
courtesy : "The Times of India", 26 June 2017
![]()

courtesy : "The Times of India", 26 June 2017
![]()
એક વાર સ્વામી વિવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરિકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરિકા જવા માટે ઘણાખરા લોકો પૂર્વ તરફનો દરિયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સિંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરિકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.
સ્વામીજીએ જોયું કે રંગૂનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તૂતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દિવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતૂહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?
એક દહાડો કુતૂહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પૂછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’
‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’
વિવેકાનંદનું કુતૂહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચિત્રલિપિની 50,000 જેટલી અલગ અલગ આકૃિતઓ શક્ય છે. આપણને માત્ર આકૃિત લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !
‘પણ વડીલ!’ વિવેકાનન્દ પૂછ્યા વિના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’
વૃદ્ધે ફરી વાર હૂંફાળું મીઠું સ્મિત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’
તે દિવસે સ્વામીજીને સમજાયું કે કશું ય નવું કામ કરવા માટે માનવી ‘અતિ વૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રિટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રિગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવિ જૉન મિલ્ટન છે. એ ૪૮ની વયે પૂરેપૂરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દિમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મિલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નિરાશ થયા.
સાહિત્યની દુનિયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મિઝરાબલ’ અને ‘વિક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વિક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહિત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પૂરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખૂંચતા ય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોની ય ધૂળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તિ પડી ભાંગી અને નેપોલિયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વિક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલિયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’
આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રિયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વિધાન તેમણે કરેલું કે : ‘હવે પેરિસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તિ પોતાને વિશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસિક અને નૈતિક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.
અને એ તાકાત એમણે જિન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરાબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરૂ કર્યું હતું.
કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરૂપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહિન ક્રિયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તિઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પૂછતા થઈ જાય છે. એવા લોકોએ વિક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પિત (માયારૂપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.
અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વિશ્વની એમની સૌથી મોટી એ કૃિત એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.
કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશું ય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફિલસૂફ કન્ફ્યુશિયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :
ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરૂરતમંદોને સદા ય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રિયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નિરાશ ન કરતા.
ઉદાર અને સમજુ હતા એટલે ચિન્તકો, કવિઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશિયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચૂક આગ્રહ કરતા. દિવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશિયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશિરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.
આવી મનોદશા વચ્ચે એક દિવસે સમ્રાટથી સંતને પૂછાઈ ગયું, ‘પંડિતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’
આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પૂરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખૂબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.
પણ કન્ફ્યુશિયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સૂચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.
બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઊંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશિયસે આ ખરાબા ભણી આગળી ચિંધીને સમ્રાટને પૂછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’
સમ્રાટે નજર ખેંચી. ‘અં … ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઊગેલું જણાતું નથી … આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે … બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે … અં … ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે .. ! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો … ચાલ્યો … ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે .. એ શું હશે ?’
‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશિયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’
‘ઓ … હો … ભારે રૂડું કામ કહેવાય!’
‘એ માણસ તમને કેવો દેખાય છે ?’
‘ગરીબ લાગે છે … ઘરડો છે … કમરેથી વાંકો વળી ગયો છે …’
‘સમ્રાટ, આટલે દૂરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’
‘પંચાણું ….?’
‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પૂછી. એ પંચાણુંનો છે.’
‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?
‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’
‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’
સર્જક સમ્પર્ક: 47-A, Narayan Nagar, Paladi, Ahemdabad – 380 007
eMail : yeshwant.mehta.1938@gmail.com
[તારીખ 1-2-2017ના ‘નયા માર્ગ’ પાક્ષીકના પાન 28 ઉપરથી સાભાર]
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંક : 377 – June 25, 2017
![]()
શિવકુમાર આચાર્ય તમારું નામ. તમે મારા પિતા. તમને અમે ભાઈબહેન ક્યારે ય "પપ્પા " કહીને નહીં, પણ "શિવભાઈ" કહી બોલાવતા. એટલે અત્યારે પણ "શિવભાઈ" કહી ને વાત કરું છું.
79 વર્ષ ની તમારી જિંદગી, જે તમે ખુમારી અને ઝિંદાદિલીથી, યુવાનોને પણ શરમાવે તેવા આત્મવિશ્વાસ અને સ્ફૂિર્ત સાથે જીવી ગયા. અરે, મૃત્યુંપર્યંત, 79 વર્ષે, પણ તમારાં કાર્ય ક્ષેત્રે સક્રિય, અને એ પણ કોઈ શોખની પ્રવૃતિ રૂપે નહીં, "આજકાલ"ના સહતંત્રી જેવી જવાબદારીવાળા પદ પર!
તમારી ઓળખ એટલે, તેજાબી કલમના સ્વામી, પ્રતિષ્ઠત ગુજરાતી અખબારોના તંત્રી, લેખક, પત્રકાર, ફિલ્મકથાકાર, તખ્તાના કલાકાર, નાટ્યલેખક … તમે લોકસાહિત્યના મરમી, યુરોપિયન તેમ જ ભારતીય સાહિત્યનું વિશદ્ જ્ઞાન, ઇતિહાસવિદ, પર્યાવરણવિદ, પ્રકૃતિપ્રેમી, ખરા અર્થમાં પ્રકૃતિપ્રેમી. તમારો પ્રકૃતિપ્રેમ એ પ્રકૃતિનાં વિવિધ રંગ રુપને માણવા, હરવું ફરવું, વન – નદી -પર્વતમાં ભટકવા અને ફોટા પડાવવા પૂરતો જ સીમિત નહોતો, પણ પશુ – પક્ષી, વનવિસ્તાર, ઝાડપાનનાં રક્ષણ અને સંવર્ધન માટે તમે હંમેશાં ચિંતિત અને પ્રયત્નશીલ રહેતા.
બાકી તો નોખી માટીના તમે; તમારી અંદરનાં ઊંડાણને તાગતા શું કહું ? …. મસ્ત મલંગ ફક્કડ ફકીર, માનવતા અને જનસેવાની ધૂણી ધખાવી બેઠેલો અલગારી !! કેવા નિ:સ્પૃહ તમે .. ફક્ત "સર્જન"ના હેતુ એ સર્જન, તમે કરેલાં કામોની પણ લોકો નોંધ લે, કે વાહ વાહ કરે, એવી સ્પૃહા જ ક્યાં હતી તમને ! સાહિત્ય સર્જન હોય કે માનવતાનું કોઈ કાર્ય, નિજાનંદ અને આત્મસંતોષ એ જ તમારો હેતુ, પદ પ્રતિષ્ઠાની લાલસાથી તો તમે જોજનો દૂર, જે તમને મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. કંઇક અંશે અડિયલ ધૂની સ્વભાવ, અવ્યવહારુ. તમને તમારી લાયકાત મુજબની સફળતા ક્યારે ય ના મળી. તમારી સારપ કે જ્ઞાન સાથે લોકોએ અને વિધાતાએ ઘણો અન્યાય કર્યો છે, શિવભાઈ; તો સામે પક્ષે ગમે તેવા વિકટ સંજોગોમાં ય તમારી તટસ્થતા અને સ્થિતપ્રજ્ઞતા !! … કોઈ કાચા ગજાના માણસનું કામ જ નહીં.
શિવભાઈ, તમે જ્યારે પણ ઘર બહાર નીકળો, હંમેશાં તમારા ખભે થેલો હોય જ, જેમાં ફળફૂલનાં બીજ હોય, જે તમે જ્યાં અનુકૂળ જગ્યા મળે ત્યાં વેરતાં જતા .. કોઈ પૂછે કે આ કોના માટે, ત્યારે તમે કહેતા કે કોઈ બીજ તો ફળશે, ને આ ધરતી સમૃદ્ધ થશે અને આવનાર પેઢી તો એનાં ફળનો ઉપયોગ કરશે ! મકરંદ દવેએ તમારી આ પ્રવૃત્તિથી પ્રેરાઈને "વેર્યાં છે બીજ મેં તો છૂટે હાથે, તેં હવે વાદળ જાણે ને વસુંધરા" .. કાવ્ય રચ્યું !
લોકોનાં હિત જોખમાતાં હોય એવા અન્યાય સામે અંગત લાભાલાભનો વિચાર કર્યા વગર તમે હંમેશાં લડતો આપી. એ લડતમાં પ્રતિષ્ઠિત પદની નોકરી કે જીવનું જોખમ પણ કેમ ના હોય ! લડાઈ સ્થાનિક માફિયા સામે કે વગદાર રાજકારણીઓ સામે કે આંતરરાષ્ટ્રીય ગુનેગાર સામે પણ હોય, અને લડત છોડી દેવા માટ ઓફર થયેલા મોટા આર્થિક પ્રલોભનોને ય તમારા જેવો સિદ્ધાંતનિષ્ઠ નિર્મોહી માણસ જ ઠુકરાવી શકે ને ! કોઇ પણનું દુ:ખ સાંભળીને ધ્રુસકે રડતા ને બનતું કરી છૂટતા, તમે મોટા માણસની ખોટી વાતો ખુલ્લી પાડવામાં જરા ય ડરતા કે ખચકાતા જ નહીં. એટલે જ દોસ્તોની યાદીની જેમ જ તમારા દુ:શ્મનોની યાદી પણ મોટી હતી.
આંતરરાષ્ટ્રીય દાણચોરો અને સરહદ પરની વિવાદાસ્પદ પ્રવૃતિઓનો પર્દાફાશ કરવા રાતોની રાતો હથેળીમાં જીવ લઇને કચ્છનાં રણ અને સરહદ વિસ્તારોને ખૂંદી વળતા, તમે પાછા ફિલ્મલાઇનના તમારા નજીકના દોસ્ત જેવા કે રાજકપૂર, કમાલ અમરોહી કે ગુરુદત્ત જેવા દિગ્ગજો સાથે મહેફિલ જમાવી જે ગહનતાથી ફિલ્મ વિષયક પાસાઓની ચર્ચા કરી શકો, એટલી જ સહજતાથી ઓફિસનો પટાવાળો જાણે સમકક્ષ હોય, એમ એની સાથે મજાકમસ્તી કરતાં કરતાં એક ચાની અડધી અડધી પી શકો ! આ તમારી સરળતા કે તમને તમારી બજાર મૂલ્ય જેમ વર્તતા ના આવડ્યું!!
તમારી વિશેની આ અને આવી ઘણી વાતો તમારા દોસ્તો એવા વિવિધ ક્ષેત્રના નામાંકિત 114 વ્યક્તિઓએ જણાવી છે, જેને તમારા સંસ્મરણોના સ્મૃિતગ્રંથ રૂપે શિવભાઈનાં જ્યેષ્ઠ દીકરી મીનાક્ષી ચાંદારાણા અને જમાઇ અિશ્વન ચંદારાણાએ સંપાદિત કરી છે, "અહીંથી ગયા એ રણ તરફ ..”. તમારા પ્રત્યેની વિશેષ લાગણી અને આદરભાવને કારણે બધાએ તમને ખૂબ લાડ લડાવ્યા છે. તમારા વિશે વાંચતા વાંચતા કયારેક આંખો વરસી પડે છે, તો ખુમારીના કિસ્સાઓ પોરસ ચડાવે છે અનેસંઘર્ષની વાતો હૃદયને હચમચાવી નાંખે છે.
આ સ્મૃિતગ્રંથ પણ તમને સાચા અર્થમાં તર્પણ અંજલિ આપતો હોય એમ, વિશ્વવિખ્યાત અમેરિકન નેશનલ કોંગ્રેસ લાઈબ્રેરીએ 2014નાં વરસમાં , "best regional lungage" category માટે આ પુસ્તકને પસંદ કર્યું છે !
આ બધા ઉપરાંત, શિવભાઈ, .. આજ મારે કહેવું છે, એ જુદું છે :
આજે 24th June. નવ નવ વર્ષ નાં વહાણાં વીતી ગયાં તમારા ગયા ને … અને આ નવ વરસોમાં એક પણ દિવસ એવો ક્યાં ગયો છે કે તમે યાદ ન આવ્યા હો ! કાશ, તમે હતા ત્યારે તમને આટલા યાદ રાખ્યા હોતે … સમયનું ચક્ર ફરી ગયા પછી ક્યાં કશુ આપણાં હાથમાં હોય છે, સિવાય અફસોસ !!
તમે હતા ત્યારે તમને ઘણું બધું કહેવાનું, કરવાનું ચૂકી ગઇ હું. તમને ય અમારી જરૂર હોય, અમારાં લાગણીભર્યા બે મીઠાં બોલની કે થોડાક જતનની જ, આટલું કેમ ના સમજાયું ! મારી જવાબદારીઓમાં જ હંમેશાં અટવાતી અટવાતી, એ જ ભૂલી ગઇ કે મારી સાથે સાથે તમે માબાપ પણ મોટાં, વૃદ્ધ થઈ રહ્યાં હોય છે અને ક્યારેક અચાનક બીજા પડાવ તરફ કાયમી પ્રયાણ કરે એ પહેલાં તમારી સાથે થોડું તો જીવી લઉં, આ સત્ય પણ તમારા ગયા પછી સમજાયું !
હા, શિવભાઈ, .. ને એ દિવસે તમે તો ગયા .. તમારું મૃત્યુ ! માનવું ના ગમે એવું, સત્ય તો ખરું જ ને !
પણ શિવભાઈ, તમારું મૃત્યુ સંભવી શકે ખરું ! તમારું વ્યક્તિત્વ, વિચારો, તમારી સારપ પરોપકારિતા, વિદ્વતા અને સરળતા. આ સદ્ગુણોનું સંયોજન એટલે જ સાધુત્વ ! ચેતનાની ચિનગારીઓ .. એની ઊર્જા ક્યારે ય નષ્ટ ના થઇ શકે !!
તમારાં આ ગુણોના વારસાઈ હકો મેળવવામાં હું ક્યાં ય ચૂકી તો નથી જાતી ને ? મારી ભીતરની અદાલતમાં એ દ્વંદ્વ સતત ચાલે ! મારે તમારો આ વારસો જોઈએ છે અને માત્ર મારા પૂરતો જ નહીં, કિન્તુ મારી આવનારી પેઢીમાં પણ એ વહેંચીને તમને જીવાડવા છે મારે, શિવભાઈ. .. .. ક્યારેક કોઈ નાની એવી મદદ જરૂરિયાતમંદને કરી શકું, કોઈ બાબતે, ખુમારી કે આત્મસમ્માન સાથે બાંધછોડ ના કરું એ હિમ્મત કેળવી શકું, કે નાની એવી વાર્તા કે કવિતા લખી શકું, ત્યારે ત્યારે સમજુ કે શિવભાઈનું ભૂત મારામાં હજુ ધૂણે છે !!
તમારો નિર્મોહી સ્વભાવ, નિસ્પૃહતા, અલગારીપણું અને સત્યનો અને સિદ્ધાંતોમાં બાંધ છોડ ન કરવાના અત્યાગ્રહને કારણે સ્વજનોનાં કુટુંબહિત પણ જોખમાયાં છે, તમારામાં પણ માનવસહજ ઘણી નબળાઈઓ અને તમારા સામે કૈક ફરિયાદ હોવાં છતાં ય મને ખબર છે કે તમે માત્ર શ્રેષ્ઠ પિતા જ નહીં, કિન્તુ વાર્તાઓમાં આવતા આદર્શ નાયકની જેવા, નિડર, પ્રેમાળ, દયાળુ, સત્યપ્રિય યોદ્ધા હતા.
શિવભાઈ, તમે જ્યાં પણ હો, તમને જનમોજ્નમ ન મળેલા હોય એ બધા જ સુખો પ્રાપ્ત થાય, એવી ઇશ્વર ને સતત વિનંતિ … અને તમારી લાડલી દીકરી હું .. આ સૌભાગ્ય મારુ જન્મોજ્ન્મ બની રહો.
સૌજન્ય : https://www.facebook.com/himadri.dave.14/posts/1353933994704791
મીનાક્ષીબહેન ચંદારાણા જણાવે છે : ‘એમનાં સંસ્મરણોથી ભરેલું અમારું પુસ્તક 'અહીંથી ગયા એ રણ તરફ' Shivkumar.wordpress.com પર વાંચી શકાશે! અહીંથી ગયા એ રણ તરફ -શિવકુમાર આચાર્યના સંસ્મરણો એક મલંગનાં મરસિયાં
![]()

