હમણાં યાકૂબ મેમણના કેસમાં અપાયેલા મૃત્યુદંડ વિશે જાહેરમાં જે ઊહાપોહ અને ખેંચતાણ થઈ, તેનાથી ઘણાનાં મનમાં સામાન્ય મૂંઝવણથી લઈ ભારે આક્રોશ સુધીના ભાવ જન્મ્યા. ખાસ કરીને મૃત્યુદંડ રદ કરવાની રજૂઆતો મોટા ભાગની જનતાને સમજાઈ નથી. અને આપત્તિજનક લાગી છે. ‘આવા આતંકવાદીને વળી માફી શાની? દયા શાની?’ એમણે આટલા બધા નિર્દોષોની ઠંડે કલેજે હત્યા કરવાની યોજના બનાવી એમાં દયા રાખી હતી?’ ઘણાનાં મોઢે તો એમ પણ સાંભળ્યું કે ‘આવા આતંકવાદીને તો કેસ પણ ચલાવ્યા વિના સીધી જ ગોળી મારી દેવી જોઈએ.’ આવા મનોભાવો વચ્ચે જે લોકો માફી માટે દરખાસ્ત/અરજી કરી રહ્યા હતા, તે બધા દેશદ્રોહી અને આતંકવાદના સમર્થકો છે, એવી આક્રોશપૂર્ણ ભાવનાઓ પણ વ્યક્ત થઈ. પણ આ લેખનો હેતુ યાકૂબ મેમણના કેસ વિશે વિચારવાનો નહીં, આધુનિક લોકશાહીમાં મૃત્યુદંડના વિરોધની તાત્ત્વિક ભૂમિકા તરફ નિર્દેશ કરવાનો છે.
મીડિયામાં ચમકતા ઘણા નિષ્ણાતો, રાજ્ય પોતે કોઈ વ્યક્તિનો પ્રાણ લે તે અનૈતિક અને ખૂની પ્રવૃત્તિ છે, એમ વિવિધ રીતે કહેતા હોય છે. અને ઘણે ભાગે ‘ડિટરન્સ થિયરી’ (મૃત્યુદંડ હોવાથી ગુનેગાર ગંભીર ગુના કરતાં ખચકાય છે) બધા સંશોધનાત્મક અભ્યાસમાં ખોટી પુરવાર થઈ છે, એ વાતને ખાસ મહત્ત્વ આપે છે. ટીવી પર એક નિષ્ણાતને એમ કહેતા પણ સાંભળ્યા કે, જો કોઈ તટસ્થ અભ્યાસનું તારણ નીકળે કે મૃત્યુદંડથી ગુના ઘટે છે, તો તેઓ એને સમર્થન આપવા તૈયાર છે. પણ આવી દલીલો અપર્યાપ્ત છે, ખરેખર તો ડિટરન્સ સાબિત થતું હોય તો પણ લોકશાહીમાં મૃત્યુદંડ શરમજનક અને રદ કરવા યોગ્ય છે.
બીજી વધુ સારી/સાચી દલીલ એ છે કે મૃત્યુદંડ ઇરિવર્સિબલ (Irreversible) છે. એટલે કે એ સજા એક વાર આપ્યા બાદ પાછી લઈ શકાતી નથી. માટે જો પાછળથી ગુનેગાર નિર્દોષ માલૂમ પડે કે એવાં તથ્યો, પુરાવાઓ સામે આવે, જેના આધારે એવી સજા રદ થવા પાત્ર બનતી હોય (Mitigating circumstances), તો પણ એમ કરી શકાતું નથી. કાયદા, ન્યાયાધીશો, વકીલો સાથે આખું ન્યાયતંત્ર એટલે સ્વયંસંપૂર્ણ નથી કે આવી ઇરિવર્સિબલ સજા આપી શકે. સૉક્રેટિસ જેવાને પણ લોકશાહી ઢબે મૃત્યુદંડ અપાયેલો છે.
પરંપરાગત રાજાશાહીમાં રાજ્યશક્તિ ઈશ્વરપ્રદ મનાતી હતી, અને તેથી રાજાનો ઈશ્વરની જેમ જીવન લેવાનો હક્ક પણ મનાતો હતો. લોકશાહીમાં રાજ્યશક્તિ પ્રજા પાસેથી મળે છે. એમાં સીધો કોઈ દૈવી અંશ ગણાતો નથી. માટે જે વસ્તુ લોકો આપી ન શકે તે લઈ કેવી રીતે શકે? કોઈ વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની હત્યા એ કાયદાની દૃષ્ટિએ અપરાધ છે. તો તે જ કામ રાજ્ય ‘ન્યાય’ તરીકે કેવી રીતે કરી શકે? આધુનિક લોકશાહીમાં ન્યાય બદલાના અર્થમાં બિલકુલ માન્ય નથી.
પણ મૃત્યુદંડ લોકશાહીમાં શોભતો નથી, એનું સૌથી મહત્ત્વનું અને મૂળભૂત કારણ કયું? એ સમજવા લોકશાહી રાજ્ય એ કોઈ પણ વ્યક્તિ કરતાં ઘણી ઉચ્ચતર હસ્તી (Transcendental Being) છે, એ સમજવું ખાસ જરૂરી છે. વ્યક્તિગત સ્તરે કોઈની આપરાધિક કે હિંસાત્મક પ્રવૃત્તિ જોઈને આપણું લોહી ઊકળી આવે અને તેને તાત્કાલિક ગોળી મારી દેવાની ઇચ્છા પણ થઈ આવે. પણ જ્યારે એક લોકશાહી રાજ્ય એવા અપરાધીની સામે નજર કરે, ત્યારે એક વ્યક્તિના સ્તરની ભાવનાઓથી દોરવાતું નથી. એન્કાઉન્ટર વિશેની ચર્ચા પણ આ બે દૃષ્ટિકોણના સંઘર્ષમાંથી જ જન્મી હતી.
આધુનિક લોકશાહી રાજ્ય એક પ્રજા/ દેશની સાથેસાથે મનુષ્યજાતના ઇતિહાસ, સંસ્કૃિત, ધર્મ, નૈતિકતા અને પેઢીઓથી ઉત્ક્રાંતિ પામેલા અને કેળવાયેલા, દૃઢીભૂત થયેલાં ઉચ્ચતર/ ઉચ્ચતમ સંસ્કાર, મૂલ્યો અને આદર્શોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ઈશ્વરીય અવતારોથી લઈને બધા સંતો, વિચારકો, વિદ્વાનો, કલાકારોનો સમાવેશ થાય છે. જ્યારે લોકશાહી રાજ્યને આવી ઉચ્ચતર હસ્તી તરીકે આપણે જોઈએ (કે જે તે છે જ !) તો તેવી હસ્તી ઘણી ઉદાર અને અનુકંપાશીલ જણાશે કે જે વ્યક્તિગત ભાવનાઓ અને નીતિમત્તાથી પણ ઘણી ઉદાત્ત હોય, માટે જ એક બળાત્કારી, ખૂની કે આતંકવાદીને પોતાના કાનૂની બચાવની પૂરી તક અને સુવિધા અપાય છે. પણ જેઓ સાચો સિદ્ધાંત સમજી શકતા નથી, તેમને લોકશાહી રાજ્યની આવી પદ્ધતિ / પ્રક્રિયા નબળાઈ જેવી દેખાય છે અને તે માટે રોષ પ્રગટે છે. કસાબને જિવાડી તેના પર કેસ ચલાવવામાં કેટલા પૈસા દેશે ખર્ચ્યા? કસાબને બિરિયાની? આવા-આવા પ્રશ્નો નિર્દોષ દેશભક્તોને પજવે છે. મારા એક ફેસબુક મિત્રે નીચેની પોસ્ટ શેર કરી છે :
जागो भारत जागो
सेना से निवेदन है – किसी आतंकीको पकडने के बजाय गोली मार दैं, नहीं तो बाद में गद्दार लोग राष्टृपति को चिठ्ठी लिखकर उन्हें छोडने की गुहार लगायेंगे
क्या आप सहमत है ?
ઉપરના બકવાસ માટે ન્યાયની અને નૈતિકતાની વાત જવા દઈએ, તો વ્યૂહાત્મક રીતે પણ તે મુર્ખામીભર્યો છે. ખરેખર તો જીવતો પકડાયેલો આતંકવાદી પોલીસ કે લશ્કર માટે માહિતીની મોટી ખાણ પુરવાર થાય છે. માટે જ સુરક્ષાદળોને તેમને શક્ય હોય ત્યાં સુધી જીવતા પકડવાની અને આતંકવાદીઓને તે રીતે ન પકડવાની સૂચના હોય છે.
લોકશાહી રાજ્યને ઉચ્ચતર હસ્તી તરીકે જોવું એ કોઈ આદર્શવાદ નથી – ખાસ જરૂરી છે. અને એ રીતે સમજીએ તો એ પરંપરાગત રાજાશાહી કરતાં ઘણી વધુ અને વાસ્તવિક રીતે દૈવી અંશ ધરાવે છે. આધુનિક લોકશાહી પરંપરાગત રાજ્યવ્યવસ્થાઓ કરતાં આ રીતે જ ઊંચેરી છે. લોકોમાં અને રાજનેતાઓમાં રાજ્યશક્તિની આવી દિવ્યતાનો ખ્યાલ હોવો ખાસ જરૂરી છે. રાજનેતાઓ પણ જ્યારે યાકૂબ મેમણ જેવા કેસમાં વ્યક્તિગત ભાવનાઓથી દોરવાઈ જુસ્સાપૂર્વક નિવેદનો કરે તે મોટી કમનસીબી છે. અત્યારના રાજ્યવહીવટમાં જોવા મળતી તુમાખી, જડતા અને કઠોરતા એવી સમજના અભાવે જ છે, અને એવી સમજથી જ દૂર થઈ શકે. ચળવળિયાઓના ઊહાપોહથી નહીં!
મીડિયામાં પણ ઘણી વાર આતંકવાદ, બળાત્કાર વગેરે સમાચાર ‘અમુકને ન્યાય ક્યારે મળશે?’ કે ‘ફલાણાને પૂરો ન્યાય મળ્યો?’ જેવા પ્રશ્નોથી રજૂ થતા હોય છે. એમાં એ ભૂલી જવાય છે કે લોકશાહી તંત્રમાં ન્યાયપ્રક્રિયા કોઈના વ્યક્તિગત આક્રોશ કે બદલાની ઝંખનાને ઠારવા માટે નથી. તે વધુ વ્યાપક અને ઉચ્ચતર હેતુઓ સિદ્ધ કરવા માટે છે. દિલ્હીના જઘન્ય બળાત્કાર અને હત્યાકેસમાં સગીર તરીકે છૂટેલા (કે જે સૌથી વધુ હિંસક હતો!) આરોપીને ફાંસી આપવાની માંગ છોકરીની મા પહેલેથી જ કરે છે. ઘણાને એની વાત સાથે સહાનુભૂતિ હોય છે, પણ એક રાષ્ટ્ર તરીકે એવા અપરાધીને જોવાની દૃષ્ટિ ઘણી અલગ અને વિશાળ હોય છે – અને હોવી જોઈએ જ. અન્યથા ‘ખૂન કા બદલા ખૂન’ જેવા કાયદા આપણને જંગલરાજ તરફ ધકેલી શકે.
ફ્રેંચ વિચારક ઝાક દેરિદા(The Death Penalty, Vol. 1)ના કહેવા મુજબ પ્રાશ્ચાત્ય તત્ત્વજ્ઞાને સાર્વભૌમ રાજ્યને જીવન લેવાનો હક્ક છે, એ વિચારને સીધી યા આડકતરી રીતે પરિપુષ્ટ કર્યો છે. તેના વિચાર મુજબ, મૃત્યુના સમયની અનિશ્ચિતતા, જે આપણા મર્યાદિત જીવનની જે ખાસ ખૂબી છે, તેનો મૃત્યુદંડ છેદ ઉડાડે છે અને તે રીતે કદાચ એ ખૂબ કરતાં પણ ઘણી મોટી હિંસા છે.
આ લેખમાં આધુનિક લોકશાહી માટે ‘દિવ્યતા’ શબ્દનો પ્રયોગ થોડો અતિશયોક્તિપૂર્ણ, ભારેખમ કે ભાવનાશીલ લાગે; પણ એ હું સમજી-વિચારીને કરી રહ્યો છું. આધુનિક લોકશાહી એક વ્યક્તિને દંડીત કરતી વખતે જે વિશાળ દૃષ્ટિ, ઉદારતા, સંયમ અને સહિષ્ણુતાનો પરિચય આપે છે, તે અત્યાર સુધીના માનવઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને બધા ગુણ શું દિવ્યતાના અંશ નથી?
e.mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 20-21
![]()


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનના વિભાજિત પટ પરના ઘણાં પુસ્તકો અભ્યાસીને પણ અઘરાં કે નિરસ જણાય છે. પણ ‘મારો આતમરામ’ (2009) નામનો તેમના ‘અંગત લેખનોનો સંચય’ પ્રસન્ન કરી દેનારો છે. વળી આ વિદ્વાન અધ્યાપક-સમીક્ષક-કવિ એ જીવનનો આનંદ માણનારા એક બહુરુચિસંપન્ન વ્યક્તિ કેવી રીતે છે તે પણ આ પુસ્તક બતાવે છે. ‘પારકૃતિત્વ’, ‘વાનરવૈયાકરણ’,‘ગણવર્તી’,‘ગલતા’,‘અનુગ્ર પરંપરા’, ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ જેવા નાનાવિધ દુર્બોધ શબ્દપ્રયોગો તેમની લેખિની ઠેર ઠેર સહજ રીતે પ્રક્ષેપે છે. એટલે તેમની કલમ જ્યારે પ્રાઇમસ, કોગળા, કંટોલા, હથોડી, માખી, કરોળિયા, લાલચુડી, ઇડલી, થેલી, કરચલી જેવી વૈખરીમાં વિહાર કરે છે ત્યારે વાચકને મરમાળા રસિક ‘ચં.ટો.’ દેખાય છે. સરેરાશ ત્રણ પાનાં ધરાવતાં સિત્તેર લખાણોનાં પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકના ‘અંતરંગ’માં લેખક કહે છે : ‘મારા ગદ્યની આ બીજી બાજુ છે. સૈદ્ધાન્તિક વિવેચન અને પ્રત્યક્ષવિવેચનમાં શિસ્તબદ્ધ, ઠાવકું અને ચુસ્ત રહેલું ગદ્ય અહીં હળવા વિનોદવ્યંગ અને રમતિયાળ વળાંકોમાં ઊતરી પડ્યું છે.’ આ ગદ્યાંશ જુઓ : ‘આમ તો મારો પ્રભાતનો નિત્યક્રમ શાકથી જ શરૂ થાય છે. એ જ મારું પ્રભાતિયું કામ. શાકને જોવું, સ્પર્શવું, ચૂંટવું, સમારવું, કાપવું – બધાના ભાગ્યમાં નથી. મોગરીની એક એક સેરને તપાસી કૂણી કૂણી જુદી પાડી એને ઝીણી મોળવી … વિખરાતી રજ સાથે ફ્લાવરના ફોડવા તૈયાર કરવા .. ટીંડોળાને ઊભા કે આડા ગોળ સમારવાની મીઠી મૂંઝવણમાં પડવું …’ આહારવિદ્યા, રાંધણકલા અને સ્વાદેન્દ્રીય પરનાં રસદાર નિબંધો છે. ઘ્રાણેન્દ્રિયની તકલીફને લઈને તે ‘નાસિકાકાંડ’ લખે છે : ‘છેવટે નાકલીટી તાણી ડૉક્ટર પાસે પહોંચ્યાં. નસકોરામાં ચીપિયા નખાવ્યા.’ સોમરસેટ મૉમને યાદ કરીને લેખક ‘નાણું છઠ્ઠી ઇન્દ્રિય’ વિશે લખે છે. નાનામોટા પ્રસંગો-અનુભવોથી દુરારાધ્ય વિવેચકના વ્યક્તિત્વના રંગો અને માન્યતાઓ ઊઘડતાં જાય છે. ‘પોતાને વિશ્વાસનો અનુભવ થતો રહે તે માટે ટાઈ’ પહેરે છે. ઊંચા સ્ટૂલ , ચકડોળ અને કૂતરાંથી ડરે છે. પણ લખે છે : ‘મને મૃત્યુનો ભય નથી રહ્યો અને ઈશ્વર છેવટે તો નથી જ (મારે માટે) એટલે મને ઈશ્વરનો ભય નથી રહ્યો.’ વળી તે એમ પણ કહે છે : ‘દરેક જીવ અનન્ય છે. દરેક જીવમાં મારે જીવવું છે. મને મોક્ષ નથી જોઈતો.’ અન્યત્ર લખે છે : ‘તમે હાક મારશો એટલે બધું કામ પડતું મેલીને હું ફિલ્મ જોવા તમારી સાથે નીકળીશ’, અથવા ‘મન અનાયાસ માછલીની જેમ ટીવી તરંગોમાં બેએક કલાક ખુશહાલ તર્યા કરે છે.’ લખાવેલી પ્રસ્તાવના તેમને ‘બેહૂદી ચીજ’ લાગે છે. પોતાની આવી વાતો ઉપરાંત લેખક બાળપણનાં સંભારણાં, લયભંડોળ, વાચનનો ઢોળ, મુંબઈનું શિક્ષણ અને મહાનગરમાંથી દેશવટો, આચાર્ય તરીકેનું કામ વગેરે વિશે પણ લખે છે. દીકરી-દૌહિત્રીઓનાં સ્નેહચિત્રો છે. નાના ભાઈ ચૈતન્ય, કલાકાર નિમેષ દેસાઈ, વિવેચક કૃષ્ણરાયન, ‘ખોળી લાવેલા’ હિબ્રૂ કવિ યહૂદા અમિચાઈ, મિત્ર જયંત ગાડીત અને ‘રૂપેરી અવાજ’ના સ્વામી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લેખકે અલગ અલગ નિબંધોમાં સરસ રીતે યાદ કર્યા છે. ‘રીંછસત્ર’ અને મરાઠી સંતકવિ વિશેનો ‘ચોખોબા જડ્યો’ બહુ જ વાચનીય છે. સાતેક લેખો ખુદનાં સર્જન-વિવેચનની કેફિયત પ્રકારના છે. શહેરના બગીચા, માખી, ઊંઘ, ખંડેર, ટ્રેન, પક્ષી દર્શન ‘ટ્રાયમ્ફ ઑફ ધ વિલ’ ફિલ્મ જેવા વિષયો પર ઉત્તમ લલિત નિબંધો મળે છે. જો કે એકંદરે પહેલા ચોંત્રીસેક નિબંધો ઓછા ‘સાહિત્યિક’ વધુ દુન્યવી, અને એટલે વધુ વાચનીય જણાય છે. અલબત્ત વિચાર અને અભિવ્યક્તિમાં ક્યાં ય કનિષ્ઠતા (મિડિયોક્રિટી) નથી, સુબોધ ગુણવત્તા છે.