Opinion Magazine
Number of visits: 9449815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—290

દીપક મહેતા|Opinion - Opinion|25 May 2025

મુમતાઝ બેગમ : પુરુષો તો ઘણા જોયા, પણ મરદ તો આ એક જ    

બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ

એડવોકેટ જનરલ કાંગા : Your honor! મુમતાઝ બેગમને હવે વધુ કાંઈ મારે પૂછવાનું બાકી રહેતું નથી. બચાવ પક્ષના વકીલો હવે તેમને પૂછી શકે છે. બીજા વકીલો સાથે મસલત કર્યા પછી ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહે અદાલતને જણાવ્યું કે અમારે મુમતાઝ બેગમની ઊલટતપાસ કરવાની જરૂર લાગતી નથી. મલબાર હિલ પર જે ઘટના બની તેના ચશ્મદીદ ગવાહો હતા બ્રિટિશ સરકારના લશ્કરના ચાર અમલદારો, જે સંજોગવશાત એ જ વખતે મલબાર હિલથી પસાર થઈ રહ્યા હતા. તેમણે વચ્ચે પડીને મુમતાઝ બેગમને તો બચાવી લીધી, પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાને ન બચાવી શક્યા. આ ચાર અફસરો – લેફ્ટનન્ટ કર્નલ વિકેરી, લેફ્ટનન્ટ સાયગર્ટ, લેફ્ટનન્ટ ફ્રાન્સિસ બેટલે, અને સ્ટીફન્સ મેક્સવેલ. આ ચારેની વારાફરતી લેવાયેલી જુબાનીમાં સોમવાર, ૧૨ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના સુમારે મલબાર હિલ પર જે કાંઈ બન્યું હતું તેની વિગતવાર માહિતી આપી, અને એક આરોપીને પકડવામાં પોતાને સફળતા મળી તેની વાત પણ કરી. તથાકથિત ગુનેગારો ઇન્દોર રાજ્યની માલિકીની લાલ રંગની મેકસવેલ મોટરમાં મલબાર હિલ આવ્યા હતા. આ મોટર પોતે જોઈ હોવાનું તેમણે કહ્યું હતું. પણ બનાવ બન્યો તે પછી બીજા આરોપીઓ એ જ મોટરમાં ભાગી જવામાં સફળ થયા હતા.

મરીન ડ્રાઈવ બંધાયા પહેલાંનો ક્વીન્સ રોડ

આ વાત સાંભળતાંવેંત ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસિક્યૂટર ટી. રામ સિંહ ઊભા થયા હતા અને એ મોટરને ‘ઇન્દોર રાજયની માલિકીની’ તરીકે ઓળખાવવા સામે વાંધો લીધો હતો. પણ આવું કશુક બને તો તે માટે એડવોકેટ જનરલ કાંગા તૈયાર જ હતા. તેમણે અદાલતને કહ્યું : નામદાર! ક્વીન્સ રોડ પર આવેલી ‘ધ ઓટોમોબાઈલ કંપની’ના સેલ્સમેન ફરામરોઝ નવરોજીને જુબાની માટે બોલાવવાની મંજૂરી આપવામાં આવે. અદાલતે તેમની વિનંતી માન્ય રાખતાં ફરામરોઝ નવરોજી હાજર થયા. તેમણે કહ્યું કે ૧૯૨૪ના ઓક્ટોબર મહિનામાં ઇન્દોર રાજ્યના બે અધિકારીઓ અમારા શો રૂમ પર આવ્યા હતા. મેં તેમને જે મોટરો બતાવી તેમાંથી તેમને લાલ કલરની મેક્સવેલ મોટર પસંદ પડી. તે પછી ટ્રાયલ માટે એ મોટરમાં બેસાડીને હું તેમને ક્વીન્સ રોડથી મલબાર હિલ, ચર્ચ ગેટ, અને બેન્ડ સ્ટેન્ડ લઈ ગયો હતો. તે જ દિવસે પાંચ હજાર રૂપિયાની પૂરેપૂરી કિંમત ચૂકવીને પેલા બે અધિકારીઓએ મોટર ખરીદી લીધી હતી. તે વખતે તેઓ અંદરોઅંદર વાત કરી રહ્યા હતા કે ઇન્દોર રાજ્યનાં મુંબઈમાંનાં બંગલા અને ગેસ્ટ હાઉસના સમારકામને બહાને આપણે જે ૧૬ હજાર રૂપિયા ઊપાડ્યા છે તેમાંથી આ પાંચ હજારની જોગવાઈ કરવી પડશે. 

વીસમી સદીની પહેલી પચ્ચીસીનો કાર શો રૂમ

એડવોકેટ જનરલ કાંગા : નામદાર! હવે હું રામારાવ દ્વારકાનાથ વિજયકરને જુબાની માટે બોલાવવાની મંજૂરી માગું છું. 

અદાલતે મંજૂરી આપ્યા પછી રામારાવ દ્વારકાનાથ વિજયકરની ઊલટતપાસ શરૂ કરી.

એડવોકેટ જનરલ કાંગા : મિસ્ટર વિજયકર, પહેલાં તો એ કહો કે તમે શું કરો છો?

વિજયકર : સાહેબ, હું પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાં વાહન રજિસ્ટે્રશન વિભાગમાં કારકૂન તરીકે નોકરી કરું છું. ૧૯૨૪ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખે લાલ રંગની મેક્સવેલ કારનું રજીસ્ત્રેશન કરીને ૨૫મી તારીખે મેં આનંદરાવ પાંડસે પાટીલને સુપરત કરી હતી. એ મોટરનો નંબર હતો Z-૯૨૫૭, એન્જિન નંબર ૪૭૬૦૦૬, અને ચેસીસ નંબર ૪૪૩૭૬૦. રજીસ્ત્રેષણ પછી આ મોટરને ઇન્દોર લઈ જવામાં આવી હતી. (એક ખુલાસો : ૧૯૨૫ના અરસામાં મુંબઈમાં એટલી ઓછી મોટર હતી કે પોલીસ ખાતામાં અલગ ટ્રાફિક બ્રાન્ચની જરૂર જણાઈ નહોતી. નવી મોટરોની નોંધણી ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલી પોલીસ કમિશનરની કચેરીમાં જ થતી.) પછી ફરામરોઝ નવરોજીએ જે બે ઇસમની વાત કરી હતી તે બે ઇસમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ફરામરોઝ નવરોજી અને રામરાવ દ્વારકાનાથ વિજયકર, બંનેએ તેમને ઓળખી બતાવ્યા હતા.   

ગુનેગારોએ વાપરેલી રેડ મેકસવેલ મોટર નંબર Z-9257 (ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર)

પછીનો સાક્ષી હતો વામન ગોવિંદ, GIP (આજની સેન્ટ્રલ) રેલવેનો વિક્ટોરિયા ટર્મિનસ ખાતેનો ગુડ્ઝ બુકિંગ ક્લાર્ક. તેણે કહ્યું કે ૧૯૨૪ના ડિસેમ્બરની ૧૨મી તારીખે રાતે લાલ કલરની મેકસવેલ મોટર મુંબઈથી ઇન્દોર મોકલવામાં આવી હતી. મોકલનારનું નામ આનંદરાવ ફણસે. બાબુરાવ ડ્રાઈવરે નોંધણી કરીને રસીદ નંબર ૩૧૩૧/૧૭ આપી હતી. એ વખતે કોર્ટના કલાર્કે એ રસીદ બતાવતાં સાક્ષીએ તેને ઓળખી બતાવીને કહ્યું કે આ જ રસીદ મેં આનંદરાવ ફણસેને આપી હતી. 

આ ખટલામાં ઇન્દોર રાજ્યના રહેવાસી એવા કુલ નવ ઇસમને આરોપી તરીકે ખડા કરવામાં  આવ્યા હતા. તેમના ઉપર કુલ ૧૩ આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં નીચેના ગુનાનો સમાવેશ થતો હતો : બ્રિટિશ ઇન્ડિયાની હદમાંથી મુમતાઝ બેગમનું અપહરણ કરવાનું ગુનાહિત કાવતરું ઘડવું, બ્રિટિશ ઇન્ડિયાના રહેવાસી અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવું, મુમતાઝ બેગમ અને મેથ્યુઝને ગંભીર ઈજા પહોંચાડવી, ગુનાઓ અંગેના પુરાવાનો નાશ કરવો કે નાશ કરવાનો પ્રયત્ન કરવો, વગેરે.

*

ગુરુવાર, નવેમ્બર ૧૯, ૧૯૨૫.

બોમ્બે હાઈ કોર્ટમાં આ કેસ શરૂ થયો ત્યારથી રોજ આખો કોર્ટ રૂમ ચિકાર ભરાઈ જતો હતો. પણ આજે તો હાઈ કોર્ટની આજુબાજુ જ નહિ, ફોર્ટ વિસ્તારમાં ઠેર ઠેર લોકોનાં ટોળાં વહેલી સવારથી એકઠાં થયાં હતા. પ્રેસના ફોટોગ્રાફરો હાઈ કોર્ટના દરવાજા બહાર ટોળાબંધ ઊભા હતા, કારણ તેમને અંદર જવાની મનાઈ હતી. હોનરેબલ જસ્ટિસ ક્રંપ આજે પાછલે દરવાજેથી હાઈ કોર્ટમાં દાખલ થયા અને પોતાની ચેમ્બરમાં ગયા. ત્યાં કેટલીક ફાઈલો ઉથલાવી અને જરૂરી જગ્યાએ પોતાની પેનથી કાળી શાહીમાં નોંધ ટપકાવી. અગિયાર વાગવામાં એક મિનિટ બાકી હતી ત્યારે લાલ યુનિફોર્મ પહેરેલો ચોપદાર હાજર થયો. જજસાહેબ ખુરસી પરથી ઊભા થયા, ટાઈ સરખી કરી, અને પછી કોર્ટરૂમ તરફ સિધાવ્યા.

બોમ્બે હાઈ કોર્ટની બહાર લોકોનાં ટોળાં

ચોપદારે બારણું ખોલ્યું કે તરત હાજર રહેલા બધાએ ઊભા થઈને માન આપ્યું. જ્યુરીના નવ મેમ્બર અગાઉથી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. કોર્ટ રૂમ ચિક્કાર હતો છતાં ટાંકણી પડે તો તેનો પણ અવાજ સંભળાય એવી શાંતિ હતી. કોર્ટના શિરસ્તેદારે ઊભા થઈને કેસનો નંબર અને પક્ષકારોનાં નામ જાહેર કર્યાં. ત્યાર બાદ નામદાર જસ્ટીસ ક્રમ્પે કહ્યું : આ વરસના એપ્રિલ મહિનાની ૨૭મી તારીખે શરૂ થયેલા બાવલા મર્ડર કેસની સુનાવણી પૂરી થઈ છે. જ્યુરીના માનવંતા સભ્યો! મને ખાતરી છે કે તમારામાંથી દરેકે એ જુબાની પૂરેપૂરા ધ્યાનથી સાંભળી છે, અને જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તેને વિષે વિચાર કર્યો છે. કોઈથી પણ દબાયા કે દોરવાયા વગર, કોઈની પણ તરફેણમાં કે વિરુદ્ધમાં અયોગ્ય રીતે દોરવાયા વગર, પક્ષપાત રહિત અને ન્યાયબુદ્ધિપૂર્વક તમે જ્યુરીના સભ્યો વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે યોગ્ય નિર્ણય પર પહોચવામાં સફળ થશો એવી મને ખાતરી છે. આ વિચારણા માટે તમને સૌને એક કલાકનો સમય આપવામાં આવે છે. અલબત્ત, જો અનિવાર્ય જણાય તો તમે વધુ સમય લઈ શકો છો. જસ્ટિસ ક્રંપ આટલું બોલીને ફરી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. જ્યુરીના સભ્યોને બાજુના એક ઓરડામાં લઈ જવામાં આવ્યા. બધા સભ્યો ઓરડામાં ગયા પછી બારણું બંધ કરવામાં આવ્યું અને બહાર કોર્ટના ચોકિયાતો ઊભા રહી ગયા. 

એક કલાક પછી જ્યુરીના સભ્યોએ જસ્ટિસ ક્રંપની ચેમ્બરમાં જઈને પોતાનો નિર્ણય જણાવ્યો. જજસાહેબે બધા સભ્યોનો આભાર માન્યો. પછી પહેલાં જ્યુરીના સભ્યો અને પછી જસ્ટિસ ક્રંપ કોર્ટ રૂમમાં દાખલ થયા. હાજર રહેલા સૌએ ઊભા થઈને ન્યાયાધીશને માન આપ્યું. જસ્ટિસ ક્રમ્પે ધીરગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું. : જ્યુરીના માનવંતા સભ્યોએ જુબાની અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષપણે અને ન્યાયબુદ્ધિ પૂર્વક પોતે લીધેલો નિર્ણય મને જણાવ્યો છે. અને તેમનો એ નિર્ણય સર્વથા યોગ્ય લાગતાં મેં તેને પૂરેપૂરો સ્વીકાર્યો છે. જ્યુરીના માનવંતા સભ્યોની ભલામણને અનુસરીને મારો ચુકાદો લેવાયો છે જે આ પ્રમાણે છે :

૧.પૂરતા પુરાવાઓને અભાવે મુમતાઝ મહમ્મદ અને કરામતખાનને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવે છે.

૨. રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓને ધ્યાનમાં રાખતાં બહાદુરશાહ, અકબરશાહ, અને અબ્દુલ લતીફ, એ ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવે છે.

૩. શફી અહમદ પોંડે, શફી અહમદ નબી અહમદ, અને શ્યામરાવ રાવજી દિઘેની મરનાર અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુનામાં સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનું શંકા વગર પુરવાર થયું હોવાથી આ ત્રણ ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે. 

These three shall be hanged till death. 

ચુકાદો સંભળાવ્યા પછી જસ્ટિસ ક્રમ્પે ઉમેર્યું : જે સ્ત્રી દસ વરસ સુધી ઇન્દોરના મહારાજાની રખાત બનીને રહી હતી, પછી તેમને છોડીને મુંબઈ આવી હતી અને મિસ્ટર બાવલા સાથે રહી હતી તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખા કાવતરાનાં મૂળ ઇન્દોર સુધી પહોંચતાં હોય તેમ માનવાને પૂરતાં કારણો છે. દેખીતું છે કે આજે આ અદાલતે જે ગુનેગારોને સજા ફરમાવી છે તેમનો દોરીસંચાર કરનારા હાથ તો બીજા કોઈના હતા. પણ એ હાથ કોના હતા એ અંગે ખાતરીપૂર્વક અમે કશું કહી શકીએ એવી સ્થિતિમાં નથી.  

ના, પ્રિય વાચક! બાવલા ખૂન કેસની વાત અહીં પૂરી નથી થતી. હજી તો કહાનીમાં  અજીબોગરીબ twist આવવાના છે. રાહ જુઓ, આવતા શનિવાર સુધી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ થયું: ગુજરાતી મિડ-ડે ૨૪ મે ૨૦૨૫ 

Loading

25 May 2025 Vipool Kalyani
← ભગતસિંહને ફાંસી અને ગાંધી : ધર્મોક્રસીમાં હિંસાની પ્રાણપ્રતિષ્ઠાનો કારસો 
ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved