આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા!
ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યારે?
પહેલી બિનસરકારી કોલેજ ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલી
આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
દુર્બલ, દીન, નિરાશ, વળેલો,
દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
કવિ કાન્તે જેમની સ્તુતિ આ પ્રાર્થના ગીતમાં કરી છે તે ઈશુ ખ્રિસ્તના પ્રાગટ્યનું ટાણું નાતાલ કહેતાં ક્રિસમસ. પોતાની આગવી ભાષા-શૈલીથી ગુજરાતી ભાષાને રળિયાત કરનાર સ્વામી આનંદ આ પર્વ વિષે ‘ઈશુ ભાગવત’ પુસ્તકમાં કહે છે : ‘લાખુંલાખ વશવાસીયુંના તારણહારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વરસો વરસ આ પરબ ઉજવે. દેવળુંના ઘંટ વાગે, ભજનભગતી થાય, નાનાં છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાનાં ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને ખમાવે. છોકરાંવને સાટું તો આ નાતાળ કેટલાં ય વરસથી મોટો ભાભો થઈ ગ્યો છે. ઈશુ ભગતને ગભરુડાં બાળ બહુ વા’લાં હતાં. અટલેં આ નાતાળ ભાભો ભગતના જલમદંનની આગલી રાતેં ટાઢવેળાનો રૂ-રજાઈની ડગલી પેરીને ને ગોદડિયું વીંટીને વન વગડાનાં હરણિયાં જોડેલ ગાડીમાં વરસોવરસ નીકળી પડે. ગાડીમાં ગોળધાણા, સાકરટોપરાં, કાજુદરાખ ને સક્કરપારાની કોથળિયું ને મઠાઇયુંનાં પડા ખડક્યા હોય. પછેં ગામેગામનાં છોકરાંવ ઊંઘતાં હોય તી ટાણે મધરાતેં ઘરે ઘરે જઈને કોઢારાની ગમાણ્યુંમાં, ચૂલાની આગોઠ્યમાં, ભીંતનાં ગોખલામાં કે નેવાને ખપેડે, એવાં એ ઘરેઘરનાં ભૂલકાંભટુડાં સંધાવેં વાટકી, નળિયું, કોરું કોડિયું, જી કાંય મેલી રાખ્યું હોય તીમાં કાંય ને કાંય ઓલ્યાં પડીકા ને કોથળિયુંમાંથી કાઢીકાઢીને ભાભો સારાં શકનનું મેલી જાય! એકોએક છોકરાંવ જી વશવાસ રાખે તી સંધાયને સવારને પો’ર ઈ જડે. ચોકિયાત થઈને પારખાં લેવા સાટુ જાગરણ કરે ને બેશી રે, તીને ના જડે. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. ભાભો એવાં ચબાવલાં છોકરાંવનું ઘર તરીને હાલે.’ (ભાષા-જોડણી મૂળ પ્રમાણે)
આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આજે આટલે વરસે પણ બરાબર યાદ છે એ ગિરગામ રોડ. એક બાજુ પ્રિન્સેસ સ્ટ્રીટનું નાકું, બીજી બાજુ ઠાકુરદ્વાર રોડનું નાકું. પ્રિન્સેસ સ્ટ્રીટના નાકે વાડિયાજી આતશ બહેરામ. ઠાકુરદ્વારને નાકે ગોરા રામજી કહેતાં ઝાવબા રામ મંદિર. એ બેની વચમાં, દાદીશેઠ અગિયારી લેનને નાકે ચાર માળનું વજેરામ બિલ્ડિંગ. ચીરા બજારના વિસ્તારમાં ખ્રિસ્તી વસ્તી. મુખ્યત્વે મધ્યમ કે નીચલા મધ્યમ વર્ગની. નાતાલના આઠ-દસ દિવસ પહેલાંથી રોજ સાંજે ફૂટપાથ પર કાગળનાં ફાનસ કહેતાં કન્દીલ અને પૂંઠાના સ્ટાર વેચાવા લાગે. એ વખતે મોટે ભાગે આવી વસ્તુઓ ચીની સ્ત્રીઓ બનાવે અને વેચે. દરેક ખ્રિસ્તી કુટુંબ બે-ચાર ફાનસ અને એક સ્ટાર તો જરૂર ખરીદે. ખાસ પ્રકારના રંગીન કાગળની ગડીઓ વાળીને બનાવેલાં ફાનસ. ઉપર નીચે જાડું પૂંઠું. ઉપર ગોળ બાકોરું. ત્યારે હજી ફાનસમાં ઇલેક્ટ્રિક બલ્બ મૂકવાનો ચાલ નહોતો. સળગાવેલી મીણબત્તી ઉપરના બાકોરામાંથી નીચેના પૂંઠા પર ચોડવાની અને પછી ધીમે ધીમે ફાનસ ખોલવાનું. ઉપર ઝીણો તાર બાંધ્યો હોય તેના વડે ફાનસ બાલ્કની, બારી, કે ગેલેરીમાં લટકાવવાનાં. સાથે પેલો સ્ટાર પણ ખરો જ.
એ જમાનામાં સોનાપુરની બાજુમાં મોટું ખ્રિસ્તી કબ્રસ્તાન. (આજે ત્યાં સ.કા. પાટિલ ઉદ્યાન છે.) ત્યાં સુધી જતી એક સાંકડી ગલીમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચ. નાતાલને આગલે દિવસે બપોરથી એ દેવળમાં માસ કહેતાં પ્રાર્થના થાય. ખ્રિસ્તી શ્રદ્ધાળુઓનાં ટોળાં ચર્ચમાં જવા બપોરથી નીકળી પડે. પોતાની પાસે જે સારામાં સારાં કપડાં હોય તે પહેરે. ઘણાં માથે કાગળની રંગબેરંગી ટોપી પહેરે. બાળકો જ નહિ, મોટેરાં પણ મોટે મોટેથી પીપૂડાં વગાડતાં હોય. ઓચ્છવનું વાતાવરણ. રાતે બાર વાગે ફટાકડા ફૂટે ને હવાઈઓ આકાશને અજવાળે. એ વખતના લોકો વધારે સહિષ્ણુ હતા કે નહિ, એ તો જિસસ જાણે, પણ આવી આવી વાતોથી કોઈ વર્ગની લાગણીઓ દુભાઈ ન જતી. પોલ્યુશનનો હાઉ બતાવી લોકોની બે ઘડીની મોજને મારવાનું સૂઝતું નહિ કોઈને. અને જાહેર જીવનમાં એક ધરમવાળા બીજા ધરમવાળાની આભડછેટ ઓછી પાળતા. એ વખતનું મુંબઈ ઘણે અંશે આચાર-વિચારનું, ભાષાઓનું, સંસ્કૃતિઓનું સંગમસ્થાન હતું. ના, melting pot નહિ, પણ salad bowl. પોતાપણું જાળવીને પણ એકબીજા સાથે સમજણ, સંપ, અને સહકારથી જીવી શકાતું.
અમારા કુટુંબનું વાતાવરણ અમુક બાબતમાં મુક્ત. જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી ઉજવાય તો નાતાલ કેમ નહિ? એટલે અમારી ૫૦-૬૦ ફૂટ લાંબી ગેલેરીમાં રંગબેરંગી ફાનસ બંધાય. ઘરમાં ઈશુનો એક લાકડાનો કટ-આઉટ હતો તેની સામે મીણબત્તી પેટાવાય. છતાં મુક્તિને પણ મર્યાદા તો ખરી જ. શુદ્ધ શાકાહારી ઘર. એટલે કેકને તો હાથ પણ ન લગાડાય! બરાબર યાદ છે. મારા મોટા ભાઈને ભણાવવા પારસી મણિબાનુ આવતાં. દર વરસે પતેતીને દિવસે ઘરે બનાવેલું સોજ્જું મજાનું કેક લઈને આવે. પણ એવન જાય પછી કેક જાય સીધું કચરાના ડબ્બામાં. એટલે નાતાલ કે નવે વરસે ઘરમાં કેક લાવવાનો તો સવાલ જ નહિ.
કેક આવે કે ન આવે, પણ આ ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યાંથી? ક્યારથી? સાધારણ રીતે ઘણાં માને છે કે અંગ્રેજો આવ્યા અને સાથે ખ્રિસ્તી ધર્મ લાવ્યા. પણ ના. આ ધર્મ તો ઘણો વહેલો અહીં આવી ગયો હતો. કોસ્માસ ઇન્ડિકોપ્લેસ્ટસ નામનો એક ગ્રીક વેપારી. વેપાર માટે રાતો સમુદ્ર અને હિન્દી મહાસાગર ખૂંદી વળેલો. દેશ દેશનાં પાણી પીધેલાં. પરિણામે જે અનુભવો થયા, જે જાણકારી મળી તેને આધારે લખ્યું સચિત્ર પુસ્તક ‘ક્રિશ્ચિયન ટોપોગ્રાફી’. આ પુસ્તક લખાયું ઈ.સ. ૫૫૦ની આસપાસ. હિન્દુસ્તાનની મુસાફરી દરમિયાન એ મુસાફરે પશ્ચિમ કાંઠાનાં ઘણાં બંદરની મુલાકાત લીધેલી. એ વખતે થાણા, કલ્યાણ, સોપારા, રેવ દાંડા વગેરે મોટાં બંદર. દેશી-પરદેશી વહાણો વિદેશ સુધી આવન-જાવન કરે. આ પ્રવાસીએ તેના પુસ્તકમાં લખ્યું છે કે કલ્યાણ બંદરે તેણે ખ્રિસ્તીઓની વસાહત જોઈ હતી અને તેમના બિશપની નિમણૂક પર્શિયાથી થતી હતી. એટલે કે છેક છઠ્ઠી સદીમાં પણ મુંબઈ નજીક ખ્રિસ્તીઓની વસતી હતી. એ પછી બીજો ઉલ્લેખ મળે છે ઈ.સ. ૧૩૨૧માં. ફ્રેંચ પાદરી જોર્ડાનસ ઓફ સેવેરાક નોંધે છે કે એ વખતે થાણામાં ૧૫ ખ્રિસ્તી કુટુંબો વસતાં હતાં. તે પોતે સોપારા(મૂળ નામ શૂર્પારક, આજનું નામ નાલાસોપારા)ની ખ્રિસ્તી વસાહતમાં રહી ધર્મપ્રચાર કરતા હતા.
રેવ ડાંડાના ચર્ચના અવશેષ
૧૫૩૪માં પોર્ટુગીઝોએ વસઈ, સાલસેટ, થાણા અને મુંબઈ પર કબજો જમાવ્યો. તેમનાં વહાણોમાં સૈનિકોની સાથોસાથ પાદરીઓ પણ હતા. આ પાદરીઓ આસપાસના મુલકમાં પથરાઈ ગયા અને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચારનું કામ શરૂ કર્યું. તેમણે સૌથી પહેલું પોર્ટુગીઝ ચર્ચ ચૌલ (રેવ ડાંડા) ખાતે ઊભું કર્યું. આજે તેના માત્ર થોડા અવશેષ જોવા મળે છે. આજના મુંબઈમાં આવેલાં ચર્ચમાં સૌથી જૂનું મનાતું સેન્ટ માઇકલ્સ ચર્ચ પણ પોર્ટુગાલના ફ્રાન્સિસ્કન સંપ્રદાયે બંધાવેલું. આજના માહિમમાં આવેલું આ ચર્ચ ઈ.સ. ૧૫૩૪માં બંધાયેલું. જો કે એ પછી વખતોવખત આ ચર્ચ ફરી બાંધવામાં આવ્યું છે. અત્યારે જે ઈમારત ઊભી છે તે તો છેક ૧૯૭૩માં બંધાયેલી છે. આ ઉપરાંત દાદર અને ગિરગામ ખાતે પણ પોર્ટુગીઝ ચર્ચ આજે ય ઊભાં છે.
સેન્ટ માઈકલ્સ ચર્ચનું જૂનું મકાન
કંપની સરકારની રાજવટ દરમ્યાન સૌથી વધુ મહત્ત્વનું ગણાતું ચર્ચ હતું આજના હોર્નિમેન સર્કલ પર આવેલું સેન્ટ થોમસ કેથિડ્રલ. આખા મુંબઈનું એ કેન્દ્રબિંદુ મનાતું અને શહેરમાં જુદી જુદી જગ્યાએ માઈલ સ્ટોન પર જે અંતર બતાવવામાં આવતું તે આ ચર્ચથી બતાવાતું હતું. હજી સુધી વખતોવખત આવા માઈલ સ્ટોન શહેરના જુદા જુદા ભાગોમાંથી મળતા રહે છે. ૧૬૬૧માં પોર્ટુગીઝો પાસેથી ચાર્લ્સ બીજાને મુંબઈ દાયજામાં મળ્યું. ૧૬૬૮માં રાજાએ તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વરસે ૧૦ પાઉન્ડના ભાડાથી આપી દીધું. તે પછી જેરાલ્ડ ઓન્ગિયાર મુંબઈના ગવર્નર હતા તે દરમ્યાન ૧૬૭૬માં આ ચર્ચનો પાયો નખાયો. પણ એનું બાંધકામ પૂરું થયું ચાલીસ વરસ પછી! ૧૭૧૮માં આજના દિવસે, એટલે કે ક્રિસમસના દિવસે, તેને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. મુંબઈના કિલ્લાના ત્રણ મુખ્ય દરવાજા તે બઝાર ગેટ, ચર્ચ ગેટ, અને એપોલો ગેટ. તેમાંના ચર્ચ ગેટ સાથે રસ્તાથી જોડાયેલું તે ચર્ચગેટ સ્ટેશન. મુંબઈમાં કંઈ કેટલાં ય નામ બદલાઈ ગયાં, પણ સારે નસીબે આ નામ હજી બચી ગયું છે.
વિલ્સન કોલેજ
પણ ખ્રિસ્તીઓએ મુંબઈમાં માત્ર ચર્ચ જ નથી બાંધ્યાં. ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાનારી સૌથી પહેલી બિનસરકારી કોલેજ પણ ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલી, વિલ્સન કોલેજ. તેની શરૂઆત ૧૮૩૨માં આમ્બ્રોલી ઇંગ્લિશ સ્કૂલ તરીકે ગિરગામ વિસ્તારમાં સ્કોટિશ મિશનરી રેવ. જોન વિલ્સને કરી હતી. ૧૮૩૬માં એ સ્કૂલમાં ‘કોલેજ વિભાગ’ શરૂ થયો. ૧૮૬૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે તે યુનિવર્સિટી સાથે કોલેજ તરીકે સંલગ્ન થઈ. ગિરગામ ચોપાટી પરનું તેનું મકાન ૧૮૮૯માં બંધાઈ રહ્યું હતું. આ કોલેજનો મોટો (ધ્યાનમંત્ર) છે વિશ્વાસ આશા પ્રેમ. ના. વચમાં અલ્પ વિરામ નથી કારણ આ ત્રણ અલગ શબ્દો નથી. એક જ પરમકૃપાળુ પરમાત્માનાં ત્રણ પાસાં છે, કહો કે આ ત્રિમૂર્તિ છે. આજે નાતાલના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે વિશ્વાસ આશા પ્રેમનું પવિત્ર ઝરણું આપણને સૌને પાવન કરતું રહે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 ડિસેમ્બર 2021