સર્વોચ્ચ અદાલતમાં અત્યારે જે યાદવાસ્થળી ચાલી રહી છે એ જોઈને એમ માનવાનું મન થાય છે કે સર્વોચ્ચ અદાલતની ઉપર હજી એક અદાલત હોત તો કેવું સારું !
અત્યારે જે બની રહ્યું છે એ અચાનક નથી બન્યું. આ તો વર્ષોથી જે સ્થિતિ બની છે એની ચરમસીમા છે. સર્વોચ્ચ અદાલતના જજો કેટલીક બાબતે આંખ આડા કાન કરે છે. સર્વોચ્ચ અદાલતના જજો ભીંસમાં ન આવે ત્યાં સુધી પારદર્શકતા અને જવાબદેહી (અકાઉન્ટેિબલિટી) દાખલ કરતા નથી. કોલેજિયમની નિષ્ફળતા આનું ઉદાહરણ છે. કલકત્તાની વડી અદાલતના ન્યાયમૂર્તિ દિનકરનનાં તોફાનો અને નાસી જવાની ઘટના તો તાજી છે. સર્વોચ્ચ અદાલત મોકો મળે ત્યારે અને કેટલીક વાર તો વગર કારણે સરકાર પર તૂટી પડે છે અને એના અખત્યાર ઝૂંટવી લઈને મર્યાદાભંગ કરે છે. સર્વોચ્ચ અદાલત સમલિંગીઓના નાગરિક અધિકારોની બાબતે હાથ ઊંચા કરી દે છે તો બીજી બાજુ સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવું જોઈએ અને પ્રેક્ષકે ફરજિયાત ઊભા થઈને આદર આપવો જોઈએ એવા વાહિયાત ચુકાદાઓ આપે છે. સર્વોચ્ચ અદાલતના કે વડી અદાલતોના જજો સામે જ્યારે પણ ભ્રષ્ટાચારના કે ગેરરીતિના આરોપ થાય છે ત્યારે એની તપાસ કરીને એને તાર્કિક પરિણતી સુધી લઈ જવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી.

દેશના એક મુખ્ય ન્યાયમૂર્તિ તડીપાર રાજકારણીને રાહત આપીને નિવૃત્તિ પછી રાજ્યપાલ બને છે તો બીજા એક મુખ્ય ન્યાયમૂર્તિ નિવૃત્તિના કલાક પહેલાં મેડિકલ કૉલેજોને પોતાની રીતે પ્રવેશ આપવાનો અધિકાર આપીને જતા રહે છે. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતમાં ચુકાદો આપે એ પહેલાં કેટલીક મેડિકલ કૉલેજોની વેબસાઇટ પર એ ચુકાદો મૂકી દેવામાં આવ્યો હતો. વિદ્વાન રાજકીય સમીક્ષક અને અશોક યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રતાપ ભાનુ મેહતા કહે છે એમ સર્વોચ્ચ અદાલતે રૂલ ઑફ લૉને રૂલ ઑફ કોર્ટમાં ફેરવી નાખ્યો અને હવે રૂલ ઑફ કોર્ટને રૂલ ઑફ જજોની મુનસફીમાં ફેરવી નાખ્યો છે. આ શ્રેણીમાં એક કેસમાં દેશના અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા નૈતિકતાની ભીંસમાં આવ્યા છે. આ અદાલત છે અને અદાલતોમાં નૈતિકતાની એરણ બીજી કોઈ પણ એરણ જેટલું જ મહત્ત્વ ધરાવે છે.
કેસની વિગત એવી છે કે મેડિકલ કાઉન્સિલ દ્વારા બ્લૅકલિસ્ટેડ કરવામાં આવેલી લખનઉની લખનઉ મેડિકલ કૉલેજના માલિકો મેડિકલ કાઉન્સિલનાં પગલાંને અદાલતમાં પડકારવા માગતા હતા, પરંતુ તેમને અનુકૂળ ચુકાદો જોઈતો હતો. તેમને ખાતરી હતી કે મેરિટ પર તેમનો અદાલતમાં વિજય થઈ શકે એમ નથી. પિટિશનમાં અનુકૂળ ચુકાદો મળે એ માટે કૉલેજોના માલિકોએ ઓડિશાની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ આઇ.એમ. કુદ્દુસીનો સંપર્ક કર્યો હતો અને કુદ્દુસીએ તેમને વડી અદાલત શું, સર્વોચ્ચ અદાલતમાં પણ અનુકૂળ ચુકાદો અપાવવાની ખાતરી આપી હતી. ન્યાયમૂર્તિ કુસુદ્દીએ લખનઉ મેડિકલ કૉલેજના માલિકોને સર્વોચ્ચ અદાલતમાં પિટિશન કરવાની સલાહ આપી હતી.
મેડિકલ કાઉન્સિલે લખનઉ મેડિકલ કૉલેજ સહિત ૪૬ કૉલેજોને બ્લૅકલિસ્ટેડ જાહેર કરી હતી. આ મામલો જાહેર હિતનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતો ગંભીર ભાસે એ માટે તમામ બ્લૅકલિસ્ટેડ કૉલેજોના માલિકો સાથે મળીને સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. સપ્ટેમ્બર મહિનામાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળ સર્વોચ્ચ અદાલતની બેન્ચે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે મેડિકલ કાઉન્સિલના આવા આકરા પગલાને રિવ્યુ કરવામાં આવે. દરમ્યાન ન્યાયમૂર્તિ કુસુદ્દીની દલાલીનું પ્રકરણ બહાર આવ્યું હતું અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેિસ્ટગેશને તેમની ધરપકડ કરી હતી. આ પ્રકરણ જ્યારે બહાર આવ્યું અને એમાં ન્યાયમૂર્તિઓની ખરીદી-વેચાણની વાતો જાહેર થઈ ત્યારે દિલ્હીની કૅમ્પેન ફૉર જુડિશ્યલ અકાઉન્ટેિબલિટી ઍન્ડ જુડિશ્યલ રિફૉર્મ્સ નામની સંસ્થાએ આખા પ્રકરણની તપાસ સ્પેશ્યલ ઇન્વેિસ્ટગેશન ટીમ કરે એવી માગણી કરતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી હતી.
પિટિશન ન્યાયમૂર્તિ જે. ચેલામેશ્વરની અદાલતમાં સુનાવણી માટે આવી હતી અને ન્યાયમૂર્તિ ચેલામેશ્વરે પિટિશનરોની માગણી સ્વીકારીને સિનિયરમોસ્ટ પાંચ જજોની બેન્ચની રચના કરવાની જાહેરાત કરી હતી. સમસ્યા હવે આવી હતી. પિટિશનરોના વકીલ પ્રશાંત ભૂષણે માગણી કરી હતી કે બેન્ચમાં મુખ્ય ન્યાયમૂર્તિ ન હોવા જોઈએ, કારણ કે તેમણે સપ્ટેમ્બર મહિનામાં મેડિકલ કૉલેજોને બ્લૅકલિસ્ટેડ કરવાના મેડિકલ કાઉન્સિલના નિર્ણયને રિવ્યુ કરવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે અહીં કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો મુદ્દો આવે છે એટલે મુખ્ય ન્યાયમૂર્તિએ પોતે જ ખસી જવું જોઈએ. જે વાત અદાલતમાં કહેવામાં આવી નહોતી, પરંતુ જે અદાલતની બહાર છૂટથી કરવામાં આવી રહી છે એ એવી છે કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ધરપકડ કરાયેલા ન્યાયમૂર્તિ કુસુદ્દી જે અદાલતમાં કામ કરીને નિવૃત્ત થયા એ ઓડિશાના વતની છે. અહીં ઇશારો સાફ છે.
મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને પ્રશાંત ભૂષણની માગણીને કારણે ઠેસ પહોંચે એ સ્વાભાવિક છે. જો કે કોઈ જજને ચોક્કસ કેસમાંથી રેસ્ક્યુ (મુક્ત કરવાની – દૂર રાખવાની) કરવાની માગણી કરવામાં આવે એ અદાલતી ઇતિહાસમાં કોઈ નવી વાત નથી. વાદી કે પ્રતિવાદી સગો થતો હોય કે પછી તેની સાથે જજના કોઈ હિતસંબંધ હોય તો એવા જજને રેસ્ક્યુ કરવાની માગણી કરવામાં આવે છે. કેટલીક વાર જજ પોતે સામે ચાલીને સગપણ કે હિતસંબંધ જાહેર કરીને ખસી જતા હોય છે. મુંબઈની વડી અદાલતના એક જજ મારી પાસે પ્રતિવાદી કંપનીના પાંચ શૅર છે એમ કહીને સુનાવણીમાંથી હટી ગયા. આ પાછું નૈતિકતાનું બીજું અંતિમ હતું. એ જજસાહેબ કૉન્ફ્લિક્ટ ઇન્ટરેસ્ટના ઉદાત્ત કારણે નહોતા ખસી ગયા, પરંતુ ઇન્ટરેસ્ટ જાળવી રાખવા કે વધારવા ખસી ગયા હતા.
મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને માઠું લાગ્યું એનાં ત્રણ કારણો હતાં. એક તો એ કે ૪૬ કૉલેજોને બ્લૅકલિસ્ટેડ કરવાના મામલાને કેન્દ્ર સરકાર રિવ્યુ કરે એવો આદેશ રાબેતાનો હતો. આટલી બધી કૉલેજો હોય અને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય તો જરા તપાસી લો કે કોઈ મોટા કારણ વિના મેડિકલ કાઉન્સિલે આકરો નિર્ણય તો નથી લીધોને? આમાં કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ જોવો એ વધારે પડતું હતું. બીજી બાજુ પ્રશાંત ભૂષણની દલીલ એવી હતી કે સોયની અણી જેટલી શંકા પણ પાછળ બચવી ન જોઈએ અને એમાં ન્યાયતંત્રનું ભવિષ્ય છે. ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને માઠું લાગ્યું એનું બીજું કારણ એ હતું કે અદાલતની બહાર તેમના ઓડિશા-કનેક્શન વિશે ઇશારતો થતી હતી અને એ તેમના કાન સુધી આવતી હતી. ત્રીજું કારણ એવું હતું કે સર્વોચ્ચ અદાલતના બ્રધર જજ ચેલામેશ્વરે પાંચ જજોની બેન્ચની રચના કરવાની જાહેરાત કરતાં પહેલાં મુખ્ય ન્યાયમૂર્તિ સાથે સલાહ-મસલત કરવી જોઈતી હતી. કયો કેસ કોણ સાંભળશે એ નક્કી કરવાનો અખત્યાર મુખ્ય ન્યાયમૂર્તિનો છે. એની જગ્યાએ ન્યાયમૂર્તિ ચેલામેશ્વરે બંધારણના આર્ટિકલ ૧૪૫(૩)ને ટાંકીને કહ્યું હતું કે ખટલો સાંભળવા બેન્ચની રચના કરવાનો તેમને અધિકાર છે.
સંજોગો એવા બન્યા કે પહેલાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને પ્રશાંત ભૂષણ વચ્ચે અથડામણ થઈ અને એ સાથે જ બ્રધર ન્યાયમૂર્તિ ચેલામેશ્વર સાથે અથડામણ થઈ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ સાત જજોની બેન્ચ રચવાની જાહેરાત કરી હતી અને સર્વોચ્ચ અદાલતમાં આંતરિક અથડામણમાં સિનિયર જજો વહેંચાઈ ગયા હતા. હવે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે કયા ખટલાની સુનાવણી કોણ કરશે એની તેમ જ બંધારણીય બેન્ચની રચના કરવાનો અધિકાર મુખ્ય ન્યાયમૂર્તિનો છે. આ ચુકાદો સર્વોચ્ચ અદાલતની એક બેન્ચનો સર્વોચ્ચ અદાલતની બીજી બેન્ચની વિરુદ્ધ છે. આવું આ પહેલાં ભારતીય અદાલતી ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી.
જે મામલો સુનાવણી માટે આવ્યો એ નિમિત્તમાત્ર છે, પરંતુ જે પરિણામ આવ્યું એ એક દિવસ આવવાનું જ હતું. પ્રારંભમાં કહ્યું એમ સમસ્યાઓને કાર્પેટ હેઠળ ધકેલતા જઈએ તો એક દિવસ એ ઉકરડો બનીને બહાર આવે. કેટલી વિકટ સમસ્યાઓ છે ન્યાયતંત્ર સામે જેની પ્રારંભમાં વાત કરવામાં આવી છે. બહુ આળા થવા કરતાં અને વધારે આક્રમક બન્યા વિના સર્વોચ્ચ અદાલતે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને ધીરે-ધીરે પણ દૃઢતાપૂર્વક સુધારાઓ કરતા જવા જોઈએ. ન્યાયમૂર્તિ દિનકરન અને ન્યાયમૂર્તિ કુસુદ્દી વડી અદાલતો સુધી પહોંચી જાય છે અને ન્યાયમૂર્તિ આલ્તમાસ કબીર અને ન્યાયમૂર્તિ સદાશિવમ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનવા સુધી આગળ પહોંચી જાય છે ત્યારે જરૂર વ્યવસ્થામાં કોઈ ખામી છે.
આજે જે ન્યાયતંત્ર સાથે થઈ રહ્યું છે એ આવતી કાલે મીડિયા સાથે થવાનું છે. તમારી વચ્ચે બ્લૅક શીપ હોય અને તમે આંખ આડા કાન કરો એ કેટલા દિવસ ચાલે?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાત મિડ-ડે”, 16 નવેમ્બર 2017
![]()


હમણાં જ, ૨૦૧૮થી ૨૦૨૦નાં ત્રણ વર્ષ માટે સિતાંશુ યશશ્ચંદ્ર બહુમતીથી પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા (જન્મ – ૧૯૪૧) ગુજરાતી ભાષાના, આ સમયના સર્વોત્તમ કવિ છે, નાટ્યકાર છે. અને વળી ભારતમાં ને દુનિયાભરમાં જાણીતા વિદ્વાન વક્તા છે – દેશની અને પરદેશની યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે એ અવારનવાર નિમંત્રણો પામ્યા છે – જેમ કે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં, પૅરિસની Sorbonne યુનિવર્સિટીમાં, અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં, વગેરે.
‘પ્રત્યક્ષ’ પુસ્તકો વિશેનું એકમાત્ર ગુજરાતી સામયિક છે. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ વિવેચક રમણ સોનીના સંપાદન હેઠળ આ સામયિક ગયાં ચોવીસેક વર્ષથી ધ્યેય અને ગુણવત્તાનાં સાતત્યથી પ્રકાશિત થાય છે. દર ત્રણ મહિને બહાર પડતા, પુસ્તક-અવલોકનના આ સામયિકના અત્યાર સુધીના ત્રાણું અંકોમાં નવસો જેટલાં નવાં ગુજરાતી પુસ્તકો વિશે લેખો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આવકાર તરીકે તેણે ત્રણેક હજાર પુસ્તકો વિશે લખ્યું છે. તેના માટેનો વિભાગ છે ‘પરિચય-મિતાક્ષરી’. નમૂના તરીકે એક પુસ્તક માટેની નોંધ તેના નવા અંકમાંથી જોઈએ : ‘રંગભૂમિ ૨૦૧૪’ – ઉત્પલ ભાયાણી. ઇમેજ, મુંબઈ-અમદાવાદ, ૨૦૧૪. ક્રાઉન સાઇઝ. પાનાં ૧૫૨, રૂ.૧૫૦. રંગભૂમિનાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી નાટકો વિશેના લેખો.’ આવી પાયાની વિગતો સાથે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, નિબંધ, બાળસાહિત્ય, વિવેચન, લોકસાહિત્ય, ઉપરાંત વિજ્ઞાન, માનવવિદ્યાઓ, પત્રકારત્વ સહિતનાં અનેક ક્ષેત્રોનાં ગુજરાતી પુસ્તકોનાં આગમનની જાણ ‘પ્રત્યક્ષ’ વાચકોને કરતું રહે છે. એ અર્થમાં આ ત્રૈમાસિક વાચકને ‘સર્જાતા સાહિત્યના સીધા સંપર્કમાં મૂકી આપનાર હાથપોથી જેવું’ બને છે.
આ રમણ સોની ન હોત તો દરેક સાહિત્યપ્રેમીની દુનિયાને ન્યાલ કરનાર સામયિક ન મળ્યું હોત. સિત્તેરની નજીક પહોંચેલા ગુજરાતીના પૂર્વ અધ્યાપક, કોશનિષ્ણાત અને સૂચિકાર રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના કેવાં ‘લાડ લડાવ્યાં છે’ તે દરેક અંકની માવજત પરથી ધ્યાનમાં આવે છે. કોઈ સંસ્થાના ટેકા કે અનુદાન વિના ચાલતા આ ‘દુસ્સાહસ’ માટે તેમણે વ્યક્તિગત આર્થિક ખોટ પણ એક કરતાં વધુ વખત વેઠી છે. તેમને સાથ આપનાર સૂચિકારો, અભ્યાસીઓ, લેખકોનો યથોચિત ઋણસ્વીકાર રમણભાઈ કરે છે. છતાં દરેક અંક પર મુદ્રા તો તેમની જ અંકાયેલી છે. પુસ્તકો વિશેના ખજાના જેવા ‘ગ્રંથ’ માસિક (૧૯૬૪-૮૫) અને તેના સંપાદક યશવંત દોશી એકબીજાનાં પર્યાય હતા. ‘પ્રત્યક્ષ’ અને રમણ સોનીનું એમ જ છે. ‘ગ્રંથ’ નો વિશાળ વિષયપટ ‘પ્રત્યક્ષ’ માં હોય એવું આપણા બૌદ્ધિક જગતની કેટલીક મર્યાદાઓ છતાં રમણભાઈની ક્ષમતાને કારણે અને વિક્લ્પોને અભાવે લાગ્યા કરે છે. સાહિત્યનાં પુસ્તકોના ચાહક માટે પવનની લહેરખી જેવાં ‘પ્રત્યક્ષ’ થકી નવાં પુસ્તકોની સુવાસ આપણા સુધી પહોંચતી જ રહે છે.

