જરા ઝુનૂનથી
હવે તરતમાં, ૨૧મી જુલાઈએ, ઉમાશંકર જોશીને જન્મજયંતી નિમિત્તે સંભારવાનું બનશે. નોળિયાને નોળવેલ તેમ આપણી સારસ્વત પરંપરામાં આ એક વિશેષ ઠેકાણું છે. પણ આ સંભારવું, આપણે જે દોરમાંથી ગુજરી રહ્યા છીએ એ જોતાં કોઈ રસમી રાબેતો ન બની રહે એ જોવું જોઈશે; કેમ કે સૌંદર્યોનાં પીવાં અને ઉરઝરણનાં ગાવાંવહેવાં એટલામાં જો એમને સમેટી લેવાના હોય, તો એ એમને અન્યાય થશે. અલબત્ત, એમ કરતાં આપણું એક માપ મળી રહેશે એ અળગતની વાત છે.
નહીં કે સૌંદર્ય ને ઉરઝરણ અપ્રસ્તુત છે. પણ ઉમાશંકર જે સમયમાં મહોર્યા તે સામંતશાહી ને સાંસ્થાનિક સમયમાંથી લોકશાહીમાં સ્વરાજ સંક્રાન્તિ માટેની જદ્દોજહદનો હતો. હોબ્ઝબોમને યુરોપીય સંદર્ભમાં સમજાઈ તે લૉંગ નાઈન્ટીન્થ સેન્ચરી અને શોર્ટ ટ્વેન્ટીએથ સેન્ચરી વચ્ચે રવીન્દ્રનાથ અને ગાંધીજીએ જે એક આગવી ભોંય ને અલાયદી આબોહવા બનાવી તે આ સમય હતો, અને એણે આપેલી ખો હજી પણ ચાલુ છે. ઉરઝરણને વહેવાની મોકળાશ, સૌંદર્યને વિલસનની મોકળાશ, જેમાં સંભવે તેવો સમાજ ક્યાં, તેવું શાસન ક્યાં. કવિ ઉમાશંકરે જો શબ્દનો વિસારો નથી મેલ્યો તો આ સવાલોનો કેડો પણ નથી છોડ્યો.
હમણાં જે દોરની જિકર કરી એને વિશે શું કહી શકીએ, સિવાય કે શબ્દનું પતન. માણસો શબ્દોને જેેમતેમ ફંગોળેરગદોળે છે, લપટા કરી મેલે છે, એ સૌ શબ્દોને એમનું કૌમાર્ય પાછું આપું છું એમ કોઈ કવિએ કહ્યું છે. ઉમાશંકરે યથાપ્રસંગ જે ભૂમિકા લીધી તે શબ્દના સંમાર્જન, સંવર્ધન, સંપોષણની હતી, જેમ સર્જનમાં તેમ જાહેર જીવનમાં.
શબ્દના પતનનો હજી હમણેનો નાદર નમૂનો ગુજરાત સાહિત્ય અકાદમીના સરકારનીમ્યા પ્રમુખની એવી સરળભોળી શેખીનો છેે કે અમારાં કામો જોઈ ઉમાશંકર પીઠ થાબડત. ભાઈ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના વારાની સરકારી અકાદમીએ કથિત સન્માન વાટે કવિની પીઠથાબડ તો શું માથેમુગટ તરેહની કોશિશ કીધી ત્યારે કવિએ એમને જાહેર જીવનના રદીફકાફિયાનું પ્રબોધન કરવામાં ધર્મ જોયો હતો અને સવિનય પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમને ખ્યાલ હશે જ કે હું જવાહરલાલ નેહરુ અને સર્વપલ્લી રાધાક્રિષ્ણને ઉછેરેલી અકાદમીનો ચૂંટાયેલો, રિપીટ, ચૂંટાયેલો પ્રમુખ રહ્યો છું. કાશ, તેજી હોત અને ટકોરો બસ થયો હોત. પણ એ ટકોરો, સરકારની સમજમાં તો નહીં પરંતુ સંખ્યાબંધ સાહિત્યકારોનાં રાજીનામાં રૂપે પ્રગટ થયો હતો. ત્યારે રાજીનામાં સુધી પહોંચતાં જેટલો સમય થયો હશે, કદાચ એથી વધુ સમય એપ્રિલ ’૧૫ની પરબારી પ્રમુખ ઘટનાની જોડાજોડ સંકળાયેલા સાહિત્યકારોને સરકારી સંધાન બાબતે મોહભંગ થતાં થયો હશે. ત્યારે કવિનો શબ્દ કદાચ કંઈકે પૂરતો હતો, કેમ કે સાહિત્યકારો આજની હદે ‘ગોદી’ (એમ્બેડેડ) નહોતા.
આગળ ચાલતાં દર્શકની પહેલકારીમાં સ્વાયત્ત અકાદમી બની તો આવી, પણ બે પછી ત્રીજા પ્રમુખ ચુંટાયા જ નહીં. નોંધાયેલ લેખકીય મતદાર મંડળના ચુંટાયેલા સભ્યોને લમણે વિધિવત સભ્યપદું અને કામગીરી આવ્યાં જ નહીં … રે, લીલપરિણય! કહેવામાં આવે છે કે સરકાર તો ચુંટાયેલી છે ને. લિબરલ ડેમોક્રસીમાં સ્વાયત્ત સંસ્થાઓની અનિવાર્યતા બાબતે આ અક્ષતયોનિ અબુધતા વિશે શું કહીશું. અશિક્ષિત પટુત્વ તરીકે તો એનો મહિમા કરી શકાય એમ નથી. નેે, શિક્ષિત પટુત્વ? પૂછશો મા.
પણ રહો, સમગ્ર ઉમાશંકરને – કવિપુત્રીએ જેમને વાજબી રીતે જ ‘જાહેર જીવનના કવિ’ કહ્યા છે એમને – આપણેે કેવળ અકાદમીચર્ચામાં સીમિત નહીં કરી દઈએ. જેણે એકાધિક અવસરે પદ્મશ્રેણીઓમાંથી પસંદગીપૂર્વક નાત બહાર રહેવું પસંદ કર્યું, જેણે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા સારુ સામયિક ચલાવવું પસંદ કર્યું, સ્વતંત્રતા અને સમાનતાનાં મૂલ્યવશ યથાપ્રસંગ સંડોવણી વહોરી જાણી, નિયુક્ત સાંસદ છતાં કટોકટીશાસન સાથે સમીકૃત નહીં થવાનો મિજાજ દાખવ્યો, ક્ષરલોકમાં એવા અક્ષરલોકના સિપાહી એ હતા.

આ અક્ષરસૈનિકે તમે જુઓ, ૧૯૩૬માં ભૂલાભાઈના મુનશીબદ્ધ બંધારણવાળી પરિષદ સાથે ગાંધીજી સંકળાય તે અંગે વિરોધલાગણી પ્રગટ કરી હતી અને પત્રમાં લખ્યું હતું કે જોડાઓ જ તો ‘બંધારણ’નું કાંક કરો. આ જ અક્ષરસૈનિકે પરિષદને મુનશીની આજ્ઞાંકિતા મટી લોકશાહી પરિવર્તનની ભોંય કેળવી ગોમાત્રિની શતાબ્દી રૂડી પેરે મનાવવાની લડત માંડી જાણી હતી. પરિષદ અને અકાદમીને એક લાકડીએ હાંકનારે અકાદમીની સ્વાયત્તતા માટેની વ્યાપક સાહિત્યજગતની લડતવશ પરિષદ પોતે કેવા આંતરસંઘર્ષમાંથી પસાર થઈને લોકશાહી લાયકાત માટેની તાવણીમાંથી પસાર થઈ રહી છે તે ય જોવાસમજવા જેવું છે.
ઉમાશંકર, જેવા છો તેવા તમે સ્તો પરિષદ અને અકાદમી બેઉ સહિત સૌ પાસે જવાબ માગી શકો તેમ છો. તમે સવાલ-દાર તો અમે જવાબ-દાર. તેથી સ્તો જરી ઝુનૂનથી, વિથ એ વેન્જન્સ, તમારું સુમિરન.
સૌજન્ય : “નિરીક્ષક”, 20 જુલાઈ 2017; પૃ. 16
![]()


લેખકનો ટૂંક પરિચયઃ મુંબઈમાં પારસી પરિવારમાં જન્મ, અમેરિકામાં એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસ પછી સ્થાયી નિવાસ. એક કાવ્યસંગ્રહ તથા કાવ્યો, વાર્તા, લેખો જાણીતાં સામયિકોમાં પ્રકાશિત. ગુજરાતી, હિંદી, ઇંગ્લિશ અને અમેરિકન સાહિત્યનું સ્વ-અધ્યયન.
પહેલાં આ પુસ્તકનાં લેખિકા વિષે જાણીએ. ગુજરાતમાં કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સરૂપ ધ્રુવનાં નામ અને કામને જાણતા હશે. તેમનો પરિચય આપતાં એક લબ્ધ પ્રતિષ્ઠિત કવયિત્રી અને નાટ્ય લેખિકા, સામાજિક-રાજનૈતિક ક્ષેત્રોમાં કર્મશીલની ભૂમિકા ભજવનાર તથા ભાષા અને સંસ્કૃિતનાં શિક્ષક એટલું કહું તો તેમને અન્યાય થશે, કેમ કે તેઓની શિક્ષણ તેમ જ લેખન, સંપાદન અને અનુવાદ, સંશોધન, વિવેચન અને નાટક વગેરે ક્ષેત્રોમાંની સિદ્ધિનું માપ કાઢવા સરૂપ ધ્રુવને નિકટથી જાણવાં, વાંચવાં અને સમજવાં જોઈએ. આજે માત્ર તેમના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકમાંથી ઉભરી આવતી હકીકતો પરથી ભારત, ખાસ કરીને ગુજરાત કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે, એ વિષે વાત માંડવી છે.
માનવ ઇતિહાસમાં કદી ન થઇ હોય તેવી હિજરત ભારતના ભાગલા સમયે ઈ.સ 1947માં થઇ. ગોધરા સ્ટેશને ટ્રૈનના ડબ્બામાં આગ લગાડવામાં આવી અને હિંદુ મુસાફરોએ જાન ગુમાવ્યા તે 2002ની સાલ. સ્વતંત્રતા મળ્યા બાદ સાડા પાંચ દાયકાઓ વીત્યા ત્યારે પણ હજુ કોમી દાવાનળ શમ્યો કેમ નથી, એવી વિમાસણ થાય. અન્ય દેશોમાં આવી દુર્ઘટના બને તો પોલીસ ગુનેગારોને પકડી, પુરાવા એકઠા કરે અને કોર્ટમાં કેઇસ ચાલે એટલે દોષિતોને સજા થાય, જેથી ભોગ બનેલાઓને ન્યાય મળે. પરંતુ અહીં તો તે હિચકારા કૃત્યનો બદલો લેવા ગુજરાતના અનેક ગામોમાં મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવ્યા. તે સમયે પણ લોકો પોતાનું વતન છોડીને ભાગ્યા. 1947 અને 2002ની ઘટનાઓની સંખ્યામાં ફેર, બાકી હિજરત થવી, કાંખમાં છોરુ લઈને વતન છોડીને ભાગવું, ઘર બાળવા, બળાત્કાર કરવા, જાન લેવો એ બધાનું પુનરાવર્તન થયું. આપણે ઇતિહાસ પાસેથી શું શીખ્યાં?
આ કથાઓના પાત્રો કહે છે તેમ સદીઓથી ભારતમાં અને ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો એકમેકની સાથે સંપીને રહેતા આવ્યા છે. સવાલ એ થાય કે સામાન્ય પ્રજા એકબીજાના દેવ અને પીરને પૂજતી કે ચાદર ચડાવતી આવી છે તો આમ હિન્દુ – મુસ્લિમ વચ્ચે ઝેર આટલું કેમ પ્રસર્યું? સામૂહિક હત્યાકાંડ જેવી ઘટનાઓ કઇં રાતોરાત નથી બનતી. 2002 પહેલાંના દોઢ બે દાયકાથી જ્યારે એલ.કે. અડવાણીની રથયાત્રા નીકળી, અને રામનામની ઈંટો અયોધ્યા લઇ જવામાં આવી, ત્યારથી કોમી વૈમનસ્યના આંધણ મુકાઈ ગયાં હતાં, ચિનગારી ગોધરા કાંડે મૂકી. 21મી સદી શરૂ થઇ તે પહેલાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં કથાકારો આવીને ધર્મની રક્ષા કાજે વિધર્મીઓને હરાવવાની વાત કરતા અને ધીમે ધીમે વિભાજનનું ઝેર ફેલાતું ગયું. મંદિરો અને રથયાત્રાઓની સંખ્યા વધી, લોકોની નજર અને ભાષા બદલાયાં. એક એવો પ્રચાર કરાયો કે પાંડરવાડામાં પાંડવો રહેતા એટલે તેમાં ‘મિયાં’ ન રહેવા જોઈએ. હવે રાજા રામ થઇ ગયા તેનો ય કોઈ પુરાતત્ત્વીય કે દસ્તાવેજી પુરાવો નથી તો પછી અયોધ્યાની ભૂમિ પર રામ મંદિર હતું તે શી રીતે સાબિત થઇ શકે? આમ છતાં એ કાલ્પનિક પવિત્ર સ્થાનનો ધ્વંસ કરીને મસ્જિદ બનાવાયેલી એવી પ્રચલિત થયેલી માન્યતાને હકીકત ગણાવીને મસ્જિદને જમીનદોસ્ત કરવી એ કઈ સાબિતીને આધારે તે તો ખુદ એ ‘ધાર્મિક’ કાર્ય કરનારાઓને ખબર નથી. તો પાંડરવાડા અને પાંડવો સાથેનો સંબંધ કેવી રીતે સાબિત થાય અને તેમાં ય આજે ત્યાં રહેતા મુસ્લિમોની હકાલપટ્ટી માટે કયો તર્ક કામ આવે, ભલા? વર્તમાનમાં પોતાને મળેલ માનવ જન્મને સાર્થક કરે તેવાં કાર્યો હાથ નથી લાધતાં એટલે સદીઓ પહેલાંની પૌરાણિક કથાઓ પરથી વેર ઝેરના બાંધેલાં પોટલાં છોડવાનું શરૂ કર્યું. જોવાનું એ છે કે ગોધરાના કિસ્સામાં ખરા ગુનેગારો કોણ છે, તેની જાણ પણ નહોતી પણ ગુજરાતના અસંખ્ય મુસ્લિમોએ તેની કિંમત ચૂકવવી પડી. વર્ષો પહેલાં અમરનાથના યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ગુજરાતના ગામડાંઓની મસ્જિદો બાળી, તે શું એમ વિચારીને કે બધા મુસ્લિમો આતંકવાદી છે? એક જગ્યાએ એક કોમમાં જન્મેલ આતંકીઓ હિંસા આચરે તેની સજા એ કોમના બીજાં ગામના નિર્દોષ સભ્યોને કેમ અપાય? કોઈ એક પટેલ કોઈનું ખૂન કરે તો આખી પટેલ કોમને મારી નખાય છે કે? હિંસા આચરનાર કોઈ પણ સમૂહના લોકો હોય તેમને જરૂર વખોડીએ, બાકી ’જયશ્રી રામ’ના નારા સાથે સંહાર કરનારા ‘અલ્લાહો અકબર’ના ઘોષથી હિંસા કરનારા કરતાં કઈ રીતે જુદા પડે? રામ કે અલ્લાહ કોને મારવાનું કહી ગયા, ભલા?