આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ જો પાટણની પીડિતાને – મેઘાણીની ચારણ કન્યાની યાદ અપાવે એમ સડેલા શિક્ષણસમાજ સામે કાનૂનની કડિયાળી સાથે ફરી વળેલી પીડિતાને – સલામ કરવાનું બન્યું હતું તો બરાબર મહિલા દિવસે જ, ઘડી બે ઘડી કે એકાદ દિવસ પૂરતી 'મુક્ત' બનેલી ઇરોમ શર્મિલાને સલામ પાઠવવાનો ખયાલ છે.
સાતમી માર્ચે છૂટેલી અને નવમી માર્ચે વળી પકડાયેલી (પાલીસદાર પોલીસ ભાષામાં 'પ્રોટેક્ટિવ કસ્ટડી'માં લેવાયેલી) આ મણિપુરી કન્યાનો ઉપવાસ-સિલસિલો સાત કરતાં વધુ વરસથી જારી છે. એનો આ પ્રતિકાર મણિપુરમાં વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) ઍક્ટ અન્વયે અઘોષિત કટોકટીરાજ સરખી મનમુરાદ સત્તા સામે છે. આ કાયદાને ધોરણે લશ્કરને અપાયેલ અધિકારનો કોઈ સુમાર નથી. વગર વૉરન્ટે અટકાયતથી માંડીને સહેજ અમથી શંકા પડી કે શુટ લગીનાં વાનાંની સોઈ (બલકે પરવાનો) એમાં છે.
આસામ રાઈફલ્સે આ જોગવાઈ બાબતે કેવી અમાનવીય મનમાની ચલાવી હશે એનો અંદાજ જુલાઈ ૨૦૦૪માં મણિપુરની મહિલાઓએ યોજેલા એક ઐતિહાસિક વિરોધ નિદર્શનથી મળી રહે છે. બાર જેટલી મણિપુરી મહિલાઓ ત્યારે આસામ રાઈફલ્સના મથક સમક્ષ નિર્વસ્ત્ર થઈને 'રેઈપ અસ' ('અમારા પર બળાત્કાર ગુજારો')ના બૅનર સાથે ઊભી રહી ગઈ હતી. મનોરમા નામની એક તરુણીને આસામ રાઈફલ્સના જવાનોએ હવસથી ચૂંથી કાઢી મારી નાખી, તેની સામેનો એ વિરોધ દેખાવ હતો.
આ બાર નિર્વસ્ત્રાઓ પૈકીની એક, ઈમા આજે કેટલોયે માર ખમી ઘોડીથી ચાલે છે; પણ લડતને ઘોડેથી ઊતરવાનું અઠ્ઠાવન વરસની આ ઈમાને બહાલ નથી. 'મણિપુર આખું અંદેશા અને અજંપાની જિંદગી બસર કરતું હોય ત્યારે હું કેવી રીતે જંપીને બેસી શકું?' એ કહે છે. આજકાલ ઈમાની ઝુંબેશ મણિપુરમાં છેલ્લાં વરસોમાં નકલી ઍન્કાઉન્ટરોએ જે ઉપાડો લીધો છે એની સામે છે. મારો તો એકોએક દિવસ, મહિલા દિવસ, ઈમા કહે છે.
વાતની શરૂઆત આપણે ઈરોમ શર્મિલાથી કરી હતી. ૨૦૦૦ની સાલમાં બીજી નવેમ્બરે આસામ રાઈફલ્સે કેટલાંક નિર્દોષ માણસોને બસ એમ જ ઢાળી દીધાં હતાં, 'શંકા પરથી શુટ' ને ધોરણે 'મુલ્કી સત્તાને સહાયરૂપ થવા' સ્તો. એ દિવસે ગુરુવાર હતો. શર્મિલા બચપણથી ગુરુવાર કરતી ને ખાવામાં અણોજો પાળતી. નિર્દોષ માણસોની કતલે એને મૂળસોતી હચમચાવી મેલી, અને ગુરુવાર અનંત બની ગયો. લાંબી ભૂખ હડતાળ અને વળી પોલીસ ધારા પરાણે પ્રાશન (ફોર્સ ફીડિંગ), આ એની નિરંતર નિયતિ એ પછી રહી છે. વચમાં પાંચેક મહિના માટે એને દિલ્હી રખાઈ હતી. હમણાં સાતમી માર્ચે એને છોડી તો છૂટતાં વેંત એનો પહેલો ઉદ્ગાર હતો, જંગ જારી છે. ઉપવાસ ચાલુ રહેશે. વળી નવમી માર્ચે એને 'પ્રોટેક્ટિવ કસ્ટડી'માં લેવાઈ છે.
શર્મિલાને ઉમેદ છે કે ક્યારેક તો એનાં આ બેમુદત અનશન સત્તાવાળાઓના અંતરાત્માને ઢંઢોળશે, કે છેવટે દેશબાંધવોને એ હદે હલાવશે કે તેઓ બગાવત પોકારશે. ભારત સરકારે ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઑન સિવિલ ઍન્ડ પોલિટિકલ રાઈટ્સ (ઈસીઓસીએપીઆર – નાગરિક અને રાજકીય અધિકારોની આંતરરાષ્ટ્રીય સમજૂતી) પર દસ્તખત કર્યા હોઈ વિશ્વમતની સક્રિયતાની પણ એને આશા છે.
વિશ્વભરમાં આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) ઍક્ટ પ્રકારના કાયદાઓના અમલનો જે અભ્યાસ થયો છે એનું તારણ એ છે કે વિભિન્ન પ્રદેશોમાં હિંસ્ર ઉઠાવ (ઇન્સર્જન્સી) અને અતિઅલ્પ વિકાસ (અંડરડેવલપમેન્ટ) વચ્ચે નાભિસમ્બન્ધ રહેલો છે, અને આ ઉઠાવ સાથે કામ લેતી વખતે આમ જનતા જોડે જે મનમુરાદ બળપ્રયોગ થાય છે એથી લોકો શાસન અને શાસનપ્રથાથી ઓર વિમુખ બને છે. (મુક્ત ચૂંટણી સાથે કંઈક આશ્વસ્ત બનેલ જમ્મુ-કાશ્મીરમાં એ એફએસપીએ ના અમલને હળવો કરવાની સત્તાવાર વિચારણાના નિર્દેશો આ નોંધ લખાઈ રહી છે એ કલાકોમાં જ મળી રહ્યા છે એ બીના સૂચક એટલી જ સ્વાગતાર્હ છે.)
આપણે ત્યાં ૧૯૫૮માં સંસદે આ કાયદો પસાર કર્યો ત્યારે ચર્ચામાં ભાગ લેતાં સભ્યોએ આ કાયદાને કારણે બંધારણની કલમ ૩૨ (૧) નો છેદ ઊડી જાય છે તેની તરફ ધ્યાન દોર્યું હતું. ૩૨ (૧) અદાલતનાં દ્વાર ખટખટાવવાનો અધિકાર આપે છે, જે આ કાયદાથી હણાય છે. બંધારણ સભાની ચર્ચા દરમ્યાન આંબેડકરે કહ્યું હતું કે મારે કોઈ એક જ કલમ બંધારણના હાર્દરૂપ ગુણાવવાની હોય તો હું ૩૨ (૧)નું નામ સર્વપ્રથમ લઉં, કેમકે નાગરિકને માટે ન્યાય મેળવવાનું એ સિંહદ્વાર છે.
અનશને કરીને બરડ હાડકાની થઈ ગયેલી, પણ હાડની નક્કુર શર્મિલાનો સાદ અને આ પ્રકારના જુલમી ('એન્ટિ-ટેરર' !?) કાયદાઓનું દુર્દૈવ વાસ્તવ બેઉ આપણી સમજ અને સક્રિયતાનાં દ્વાર ખટખટાવી રહ્યાં છે.