
રવીન્દ્ર પારેખ
એવું બને કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય ને શિક્ષકો મંદિરોમાં ભોજન વ્યવસ્થા સાચવવામાં કે ટોઇલેટ ગણતરીમાં કે રસીકરણ જેવી કામગીરી માટે મોકલવામાં આવ્યા હોય કે સ્કૂલમાં હોય તો પરિપત્રોના જવાબો આપવામાં કે ડેટા ફીડ કરવામાં વ્યસ્ત હોય, ત્યારે શિક્ષકનું કામ ભણાવવાનું ખરું કે કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. કેટલાક શિક્ષકોને એ ઉપલક કામ ગમતું પણ હશે, પણ મોટે ભાગના શિક્ષકો વર્ગમાં ભણાવવા ઈચ્છે છે, કારણ તેને પગાર ભણાવવાનો અપાય છે, એટલે એ કામ નથી થતું તો કેટલાક શિક્ષકોને કોઈ ગુનો કરતા હોય એવું લાગે છે. શિક્ષણ વિભાગનું કામ શિક્ષણ અપાય તે જોવાનું છે, પણ તેને રસ, ઈતરપ્રવૃત્તિનો જ હોવાને કારણે તે વખતો વખત તઘલખી ફેરફારો કરવામાં અને ફતવાઓ બહાર પાડવામાં વ્યસ્ત હોય છે.
હવે શું છે કે મંત્રીઓ લવારો ન કરતા હોય તો, તેના મંત્રી હોવા વિષે શંકા જન્મે છે. કાલના જ સમાચારમાં શિક્ષણ મંત્રી ડિંડોરે ગોધરામાં કહ્યું કે રસ્તામાં ખાડા પડે તો સરકારમાં ફોન ન કરવાના હોય, તગારા, પાવડા, માટી લઈને લોકોએ જ ખાડા પૂરીને નાગરિક ધર્મ બજાવવો જોઈએ. આમ તો ખાડા શિક્ષણ મંત્રીશ્રીના કોર્સમાં જ ન હતા, પણ લોકોને ઉપદેશ આપવો હતો તે આપ્યો. એ ખરું કે પ્રજાએ નાગરિક ધર્મ બજાવવો જોઈએ, પણ સરકાર તેની ફરજ ચૂકે તો તે પ્રજાને સલાહ આપી શકે? સારું છે કે સાહેબે એમ ન કહ્યું કે શિક્ષકોની ઘટનું શું રડ્યા કરો છો? એ ન ભણાવે તો નાગરિકોએ ભણાવીને નાગરિક ધર્મ બજાવવો જોઈએ. તે એટલે કે નાગરિકો થોડો કંઇ રોડ, લાઈટ, નળનો વેરો ભરે છે? તો સરકાર શું કામ ખાડા પૂરે?
તાજેતરમાં બે ફતવાઓ બહાર પડ્યા છે. એક પ્રાથમિક સ્કૂલો બંધ કરવાનો અને 90 માધ્યમિક સ્કૂલો શરૂ કરવાનો. સરકાર દ્વારા તમામ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને આદેશ અપાયો છે કે બાળકોની સંખ્યા શૂન્ય હોય એવી પ્રાથમિક શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરો ને એવી સ્કૂલો બંધ ન થાય તો સંબંધિત શિક્ષણાધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે શાળા, પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી, 31 જુલાઈની કટ ઓફ ડેટ મુજબ ખોટી સંખ્યા દર્શાવી વધારાના શિક્ષકો મેળવવાની કોશિશ કરતી જણાય તો તેની જાતે તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે. એ ખરું કે સંખ્યા જ ન હોય તે સ્કૂલો ચાલુ રાખવાનો અર્થ નથી, પણ સ્કૂલો શરૂ થઈ ત્યારે બાળકો હોવાની ગણતરીએ જ શરૂ થઇ હશે, તો એની તપાસ પણ થવી જોઈએ કે એવું શું થયું કે બાળકોની સંખ્યા શૂન્ય સુધી ઊતરી આવી?
એ કેવું કે સરકારી પ્રાથમિક સ્કૂલો સંખ્યાને અભાવે બંધ થાય ને ૮૫ સરકારી માધ્યમિક સ્કૂલો ને 5 સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના પછી શરૂ કરવાની વાત આવે? જો કે, એક રાજ્ય શાળા સંચાલક મંડળે સીધા જ વર્ગો બંધ ન કરતા, જરૂર પડે તો ગ્રાન્ટમાં કાપ મૂકીને, વધુ તક આપવાનો પત્ર સરકારને લખ્યો છે. આશા રાખીએ કે સરકાર સ્કૂલો બંધ કરવાની ઉતાવળ ન કરે. એ પણ છે કે સુરત શહેર અને જિલ્લામાં 9 સરકારી સ્કૂલોને મંજૂરી મળી છે. આ નવ સ્કૂલો શરૂ થવાની સાથે જ સુરત શહેર અને જિલ્લામાં ૨૩ સ્કૂલો બે જ વર્ષના ટૂંકા ગાળામાં શરૂ થશે. તે ઉપરાંત ભરૂચ જિલ્લામાં બે અને વલસાડ, વાપીમાં એક એક સ્કૂલને મંજૂરી મળ્યાની વાત પણ છે. વળી નવી શાળાને મંજૂરી મળવાની સાથે 350 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની જોગવાઈ પણ થઈ છે. એ સારી વાત છે કે સરકાર 90 સ્કૂલો ખોલવા જઈ રહી છે, પણ આ વેપલો થોડા મહિના વહેલો થયો હોત તો સત્ર શરૂ થવાની સાથે જ આ સ્કૂલો પણ શરૂ થઈ શકી હોત ને અભ્યાસને મુદ્દે અન્ય સ્કૂલોની સાથે રહી શકી હોત. મોટી મુશ્કેલી તો વિદ્યાર્થીઓ મેળવવાની થશે, કારણ મોટે ભાગના વિદ્યાર્થીઓએ એડમિશન તો નવું સત્ર શરૂ થવાની સાથે જ લઈ લીધું હોય, તે બે મહિને શરૂ થનારી સ્કૂલની રાહ ન જુએ.
એક તરફ 90 સ્કૂલો ખૂલવાની વાત છે, જયારે જેતપુર કૈં જુદો જ રાગ આલાપે છે. જેતપુરના ખીરસરા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત નવચેતન હાઈસ્કૂલમાં પૂરતી સંખ્યા છે, કોમ્પ્યુટર, લેબોરેટરી, પ્રોજેક્ટર, સ્માર્ટ ટી.વી. સ્ક્રીન જેવી અદ્યતન સુવિધાઓ પણ છે, પણ ખાટલે મોટી ખોડ તે મકાનની છે. સ્કૂલનું મકાન જર્જરિત થઇ ગયું છે ને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. દોઢેક વર્ષ પર હાઈસ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે એટલે ગ્રામ પંચાયત પાસે વૈકલ્પિક વ્યવસ્થા માટે મકાનની માંગણી કરી. ગ્રામ પંચાયતે બીજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે પંચાયત કચેરીનો એક રૂમ કાઢી આપ્યો ને વધારામાં કચેરીનું ગોડાઉન ક્લાસરૂમ માટે આપ્યું.
એમાં અભ્યાસ તો શરૂ થયો, પણ વિદ્યાર્થિનીઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હતી. આ શાળા ૨૫ વર્ષથી 90 ટકાથી વધુ પરિણામ લાવે છે. અહીં સુવિધાઓ છે, પણ શૌચાલય નથી. ધોરણ 9 અને 10ના 73 વિદ્યાર્થીઓ ગોડાઉનમાં કેમ કેમ ભણતા હશે એની કલ્પના જ કરવાની રહે છે. આ ગોડાઉનને કોઈ સ્માર્ટ ક્લાસ કહે કે આ ભણતરને કોઈ ભાર વગરનું ભણતર કહે તો આશ્ચર્ય નહીં થાય, કારણ આપણી પાસે બઢાવી ચઢાવીને કહેવા માટે ઘણું છે, ‘ભણે ગુજરાત’ જેવાં પોસ્ટર્સ પણ પ્રચાર-પ્રસાર માટે ઘણાં છે, પણ ઓછામાં ઓછી જરૂરિયાતવાળી સ્કૂલનો વિકલ્પ ગ્રામ પંચાયતની કચેરીના ગોડાઉનમાં જડે એ શિક્ષણ જગતની બલિહારી છે.
ખીરસરાની નવચેતન સ્કૂલના શિક્ષકો ગોડાઉનમાં ભણાવે તો છે જ, પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ થઈ શકે એ માટે અંગ્રેજીના શિક્ષક પણ રોકે છે ને એમને પગાર ચૂકવવા દર મહિને ફાળો પણ ભેગો કરે છે. આ રીતે ચાલતી સ્કૂલનું પરિણામ ગયે વર્ષે 94 ટકા આવ્યું. આવું પરિણામ લાવતી સ્કૂલની આ દશા છે ! મકાન નથી એટલે સ્કૂલ ગોડાઉનમાં ચાલે છે, અંગ્રેજીના શિક્ષક નથી, તો એને શિક્ષકો રોકે છે. કમાલ છે ને ! સરકારના કામ હવે શિક્ષકોએ કરવા પડે છે. બાકી, અંગ્રેજીનો શિક્ષક રાખવાનું કે તેને પગાર આપવાનું કામ શિક્ષકોનું છે? પણ, વિદ્યાર્થીઓ માટેની લાગણી અને 90 ટકા રિઝલ્ટ લાવતી શાળાનો રેકોર્ડ ન બગડે એટલે શિક્ષકો આટલું કરે છે.
શિક્ષકો વર્ગ શિક્ષણમાં વધુ રસ લે એ સ્થિતિ શિક્ષણ વિભાગે ઊભી કરવી જોઈએ, તેને બદલે તેને બીજા કામની ફરજ પડાય તે અક્ષમ્ય છે. એ આઘાતજનક છે કે શિક્ષણ કાર્ય સિવાયની 90થી વધુ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવે છે. આ સ્થિતિ હોય તો શિક્ષક વર્ગમાં ભણાવે એવી શક્યતાઓ જ કેટલી રહે? વી.વી.આઈ.પી. ભોજન સંચાલનનું કામ શિક્ષકોનું છે? એ ભોજન લેતા મહાનુભાવોમાંથી કોઈ વર્ગમાં ભણાવી શકે એમ છે? જો એ શિક્ષકોનું કામ નથી કરતા, તો શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરે મોકલવાનું ડેપ્યુટી કલેકટર વિચારી જ કઈ રીતે શકે? એ તો વિરોધ થયો ને જસદણ અને વીંછીયા તાલુકાની શાળાઓના શિક્ષકોને માથેથી જવાબદારી ગઈ, તો પણ ડેપ્યુટી કલેકટરનું કહેવું છે કે પરિપત્ર ભલે રદ થયો હોય, પાર્કિંગ, પ્રસાદ વિતરણ જેવી કામગીરીઓ શિક્ષકો સ્વેચ્છાએ કરશે. આ એવી શાળાઓ છે જેનું પરિણામ દયાજનક છે. અહીં પહેલેથી જ શિક્ષકોની ઘટ છે – જસદણમાં 15 ટકા અને વીંછીયામાં 40 ટકા. એમાંથી પણ શિક્ષકોને બીજે જોતરીને ઘટમાં વધારો કરવામાં આવે તો શાળાના બાળકોનાં શિક્ષણનું શું? જે શિક્ષકો સ્વેચ્છાએ મંદિરની કામગીરી કરવા તૈયાર છે, તેઓ સ્વેચ્છાએ વધારે સમય વર્ગમાં ભણાવવા તૈયાર થશે? કોણ જાણે કેમ, પણ શિક્ષણને પ્રાથમિકતા અપાતી જ નથી, એટલું જ નહીં, જેમના પર શાળા ઊભી થઇ છે, એ બાળકોને તો કોઈ લેખામાં જ નથી લેતું.
સાચું તો એ છે કે સરકારી સ્કૂલો સરકારને માથે દેવું છે ને તે ઓછામાં ઓછું ચૂકવાય એ દાનત છે, કારણ આમાં મળતર નથી. એટલે જેમ ફાવે તેમ મંત્રીઓ અને અધિકારીઓ શિક્ષણ વિભાગ ચલાવે છે. રોજ ફતવા બહાર પડે છે ને વિરોધ થાય છે તો પાછાય ખેંચી લેવાય છે. નિયમો નક્કી થાય છે, તેમાં ઢંગધડા હોતા નથી. એક નિયમ એવો થયો કે વર્ગખંડમાં વિદ્યાર્થી દીઠ 8 ફૂટની જગ્યા જોઇશે. સવાલ એ છે કે વર્ગખંડ જ નથી ને બાળકો પતરાંના શેડમાં કે ઝાડ નીચે ભણતા હોય કે એક જ વર્ગમાં બબ્બે ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ ઠાંસવામાં આવતા હોય, ત્યાં 8 ફૂટ માપવાનું ભોળપણ સરકાર કેવી રીતે દાખવે છે? બીજો નિયમ એવો કર્યો કે કોઈ પણ પ્રિ-સ્કૂલ ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકને પ્રવેશ આપી શકશે નહીં. એ સાથે જ એમ પણ ઉમેર્યું કે ઉંમરનો પુરાવો જરૂરી નથી. કોઈ 13 વર્ષનો બાળક પોતાને ૩ વર્ષનો જાહેર કરે તો તેને માટે કોઈ પુરાવો જરૂરી નથી. લાગે છે, આમાં ક્યાં ય અક્કલનો ઉપયોગ થયો છે?
અપેક્ષા રાખીએ કે અભણમાં હોય એટલી કોઠાસૂઝ ક્યારેક તો શિક્ષણ વિભાગમાં આવે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑગસ્ટ 2025