ગુજરાતી ભાષાની અનોખી સેવા કરનાર મહેન્દ્ર મેઘાણી રિટાયર થવાના મુડમાં લાગે છે. અરધી સદીની વાચન યાત્રાના ચોથા ભાગના પ્રકાશન પછી નાદુરસ્ત તબિયતના કારણે કલમ ટેબલ પર મૂકી દેવાની લાગણી વ્યક્ત કરી છે. એમને 84 વર્ષ થયા છે, આંખે તકલીફ છે. (પાંચેક સાલ પહેલાં લેખકે અા લેખ લખ્યો હોય. : તંત્રી) સતત પ્રવૃત્તિશીલ આયખું વટાવ્યા પછી મહેન્દ્રભાઈ વાંચન, લેખન, પ્રકાશનની રજા માંગવાના પૂરા અધિકારી છે.
પણ, પછી વાંચન વિમુખ થતા જતા આપણા જેવાનું શું ? જો કે આશાનું એક કિરણ તો છે જ. હમણાં જ એમણે સંપાદન કરેલો વિવિધ લેખકોના ગાંધીજી વિષેના ત્રીસેક લેખોનો સંગ્રહ, ‘ગાંધી ગંગા’ પ્રકાશિત થયો. ‘ગાંધી ગંગા’નો આ પહેલો ભાગ છે એવું કહેવાયું છે. આથી એવું ઈગિત થાય કે બીજો ભાગ કે ભાગો આવશે. (તા.ક. બીજો ભાગ ગત સપ્તાહે પ્રકાશિત થઈને ઉપલબ્ધ થઈ ગયો છે.)
વિશ્વમાં સેટેલાઈટ ટેલિવિઝનના આગમન સાથે છપાયેલા શબ્દનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે એવું મનાય છે. છપાયેલા શબ્દ પર થયેલા સાંસ્કૃિતક આક્રમણને ખાળવા તે એકલવીર વર્ષોથી અવિરત ઝઝૂમતા રહ્યા છે. આમ તો એ સુંદર ગુજરાતી લખી શકે છે, મૌલિક વિચારણા કરી શકે છે. વિશ્વવ્યાપી દ્રષ્ટિબિંદુ રાખે છે અને 84 વર્ષે પણ સ્ફૂિતથી કામ કરે છે. એના પિતા ઝવેરચંદ મેઘાણી પેઠે શબ્દને સમર્પિત શાગિર્દનું જીવન ગાળે છે.
સફેદ પાયજામો, રંગીન કુર્તા અને ભૂરી ટોપીમાં સજ્જ એવા આ માણસ જીવનના 84મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ આજેય 500 જણ સાંભળવાના હોય કે પાંચ, વિશ્વના ને ગુજરાતીના સારામાં સારાં પુસ્તકોનું રસપાન કરાવવા તે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. 1923ની 20મી જૂને જન્મેલા મહેન્દ્ર મેઘાણીની બચપણમાં ખૂબ ભણવાની ખ્વાહિશ હતી. ભણવા માટે અવિરત વાંચવું પડે, પચાવવું પડે. આજે પણ ખંતીલા વિધાર્થીની અદાથી વાંચવામાં અને વાંચન માધુકરીમાંથી ગુજરાતીઓને સદ્દવાંચનની ટેવ પડે તે માટે શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પુસ્તકપઠન ગુજરાતભરમાં કરે છે. શાળાઅભ્યાસ ભાવનગર અને મુંબઈમાં કર્યો અને અમદાવાદમાં બે વર્ષ કોલેજ કર્યા પછી સ્કોરલરશીપ મળી એટલે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણવા ગયા. આ સાલ હતી 1942ની. જૂનમાં કૉલેજમાં દાખલ થયા અને ઓગસ્ટમાં ભારત છોડોની હાકલના પડઘામાં એ કૉલેજ છોડી નીકળી ગયા. નિખાલસપણે મહેન્દ્રભાઈ કહે છે, ‘દેશ ખાતર નીકળ્યો, દેશ ખાતર ભણતર છોડ્યું એ ખરું, પણ મને ભણવામાં રસ ન રહ્યો. વાચવામાં ખરો. આથી હું પાછો કોલેજમાં ન ગયો અને પછીના છ વર્ષે ઝવેરચંદ મેઘાણી જોડે એમના પત્રકારત્વનો મદદગાર રહ્યો.
1948માં એમણે એક અન્ય ભાવનગરી, કૃષ્ણલાલ શ્રીધરાણી અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે એમ જાણ્યું. શ્રીધરાણી પાસે પ્રેરણા મેળવી હું અમેરિકા પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયો. અમેરિકામાં હું યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું જેટલું ભણ્યો તેનાથી ય વધુ ત્યાંના ત્રણ પત્રોમાંથી શીખ્યો. આ હતા “રીડર્સ ડાયજેસ્ટ”, “ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર” અને “ન્યુયોર્ક ટાઈમ્સ”. હું કચેરીએ જતો, ચર્ચાઓ સાંભળતો અને વિશ્વ નાગરિક બનવાનાં શમણાં સેવતો.
મહેન્દ્રભાઈ કહે છે, ‘હું મારી જાતને વિશ્વનો નાગરિક માનું છું. હું ભૂરા રંગની ખાદીની ટોપી કેમ પહેરું છું, તેની પાછળ એક રહસ્ય છે. ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ના ધ્વજનો રંગ ભૂરો છે અને વિશ્વ નાગરિકત્વ માટે તરસતા મેં પણ મારી ટોપીમાં આ રંગ અપનાવ્યો છે. “રીડર્સ ડાયજેસ્ટ”, “મોનિટર” અને “ન્યુયોર્ક ટાઈમ્સ”નું મને લગભગ બંધાણ થઈ ગયું હતું. આ પત્રોમાંથી હું શીખ્યો કે, ‘સારું પત્રકારત્વ કોને કહેવાય, જે વાચકને માનથી જુએ. જે સમજે કે વાચક બુદ્ધિશાળી છે, તેની પાસે જાતજાતની વૈશ્વિક વાતો સમજવાની આવડત છે. પણ સમય, નાણાં, કે બીજી સગવડો નથી. પત્રકારત્વનું કામ સારી વાતોનું દોહન કરી વાચકને પહોંચાડવાનું છે, જેથી આમઆદમીની જિંદગી વધારે વિચાર સમૃદ્ધ બને.’
આવા વિચારો લઈ મહેન્દ્રભાઈ 50મા મુંબઈ આવ્યા અને “રીડર્સ ડાયજેસ્ટ” ઢબનું “મિલાપ” શરૂ કર્યું. વિવિધ સામાયિકો અને દૈનિકોમાંથી સુંદર સાહિત્ય પસંદ કરી “મિલાપ” મારફત ગુજરાતીઓને પહોંચાડ્યું. આ યજ્ઞ 1978 સુધી ચાલ્યો. પછી નાણાકીય અને બીજી અગવડોને કારણે “મિલાપ” બંધ થયું. આમ તો મહેન્દ્રભાઈ નિસ્પૃહી છે, પણ આ વાત કરતાં એમના મૃદુ અવાજમાં વિષાદની થોડી છાંટ પડે છે. “મિલાપ” શરૂ થયું ,ત્યારે એના બે હજાર ગ્રાહક હતા. બંધ થયું ત્યારે પણ બે હજાર ગ્રાહક હતા.’ આપણી પ્રજાની સંસ્કારીરૂચિ પર આનાથી વધારે કરૂણ અને વેધક કોમેન્ટ બીજી કોઈ હોઈ શકે ?
વિશ્વના દેશો અને ભારતના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ હેતુથી યુવાનોના આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાનનો કાર્યક્રમ એમણે ઘણાં વર્ષ સુધી ચલાવેલો. 1951માં એ મુંબઈ છોડી ભાવનગર આવેલા. ‘મારી ઈચ્છા તો ભાવનગર જિલ્લામાં કોઈ રેલવે સ્ટેશનવાળા ગામમાં રહેવાની હતી, પણ એ બર આવી જ નહિ.’
એમણે એક પુસ્તક ભંડાર પણ શરૂ કર્યો, જ્યાં વાચકોની અભિરૂચિને પોસે તેવાં ઉત્તમ પુસ્તકો મળે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિના મંડાણ પણ કર્યા. આજે ‘લોકમિલાપ’ પુસ્તક ભંડાર ગુજરાતના ઉત્તમ પુસ્તકભંડારમાંનો એક છે. લોક મિલાપ પ્રકાશનનું ગુજરાતી પ્રકાશનમાં સૌથી મોટું પ્રદાન એ છે કે એણે શિષ્ટ વાચનનાં પુસ્તકો ઓછી કિંમતે લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તમ ગુજરાતી સાહિત્યની સસ્તા દરની આવૃત્તિ ઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી એમણે વિક્રમ સર્જ્યો છે. 1972માં ઝવેરચંદ મેઘાણીની 75મી જયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ’ નામે મેઘાણી સાહિત્યનાં ત્રણ પુસ્તકોનો એક સેટ એમણે પ્રગટ કર્યો. આની એક લાખથી પણ વધુ નકલોની આગોતરી વરદી નોંધાયેલી. તે પછી તો ચૂંટેલાં પુસ્તકો અને સંક્ષિપ્તીકરણ પાછળ મકસદ હતી. 1989માં એમણે ગુજરાતી સાહિત્યના પાંચ ચરિત્રગ્રંથોને ટૂંકાવીને ચંદનના ઝાડ નામે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેની એક લાખ નકલો પ્રિન્ટ ઑર્ડર હતો. મહેન્દ્રભાઈ માને છે કે ઉત્તમ સાહિત્યની મૂળ આવૃત્તિનાં મોટાં પુસ્તકો વાંચવાનો આજે લોકો પાસે સમય નથી કે નથી એની મોંઘી કિંમત ચૂકવવાની તાકાત. આથી ટૂંકાવેલ સંક્ષિપ્ત આવૃત્તિ સસ્તા દરે પ્રગટ થાય તો લાખો લોકો સુધી એ પહોંચે. પછી ઘણા મૂળ ગ્રંથ તરફ પણ વળે.
તેઓ માને છે કે સારાં પુસ્તકોને લોકો સુધી લઈ જવાં હોય તો પુસ્તક પ્રદર્શનો યોજવા પડે. વર્ષો સુધી એમણે પુસ્તક મેળાઓ કર્યા છે અને બાકીના સમયમાં ગુજરાતભરની શાળા કૉલેજોમાં પસંદગીનાં પુસ્તકોનાં પઠન માટે એ ખૂંદી વળે છે. સાહિત્ય પ્રચારના એ એવા તો ભેખધારી છે કે ભાવનગરમાં થોડાં વર્ષ બાળ સાહિત્ય ભરેલી હાથલારી પણ એ ચલાવતા. બીજા લારીવાળાઓની જેમ સાંજે જ્યાં જ્યાં લોકોની ભીડ હોય ત્યાં એ લારી લઈને ઊભા રહેતા. અંગત જીવનમાં એ ચુસ્ત ગાંધીવાદી રહ્યા છે. વર્ષો સુધી એમના કુટુંબને જરૂરી અનાજ એ જાતે જ દળતા. ‘ઘંટી ચલાવવી એ મારા માટે ગાંધીજીના રેંટિયાની જેમ ધ્યાનનો એક પ્રયોગ હતો. મને ઘણા સારા સારા પ્રોજેક્ટો દળતાં દળતાં સૂઝેલાં.’ સાદગીના આગ્રહી આ માણસને અંગત જિંદગીમાં એક જ શોખ છે, આઈસ્ક્રીમ ખાવાનો.
સંક્ષિપ્તીકરણ ઉપરાંત મહેન્દ્રભાઈની અનુવાદો કરવાની હથોટી છે. વિક્ટર હ્યુગોના નાઈન્ટી થ્રી, થોર હાયરડાલના કોન્ટિકી એક્સપિડિશ અને હેનરિક હેરરના સેવન યર્સ ઈન તિબેટના ગુજરાતી અનુવાદો એમણે કરેલા છે. એમણે ઘણાં પુસ્તકોનાં સંપાદન પણ કરેલાં છે. સાહિત્ય અંગે વાતો કરો તો મહેન્દ્રભાઈ ખુલ્લા દિલે વાત કરે, પણ વ્યક્તિ તરીકે એમના જીવન વિષે કુતૂહલ દાખવો તો એ કાચબાની જેમ જાતને સંકોરી લે. ‘મારામાં કશું અદ્વિતિય નથી કે તમને જાણવામાં રસ પડે.’ પણ એમનામાં ઘણું અદ્વિતિય છે. સાહિત્ય પ્રેમને એમણે સામાન્ય જનતાને પોતે જે અનુભવે છે તે અનુભવવાની તાલાવેલી લગાડી છે. એમણે જે લખ્યું છે તે પરથી એટલું તો ચોક્કસ છે કે એ ઘણું સારું લખી શકે છે, પણ એમણે મૌલિક લેખનની બહુ તમા રાખી નથી, કેમ ? ‘મારી હેસિયત જ નથી. મારી સામે કેવા કેવા આદર્શ પડ્યા છે. કાકા સાહેબ કાલેલકર, સ્વામી વિવેકાનંદ, ઉમાશંકર જોષી, દર્શક અને મારા પિતા ઝવેરચંદ મેઘાણી. આ બધા હિમાલયના ઉત્તંગુ શિખરો જેવા સર્જકો જે ભાષામાં હોય તેમાં મારી કેટલી ગુંજાઈશ ?’
આ શરમાળપણું છે કે સ્વને ઓગાળી નાખવાની સભાન પ્રક્રિયા છે એ વિશે કોઈ ખુલાસો તમે મહેન્દ્રભાઈ પાસે નહિ મેળવી શકો. ‘આ જન્મે તો ઉત્તમ સાહિત્ય વાંચવું જ છે અને બીજાને વંચાવવું છે. પૂરતું ભાથું બંધાઈ જાય આ જન્મે તો કદાચ આવતા જન્મે મૌલિક લખવાની હિંમત કરીશ.’
ગુજરાતી ભાષા ટકી જશે તો તેની પાછળ આવા નિષ્કામ શાગિર્દોના ઋષિકાર્યો જ હશે.
(દિવંગત લેખકની કલમે લખાયેલાં રેખાચિત્રોની એક પ્રસાદિ)
સૌજન્ય : “ઓપિનિયન”, 26 એપ્રિલ 2012, પૃ. 23-24
![]()


ગુજરાતી રંગભૂમિના અર્વાચીનોમાં આદ્ય રંગકર્મી જશવંત ઠાકરનું જન્મશતાબ્દી વર્ષ પાંચમી મેથી શરૂ થઈ રહ્યું છે. જશવંતભાઈ પ્રબુદ્ધ નટ-દિગ્દર્શક-નાટ્યવિદ, સામ્યવાદી લડવૈયા અને જનવાદી સાંસ્કૃિતક મૂલ્યોનાં પ્રહરી હતા. દુનિયાભરનાં ઉત્તમ નાટકો તેમણે ગુજરાતીમાં માસ અને ક્લાસ બંનેને ધ્યાનમાં રાખીને કેવળ રંગભૂમિ માટેની ધખનાથી ભજવ્યાં. તે આ નટસમ્રાટનું અપાર ઋણ છે. તેમના જેવું ગજબનું ગતિશીલ, ઘટનાપૂર્ણ, ભરપૂર, મથામણભર્યું, અલગારી અને આદર્શમય જીવન (1915-1990) ભાગ્યે જ કોઈ રંગકર્મી જીવ્યા હશે. અલબત્ત એમનું એકંદર મનસ્વી જીવન શક્ય બન્યું તેમાં, ત્રણ સંતાનોનાં ઉછેર સહિત તેમના ઘરસંસારની જવાબદારી તબીબી વ્યવસાય કરતાં કરતાં સંભાળનારાં તેમનાં પત્ની ડૉ. ભારતીબહેનનો ફાળો અમૂલ્ય છે.
તારીખ પ્રમાણે, ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ વલસાડમાં જન્મેલા નારાયણ દેસાઈનું અવસાન ૧૫ માર્ચ, ૨૦૧૫ના રોજ સુરત નજીકના વેડછી ગામે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયમાં થયું. તો ઉંમર થઈ ૯૦ વર્ષની. એકદમ પાકી ઉંમર ! એ ઉંમરની કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન તો અકાળ માની શકાય ન તો એના મૃત્યુથી શોક થવો જોઈએ. એ જાણ્યા પછી તો બિલકુલ નહીં કે તેઓ મસ્તિષ્ક-આઘાત પછી ૧૦ ડિસેમ્બરથી લગભગ ચેતનાશૂન્ય જ હતા. આધુનિક ચિકિત્સાની તાકાત એમને ત્યારથી અત્યાર સુધી ખેંચી રહી હતી. સુરતની એક હૉસ્પિટલમાં ફરીથી ચેતનવંત થવાના તેમના પ્રયત્નોને મદદ કરવાનો ઉપક્રમ થઈ રહ્યો હતો, છેલ્લે તેમને હૉસ્પિટલથી વેડછી ઘરે પાછા લાવવામાં આવ્યા કે તરત તેમણે પાછા જવાનો નિર્ણય લીધો. નાકમાં લગાવેલી શ્વાસ અને ભોજનની નળીઓ તેમણે જાતે જ કાઢી નાખી અને જીવનસંસારને અલવિદા કરી.
ગાંધીની હત્યા થઈ ત્યાં સુધીમાં તેમણે એ જીવનદિશા શોધી લીધી હતી, જેની તલાશમાં આપણે જીવનભર ભટકતા જ રહીએ છીએ. એટલે ગાંધી પછી, ગાંધીની અહિંસક ક્રાંતિની પરિકલ્પના લઈને જ્યારે વિનોબા ભાવેએ ભૂદાન-આંદોલન શરૂ કર્યું, તો નારાયણ દેસાઈ તેમાં એટલી જ સહજતાથી સમાઈ ગયા જેટલી સહજતાથી સાગરમાં નદી સમાઈ જાય છે. પાછળથી પોતાનો સમાજવાદી વેશ ઉતારીને ક્રાંતિના શોધક જયપ્રકાશ નારાયણ પણ ત્યાં જ પહોંચ્યા. ભૂદાન-ગ્રામદાન-ગ્રામસ્તરનાં પગથિયાં ચડતાં જ્યારે સર્વોદય આંદોલન સંપૂર્ણ ક્રાંતિના મુકામ સુધી પહોંચ્યું, ત્યારે એક મોટો વિભ્રમ ફેલાયો. જયપ્રકાશ નારાયણે ત્યારે સમયની ગતિ ન સમજી શકવાના કારણે લથડી રહેલા આંદોલનને એ દિશા આપી જેને આંદોલનના જનક વિનોબા પણ સમજી ના શક્યા. એક જ વાત ઘણી કરુણ રીતે સામે આવી કે ક્રાંતિ પર કોઈનો કૉપીરાઇટ નથી હોતો. જયપ્રકાશ તે સમયે જે લોકોનો અવિચલિત સાથ મળ્યો, તેમાં નારાયણ દેસાઈ સૌથી આગળ હતા. સેતુનો એ સ્વભાવ પણ હોય છે અને ધર્મ પણ કે એ જ્યાં અભાવ કે શૂન્ય જુએ છે, ત્યાં જોડાણ ઊભું કરી દે છે. આવી રીતે આઝાદી મેળવવાના અને આઝાદીને અધિકાધિક અર્થપૂર્ણ બનાવવાના ત્રણ સૌથી મોટા અને પૂરેપૂરા મૌલિક પ્રયાસોને જોડવાનો અવસર નારાયણ દેસાઈને મળ્યો અને તેમણે દરેકને પૂરો ન્યાય આપ્યો. જયપ્રકાશનો સાથ મળ્યો તો નારાયણ દેસાઈ ઘણા ખીલ્યા. દુનિયામાં શાંતિવાદીઓમાં એમનું આગળ પડતું સ્થાન બન્યું અને એમણે યુદ્ધવિરોધી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને માર્ગદર્શન પણ આપ્યું. જયપ્રકાશ નારાયણના દરેક રાજનીતિક-સામાજિક પ્રયાસની સાથે નારાયણ દેસાઈ સંકળાયેલા રહ્યા.