે. બંધારણ સભામાં ચાલતી ચર્ચાની જોડાજોડ સંઘના ‘ઓર્ગેનાઇઝર’ વગેરે પત્રોમાં જે સમાંતર ટીકાટિપ્પણ ચાલતાં હતાં. એમાં જેમ ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત’ જેવા પ્રયોગ નિશાન પર હતા તેમ પ્રસંગે મનુસ્મૃતિની પરંપરાથી ખસીને નવા બંધારણ પર જવા અંગે ટીકાભાવ પણ પ્રગટ થતો. (જેમને આ આઝાદી અધૂરી અગર જુઠ્ઠી લાગતી હતી એવા ડાબેરી અંતિમવાદીઓ પણ હતા. બીજા પણ હતા. પણ આ ક્ષણે આપણે સ્વાભાવિક જ એમાં જતા નથી.)

સરકાર એના સત્તાવાર કામકાજમાં યથાશક્ય અગ્રતાપૂર્વક ભારત એ નામનો ઉપયોગ કરે એમાં કોઈ બંધારણીય સુધારાની જરૂર નથી, સિવાય કે ‘ઇન્ડિયા’ને સદંતર તિલાંજલિ આપવાનો ખયાલ હોય. મુદ્દે, મુશ્કેલી અને વિવાદમુદ્દા ત્યાંથી શરૂ થઈ શકે જ્યાં ‘ભારત’ નામ એક વિચારધારાકીય સ્થાપના તરીકે આગળ કરાય. વ્યાપક સ્વીકૃતિવાળા એક સ્વાભાવિક નામ તરીકે સરકારી રાહે એના ઉપયોગમાં મુશ્કેલી ન હોવી જોઈએ.

છેલ્લા ત્રણેક દાયકામાં રાષ્ટ્ર-રાજ્યની પરંપરાગત ચર્ચામાં સભ્યતા(સિવિલાઇઝેશન)નું પરિમાણ દાખલ થયું છે. જેમ સેંગોલ પ્રકરણ વખતે તેમ આ ચર્ચામાં પણ સંઘ પરિવાર એ પરિમાણ આગળ કરી રહેલ છે. 19મી સદીમાં વિકસેલ રાષ્ટ્રનો ખયાલ અને 20મી સદી ઉતરતે વિકસેલ સભ્યતા અભિગમ પરસ્પર પૂરક કરતાં વધુ તો સામસામા છે. સાવરકર-ગોળવલકરના રાષ્ટ્રવાદમાં ન તો ‘ધર્મના નિતાન્ત શુદ્ધ સ્વરૂપને અવકાશ છે, ન તો હમણે હમણે વિકસેલ સભ્યતા-અભિગમને. થોડોક રસ્તો ઉપર દીનદયાલે ખોલ્યો હતો, પણ હવે તો શલ્યાની અહલ્યા થાય ત્યારે.

ભારત નામનો વાંધો નથી. એને આવકાર જ હોય. માત્ર આપણે એકવીસમી સદીમાં એક સર્વસમાવેશી મુલક તરીકે શ્વસવા વસવા વિકસવા માગીએ છીએ એ પાયાની સમજ, કહો કો પૂર્વશરત છે, ‘ઇન્ડિયા’ પાસે વૈકલ્પિક દર્શન નથી, કેવળ અંકગણિત છે, કોઈ રાસાયણિક ઘટનાવિવેક નથી એવી ટીકા થાય છે એ તે કોઈક તબક્કે સાચી તો કોઈક તબક્કે ખોટી હોઈ શકે છે. પણ સામે પક્ષે, બંધારણના મેળમાં જે વિરોધ સૂરો અલગ અલગ છેડેથી સત્તાપક્ષની શાસકીય નીતિરીતિ સંબંધ ઉઠે છે એમાં વૈકલ્પિક વિચાર-સામગ્રી પડેલી છે જે હવા બંધાતાં સામે આવી પણ શકે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 સપ્ટેમ્બર 2023

Loading

સરકારી ગાય !

રમેશ સવાણી|Opinion - Short Stories|7 September 2023

[એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. મેં એક લઘુકથા લખી, ‘નિરીક્ષક’ને મોકલી. 26 જુલાઈ,1981 ના અંકમાં પ્રગટ થઈ હતી. પોલીસ સર્વિસમાં જોડાયો તેના 9 વર્ષ પહેલા. ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’માં 3 એપ્રિલ, 1983ના રોજ હિન્દીમાં અને ‘ચાંદની’, હાસ્યાંકમાં 1 એપ્રિલ, 1984 માં પ્રસિદ્ધ થઈ હતી. ચાલો માણીએ.]

અદાલતે સરકારને દોષિત ઠરાવી. ઘટના આમ બનેલી :

એક સરકારી ફાર્મ હતું. તેમાં એક દૂઝણી ગાય હતી. ગાય માટે ઘાસચારો ખૂટી ગયો.

ઉપરી અધિકારીઓને અનેક પત્રો લખ્યા છતાંય જવાબ ન મળ્યો, ત્યારે ફાર્મ સંચાલકે સંબંધિત પ્રધાનને લખ્યું : “ધાસચારા માટે અમુક રકમ મંજૂર કરશો. વરસાદના અભાવે ઘાસચારો ખૂટી ગયો છે…”

પ્રધાનનો જવાબ આવ્યો : “ઘાસચારા માટે આ અગાઉ મોટી રકમ ફાળવી હતી. હવે કંઈ થઈ શકે તેમ નથી. ગાય જેટલું દૂધ આપે છે તે બધું ગાયને પાઈ દેવું અને એ રીતે થોડા દિવસ ચલાવો.”

થોડા દિવસ પછી સંચાલકે ફરીવાર પ્રધાનને પત્ર લખ્યો : “ગાય મરવા પડી છે, ઘાસચારાની સગવડતા તાત્કાલિક કરવા વિનંતી.”

પ્રધાને લખ્યું : “ગાય મરવા પડી છે, મરી તો નથી ગઈને? ખુશ હશો, ખુશ છું.”

છેવટે, સંચાલકે ગાયને ફાર્મમાંથી તગેડી મૂકી અને પ્રધાનને લખી નાંખ્યું કે ગાય મરી ગઈ છે.

એક દિવસ ગાય બાજુના ખેતરમાં ઘૂસી ગઈ અને ખેતરને તારાજ કરી નાંખ્યું. ખેતરના માલિકે ફરિયાદ કરી.

અદાલતે ફરિયાદીને પૂછ્યું : “સરકારી ગાય તો મરી ચૂકી છે. તમારો ઘાસચારો જે ગાય ચરી ગઈ એ સરકારી ગાય હતી-એમ કહેવાનું કોઈ કારણ તમારી પાસે છે?”

“હા, સાહેબ. એ ગાય ખૂબ ઝડપથી ખાતી હતી; અકરાંતિયાની જેમ જ. ઝડપથી અને મોટા પ્રમાણમાં ખાઈ શકે એ સરકારી જ હોય !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધર્મની સ્થાપના અર્થે હવે તો આવેને, કૃષ્ણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 September 2023

રવીન્દ્ર પારેખ

આજે કૃષ્ણાષ્ટમી ! આમ તો દર શ્રાવણ વદ આઠમે આખું જગત કૃષ્ણ જન્મોત્સવ ઊજવે છે. આ ઉત્સવનો અંત નથી. અંત હોત તો અત્યાર સુધીમાં કૃષ્ણ ભુલાઈ ગયા હોત, પણ એવું થયું નથી. એક સંશોધન મુજબ કૃષ્ણનો જન્મ 18/21 જુલાઇ, ઈ.પૂ. 3228ને રોજ થયો હોવાનું કહેવાય છે. આટલી ચોકસાઇ એ સમયની કોઈ વિભૂતિ માટે નથી જણાઈ. કૃષ્ણને લગભગ સાડા પાંચ હજાર વર્ષ થયાં. એની અગાઉ ઘણાં મહાનુભાવો થયા ને પછી પણ થયા, પણ કૃષ્ણ જેટલી પ્રસ્તુતતા કોઇની જણાતી નથી. એ એક જ ભગવાન એવો છે, જે મનુષ્ય પણ એટલો જ છે. રામને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે, તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. રામ તુંકાર ન ખમે, પણ કૃષ્ણને તુંકારી શકાય. એને શિશુપાલ જેવા પણ 99 ગાળો દઈ શકે ને એ સાંભળી પણ લે, પણ  પછી એ નહીં, સુદર્શન બોલે છે. એ જ કૃષ્ણ ગાંધારીનો શાપ માથે ચડાવે, ત્યારે થાય કે વિશ્વરૂપ દર્શાવનાર કૃષ્ણનો પ્રતિકાર કેમ નથી? જે સુદર્શન શિશુપાલને હણે છે એ સુદર્શન ગાંધારી પર ધસતું નથી. કેમ? એક બે નહીં, સો પુત્રોનો યુદ્ધમાં નાશ થયો હોય એ માતાની અસહ્ય પીડા અભિશાપ નહીં તો શું આશીર્વાદ આપે? કૃષ્ણે એ માતૃપીડા અનુભવી એટલે ગાંધારીનો શાપ માથે ચડાવ્યો. કૃષ્ણ એટલે જ વિરોધાભાસ ! મામાના રાજમાં જ જન્મ કારાગારમાં થાય છે. જન્મતાંની સાથે જ માતૃવિરહ નસીબે આવ્યો. સગી મા પારકી થઈ અને પારકી મા સગીથીયે વિશેષ થઈ. પાલક માતપિતાનો એ રીતે કૃષ્ણે મહિમા કર્યો.

કૃષ્ણનું મેથડ ઇન મેડનેસ જેવું ઘણું છે. લાગે એવું કે મટકી ફોડીને કૃષ્ણ ગોપીઓને પજવે છે, પણ જરા ઊંડે ઊતરીએ તો સમજાય કે ગોકુળનાં દૂધદહીં મથુરા ભરાતાં અટકાવવા મટુકીઓ ફોડી, તે એટલે પણ કે ગોપાલનનો સર્વાંગી વિકાસ ગામમાં જ થાય. આજે ગામમાં દૂધ મળતું નથી ને ડેરીઓમાં દૂધ ભરાય છે એવી સ્થિતિ ન આવે એટલે ગામનું દૂધ ગામમાં રાખવાની કોશિશ કૃષ્ણે કરી. અસુરોનો સંહાર બાળલીલામાં ખપે એવો સહજ બાલ્યકાળ કૃષ્ણનો રહ્યો. ગોપીઓનાં ચીર હર્યાં, તો દ્રૌપદીનાં પૂર્યાં પણ ! રાધાને અપરંપાર પ્રેમ કર્યો ને મથુરા જવાનું થયું તો અનાસક્તિ પણ એટલી જ પ્રગટી. વાંસની વાંસળી કરી, હોઠે રાખી, એટલી નજીક તો રાધા પણ રહી નથી. રાધાના વિરહમાં વાંસળી તોડી, તો એ જ આંગળીએ સુદર્શન પણ ધારણ કર્યું. જે વખતે જે જરૂરી હતું તે વખતે તે જ કૃષ્ણે કર્યું. રુક્મિણી, સત્યભામા જેવી 16,108 રાણીઓ કરી, પણ પ્રેમનો મહિમા વિયોગથી જ શક્ય છે તે રાધાની ધારા મનમાં રાખીને સિદ્ધ કર્યું. કૃષ્ણ કરતાં રાધા આગળ રહી ને જેટલાં મંદિરો રાધાકૃષ્ણનાં છે, એટલાં કૃષ્ણ-રુક્મિણીનાં નથી. લગ્ન વગરનો કોઈ સંબંધ મંદિરોમાં આટલો સ્થપાયો હોય એવું આ એક જ ઉદાહરણ જગતમાં છે. એવું જ સખ્ય સુદામા સાથેનું પણ ખરું. સુદામાનું કદાચ એક જ મંદિર પોરબંદરમાં છે. સુદામાની પોટલી ખૂલે છે તે સાથે જ તેનું દારિદ્રય પણ દૂર થતું આવે છે. કૈં ન આપીને કૃષ્ણે સુદામાને બધું જ આપ્યું.

કૃષ્ણ અકળ છે ને સકળ પણ ! ગોકુળ છોડ્યું, રાધા છોડી, મથુરા છોડ્યું, પછી કૃષ્ણ ત્યાં જણાતા નથી. એ આગળ જ ગયા છે, ગયા ત્યાં, ફરી ગયા નથી. એમણે U-TURN લીધો જ નહીં ! ત્રણ વખત વિરાટનાં દર્શન એમણે માટી ખાઈને જશોદાને, વિષ્ટિ વખતે દુર્યોધનને અને ગીતા ઉપદેશતી વખતે અર્જુનને કરાવ્યાં છે. એ સિવાય કૃષ્ણ સામાન્ય મનુષ્યની જેમ જ વર્ત્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાનો આગ્રહ રાખ્યો, એવો આગ્રહ બીજો એક મોહન, યુગો પહેલાં રાખી ચૂક્યો હતો. એકને ગોળી વાગી, એકને તીર, એ સાથે જ યુગો બદલાયા.

પાંડવોની માતા કુન્તા, કૃષ્ણની ફોઇ છે, એટલા ઉલ્લેખ સિવાય કૃષ્ણ, દ્રૌપદી સ્વયંવરમાં મત્સ્યવેધ વખતે, બલરામ સાથે જ દેખાય છે. પાંડવો અહીં બ્રાહ્મણ વેશે છે. મત્સ્યવેધ કરનાર અર્જુનની પણ ઓળખ છતી થઈ નથી. પાંચે ભાઈઓ દ્રૌપદી માટે ઉત્સુક છે એ જાણતા કૃષ્ણ, પાંડવો વચ્ચેનો સંપ જળવાઈ રહે એ માટે, દ્રૌપદીને પાંચે પાંડવોની પત્ની બનાવે છે. બહુપત્નીત્વની સામે બહુપતિત્વનું ઉદાહરણ એ સમયમાં તો ખરું જ, આજે પણ સાહસ જ છે. એ પછી મહાપ્રસ્થાન પર્વને બાદ કરતાં કૃષ્ણ દરેક પર્વમાં પાંડવોનાં શુભચિંતક અને રક્ષક તરીકે મોખરે છે. વનવાસમાં કૃષ્ણ જણાતાં નથી, પણ મનવાસમાં તો તે સઘળે છે. પાંડવોને ખાંડવવન અને ખાંડવપ્રસ્થ અપાવવામાં કૃષ્ણની અહમ ભૂમિકા છે. ભાગવતના કૃષ્ણ કરતાં મહાભારતના કૃષ્ણ વધુ પુખ્ત છે. મહાભારતનાં યુદ્ધમાં શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કૃષ્ણે લીધી, પણ ભીષ્મને મારવા રથચક્ર લઈને ભીષ્મની સામે પણ એ જ ધસે છે. કમાલ તો જુઓ કે પોતે શસ્ત્ર ઉઠાવવાથી દૂર રહે છે ને અર્જુન શસ્ત્ર છોડે છે, તો તેને શસ્ત્ર ઉઠાવવા ગીતા ઉપદેશે છે. ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેનાર કર્ણને એ જ કૃષ્ણ દ્રૌપદીની લાલચ પણ આપે છે. કર્ણનાં જન્મનું રહસ્ય ખૂલે છે ને કર્ણ સૌથી મોટો પાંડવ છે એ જાહેર થાય છે તો એને પાંડવોનાં પક્ષમાં આવી જવાનું કહેવાય છે ને કર્ણ એમ કરે તો દ્રૌપદી આપોઆપ જ એની પત્ની બને. એ જુદી વાત છે કે કર્ણ એ લાલચને નકારે છે, પણ કર્ણને ફોસલાવવાનો પ્રયત્ન કૃષ્ણ કરી તો જુએ જ છે.

એ જ કૃષ્ણ યુદ્ધની જે પીડા વેઠે છે, એનો જોટો જડે એમ નથી. દ્રૌપદી યુદ્ધનાં પરિણામ વિષે કૃષ્ણને પૂછે છે કે પાંડવોમાં કોણ કોણ બચશે? તો, કૃષ્ણ પાંચ ભાઈઓ સિવાય કોઈ નહીં બચે એવું કહે છે. દ્રૌપદી પોતાનાં પુત્રો પણ નહીં બચે એ જાણીને અસહ્ય પીડા અનુભવે છે, કૃષ્ણ તો સર્વજ્ઞ છે, એટલે વેઠે પણ સર્વનું જ છે. અભિમન્યુને ચીરતાં શસ્ત્રથી પોતે વીંધાયાનું અનુભવે છે. આ બધું જ જોવાનું આવ્યું પોતાનાં કોઈ જ વાંક વગર ! પોતે તો સારથિ માત્ર હતા, પણ તે અર્જુનનાં જ હતાં એવું ક્યાં હતું? એ તો જગત નિયંતા છે, એ કોઇની પીડાથી કઇ રીતે મુક્ત રહી શકે? કૃષ્ણ પાંડવોને વિજયી બનાવે છે, પણ યાદવોનો સર્વનાશ થતો રોકી શકતા નથી. સાત્યકિ પાંડવોને પક્ષે રહી લડે છે, તો કૃતવર્મા ને ભોજ જેવા કૌરવોને પક્ષે રહી લડે છે. બલરામ તટસ્થ રહે છે. આમ યાદવ કુળ એક જૂથ લાગે છે, પણ અંદરોઅંદરનાં મિથ્યાભિમાન, ખટપટ, આડંબર, વાણીવિલાસને લીધે આખાયે કુળનો સર્વનાશ થાય છે. કોઈ પણ કુળ કે પક્ષની નિયતિ કોઈ પણ કાળમાં આ જ હોય છે. આમાં અર્જુનને તો કૈંકે મળવાનું હતું, પણ કૃષ્ણની પ્રાપ્તિ શી હતી? કુરુક્ષેત્રમાંથી એને તો કૈં જ મળવાનું ન હતું, ન વિજય, ન પરાજય, છતાં અર્જુન સાથેનું મૈત્રીકૃત્ય કૃષ્ણે મન મૂકીને નિભાવ્યું. એમાં યાદવકુળ છિન્નભિન્ન થવાનાં બીજ પણ રોપાયાં ને અંતે કુળ ખતમ થઈને જ રહ્યું. એની પીડાથી છૂટવા વૃક્ષ નીચે વિરામ શોધ્યો તો પારધીનું તીર પગને વીંધતું આવ્યું. પગમાં તીર વાગે તો સાધારણ મનુષ્ય પણ ન મરે, પણ કૃષ્ણ અસાધારણ હતાં એટલે મૃત્યુ સાધારણ સ્વીકાર્યું.

કૃષ્ણ વિષે મને કદી ધરવ થતો નથી. જેટલું જાણું છું એનાથી વધુ જાણવાની ઈચ્છા ઘટતી નથી. આપણે કૃષ્ણને ભગવાન માનીએ છીએ. પણ, મને તો એ એક સાથે વડીલ અને મિત્ર-બંને લાગે છે. એની સાથે ઝઘડી શકાય, આંખોમાં આંખો નાખીને વાત થઈ શકે. આવી છૂટ બીજો કોઈ ભગવાન આપતો નથી. એને વિષે વિચારું છું તો થાય છે કે એ ભગવાન કઇ રીતે છે? સામાન્ય માણસ કરે એવાં વધ, છળકપટ, મજાક-મશ્કરી, તોફાન, શત્રુવટ… જેવું બધું જ કર્યું છે. કૃષ્ણ એટલે જ કર્તવ્ય. પણ કર્તવ્ય એટલે કૃષ્ણ એવું દરેક વખતે નથી. કેવળ કર્મ કરનાર મનુષ્ય ભગવાન નથી, તો કૃષ્ણ કઇ રીતે ભગવાન છે? છે? છે, હજાર વાર છે, કારણ કે એક પણ કપટ એણે પોતાને માટે નથી કર્યું. આપણાં કપટમાં સ્વાર્થ છે, એનાં કપટમાં નથી. એક પણ કપટ અસત્ય કે અધર્મનાં સમર્થનમાં એણે નથી કર્યું, તો એ ભગવાન ન હોય તો શું હોય?

જો કૃષ્ણ ધર્મને પક્ષે સતત રહ્યા હોય, તો આજે ધર્મને પક્ષે ઘણું ખૂટે છે, તો ક્યાં છે એ? કેમ નથી સંભળાતો એ શ્લોક ‘યદા યદા હી ધર્મસ્ય….’ આજે તો સગા બાપ કરતાં દીકરાને મોટી ઉંમરનો બતાવવામાં કોઈને સંકોચ નથી કે ધર્મ કરતાં સંપ્રદાયનો મહિમા વધુ અંકાતો હોય, તો ધર્મનાં રક્ષણ માટે અગાઉ હતી તેથી વધુ જરૂર કૃષ્ણની આજે છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 સપ્ટેમ્બર 2023

Loading

...102030...1,0001,0011,0021,003...1,0101,0201,030...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved