ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર
માનનીય સાહિત્યકારશ્રીઓ,
નમસ્કાર.

હેમંતકુમાર શાહ
અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી, પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.
તાજેતરમાં વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ભારતીય લેખિકા અને સાહિત્યકાર અરુંધતિ રોય પર UAPA હેઠળ કેસ ચલાવવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી તે નિમિત્તે ગુજરાતી સાહિત્યકારોમાંથી કે લેખકોમાંથી કોઈ પ્રતિસાદ આવ્યો હોવાનું જાણમાં આવ્યું નથી.
આપને દમનખોર અને રાક્ષસી એવા UAPA નામક કાયદા વિષે ઝાઝી કે કશી ખબર ન હોય એમાં આપનો વાંક ન હોય, પણ એટલી તો જાણકારી આપને હોય જ, અને ભારતના સુશિક્ષિત નાગરિક તરીકે હોવી પણ જોઈએ કે, નાગરિકોને જેમ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર કેટલીક મર્યાદાઓ સાથે છે તેમ સરકારને પણ બંધારણ હેઠળ મર્યાદાઓ સાથે જ સત્તા પ્રાપ્ત થયેલી છે.
જમ્મુ-કાશ્મીર ભારતનું અંગ નથી એવા અરુંધતિ રોયના મત કે વિધાનો સાથે આપ સંમત ન પણ હોવ, હું પણ નથી જ. પણ છતાં તેમના પર UAPA જેવા કાળા કાયદાનો ઉપયોગ કરવામાં આવે એ તો સત્તાનો નિરંકુશ ઉપયોગ જ કહેવાય.
જો સરકાર કોઈ સાહિત્યકાર સામે સત્તાનો બેફામ દંડ ઉગામે અને બાકીના સાહિત્યકારો મોંમાં જાતજાતના અને ભાતભાતના સરકારી કે બિન-સરકારી ઇનામો ઠસોઠસ ભરીને, કે પછી કોઈ પણ રીતે ખાનમાનપાન મળે એવી આશાએ, મૌન પાળે તો તે તેમણે સમાજની સૌથી મોટી કુસેવા કરી કહેવાય.
ભારતના બંધારણમાં મર્યાદિત સરકારનો ખ્યાલ સ્વીકારાયો છે. એટલે કે સરકારો બેફામ બનીને નાગરિકોના અધિકારો ઝૂંટવી શકે નહિ તેની વ્યવસ્થા બંધારણમાં કરાઈ છે. સત્તાનો સ્વભાવ બેફામ અને બેલગામ બનવાનો છે ત્યારે તેની સામે જો જાગૃત ન રહીએ તો આપણે સૌ મનુષ્ય એવા નાગરિક તરીકે જીવી શકીએ નહિ, પણ મચ્છર જેવા તુચ્છ જંતુની જેમ શ્વાસ લેતા થઈ જઈએ અને જીવતેજીવ મરી જઈએ.
જો સાહિત્ય અને તેના રચયિતાઓ કાયરતા ધારણ કરીને નીચ, નાલાયક, નફ્ફટ, નપાવટ, નિર્લજ્જ અને નરાધમ સત્તાનશીનો સામે અવાજ ન ઉઠાવે અને તેમની કદમપોશી કર્યા કરે તો આખો સમાજ નમાલો બની જાય, પછી ભલે ને સત્તામાં કોઈ પણ વિચારધારા ધરાવનાર નેતા કે કોઈ પણ પક્ષ હોય.
ઉમાશંકર જોશીને યાદ કરો. ઇન્દિરા ગાંધીએ એમને રાજ્યસભાના નિયુક્ત સભ્ય બનાવેલા. પણ છતાં ઇન્દિરા ગાંધીની એકહથ્થુ જોહુકમી સામે તેઓ રસ્તા પર આવી ગયેલા. અટકાયત વેળાએ પોલિસવાનમાં એમને પોલિસ દ્વારા બાવડું પકડીને ચડાવતો ફોટો છાપામાં છપાયેલો એ પાંચેક દાયકા વીત્યા છતાં ય હજુ ય મારા માનસપટલ પર હેમખેમ તરોતાજો છે.
સત્તા સામે ધનપતિઓ અને મૂડીપતિઓ ન બોલે તે તો સમજી શકાય. કારણ કે તેમનું ધ્યાન માત્ર નફા અને સંપત્તિના એકત્રીકરણ પર હોય છે. જે.આર.ડી. તાતા જેવા પણ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે કશું નહોતા બોલેલા અને એમની જ કાઁગ્રેસ સરકારે એમને ભારતરત્ન ખિતાબ પણ પછીથી આપેલો.
આપને માટે તો શબ્દ જ સ્વામી છે. પરમાત્મા, જો એવું કશું હોય તો, જ આપને શબ્દની તાકાત સાથે પૃથ્વી પર મોકલે છે. આપે વળી કઈ સંપત્તિ ઘરભેગી કરવી છે? શા માટે આપ સૌ શબ્દની તાકાતની ધાર બુઠ્ઠી કરી રહ્યા છો એ સમજાતું નથી.
આશરે છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્ર્યનું સત્યાનાશ કાઢી નંખાયું છે અને છતાં આપમાંના મોટા ભાગના મૌન રહ્યા છો. આપની રાજકીય, સામાજિક અને મૂળભૂત માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા સાવ જ મરણાસન્ન હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
કોરોનાકાળ દરમ્યાન પારુલ ખખ્ખર દ્વારા લખવામાં આવેલી કવિતાને કારણે એમને જે વેઠવું પડેલું એ અત્યારે યાદ આવે છે. અરુંધતિ રોય પણ આપમાંના જ એક છે. વંચિતો, પીડિતો, દલિતો, ગરીબો અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાના લડવૈયાઓનો અવાજ આપ છેલ્લા અઢી દાયકામાં બન્યા નથી. હવે તો મગનું નામ મરી પાડો.
આજે અરુંધતિ છે, કાલે આપનો વારો નીકળી શકે છે. કે પછી વારો ન નીકળે એની જ ચિંતામાં રચ્યાપચ્યા છો? બરાબર યાદ રાખો, ડર અને લાલચમાંથી બહાર નીકળીએ તો જ વ્યક્તિની સ્વતંત્રતા ટકે. રાજકીય સત્તાના ગુલામ થઈને જીવવાનું પસંદ કરવાનું કે ન કરવાનું આપના હાથમાં છે. પ્રવર્તમાન સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સત્તાને શરણે ગયેલું કે પછી એની સામે ચૂપ રહેલું સાહિત્ય કદી કશો શક્કરવાર વાળી શકે નહિ એમ મારી અલ્પમતિ મને કહે છે. સત્તાની ભાટાઈ અને ચાપલૂસી એ સાહિત્યકારનું લક્ષણ કેમેય કરીને હોઈ શકે નહિ.
આપ કંઈ કથાકાર નથી, સર્જક છો. તેથી આપ સૌ તો બુદ્ધિજીવી છો. સાથે સાથે હવે બુદ્ધિનિષ્ઠ બનો અને આઝાદ દેશના નાગરિકોની સાચી આઝાદી માટે આપ આપની કલમનો અહિંસક તલવાર તરીકે ઉપયોગ કરો એવી સાહજિક અપેક્ષા છે. ચીન આઝાદ છે પણ ત્યાંના નાગરિકો આઝાદ નથી. શું આપણે ભારત = ચીન + ચૂંટણી બનવું છે?
ખાસ્સું મોડું થઈ ચૂક્યું છે, હજુ વધુ મોડું થશે તો ઇતિહાસ આપને કદી માફ નહિ જ કરે એની મને ખાતરી છે. આપ આઝાદ દેશના માનવીની આઝાદીનો અવાજ બનો.
જો એમ કરશો તો વધુમાં વધુ શું થશે? આપને કોઈ યુનિવર્સિટીના કુલપતિ નહિ બનાવાય, કોલેજો અને યુનવર્સિટીઓના સેમિનારમાં નહિ બોલાવાય, સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં નહિ બોલાવાય કે કોઈ પારિતોષિક નહિ આપવામાં આવે, એમનાં સામયિકોમાં આપના લેખો નહિ છપાય, ક્યારેક તમને કોલેજ કે યુનિવર્સિટીમાં બઢતી નહિ મળે; વગેરે વગેરે. આટલું જો સહન કરી શકો તો કરો અને સરકારી રીતિનીતિઓ સામે અવાજ ઉઠાવો. આવું બધું ચાલે તો પણ આપના સાહિત્ય સર્જનને ક્યાં આંચ આવવાની છે?
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં ચર્ચા અને વાદવિવાદનો અવકાશ જ ખતમ કરી નાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠ પણ ખાડામાં ગઈ! કોલેજો અને યુનિવર્સિટીઓ સરકારનાં ખાતાં જેવી બની ગઈ છે. આપમાંના ઘણાબધા એમાં હાલ છો અથવા હતા. શું આપને એમાં critical thinking થાય એની જરૂર નથી લાગતી, કે જેનો ઉલ્લેખ ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં આઠ વખત કરવામાં આવ્યો છે?
આપ વાણી સ્વાતંત્ર્ય એ તો રાજકારણ છે એમ કહીને છટકબારી ન શોધશો. સાહિત્ય અકાદમી એ સરકાર છે અને સાહિત્ય પરિષદમાં ચૂંટણી થાય એ પણ રાજકારણ જ કહેવાય. મૂળ મુદ્દો બંધારણમાં જે વાણી સ્વાતંત્ર્ય લખ્યું છે એના રક્ષણનો અને સરકારોને બેલગામ થતી, તાનાશાહી બનતી તથા નાગરિકોને ગુલામ બનાવતી અટકાવવાનો છે.
આપની કલમ વેરીલી અને ઝેરીલી સત્તાને પડકાર ફેંકે અને ઝવેરચંદ મેઘાણીની જેમ શૂરવૈયાનો ડંકો વગાડે તેમ જ નર્મદનો ડાંડિયો બને, તેમ જ સર્જન અને સ્વતંત્રતા વચ્ચેના નાળસંબંધને જીવંત બનાવે એનો જ ઇંતજાર છે. છેલ્લા અઢી દાયકાના આપના મૌન છતાં ….
किसी नज़र को तेरा इंतजार आज भी है……
मेरी तलाश में शायद बहार आज भी है।
(ભૂતપૂર્વ આચાર્ય, એચ.કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ.)
તા.૧૭-૦૬-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



ઈશારો રાહુલ ગાંધી તરફ હતો. ધરતી પર જન્મેલ ભાગ્યે જ કોઈ માણસ હશે કે જે જાણતો ન હોય કે અપમાન શું છે? પરંતુ રાહુલ ગાંધીથી સારી રીતે આ વાત બીજા કોઈ જાણતા નથી; કેમ કે આ દેશના ઇતિહાસમાં બીજું કોઈ ઉદાહરણ નથી; જ્યારે બધાં મીડિયા, IT Cell, અને સીસ્ટમની સઘળી મશીનરી કોઈને પપ્પૂ સાબિત કરવા લગાડી દીધી હોય. કરોડો રૂપિયાના ખર્ચે એક નેરેટિવ / ધારણા ઊભી કરવાની કોશિશ કરી હતી. નિશાન પર માત્રને માત્ર એક વ્યક્તિ હતી. અને આ એક દિવસ, દસ દિવસ, સો દિવસની વાત ન હતી, દસ વર્ષથી પૂરી તાકાત લગાવી ધારણા ઊભી કરી હતી.
જ્યારે રૂમી લખે છે : ‘The wound is the place where the Light enters you. ઘા એ જગ્યા છે જ્યાં પ્રકાશ તમારામાં પ્રવેશ કરે છે.’ લિઓનાર્ડ કોહન લખે છે : ‘There is a crack in everything That’s how the light gets in. દરેક વસ્તુમાં તિરાડ છે આ રીતે પ્રકાશ દાખલ થાય છે.’