
courtesy : "The Hindu", 03 September 2014
![]()

courtesy : "The Hindu", 03 September 2014
![]()
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ, વિવેચન, ‘અભ્યાસ’નાં પુસ્તકો ફેંદી વળો. તેમાં ક્યાં ય ડોસાભાઈ ફરામજી કરાકાનું કે તેમના પુસ્તકનું નામ પણ જોવા મળે તો કહેજો !
ગુજરાતીમાં લખાયેલાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોની વાત કરવાની હોય ત્યારે બધા સૌથી પહેલાં મહીપતરામ રૂપરામ નીલકંઠને અને તેમના નાનકડા પુસ્તકને જ યાદ કરે. ૧૮૬૨માં પ્રગટ થયેલું તેમનું ‘ઇન્ગ્લન્ડની મુસાફરીનું વર્ણન’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક એમ પણ ઘણાએ તો ઠઠાડી દીધું છે. પણ કરાકાનું પુસ્તક મહીપતરામના પુસ્તક કરતાં એક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું, ૧૮૬૧માં. એનું નામ, ‘ગરેટ બરીટન ખાતેની મુસાફરી.’ અને આ કોઈ નાનુંસૂનું પુસ્તક નથી. ૯ X ૧૧ ઇંચના કદનાં ૩૧૪ પાનાંનું છે આ પુસ્તક. છપાયું છે મુંબઈના દફતર આશકારા પ્રેસમાં. લીલા રંગના પાકા પૂંઠા પર સોનેરી શાહી વડે ‘ધ ક્રિસ્ટલ પેલેસ’નું એન્ગ્રેવિંગ છાપ્યું છે. ખાસ ઇન્ગ્લંડમાં છપાવીને ત્રીસ જેટલાં ચિત્રો પણ લેખકે આ પુસ્તકમાં મૂક્યાં હતાં. મહીપતરામના પુસ્તકમાં એક પણ ચિત્ર નથી.
તે વખતનાં બીજાં ઘણાં પુસ્તકોની જેમ ડોસાભાઈના પુસ્તકમાં પણ બે ટાઈટલ પેજ છે, એક અંગ્રેજીમાં, અને બીજું ગુજરાતીમાં. એટલું જ નહિ, લેખકની પ્રસ્તાવના પણ બંને ભાષામાં છે. (આ ચાલ છેક ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ સુધી તો ચાલુ રહ્યો જ છે.) ‘દિબાચો’ નામે લખેલી પ્રસ્તાવનામાં ડોસાભાઈ કહે છે : “જે મુલકના રાજા હેઠળ આપણા વતનનું દેશ છે, તે મુલકથી સારી પેઠે વાકેફ થવાની તથા તાહાં જે જોવામાં આવે તેનું આ દેશના લોકોને સમજ પડે અને ઉપઓગી થાએ, તેવી રીતનું વરણન તેઓની આગળ રજૂ કરવાની મતલબથી ઇસવી સને ૧૮૫૮ના વરસની શરૂઆતમાં આ ટાપુ(મુંબઈ)નો કિનારો છોડીઓ હતો.” આટલું વાંચતાં પણ તરત ખ્યાલ આવશે કે તે વખતના બીજા ઘણા પારસી લેખકોની જેમ આ લેખક પણ જોડાક્ષરો ઓછામાં ઓછા અને ન છૂટકે જ વાપરે છે. પુસ્તકને લેખકે ૨૭ પ્રકરણમાં વહેંચ્યું છે. પહેલા ત્રણ પ્રકરણ મુંબઈથી એડન, સુએઝ, કેરો, એલેક્ઝાન્ડ્રિયા, માલ્ટાથી ફ્રાંસ સુધીની દરિયાઈ મુસાફરીના વર્ણન પાછળ રોકાયાં છે. તે પછી પૂરાં છ પ્રકરણ લેખકે પેરિસ શહેરના વર્ણનને ફાળવ્યાં છે. આ છ પ્રકરણોમાં ડોસાભાઈએ પેરિસનાં અનેક જોવા લાયક સ્થળો વિષે લખ્યું છે, પણ એફિલ ટાવર વિષે એક અક્ષર પણ લખ્યો નથી ! એક કેમ હશે ? જવાબ માટે રાહ જુઓ આ લેખ પૂરો વાંચી રહો ત્યાં સુધી.
દસમાં પ્રકરણમાં પેરિસથી લંડન સુધીની દરિયાઈ મુસાફરીનું વર્ણન છે, અને ૧૧મા પ્રકરણમાં આપણે તેમની સાથે લંડન પહોંચી જઈએ છીએ. એ વખતે લંડનની કુલ વસ્તી ૨૩ લાખ, ૬૨ હજાર, અને ૨૩૬ની હતી એમ લેખક નોંધે છે. લંડનમાં મકાનોનાં બારી-બારણાં હંમેશાં બંધ જ રહે છે તે જોઈને આ હિન્દુસ્તાની મુસાફરને પહેલાં તો નવાઈ લાગે છે. પણ પછી સમજાય છે કે ઠંડી અને ઘર ઘરની ચીમનીમાંથી નીકળતા ધૂમાડાથી બચવા આમ કરવું જરૂરી છે.
ડોસાભાઈ જોયેલું તે લંડનમાં વીજળીના દીવા નહોતા. પણ ગેસના દીવા હતા ! રસ્તાઓ પર, અને ઘરોમાં પણ. લંડનમાં ઠેર ઠેર કૂવાઓ નથી, પણ પાઈપ વાટે લોકોનાં ઘરોમાં પાણી પહોંચાડાય છે એ વાત ડોસાભાઈ અચરજ પૂર્વક નોંધે છે. એ વખતે લંડનના રસ્તાઓ પર ઘોડા ગાડીઓ દોડતી હતી, અને આ ગાડીઓને ઊભી રાખવા માટે આખા શહેરમાં ૩૦૦ સ્ટેન્ડ હતાં. આ ઉપરાંત બસ પણ હતી, જેને ત્રણ ઘોડા ખેંચતા! એક બસમાં ૨૬ મુસાફરો બેસી શકતા. આખા લંડનમાં મુસાફરી કરવા માટેની ટિકિટનો એક જ દર હતો – છ પેન્સ, અથવા પા રૂપિયો (આજના આપણા ૨૫ પૈસા). આવી એક ટિકિટ લીધા પછી તમે આખા લંડનમાં ક્યાં ય પણ જઈ શકો.
બારમાં પ્રકરણમાં લેખકે બકિંગહામ પેલેસ અને બીજા રાજમહેલોની વાત કરી છે. તે પછીના પ્રકરણોમાં પાર્લામેન્ટ હાઉસ, લંડનનો કિલ્લો. ટંકશાળ, બેંક ઓફ ઇન્ગ્લંડ, સેન્ટ પોલ્સ કેથીડ્રલ, બાગ બગીચા, સંગ્રહસ્થાનો, આર્ટ ગેલેરીઓ, વગેરે પોતે જોયેલાં સ્થળોની વાત લખી છે. ૧૮મા પ્રકરણથી લેખક લંડનના જાહેર જીવન તરફ વળે છે. કેળવણીની વ્યવસ્થા, સખાવતી સંસ્થાઓ, ‘રમત અને મોજનાં કારખાના’ (સ્પોર્ટ્સ અને રીક્રિયેશન ક્લબો), વગેરેની વાત કર્યા પછી ફરી ક્રિસ્ટલ પેલેસના વર્ણનમાં ૨૧મું પ્રકરણ રોકે છે. (૧૮૫૧ના મોટા પ્રદર્શન માટે બાંધવામાં આવેલો આ કાચનો મહેલ એ વખતે એક અજાયબી ગણાતો હતો. ૧૯૩૬ના નવેમ્બરની ૩૦મી તારીખે લાગેલી ભયંકર આગમાં તે ભસ્મીભૂત થઈ ગયો હતો.) ૨૨મા પ્રકરણથી લેખક લંડન છોડીને આસપાસમાં ફરવા નીકળે છે. માન્ચેસ્ટરની કાપડ મિલો જુએ છે, એડિનબરામાં લટારો મારે છે, બીજાં કેટલાંક સ્થળોની મુલાકાત લે છે.
૨૪મા અને પચ્ચીસમા પ્રકરણમાં સરકારની શાસન પદ્ધતિની વાત કરે છે, લશ્કર, આવક-જાવક, વેપાર વણજ વગેરેની ચર્ચા કર્યા પછી છેલ્લા પ્રકરણમાં ડોસાભાઈ એ મુલકની ‘સંસારી હાલત’ વિષે વાત કરે છે. અહીં લેખક નથી તો ખોટી વાહ વાહ કરતા, કે નથી તો નિરર્થક ટીકા-નિંદા કરતા. કહે છે : “જે દેશમાં વધારે શુધરાઈ તાહાં વધારે ઠગાઈ બી હોવી જોઈએ. ઠગો બી અકલના બલથી બને છે, પણ સઘળાં જ આદમીઓ ઠગ છે એમ કહેવાશે નહિ. ઇન્ગ્લન્ડમાં સૌથી સરસ ઈમાનદારી ધરાવનારા લોકો છે, તેમ સૌથી સરસ ઠગો પણ છે.” ડોસાભાઈ ૧૮૫૭ના બળવા પછી લગભગ તરત ઇન્ગ્લંડ ગયા હતા. ત્યારે તેમને ત્યાં ગોરાઓનો કેવોક અનુભવ થયેલો ? પુસ્તકને અંતે તેઓ લખે છે : “અમો અમારી અજમાયેશ ઉપરથી કહેવાને આંચકો ખાતા નથી કે અંગ્રેજ લોકો પારકા લોકોને સારું માન આપે છે તથા તેઓની બરદાસ્ત લે છે અને પોતાનાથી બને તેટલું તેઓને વાસ્તે કરે છે. માટે જો અંગ્રેજ લોકોની ખરી ખૂબી જોવી હોય તો ઇન્ગ્લંડ ગયાથી દેખાય છે.”
હવે પેલી એફિલ ટાવરવાળી વાત. ડોસાભાઈએ આ પુસ્તકમાં એફિલ ટાવર વિષે એક શબ્દ પણ લખ્યો નથી, કારણ ત્યારે એ ટાવરનું અસ્તિત્ત્વ જ નહોતું ! અ ટાવર બાંધવાની શરૂઆત ૧૮૮૭ના જાન્યુઆરીની ૨૮મીએ થયેલી. તેનું કામ ૧૮૮૯ના માર્ચની ૧૫મી તારીખે પૂરું થયેલું, અને તેનું ઉદ્દઘાટન થયેલું એ જ મહિનાની ૩૧મી તારીખે. જ્યારે આપણા ડોસાભાઈ તો પેરિસ પહોંચ્યા હતા ૧૮૫૮માં. એટલે કે આ લખનારના હાથમાં ડોસાભાઈના પુસ્તકની જે નકલ છે તે પણ એફિલ ટાવર કરતાં જૂની છે !
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત 'ગ્રંથયાત્રા', "ગુજરાતમિત્ર", 31 અૉગસ્ટ 2014
![]()
પાઠયપુસ્તકોની બાબતમાં જરી ઠરીઠામ થયા પછી સોસાયટીએ મુંબઈ બહાર મરાઠીભાષી અને ગુજરાતીભાષી વિસ્તારો તરફ ધ્યાન આપ્યું. આ બંને વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરતાં પહેલાં સરકારી ખર્ચે માસ્તર તરીકેની તાલીમ ચૂંટેલા પુરુષોને આપવામાં આવી. તે પછી ૧૮૨૬ની ૧૯મી મેએ લેવાયેલી પરીક્ષામાં ૧૪ મરાઠી ઉમેદવારો પાસ થયા તેમને મરાઠીભાષી વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરવા મોકલ્યા. એ જ વર્ષના ઓગસ્ટની ૧૪મીએ લેવાયેલી પરીક્ષામાં દસ ગુજરાતી ઉમેદવારો પાસ થયા. તેમાંથી સોસાયટીએ દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર સોમનાથ અને હરિરામ દયાશંકરને સુરત મોકલ્યા. તુળજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ અને ગૌરીશંકર કૃપાશંકરને અમદાવાદ મોકલ્યા. મુંકુંદરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ મોકલ્યા, તથા મયાશંકર જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલ્યા. દરેક શિક્ષકનો માસિક પગાર વીસ રૂપિયા હતો. આ દસ માસ્તરોએ શરૂ કરેલી નિશાળો તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતની પહેલી સ્કૂલો. આ સ્કૂલોમાં મુંબઈની સોસાયટીએ તૈયાર કરેલાં પાઠયપુસ્તકો જ ભણાવાતાં. જેને ગેરસમજણપૂર્વક પહેલાં ગુજરાતી પાઠયપુસ્તકો તરીકે ઓળખાવવામાં આવે છે તે હોપ વાચનમાળાનાં પુસ્તકો તો છેક ૧૮૫૯માં પહેલીવાર પ્રગટ થયેલાં.
ગુજરાતી પાઠયપુસ્તકોની બાબતમાં ગુજરાતની નિશાળો ત્રીસેક વર્ષ સુધી મુંબઈ પર આધાર રાખે તે તો સમજી શકાય, કારણ ઈલાકાનું તે પાટનગર હતું. પણ સુરત મિશન પ્રેસ અને દમણમાં ફરદુનજીએ શરૂ કરેલા પ્રેસને બાદ કરતાં છેક ૧૮૪૫ સુધી ગુજરાતી મુદ્રણ માટે પણ મુંબઈ પર જ બધો મદાર રહ્યો હતો. ખુદ અમદાવાદમાં પહેલું છાપખાનું છેક ૧૮૪૫માં શરૂ થયું હતું. બાજીભાઈ અમીચંદનું આ છાપખાનું શિલાછાપ પદ્ધતિનું હતું. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું છાપખાનું તે જ વર્ષે કે ૧૮૪૬માં શરૂ થયું. ૧૮૪૯માં ગુજરાતનું પહેલું અખબાર ‘વરતમાન’ શરૂ થયું.
તે આરંભમાં બાજીભાઈ અમીચંદના છાપખાનામાં જ છપાતું, અને ૧૮૫૦માં શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ માસિક પણ ત્યાં જ છપાતું. આજે આપણને નવાઈ લાગે પણ ૧૮૬૩ સુધી અમદાવાદમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નહોતું. ૧૮૬૩માં દલપતરામ મુંબઈ ગયા ત્યારે તેમણે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધી. તેના માલિક બહેરામજી ફરદુનજીએ ટકોર કરી કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નથી તે શરમજનક કહેવાય. આ ટકોરથી ઘવાયેલા દલપતરામે બીજા ત્રણ ભાગીદારો સાથે મળીને ૧૮૬૩માં યુનાઇટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી કંપની લિમિટેડ નામનું મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું.
દલપતરામને જેમની મોટી ઓથ હતી તે એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની ૧૮૫૦માં સુરત બદલી થઈ. તેમની પ્રેરણાથી ૧૮૫૦ના ઑકટોબરની દસમીથી સુરત સમાચાર નામનું અખબાર શરૂ થયું. બેજનજી પાલનજી તથા દુર્ગારામ મંછારામ આ અખબાર સંભાળતા. ૧૮૫૭માં ખેડાથી ખેડાનીતિપ્રકાશ અને ભરૂચથી વરતમાંન નામનાં અખબાર શરૂ થયાં. સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો અમદાવાદ કરતાં ય છાપખાનાં મોડાં શરૂ થયાં. ૧૮૬૩માં રાજકોટ ગેઝેટ પ્રેસ અને ૧૮૬૫માં ભાવનગર દરબારી પ્રેસ શરૂ થયા. તે સૌરાષ્ટ્રનાં પહેલાં બે છાપખાનાં. આમ થવાનું કારણ એ કે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર એ વખતે દેશી રાજાઓની હકૂમત હેઠળ હતો. અને આમાંના ઘણા ખરા રાજાઓ છાપખાનાં, સામયિકો, અખબારો, તરફ શંકાની નજરે જોતા. રૈયતની ઉશ્કેરણી કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય એ બીકે તેઓ તેમને પ્રોત્સાહન નહોતા આપતા. કાઠિયાવાડ એજન્સીએ સીધી કે આડકતરી રીતે દબાણ કર્યા પછી જ આ રાજાઓએ આ ત્રણે સાધનો શરૂ કર્યાં, પણ સાથોસાથ તેમના પર રાજયનો અંકુશ રહે એવી વ્યવસ્થા પણ કરી.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2014
![]()

