પ્રશ્ન : શું કરવું ?
ઉત્તર : ચીભડાં બીજી વાડમાં વાવવાં.
પ્રશ્ન : બધી વાડ ચોર માસિયાઈ બહેન હોય તો શું કરવું ?
ઉત્તર : દરેક ચીભડાંને વ્યક્તિગત અંગરક્ષક આપવો.
પ્રશ્ન : મોટા ભાગના અંગરક્ષકો વાડના માલિકોના સાગરીતો નીકળે તો શું કરવું ?
ઉત્તર : જરા થોભો, તમે કઈ વાડ અને કયાં ચીભડાંની ચિંતા કરો છો ?
પ્રશ્ન પૂછનાર દલા તરવાડી : અરે ભાઈ, ક્યાંથી શરૂ કરું ? મા-બાપ અને કુટુંબની બનેલ વાડ નંબર એક. એનાં ચીભડાં તે એમનાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો. શાળા-મહાશાળાઓનાં સંકુલો તે વાડ નંબર બે. તેમાં ભણનારાં ભૂલકાં, બાળકો અને યુવાનો તે એમાંનાં ચીભડાં. ચર્ચના પાદરીઓ, મસ્જિદના ઈમામ અને મંદિરના મહંતોની જમાત તે વાડ નંબર ત્રણ. જે તે ધર્મના શ્રદ્ધાળુઓ, અનુયાયીઓ અને ભક્તો થયાંને તેમનાં ચીભડાં ? પંચાયતના સભ્યો, સરપંચ, ધારાસભ્યો, લોકસભાના સભ્યો, મંત્રીઓ અને પ્રધાનમંત્રી એ બધા ભેળા મળીને રચે વાડ નંબર ચાર. એમને ચૂંટીને સત્તારૂઢ કરે તે આમ પ્રજા તે ચીભડાં જ કે બીજું કાંઈ ? સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ (જેને આધુનિક યુગમાં Non-Government Organisationsના રૂપાળા નામથી ઓળખવામાં આવે છે) એ વળી નવી વેજા છે, એટલે એ થઈ વાડ નંબર પાંચ. એના લાભાર્થી વંચિત અને પછાત પ્રજાને મળે ચીભડાંનું બિરુદ. ડોકટરો અને વૈદ્યનાં લશ્કરની વાડ તે આપણી વાડ નંબર છ. જેના વિના ચાલે નહીં અને જેની પાસે જવું પાલવે નહીં તેવી. તો દર્દીઓ ચીભડાં કહેવાય. પોલિસ અને ન્યાયતંત્રને ગાંઠે બાંધો તો વાડ નંબર સાત બને. ગુનાઓના ભોગ બનેલા અને ન્યાયતંત્રની અડફેટે આવેલા તમામ ત્રસ્ત લોકો ચીભડાંની કક્ષામાં મુકાય. બોલો, હજુ વધુ વાડના પ્રકાર અને ચીભડાંની જાત ગણાવું ? અહીં એક નોંધ લેવી ઘટે કે કોઈ વ્યક્તિ એક કરતાં વધુ વાડમાં સક્રિય હોઈ શકે અને કોઈ એક ચીભડું એક કરતાં વધુ વાડ દ્વારા ગળવામાં ય આવે એવું બને.
જે મા-બાપ પાસે બાળક સહુથી વધુ સુરક્ષિત હોય, જ્યાં એને નિર્વ્યાજ પ્રેમ મળે, જ્યાં એનું યોગ્ય લાલન-પાલન થાય એ જ જન્મદાતા તેને જન્મતાની સાથે ત્યજી દે, તેની અવગણના કરે, પૂરતું પોષણ ન આપે, શોષણ કરે, અત્યાચાર કરે, મજૂરી કરાવે, કાઢી મૂકે અને અંતિમ કિસ્સાઓમાં જાન પણ લે એવું બને ત્યારે એ ચીભડું ક્યાં જાય ? એવી જ રીતે સ્ત્રીઓ અને વૃદ્ધોનું જે કુટુંબમાં સ-આદર ભરણ-પોષણ થવું જોઇએ, કાળજી ભરી સંભાળ લેવાવી જોઇએ એ જ ઘરના સભ્યો સ્ત્રીને તરછોડી દે, શારીરિક-માનસિક ત્રાસ આપે, વડીલોની અવગણના કરે એવું પણ બને છે. અધૂરામાં પૂરું એ ત્રસ્ત બાળક, સ્ત્રી કે વૃદ્ધ કુટુંબની વાડ ઠેકીને કોઈ સામાજિક સંસ્થાની વાડમાં પનાહ લે તો ત્યાં ય વળી બાલાશ્રમ કે વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓ પણ ભલું હોય તો ખાતર-પાણી પાઈને ચીભડાંની સંભાળ રાખે, નહીં તો એમને તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થાય.
વિદ્યા મંદિરમાં ઈશ્વરદત્ત બુદ્ધિ પ્રતિભારૂપી બંધ કળીઓ લઈને ભૂલકા આવે તેમને અક્ષર અને અંક જ્ઞાનની દાંડી પર ચડતાં શીખવી મહાશાળા સુધી પહોંચતાં સુધી પૂર્ણ વિકસિત સુગંધિત પુષ્પ બનાવે તેવા શિક્ષકો અને અધ્યાપકો હોવા જોઇએ, તેને બદલે શિક્ષણને વેપારી ત્રાજવે તોળીને પોતાના પગાર કે પરિણામના નફા-નુકસાનની ગણતરી કરનારા શિક્ષકો અને અધ્યાપકો ભાવિ પેઢીની તમામ સંભવિત શક્તિઓ ગળી જાય છે. સરકારી નિશાળો નધણિયાતી થવા લાગી એટલે ખાનગી શાળા-મહાશાળાઓનો રાફડો ફાટ્યો. તેમાં તો વળી બૌદ્ધિક અને વૈચારિકની સાથે આર્થિક પાસાનું પણ સુનામીનાં ધોરણે ધોવાણ ચાલે છે. શાળાના શિક્ષકો ભણાવે નહીં એટલે ‘ટ્યુશન’ નામની એક શૈક્ષણિક પેટા વાડમાં (કેવો મોટો ઉપહાસ છે આ શિક્ષણ શબ્દનો?) ચીભડાં ઊગવાં મુકાય છે જેમાંથી માત્ર ખાલી તુંબડાં જ બહાર પડે છે.
ધર્મ અને અધ્યાત્મ એ માનવસર્જિત વિભાવના છે જેનો મૂળ હેતુ માનવ માત્રને સૃષ્ટિ અને સમષ્ટિનું સમ્યક જ્ઞાન આપવાનો અને એક રૂડી આચાર સંહિતા આપવાનો હતો અને છે. ધાર્મિક પુસ્તકો અને ધર્મગુરુઓ સારા શિક્ષકોની માફક લોકોને એ જ્ઞાન ઉપલબ્ધ કરાવી આપનારા અચ્છા રાહબર હોવા જોઇએ. તેની બદલે પોતાના ધર્મનો મર્મ સમજવા માગતા જિજ્ઞાસુઓ, દુનિયાનાં દુ:ખદર્દથી તપ્ત બનેલા શ્રદ્ધાળુઓ અને ધર્મની કેડીએ ચાલવા મથનારા અનુયાયીઓને ધાર્મિક પુસ્તકોમાંના લખાણનો અવળો અર્થ સમજાવીને તથા કહેવાતા સાધુ, સંતો, મહંતો અને પુરોહિતો અનેકાનેક રૂઢ રીત-રિવાજોમાં ફસાવીને પ્રજાને ગેર માર્ગે દોરી જવાનું દુષ્કૃત્ય કરતાં લજાતા નથી. ધર્મ આજે લોકને સુરક્ષિત રાખનારી વાડને બદલે વાડાબંધી કરનારી કાંટાળી હિંસક વાડ બની રહ્યો છે. પાદરી, ઈમામ કે મહંત તેમને શરણે આવેલાનું જાતીય શોષણ કરે કે ભોળવીને લૂંટ ચલાવે તો ધર્મ પ્રિય પ્રજા કઈ વાડમાં માથું ટેકવવા જાય?
સ્થાનિક, પ્રાન્તીય, રાજ્ય સ્તરની અને રાષ્ટ્રીય કક્ષાએ વહીવટીય માળખામાં સ્થાન ભોગવતા હોદ્દેદારોની ફરજ પ્રજાના અધિકારોનું રક્ષણ કરવાની રહે છે તેને બદલે પોતે અને પોતાના મળતીઅાઓને હાથે બેફામ રીતે માનવ અધિકારોનો ભંગ કરીને પણ મતદારોનું હિત જોખમમાં મુકવું એ સામાન્ય બાબત બની ગઈ છે. જુઓને, ગુજરાત હવે SEZ, SIR, PCPIR, અને DMIC જેવા પ્રભાવિત કરે એવાં ઔદ્યોગિક સંકુલોની ધરા તરીકે નવી ઓળખ પામી રહ્યું છે જેની બાકીના ભારત દેશને ઈર્ષ્યા આવે છે. આ પદ કેમ મળ્યું તે જાણીએ છીએ? એને માટે સરકારરૂપી વાડ તમામ ખેતીલાયક જમીન, જંગલો અને રહેણાક વિસ્તારની જમીનો ઓળવી જઈને દેશ-વિદેશના પાંચ અતિ ધનાઢ્ય ઉદ્યોગ સાહસિકોને ચરણે ધરી દીધી, ત્યારે આ શક્ય બન્યું છે. બ્રિટિશ સરકારે દુષ્કાળના સમયમાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં કર નાખ્યો તેના વિરોધમાં બારડોલીનો સત્યાગ્રહ થયો અને આજે એ જ ખેડુ સાવ નિર્માલ્ય બનીને પોતાની માતા સમાન ધરતીનું લીલામ જોયા કરે છે, એ પુરવાર કરે છે કે જ્યારે પારકો રાજા લુંટે, ત્યારે લડી-ઝઘડીને પોતાની સંપત્તિની રક્ષા કરી શકાય પણ પોતાના માઈ-બાપ સમાન સરકાર તમારો મૂળભૂત અધિકારરૂપી આજીવિકાનું સાધન ઝૂંટવી લે ત્યારે પગ પાંગળા બનીને જમીનમાં જડાઈ જાય. રાજાશાહી ઘણી વખોડાઈ, પણ યાદ છે એવા કિસ્સાઓ જ્યારે ગામના કુંભાર, ખેડુ કે વણકરની રોજી-રોટી પર કોઈ શાહુકાર કે વેપારીની બૂરી નજર પડે તો એ રાજા પાસે ધા નાખી શકતો અને તેને એવા ગીધડાઓ સામે પૂરતું રક્ષણ મળતું. હવે કોલસા અને ખનીજો મેળવવા, આધુનિકતાને નામે નવી વસાહતો ઊભી કરવા સરકાર પોતે જ નાના કારીગરો અને ઉત્પાદકોના સાધનોનું સામૂહિક લીલામ કરી મારે તો લોકશાહી હોવા છતાં લોકો કોની પાસે ધા નાખે? સરકાર સહુથી મોટી વાડ છે જે એની અંદર ઊગનારાં ચીભડાંનો સંસ્થાકીય ધોરણે સર્વનાશ કરવામાં આવે છે. જ્યારે રાજ્ય અનીતિમય રીતે માનવ અધિકારનું ભક્ષણ કરીને પ્રજાનું રક્ષણ કરવાનું ચૂકી જાય ત્યારે સામાન્ય લોકો કોની પાસે દોડે?
સરકાર જયારે શિક્ષણ, સ્વાસ્થ્ય, ડોકટરી સારવાર, ઉદ્યોગ-વેપારની ફરજો બજાવવામાંથી હાથ ધોઈ બેસે, ત્યારે કેટલાક ઉદારહૃદયી આત્માઓ પરમાર્થી બનીને તેમની વહારે આવ્યા અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ એટલે કે Non-Government Organisationsના ધ્વજ નીચે સેવા કરવા લાગ્યા. એમના થકી ઘણાં સુકૃત્યો થયાં છે તેમાં શક નથી. તકલીફ એટલી જ છે કે સરકારી વૃદ્ધાશ્રમમાં ભૂખમરા કે અવગણનાનો ભોગ બનેલ વડીલો જયારે ખાનગી આશ્રય સ્થાનોમાં જાય ત્યાં પણ જો તેમની એવી જ હાલત થાય તો તેમને બીજે કશે જવાનો માર્ગ નથી હોતો, એ જાણતા હોવાથી ત્યાં પણ થોડે ઘણે અંશે ચીભડાં ગળવાનું બનતું હોય છે કેમ કે આખર સરકારી વૃદ્ધાશ્રમમાં રસોઈ કરનાર, નર્સિંગ કરનાર અને સંભાળ રાખનાર કર્મચારીગણ જ પૂરતા પગાર અને કામ કરવાની યોગ્ય સુવિધાના અભાવને કારણે છુટ્ટા થઈને ખાનગી ક્ષેત્રમાં આવતા હોય છે, પણ તેમની સ્વાર્થી વૃત્તિ અને ક્રૂરતાને પાછળ છોડી નથી આવતા.
વૈદકીય – ડોકટરી સારવાર એ એક ઉમદા વ્યવસાય ગણાતો જેમાં સેવાની ભાવનાવાળા લોકો જતા. શારીરિક પીડા ભોગવતા દર્દીને મન અને શરીરની પૂરી તપાસને અંતે એમના દર્દને શક્ય તેટલું નિર્મૂળ કરવાની એ કારકિર્દીમાં ઉત્તમ તક હોય છે. એટલે જ તો આધુનિક સમયમાં લોકો અંબામા કે શિરડીના સાઈબાબાને શરણે જવાને બદલે હૃદયરોગના નિષ્ણાત કે ડાયાબિટોલોજીસ્ટ પાસે જઈને પોતાના દુ:ખ દૂર કરવાની યાચના કરે છે. પણ એ દેવ સમાન ડોકટરો જયારે દર્દી કેટલો ભોગ ધરાવી શકે છે એ ખાતરી કર્યા પછી જ તેની નાડી તપાસે અને ‘ચણે તો ચકલું નહીં તો મોર’ એ સિદ્ધાંતે મોં માગ્યા દામ લઈ, દવા પધરાવી દેનારા વેપારીઓ બને, ત્યારે લાચાર દર્દી ક્યાં જાય? વળી, સરકારી દવાખાનાઓમાં સાધનોના અભાવે અને નિષ્ણાત ડોકટરો ન મળવાને કારણે, ઉત્તમ સારવાર મેળવવાની શોધમાં ખાનગી દવાખાનાઓના પગથિયાં ઘસનારા દરીઓ દેવાના દરિયામાં ડૂબી જાય એટલે રોગ જીવલેણ ન હોય પણ ડોક્ટરની ફીઝ એમનો જાન બચાવે, તો ય કુટુંબને પાયમાલ કરે તેવી હાલત છે. એવામાં સરકારી સેવા હૈયું બાળે તો ખાનગી વેપાર હાથ કાપે એવો ન્યાય થતો હોવાથી પ્રજા તદ્દન લાચાર બને. એ કઈ વાડીમાં ખાતર-પાણી લેવા જાય?
ભારત અને તેના જેવા બીજા અનેક દેશોમાં ભ્રષ્ટાચારી પોલિસ અને ન્યાયતંત્ર એ હરકોઈ પ્રજાજનનો મોટો માથાનો દુખાવો બની ગયો છે. દુનિયાનો સહુથી મોટો લોકશાહી દેશ હોવાનું ગૌરવ લેનારો આપણો દેશ તેના નાગરિકોના રક્ષણની બાબતમાં ઘણો પછાત છે. પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોના મૂળભૂત અધિકારો અને સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમ જ સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને કાયદાઓ ઘડે, તેનું પાલન થાય છે તે જોવાની ફરજ પોલિસ દળની રહે અને તેનો ભંગ કરનારને ન્યાય તોળી સજા કરવાનું ફરમાન ન્યાયતંત્ર કરે તેવી અપેક્ષા હોય. તેમાનું કયું કામ આ વાડ યોગ્ય રીતે કરે છે? ભારતના નાનામાં નાના બાળકને પૂછશો કે સૌથી વધુ ભ્રષ્ટતા ક્યાં આચરવામાં આવે છે? તો જવાબ હશે, ‘પોલિસ અને ન્યાયતંત્રમાં.’ લઘુમતી કોમની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની હોય તે ખરું ને? બહુમતી સમાજ સાથે તેમને મુઠ-ભેડ થાય તે પોલિસને ફરિયાદ કરે બરાબરને? હવે જો પોલિસ પોતે જ લઘુમતી કોમ માટે ભેદભાવભર્યું વલણ ધરાવતી હોય તો એ શાને લઘુમતી કોમના સભ્યોનું રક્ષણ કરે, ભલા? થાકીને એ પ્રજા ધારાસભ્ય, મંત્રી કે ન્યાયાલયમાં ધા નાખે, પણ એ બધા જાતિ, કોમ અને જ્ઞાતિવાદના વાડાઓથી ખદબદતા ચોર-માસિયાઈ હોય તો લોક કોની તરફ જુએ? જ્યાં મુખ્ય મંત્રી પોતે ઊઠીને કોમી રમખાણો શાંત કરવાં પગલાં ભરવાની સૂચના ન આપે, એટલું જ નહીં પોલિસ કે અન્ય જૂથો બહુમતી જન સંખ્યાને ભડકાવે તો પણ મંત્રીશ્રી રોમના નીરોની માફક આંખ આડા કાન કરે અને ન્યાયતંત્ર ‘અપૂરતા પુરાવાને કારણે’ એ ગુનેગારો પર કામ ન ચલાવે તો છેવટ લઘુમતી કોમના સભ્યો કોની રક્ષા માગવા જાય?
લાગે છે કે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષોમાં ઉપર ગણાવી તે બધી વાડો બેઠા બેઠા પોતાનાં જ ચીભડાં ગળવાનું કામ કર્યે જતી હતી. વૈકલ્પિક સમાજ અને અર્થ વ્યવસ્થા, વહીવટી અને ન્યાયતંત્ર ઊભા નહીં કરીએ ત્યાં સુધી ચીભડાં એક વાડથી બીજી વાડ ઠેકતાં રહેશે અને વાડ એક નહીં તો બીજાં ચીભડાંને ગળતા રહેશે.
e.mail : 71abuch@gmail.com
![]()



હમણાં જ મને દિલ્હીમાં અરુણા રોય મળ્યાં તો તેમણે મને સીધો જ સવાલ પૂછ્યો કે શું મોદીજી સત્તા પર આવશે તો સને ૧૯૭૭માં આવેલું કટોકટી રાજય ફરીથી આવશે? આવો જે ભય લોકોના મનમાં પેસાડી દીધો છે તે કાંતો તે ભય કાલ્પનિક( ઇરેશનલ) છે કે પછી સાચો ભય છે? એક સમયે કટોકટી આવી ફરી શું કટોકટી ન આવે? ખરેખર આ ભય વાસ્તવિક (જેન્યુઇન) કે કૃત્રિમ (આર્ટીફીસિયલ) ભય છે? મારે મોદીજીની સાથેના જે પરિબળો છે તેને મારે સમજવા છે અને તેમની સામેના જે પરિબળો છે તે બધાને પણ મારે સમજવા છે. કારણ કે વર્તમાન કોગ્રેસ પાર્ટી પોતે એવી કક્ષાએ પહોંચી ગઈ છે કે તે પોતે એવો ભય લોકોમાં ફેલાવે કે જો જો બી.જે.પી.ને મત આપશો તો કટોકટી આવશે! મારી દ્રષ્ટિએ કોગ્રેસ પોતે આવો ભય લોકોમાં ફેલાવી ફરીથી સત્તા પર આવી શકે છે. જેથી પોતાના ભ્રષ્ટાચારી કૌભાંડોને દબાવી શકે! કારણ કે કોગ્રેસ સિવાયની કોઈ પણ સરકાર આવે અને વર્તમાન સરકારના મનમોહન સીંઘથી માંડીને ઘણા બધા પ્રધાનો જેલમાં જાય તેટલા ભ્રષ્ટાચારોમાં સંડોવાયેલા છે.
ઉપરની ચર્ચાને આધારે મારું માનવું છે કે બી.જે.પી.વાળા કે આર.એસ.એસ. ઝાઝું નુકસાન કરી શકે તેમ નથી. આ બધા માણસો સત્તા પર આવીને લોકશાહીને હલાવી નાંખે, પાંગળી બનાવી દે, પ્રજા માટે રાજ્ય તરફથી લેવામાં આવતાં કલ્યાણકારી પગલાં બંધ કરે કે કરાવી દે, આવું ચોક્કસ બની શકે. પરંતુ લોકશાહીનો સંપૂર્ણ નાશ કરીને કે લોકશાહીને સંપૂર્ણ હાઇજેક કરીને ફાસીસ્ટ રાજ્ય પ્રજાને માથે થોપી દે તેવું બનવાની મને શક્યતા દેખાતી નથી.
બીજું તમારા પ્રશ્નના સંદર્ભમાં ભારતીય મધ્યમવર્ગનો જે રોલ કે ફાળો છે તેને નજરઅંદાજ (અન્ડર એસ્ટિમૅટ) કરવા જેવો નથી. ભારતીય મધ્યમવર્ગ અમુક જાતની જે પાયાની સ્વતંત્રતાઓ પોતાના કૌટુંબિક અને સામાજિક વ્યવહારોમાં માંગે છે, પરદેશી વસ્તુઓ માટેનો તેમનો જે ક્રેઝ અને જરૂરિયાત છે, પરદેશ સાથેનું જે આદાનપ્રદાન કૌટુંબિક અને સામાજિક સ્તરે છેલ્લાં પચાસ કરતાં વધુ વર્ષોથી મજબૂત બન્યું છે, તેવાં હિતોને નુકસાન કરનારી રાજ્ય વ્યવસ્થા મારું માનવું છે કે આપણો મધ્યમ વર્ગ પસંદ નહીં કરે.