ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા!
ભજન કરે તે જીતે.
તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે!
રે મનવા, ભજન કરે તે જીતે.
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજડવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.
– મકરંદ દવે
આ ભજન છે અને નથી! એ ચીલાચાલુ ભજનોથી થોડુંક અલગ પડી જાય છે. અહીં કોઈ સ્તુતિ નથી. બીજા ભજનોની જેમ ઇશ્વરનો મહિમા નહીં પણ તેના સર્જક ઋષિકવિ સ્વ. મકરંદ દવેએ ભજનનો મહિમા અહીં ગાયો છે.
આ ભજનનું ભજન છે !
માટે જ આ ‘ભજન એટલે શું?’ એવો વિચાર આ અળવીતરા જણને આવ્યો. એની ફળશ્રુતિ એટલે આ અવલોકન.
કદાચ અહીં ભજન જીવન જીવવાની હકારાત્મક રીત તરફ અંગુલિ નિર્દેશ કરે છે. અને માટે જ એની નકારાત્મક બાજુ તરીકે કવિએ ‘વજન’ મૂક્યું છે!
આપણી જીવવાની ચીલાચાલુ રીતમાં આપણે દરેક ચીજ, ઘટના કે વ્યક્તિને આપણાં કાટલાંથી મૂલવવા ટેવાયેલા હોઈએ છીએ. ઈશ્વરની સ્તૂતિ પણ મોટા ભાગે નિર્વ્યાજ નહીં પણ, સોદા બાજી હોય છે. ‘મને આ કે તે મળે તો ભગવાનને આ ચઢાવીશ.’ એવો સંકલ્પ – ભલે પ્રેમપૂર્વક કર્યો હોય; સમસ્ત વિશ્વના સર્જકને ‘કંઈક’ આપવાનો વિચાર કેટલો બાલીશ છે?
પણ બાળકનો માતા પ્રત્યે હોય, એવો દિલનો સાચો નિર્વ્યાજ પ્રેમ હોય, તો એ કહેવાતો ઈશ્વર ‘મા’ની જેમ ચપટીક ધૂળથી પણ રીઝી જાય છે. સાચી આરઝૂ, સાચા પ્રયત્નના પ્રતાપે – આપણી અંદર રહેલો પરમ શક્તિનો અંશ કાર્યરત બને છે, અને આપણને સફળતા કદાચ મળી જાય છે. ન મળે તો પણ, એની ખેવના જ નથી રહેતી. માત્ર કર્તવ્ય કરવાનો આનંદ એ ભોળા ભગવાનને ધરાવેલો પ્રસાદ કે ફૂલ હાર બની રહે છે.
જીવનના ઘૂઘવતા સાગર વચ્ચે તરતા રહેવાની જિંદાદિલી – એટલે એ ‘ભજન’. નહીં તો કાટલાં જ કાટલાં.
આવો પ્રેમ સભર પ્રયત્ન
એ ભજન.
બાકી એ વજન!
આ સાથે જ માનીતા શાયર ‘શૂન્ય’ પાલનપુરીનો આ શેર યાદ આવી ગયો –
કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !
આ સરસ ‘ભજન’ અહીં સાંભળો –
e.mail : surpad2017@gmail.com