આમ તો તમે
અજવાળું થયાની આલબેલ પોકરી રહ્યા છો,
પણ અમને તો
તિમિરનાં તમરાં કાનમાં કણસી રહ્યાનો
અણસાર કહો કે અહેસાસ થાય છે.
એક ક્ષણે તમે કહેશો,
તો અમે સવારને સાંજ સમજીશું,
આજને કાલ ગણી લઈશું,
રોમરોમ દાઝયા પર હવે વિષ ઢોળશો નહીં, ભલા!
એક ક્ષણે તમે કહેશો,
તો અમે તણખલા-ઘેઘૂર વડ સમજીશું,
ડિમોનિરાઇઝેશનને ડોલરિયો પહાડ ગણી લઈશું,
વચનોના ભારથી ભીંતો ફાટું-ફાટું થઈ રહી છે, ભલા!
એક ક્ષણે તમે કહેશો,
તો અમે તડકાને બાંધી દઈ એવરેસ્ટ પહોંચી જઈશું.
સણકાને સાંધી દઈ સમંદર તરી જઈશું ?
પણ ઝૂંપડી મધ્યે તરસતા જીવનર આઘુંપાછું
ના કરો ભલા!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 15