
કલ્ચરલ એજ્યુકેશન ફોરમે ગોષ્ઠીનું મથાળું, ‘પ્રજાજીવનના કવિ ઉમાશંકર’ બાંધ્યું છે તે સવિશેષ આનંદની વાત છે. એ કવિની વૈચારિક ભૂમિકા દર્શાવનારું છે. આપણે ત્યાં મોટે ભાગે કવિતાના રસાસ્વાદ ને શબ્દ શાશ્વત્ છે, એવી વાતો વધુ ચાલતી હોય છે.
વળી મને હમણાં એક મૂંઝવણ પણ ઘણાં વખતથી એ છે કે આપણાં ગુજરાતમાં સાહિત્યકારો ને સાહિત્યની સંસ્થાઓ કેવી રીતે ચર્ચા કરતી હોય છે. હમણાં જ જ્યારે સરકારી સાહિત્ય અકાદમીના સરકારી અધ્યક્ષ વિષ્ણુભાઈએ સ્વાયત્તતા માટે લડનારા એ ચતુર્વણા વ્યવસ્થાની જેમ જે ચાર પ્રકારો પાડ્યા, એને સિતાંશુભાઈએ યોગ્ય રીતે જ મૂકેલાં છે તે આપણે ‘નિરીક્ષક’માં વાંચી ચૂક્યાં છીએ. એટલે મારી મૂંઝવણ એ છે કે આપણે ત્યાં કેમ હંમેશાં કોઈ પણ મુદ્દે વૈચારિક ભૂમિકાને ચાતરી જવામાં આવે છે. ખાસ તો આ વૈચારિક મુદ્દાઓથી ચાતરી જવા જ તમે કોઈને પણ કહી દો કે આ ડાબેરી સર્જક છે, આ સામાજિક કવિતા કરનારો કવિ છે, આ માનવતાવાદી છે, આ ગાંધીવાદી છે. આ મુશાયરાનો કવિ છે ને ફલાણો કૃષિકવિ છે.
આવાં લેબલોને લઈ સર્જક કવિની વૈચારિક ભૂમિકાની ચર્ચા થાય જ નહીં. એક લેબલ લગાડી તેની ઉપેક્ષા અવહેલના કરો, ને બાજુમાં મૂકી દો! આ એક નકારાત્મક પદ્ધતિ છે.
અને ખાસ તો એ વાત છે કે આવાં લેબલ લગાડનાર ખુદ – હા, હું જમણેરી છું કે ફલાણા કવિ જમણેરી છે એવું નથી કહેતા કે નથી એવું કહેતા કે હું હિંદુ રાષ્ટ્રવાદી છું! આવું જો કહે તો આપણને કોઈ વાંધો ન હોઈ શકે. દરેકને પોતાની વિચારસરણી રાખવાનો હક્ક છે પરંતુ તમે છદ્મવેશી બનીને અન્યના વિચારોને રોકવાના પ્રયત્નો કરો તે ઘણાં પ્રશ્નો ઊભા કરે છે.
મારે ઉમાશંકરને કોઈ લેબલ નથી મારવું. એમણે પોતાના વિના બહુ સ્પષ્ટ રીતે અનેક વાર જણાવ્યું છે કે પોતે કોણ છે. અને તે આપણે જાણવું જોઈએ એટલે જ ઉમાશંકરને એ રીતે તપાસવા બહુ જરૂરી છે. વૈચારિક ભૂમિકાએ કવિને તપાસવાની, કવિતાને જાણવાની પરંપરા આપણે ઊભી કરવી જોઈએ. એક નવો ચીલો પાડવો જોઈએ. મોટે ભાગે માત્ર અધ્યાપકીય રીતે ‘રસાસ્વાદ’ થતાં રહ્યા છે તેનાથી હવે છૂટવું રહ્યું.
દુકાળને કારણે સાબરકાંઠાના લુસડિયાથી સ્થળાંતર કરી બામણા ગામમાં વસેલા આર્થિક રીતે અત્યંત સામાન્ય એક પરિવારના, તેજસ્વી તરુણ ઉમિયાશંકર અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. મૅટ્રિકમાં સમગ્ર બોમ્બે સ્ટેટમાં ત્રીજા નંબરે અને અમદાવાદમાં પ્રથમ નંબરે પાસ થાય છે. ૧૯૨૯માં ગુજરાત કૉલેજમાં ભણતાં હોય છે, ત્યારે સાઈમન કમિશનના બહિષ્કારના મુદ્દે વિદ્યાર્થીઓની ઐતિહાસિક હડતાળ પડી હતી. ઉમાશંકર તેમાં ઝંપલાવે છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે મળતી શિષ્યવૃત્તિ જો તે પરીક્ષામાં ન બેસે તો ગુમાવશે એવી તેમને નોટિસ મળી ચૂકી હતી.
આ ગ્રામીણ તરુણ શિષ્યવૃત્તિના સહારે જ ભણી શકે એમ છે. એ સત્તર વર્ષનો તરુણ જે નિર્ણય આ મુદ્દે કરે છે, તે દર્શાવતો પત્ર તા. ૧૧ જાન્યુ ૧૯૨૯ના રોજ કુટુંબીજનોને લખે છે. તે વાંચવા જેવો છે :
તા. ૩૦મીના આગલા શુક્રવારે ફરીથી લેવામાં આવતી પરીક્ષા(?)ની ફી આપી દેવી જ જોઈએ એમ જાહેર થયું હતું. ભાઈ દલસુખે તથા મેં નિશ્ચય કરી દીધો હતો કે ફી કોઈ કાળે ન જ આપવી. અમે ન આપી … તમે તો મને બહુ જ આગ્રહપૂર્વક જણાવેલ કે બધું ય બાજુ મૂકી. અવ્વલ નંબરની વાણીઆશાહી વાપરી આપખુદ સત્તાનાં હિમાયતીઓને ‘જીહા! જીહા!’ ભણવી. પરંતુ હું એવો વૈશ્ય નથી એ તમારે જાણવું જોઈતું હતું … सा विद्या या विमुक्तये। ’તે વિદ્યા, જે વિમુક્તિદા’ – એવી જે ગુલામીમાં સડે છે તેમને તેમાંથી વિમુક્તિ આપનાર, અંધકારમાં વિભ્રમિત ફરનારાઓને પ્રકાશ આપી એમાંથી ઉગારનાર, ભૂલેલાને રસ્તો સૂઝાડનાર. પડેલાને હાથ ઝાલી ઉદ્ધારનાર વિદ્યાના જ ઉપાસક થવાની મારી મહેચ્છા છે. નહીં કે સ્વમાનને બાજુએ મૂકી, તુમાખી ભરેલા અધિકારીઓના ગુલામીમાં જકડી દેતા હુકમોને તાબે થતાં શીખવે એવી વિદ્યાના પૂજક થવાની … હું તો એથી ય આગળ વધી કહું છું કે ઘેરથી કોઈ પણ પ્રકારે અંદર દાખલ થવું જ એવી ભારપૂર્વક શિખામણ આપવામાં આવી હોય. છતાં અન્તરાત્મા કબૂલે છે કે દાખલ થવું તે મહાપાપ છે તો જરૂર ન દાખલ થવું. કારણ પિતૃભક્તિથી ચલિત ન જ થવું જોઈએ. છતાં અન્તરાત્માને પસંદ પડતાં પ્રહ્લાદે બાળપણમાં પણ પિતાના અવળા વિચારથી વિરુદ્ધ વર્તન અમાનુષિક અત્યાચારો સહન કરીને પણ કરવાની હિંમત ખેડી હતી. રાવણથી છૂટા પડતાં, વિભીષણે પોતાના અંતરાત્માની સહાય હોવાથી, લેશ પણ બીક રાખી નહોતી અને એમ કરવાથી જ એમને ઇષ્ટપ્રાપ્તિ થઈ હતી.
… અને મુશ્કેલીઓ તો સૌને હોય છે. સારું કરવા જનારના માર્ગમાં મુશ્કેલીઓ ન આવતી હોય તો જગમાં આટલી બધી બુરાઈ વધત કે? મુશ્કેલીઓમાં આર્થિક મુશ્કેલી તો મુશ્કેલી જ ન ગણાય. આવતી પંદરમી તારીખે પરીક્ષા ન આપે તો ગર્વમેન્ટ સ્કૉલરો-બે-ને ૬ માસની સ્કૉલરશીપ ન આપવી. આને Merit-Scholarship કહે છે, એ તો તમે જાણતા હશો. આપણા ગુણની એમને કદર હોય ત્યાં સુધી એ સ્કૉલરશીપ આપે. સ્વમાન-સ્વતંત્રતા – જે આપણી દૃષ્ટિએ ગુણ હોય તે એમની આંખમાં અવગુણ તરીકે ખૂંચે તો જરૂર એ સ્કૉલરશીપ બંધ કરે. પણ જો પરીક્ષામાં અમે બેસીએ તો ગુલામીમાં સબડવાની ઇચ્છારૂપી ગુણની ખાતરી એમને આપીએ તો જરૂર તે સ્કૉલરશીપ બંધ ન કરે. કોણ સલાહ આપવાની હિંમત કરશે કે આવો ગુણ ધરાવી સ્કૉલરશીપ મેળવવી ? જરૂર, પિતાશ્રી તો ના જ કહે.
(પત્રો : ૧૯૨૮-૧૯૫૦, પૃ. ૭-૧૦માંથી સંકલિત અંશો)
આ પત્રમાંથી પ્રગટતાં ઉમાશંકરના મિજાજ ખુમારી, સ્વતંત્રતા અંગેની સમજને મૂલ્યનિષ્ઠા ઉલ્લેખનીય છે. અને આ જ મૂલ્યનિષ્ઠા ઉમાશંકરનો પાયો છે. એ સતત પ્રગટતી આપણને જોવા મળે છે. જાહેરજીવનના દરેક પ્રસંગે વ્યક્ત થતી રહે છે.
૧૯૩૦માં દાંડીકૂચના સત્યાગ્રહી તરીકે જોડાય છે. ગામડાઓ ખૂંદે છે. ધરપકડ વહોરે છે. અને જેલમાં પણ જાય છે. ઉમાશંકરની જાણીતી પંક્તિઓ :
સ્વતંત્ર પ્રકૃતિ તમામ
એક માનવી જ કાં ગુલામ?
અનેક જગાએ વંચાતી બોલાતીને શાળાઓમાં ભણાવાતી રહી છે. આ પંક્તિઓ ૧૯૩૦માં જ તરુણ ઉમાશંકરે દેત્રોજના પોલીસથાણામાં ધરપકડ દરમિયાન લખેલી એવું જ્યારે જાણીએ ત્યારે આ પંક્તિઓનું મહત્ત્વ વિશેષ બની રહે છે. સમયના બંધન વિના કવિતા જાણવી એવા ઘણાનો દુરાગ્રહ હોય છે. પણ કવિના સમયકાળ-સંજોગોના સંદર્ભમાં કવિતા વાંચવાથી કંઈક વિશેષ આપણે મેળવીએ છીએ એ શું મૂલ્યવાન નથી?
આવા સવાલો કૉલેજો યુનિવર્સિટીઓમાં ઊઠવા જોઈએ એવું નથી લાગતું? અને લાંબા જેલવાસ દરમિયાન આપણને તેમનાં છ નોંધપાત્ર નાટકો મળે છે, જેમાં ખાસ ઉલ્લેખનીય છે તેમનાં સ્ત્રી પાત્રો. ઉમાશંકરની વાર્તાઓ ને નાટકોમાં સ્ત્રીઓ તરફની તેમની સન્માનપૂર્વક જોવાની દૃષ્ટિ એ તેમનાં વિચારજગતના પ્રતીક તરીકે જોવી રહી.
૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં તેમને કાકાસાહેબ કાલેલકર અને ધર્માંનંદ કૌસાંબી એવા શિક્ષકો મળે છે. કૌસાંબી તે સમયે વિદ્યાપીઠમાં રશિયનક્રાંતિનાં વર્ગો લેતા હતા અને જવાહરલાલ નેહરુ વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે સમાજવાદ આવે તેની સમાજમાં શું અસરો થાય એ અંગેની શંકાકુશંકાઓ સાથેની ચર્ચાઓ જે યુવા ઉમાશંકરે કરી હતી તે પોતાની રોજનીશી ‘વાસરી’માં લખેલી છે.
અને આ જ સમયમાં પરદેશી કાપડ બહિષ્કારનું આંદોલન પણ ચાલતું હતું. યુવા ઉમાશંકર અને તેમના સાથીઓ વિદ્યાપીઠથી ખાદી લઈને નીકળે અને અમદાવાદ શહેરના કાપડ માર્કેટમાં જઈ પરદેશી કાપડની દુકાનની આગળ સવારથી સાંજ ઊભા રહે અને લોકોને ખાદી ખરીદવા પ્રેરે. પરદેશી કાપડ વેચતા વેપારીની દુકાનની બહાર આખો દિવસ ખભે ખાદી નાંખીને ઊભા રહેવું એ સહેલી વાત ન હતી. વરસાદ પડતો હોય તો ય વેપારીનો તિરસ્કાર વેઠીને ય ઊભા રહેવું અને લોકોને પરદેશી કાપડને બદલે ખાદી ખરીદવાનું સમજાવવાનું એ અઘરી વાતો તો ખરી જ.
લોકોની વચ્ચે તેઓ આજીવન રહ્યા છે. તેમને માત્ર સાહિત્યકારો ને અધ્યાપકો જ મિત્રો ન હતાં. તમામ પ્રકારના લોકો તેમના મિત્રો. આઝાદીની લડતમાં સક્રિય ભૂમિકા ભજવી, ઘણીવાર જેલમાં ગયા પણ દેશ જ્યારે આઝાદ થયા ત્યારે આનંદઉત્સવની વાતો કે પોતાની પીઠ પોતે જાતે થપથપાવવાનું કામ તેમણે નહોતું કર્યું. ૧૯૪૭ના ઑગસ્ટ મહિનાના ‘સંસ્કૃિત’માં લોકોની જ ચિંતા તેમણે વ્યક્ત કરી ‘બ્રિટનનો સત્તા ત્યાગ’ એવા મથાળા હેઠળ તેમણે લખ્યું :
‘… પણ આ ઘટનાને એની બીજી બાજુ પણ છે. અંગ્રેજને પોતે હિંદ છોડી રહ્યા છે એનો જેટલો ઉમંગ છે એ માટેનાં પગલાં લેવામાં જેટલો ઉત્સાહ છે, જેટલી હોંશ છે. તેટલી એમનાથી છૂટ્યા કહેવાતા હિંદને હોય એમ જોવા મળતું નથી. પ્રજાના કોઈ પણ પક્ષમાં ક્યાં ય ઉમળકો નામ ને વસ્તુ નજરે પડતી નથી!
‘એટલા ઉપરથી જ હિંદ ખરેખર અંગ્રેજના પ્રભાવમાંથી કેટલુંક છૂટ્યું છે – કેવુંક છૂટ્યું છે – એનું સૂચન મળી રહે છે.’
(સમયરંગ, પૃ. ૧૭, ૨૦૦૪)
‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે’ – એવું માનનારા ઉમાશંકર યુવાવસ્થામાં ગાંધીજીના સમયમાં જ સતત કામ કરતાં રહ્યા. પણ તેમને ગાંધીવાદી કે ગાંધીજીની સાહિત્યકારનું લેબલ પસંદ ન હતું. યશવંત ત્રિવેદી સંપાદિત ‘ઇન્ટરવ્યૂઝ’(૧૯૮૫)માં છપાયેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું : ‘ગાંધીયુગ પ્રયોગ સાહિત્યચર્ચામાં બરોબર છે? રાજા કે રાજવંશને નામે સાહિત્યના પણ યુગોનું નામકરણ થતું પછી ઇતિહાસના સામંતશાહી જેવા વલણને અનુસરી મુખ્ય કોઈ લેખક ઉપરથી થતું જોવા મળે છે. હવે એ પદ્ધતિ ખપની લાગતી નથી. વળી, નીતિવિષયક મૂલ્યોનો આગ્રહ એ માત્ર ગાંધીજીના જીવનકાળની જ વાત હોય એવું નથી. ગોવર્ધનરામમાં પણ જોઈ શકાશે. ગાંધીજીનો આયુષ્યકાળ પૂરો થતાં હાશ નીતિવિષયક મૂલ્યોનો સંદર્ભ અપ્રસ્તુત થઈ ગયો એમ માની લેવામાં ભૂલ કરી બેસશો.’
(થોડુંક અંગત, પૃ. ૯૯, ૨૦૧૧)
૧૯૭૦માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત પામ્યા. ગુજરાતમાં જે પ્રકારનું રાજકારણ શરુ થયું અને ચીમનભાઈ પટેલે ધારાસભ્યોને ખરીદી પંચવટી ફાર્મમાં પૂરી મુખ્યપ્રધાનપદ મેળવ્યા જે ખેલ ખેલ્યો ત્યારે ઉમાશંકર સત્તાની સાથે રહી ચૂપ ન રહ્યા. રાજ્યસભાને રાજ્યસભા બહાર પણ સક્રિય બન્યા અને તેમની મૂલ્યોના સંઘર્ષની લડાઈ નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન, જેપી આંદોલન, જનતા મોરચાની રચના અને કટોકટી કાળ સુધી ચાલુ રહી. તેઓ પોતે જ આ અંગે લખે છે :
‘છેલ્લા દશકામાં દેશની સ્થિતિ વણસતી જતી હતી ત્યારે વધારે લખવાનું બન્યું. રાજ્યસભામાં તો ખાસ બોલ્યા વગર જ હું છ વરસ પૂરા કરત. પણ ગુજરાત પ્રકરણ અને કટોકટીને કારણે સહેજે બોલવાનું થતું. એકંદરે કહી શકાય કે ચાલુ બનાવો પર બોલવા-લખવા પાછળ મૂલ્યોનો સંઘર્ષ કારણભૂત રહ્યો છે.
(સમયરંગ, પૃ. ૮, પ્રથમ આવૃત્તિ ૧૯૭૮)
નવનિર્માણ આંદોલન દરમિયાન તેઓ સતત વિદ્યાર્થીઓને મળતા રહ્યા એ પછી અમદાવાદ હોય કે દિલ્હીમાં. દિલ્હીમાં અમે તિહાડ જેલમાં હતા ત્યારે રોજ સવારે પુસ્તકો અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદોને લઈ મળવા આવતા. ગુજરાતની સ્થિતિ ને વિદ્યાર્થીઓના આંદોલનને લઈ તેમણે બે વિગતવાર ભાષણો કર્યા. અને તેમણે જે લેખ લખ્યા તેમાં રજૂ થતી તેમની સૂક્ષ્મ અને ઘટનાઓને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાની દૃષ્ટિ ઉલ્લેખનીય બની રહે છે : ‘એમાં સૌથી સારી વસ્તુ એ છે કે કોમી એખલાસને આંચ આવી નથી. ૧૯૬૯ની કારમી સ્મૃિતઓ અને ગઈ સાલનો મોડાસાનો કોમી ભડકો એ હજી મગજમાં તાજાં છે. કોમી એખલાસ તૂટ્યો હોત તો અમારી તદ્દન ખાનાખરાબી થાત. નહીં કે તેને તોડવાના પ્રયત્ન થયા ન હતા. પણ સદ્ભાગ્યે વિદ્યાર્થીઓ ચેતી ગયા અને લોકો પણ આપોઆપ એ અંગે સચેત થઈ જતા. અમદાવાદમાં નવનિર્માણ સમિતિના વિદ્યાર્થીઓએ શાહપુરમાં શહીદ-પંકજ-ને પુષ્પાંજલિ આપી અને એ એકના એક પુત્રને ગુમાવનાર પિતા પાસે આશ્વાસન આપવા માટે ગયા અને ત્યાંથી નીકળી જમાલપુરમાં શહીદ ફઝ્યુલને ત્યાં જઈને પુષ્પો ચઢાવ્યાં અને તેના પિતા અબ્દુલ રહીમને મળીને દિલસોજી આપી. વળી જ્યારે કોમી એખલાસ ભયમાં હતો ત્યારે તરત જ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. કોઈ કુરાને શરીફમાંથી આયાતો બોલવા લાગ્યા તો કોઈ ગીતાનો પાઠ કરવા માંડ્યા. અને એ રીતે તેઓ કોમીશાંતિ જાળવવામાં સફળ થયા.
‘… લશ્કર વિશે પણ બે શબ્દ કહેવા જોઈએે. ૨૭મી જાન્યુઆરીએ અમદાવાદમાં જે લશ્કર બોલાવવામાં આવ્યું તેની સામે પ્રજાને કશી ફરિયાદ કરવાની નથી. લશ્કર રહ્યું તે ગાળામાં કશું બન્યું નથી. અમદાવાદમાં લોકોએ એને વધાવ્યું. લાખ જેટલા માણસોએ રસ્તાની બે બાજુએ ઊભા રહીને તેની પ્રત્યે ભાઈચારાનો ભાવ પ્રદર્શિત કર્યો.’
(સમયરંગ, પૃ. ૩૮૧-૮૬)
લોકલડત પૂર જોશમાં ચાલતી હતી તેવામાં દિલ્હીમાં એક નેતા સાથે તે અંગે વાત થતાં મેં કહ્યું : બારીઓ અંદરથી બરોબર બંધ કરવામાં આવી હતી. બારણાને તાળા લગાવવામાં આવ્યાં હતાં. દરવાજા પર બંદૂકધારી ગોઠવાયેલો હતો. પણ એવું બન્યું કે મકાનનું છાપરું ઊડી ગયું!
પ્રજાની લાગણી કેટલી બધી ધૂંધવાઈ પ્રબળ બની હશે ત્યારે એમ થવા પામ્યું હશે? પ્રજાને ચારે બાજુથી આંતરવામાં આવે તો બીજું શું થાય?
(૧૯-૪-૧૯૭૪) (શેષ સમયરંગ, પૃ. ૪૦૬, ૨૦૦૪)
૧૯૭૪માં ગુજરાતમાં વિધાનસભા વિસર્જન બાદ જે નવી મોરચા સરકાર બની તેની આખી ય પ્રક્રિયા, જયપ્રકાશ નારાયણે ગુજરાતમાં ઊભી કરેલી લોકસંઘર્ષ સમિતિના સભ્ય તરીકે ઉમાશંકરે જોઈ હતી. લોકઉમેદવારો અને વિરોધ પક્ષોએ ભેગા થઈ બનાવેલા જનતા મોરચાનું ચૂંટણી પ્રતીક એક જ હોય એવો એક આદર્શ હતો જે અંગે પક્ષો વચ્ચે મતભેદ હતા. આ અંગેની એક મિટિંગ અમદાવાદના ટાઉનહૉલના ગ્રીનરૂમમાં જયપ્રકાશજી અને મોરારજીભાઈ વચ્ચે ચાલી રહી હતી ત્યારે ટાઉન હૉલમાં બહાર ઊભા રહી સૂત્રોચ્ચાર કરી એક પ્રતીકની વાત ઉમાશંકરે કહી હતી. ગુજરાતના રાજકારણમાં સર્વોચ્ચ કહેવાતા ‘મોરારજીભાઈએ ઉમાશંકરને વખોડતાં પત્રકારોને જણાવ્યું હતું કે ઉમાશંકર મોટા કવિ ખરા પણ તેમને રાજકારણમાં સમજ ના પડે!’
પણ ઉમાશંકરને રાજકારણમાં કેવી ઊંડી સમજ પડતી હતી એ તેમનું ૧૯૭૫માં લખેલું લખાણ જ વ્યક્ત કરે છે. ૧૯૭૭માં મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા હતા એટલી વાત ધ્યાનમાં રાખીને અહીં મૂકેલાં તેમના લખાણના કેટલાક અંશો વાંચવા આજે રસપ્રદ બની રહેશે :
જનતાએ તો ભારે સમજ બતાવી ગણાય. મોરચાને સૌથી આગળ મૂક્યો પણ ચોખ્ખી બહુમતી આપી નહીં. કૉંગ્રેસને પાછળ રાખી પણ પક્ષ તરીકે સારો દેખાવ કરવા દીધો. કિમલોપને કોઈએ પણ ધાર્યું હોય તે કરતાં ભારે શિકસ્ત આપી – માત્ર બાર જ બેઠકો આપી અને મોટી વાત તો એ બની કે તેના ચૂંટણીમાં પાવરધા નેતાને તેર હજાર મતથી હાર મળી. જનતાએ સૌથી વધુ રોષ કિમલોપ તરફ બતાવ્યો.
જનતા ‘મોરચાની અને લોકસંઘર્ષ સમિતિ અપવાદરૂપ વ્યક્તિઓ બાદ કરતાં ઘણા મોટા ભાગની વ્યક્તિઓ આરંભથી જ કિમલોપ સાથે ગઠબંધન ચાહતી હતી અને તેઓમાંથી કેટલાકના પ્રયાસો ભાગ્યે જ ક્યારેક પણ અટક્યા હોય. જો તેમની ઇચ્છા પ્રમાણે મોરચાએ કિમલોપ સાથે અગાઉથી ગઠબંધન કર્યું હોત તો એ બંનેને થઈને પણ ૮૬ બેઠકો ન મળત. ચૂંટણીમાં પ્રજાએ કિમલોપ અંગે જે ચુકાદો આપ્યો તે પછી ‘બિનશરતી’ ટેકો આપતા કિમલોપનો હાથ ઝાલવા દોટ મૂકવામાં જનતાની ઇચ્છાને માન આપ્યું એમ કહેવું એ પ્રજાને ભરમાવવા જેવું છે. મોરચાએ લઘુમતી સરકાર રચવાની તૈયારી બતાવી હતી. તેને વળગી રહેવાનું હતું.
… ગુજરાતની ચૂંટણીઓની ફલશ્રુતિ મોરારજી દેસાઈને માટે પૂર્ણ નહીં તો લગભગ પૂર્ણ સંતોષકારક લેખી શકાય. હવે અત્યારે જોવું શક્ય છે કે તેઓશ્રી પોતાનું મન બરોબર સમજતા અને એક આંકેલી માર્ગરેખા પર મક્કમપણે તેઓ ચાલતા રહ્યા ને ધાર્યું મેળવ્યું ત્યારે રહ્યા. પછી ભલેને લાંબાં હિતોની દૃષ્ટિએ ગુજરાતને અને દેશ સમગ્રને ગમે તેટલું સોસવાનું આવે.
… મોરારજી દેસાઈને એક વ્યવહારુ રાજકારણી તરીકે પ્રામાણિક ખ્યાલો અને પોતાની મર્યાદાઓ હશે. પણ ગુજરાતની ચૂંટણીઓ નિમિત્તે દેશને નવી આશા મળે એવું ક્રાંતિનું વાતાવરણ જન્માવવાનું અને દેશને સાચી દોરવણી આપવાનું તેઓશ્રીએ ટાળ્યું. ગણતરીપૂર્વકની ઉઘાડી રાજરમતથી સંતોષ માન્યો. એને પરિણામે જનસંઘને ગુજરાતની પાછલી વિધાનસભામાં જેટલી બેઠકો હતી તેટલા હોદ્દા (વત્તા સંસદીય સચિવનો હોદ્દો) મળ્યા, પોતાના પક્ષના આધિપત્યવાળી નવી સરકાર રચાઈ, બાઈબલકથિત ‘પ્રોડિગલ સન’ જેવા કિમલોપી નેતા પોતાને પાછા આવી મળ્યા! સંસ્થા કૉંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીએ ઠરાવમાં ઘા પર મીઠું ભભરાવતા શબ્દો વાપર્યા કે ‘નવનિર્માણના આંદોલનની’ ભાવનાને ઉઠાવ મળ્યો છે:
… ગુજરાતની એક વ્યક્તિએ વડાપ્રધાન બનવું છે, અને અન્યને મુખ્યપ્રધાન (એક સૌરાષ્ટ્રી નેતાએ તે કરી બતાવવાનું પણ લીધું છે,) – આ બે મહત્ત્વકાંક્ષાઓનાં પડ વચ્ચે ગુજરાતનું જાહેર જીવન થોડા વખત ભીંસાતું રહેવાનું. શ્રીમતી ગાંધીના સત્તાદોરને ખાળવાના પ્રયત્નો ગુજરાતમાં અપ્રતિષ્ઠિત થયેલ સર્વોચ્ચવાદ, શ્રી ચીમનભાઈની સત્તાથી પૈસો-થી સત્તા-થી પૈસો તરફની દોટ, અને પ્રમાણમાં અજાણ્યા એવા જનસંઘની પ્રતિષ્ઠા કરવામાં પરિણમ્યા છે.
ગુજરાત કેળવણીના અને જાહેર જીવનના અન્ય ક્ષેત્રોમાં હવે મોરારજીભાઈ-કસ્તૂરભાઈ-ચીમનભાઈ ધરીનો દબાવ અનુભવશે.
(૨૩-૬-૧૯૭૫)
(શેષ સમયરંગ, પૃ. ૪૪૪-૫૦)
આજના સમયે દેશમાં જે હાલત ઊભી થઈ છે તેનો અણસાર ઉમાશંકરના આ લખાણમાં આપણે પામી શકીએ છીએ.
મૂલ્યના સંઘર્ષમાં સતત અડીખમ રહેલા ને ખાસ તો ક.મા. મુનશીના સાહિત્ય પરિષદ પરના વૈચારિક આધિપત્યને આંદોલનથી તોડનારા ઉમાશંકર વિશે વિચારતા આજના સમયમાં એક બીજી મૂંઝવણ પણ મને થતી રહી છે કે ઉમાશંકરના ઘણી શિષ્યો હતા. તેમની આંગળી પકડીને ઘણા સાહિત્યકારો અકાદમીથી માંડી અનેકાનેક સંસ્થાઓમાં સ્થાન પામ્યા. આ શિષ્યો કહો કે ઉમાશંકરની સાથે ચાલનારાઓમાં ઉમાશંકરમાં મૂલ્યોના સંઘર્ષમાં સક્રિય ભૂમિકા અદા કરવાની જે તાકાત – મિજાજ હતાં તેનો નાનો સરખો અંશે ય કેમ તેમનામાં દેખાતો નથી?
અત્યારે તો ખરેખર ચારેકોર જ અંધારું છે ત્યારે મૂલ્યો માટે ઊંચા અવાજે હિમ્મતભેર બોલનારાઓની ઘણી જરૂર છે. ઉમાશંકરના શિષ્યો અને સાથીદારો ક્યાં છે? મારી મૂંઝવણનો કોઈ જવાબ આપશે?
(ગોષ્ઠીમાં આપેલા વક્તવ્યના સંકલિત અંશો)
૨૧-૭-૨૦૧૭
E-mail : manishijani@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 06-08
![]()


ઉમાશંકર જોશીના પ્રદાન વિશે તાજેતરમાં થયેલું બહુ મહત્ત્વનું કામ એટલે ‘સંસ્કૃિત’ સામયિકના ચારસો સોળ જેટલા અંકોમાં પ્રસિદ્ધ થયેલાં પાંચ હજારથી વધુ લખાણોની સૂચિ. તેનું નામ છે ‘સંસ્કૃિત-સૂચિ’, પેટા નામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંનો આ ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્ર્સ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કર્યો છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે. સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કીમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ
‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે. તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. ત્રીજા કે ચોથા પૂંઠા પર મોટે ભાગે કવિતા કે ફકરો છે તેની નોંધ છે. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય-અભ્યાસ : સિદ્ધાન્ત/ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ. ‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેરજીવનનાં સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે, જે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાં હોય. પત્રમ્પુષ્પમ્, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોનાં નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.
આપણા સાહિત્યિક વિમર્શની આવી મર્યાદાનો દાખલો એ ઉમાશંકરના ‘સમયરંગ’ અને ‘શેષ-સમયરંગ’ પુસ્તકો છે. તેમાં પ્રકટતા લેખક ઉમાશંકર આવશ્યક અને ઉપેક્ષિત બંને છે. આ બંને પુસ્તકો ‘સંસ્કૃિત’માં ઉમાશંકરે ખુદ લખેલાં લખાણોના સંચય છે. ‘સમયરંગ’ ૧૯૭૮માં મુંબઈના ચીમનલાલ લિટરરી ટ્રસ્ટે પ્રસિદ્ધ કર્યું. તેનું પુનર્મુદ્રણ ૨૦૦૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે કર્યું. સાથોસાથ તેણે ‘શેષ સમયરંગ’ પણ બહાર પાડ્યું. સ્વાતિ જોશી સંપાદિત આ સંચયમાં ‘સંસ્કૃિત’ના ‘સમયરંગ’ વિભાગનાં બાકીનાં લખાણો ઉપરાંત ‘નિરીક્ષક’ના અગ્રલેખો અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે ઉમાશંકરે લખેલી નોંધોનો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકોનાં કુલ ૯૮૦ પાનાંમાં ૧૦૬૩ લખાણો છે. તેમાં આ મુજબની બાબતો આવે છે : રાજકારણ, શિક્ષણ, અર્થકારણ, ભાષા સાહિત્ય, કલા, સંસ્કૃિત જેવાં વિવિધ ક્ષેત્રનાં ‘ચાલુ બનાવો પરની નોંધો’, અગ્રલેખો, ભાષણો, સંસદીય પ્રવચનો, મુલાકાતો, ટૂંકા અહેવાલો, વ્યાખ્યાન-સંક્ષેપો અને અંજલિલેખો. નાનામાં નાની નોંધ એક વાક્યની છે : ‘‘પથેર પાંચાલી’ પરદા પર જોયું?’ (‘સમયરંગ’, પાનું ૨૧૭), લાંબામાં લાંબા લેખ પાંચ પાનાંના છે. જેમ કે, ‘સોવિયેત-દોસ્તી ભલે, સોવિયેત-પરસ્તી હરગિજ નહીં’, અથવા નવનિર્માણ આંદોલન પછી રાજ્યસભામાં આપેલું પ્રવચન ‘વિસર્જન અનિવાર્ય છે, તો વિલંબ શા માટે ?’ આંતરરાષ્ટ્રીય તથા એતદ્દેશીય રાજકારણ વિશેનાં મોટા ભાગનાં લખાણો વિસ્તૃત અને વિપુલ છે. બંને ગ્રંથોનાં કુલ લખાણોના ચોથા ભાગનાં એટલે કે અઢીસો જેટલાં લખાણો રાજકારણને લગતાં છે, એ હકીકત ઉમાશંકરનો અગ્રતાક્રમ સૂચવે છે. ‘સમયરંગ’ની પ્રસ્તાવનામાં તે લખે છે : ‘રાજકારણ પણ મનુષ્યના જીવનની એક અત્યંત મહત્ત્વની રગ છે, કહો કે રાજકારણ પ્રાણવાયુ સમાન છે. જાગ્રત નાગરિક રાજકારણથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ હું રાજકારણ કરતાં જાહેર બનાવો(પબ્લિક અફેર્સ)માં રસ લઉં છું એમ જ કહેવાનું વધુ પસંદ કરું.’ રાજકારણની સભાનતાનું ઉમાશંકરને મન કેટલું મહત્ત્વ છે તે ‘સમયરંગ’નાં અન્ય બે અવતરણોમાં પણ બહાર આવે છે : ‘રાજકારણ એ પ્રાણવાયુ સમાન છે. મારા જેવો કવિતાનો માણસ પણ રાજકારણ વગર શ્વાસ લઈ શકે નહીં’ (પૃ.૩૩૫). અને ‘પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. યા તો બુદ્ધ યા તો બુદ્ધુ સમાજની બહાર રહી શકે, પણ આપણે સમાજના બધા વ્યવહારમાં રહેનાર રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે, કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં’ (પૃ ૩૭૪).
વિદ્યાર્થીઓ માટેની લાગણી સહુથી વ્યાપક રીતે વ્યક્ત થઈ હોય, તો તે નવનિર્માણ આંદોલનને લગતાં લખાણોમાં. ત્યાં ઠેકઠેકાણે ઉમાશંકર વિદ્યાર્થીશક્તિનાં જાણે ઓવારણાં લે છે. તે બધાંના સાર સમો ગદ્યાંશ ‘શેષ સમયરંગ’ના એક લેખમાં મળે છે : ‘બધા વિચારકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજનેતાઓ ચિંતા વ્યક્ત કરતા હતા કે આજના વિદ્યાર્થીના ભણતરનો દેશના દેશમાં જિવાતા જીવન સાથે મેળ નથી. એકાએક એવું બન્યું કે વિદ્યાર્થીના જીવનનો તાર જિવાતા જીવન સાથે બરાબર સંધાઈ ગયો. વિદ્યાર્થીઓના હાથ સહુથી ચોખ્ખા છે, એટલે સહેજે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી શકે એમ છે. નૈતિકતામાં તેઓ વડેરા કરતાં વડા નીવડી શકે એમ છે. ગુજરાતના-ભારતના જાગેલા વિદ્યાર્થીઓ આગળથી ભ્રષ્ટાચારે હવે ભાગવું પડશે’ (પૃ. ૪૦૩). વિદ્યાર્થીઓનું આવું ઉદાત્તીકરણ ઉપરછલ્લુંનથી.એટલે જ તે વિદ્યાર્થીઓ પરના હિંસાચારના આરોપોનો રાજ્યસભાના પ્રવચનમાં બચાવ કરે છે. આંદોલન પૂરું થતાં તેમને પરીક્ષા આપવા સમજાવે છે. અનામતના પ્રશ્ને તબીબી શાખાના વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા સમજાવતાં બે લેખો ‘શેષ સમયરંગ’માં આપે છે – ‘સાંકડાં હૃદય ન રાખશો’ (પૃ. ૫૧૯) અને ‘માનવીય ગૌરવ અને સામાજિક ન્યાયનો તકાજો’ (પૃ. ૫૨૧). નવનિર્માણમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારથી ઉમાશંકર વ્યથિત થાય છે. કૉલેજની વિદ્યાર્થિનીઓ પર પોલીસે ગુજારેલા દમનથી તેમનું ‘હૃદય અત્યંત વિહ્વળ બને છે’. બંગાળમાં ૧૯૭૪ના મધ્યમાં ‘નક્સલ કહેવાતી છોકરીઓ પર જે ત્રાસ ગુજારવામાં આવ્યો’, તે એમને ‘અમાનુષતાને હદ વટાવી જાય’ તેવો લાગે છે. આ નિમિત્તે ‘નેતાગીરીને મન યુવાનોની આ કિંમત ?’ એવા વેધક લેખમાં એ કહે છે : ‘છેલ્લાં વરસોમાં દેશના યુવાનો-વિદ્યાર્થીઓમાં સમાજના શોષિત વર્ગ અંગે જાગૃતિ વધતી રહી છે … તેઓની અકળામણ ક્યાંક માઝા વટાવતી હોય તેમ બને … પણ શાસકોએ ચેતી જઈને સામાજિક ન્યાયની પ્રક્રિયાને વેગીલી બનાવવાને બદલે એ પ્રક્રિયાને શક્તિમતિ પ્રમાણે ધપાવવા મથતા જુવાનો પર શી ગુજારી છે, એનો ખ્યાલ પણ કમકમાં ઉપજાવે એવો છે … યુવક-યુવતીઓ શોષિત જનતાને માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય અને તેમને જે દેશની નેતાગીરી રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિ વિશે, તેની નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ?’