
રમેશ ઓઝા
લોકશાહી દેશોમાં બેવકૂફ અને અસંસ્કારી આદમીને સર્વોચ્ચ સ્થાને બેસાડો તો દેશની શું હાલત થાય એનો અનુભવ આજકાલ જગતના લોકશાહી દેશોને થઈ રહ્યો છે અને એમાં અમેરિકા અગ્ર સ્થાને છે. જગતના સર્વોચ્ચ શક્તિશાળી દેશને સર્વોચ્ચ બેવકૂફ શાસક મળ્યો છે. યથા પ્રજા તથા રાજા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૩૧મી જુલાઈએ જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ભારત પર ૨૫ ટકા ટેરીફ લાગુ કરવામાં આવશે? શા માટે? તો કહે, ભારત અમેરિકન માલની આયાત પર એટલી બધી કસ્ટમ ડ્યુટી લગાડે છે કે અમેરિકનો ભારતમાં નિકાસ કરી શકતા નથી. ભારત-અમેરિકા વેપાર એકપક્ષીય છે જેમાં અમેરિકાને નુકસાન થાય છે. જો ભારત હેવી ટેરીફ લાદીને અમેરિકન આયાતને રોકતું હોય તો અમેરિકા શા માટે ન કરે? ડોનાલ્ડ ટ્રમ્પની આ દલીલ છે અને તેઓ બીજી વાર સત્તામાં આવ્યા ત્યારથી આ દલીલ કરી રહ્યા છે.
અમેરિકા એક પ્રભુસત્તા ધરાવનારો દેશ છે એટલે તેને આવો અધિકાર છે એમ દલીલ ખાતર ઘડીભર આપણે માની લઈએ, પણ હકીકત એ છે કે અમેરિકાને આવો અધિકાર નથી. વિશ્વ વાણિજ્ય સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની સમજૂતી મુજબ કોઈ દેશ બારોબાર ટેરીફ કે વાણિજ્યની અન્ય શરતો બદલી શકે નહીં. વાચકોને યાદ હશે કે એ સમયે (૧૯૯૧થી ‘૯૫નાં વર્ષોમાં) અમેરિકા વિશ્વ વાણિજ્ય સમજૂતી પર બધા દેશો સહી કરે એ માટે આતુર હતું અને વિકાસશીલ દેશો પર દબાણ કરતું હતું. સોવિયેત રશિયાનું પતન થયું હતું, જગતભરમાં સામ્યવાદનો લગભગ અસ્ત થયો હતો, ચીન હજુ પહોંચી વળી શકાય એવી અવસ્થામાં હતું અને શીતયુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકાને અને જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશોને એમ લાગતું હતું કે મુક્ત વ્યાપારના યુગમાં ગરીબ અને વિકસશીલ દેશોના માર્કેટ પર અને તેનાં સંસાધનો પર કબજો કરવાનો અવસર આવ્યો છે અને વિશ્વ વ્યાપાર સમજૂતી તે માટેનું માધ્યમ હતું.
એકાદ-બે અપવાદોને છોડીને ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ સમજૂતી સમજૂતી કરાવનારાઓને જ મોંઘી પડી શકે છે. એમાં અમેરિકા તો ક્લીન ડેવલપમેન્ટમાં માનનારો દેશ એટલે પોતાની ભૂમિ અને પર્યાવરણ બગાડે એવા ઉદ્યોગોમાં તેને રસ નહોતો. ડોલરનો સોના સાથેના આર્થિક સંતુલનનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે જરૂર પડ્યે ડોલર છાપી લેવાના અને વર્ચસ જાળવી રાખવાનું. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે સમય હંમેશાં સાથ આપવાનો છે અને એમાં તેઓ તુમાખી પર ઉતરી આવે છે. અમેરિકન તુમાખી વિશ્વપ્રસિદ્ધ છે. ડાહ્યા માણસોને જ્યારે વરવી વાસ્તવિકતા સમજાય ત્યારે તેઓ તુમાખી અને દાદાગીરી છોડીને હવામાં ઉડવાની જગ્યાએ જમીન પર ચાલવાનું શરૂ કરે છે. અમેરિકાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું બરાક ઓબામાં. સામ્યવાદી રશિયાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું મિખાઈલ ગોર્બાચેવ. સામ્યવાદી ચીનને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું દેંગ ઝિયાઓપીંગ. ભારતને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું પી.વી. નરસિંહરાવ. આવા માણસો સમય વરતીને દિશાપરિવર્તન કરવાનું કામ કરતા હોય છે. આમાં નવી દિશાને પડકી રાખવામાં અને હજુ વધુ આગળ જવામાં એમ માત્ર ચીન સફળ નીવડ્યું, બાકીના દેશો એ ન કરી શક્યા કારણ કે અનુવર્તી શાસકોમાં કેટલાકની સમજ ઓછી હતી, કેટલાક સડેલી વ્યવસ્થાના શિકાર હતા (જેમ કે ડૉ મનમોહન સિંહ), કેટલાક માટે રાષ્ટ્રીય કરતાં પક્ષીય એજન્ડા સર્વોપરી હતા, કેટલાકને ઇતિહાસના હિસાબકિતાબમાં રસ હતો અને છે અને કેટલાક સ્વકેન્દ્રીય બેવકૂફ હતા કે છે. ચીનનો આજે જગતમાં દબદબો છે એનું કારણ એણે કૃતસંકલ્પ સાથે પકડી રાખેલી દિશા છે. ભારત તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આનું ઉદાહરણ છે. ચીનને છેડ્યા પછી ચીને એવો કચકચાવીને તમાચો માર્યો કે હવે ટ્રમ્પ સીધી ચીનના નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને ભારતને અને ભારતના મહાન પ્રતાપી વડા પ્રધાનને સતાવી રહ્યા છે.
તો વાતનો સાર એ કે ડોનાલ્ડ ટ્રમ્પ બારોબાર વૈશ્વિક સંધી તોડી શકે નહીં, પણ આ તો ટ્રમ્પ છે જેની પાસે રહીસહી તાકાત વાપરીને દાદાગીરી કરવા સિવાય બીજી કોઈ આવડત નથી. તેમણે સંધિ તોડીને ભારત પર ૨૫ ટકા ટેરીફ લાગુ કર્યો. પણ સવાલ એ છે કે અત્યારે કેમ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્ય સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે? આ રહસ્ય છે. પણ વધારે મોટું રહસ્ય છે કે છે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવાના ગુના માટે ભારત પર પેનલ્ટી લગાડી છે. દંડવસૂલીનું પ્રમાણ જાહેર કર્યું નથી, પણ દંડની જાહેરાત કરી દીધી છે. આવું? આ જોઇને જો કોઈ દેશપ્રેમી રાષ્ટ્રવાદીનું લોહી ગરમ ન થતું હોય તો એનો અર્થ એ થયો કે તે મુસ્લિમ વિરોધી છે, દેશપ્રેમી નથી. તેઓ મુસ્લિમ વિરોધી કોમી માનસિકતાને દેશપ્રેમના પડીકામાં છૂપાવે છે. કોણે અધિકાર આપ્યો ટ્રમ્પને ભારત વિષે નિર્ણય લેવાનો? ભારત ગમે તેની સાથે ધંધો કરે તો એ તેનો અધિકાર છે. રશિયા સાથે બીજા દેશો પણ ધંધો કરે છે, ઉર્જાના ક્ષેત્રમાં પણ ધંધો કરે છે પણ એમાંના કોઈને નહીં ને ભારતને જ કેમ દંડે છે? શું ભારત અમેરિકાની જાગીર છે? પંદર મિનિટમાં ભારત સરકારે તમાચો મારતો જવાબ આપવો જોઈતો હતો, પણ પૂરા છત્રીસ કલાક પછી ભારતે પ્રતિક્રિયા આપી છે એ પણ નમાલી છે.
શેનો ડર છે? અને આવું પહેલીવાર નથી બન્યું. એકધારું બની રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસેલા નાગરિકોને હાથકડી જ નહીં, પગમાં બેડી પહેરાવીને વીડિયો લેવામાં આવે અને રીલીઝ કરવામાં આવે. મેક્સીકો અને બ્રાઝીલના નાગરિકો સાથે આવો વર્તાવ કરવામાં નહોતો આવ્યો. મેક્સિકોએ તો સંભળાવી દીધું હતું કે અમારા નાગરિકોને લઈને તમારું વિમાન અમારી ધરતી પર નહીં ઉતરે અમારું વિમાન આવીને અમારા નાગરિકોને સ્વમાનભેર લઈ જશે. બીજી બાજુ આપણા વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કરતા કહ્યું હતું કે ગુનો કરે એને હાથકડી પહેરાવવામાં આવે એમાં ખોટું શું છે? એલા ભાઈ, માત્ર હાથકડી નહોતી, પગમાં બેડી પણ હતી જે ગંભીર ગુનાઓમાં પહેરાવવામાં આવે છે! જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે કે અમેરિકાના? ઓપરેશન સિંદુર વખતે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. મેં યુદ્ધ રોકાવ્યું એવું તેમણે એક વાર નહીં અંદાજે વીસ વાર કહ્યું છે. મેં બન્ને દેશોને કહ્યું હતું જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશોને વાણિજ્યકીય રીતે દંડશે અને જો યુદ્ધ બંધ કરશે તો અમેરિકા વાણિજ્યકીય મદદ કરશે. આ અમેરિકામાં નહીં બીજા દેશમાં સાઉદી અરેબિયામાં કહ્યું હતું. ૨૫ ટકા ટેરીફ અને દંડ એ મદદ છે? ટ્રમ્પે કહ્યું છે કે પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનો તોડી નાખ્યાં હતાં. ટ્રમ્પે પ્રોટોકોલ બાજુએ મૂકીને પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન પર બોલાવ્યા હતા અને તેના બેમોઢે વખાણ કર્યા હતા. દેશના વડાને નહીં, લશ્કરી વડાને. પણ આપણા પ્રતાપી વડા પ્રધાન અને તેમની સરકાર ચૂપ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તો લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ટ્રમ્પનું નામ લઈને કહેવામાં આવે કે ટ્રમ્પનો દાવો ખોટો છે. વડા પ્રધાન બોલતા નથી.
રશિયા સાથે ઉર્જા વેપાર કરવા માટે ટ્રમ્પે માત્ર પેનલ્ટી નથી જાહેર કરી, ભારતના અર્થતંત્રને મરેલાં અર્થતંત્ર તરીકે ઓળખાવ્યું છે. ભાડમાં જાય ભારતનું મૃતપ્રાય અર્થતંત્ર. તે હજુ વધુ મરે તો મને કોઈ ફરક નથી પડતો. આ ટ્રમ્પના શબ્દો છે, મારા નથી. જેનાં ઓવારણા લેતા નરેન્દ્ર મોદી થાકતા નહોતા એ ટ્રમ્પ આવી ભાષા વાપરે છે અને વહેવાર કરે છે અને એ પણ વારંવાર. શા માટે ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નીચા દેખાડે છે? કદાચ કશુક અંગત છે. કદાચ નરેન્દ્ર મોદીનો ઈગો ટ્રમ્પના ઈગોને મેનેજ કરી શકતો નથી. જાગતિક સંબંધોમાં સોડમાં ઘૂસવામાં જોખમ હોય છે એમ મુત્સદીઓ કહેતા ગયા છે.
ખેર, આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી ટટ્ટાર ઊભા રહે. અમેરિકા સામે, ચીન સામે, ન્યુક્લિયર પાકિસ્તાન સામે, તુર્કી સામે. દેશના ગરીબ મુસલમાનો સામે નહીં. અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૩૧માં ભારતના વાઇસરોય લોર્ડ ઈરવીને મહાત્મા ગાંધીને રાજકીય સમજૂતી માટે વાઇસરોય હાઉસ (અત્યારનું રાષ્ટ્રપતિ ભવન) બોલાવ્યા હતા. તેની તસ્વીર જોઇને બ્રિટનના ભાવિ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે આપણે ત્યાંના ઇનર ટેમ્પલનો વકીલ જે અત્યારે અર્ધનગ્ન ફકીરનો વેશ ધારણ કરીને ફરે છે તેને બ્રિટિશ સામ્રાજ્યનો પ્રતિનિધિ માનભેર બોલાવે, સમાન આસને બેસાડે અને તે (ફકીર) આંખમાં આંખ પરોવીને વાત કરે અને શરતો મૂકે એ મારાથી જોવાતું નથી. એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય અમેરિકા આજે જેટલી તાકાત ધરાવે છે તેનાં કરતાં કમ સે કમ દસ ગણી વધારે તાકાત ધરાવતું હતું અને ભારત આજ કરતાં સોગણું નિર્બળ હતું.
તાકાત નબળાને રંજાડવામાં નથી બળિયાને પડકારવામાં છે, પણ ક્યારે? તાકાત રળીને. અને તાકાત રળવા માટે રાષ્ટ્રીય એકતા જોઈએ, જમીન પર પગ જોઈએ, સાચો નક્કર દેશપ્રેમ જોઈએ, સાચી નિસ્બત જોઈએ, ટેલેન્ટની કદર કરતા આવડવું જોઈએ વગેરે વગેરે. યાદી લાંબી છે અને તમે એ જાણો છો. મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑગસ્ટ 2025