મુંબઈમાં વિઘ્નેશ ગણપતિનું પહેલું આગમન થયું મુંબઈ પર એક મોટું વિઘ્ન આવ્યું તે પછી
सुखकर्ता दुखहर्ता, वार्ता विघ्नांची|
नुरवी; पुरवी प्रेम, कृपा जयाची|
सर्वांगी सुंदर, उटी शेंदुराची|
कंठी झळके माळ, मुक्ताफळांची॥
આજથી દસ દિવસ સુધી આખા મુંબઈમાં ગણેશ આરતીના આ શબ્દો દિવસ-રાત ગુંજતા રહેશે. ગણપતિનાં અનેક નામોમાંનું એક છે વિઘ્નેશ. પણ આજે બહુ ઓછાને એ વાત યાદ હશે કે મુંબઈમાં ગણેશોત્સવ રૂપે ગણપતિનું પહેલી વાર આગમન થયું તે મુંબઈ પર એક મોટું વિઘ્ન આવ્યું તે પછી. ઈ.સ. ૧૮૯૨ સુધી મુંબઈમાં ઉજવાતા સૌથી મોટા તહેવારો બે : મોહરમ અને દિવાળી. બંનેને ધર્મ સાથે નજેવો સંબંધ. હિંદુ, મુસ્લિમ, અને બીજા ધરમના લોકો પણ ભેગા થઈને બંને તહેવારો ઉજવે. એ વખતે ધરમ એ અંગત માન્યતાનો વિષય. સમાજ જીવાન સાથે તેને બહુ લાગેવળગે નહિ. પણ ૧૮૯૩માં આ ગુલાબી ચિત્ર એક જ દિવસમાં ભૂસાઈ ગયું અને બે કોમના લોકો આમને સામને આવી ગયા.
૧૮૯૩ના ઓગસ્ટ મહિનાની ૧૧મી તારીખ. મુંબઈનો પાયધુની વિસ્તાર. ત્યાં આવેલું હનુમાન મંદિર. થોડે દૂર એક મસ્જિદ. હનુમાન મંદિરમાં આરતી, ભજન, થયાં. અને બસ, બીજી કોમના લોકો ભડક્યા. હનુમાન મંદિરમાં હાજર રહેલાઓ પર હુમલો. સામે ઈંટનો જવાબ પથ્થરથી. જોતજોતામાં કોમી રમખાણની આગે મુંબઈ આખાને ચપેટમાં લઈ લીધું. ઈંટ સામે ઈંટ, પથ્થર સામે પથ્થર, ખંજર સામે ખંજર. મુંબઈનું એ પહેલવહેલું હિંદુ-મુસ્લિમ રમખાણ. બંને પક્ષે શરૂ થયાં સભા-સરઘસ, લૂંટફાટ. એ વખતે મુંબઈ સૂતરાઉ કાપડની મિલોથી ધમધમે. મોટા ભાગના મિલ-મજૂરો મરાઠીભાષી. લાઠી, લેઝિમ, ધોકા, જે હાથમાં આવ્યું તે લઈને ઉતરી પડ્યા મુંબઈના રસ્તાઓ પર. રમખાણ લાલ રંગે રંગાઈ ગયું. ૭૫ કરતાં વધારે માણસોએ જીવ ગુમાવ્યા.
એ વખતે મુંબઈના પોલીસ કમિશનર હતા રોબર્ટ હેમ્પ-વિનસેન્ટ. એ જ વરસના એપ્રિલની નવમી તારીખે ચાર્જ સંભાળેલો, એટલે મુંબઈથી અને તેના લોકોથી ઝાઝા પરિચિત નહિ. પણ માણસ નાડ પારખુ. એ વખતે મુંબઈ પોલીસ પાસે લાઠી સિવાય બીજાં કોઈ હથિયાર નહિ. થોડા દિવસમાં સમજી ગયા કે આ રમખાણો રોકવાનું મુંબઈ પોલીસનું ગજું નથી. એટલે એ કામગીરી સોંપી દીધી લશ્કરને. થોડા દિવસમાં મુંબઈમાં તો રમખાણો કાબૂમાં આવી ગયાં, પણ પછી મુંબઈ બહાર ફેલાયા.
સાર્વજનિક ગણેશોત્સવના પ્રણેતા લોકમાન્ય ટિળક
એ વખતે મુંબઈના બે અગ્રણી મરાઠી છાપાં તે ‘કેસરી’ અને ‘મરાઠા’. બંનેના તંત્રી લોકમાન્ય ટિળક. તેઓ માનતા હતા કે મુંબઈમાં જ્યારે આ રમખાણો થયાં ત્યારે સરકારે બંને કોમો તરફ એક સરખું વલણ રાખવું જોઈતું હતું. બીજું, આ રમખાણોની શરૂઆત હિંદુઓએ કરી નહોતી. તેમણે જે કર્યું તે પોતાના બચાવમાં કર્યું હતું એમ ટિળકનું માનવું હતું. અને છતાં ગવર્નર લોર્ડ હેરિસે પક્ષપાતી વલણ અપનાવેલું એમ તેમને લાગતું હતું.
આ લોર્ડ હેરિસનો જન્મ ૧૮૫૧ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે. અવસાન થયું ૧૯૩૨ના માર્ચની ૨૪મી તારીખે. એક બાજુથી લોર્ડની ઉચ્ચ પદવી. બીજી બાજુથી લશ્કરમાં જોડાયેલા એટલે કડક શિસ્તના આગ્રહી. પણ સૌથી વધુ તો ક્રિકેટની રમતનો જબરો શોખ. વતનમાં હતા ત્યારે લોર્ડ’ઝ અને એમ.સી.સી. સાથે સંકળાયેલા. બંનેના વિકાસમાં તેમનો મોટો ફાળો. મુંબઈના ગવર્નર થયા પછી પણ તેમને સૌથી વધુ રસ ક્રિકેટમાં. મુંબઈમાંના પોતાના જાતભાઈઓ સાથે ક્રિકેટ રમવામાં મશગુલ રહે. ૧૮૯૩માં મુંબઈમાં કોમી રમખાણો શરૂ થયાં ત્યારે આ ગવર્નર સાહેબ તો હતા પૂનામાં, ક્રિકેટની મેચોમાં મશગુલ. રમખાણો શરૂ થયા પછી છેક નવમે દિવસે સાહેબ મુંબઈ પધાર્યા. અને એનું કારણ રમખાણો નહિ, મુંબઈમાં રમાનારી એક ક્રિકેટ મેચમાં તેમને રસ હતો. મુંબઈમાં રમખાણો ડામવાનું લશ્કરને સોંપાયું એટલે ગવર્નરસાહેબ તો હળવા ફૂલ. હવે રમખાણનો કરનારા જાણે, અને લશ્કરના સૈનિકો જાણે. આપણે તો હવે તીરે ઊભા તમાશો જોવાનો!
ગવર્નર લોર્ડ હેરિસ
ગવર્નર અને સરકાર, બંને એક કોમને અન્યાય કરે છે એમ ટિળકને લાગ્યું. પોતાના રક્ષણ માટે હિન્દુઓએ સંગઠિત બન્યા વગર છૂટકો નથી એમ પણ તેઓ માનતા થયા. એ વખતના મુંબઈ રાજ્યના કેટલાક સમાજ સુધારકો અને ટિળકની વચ્ચે સમાજ સુધારા અંગે મતભેદ હતા. પણ હિન્દુઓને સંગઠિત કરવાની વાત સાથે ગોપાલ ગણેશ આગારકર, ગોપાલ કૃષ્ણ ગોખલે, અને લગભગ બધા સમાજ સુધારકો સહમત થયા. એટલું જ નહિ, કેટલાક પારસી આગેવાનોએ પણ ટેકો આપ્યો. સર દિનશા એદલજી વાચ્છાએ એક અંગત પત્રમાં લખ્યું કે અંગ્રેજ સરકાર છૂપી રીતે રમખાણો કરનાર લઘુમતી કોમને મદદ કરતી રહી છે. હકીકતમાં ટિળકની ઝુંબેશ પણ લઘુમતી કોમ સામે નહિ તેટલી અંગ્રેજ સરકાર સામે હતી. બે કોમો વચ્ચેના ઝગડાનો લાભ લઈ શકાય તે માટે સરકાર એક કોમને પ્રોત્સાહન આપે છે એમ તેમનું માનવું હતું.
૧૮૯૩નાં રમખાણો પછી બીજા કેટલાક આગેવાનો સાથે ટિળકે પૂનામાં ચર્ચાવિચારણા કરી. મરાઠી ઘરોમાં તો ગણેશોત્સવની લાંબી પરંપરા હતી જ, પણ હવે એ પરંપરાને સાર્વજનિક રૂપ અને પ્રતિષ્ઠા આપવાનું એ મીટિંગમાં નક્કી થયું. આ નિર્ણય પાછળ પણ લઘુમતી કોમના વિરોધ કરતાં અંગ્રેજ રાજ્સત્તાનો વિરોધ વધુ કારણભૂત હતો.
૧૯૦૧માં કેશવજી નાઈક ચાલમાં ગણેશોત્સવ પ્રસંગે લોકમાન્ય ટિળકે આપેલા ભાષણનો ‘કેસરી’માં પ્રગટ થયેલો અહેવાલ
સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત ભલે પુનાથી થઈ, પણ પછી મુંબઈ સહિત, આખા મહારાષ્ટ્રમાં તેનો ઝડપથી પ્રચાર અને પ્રસાર થયો. એ જમાનામાં ગિરગાંવ એટલે મરાઠી માણૂસ અને તેની સંસ્કૃતિનો ગઢ. આ ગિરગામ વિસ્તારમાં એક રસ્તો, નામ કાંદાવાડી. આજે એ બની ગઈ છે ‘કંકોતરી વાડી’. ત્યાંની પોણા ભાગની દુકાનો કંકોતરી છાપવાનો કે વેચવાનો ધંધો કરે છે. એ રસ્તાનું આજનું સત્તાવાર નામ ખાડિલકર રોડ. એ રસ્તા પર આવેલી એક ચાલ, નામે કેશવજી નાઈક ચાલ. સાર્વજનિક ગણેશોત્સવની પૂનામાં શરૂઆત થઈ તે વર્ષે જ આ ચાલમાં પણ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થયું તેમ આ ચાલની શ્રી સાર્વજનિક સંસ્થાની વેબ સાઈટ પર જણાવ્યું છે. આ ચાલના ૧૯૦૧ના ઉત્સવ વખતે લોકમાન્ય હાજર રહ્યા હતા, અને ભાષણ પણ કર્યું હતું. ૧૯૯૨માં આ ચાલના ગણેશોત્સવની શતાબ્દી ધામધૂમથી ઉજવાઈ હતી. અગાઉ જેમ બહુમતી કોમના લોકો ઉત્સાહપૂર્વક મોહરમમાં ભાગ લેતા હતા તેમ શરૂઆતમાં લઘુમતી કોમના ઘણા લોકો સાર્વજનિક ગણેશોત્સવમાં ભાગ લેતા હતા. મંડપોમાં શરણાઈ કે બીજાં વાદ્યો વગાડનારા તો મોટે ભાગે લઘુમતી કોમના જ હોય.
કેશવજી નાઈક ચાલ
આ ઉત્સવની શરૂઆત ભક્તિભાવ, સાદાઈ અને સંયમથી થઈ હતી. પણ વરસો વીતતાં ગયાં તેમ મુંબઈનો ગણેશોત્સવ વધુને વધુ ખર્ચાળ, ઘોંઘાટિયો અને ઝાકઝમાળવાળો બનતો ગયો. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયા પછી જુદા જુદા રાજકીય પક્ષો પણ પોતપોતાની ખીચડી પકાવવા આવવા લાગ્યા. નાની-મોટી કંપનીઓ જાહેર ખબરો આપવા માટે પડાપડી કરવા લાગી. આખા ઉત્સવનું વ્યાપારીકરણ થઈ ગયું. અને છતાં આજે પણ કંઈ કેટલાંયે ઘરોમાં ભક્તિભાવ અને સાદાઈથી ગણેશોત્સવની ઉજવણી થાય છે. ગિરગાંવ કે દાદરના કોઈ રસ્તા પરથી સવારે કે સાંજે પસાર થતી વખતે એક રૂમ રસોડાવાળાં ઘરોમાંથી ઊઠતો ભક્તિભાવ ભર્યો સ્વર સંભાય છે :
लंबोदर पीतांबर, फणिवरबंधना|
सरळ सोंड, वक्रतुंड त्रिनयना|
दास रामाचा, वाट पाहे सदना|
संकटी पावावे, निर्वाणी रक्षावे, सुरवरवंदना|
जय देव जय देव, जय मंगलमूर्ती|
दर्शनमात्रे मनकामना पुरती॥
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 સપ્ટેમ્બર 2024