
courtesy : "The Hindu", 30 May 2017
![]()

courtesy : "The Hindu", 30 May 2017
![]()
1998માં પ્રધાનમંત્રી બન્યાના સાત મહિનામાં જ એક સમાચાર પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, ‘જેવી રીતે સત્તામાં આવવું એને મેં ક્યારે ય સિદ્ધિ ગણી નથી, તેવી જ રીતે સત્તામાં ટકી રહેવાને પણ મેં ઉપલબ્ધિ માની નથી. મને સત્તાની કશિશ રહી નથી. હું 40 વર્ષ સુધી વિરોધ પક્ષમાં બેઠો છું, પણ સત્તા પક્ષમાં જવા માટે થઇને મેં પાયાના સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી.’
ભારતીય રાજનીતિમાં વાજપેયી સૌથી સન્માનનીય અને પ્રશંસિત લીડર એટલા માટે નથી કે તેઓ બહુ મહાન પ્રધાનમંત્રી હતા, પણ એટલા માટે છે કે તેઓ બહુ અચ્છા ઇન્સાન હતા અને એની અસર એમની લીડરશિપ ઉપર પડી હતી. પ્રધાનમંત્રીપદથી કોઇ વ્યક્તિ મહાન નથી બનતી, વ્યક્તિની ઇન્સાનિયત પ્રધાનમંત્રીની ખુરશીને શાનદાર બનાવે છે. વાજપેયીમાં પણ એવું જ થયું હતું. પાવર એટલે કે સત્તા અથવા શક્તિના આ આયામને બહુ ઓછા લોકો સમજે છે કે અનુસરે છે. 2012માં બરાક ઓબામાની પાર્ટીનું નેશનલ કન્વેન્શન મળ્યું હતું ત્યારે મિશેલ ઓબામાએ બરાકના પ્રમુખપદને વ્યાખ્યાઇત કરતાં કહ્યું હતું,
‘પ્રેસિડેન્ટ બનવાથી તમે જે છો તે બદલાઇ જતા નથી, પણ તમે જે છો તે બહાર આવે છે. અંતે તો પ્રેસિડેન્ટ તરીકે તમે જે નિર્ણય કરો તેનો આધાર તમારા આદર્શ, તમારા ખયાલાત અને જીવનના તમારા અનુભવો ઉપર છે.’ મારું અને તમારું જીવન ભિન્ન કેમ છે, સમાન કેમ નહીં? કારણ કે મારા અને તમારા નિર્ણયો અલગ અલગ છે, એટલે એક જ પ્રકારની સમાન પરિસ્થિતિમાં જેમ બે માણસો અલગ અલગ વ્યવહાર કરે છે તેવી જ રીતે એક સરખી સત્તામાં પણ બે વ્યક્તિનું વર્તન જુદું હોય છે.
એટલે જ, એક છીછરા માણસના હાથમાં પાવર આવે તો એના નિર્ણયોમાં સ્વાર્થ અને હલકાપણું હોય છે, અને એક નૈતિક વ્યક્તિના હાથમાં એ જ સામર્થ્ય વિવેકી અને ઉદાર બની જાય છે. સત્તા અને શખ્સિયત વચ્ચે સીધો સંબંધ છે. સદાચારી અને ઉત્તરદાયી વ્યક્તિ આચાર અને વિચારમાં અનુકૂળ, ઇમાનદાર, વિનમ્ર અને સહકારી હોય છે. એનાથી વિરોધી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત, કપટી અને હાવી હોય છે. બંને શક્તિશાળી છે અને બંને મહામાનવ છે. ફર્ક એટલો જ છે કે રામનું સામર્થ્ય ધર્મ અને સદાચાર માટે છે, રાવણની તાકાત અધર્મ અને દુરાચારમાં છે.
રામનો પાવર એમની બુદ્ધિની એરણ પર તપીને વિવેકશીલતામાં બહાર આવે છે. રાવણની અંદર એ જ પાવર વૃત્તિમાં રંગાઇને ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે. રામરાજ્ય અને રાવણરાજ્યમાં પણ આ જ ફર્ક છે. રામ માટે અયોધ્યાના નાગરિકોનું કલ્યાણ પ્રથમ છે, સત્તા નહીં. રામરાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત નહીં, પર-કેન્દ્રિત હોય છે. એ જ લોકતંત્રની પણ વ્યાખ્યા છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન સ્વ-કેન્દ્રી છે. એમના માટે એમના નગરવાસીઓ પ્રથમ નથી એટલા માટે જ રાવણરાજમાં લંકાવાસીઓ ભયભીત, ચિંતાતુર છે, પણ રામના શાસનમાં અયોધ્યાવાસીઓ આશ્વસ્ત અને સાહસી છે.
ઘણા લીડરો પાવરનો અર્થ લોકો પર અંકુશ મૂકવો, તેમને ડરાવવા, આજ્ઞાંકિત કરવા એવો કરે છે. આ ઇન્સ્ટિંગક્ટિવ (પ્રકૃતિદત્ત) પાવર છે. પશુઓમાં આ પ્રકારનું આધિપત્ય બહુ સહજ છે, જ્યાં દરેક સબળો નબળાને મારીને-દબાવીને પોતાનો સ્વાર્થ અકબંધ રાખે છે. માણસમાં ઇન્સ્ટિંગની (વૃત્તિની) સરખામણીમાં ઇન્ટલેક્ટ (બુદ્ધિ) વધુ છે એટલે પાવરનો ઉપયોગ જંગલ ધર્મ (ઇન્સ્ટિંગક્ટિવ) માટે નહીં પણ રાજ ધર્મ (ઇન્ટલેક્ટ) માટે થવો જોઇએ.
આ ત્યારે જ શક્ય છે જ્યારે માણસ એની જંગાલિયતના બદલે ઇન્સાનિયતમાંથી વિચારે અને વર્તે. આધુનિક અને ઉદાર અમેરિકાનો પાયો પૂરનાર અબ્રાહમ લિંકનનું એક પ્રચલિત વિધાન છે કે, ‘દરેક માણસમાં વિપત્તિ સામે લડવાની ક્ષમતા હોય છે, પણ તમારે જો એના ચારિત્ર્યની પરીક્ષા કરવી હોય તો એને પાવર અાપો.’ જેને કોગ્નેટિવ (જ્ઞાન-સંબંધી, સંજ્ઞાનાત્મક) વિજ્ઞાન કહે છે, તે પણ સ્વીકારે છે કે સત્તા આવવાથી માણસની અંદરના અવરોધો, શરમ, હિચકિચાહટ અને સંશય સમાપ્ત થઇ જાય છે, અને એનો અંતરાત્મા મુક્તિના અહેસાસ સાથે બહાર આવે છે. એટલે જો કોઇ જડ વ્યક્તિના હાથમાં સત્તા આવે તો એની જડતા વધુ દૃઢ થઇને અભિવ્યક્ત થશે, અને જો કોઇ શાલીન વ્યક્તિ પાસે એ પાવર હોય તો એમની સભ્યતા ઔર નીખરી જશે.
પાવર તમને તમારી ઇચ્છાઓ, કામનાઓ ચરિત કરવા પ્રેરે છે. ઉચ્ચ સ્થાને બેઠેલા માણસો કૌભાંડ કરવાની કે છીનાળાં કરવાની જે છૂટ લઇ લે છે, તે પેલા પાવરમાંથી આવે છે. ઇતિહાસકાર લોર્ડ એક્ટોનનું વિધાન ‘સત્તા ભ્રષ્ટતા લાવે છે અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટતા લાવે છે.’ એ રીતે સાચું છે. એટલા માટે જ અમર્યાદ સત્તાના ફાયદા કરતાં નુકસાનથી ઇતિહાસ ભરેલો પડ્યો છે. પાવરનાં કારણો-પરિણામોની આ સમજથી તમે અચાનક (ખરાબ હશો તો) સારા થઇ જશો, એટલું એ સહેલું પણ નથી. આપણે ભાગ્યે જ આપણી અંદર ઝાંખીએ છીએ ને આત્મવિશ્લેષણ કરીએ છીએ.
એની સરખામણીમાં બીજી વ્યક્તિને પરખવાનું સરળ છે. એમાં પણ, પાવરની આ સમજ ત્યારે રંગ લાવે જ્યારે તમે એ વ્યક્તિને એડવાન્સમાં પારખી લો. કોર્પોરેટ કંપનીઓમાં હ્યુમન રિસોર્સિસ મેનેજરો બાયોડેટા જોઇને કોઇને પાવર કે પોઝિશન આપવી કે નહીં તે નક્કી કરતા હોય છે. એટલે કોઇ પ્રમુખ કે પ્રધાનમંત્રી બને તે પહેલાં એના ચરિત્રનો બાયોડેટા જોઇને એનું શાસન રામનું હશે કે રાવણનું તે સમજવું સરળ હોય છે.
ટૂંકમાં કહીઅે તો, કોઇ વ્યક્તિ પાવર હાંસિલ કરે એ પછી એ એના અગાઉના વ્યવહાર કરતાં જુદી રીતે વર્તે એવી અપેક્ષા વધુ પડતી છે. અચ્છો ઇન્સાન પાવરમાં આવીને અચાનક દુષ્ટ નથી બની જતો અને ઘટિયા માણસ ઑટોમેટિકલી કલ્યાણકારી સાબિત નથી થતો. કોઇ જોતું ન હોય ત્યારે તમે કેટલી નાગાઇ બતાવો છો તેના આધારે અનુમાન બાંધી શકાય કે બધા જોતા હોય ત્યારે તમે કેટલા ઢંકાયેલા રહેશો.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 29 મે 2017
![]()
કૉલેજમાંથી બેડમિંટન રમવા માટે અમારું સિલેક્શન થયું હતું. અમારે પૂના રમવા માટે જવાનું હતું. અમે એટલે હું અને નીલુ. નીલુ એટલે આછી લીલાશ પડતી મદમસ્ત આંખવાળી, સરસ્વતી કૉલોનીમાં આવેલા મહેલ જેવા બંગલાની રાજકુમારી. અને હું? હું એટલે ભીમકુમાર. નીલુ માટે ફક્ત કુમાર અને બાકી બધા માટે ભીમો. આંબેડકર નગરમાં રહેનારો એક દલિત, અછૂત ભીમો. મેં નીલુથી મારી અસલિયત છુપાવી રાખેલી. એ મને એટલી ગમતી કે હું કોણ છું એ જણાવીને એને ગુમાવવા નહોતો માગતો. એને મારે માટે શંકા જાય એવું નહોતું; કારણ કે હું તો હતો, ‘રૂપે, રંગે, પૂરો; દીસંતો કોડીલો, કોડામણો.’
મા હમ્મેશાં કહેતી :
‘ભીમા, આવો રૂડો, રુપાળો તું મારા પેટે કાં જનમ્યો? જનમવું ’તું ને કો’ક લાટસા’બને ઘેર. અહીંયાં તો તને શું મળવાનું? ગાળ, ગલોચ, અપમાન ને મારપીટ!’
પણ મારા મનમાં ઊંડે ઊંડે એવું હતું કે ના, નીલુ મારી સાથે એવું ન કરે. એ મને એટલું ચાહે છે કે જરૂર મારી પત્ની બનવા તૈયાર થશે.
‘અરે, અરે ! એ રસ્તે ક્યાં જાય છે? એ તો ગંદા લોકોની વસ્તી છે!’ ગંદા લોકો, ગંદા લોકો …. મારા કાનમાં આ શબ્દો પડઘાતા રહ્યા. ‘આંબેડકર નગર’નું તૂટેલું પાટિયું ઓળંગીને હું ઘર તરફ આગળ વધ્યો ત્યારે ચારે બાજુથી આવતી દુર્ગંધથી મારું માથું ફાટવા લાગ્યું. કોઈ દિવસ નહીં ને તે દિવસે મને ઉબકા આવવા લાગ્યા.
મા બોલી, ‘ચાલ ભીમા, ખાવા બેહી જા.’ પણ મારું ચિત્ત ઠેકાણે નહોતું. હજીયે મને ‘ગંદા લોકો, ગંદા લોકો,’ એ જ શબ્દો સંભળાયા કરતા હતા. બીચારી માના કોઈ વાંક વગર, હું એની ઉપર ભડકી ઊઠ્યો, ‘જા, નથી ખાવું મારે. જ્યારે હોય ત્યારે ભીમા, ખાઈ લે; ભીમા, ખાઈ લે કર્યા કરે છે!’
મા સરસ્વતી કૉલોનીમાં સોસાયટીનાં ઘરેઘરેથી કચરો લેવા અને લોકોનાં જાજરુ સાફ કરવા જતી. એક દિવસ નીલુ વાતવાતમાં બોલી, ‘અમારી કૉલોનીમાં આ આંબેડકર નગરમાંથી બાઈઓ કામ કરવા આવે છે ને એમને જોઈને જ મને એટલી સૂગ ચડે છે કે ..’
મને ફાટેલી સાડીનો કાછડો મારીને કામ કરતી મારી મા દેખાવા લાગી. મેં કહ્યું, ‘એવું ન વીચારવું જોઈએ, નીલુ, એ લોકો આપણી ગંદકી સાફ કરે છે, ત્યારે આપણે આટલા ચોખ્ખા દેખાઈએ છીએ. એ જો બે દિવસ ન આવે ને તો ..’
નીલુ એકદમ ગુસ્સે થઈ ગઈ, ‘કેમ? તને એ લોકોનું કંઈ બહુ પેટમાં દુ:ખે છે ને! એમનો નેતા બનવાનો છે કે શું?’
ત્યારે તો હું ચૂપ થઈ ગયો; પણ દિવસેદિવસે મારા મનનું તોફાન વધતું જતું હતું, શું કરું? નીલુને સાચી વાત જણાવું કે નહીં? ખબર પડ્યા પછીનું એનું વર્તન કેવું હશે? અન્તે જેનાથી હું દૂર ભાગતો હતો, એ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી. હું અને નીલુ કૉલેજના કમ્પાઉન્ડમાં બાંકડા પર બેસીને વાતો કરી રહ્યાં હતાં, ત્યાં ઓચિન્તો આવીને મયંક મને કહેવા લાગ્યો, ‘યાર, ગઈ કાલે તમારા આંબેડકર નગરમાં શી બબાલ થઈ ગઈ? આજના પેપરમાં આવ્યું છે કે, દેશી દારુ પીને તમારી વસ્તીમાં દસબાર જણ બહુ માંદા પડી ગયા!’
ખલ્લાસ! અત્યાર સુધી મારી જાત પર ઓઢી રાખેલું આવરણ પવનની એક જ ઝાપટથી ઊડી ગયું. હું ખુલ્લો પડી ગયો. કાળઝાળ થતી નીલુ ફટાક કરતી બાંકડા પરથી ઊભી થઈ ગઈ. ક્રોધથી ધ્ૃૂજતા અવાજે એ બોલી,
‘યુ ચીટર, યુ લાયર, અન્તે તો તું તારી જાત પર જ ગયો ને! આઈ હેટ યુ ..’
અમારી સાથે ભણતા ચિરાગ સાથે નીલુનાં લગ્ન થવાનાં હતાં એ સમાચાર મને મયંક પાસેથી મળ્યા હતા. એ દિવસોમાં મને ચારે બાજુથી ઉદાસી ઘેરી વળી હતી. કોણે બનાવ્યાં આ જાત–પાત, આ ઊંચ–નીચ, આ દલિત ને આ ઉજળિયાત! અમારે ય એ સૌની માફક બે હાથ, બે પગ, એક ચહેરો ને એક હૈયું નથી? પણ મારા આ બધા સવાલો નિરુત્તર રહેવા સર્જાયેલા હતા. કોઈ પાસે આનો જવાબ હોય તો આપે ને!
મા મને નવી નાઈલોનની સાડી બતાવતી હતી. ‘જો ભીમા, સરસ્વતી કૉલોનીમાં હું કામે જાઉં છું ને તાં હેઠની બેબલીનાં લગન છે, એની જાન આવવાની ને એમાં મારે માથે બત્તી લેઈને હાલવાનું છે. ઈ ટાણે પે’રવા હેઠે મને આ નવ્વી હાડી આલી.’ એ ખુશ થઈને વારંવાર સુંવાળી સાડી પર હાથ ફેરવતી હતી.
લગ્નને દિવસે હું સૂનમૂન થઈને ઘરમાં બેઠો હતો. મારી નજર સામે વારંવાર સોળે શણગાર સજેલી નીલુ દેખાતી હતી. અને હસતાં હસતાં મારી ઠેકડી ઉડાડતી હતી, ‘શું જોઈને આવ્યો ’તો મને પ્રેમ કરવા? તારી ઓકાતનું ભાન હતું?’
ત્યાં જ પાડોશીનો જગલો શ્વાસ ભેર આવીને કહેવા લાગ્યો, ‘ ભીમા, ભીમા તારી મા …’
‘શુ થયું મારી માને?’ મારો સાદ ફાટી ગયો.
‘એણે માથે ઉપાડેલી ગેસની બત્તી ફાટી ને એણે નાઈલોનની સાડી પહેરેલી હતી ને તે ..’
સરકારી હૉસ્પિટલમાં હું પહોંચ્યો ત્યારે તો ખેલ ખતમ થઈ ચુક્યો હતો. ઘરે જઈને હું આજુબાજુના થોડા લોકોને ભેગા કરીને લઈ આવું એમ વિચારીને હું જાહેર રસ્તા પર આવ્યો.
બરાબર ત્યારે જ ફરતીફરતી જાન સામેથી આવી. મેં જોયું તો માનું સ્થાન બીજી દલિત મહિલાએ લઈ લીધું હતું. માથે બત્તી ઉપાડીને એ મલકતી મલકતી ચાલતી હતી. બેન્ડ પર ધૂન વાગતી હતી :
‘રાજાકી આયેગી બારાત, રંગીલી હોગી રાત …!’
મેં નીચું જોઈને આંબેડકરનગર ભણી પગ ઉપાડ્યા.
એક બાજુ હતી બારાત, બીજી તરફ મૈયત અને બેની વચ્ચે હતો હું.
(‘શરણકુમાર લંબાલે’ની ‘મરાઠી’ વાર્તાને આધારે ….)
‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લા પાન પરથી સાભાર
સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001; ઈ–મેઈલ : avs_50@yahoo.com
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ બારમું – અંકઃ 375 –May 28, 2017
![]()

