
રમેશ સવાણી
12 જુલાઈ 2025ના રોજ સવારે પરિવાર સાથે શિકાગોથી કાર દ્વારા પ્રવાસ આારંભ્યો હતો. 28 જુલાઈ 2025ના રોજ, 4,700 માઈલનો પ્રવાસ કરી બપોરે 2.40 વાગ્યે પરત આવ્યા.
આ પ્રવાસના 17 દિવસ દરમિયાન USના કુલ – 11 રાજ્યો Illinois / Wisconsin / Minnesota / South Dakota / Wyoming / Montana / Idho / Utah / Denver / Nebraska / Iowaમાં ફર્યા.
પ્રવાસ દરમિયાન અમે શું અનુભવ્યું?
[1] આ પ્રવાસ દરમિયાન એક પણ ચાર રસ્તા પર પોલીસ ન જોઈ. અમદાવાદ / સુરત / વડોદરા / રાજકોટમાં તથા જિલ્લાઓમાં પોલીસ કાર / ટ્રકને ચેક કરવાના બહાને તોડ કરે છે એવું એક પણ દૃશ્ય ન જોયું !
[2] કોઈ સ્થળે અમેરિકન પ્રેસિડન્ટનો ફોટો ન જોયો કે તેમનું હોર્ડિંગ ન જોયું. આપણે ત્યાં મોદીજી સર્વવ્યાપી છે !
[3] કોઈ જગ્યાએ લોકોને ઊંચા અવાજે વાત કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને ઝઘડા કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને દાદાગીરી કરતા ન જોયાં. મોલ હોય / ગેસ સ્ટેશન / હોટલ / રેસ્ટોરન્ટ / વોશરૂમ હોય દરેક જગ્યાએ લોકો લાઈનમાં શિસ્તમાં ઊભા રહે.
[4] કોઈ જગ્યાએ ગંદકી ન જોઈ. દરેક જગ્યાએ ગાર્બેજ-કેન હોય. કચરો તેમાં જ નાખે. રસ્તામાં ફેંકે નહીં.
[5] અમેરિકામાં પ્રવાસન ઉદ્યોગની સફળતાનું રહસ્ય છે : સ્વચ્છતા ! દર બે કલાકે વિઝિટર સેન્ટર હોય ત્યાં ફ્રેશ થઈ શકાય. ત્યાં મિની મ્યુઝિયમ હોય. માહિતી-પેમ્ફલેટની વ્યવસ્થા હોય. ગિફ્ટ શોપ હોય. નાસ્તો / ઠંડાપીણાની સગવડ હોય. આપણે જો પ્રવાસન ઉદ્યોગ ખીલવવો હોય તો વિઝિટર સેન્ટર ન બનાવી શકીએ?
[6] આખા અમેરિકામાં દારુ પીવાની છૂટ છે. પરંતુ કોઈ દારુ પીને કૂકડા થઈ ગયા હોય તેવું જોવા ન મળ્યું. આપણે ત્યાં જોવા મળે છે તેવાં ‘દેશી દારુ કા ઠેકા / અંગ્રેજી શરાબ કા ઠેકા’ એવા બોર્ડ જોવા ન મળ્યા.
[7] જાહેર બગીચાઓ પુષ્કળ છે. તેમાં અદ્દભુત શિલ્પ કૃતિઓ જોવા મળી.
[8] અમેરિકાની એક ખાસિયત છે કે અહીંના રાજ્યોમાં સૌથી મોટા શહેરમાં તેમની રાજધાની હોતી નથી. પણ નાના કે મિડિયમ શહેરમાં હોય છે. ન્યુ જર્સીનું કેપિટલ તેના સૌથી મોટા શહેર જર્સી સિટીમાં નહિ ટ્રેનટનમાં છે. ન્યુયોર્ક સ્ટેટનું કેપિટલ એના મોટા શહેર ન્યુયોર્કમાં નહિ અલ્બેનીમાં છે, પેન્સિલવેનિયાનું કેપિટલ તેના મોટા શહેર ફિલાડેલ્ફીયા કે પિટ્સબર્ગમાં નહીં પણ હેરિસબર્ગમાં છે. ઇલિનોયની રાજધાની સ્પ્રિંગફિલ્ડમાં છે નહિ કે શિકાગોમાં. આવું આપણે ન કરી શકીએ?
[9] દૂધ / ફળો / શાકભાજી / ગ્રોસરીના સ્ટોર હોય ત્યાં પૂરતું પાર્કિંગ હોય.
[10] ખાદ્ય ચીજવસ્તુઓમાં કોઈ ભેળસેળ ન હોય.
[11] કોઈ જગ્યાએ પ્રદૂષણ નહીં. કોઈ જગ્યાએ અંકલેશ્વર જેવી ગંધ નહીં. કોઈ જગ્યાએ નદી પ્રદૂષિત નહીં. વટવા GIDC સાબરમતીમાં ગંદું પાણી ઠાલવે છે તેવું દૃશ્ય ન જોયું ! આવું અહીં કોઈ કરે તો લોકો અવાજ ઊઠાવે, જીવતી લાશો બની જોયા ન કરે !
[12] મને અહીંની ‘Food Bank’ની સેવા સૌથી વધુ ગમી. ઘણી ફૂડ બેંકો ધાર્મિક નહીં પણ માનવવાદી સિદ્ધાંતો હેઠળ કાર્ય કરે છે, જેનો ઉદ્દેશ્ય ભૂખમરો દૂર કરવાનો અને જરૂરિયાતમંદોને ખોરાક સહાય પૂરી પાડવાનો છે, પછી ભલે તે કોઈ પણ પૃષ્ઠભૂમિ / માન્યતા / ધર્મના હોય. આ એક પ્રકારની સખાવતી સંસ્થા છે જે ખોરાકની અસુરક્ષા ઘટાડવા અને મુશ્કેલીનો સામનો કરી રહેલા વ્યક્તિઓ અને પરિવારોને ખોરાકનું વિતરણ કરે છે. ભારતમાં ‘ફૂડ બેન્ક’ની ખાસ જરુરિયાત છે.
[13] અહીં ગજબનો વિરોધાભાસ જોવા મળ્યો. કોઈ કોઈ જગ્યાએ હોમલેસ-ઘરવિહોણાં જોવા મળે. બીજી તરફ મોટા સ્ટોરમાં / ટ્રક પાછળ ‘We are hiring – અમે ભરતી કરી રહ્યા છીએ’ લખેલું જોવા મળે. રોજગારી આપનાર છે છતાં હોમલેસ કેમ? કેટલાંક પરિબળો બેઘર વ્યક્તિઓને રોજગાર મેળવવામાં આડે આવે છે. જેમ કે સ્થિર સરનામાનો અભાવ / સંસાધનો, ટેકનોલોજી અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ / સ્વચ્છતા સુવિધાઓની મર્યાદિત પહોંચ / પરિવહન સમસ્યાઓ / માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો અભાવ, માદક દૃવ્યોની લત / ભેદભાવ અને સામાજિક કલંક / મર્યાદિત કાર્ય અનુભવ અથવા કુશળતાનો અભાવ અને ગુનાહિત રેકોર્ડ વગેરે રોજગારી મેળવવામાં હોમલેસ માટે અવરોધો છે.
અમારો પ્રવાસ એટલે રખડવાનો આનંદ ! પ્રવાસ એટલે પાઠશાળા ! પ્રવાસ એટલે કૂપમંડૂકતામાંથી મુક્તિ ! Mark Twain કહે છે : ‘પ્રવાસ પૂર્વગ્રહ, કટ્ટરતા અને સંકુચિત માનસિકતા માટે ઘાતક છે !’ મતલબ કે પ્રવાસ દ્વારા વિવિધ સંસ્કૃતિઓ અને જીવનશૈલીનો અનુભવ કરવાથી વ્યક્તિને; પૂર્વગ્રહોને દૂર કરવામાં અને વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનનો દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળે છે. પ્રવાસના અંતે એક વિશાળ દૃષ્ટિકોણ મળે છે !
31 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર