1950ના પ્રજાસત્તાક બંધારણ સાથે આપણી સામેનો પડકાર સાંકડી અને જીર્ણમતિ ઓળખોથી ઊંચે ઊઠી નાગરિક ઓળખ વિકસાવવાનો હતો : વૈકલ્પિક વિમર્શના દાવેદાર પક્ષ તરીકે જનસંઘે – ભા.જ.પે. જનતા અવતારની તક રોળી નાખી : આજે નાગરિક ઓળખ તો ઠીક પણ બચાડી હિંદુ ઓળખ સુધ્ધાં પટેલ ને ક્ષત્રિય જેવી ભવાટવીમાં ભટકે છે

‘ખેડે તેની જમીન’નું સૂત્ર આપનારા ઉછંગરાય ઢેબર આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા હતા

પ્રકાશ ન. શાહ
રાજકોટ – રૂપાલા ઘટનાક્રમ અને પરિણામ, એની ચિંતાથી એક અર્થમાં કંઈક ઉફરાટે આ ક્ષણે હું સૌરાષ્ટ્રનાં ઢેબર વરસો સંભારવા ઈચ્છું છું, જેમાં સરદાર પટેલની મહદ્ભૂમિકા હતી તે પ્રમાણે પહેલાં કાઠિયાવાડનું યુનિયન અને પછી સૌરાષ્ટ્રનું રાજકીય એકમ તો જાણે કે થયાં. પણ સ્વરાજ બચાડું હજુયે બધે નથી પહોંચ્યું તો ત્યારે તો કેટલે માંડ પહોંચ્યું હશે!
1948થી 1954નાં એ વરસો ઢેબરભાઈના મુખ્ય મંત્રીપદનાં હતાં, અને એમણે હાથ ધરેલી રાજસૂય-પ્રજાસૂય પહેલો થકી એક મોટી કોશિશ ને કીર્તિદા કામગીરી ગરાસદારી નાબૂદીની હતી. આજે સૌરાષ્ટ્રનો પાટીદાર સમુદાય જો એક બળુકી હાજરી પુરાવી શકતો હોય તો એની ઇતિહાસચાવી આ ગરાસદાર નાબૂદીમાં ઠીક ઠીક પ્રમાણમાં પડેલી છે.
ચોક્કસ ટકાવારી કે કોઠાબદ્ધ તપસીલમાં ગયા વગર એક સામાન્ય અવલોકન તરીકે કહું કે ગરાસદાર નાબૂદી સાથે મુક્તિ અનુભવતો વર્ગ સહજ ક્રમે, શરૂઆતનાં એ વરસોમાં, કાઁગ્રેસ સાથે વધુ ભળ્યો હશે.
કૃષ્ણકુમારસિંહજી જેવા ઉમદા ખવાસના લોકો બાદ કરતાં ઠીક ઠીક ગરાસદારી તત્ત્વો સ્વરાજ સરકાર બાબતે ગિન્નાયેલાં ને ઘવાયેલાં હોઈ પોતપોતાની રીતેભાતે કોઈ સામી છાવણીમાં પનાહ લે અગર ભળે તો તે અસ્વાભાવિક અલબત્ત નહોતું. નવાસવા સ્થપાયેલા જનસંઘને પણ તે પૈકી કંઈ ટેકો મળ્યો હશે એવો મારો ખયાલ કટોકટીકાળે 1976ના સહ-જેલવાસ દરમ્યાન ચિમનભાઈ શુક્લ સાથેની જનસંઘનાં આરંભવર્ષો અંગેની વાતોથી દૃઢાયો છે. રાજકીય ઉમેદવારી કે પક્ષની રીતે બીજી છાવણીમાં ભળવાનું બને તે એ સંજોગોમાં સમજી શકાય એવું પણ હતું.
વાત જો કે કમનસીબે આવી અને આટલી જ નહોતી. જેમની સામંતી સત્તા લોકશાહી પ્રક્રિયાને અંતર્ગત સ્વરાજ સહજ રીતે ગઈ એમણે કથિત અન્યાય સામે અસામાજિક રાહે ઉપાડો લીધો : ભૂપતનું કથિત બહારવટું એનો સૌથી મોટો દાખલો હતો અને છે. આ પ્રકારનાં હિંસક તત્ત્વોને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક રાજમહેલાતી આશરો મળ્યાનુંયે નોંધાયેલ છે. મારા બાળચિત્તને આઠ-દસ વરસની વયે એ ક્યાંથી પકડાયું હોય!
મેઘાણી પ્રતાપે વીર બહારવટિયાઓની રંગ વાતો હવામાં હશે એટલે ભૂપત છાનોમાનો અમારા ગામમાં (ત્યારે હું વડોદરા હતો) આવીને મોહન ટોકીઝ (પછીથી નવરંગ કોમ્પ્લેક્સ) કે સુપ્રીમ ટોકીઝ(પછીથી કલામંદિર)માં ફિલ્મ જોઈ ગયો એવી અફવા અદ્દલોઅદ્દલ રોમાંચક અનુભવાતી તે આ લખતાં સાંભરે છે. ભલે દેખંતી રોમાંચક પણ હતી તો એ એક અસામાજિક ઘટના પ્રક્રિયા જ ને.
મેં સૌરાષ્ટ્રે છેડેથી વાત શરૂ કરી પણ દક્ષિણ ગુજરાતમાંયે એને મળતું ચિત્ર ક્યાં નહોતું? મોરારજી દેસાઈ વલસાડની બેઠક પર સમાજવાદી પક્ષના અમૂલ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા, ત્યારે મારા બાળકિશોર ચિત્તે સ્વાભાવિક જ એક પ્રાગતિક વિપક્ષ સામે સ્વરાજના સત્તા પક્ષે ખાધેલી હાર અંગે હર્ષોદ્રેક અનુભવ્યો હતો. પાછળથી જાહેર જીવનમાં કંઈક સક્રિયતાવશ થયેલા સંપર્કો થકી મને સમજાયું કે ‘ખેડે તેની જમીન’ના સૂત્રને અનુલક્ષીને ખેર-મોરારજીની પ્રગતિશીલ રાજવટ હસ્તક જે જમીનદારોએ ગુમાવવાનું આવ્યું એમનો ટેકો અમૂલ દેસાઈને મળ્યો હતો : અહીં મારો મુદ્દો અમૂલ દેસાઈની પાત્રતા વિશે નથી, પણ ઇતિહાસની પ્રક્રિયા કેવા વળાંક લેતી હોય છે. એને અંગે દેખીતા કૌતુકનો પણ એકંદરે સમજનો છે.
આ સમજની પ્રક્રિયાને સાત્ત્વિક સમર્થનકારી ઊંજણ કાનજીકાકાએ (પૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈના પિતા અને સરદાર પટેલ પછીના ગુજરાત કાઁગ્રેસના પ્રમુખે) જે રીતે પોતાની જાગીરદારીની જમીનો પર કામ કરનારાઓને માલિક બનાવી જાણ્યા એ બીના થકી મળ્યું હતું.
હવે જરા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાં આવું? વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા લેખે વિશ્રુત ભાઈકાકાએ સ્વરાજના શરૂનાં વર્ષોમાં ચૂંટણી લડી હાર વેઠેલી. પરિણામ પછી પહેલી તકે એ મોગર ઠાકોર નટવરસિંહને મળ્યા ને કહ્યું કે પટેલનો ‘પ’ અને ક્ષત્રિયનો ‘ક્ષ’ મળીને પક્ષ બને તો એની જીત નક્કી છે.
અહીં હું ગુજરાતના રાજકારણના તત્કાલીન પ્રવાહો ને પરિબળોની ચર્ચામાં વિશેષ નહીં જતાં એક માત્ર એટલી જ ટિપ્પણી ચાલુ ચર્ચાએ કરું કે અર્થકારણ, સમાજકારણ, શાસનકારણ અને રાજકારણની આ ચર્ચા સ્વાતંત્ર્યોત્તર એક પ્રજાસત્તાક સહજ જે અપેક્ષા આપણ સહુને અંગે જગવે છે તે બંધારણીય રાહે અપેક્ષિત નાગરિકતાના વિકસન અને પ્રફુલ્લનનની છે.
એક કાળનાં સામંતી તત્ત્વો હોય કે આપણી દુર્દૈવ સામાજિક નિયતિવશ કથિત ઊંચનીચગત સમુદાયો હોય, સૌએ ઓગસ્ટ 1947થી અગર સવિશેષ તો જાન્યુઆરી 1950થી નૂતન નાગરિક ઓળખને ધોરણે સમતાપૂર્વક પોતાનો વ્યવહાર ગોઠવવાનો છે.
નહીં કે એ દિશામાં કંઈ થયું જ નથી. બધી મર્યાદાઓ સાથે લોકશાહી તરીકે ટકી ગયા છીએ. આજે કાઠું લાગતું હોય તો પણ ઘોષિત કટોકટીને વટી ગયેલાઓ કાળક્રમે અઘોષિત કટોકટીને પણ અંડોળી જઈ શકશે. પ્રસંગે મંડલી અને ખામ તરેહના ધક્કાઆંચકા પેલી આર્થિક-સામાજિક ન્યાયની દિશા અંગેના ગતિરોધ સામે કિંચિત કામ પણ આપતા હશે. પણ સરવાળે તે સાંકડી સામસામી ઓળખમાં ગંઠાઈ જાય છે. થોડાં વરસ પર પાટીદાર ઉઠાવ જોયો. હવે એનો અણધાર્યો જવાબ આજે ક્ષત્રિય જમાવટ રૂપે સામે આવ્યો છે.
ભા.જ.પ.ને ડેમેજ કન્ટ્રોલ કે પ્રબંધનની અફળ-સફળ રગ ઓછીવત્તી હોઈ શકે છે. પણ મંડનમિશ્રને ટોડલે શુક-સારિકા સંવાદ થતો તેમ એને ટોડલે હિંદુ ઓળખના રાજકારણની મર્યાદાઓને લક્ષમાં રાખી તેમ ક્ષત્રિય વિ. પટેલના ટૂંકા પનાને સમજી કોઈ રુપાલા-મકરાણા નાગરિક સંવાદની આશા રાખી શકીએ? ન જાને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 ઍપ્રિલ 2024
![]()




ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ –ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું : ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. વળી તે ખાનગી દાનને આધારે જ ચાલતી હતી. શરૂઆતમાં તેને સરકારની આર્થિક મદદ મળતી નહોતી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ ‘દેશી’ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી.
સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી ગવર્નર તેનો પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાનાં દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ —
૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત પરંપરાગત નિશાળોમાં ભણાવતા ચતુર બ્રાહ્મણ શિક્ષકો તરત કળી ગયા. ગોરપદું કરનારા બ્રાહ્મણો પણ સમજી ગયા કે વહેલા મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે લોકો પાસેથી મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં ગાયની ચરબી ભેળવવામાં આવી છે અને તેનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. પણ સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.
વખત જતાં જર્વિસ સરકારમાં જુદા જુદા મહત્ત્વના હોદ્દે નીમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટિશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે, એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા ! સરકારી નોકરીમાંથી રાજીનામું આપી ફિરોઝ નામની સ્ટીમર દ્વારા જર્વિસ યુરપ જવા મુંબઈથી ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે નીકળ્યા. મુસાફરી દરમ્યાન જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે ઉત્તર ફ્રાન્સના એક શહેર (Bologne-sur-Mer)માં તેમનું અણધાર્યું અવસાન થયું.
પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો. અહીં એક વાત નોંધવી જોઈએ કે આ બધા જ મરાઠી અને ગુજરાતી શિક્ષકો બ્રાહ્મણો હતા.
૧૮૩૯-૧૮૪૦ સુધી સ્કૂલો અને પાઠ્ય પુસ્તકો અંગે સોસાયટી બનતા બધા પ્રયત્નો કરતી રહી. ૧૮૩૯ના ૧૨મા વાર્ષિક અહેવાલ પ્રમાણે એ વર્ષે પૂના કલેકટર હેઠળના વિસ્તારમાં કુલ ૧૯ સ્કૂલ હતી, નગર કલેકટર હેઠળ ૧૧ સ્કૂલ હતી, શોલાપુર કલેક્ટરના તાબા નીચે ૪ સ્કૂલ હતી તો ઉત્તર અને દક્ષિણ કોંકણમાં કુલ ૧૮ સ્કૂલ હતી. આમ મરાઠીભાષી વિસ્તારમાં કુલ બાવન સ્કૂલ કામ કરતી હતી. જ્યારે ગુજરાતીભાષી વિસ્તારમાં આવેલી સ્કૂલોની કુલ સંખ્યા ૨૯ની હતી. સુરત, ભરૂચ અને અમદાવાદમાં બે બે સ્કૂલ હતી જ્યારે બીજાં ૨૩ ગામોમાં એક એક સ્કૂલ હતી. તેમાં એક સ્કૂલ કાઠિયાવાડના ઘોઘામાં પણ હતી. આપણા એક અભ્યાસીએ આ સ્કૂલનું શ્રેય ભાવનગર રાજ્યને આપ્યું છે. પણ તે વખતે ઘોઘા ભાવનગર રાજ્યના તાબામાં નહિ, પણ બ્રિટિશ સરકારના તાબામાં હતું. સૌથી વધુ છોકરા (૧૨૫) ભરૂચની મુકુન્દરામ
એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસની પ્રેરણાથી ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ ત્યારે મુંબઈની સોસાયાટીએ શરૂ કરેલી બે સ્કૂલ અમદાવાદમાં કામ કરતી હતી. અલબત્ત, ત્યાં સુધીમાં એ સોસાયટી બરખાસ્ત થઈ ગઈ હતી અને એ સ્કૂલો બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતી હતી. તે ઉપરાંત કરુણાશંકર દયાશંકર નામના માસ્તર એક ખાનગી સ્કૂલ પણ ચલાવતા હતા. તેમાં છોકરાઓ સાથે ભણવા માટે કેટલીક છોકરીઓ પણ આવતી. પણ સરકારી સહાય વગર આ સ્કૂલ ચલાવવાનું અઘરું હતું એટલે સ્કૂલની જવાબદારી લઈ લેવા તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને વિનંતી કરી અને ૧૮૪૯ના જુલાઈની ૮મી તારીખથી સોસાયાટીએ એ સ્કૂલ પોતાને હસ્તક લઈ લીધી. થોડા વખત પછી છોકરીઓ માટે અલાયદી કન્યા શાળા – હરકુંવરબાઈ કન્યા શાળા – શરૂ કરવામાં આવી, પણ પછી માત્ર છોકરાઓ માટે ચાલતી કરુણાશંકરવાળી સ્કૂલ બંધ કરી. જો કે પાછળથી હરકુંવરબાઈ કન્યા શાળાનો વહીવટ પણ સોસાયટીએ એક અલાયદી સમિતિને સોંપી દીધો.
પણ દેશી ભાષાઓનું શિક્ષણ કમનસીબે ઝાઝો વખત ન ટક્યું. ૧૮૬૩માં સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. બોમ્બે પ્રેસિડેન્સીમાં ૧૮૬૪ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ પણ તેમણે બનાવી હતી. એને આધારે તેમનું માનવું હતું કે યુનિવર્સિટી કક્ષાએ શીખવી શકાય એવાં પુસ્તકો દેશી ભાષાઓમાં નથી. એટલે તેમણે આદેશ આપ્યો : ડિગ્રી લેવલે દેશી ભાષાઓ ભણાવવાનું બંધ કરો. કેટલાક દેશીઓ ઉપરાંત ડો. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહિ, અને ૧૮૬૭થી દેશી ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ પછી છેક ૧૮૮૧માં યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઈ, પણ તે પસાર થઇ નહિ. યુનિવર્સિટી ઓફ બોમ્બેના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે આ જ યુનિવર્સિટીમાં મરાઠી ભણ્યા હતા. કોઈ પણ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસ ક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ. ૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી. પણ રસ્તો જરા જૂદો લીધો. રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સીટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ દેશી ભાષાઓ ફરીથી શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું. ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સતત સાથ આપ્યો હતો. એ હતા સર ચીમનલાલ સેતલવાડ.
૧૮૭૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બેને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો He શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ.
ગુજરાતીભાષી વિસ્તારમાં ૧૮૬૦માં અમદાવાદમાં સર થિયોડોર હોપના પ્રયત્નોથી ગુજરાત પ્રોવિડેન્શિઅલ કોલેજ શરૂ તો થઈ પણ તે અલ્પાયુષી નીવડી. ત્યાર બાદ છેક ૧૮૭૯માં ગુજરાત કોલેજ શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યાં સુધી તે યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંલગ્ન હતી. ૧૮૮૧માં વડોદરામાં શરૂ થયેલી બરોડા કોલેજ એ દેશી રાજ્યોમાંની પહેલી કોલેજ. વખત જતાં તે વિકસીને ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બની. તો ૧૮૮૫માં ભાવનગરમાં શરૂ થયેલી શામળદાસ કોલેજ કાઠિયાવાડની પહેલી કોલેજ હતી.
આવડે અને અંક ગણિત પર તેનો સારો એવો કાબૂ આવી જાય એટલું એ ગુજરાતી-મરાઠી સ્કૂલમાં ભણે પછી જ તેને અંગ્રેજી સ્કૂલમાં પ્રવેશ મળે. આ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવાતી. ૧૮૪૦ના અરસામાં એન્ગ્લો-વર્નાક્યુલર સ્કૂલો શરૂ થઈ જેમાં પ્રાથમિક શિક્ષણ ગુજરાતી-મરાઠીમાં અને પછીનું શિક્ષણ અંગ્રેજીમાં અપાતું. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુદ્રણ, પુસ્તક પ્રકાશન અને શિક્ષણ, ત્રણે એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં. તેને પરિણામે આપણા સમાજનો ગણનાપાત્ર ભાગ મધ્યકાલીન યુગમાંથી અર્વાચીન યુગમાં ધીમે ધીમે દાખલ થયો. આજે આપણે જે સુધારક યુગ અને પંડિત યુગની વાતો કરીએ છીએ તેમાં જે કાંઈ વિચારાયું, લખાયું, અને થયું તે મુદ્રણની સગવડ વગર અને અર્વાચીન શિક્ષણ વગર શક્ય બન્યું ન હોત.