જગલાની વારતા અને ભગલાની વારતા,
લીરા થયેલ ચોરણી, ડગલાની વારતા.
લુચ્ચાઈની સફેદી ને કાળાશનું બયાન,
એક કાગડો કહી રહ્યો બગલાની વારતા.
કૈં વાર સાંભળી બહેરા, કાન થૈ ગયા,
આ જિંદગી છે વાઘ ને સસલાની વારતા.
દુકાળિયાના દેશમાં જીવી રહી હજુ –
તું ધન્ય છે હે, ધાન્યના ઢગલાની વારતા!
રસ્તો કહેશે ધૂળની ભાષા મહીં કદી –
રસ્તે પડ્યાં નથી જ એ પગલાંની વારતા.
સૌ સાંભળે પણ કોઈ ન હોંકારો આપતું;
રઘલો કહે ગરીબીના ગગલાની વારતા.
મહુવા, ભાવનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 05
![]()


સયાજીરાવ ગાયકવાડ(૧૮૬૩-૧૯૩૯)ની ૧૭૫મી જન્મજયંતી તા.૧૧ માર્ચ, ૨૦૧૮ના રોજ ઊજવાઈ. સયાજીરાવ માત્ર વડોદરા રાજ્યના મહારાજા ન હતા, તેઓ સાંસ્થાનિક ભારતના એક મોટા ગજાના ભારતીય નેતા હતા. તેમણે સંગીત, સાહિત્ય, ચિત્રકલા, પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને વ્યાપારઉદ્યોગને ઉત્તેજન આપ્યું હતું. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. દાદાભાઈ નવરોજી, રોમેશચંદ્ર દત્ત અને મહાદેવ ગોવિંદ રાનડેની જેમ તેઓ મોટા ગજાના આર્થિક રાષ્ટ્રવાદી હતા, એટલું જ નહીં પણ એમણેે પરંપરાગત ગૃહઉદ્યોગો તથા નવી ટેક્નોલૉજીને આધારે આધુનિક ઉદ્યોગો વિકસાવીને પરાધીન ભારતને સ્વનિર્ભર કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા. તેમનો આર્થિક રાષ્ટ્રવાદ તેમની શૈક્ષણિક અને સામાજિક નીતિઓ વગર સમજી શકાય તેમ નથી. ૧૯૦૨માં સયાજીરાવે કૉંગ્રેસના અધિવેશનની સાથે અમદાવાદમાં યોજાયેલા ઔદ્યોગિક પ્રદર્શનમાં કહ્યું હતું : “જો આર્થિક રાષ્ટ્રવાદનો ઉદ્દેશ વિકાસનો હોય, તો છેવટે આ વિકાસ કોને માટે છે? વિકાસનો લાભ ગરીબો સુધી પહોંચવો જ જોઈએ.”