અમેરિકાના ગાંધી તરીકે પંકાયેલ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની પચાસમી પુણ્યતિથિએ તેમની બે ઉક્તિઓ સંભારીએ:
“શિક્ષણનું મહત્ત્વ માત્ર બુદ્ધિશાળી બનવામાં સીમિત નથી રહેતું, પરંતુ સામાજિક જીવન જીવવા માટે સક્ષમ બનવાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું પણ છે.” તેમણે દરેક વ્યક્તિ સઘન અને વિવેચનાત્મક દ્રષ્ટિકોણની રીતે વિચારતી થાય તેવું ઘડતર કરવામાં શિક્ષણ પ્રથા શું ભાગ ભજવી શકે તેના પર ભાર મુકેલો. પોતાના એક નિબંધમાં માર્ટિન લ્યુથર કિંગ કહે છે, “બુદ્ધિ ક્ષમતાનો વિકાસ વત્તા ચારિત્ર્ય ઘડતર એ જ શિક્ષણનું સાચું લક્ષ્ય છે.” તેઓએ શિક્ષકો અને કોલેજના અધ્યાપકોને ચેતવણી આપેલી કે જો ખ્યાલ નહીં રાખવામાં આવે તો તેઓ ‘સંકુચિત માનસવાળા, અવૈજ્ઞાનિક વલણ ધરાવનારા, તર્ક વિનાના પ્રચારકોનો સમૂહ પેદા કરશે, જે અનૈતિક કાર્યોમાં પ્રવૃત્ત થઇ જશે.”
MLKનું આ વિધાન આજે અર્ધી સદી કરતાં ય વધુ વર્ષો પછી સાચું પડતું જણાય છે. સારાયે વિશ્વમાં જાણે ‘ભણતર’નો વ્યાપ વધ્યો છે, પણ સુસંસ્કૃત, મજબૂત બાંધાનાં ચારિત્ર્યવાન સ્ત્રી-પુરુષોનું ઘડતર નથી થતું.
આજે જ્યારે દુનિયાના લગભગ બધા દેશોમાં સત્તાની સાઠમારી અને તે ટકાવી રાખવાના મરણિયા પ્રયાસોનું વરવું પ્રદર્શન જ માત્ર નહીં, તેની હરીફાઈ પણ યોજાઈ રહી છે, ત્યારે MLKનું આ વિધાન વિચાર કરતા કરી મૂકે છે. તેમણે કહેલું, “અમેરિકાના ભગ્ન સમાજને જોડવા આપણને સત્તા પ્રત્યેના પ્રેમને બદલે પ્રેમની સત્તાની જરૂર છે.”
આ વિધાન કયા દેશના રાજકારણીઓ, સત્તાધીશો કે વહીવટદારો માટે સાચું નથી? પ્રેમ અને સત્તા શબ્દોની અદલાબદલીને પરિણામે સ્વર્ગ જેવી ધરતી પર નર્ક સર્જાઈ જશે તેનું એ આર્ષદ્રષ્ટાને પૂરેપૂરું ભાન હતું, માત્ર આપણે તેમને અનુસર્યા નહીં.
આજે માર્ટિન લ્યુથર કિંગના જીવન-કાર્યને સ્મરીને તેમના કંડારેલા પંથે ચાલવાની પ્રતિજ્ઞા લઈએ. તો જ માનવ અધિકારોની રક્ષા કરવા માટેના પ્રયાસો માટે આપણે ગાઇ શકીશું :
‘હમ હોંગે કામયાબ એક દિન’
https://www.youtube.com/watch?v=obYDlF8KmEA
e.mail : 71abuch@gmail.com
![]()



સમાજશાસ્ત્રીય ખુલાસાઓ કરવામાં આવતા હતા, જાગતિક વિમર્શ ચાલતો હતો; પણ કોયડારૂપ પ્રશ્ન તો મનમાં હતો જ કે આવું બને કેવી રીતે? હવે એનો ઉત્તર મળી ગયો છે. એ સોશ્યલ મીડિયાનો પ્રભાવ નહોતો, સોશ્યલ મીડિયા દ્વારા કરવામાં આવેલું માનવચિત્તનું એન્જિનિયરિંગ હતું. બ્રિટનમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકા નામની એક ખાનગી કંપની સ્થપાઈ જેણે પોતાના ક્લાયન્ટોને સમજાવવાનું શરૂ કર્યું કે સોશ્યલ મીડિયા એક એવું પ્લૅટફૉર્મ છે જેનો ખપ પ્રજામાનસને પ્રભાવિત કરવા પૂરતો જ નથી, પરંતુ તેના દ્વારા પ્રજામાનસનું એન્જિનિયરિંગ પણ કરી શકાય છે. ટાર્ગેટેડ રિઝલ્ટ મેળવી શકાય એમ છે.
કૅમ્બ્રિજ ઍનૅલિટિકામાં ક્રિસ્ટોફર વાઇલી નામનો એક યુવક કામ કરતો હતો. એક દિવસ તેના અંતરાત્માએ તેને સવાલ પૂછ્યો કે તું શું કરી રહ્યો છે અને તેણે વટાણા વેરી નાખ્યા. અત્યારે તે બ્રિટિશ સંસદ સમક્ષ જુબાની આપી રહ્યો છે. જુબાનીમાં તેણે કહ્યું છે કે બ્રેક્ઝિટના લોકમત વખતે અને અમેરિકન પ્રમુખની ચૂંટણી વખતે કંપનીએ ફેસબુકના ડેટા મેળવીને મતદાતાઓનું એન્જિનિયરિંગ કર્યું હતું. ભારતમાં ૨૦૧૪માં કૉન્ગ્રેસનો પરાજય થાય અને નરેન્દ્ર મોદી વિજયી બને એ માટે એક અબજોપતિ અનિવાસી ભારતીયે કંપનીની સર્વિસ ખરીદી હતી. તેણે કહ્યું હતું કે ઘણું કરીને કૉન્ગ્રેસ માટે પણ કંપનીએ કામ કર્યું હતું. તેણે JD-Uનું નામ પણ આપ્યું છે જે સ્વાભાવિક છે, કારણ કે JD-Uના નેતાનો પુત્ર ભારતમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની સબસિડિયરી કંપનીનો માલિક છે.