હિંમત કપાસી. એમનાં નામ અને કામથી એમને જાણતા હોવાનું તો બને જ. મળ્યા હોઈએ તો વ્યક્તિત્વય સ્પર્શી જાય. પણ એમના ગયા પછી જ્યારે એમના વિશે લખાયેલાં લખાણોમાંથી પસાર થવાનું થાય છે ત્યારે થાય છે, આ કેવું ગજબ વ્યક્તિત્વ હતું, યાર! ફિલ્મ, શિક્ષણ, સાહિત્ય, સંગીત, નાટક, ક્રિકેટ … એ સિવાય પણ ખબર નહીં, કંઈ કેટલું! પણ એ બધાંની સાથે અને એ બધામાં એમની વિશેષ દૃષ્ટિ હોવા છતાં વ્યક્તિત્વમાં નરી સરળતા.
વર્ષ ૨૦૦૮માં ‘અભિયાન’ના પત્રકાર તરીકે પહેલી વાર એમની સાથે મુલાકાત થઈ. એ વખતે કંઈક ઓસ્કર ઍવોર્ડનો માહોલ હતો. વિદેશી કે અંગ્રેજી ફિલ્મો ખૂબ જોતી કેટલીક વ્યક્તિઓને મળવું અને એમને ખૂબ ગમતી કોઈ એક ફિલ્મનું નામ આપવાનું હોય તો કયું આપે, અને એ અંગે વાત કરે—એમ ટીમ મીટિંગમાં નક્કી થયું. કપાસીસાહેબને ફોન કર્યો. ‘બહુ અઘરું છે, દોસ્ત! પણ આવને, વાત કરીએ.’ એ મતલબનું કંઈક એમણે કહ્યું. મળ્યો. અને પછી … એમણે જે વાત કરી તે ફિલ્મ ‘સિટિઝન કેઇન’. છેક ૧૯૪૧ની અમેરિકન ફિલ્મ. વિદ્યાનગર હાઇસ્કૂલના કોઈક મોટા ખંડમાં બેસીને વાત કરી. અને એમણે એ ફિલ્મને જે રીતે મારી સમક્ષ ખોલી આપી, આફરીન …. મને એવું લાગ્યું જ નહીં કે આ ફિલ્મ મેં જોઈ નથી. એ ફિલ્મ હવે આપની સમક્ષ ….
‘સિટીઝન કેઈન’. એક પ્રતિભાવાન અને એથીયે વધુ મહત્ત્વાકાંક્ષી જર્નલિસ્ટના જીવનની વાત આ ફિલ્મમાં છે. વખત આવ્યે ‘યલો જર્નલિઝમ’ પણ કરી જાણતો ચાર્લ્સ ફોસ્ટર કેઈન નામનો પત્રકાર સફળતાની સીડીઓ ચઢતાંચઢતાં ન્યૂયોર્કમાં એક અખબારનો માલિક બની જાય છે. સંબંધો અને આવડતના જોરે રાજકારણમાં પણ આગળ વધે છે. સુંદર પત્ની સારું ગાતી ન હોવા છતાં વિવેચકો પાસે તેનાં વખાણ કરતું લખાણ લખાવે છે, ને પોતાના અખબારમાં છાપે છે. પણ વાત જ્યાં અંગત જીવનની આવે છે, સંતોષના નામે મીંડું. બાળપણમાં જે સ્લેજ ગાડીમાં બેસતો હતો તે દૃશ્ય જ તેને વારંવાર યાદ આવ્યા કરે છે. અને બસ, આ ઝુરાપામાં જ જીવનનાં અંતિમ વર્ષો ગાળે છે. ત્યારે હાજર હોય છે માત્ર ઑફિસના કર્મચારીઓ. તેની બીજી પત્ની પણ છોડીને ચાલી ગઈ હોય છે!
ફિલ્મનો સૂર એ છે કે કોઈ પણ માણસને આપણે સો ટકા સાચી રીતે સમજી શકતા નથી, કેટલીક વાતો હંમેશાં ખાનગી જ રહે છે. પણ જ્યારે તે જાહેર થાય ત્યારે આપણા માન્યામાં નથી આવતી. ખરું કહો તો આઘાત લાગે છે. થૉમ્પસન નામનો પત્રકાર પણ ફિલ્મમાં તેવી જ સ્થિતિમાંથી પસાર થાય છે. તેણે કેઈનના જીવનની વાતોને પકડવાનું બીડું ઝડપ્યું હોય છે. પોતાના લક્ષ્યને પહોંચી વળવા તે કેઈનની બંને પત્નીઓ, મિત્રો વગેરે અનેક વ્યક્તિઓની મુલાકાત લે છે. ઘણી ફાઈલો ફંફોસે છે. પણ હાથ લાગેલી તમામ માહિતીને એકસૂત્રે સાંકળી નથી શકતો. એકાદ કડી તો ચૂકી જ જવાય છે.
આ ફિલ્મ ફ્લેશબૅકમાં છે. ફિલ્મના અંતમાં આગની જ્વાળાઓમાં ઘણી વસ્તુઓ ભરખાઈ જાય છે જેમાં કેઈનની એ વારંવાર યાદ આવતી વહાલી સ્લેજ ગાડી પણ હોય છે. તેમાં એક શબ્દ માત્ર દેખા દે છેે – રોઝબડ. જે સ્લેજ ગાડી પર લખેલા છે. મૃત્યુશય્યાએ પણ કેઈનના મોઢે આ જ શબ્દો સરી પડે છે. પણ રોઝબડ શું, એ રહસ્ય જ રહે છે! અદ્ભુત સિનેમેટોગ્રાફી છે. જન્મજાત જેને નટ કહેવામાં આવે છે, તેવા ઓરસન વેલ્સ ફિલ્મના ડાયરેક્ટર અને એ જ ઍક્ટર પણ ખરા, જ્યારે જ્યારે આ ફિલ્મ જોઉં છું, દરેક વખતે નવો જ અનુભવ થાય છે. પાછી મહાન ફિલ્મ એટલે સમજવામાં મુશ્કેલ એ સિદ્ધાંતને પણ ખોટો પાડે છે. ૧૯૪૧માં રજૂ થયેલી આ ફિલ્મનો વિશ્વની ‘ઑલ ટાઈમ ગ્રેટ’ ફિલ્મોમાં પણ સમાવેશ થાય છે.
E-mail : ketan.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2017; પૃ. 14
![]()


હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરોના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યાવરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારના સાતમા અને નવમા ધોરણનાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલકાલીન ઇતિહાસ જ હટાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં રાજસ્થાનની સરકારે નિર્ણય લીધો હતો કે રાણા પ્રતાપનો હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે પરાજય થયો જ નહોતો. રાણા પ્રતાપનો વિજય થયો હતો અને એ જ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવશે. હિન્દુ રાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં હિન્દુને પરાજિત થતો કેમ બતાવી શકાય? સત્ય આનાથી જુદું છે એવી દલીલના જવાબમાં તેઓ કહે છે કે સત્ય ગયું ભાડમાં, હિન્દુને પરાજિત થતો બતાવવો એ દેશદ્રોહ કહેવાય. હિન્દુ મહાન અને બીજા કનિષ્ઠ એ ઇતિહાસલેખનનો અત્યારે અંતિમ માપદંડ છે. જે લોકો વર્તમાનમાં કંઈ કરી શકતા નથી અને ભવિષ્ય વિષે વિચારી શકતા નથી એવા લોકો ઇતિહાસમાં આયખું વિતાવી શકે છે.