‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા’ના ગયા એ દિવસો
ડાકિયા ડાક લાયા
ડાકિયા ડાક લાયા
ખુશી કા પૈગામ કહીં
કહીં દર્દનાક લાયા
૧૯૭૭માં ‘પલકો કી છાંવ મેં’ ફિલ્મ રિલીઝ થ,ઈ ત્યારે હજી ગામડાંમાં જ નહિ, શહેરોમાં પણ ડાક કહેતાં પોસ્ટ કહેતાં ટપાલનો અને ટપાલીનો દબદબો હતો, માત્ર ગામડાંમાં જ નહિ, મુંબઈ જેવાં શહેરોમાં પણ. મિષ્ટાન્ન ફરસાણ કાંઈ રોજ ન ખવાય, વારતહેવારે ખવાય. એમ તારવાળો પણ કાંઈ રોજ ઘરે ન આવે. પણ એક જમાનામાં ટપાલી તો લગભગ રોજ ઘરે આવે. અને એ પણ દિવસમાં ત્રણ વાર : સવારે નવેક વાગે, બપોરે બારેક વાગે, અને સાંજે ચાર-પાંચ વાગે. એ જમાનામાં લિફ્ટ બહુ ઓછાં મકાનોમાં. એટલે લગભગ દરેક મકાનમાં દાદરા ચડી-ઊતરીને કામ કરવું પડે. ખાખી યુનિફોર્મ, પગમાં તૂટેલા-જૂના સેન્ડલ. ખભેથી લટકતો ટપાલ ભરેલો થેલો. એ વખતે ટપાલ એટલે કાં પોસ્ટ કાર્ડ, કાં કવર. ઇનલેન્ડ લેટર તો પછીથી આવ્યા.
સાહિત્યકારો માટે અંગ્રેજીમાં ‘મેન ઓફ લેટર્સ’ શબ્દ પ્રયોગ થાય છે. પણ આપણા મોટા ગજાના કેટલાક લેખકો ‘મેન ઓફ પોસ્ટ કાર્ડ’ તરીકે જાણીતા. કોઈ સાવ અજાણ્યાનો, ખાસ કશા કામ વગરનો, પણ કાગળ આવે તો ગુલાબદાસ બ્રોકર એનો જવાબ અચૂક આપે, પોસ્ટ કાર્ડથી. ઉમાશંકર જોશીને તમે ગમે તેટલા પત્રો લાખો, જવાબ તો આપવો હોય તો જ આપે, અને એ પણ પોસ્ટ કાર્ડથી જ, અને ઓછામાં ઓછા શબ્દોમાં. આવો એક અનુભવ કાયમ માટે યાદ રહી ગયો છે. દાયકાઓ પહેલાં ‘માતૃવંદના’નાં પુસ્તકોનું સંપાદન કરતો હતો ત્યારે તેના પહેલા જ ભાગ માટે ઉમાશંકરને લખવા માટે આમંત્રણ મોકલેલું. સાથે જવાબી પોસ્ટ કાર્ડ પણ મોકલેલું. પણ જવાબ જ નહિ, ત્યાં લેખ તો ક્યાંથી આવે? પછી બીજા ભાગ વખતે ફરી આમંત્રણ મોકલ્યું, ફરી જવાબી પોસ્ટ કાર્ડ સાથે. થોડા દિવસ પછી તેમનું પોસ્ટ કાર્ડ મળ્યું. મથાળે ડાબી બાજુ તારીખ. પોસ્ટ કાર્ડની વચ્ચોવાચ જરા મોટા અક્ષરમાં ‘હા.’ એટલું જ લખેલું. નીચે જમણી બાજુ સહી : ‘ઉ.જો.’ ઘણાં વરસ એ પોસ્ટ કાર્ડ સાચવી રાખેલું. પણ અત્યારે હાથવગું નથી. તો સુરતમાં રહે આપણા મોટા ગજાના વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેઓ પણ જવાબ પોસ્ટ કાર્ડથી જ આપે. પણ લાંબા, વિગતવાર જવાબો આપે. એક પોસ્ટ કાર્ડમાં ન સમાય એટલે બીજું વાપરે, જરૂર પડે તો ત્રીજું પણ ખરું. પછી દરેકને મથાળે ૧-૨-૩ એમ નંબર નાખીને પોસ્ટ કરે.

૧૯૭૯માં પોસ્ટ કાર્ડની શતાબ્દી પ્રસંગે બહાર પડેલી ટિકિટ
જો કે આપણા દેશમાં પોસ્ટ કાર્ડ તો પ્રમાણમાં મોડાં આવ્યાં – ૧૮૭૯માં. પણ ટપાલ સેવાનો ઇતિહાસ તો તેનાથી ઘણો વધુ જૂનો છે. પોર્ટુગીઝ, ફ્રેંચ અને અંગ્રેજો આવ્યા તે પહેલાં મરાઠા શાસનમાં પણ ટપાલની વ્યવસ્થા હતી. એ ઉપરાંત પણ કેટલાંક દેશી રાજ્યો પોતપોતાની ટપાલ સેવા ચલાવતાં. પણ આખા દેશમાં ટપાલ સેવાની શરૂઆત કરી તે તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારે. અને એની શરૂઆત થયેલી મુંબઈથી. ૧૬૮૮માં દેશની પહેલવહેલી પોસ્ટ ઓફિસ મુંબઈમાં શરૂ કરી. એ ક્યાં આવેલી એ તો જાણી શકાયું નથી. પણ મુંબઈના કોટ વિસ્તારમાં જ ક્યાંક તે હોઈ શકે. તે પછી કલકત્તા અને મદ્રાસમાં પોસ્ટ ઓફિસ શરૂ થઈ. લોર્ડ ક્લાઈવના શાસન દરમ્યાન ટપાલ સેવાનો વિકાસ થયો. પણ ૧૭૭૪ સુધી ટપાલ સેવા માત્ર સરકારી કામકાજ પૂરતી માર્યાદિત હતી. વોરન હેસ્ટિંગ્ઝે ૧૭૭૪માં આ સેવાને સાર્વજનિક બનાવી. એ વખતે ટપાલનો દર વજનને આધારે નક્કી નહોતો થતો, પણ તે કેટલે દૂર સુધી મોકલવાની છે તેને આધારે નક્કી થતો. દર હતો ૧૦૦ માઈલના અંતર માટે બે આના (આજના બાર પૈસા).
વખત જતાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અલગ પોસ્ટ ઓફીસ વિભાગ શરૂ કર્યો – ૧૭૭૪માં કલકત્તામાં, ૧૭૭૮માં મદ્રાસમાં, અને ૧૭૯૨માં મુંબઈમાં.
એ વખતે હજી ટ્રેનની તો શરૂઆત પણ થઈ નહોતી. એટલે ટપાલ લઇ જવા માટે Runnersનો ઉપયોગ થતો. ટપાલનો થેલો ઉપાડીને એક હલકારુ-ખેપિયો અમુક નિશ્ચિત જગ્યા સુધી જઈને ત્યાં થેલો બીજા ખેપિયાને આપી દે. એમ સાંકળ લંબાતી જાય. તેમાં વળી ચોમાસામાં નદી-નાળાં ઊભરાતાં હોય, ધોધમાર વરસાદ વરસતો હોય, ત્યારે ટૂંકો રસ્તો છોડી લાંબે રસ્તે જવું પડે. દરેક હલકારુ સાથે એક ડુગડુગીવાળો પણ હોય, જે સતત ડુગડુગી વગાડ્યા કરે – જંગલમાં પ્રાણીઓને આઘાં રાખવા, અને વસતીવાળા વિસ્તારોમાં લોકો હલકારુના રસ્તામાંથી આઘા ખસી જાય તે માટે. સાધારણ રીતે એક હલકારુ એક દિવસમાં એક સો માઈલ કાપે.

બેલાર્ડ પિયર સ્ટેશન – એક બાજુ સ્ટીમર, બીજી બાજુ ફ્રન્ટિયર મેલ ટ્રેન
૧૮૬૯ની ૧૭મી નવેમ્બરે સુએઝ કેનાલ ખુલ્લી મુકાઈ તે પહેલાં હિન્દુસ્તાનથી બ્રિટન ટપાલ મોકલાતી તે કેપ ઓફ ગુડ હોપના દરિયાઈ રસ્તે. એ રસ્તે અહીંથી બ્રિટન ટપાલ પહોંચતાં ૧૬,૦૦૦ માઈલનું અંતર કાપતાં ત્રણ મહિના લાગતા! ૧૮૬૯ પછી સુએઝને રસ્તે ૬,૦૦૦ માઈલ કાપતાં ૩૫થી ૪૫ દિવસ લાગતા. કેપ ઓફ ગુડ હોપને રસ્તે ટપાલ બ્રિટન જતી તે કાં મદ્રાસથી, કાં કલકત્તાથી. મુંબઈની ટપાલ મદ્રાસ મોકલાતી. પણ સુએઝ કેનાલ શરૂ થયા પછી મુખ્ય કેન્દ્ર બન્યું મુંબઈ. ગ્રેટ બ્રિટનથી આવતી સ્ટીમરો મુસાફરો સાથે ટપાલ પણ લાવે લઈ જાય. એ સ્ટીમરો મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરે. ત્યાંથી આખા દેશની ટપાલ લઈ જવા માટે ખાસ ફ્રન્ટિયર મેલ ટ્રેન શરૂ કરેલી. ટપાલના કોથળા સ્ટીમરમાંથી એક બાજુ ઊતરે, અને બીજી બાજુ ટ્રેનમાં ચડાવાય. બ્રિટન આવતા-જતા મુસાફરો પણ આ ટ્રેનનો ઉપયોગ કરે. પહેલી ટ્રેન મુંબઈથી ૧૯૨૮ના સપ્ટેમ્બરની પહેલી તારીખે રવાના થયેલી. ૧૯૪૭ પહેલાં આ ટ્રેન છેક હિન્દુસ્તાનની સરહદ પર આવેલા પેશાવર સુધી જતી, અને એટલે જ એનું નામ ફ્રન્ટિયર મેલ. ૧૯૩૪માં તેમાં એક ‘એર કન્ડીશન’ ડબ્બો જોડવામાં આવ્યો. એને ઠંડો કઈ રીતે રાખતા? ડબ્બાની નીચે બરફની પાટો રાખવાની સગવડ હતી. તે ભાગમાં મોટા પંખા જોરથી ફર્યા કરે. ડબ્બાના તળિયામાં રાખેલા કાણાંમાંથી ઠંડી હવા ડબ્બામાં ફેલાયા કરે. અમુક અમુક નક્કી કરેલાં સ્ટેશને નવો બરફ મૂકવામાં આવે. આ પ્રકારની સગવડ ધરાવતી આ પહેલી ટ્રેન. તેમાં રેડિયો સાંભળવાની સગવડ પણ કરવામાં આવેલી. ૧૯૯૬ના સપ્ટેમ્બરથી એ ટ્રેન ગોલ્ડન ટેમ્પલ મેલ તરીકે ઓળખાય છે અને અમૃતસર સુધી જ જાય છે. હવે બેલાર્ડ પિયર સ્ટેશનનું અસ્તિત્ત્વ રહ્યું નથી એટલે એ ટ્રેન બોમ્બે સેન્ટ્રલથી આવ-જા કરે છે.
મુંબઈની કાયાપલટ કરનાર સર બાર્ટલ ફ્રેરે સિંધના કમિશ્નર હતા ત્યારે તેમણે ટપાલ સેવામાં ઘણા ફેરફાર કર્યા. પગપાળા ટપાલ લઈ જતા ખેપિયાને બદલે તેમણે ઘોડેસવાર ખેપિયાનો ઉપયોગ શરૂ કર્યો, તો રણના રેતાળ પ્રદેશમાં ઊંટનો. ‘સિંધ ડાક’ તરીકે ઓળખાતી અડધા આનાની ટપાલ ટિકિટનો ઉપયોગ પણ તેમણે પહેલી વાર શરૂ કર્યો. આ ટિકિટ આજે તો અત્યંત દુર્લભ બની ગઈ છે. છેલ્લે એક વપરાયેલી સ્ટેમ્પ અમેરિકામાં દસ હજાર ડોલરમાં વેચાઈ હતી. પણ આ ટિકિટનો ઉપયોગ અમુક વિસ્તાર (સિંધ) પૂરતો જ મર્યાદિત હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજમાં સર્વત્ર વાપરી શકાય એવી ટપાલ ટિકિટ ૧૮૫૪ના ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવી. તેના પર રાણી વિક્ટોરિયાના યુવાનીના દિવસોનું પોર્ટેટ છાપ્યું હતું. એ ટિકિટ અડધો આનો, તથા ૧,૨, અને ૪ આનાની કિંમતની હતી. તેની પાછલી બાજુએ ગુંદર લગાડેલો નહોતો. તેમાં ચાર આનાની ટિકિટ બે રંગમાં છપાતી. આખી દુનિયામાં તે પહેલાં બે રંગની બીજી એક જ ટિકિટ છપાઈ હતી, જે ‘બેઝલ ડવ’ તરીકે ઓળખાય છે તે ૧૮૪૫માં સ્વીત્ઝરલેન્ડમાં છપાઈ હતી.
૧૮૫૪માં ટપાલ સેવાને લોકાભિમુખ કરવામાં આવી. સરકારી ટપાલ મફત લઈ જવાનું બંધ કરાયું. તેના પર પણ જરૂરી ટિકિટ લગાડવાનું ફરજિયાત બનાવાયું. ટપાલ કેટલે દૂર લઈ જવાની છે તેને આધારે પોસ્ટેજ નક્કી કરવાનું બંધ કરીને વજન પ્રમાણે નક્કી કરવાનું શરૂ થયું. દર પા તોલા દીઠ અડધો આનો લેવાનું નક્કી થયું. આ પ્રકારની પહેલી ટપાલ ટિકિટ દેશમાં જ છાપવાનો પ્રયત્ન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો, પણ તે સફળ થયો નહિ. એટલે પહેલી ટિકિટો ઇન્ગ્લન્ડમાં છાપીને અહીં લાવવામાં આવી. ત્યારથી છેક ૧૯૨૫ સુધી હિન્દુસ્તાન માટેની બધી જ ટપાલ ટિકિટ ઇન્ગ્લન્ડમાં છપાતી. ૧૯૨૫થી નાશિકમાં શરૂ થયેલ ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસમાં ટપાલ ટિકિટો છાપવાનું શરૂ થયું. ત્યાં સુધી ઘણી વખત હિન્દુસ્તાનમાં ટપાલ ટિકિટની અછત ઊભી થતી. ૧૮૬૫થી હાથીના મોઢાના ‘વોટર માર્ક’વાળા કાગળ પર ટપાલ ટિકિટ છાપવાનું શરૂ થયું. ૧૮૯૫માં પહેલી વાર ૨,૩, અને ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પડી.

ઉપર: ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી ટિકિટ, ગાંધીજીની સ્મૃતિમાં બહાર પડેલી પહેલી ટિકિટ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ નીચે: સ્વતંત્ર ભારતની પહેલી ટપાલ ટિકિટ
૧૯૩૧ સુધી હિન્દુસ્તાનની બધી ટપાલ ટિકિટ પર ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણીનું જ ચિત્ર છપાતું. ૧૯૩૧માં પહેલી વાર દિલ્હીના ‘પુરાના કિલ્લા’ના ચિત્રવાળી છ ટપાલ ટિકિટ બહાર પડી. ૧૯૪૭ના નવેમ્બરની ૨૧મી તારીખે સ્વતંત્ર ભારતની પહેલી ટપાલ ટિકિટ બહાર પડી, જેના પર અશોક સ્તંભ અને ત્રિરંગા રાષ્ટ્ર ધ્વજનું ચિત્ર હતું, અને ‘જય હિન્દ’ લખેલું હતું. કોઈ પણ હિંદી વ્યક્તિના ચિત્રવાળી એક પણ ટપાલ ટિકિટ ૧૯૪૭ પહેલાં બહાર પડી નહોતી. ૧૯૪૮ની ૧૫મી ઓગસ્ટે મહાત્મા ગાંધીના ચિત્રવાળી પહેલી ટિકિટ બહાર પડી, તે આવી પહેલી ટિકિટ.
રસ્તા પર હાલતાં-ચાલતાં ટપાલ ખાતાની એક નિશાની અચૂક જોવા મળે, તે લાલ રંગની ટપાલ પેટી. ઉપરના ભાગમાં ટપાલ નાખવા માટેનું છાપરાવાળું બાકોરું. વરસાદનું પાણી અંદર ન જાય તે માટે છાપરું. નીચે નાનકડું બારણું, તાળું મારેલું. ચાવી પોસ્ટ મેન પાસે હોય. પહેલાં તો દિવસમાં ત્રણ વાર આવીને ટપાલ પેટી ખાલી કરી બધી પોસ્ટ થેલામાં નાખે. હવે પછી ક્યારે ટપાલ કાઢી જશે તેનો સમય બતાવતો કાગળ તેને માટેની ‘બારી’માં મૂક્યો હોય. બધી પેટીમાંથી ટપાલ એકઠી થઈ જાય એટલે પોસ્ટ ઓફિસમાં જઈ કોથળો ઠાલવે. અને પછી શરૂ થાય ટપાલની મુસાફરી.

સૂની પડેલી ટપાલ પેટી
હજી આજે ય ટપાલી ઘરે ક્યારેક ક્યારેક આવે તો છે. જાહેર ખબરનાં ફરફરિયાં લઈને, લવાજમ ભરેલાં મેગેઝીન લઈને, રડ્યાંખડયાં બિલ લઈને. અને હા. દિવાળીના દિવસોમાં તો એક સાથે ત્રણ-ચાર ટપાલી આવી પહોંચે – દિવાળીની બક્ષિશ લેવા. પણ હવે વ્હોટ્સએપ અને મોબાઈલના જમાનામાં ટપાલીને આવતો જોઈને કોઈ ગાતું નથી :
ડાકિયા ડાક લાયા
ડાકિયા ડાક લાયા
ખુશી કા પૈગામ કહીં
કહીં દર્દનાક લાયા
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 જૂન 2024)
![]()


તમે – you – કોરિન્નાને કહો છો કે જો જૅકેટ ફેક છે તો અંદરનું લખાણ પણ ફેક જ હશે. કોરિન્ના કહે છે કે બની શકે, કેમ કે ઍટાગુઇટેનિયામાં બધું જ ફેક હોય છે. કોરિન્ના અને તમે ટૅક્સીની રાહ જોતાં હોવ છો ત્યારે કેટલાક પોલીસ ઑફિસરો તમને બન્નેને ઍરેસ્ટ કરે છે. કોરિન્ના શાન્ત રહે છે અને જણાવે છે કે – હું ગર્ટ્રુડ છું, તાબડતોબ મને તમારા હેડક્વાર્ટર પર લઈ જાવ. તમે ચકિત રહી જાવ છો. એટલે, કોરિન્ના તમને કહે છે કે આ પોલીસો પણ ફેક છે.
વાચનાનુભવ માટે કોરિન્ના (શિલા રૂપે) તમને મદદ કરતી હોય છે. એ વખતે તમે એને કમરેથી સાહી લો છો, કહો છો કે – મને તું લોતારિયા લાગી. કોરિન્નાને સમજાતું નથી કે તમે એને શું કહી રહ્યા છો. તમે એને જણાવો છો કે — ક્રાન્તિનો એક જ હેતુ હોય છે, સત્તાનાં જૂનાં રૂપોને પુનર્જીવિત કરવાં, જેમ કે તારો આ યુનિફૉર્મ કાઢી નાખીએ તો અંદર એક બીજો યુનિફૉર્મ જોવા મળશે.